બહેરી બૈરીએ બાથરુમમાં પુર્યો- વાર્તા- નવીન બેન્કર
તમે કલ્પી શકો છો કે તમે, છત પરની ગરોળીથી ડરી ડરીને, સંડાસમાં કમોડ પર સીસી કરી રહ્યા હો અને અચાનક લાઈટ ગૂલ થઈ જાય અને પુરા બે કલાક સુધી એ અંધકારમાં, ગરોળીના ડર વચ્ચે, અસહાય પુરાઇ રહો તો તમારી શું વલે થાય ?
શાંતિકાકાનો આ અનુભવ જાણવા જેવો છે.
આ શાંતિકાકા ૭૪ વર્ષના વયોવૃધ્ધ સજ્જન છે. સજ્જન તો ના કહેવાય કારણ કે જુવાનીના દિવસોમાં, સંજીવકુમારના વહેમમાં કંઇ કેટલાય ખેલ કરી ચુક્યા છે,પણ પાછલી ઉંમરે, પ્રોસ્ટેટની તકલીફો પછી, હિલોળા લેતા સમુદ્રના મોજાઓ, ઠરીને શાંત થઈ ગયા છે અને તેમની સમવયસ્ક બહેરી બૈરી શાંતા સાથે શેષ જીવન વ્યતિત કરી રહ્યા છે.
હાં…તો, આ શાંતિકાકાને કેન્સરનું ડાયગ્નોસીસ થયું છે. રેડીએશન અને સર્જરિમાંથી પસાર થઈ ચુક્યા છે. બાવન વર્ષના લગ્નજીવન પછી, તેમની નિઃસંતાન પત્ની માટે ભવિષ્યની આર્થિક વ્યવસ્થા કરવા માટે, અમેરિકાથી અમદાવાદ આવ્યા છે. એક જમાનામાં જ્યાં ખુલ્લા ખેતરો હતા અને આંબાના વૃક્ષોથી વનરાજી મહેંકતી હતી એવા સ્થળે તેમણે એક નાનકડુ ૬૪ વારનું ઘર બાંધ્યું હતું અને ભવિષ્યમાં, પોતે રીટાયર થયા પછી, આ ઘરની પછવાડે ખુલ્લા ખેતરમાં, આંબાના ઝાડ નીચે ખાટલો ઢાળીને, પુસ્તકો વાંચતાં વાંચતાં, શેષ જીવન વ્યતિત કરવાના સ્વપ્નો સેવ્યા હતા એ ઘરનું રીનોવેશન કરાવીને , પંદરેક દિવસથી રહેવા માંડ્યું હતું. હવે સ્વપ્નો સેવેલા એ ખેતરો અને આંબાના ઝાડ તો રહ્યા નથી. એની જગ્યાએ ઉંચા બહુમાળી મકાનો ઉભા થઇ ગયા છે.આમ તો શાંતાબેન અને શાંતિકાકા શેષજીવન શાંતિપુર્વક હ્યુસ્ટનમાં વિતાવી શકે તેમ છે પરંતુ હવે, કેન્સરના નિદાન પછી, નિઃસંતાન શાંતિકાકાને પોતાની પત્ની શાંતાના ભવિષ્યની ચિંતા થાય છે કે અરેરે ! એ બિચારી અંગ્રેજી જાણતી નથી, કાને સાંભળતી નથી, ગાડી ડ્રાઇવ કરતી નથી. અરે ! ચેકમાં સહી કરીને પૈસા ઉપાડ્તા પણ એને આવડતું નથી ત્યાં એ એકલી આ દેશમાં કેવી રીતે રહેશે ? એટલે અત્યારથી જ ઇન્ડીયાની નેશનાલાઇઝ્ડ બેન્કોમાં, દર ત્રણ મહીને એના સેવિંગ્ઝ ખાતામાં વ્યાજ જમા થઈ જાય અને અમેરિકાની સોશ્યલ સીક્યોરીટીના પૈસા પણ જમા થતા રહે એવી વ્યસ્થા કરવા, એ અમદાવાદ આવ્યા હતા.
આટલી પુર્વભૂમિકા પછી મૂળ વાત પર આવીએ.
મેનોપોઝની પીડા અને પ્રોસ્ટેટની તકલીફો પછી, ઘણાં સમયથી પતિ-પત્ની સીંગલ બેડમાં, વચ્ચે ટીપોય પર દવાઓની શીશીઓ ગોઠવીને અલગ અલગ જ સુતા હતા જેથી ઓઢવાના ની ખેંચાખેંચ એવોઇડ કરીને શાંતિથી ઉંઘી શકાય.
એ રાત્રે… લગભગ ત્રણ વાગ્યે, પહેલા શાંતાબેન બાથરુમ જવા ઉઠ્યા. બાથરુમમાંથી પાછા ફરતાં, રસોડામાં પાણી પીવા ગયા. પછી તરત જ શાંતિકાકા ઉઠ્યા અને સંડાસમાં ઘુસ્યા અને કમોડ પર પીપી કરવું શરુ કર્યું. રસોડામાં ગયેલા શાંતાબેને સંડાસની લાઈટ ચાલુ જોઇ એટલે એમને થયું કે પોતે લાઈટ બંધ કરવાનું ભૂલી ગયા હશે તેથી એમણે સંડાસની લાઈટ બહારથી ઓફ કરી નાંખી અને સંડાસના દરવાજાને સાંકળ વાસી દીધી અને જઈને પોતાના પલંગ પર, ગોદડુ ઓઢીને સુઇ ગયા.
લાઈટ ઓફ થતાં જ, શાંતિકાકા બુમ પાડી ઉઠ્યા કે ‘અલી શોંતા…હું બાથરુમમાં છું. લાઈટ કર અને સાંકળ ખોલ.’….પણ બહેરી શાંતા ક્યાંથી સાંભળે ?
શાંતિકાકાએ પીપી કરતાં પહેલાં જોયેલું કે એક જાડી મદમસ્ત લીલીછમ ગરોળી કમોડની બરાબર ઉપર, છત પર, વળગેલી હતી. શાંતિકાકાને નાનપણથી ગરોળીની બહુ બીક લાગે એટલે આ મદમસ્ત ગરોળીને જોતાં જોતાં જ એમણે હોસપાઈપ પકડી રાખેલો પણ પ્રોસ્ટેટને કારણે અતિ મંદ ગતિથી…. યુ નો વોટ આઇ મીન !
૭૪ વર્ષના પ્રોસ્ટેટ અને કેન્સર પેશન્ટ એવા શાંતિકાકા જોર જોરથી ‘શોંતા…શોંતાડી, દરવાજો ખોલ’ ની બુમો પાડતા જાય અને જોરજોરથી દરવાજાને ધધડાવતા જાય પણ બહેરી બૈરી ક્યાંથી સાંભળે ? પાછળની સોસાઇટી ‘કામજ્યોત એપાર્ટમેન્ટ’ના રહીશો, ચોકીદાર બધા જાગી ગયા. શાંતિલાલની સોસાઈટીના પાડોશીઓ પણ રાત્રે ત્રણ વાગ્યે જાગી ગયા.
‘અરે…અમને તો રાત્રે ત્રણ વાગ્યે ઉંઘવા દો’… સંડાસના કમોડની ઉપરના વેન્ટીલેટરના કાચમાંથી શાંતિકાકા જવાબો આપે…
પુરા એકાદ કલાક સુધી આ તાયફો ચાલ્યો…એક બાજુ પેલી ગરોળીની બીક..સાલી ગરોળી ફર્શ પર પડી હશે તો ? ટુંકી ચડ્ડી પહેરેલા શાંતિકાકા પેલી ગરોળી એમની લાજ લુંટવાની હોય એમ બે ય હાથે ચડ્ડીને પકડી રાખે અને બુમો તો પાડતા જ જાય…ક્યાંક ગરોળીને એની સહિયર ના મળી જાય !
શાંતિલાલની સોસાઈટીના પડોશીઓ આગળના દરવાજેથી ‘શાંતામાસી..શાંતામાસી’ ના પોકારો પાડે. પાછળની સોસાઈટીના રહીશો શાંતિલાલને ભાંડે …એમ ચાલ્યા કર્યું અને શાંતામાસી સુખપુર્વક ઘસઘસાટ ઉંઘતા રહ્યા….
હારી થાકીને શાંતિલાલે છેવટે પોતાના હથિયારો હેઠા મુકી દીધા અને છેલ્લે છેલ્લે કમોડના વેન્ટીલેટર પાસે જઈને પાછળની સોસાઈટીના રહીશોને કહ્યું-
“મારા અજાણ્યા દોસ્તો…તમે તો કોઇએ મને જોયો નથી કે ઓળખતા નથી. હવે મને લાગે છે કે મારું મોત જ મને છેક અમેરિકાથી અમદાવાદના આ અંધારિયા, ગંધાતા સંડાસમાં મરવા માટે ખેંચી લાવ્યું છે. જેના ભવિષ્યની સલામતિને ખાતર હું અહીં આવ્યો એ મારી, બાવન વર્ષના લગ્નજીવનની સંગિની પણ આ છેલ્લી ઘડીએ મારો અવાજ સાંભળી શકતી નથી. હું એને અલવિદા પણ કહી શકતો નથી. પેલી ગરોળી ગમે તે ઘડીએ મારા આ પાર્થિવ શરીરને સ્પર્શી લેશે અને મારુ શરીર લીલુછમ થવા માંડશે. હું મોતને મારી સમક્ષ જોતો રહીશ અને આટઆટલા પૈસા હોવા છતાં, મેડીકલ સહાય વગર હું મોતને ભેટીશ. હું બાથરુમના દરવાજા પાસે જ સુઇ જાઉં છું. અને મોતની પ્રતિક્ષા કરું છું.
હવે કોઇ બારણાં ખખડાવીને કોઇની ઉંઘ ના બગાડશો.
ફરી જ્યારે મારી પત્નીને બાથરુમ જવાની ચળ ઉપડશે અને એ બાથરુમ ખોલશે ત્યારે એને મારો મૃતદેહ જોવા મળશે.
શાંતાનો કોઇ દોષ નથી. એ બિચારી બહેરી છે. એણે જાણી જોઇને થોડો મને પુરી દીધો છે ? આ તો મારી નિયતી હતી.
દોસ્તો… મારુ મરણ એક વાત કહી જાય છે.. આખી જિન્દગી તમે પૈસા બચાવો, ગણ ગણ કરો, એની વ્યવસ્થા કર્યા કરો પણ નિયતિએ એ પૈસાની વ્યવસ્થા એની રીતે જ કરી રાખી છે. તમે તો એ પૈસાના વ્યવસ્થાપક જ હતા…એમ.ડી. એન્ડર્સન કેન્સર હોસ્પીટલ તમારુ દુઃખ થોડુ હળવુ કરી શકે છે પણ પાંચમની છઠ નથી કરી શકતી.”
શાંતિલાલ શાંતિપુર્વક સંડાસના દરવાજે બેસી પડ્યા. હવે એને પેલી ગરોળીની બીક નહોતી લાગતી. મૃત્યુને ભેટવાની તૈયારી કરી લીધા પછી કોઇ ડર નથી રહેતો.
સવારે પાંચ વાગ્યે, શાંતામાસી ઉઠ્યા, સંડાસનું બારણું ખોલ્યું અને ઝોકુ ખાઇ ગયેલા શાંતિકાકાને જોઇને હેબતાઇ જ ગયા.
હવે ચીસ પાડવાનો વારો એમનો હતો.
આમ તો આટલેથી આ વાર્તા પુરી કરી શકાય. વિવેચકો કહે કે ચોટદાર અંત સાથે વાર્તા પુરી થઈ. પણ ના…
મારી વાર્તાનો અંત આ નથી. શાંતિકાકા ઉંઘમાંથી જાગ્યા હોય એમ ઉભા થયા. બહેરી પત્નીને વળગીને ખુબ રડ્યા. ઘરની બહાર નીકળીને ખુલ્લા આસમાન સામે જોઇને ઉંડા ઉંડા શ્વાસ લીધા. ફરી સંડાસમાં જઈને પેલી છત પર વળગીને ચૉટેલી ગરોળીને જોઇ. ગરોળી આટઆટલી ધમાલ, બુમાબુમ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ શી એમ જ છતને વળગેલી હતી. એ શાંતિકાકાનું મોત બનવા નહોતી આવી.
શાંતિકાકાએ એ ગરોળીને બે હાથ જોડીને પ્રણામ કર્યા.
********************************************************************************************
નવીન બેન્કર- લખ્યા તારીખ- ૨૮ માર્ચ ૨૦૧૫
વાર્તા અંગે આપના અભિપ્રાયો, સુચનો, ચોક્કસપણે આવકાર્ય છે જ.
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ. અહેવાલ- શ્રી. નવીન બેન્કર
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-અહેવાલ- શ્રી. નવીન બેન્કર
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ- અહેવાલ- શ્રી. નવીન બેન્કર
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની યશકલગીમા એક વધુ છોગુ એટલે ‘કાવ્યોત્સવ’ ૨૦૧૪. અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીના અતિથિ વિશેષપદે ઉજવાયેલો ‘કાવ્યોત્સવ’. શિકાગોથી આ પ્રસંગ માટે જ ખાસ પધારેલા કવયિત્રી શ્રીમતી સપના વિજાપુરા, હ્યુસ્ટનના સ્થાનિક પ્રતિષ્ઠિત મહાનુભાવો, સ્થાનિક સર્જક પ્રતિભાઓ અને એટલા જ ઉત્કટ સાહિત્ય પ્રેમીઓએ હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો.
તારીખ ૮મી નવેમ્બર ૨૦૧૪ને શનિવારની સલૂણી સાંજે, ઓસ્ટીન પાર્ક વે પર આવેલા, સીટી ઓફ સુગરલેન્ડના, ફર્સ્ટ કોલોની કોન્ફરન્સ સેન્ટરના વિશાળ હોલમાં, લગભગ દોઢસો જેટલા ગુજરાતી સાહિત્યના પ્રેમીઓની ઉપસ્થિતિ હતી. શરુઆતમાં, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે કવિતાભીનો આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા કહી. સાહિત્ય સરિતાના વડીલ સર્જક ધીરુભાઈ શાહ અને મુરબ્બી શ્રી મુકુંદભાઈ ગાંધીના શુભ હસ્તે દીપ-પ્રાકટ્ય વિધિ સંપન્ન થયો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી. નિખિલ મહેતા સરસ્વતિ વંદના અને શ્રીમતી જ્યોત્સનાબેન વેદે પ્રાર્થનાગીત ગાયું. તે પછી, શ્રી. હસમુખ દોશીએ અમદાવાદના યુવાન કવિ શ્રી. કૃષ્ણ દવેનું અને હ્યુસ્ટનના પીઢ હાસ્યલેખક શ્રી. ચિમનભાઈ પટેલે બ્રિટનથી પધારેલા ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.
બરાબર સાડાત્રણ વાગ્યે શરુ થયેલા આ કાર્યક્રમના પહેલા કવિ હતા- ‘વાંસલડી ડોટ કોમ’ થી જાણીતા થયેલા, કવિશ્રી કૃષ્ણ દવે. આ કવિએ બીજું કશું જ ન લખ્યું હોત અને માત્ર આ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ આજના કવિઓનીહરોળમાં, એક મૂઠ્ઠી ઉંચેરા કવિ ગણાવા માટે પૂરતું હતું. “મૂળ કદી ના ભૂલું વૃક્ષ બનું, આકાશે પહોંચું ઉંડે ઉંડે મારી સાથે બંધાયો છે નાતો,” જેવી હૃદયસ્પર્શી કવિતાથી કૃષ્ણ દવે એ શરુઆત કરી. “આપણે તો આવળ ને બાવળની જાત, ઊગવાનુ હોય ત્યારે પુછવાનું નહીં,” “એક બે પળ મળ્યા તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું,” “તમે મારી સાથે આવો, પહેરી લ્યો પવનપાવડી,” જેવા કાવ્યોની રસછોળ ઉડાડી. શ્રોતાઓને ઇન્વોલ્વ કરતું, મહાભારતના પાત્રોની ઓળખ આપતું કાવ્ય ‘મહાભારત – એક માથાકુટ’ સૌએ મનભરીને માણ્યું અને દરેક પંક્તિ પર પોતાનો પ્રતિસાદ આપ્યો હતો. એવું જ બીજું ગીત હતું- ‘માણસ છે’ પતંગિયાની યે પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે. ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે. સંબંધોની ફાઈલ રાખી, લાગણીઓને લેસરથી કાપે, માણસ છે….જેવી પંક્તિઓ પર શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી દાદ આપી હતી. પોતાની ખુબ જાણીતી કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ રજૂ કર્યા બાદ, બે ત્રણ હળવી કૃતિઓ રજૂ કરીને શ્રોતાઓને આનંદ વિભોર કરી દીધાં.
“મને પણ એવોર્ડ મળે તો સારું! છાશ લેવા જઉં છું ને દોણી નહીં સંતાડું,
મારી વાત તો છાપો, પણ એક એવોર્ડ તો આપો”…..
‘મને તો સ્યુગર કોટેડ જીભ મળી ગઈ, મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ’.
મને ખુદને ઓગાળવાની આ ગાંઠ નડી ગઈ,મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ.
અંતમાં તેમણે રજૂ કરેલી બે કૃતિઓ પર તો શ્રોતાઓ આફરિન પોકારી ઉઠ્યા હતા.
ડાયરી ખુલે ને ડર લાગે, એવું તો કેટલું ય લમણામાં વાગે,પણ માઇક મળે તો કોઇ છોડે ?
છેલ્લી બે વાત કરી લઉં એમ બોલીને પાછો એક કલાક ચાલે, માઈક મળે તો કોઇ છોડે?
બે ઘડી વાતો કરી, દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઇ સંગ ના જઈ શક્યું ને અમે નીકળી ગયા…..કહીને શ્રી કૃષ્ણ દવે માઈક છોડી વિરમ્યા.
ત્યારબાદ, શિકાગોના કવયિત્રી સપના વિજાપુરાનું હ્યુસ્ટનના ડોક્ટર કોકિલા પરીખે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ, તેમણે પણ સ્વરચિત રચનાઓ સંભળાવી હતી.
‘નથી છૂટતું, નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું’ રજૂ કર્યા બાદ તેમણે પોતાનો દીકરો શબ્બીર જયારે બીજી યુનિવર્સિટિમાં અભ્યાસ માટે ગયો ત્યારે લખાયેલું એક હૃદયસ્પર્શી ગીત રજૂ કર્યું ત્યારે તો શ્રોતાગણમાં બેઠેલી દરેક માતાની આંખો ભીની થઈ ગઈ હતી. સપનાબેન પોતાના કાવ્યસંગ્રહો ‘ખુલ્લી આંખના સપના’ અને ‘સમી સાંજના સપના’થી ખુબ જાણીતા છે. તેમના એક કાવ્યસંગ્રહના, ૨૬ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ, અમદાવાદમાં થયેલા વિમોચન પ્રસંગે આ અહેવાલ લેખકને પણ હાજર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું.
માસ્ટર ઓફ સેરિમની એવા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે પોતાની લાક્ષણિક શૈલીમાં, રજૂ કરાયેલા કાવ્યો અંગે, અંકિત ત્રિવેદી અને તુષાર શુક્લ સ્ટાઇલમાં, બે વાતો કરીને,ગુજલીશ ગઝલોના રાજા અને કલાપી એવોર્ડ વિજેતા શ્રી.અદમ ટંકારવીને માઈક સોંપી દીધું. અદમ ટંકારવી એટલે રમુજી ગઝલોના બાદશાહ. એમની દરેક રજૂઆત સાથે સાથે, એ ગુજરાતી કવિઓના એટલા બધા રેફરન્સો આપતા જાય કે એમના વાંચન, બહુશ્રુતપણા અને વિદ્વત્તાનો ખ્યાલ આવે. છેવટે “મેં કંટાળી વાદળીને પૂછ્યું, વરસ્યા વગર કેમ જાવ છો?
વાદળી બોલી ‘ભઈ, વરસી તો પડીયે, પણ તમે ક્યાં કોઇ’દિ ભીંજાવ છો ?”
ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત કવિઓ- રમેશ પારેખ, યોસેફ મેકવાન, ખલિલ ધનતેજવી, મુકુલ ચોક્સી, માધવ રામાનુજ જેવાની કૃતિઓના હવાલા દેતા જાય અને સાથે સાથે પોતાની કૃતિઓ સંભળાવતા જાય. અદમભાઇની ગઝલોનારેફરન્સ સુધ્ધાં લખવા માટે આ અહેવાલના ચારપાંચ પાનાં પણ ઓછા પડે. ગુજરાતની સનમ, બ્રીટનની સનમ અને અમેરિકાની સનમવાળી ગઝલ પર શ્રોતાઓ ખુબ ખુશ થઇ ગયા હતા. ‘પટેલ અને મોટેલ’ની તેમની જાણીતીહાસ્યપ્રેરક ગઝલ ‘જેટલો મોટેલનો વિસ્તાર છે, એટલો આ આપણો સંસાર છે’ રજૂ કર્યા વગર તો અદમભાઇને ચાલે જ નહીં.
હ્યુસ્ટનના ‘નાસા’ ના વૈજ્ઞાનિક અને કવિ શ્રી. કમલેશ લુલ્લાના પુસ્તક, ‘પૃથ્વી એજ વતન’નું વિમોચન આમંત્રિત કવિઓના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટે બંને કવિઓને બિરદાવતા સ્વરચિત કાવ્યોને મઢીને, તેમને અર્પણ કર્યા હતા.
ગુજરાતી સાહિત્ય સરિતાના યુવાન અને બાહોશ પ્રમુખ નવોદિત રચનાકાર શ્રી. ધવલ મહેતાએ કેટલીક ગૌરવની વાતો કરી. તાજેતરમાં હ્યુસ્ટન આવી ગયેલા શ્રી. બળવંત જાનીનો ઉલ્લેખ, ફ્લોરીડા મુકામે ગયા માસમાં યોજાઈ ગયેલા કાવ્યોત્સવમાં સાહિત્ય સરિતાના શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, શ્રીમતિ સરયૂબેન પરીખ ને ડો. ઇન્દુબેન શાહને જે સ્થાન મળ્યું હતું એની વાત અને સહિયારું સર્જન અંગે લિમ્કા બૂક રેકોર્ડમાં આવેલ શ્રી વિજયભાઈ શાહનું નામ વગેરે વાતો કરી હતી. તે ઉપરાંત તેમણે ભવિષ્યમાં આવા સુંદર કાર્યક્રમો અંગે ‘યુએસ નેટવર્ક’ના પોતાના વિઝનનો પણ ખ્યાલ આપ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી. નિખિલ મહેતાએ પણ ખુબ ટૂંકા ને ટચ વક્તવ્યમાં પ્રસંગોચિત રજૂઆત કરી હતી.
અંતમાં, સંસ્થાના ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદે કાર્યક્રમના ઉદ્દાત્ત સ્પોન્સરોનો આભાર માન્યો હતો. નરેન્દ્રભાઈએ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો નવો લોગો અને બેનર ડીઝાઇન કરવા માટે શિકાગો રહીશ અવનીબેન ચોકસી નો આભાર માન્યો હતો. ઉપરાંત, કાવ્યોત્સવમાં પધારનાર મહાનુભાવો, સ્થાનિક સર્જકો, વિશાળ આસ્વાદકો, કમિટીમેમ્બરો, સ્વયંસેવકોનો પણ આભાર માન્યો હતો. સંસ્થા તરફથી હાજર રહેલા સર્વેને સ્વાદિષ્ટ સાંધ્યભોજનનો આસ્વાદ કરાવ્યા બાદ એક સમૂહ તસ્વીર પણ સંસ્થાના સેવાભાવી અને નિઃશુલ્ક ફોટોગ્રાફર શ્રી. જયંતિ પટેલ દ્વારા લેવામાં આવી હતી.
બીજા દિવસે એટલે કે નવેમ્બર, ૯મીને રવિવારની સવારે હ્યુસ્ટનના વલ્લભવિદ્યામંદિર (VVM) ના શ્રીમતિ રચનાબેન શાહની રાહબરી હેઠળ ગુજરાતી શીખતા બાળકો સાથે શ્રી કૃષ્ણ દવેના બાળગીતોનો એક નાનકડો કાર્યક્રમ થયો. બાળકોએ બનાવેલાં મેઘધનુષી રંગના આકર્ષક દીવાઓની રંગોળી માણ્યા પછી બાળગીતો શરું થયાં.ચાંદામામા, ખિસકોલી, ફ્રીઝનું ટામેટું અને કીડીબાઈ વિષેની કવિતાઓ હાવભાવની સુંદર મુદ્રાઓ સાથે રજૂ કરવામાં આવી. થોડું સમજતા અને અનુવાદ દ્વારા વધુ સમજીને ખિલખિલાટ હસતા બાળકોને મઝા આવી. કાર્યક્રમ પૂરો થયા પછી ત્રણ ચાર નાના ભૂલકાઓ છેક દરવાજાની બહાર દોડતા આવ્યાં અને કૃષ્ણ- ભાઇને કાલીઘેલી, ભાંગીતૂટી ગુજરાતીમાં કેવું વહાલભર્યું કહી ગયાં! ‘અંકલ, મને તારું પોએમ બહું ગમ્યું !’ નિર્દોષ હૃદયનું આ વાક્ય મનને સ્પર્શી ગયું અને કવિતાની સફળતા પ્રમાણી ગયું.
સોમવારની સાંજે સર્જકો સાથે ‘કવિતા અને ગઝલ વર્કશોપ’નું આયોજન કરવામાંઆવ્યું હતું.. ડો.રમેશભાઈ અને શ્રીમતિ ઇન્દુબેન શાહના નિવાસ સ્થાને સૌ ગોઠવાઈ ગયાં હતાં. કૃષ્ણ- ભાઇએ દરેકની એકએક કવિતાસાંભળી અને કેટલીક મહત્વનીવાતો સમજાવી. તેમણે કહ્યું કે કવિતા હૃદયમાંથી આવે છે એ સાચું પણ તેમાં કલા હોવીજોઈએ. અંતરનું ભાવવિશ્વ લયબધ્ધ રીતે અને ખુબીપૂર્વક રજૂ થવું જોઈએ. ભીતરની સંવેદનાઓ, અનુભૂતિ, સુંદર કલ્પનો વિચારોની સ્પષ્ટતા,પ્રાસ અને લયયુક્ત શબ્દોની ગોઠવણી આ બધું મળે ત્યારે કવિતા બને. કવિતામાં કશું સીધું ન કહેવાય છતાં યે ભાવકને સમજાઈ જાય તે કવિતા કહેવાય.
તે પછી ‘અદમ’ ટંકારવીએ ગઝલ વિષે વાત શરુ કરી. ગઝલનો અર્થ, બાલાશંકર કંથારિયાથી માંડીને ક્રમિક ઈતિહાસની ઝલક અને સમયની સાથે ગઝલના સ્વરૂપના વિકાસની વાતો અતિ સરળતાથી સમજાવી. તે પછી ગઝલના બાહ્યસ્વરૂપ રદીફ, કાફિયા, બંધારણ અને આંતરિક ભાવોની ચોટ અને ચમત્કૃતિ વિષે દાખલા સહિત સરસ રીતે સમજણ આપી. બારણે ટકોરો થાય, વિસ્મય જાગે અને પછી દ્વાર ઉઘડે તે રીતે ગઝલના મત્લાની શરુઆત થાય અને તે પછી એ ભાવને પૂરક જુદાજુદા સંકેતો/રૂપકોથી ગઝલ આગળ વધે અને દરેક શેર વાંચતા વાંચતા ચોટ અને ચમત્કૃતિની સાથે સાથે એક ‘આહ અને વાહ’ સ્વાભાવિક પણે નીકળે તે ગઝલ તેમ સમજાવ્યું. જાણીતા ગઝલકારોના શેર સાથે આ આખી યે વાત સૌના મનમાં સ્પષ્ટ થતી ગઈ. છેલ્લે એક ગઝલ નમૂના તરીકે લઈ તેની ખામી/ખુબીઓ પણ પ્રયોગિક ધોરણે સમજાવી.
આમ, બંને કવિઓનું આગમન હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા માટે ખુબ જ ઉપકારક, માર્ગદર્શી અને આશીર્વાદરૂપ બની રહ્યું.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૦મી બેઠકનો અહેવાલ
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૦મી બેઠકનો અહેવાલ
અહેવાલ- શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય-શ્રી. જય પટેલ
તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૧૪ને રવિવારની બપોરે, હ્યુસ્ટનના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ અને ગુજરાતી ભાષાપ્રેમી ડોક્ટર કોકિલાબેન પરીખ અને શ્રી. પ્રકાશ પરીખના નિવાસસ્થાને, હ્યુસ્ટનના સાહિત્ય-સર્જકો, કવિઓ અને સાહિત્યપ્રેમીઓની ૧૫૦મી બેઠક મળી હતી. દિવાળીના તહેવારને કારણે સ્વાભાવિક રીતે જ આ વખતે, પાંખી હાજરી હતી. તો પણ લગભગ ત્રીસેક સભ્યો હાજર રહ્યા હતા અને ગુજરાતી ગદ્ય અને પદ્યની રજૂઆતોનો આનંદ માણ્યો હતો..
શ્રી. પ્રકાશ પરીખે પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ, યજમાન ડોક્ટર કોકિલાબેને સૌને કાવ્યાત્મક બે શબ્દોથી આવકાર્યા હતાં. આજના વક્તવ્યનો વિષય હતો- ‘દિવાળી’. એટલે આજે રજૂ થયેલી કૃતિઓમાં , દિવાળીના તહેવારોમાં, વર્તમાનપત્રો અને સામયિકોમાં છપાતાં નૂતન વર્ષ-વિષયક દીવડા, આતશબાજી, રંગોળી, ઝાકઝમાળ, તેજપુંજ…અને એવી બધી વાતો રજૂ થઈ હતી.
હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે (ચમન) દિવાળી વિષેનું સ્વરચિત કાવ્ય રજૂ કર્યું હતું.
‘કંઇ દિવાળીઓ આવી ને ગઈ, સાપ ગયા ને લિસોટા રહ્યા’. તો હ્યુસ્ટનના નાટ્યકલાકાર શ્રીમતિ રક્ષાબેન પટેલે પોતાની ટૂંકી રમુજી વાર્તામાં દિવાળીના કામોની સુંદર રજૂઆત કરી. એક નાટ્યકલાકાર પોતાની વાર્તા વાંચે અને કોઇ સામાન્ય લેખક વાર્તા વાંચી જાય-એ બે વચ્ચેનો ફરક શ્રોતાઓને જણાઇ આવે. બીજા એક નવોદિત લેખિકા ગીતાબેન પંડ્યાએ સ્વરચિત હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા ‘ દીપાવલી’ રજૂ કરી હતી. હ્યુસ્ટનના પોતાના ઘરમાં બેઠેલી એક સ્ત્રીને પોતાનું, જુનાગઢનું ઘર અને એ ઘર સાથેની, દિવાળીની યાદો, આંગણામાં પુરાતી રંગોળી, શેરીમાં રંગ વેચવા આવતા કોઇ મુસ્લીમચાચા, એમની નાનકડી દીકરીનું આતશબાજીના રોકેટથી થયેલ કરુણ અવસાન અને એક નાનકડી બિલાડી મુમુ નું રેખાચિત્ર.. ખુબ સુંદર હૃદયસ્પર્શી વાર્તાએ શ્રોતાઓને ભાવવિભોર કરી મુક્યા હતા. ગીતાબેન સાહિત્ય સરિતાના નવા સભ્ય છે. એક આશાસ્પદ વાર્તાલેખિકા તરીકે સાહિત્ય સરિતા તેમને આવકારે છે. હ્યુસ્ટનના શ્રી. વિજય શાહ હવે તો અમેરિકાભરના ગુજરાતી સર્જકોમાં જાણીતું નામ બની ચૂક્યા છે. લીમ્કા બુક માં, એમના સર્જનોની નોંધ લેવાયા પછી ડાયસ્પોરા સર્જકોમાં એમની ગણના થાય છે એવા શ્રી. વિજય શાહે પણ પોતાની અપ્રગટ નવી વાર્તા –‘દીવો સળગી ચૂક્યો હતો’ વાંચી હતી.
કવિતાઓ અને ગઝલક્ષેત્રે જેમનું નામ આદરપુર્વક લેવાય છે એવા હ્યુસ્ટનના શ્રીમતિ દેવિકા ધ્રુવે પણ ‘દીપ જલે’ કાવ્ય અને એક ગઝલ ‘સોનેરી સાંજની આ વાત લાવી છું’ રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી મૂક્યા હતા. દેવિકા ધ્રુવ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતામાં ‘માનદ સલાહકાર’નું પદ ધરાવે છે અને ‘વેબ ગુર્જરી’ બ્લોગની સંપાદન સમિતિના સભ્ય પણ છે. ‘સરિતા’ના નવા બોર્ડમાં ઉપપ્રમુખ તરીકે સક્રિય કામગીરી બજાવતા, શ્રી. નિખિલ મહેતાએ પણ કોઇ કવિની સુંદર કૃતિ રજૂ કરી હતી તો સંસ્થાના ‘સેક્રેટરી-કમ-ટ્રેઝરર’ એવા શ્રી. નરેન્દ્ર વેદ નામના સદગૃહસ્થે શ્રી. અંકિત ત્રિવેદીની કૃતિ-‘એને નવું વર્ષ કહેવાય’ની રજૂઆત કરી હતી. મનુજ હ્યુસ્તોનવીના તખલ્લુસથી ગઝલો લખતા શ્રી. મનોજ મહેતાએ પોતાની કૃતિ ‘નજરથી સવાલો વધાર્યા કરો છો, અબોલા લઈને પ્રશ્નો વધાર્યા કરો છો’ વાંચી સંભળાવી હતી.
જુના ફિલ્મી ગીતોના પ્રેમી અને શાસ્ત્રીય સંગીતના જાણકાર શ્રી. નિતીન વ્યાસે સ્વરચિત ત્રણ હાયકુ રજૂ કરીને કાર્યક્રમને નવો વળાંક આપ્યો હતો. તેમના પત્ની શ્રીમતિ ચારુબેન વ્યાસે પણ પ્રસંગોચિત વાતો કરી હતી. સુરેશ બક્ષીએ થોડાક મુકતકો સંભળાવીને વાતાવરણમાં રંગત લાવી દીધી હતી.
રજૂઆતો કરનારા અન્ય સભ્યોમાં ડો.ઇન્દુબેન શાહ, શ્રી.સતિષ પરીખ, પ્રદીપ બ્રહ્મભટ્ટ, શ્રી. અરુણ બેન્કર, શ્રી. અશોક પટેલ, ધીરુભાઈ શાહ, વગેરે હતા.
હ્યુસ્ટનના ‘ગુજરાત ગૌરવ’ નામના નિઃશુલ્ક માસિકના તંત્રી-સંપાદક શ્રી. નુરુદ્દીન દરેડિયા પણ કેટલીક સંકલિત કૃતિઓ રજૂ કરી ગયા હતા.
શ્રી. ફતેહ અલી ચતુર એ હ્યુસ્ટનની સાહિત્ય સરિતાનું એક એવું મોંઘેરું અને માનનીય નામ છે કે કોઇપણ મીટીંગમા એમની હાજરી અને વક્તવ્ય ન હોય તો એ મીટીંગ ફિક્કી જ લાગે. કોઇ જ કાગળિયુ હાથમાં રાખ્યા વગર, શ્રોતાઓની સાથે નેત્રસંધાન કરીને ( Eye-Contact ), હિન્દી સાહિત્યના અશોક ચક્રધરની લાંબી હાસ્યકવિતા પોતાની લાક્ષણિક શૈલીમાં અને પ્રભાવક સ્વરે રજૂ કરનારા આ નાટ્યલેખક, અભિનેતા કલાકારે પણ પાગલો વિષેનું એક અછાંદસ કાવ્ય રજૂ કરીને શ્રોતાઓને ખુબ હસાવ્યા હતા.
ડોક્ટર કોકિલાબેન પરીખ હ્યુસ્ટનની ગુજરાતી કોમ્યુનિટીમાં એક ખુબ આદરણીય નામ છે. સ્ત્રી-વિષયક રોગો અને પ્રસૂતિ નિષ્ણાત ( OB/Gyn ) તરીકે ૩૫ વર્ષ પ્રેક્ટીસ કરીને રીટાયર્ડ થનારા આ સેવાભાવી સન્નારી પોતે પણ એક સારી ગાયિકા અને મીમીક્રી આર્ટીસ્ટ છે. ગામઠી ભાષામાં કે વાઘરીઓની ભાષામાં રામાયણની પ્રસ્તૂતિ એમની આગવી વિશિષ્ટતા છે. તેમણે શ્રી અનિલ ચાવડાની દિવાળી વિશેની ખુબ સુંદર કવિતા વાંચી સંભળાવી હતી.
બેઠકને અંતે નિખિલ મહેતા અને નરેન્દ્રભાઇએ નવે.માં કવિ શ્રી કૃષ્ણ દવે અને શ્રી અદમ ટંકારવીના આગામી કાર્યક્રમ “કાવ્યોત્સવ’ ની વિગતવાર માહિતી આપી. ફ્લોરીડા યુનિ. દ્વારા યોજાનાર ‘પોએટ્રી ફેસ્ટીવલ’ની પણ જાહેરાત કરવામાં આવી.તે પછી યજમાન દંપતિની આભાર-વિધિ થઈ.
અંતમાં, કોકિલાબેન અને પ્રકાશભાઇ પરીખે દીવાળીના નાસ્તા ઉપરાંત ઘેર બનાવેલા ગરમ ગરમ ખમણ-ઢોકળા, માનીતો મોહનથાળ અને અન્ય સ્વાદિષ્ટ મીઠાઇઓનો આસ્વાદ માણીને સૌ વિખરાયા હતા.
નવા વર્ષની,નવા બોર્ડની, નવા ‘બેનર’ સહિતની આ બેઠક આનંદદાયી અને યાદગાર રહી.
અહેવાલ- શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ
**************************************************************
રાજેશ ખન્ના અંગે- સંજય છેલનો લેખ
પહેલો સુપરસ્ટાર રાજેશ ખન્ના સંજય છેલ
રાજેશ ખન્ના મને ગમે છે એનાં કારણોમાંનું એક કારણ છે કે એ કવિતાનો માણસ છે અને કાવ્યોમાં નાટકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નાટકોમાં મુંબઈની રંગભૂમિ સૌથી શ્રેષ્ઠ અને ધબકતી હતી ત્યારેરાજેશ ખન્નાનો કલાકાર તરીકે જન્મ થયો અને મુંબઈની રંગભૂમિમાં પણ સૌથી વાઇબ્રન્ટ અને કલરફુલ ગુજરાતી રંગભૂમિ રાજેશ ખન્ના સાથે છેલ્લે સુધી જોડાયેલી છે. જાણે-અજાણે કદાચ રાજેશ ખન્ના ગુજરાતીઓ અને ગુજરાતી રંગભૂમિનું ગૌરવ છે. ના, એણે એકપણ ગુજરાતી નાટકમાં કામ નહોતું કર્યું, છતાંયે રાજેશ ખન્નાના સ્ટારડમમાં ગુજરાતી રંગમંચની છાપ અદૃશ્ય ફિંગરપ્રિન્ટની જેમ છે…
મુંબઈની કે. સી. કોલેજમાં રાજેશ ખન્ના નાટકો કરતા. ગુજરાતીના જાણીતા નાટ્યકાર પ્રબોધ જોશીનાં એકાંકીઓનું હિન્દી કરીને એના સંવાદો, એકોક્તિઓ બોલીને સૌને ઇમ્પ્રેસ કરતા. માધુરી-ફિલ્મ ફેર સ્પર્ધામાં જે ડાયલોગ્ઝ બોલીને રાજેશ ખન્ના સ્પર્ધા જીતેલા એ ‘મુઝ કો યારો માફ કરના’ નામના નાટકનો અંશ હતો, જે આપણા નાટ્યકાર પ્રબોધ જોશીએ લખેલા. રાજેશ ખન્નાની આખી કરિયર ગુજ્જુ લેખકને આભારી છે. તેઓ કાંતિ મડિયા, પ્રવીણ જોષી, અરવિંદ ઠક્કર વગેરેના સતત સંપર્કમાં હતા. ‘આરાધના’ની જાલિમ સફળતા પહેલાં એક ફિલ્મ આવેલી ‘ઇત્તેફાક’. એ ફિલ્મ યશ ચોપડાએ માત્ર એક મહિનામાં બનાવેલી કારણ કે ત્યારે પ્રવીણ જોષી દિગ્દર્શિત ‘ધુમ્મસ’ નામનું થ્રિલર નાટક સુપરહિટ હતું. એ નાટકમાં શર્મન જોષીના પિતા અને ગુજરાતીના શ્રેષ્ઠ અભિનેતા અરવિંદ જોષીએ મેઇન રોલ કરેલો. એ જ રોલ રાજેશ ખન્નાએ ‘ઇત્તેફાક’માં કર્યો અને ફિલ્મ હિટ થઈ.
ફિલ્મ ‘ધુમ્મસ’ નાટકની સ્ક્રિપ્ટ પર જ બનેલી અને ત્યાં સુધી કે રાજેશ ખન્નાએ નાટક વારંવાર જોવા જતા અને ફિલ્મના સેટ પર પણ અરવિંદ જોષી જઈને રાજેશ ખન્નાને ટ્રેઇન કરતા રાજેશ ખન્નાએ બીજા કોઈપણ સ્ટાર કરતાં વધારે પ્રયોગો કરેલા, રિસ્ક ઉઠાવેલા. એમણે ‘હાથી મેરે સાથી’ની સાથોસાથ ‘આવિષ્કાર’, ‘અનુભવ’ જેવી આર્ટ ફિલ્મો પણ કરેલી. જેમ કે ‘ઇત્તેફાક’માં એક પણ ગીત નહોતું અને માત્ર એક જ સેટ પર બનેલી. માત્ર વાર્તા અને ખન્નાની અદાઓ પર ફિલ્મ ચાલેલી અને એ પણ ત્યારે કે જ્યારે એ નવા હતા. ‘બાવર્ચી’ ફિલ્મ વખતે રાજેશ ખન્ના સુપરસ્ટાર હોવા છતાં એમણે એ હિરોઈન વિનાની ફિલ્મ કરેલી અનેક છોકરીઓ એમની રોમેન્ટિક ઇમેજ પાછળ પાગલ હતી છતાંય રાજેશ ખન્નાએ હાફ ચડ્ડી પહેરેલા રસોઈયાની ભૂમિકા ભજવેલી. ‘આનંદ’માં પણ કોઈ જ રોમાન્સ કે હિરોઈન વિના એમણે ત્રણ ઝભ્ભા-લેંઘામાં ફિલ્મ કરેલી. આનું શ્રેય જાય છે, મુંબઈ રંગભૂમિના સંસ્કારોને.
અમિતાભ અને રાજેશ ખન્નાની યાદગાર ફિલ્મ ‘નમકહરામ’ અને કાંતિ મડિયાના નાટક ‘આતમ ઓઢે અગનપછેડી’નો વિષય એક જ હતો હૃષીદા, રાજેશ ખન્ના અને અમિતાભને નાટકના શોમાં સાથે જોયાનું મને ધૂંધળું ધૂંધળું યાદ છે. મારી ફિલ્મ ‘ક્યા દિલને કહા,’જેમાં રાજેશ ખન્ના ઉર્ફે કાકાએ મહેમાન કલાકારની ભૂમિકા ભજવેલી, એ વખતે કાકા મને સતત કિશોર ભટ્ટ, અમૃત પટેલ વગેરે કલાકારો વિશે પૂછતા અને આંતર કોલેજ નાટ્યસ્પર્ધાની જૂની વાત કરતા. જી હા, વિજય આનંદથી લઈને અમજદ ખાન, શફી ઈનામદાર, પરેશ રાવલ, આમિર ખાન સુધીના કલાકારો ભવન્સ કોલેજ, ચૌપાટીની સ્પર્ધામાંથી બહાર આવ્યા છે. રાજેશ ખન્ના પણ જતીન ખન્નાના નામે એ સ્પર્ધામાં ભાગ લેતા અને અમજદ ખાન, રમેશ તલવાર જેવા કલાકારો દિગ્દર્શકો સામે સ્પર્ધા જીતતા કે હારતા.
રાજેશ ખન્ના લાંબા લાંબા ડાયલોગ્ઝ બોલતા કે વાતવાતમાં કવિતાઓ ટાંકતા કારણ કે એ રંગભૂમિની પ્રોડક્ટ છે. એમની બાંકી અદા, એક મુદ્રામાં ચાલવું, ઉતારચઢાવ એ બધું થિયેટરની દેન છે. વી. કે.શર્મા નામના હિંદીના જાણીતા દિગ્દર્શકે કાકાને તૈયાર કર્યા અને પછી એ જ વી. કે. શર્માને એમના આખરી શ્વાસ સુધી રાજેશ ખન્નાએ નિભાવ્યા. આવી ગુરુભક્તિ લાગણી માત્ર નાટ્ય કલાકારોમાં જ હોય છે. બાકી, મીંઢા ફિલ્મવાળાઓ તો ફિલ્મ ફ્લોપ થયા પછી કે કામ નીકળ્યા પછી સગા ભાઈને ભૂલીને જાય છે. રાજેશ ખન્નાની બાદશાહત, એનો ઠાઠ, એમની મહેફિલો, એનો જાન લૂંટાવી દેવાનો અંદાજ બધું જ રંગભૂમિના કલાકારના ભેખધારી મિજાજની સાક્ષી પુરાવે છે.
ઇન્ટરવલ
મૈં બાબુ છૈલા, બાબુ છૈલા, નામ હૈ મેરા પહેલા
આજ સે મૈં બન ગયા હૂં મજનુ, દેખ કે તુઝ કો લૈલા.(‘છૈલાબાબુ’ ફિલ્મ)
રાજેશ ખન્ના અને ગુજરાતને ઘેરો સંબંધ છે. એમની પત્ની અને બે મુખ્ય ગર્લફ્રેન્ડ ગુજરાતી. રાજેશ ખન્નાના ડિઝાઈનર, દીના પાઠકના પતિ એ પણ ગુજરાતી, રાજેશ ખન્નાને સ્ટારડમ અપાવવા માટે જે જે ફિલ્મી તિક્ડમ કરવા પડતા એ પાછળ એક ખુરાફાતી દિમાગ હતું એનું નામ તારકનાથ ગાંધી. ફિલ્મફેરના એવોર્ડને જીતવા એ સમયે કલાકારો તલપાપડ રહેતા. તારકનાથ ગાંધી નામના સ્માર્ટ પબ્લિસિટી મેનેજરે આઇડિયા કરીને એક વર્ષે ફિલ્મફેરના બધા અંક ખરીદી લીધા. સ્કૂલ-કોલેજના છોકરાઓને દસ દસ રૂપિયા આપીને ફોર્મ ભરાવ્યાં જેમાં બધી કેટેગરીમાં રાજેશ ખન્ના અને એની ફિલ્મોને જ વોટ અપાવ્યા. અફ ર્કોસ, રાજેશ ખન્ના જીતી ગયા આવું લે-વેચનું ભેજું ગુજરાતીનું જ હોઈ શકે કાકા મનમોહન દેસાઇ, કલ્યાણજી-આનંદજી, જયકિશન જેવા ગુજરાતીઓથી ઘેરાયેલા હતા. અરવિંદ ઠક્કર, છેલ-પરેશ, અમૃત પટેલના મિત્ર અને કાકાના સેક્રેટરી એવા ગુરુનામ પેન્ટ પર કુર્તો પહેરતાં અને એ સ્ટાઇલ રાજેશ ખન્નાએ અમનાવી લીધેલી અને પછી ‘ગુરુકુર્તા’ નામે જગવિખ્યાત થઈ ગયેલી. આજે જેને યંગસ્ટર્સ ‘ર્શોટ કુર્તી’ કહે છે એ સૌથી પહેલાં રાજેશ ખન્નાએ શરૂ કરેલી. કહેવાય છે કે ગુરુનામને એ કુર્તીનો આઇડિયા ગુજરાતી નાટકોના આર્ટડિરેક્ટર છેલ-પરેશ અને એમના મિત્રો પાસેથી મળેલો. ગુરુનામ જગદીશ શાહના ગુજરાતી નાટક ‘અજવાળી રાત અમાસની’માં કામ કરતા. એમણે પ્રવીણ જોષીના ‘માણસ નામે કારાગાર’માં પણ રોલ કરેલો.
રાજેશ ખન્ના, પ્રવીણ જોષી, મડિયાનાં નાટકો જોવા નિયમિત આવતા. નાટકના વિષય પર એમનું ધ્યાન રહેતું. શૈલેશ દવેનું સુપરહિટ નાટક ‘રમત શૂન્ય ચોકડીની’ જોવા રાજેશ ખન્ના આવેલા અને ફિલ્મ પણ પ્લાન કરેલી. છેક છેલ્લે આપણી રંગભૂમિ અને ફિલ્મો-સિરિયલના કલાકાર સ્વ. અમૃત પટેલની કવિતાનો સંગ્રહ પણ રાજેશ ખન્નાના હાથે ૨૦૦૪-’૦પમાં પ્રગટ થયેલો. કિડનીની બીમારીથી પીડાતા સ્વ. અમૃત પટેલે અનેક સ્ટાર્સને પૂછેલું, પણ માત્ર રાજેશ ખન્ના જ દિલ્હીથી મુંબઈ આવેલા અને એ બુકની અનેક કોપીઓ પણ એમણે ખરીદેલી.
રાજેશ ખન્નાના ચૌથામાં જે ટેપ વગાડવામાં આવેલી એ એમનો આખરી સંદેશ નહોતો, પણ ૨૦૦પમાં સ્વ. અમૃત પટેલના પુસ્તક વિમોચન દરમિયાન આપેલી સ્પીચ હતી. મીડિયા કે રાજેશ ખન્નાના આપ્તજનોએ એને ‘આનંદ’ ફિલ્મના ક્લાઇમેક્સની જેમ જાહેરમાં વગાડીને ડ્રામા ઊભો કર્યો. એ સ્પીચમાં એમણે પ્રવીણ સોલંકી, પ્રબોધ જોશી, અરવિંદ જોશી, કિશોર ભટ્ટ વગેરેનાં નામ ગદ્ગદ થઇને લીધેલાં
ગુજરાતી રંગભૂમિનીજાણીતી અભિનેત્રી-લેખિકા નીકિતા શાહે રાજેશ ખન્ના સાથે એક હિન્દી નાટકના પ્લાન શરૂ કરેલા. એના રિહર્સલમાં રાજેશ ખન્નાને સ્ટેજ પર મન મૂકીને અભિનય કરતા આ લેખકે જોયા છે. મારી ફિલ્મ ‘ક્યા દિલને કહા’માં એમણે હીરોના બાપનો રોલ કરેલો. સામે પત્નીના રોલ માટે નામવાળી હિરોઈનને લેવામાં આવે એવી રાજેશ ખન્નાની ઇચ્છા હતી, પણ પછી બજેટ-સમય વગેરે કારણોસર સ્મિતા જયકરને રોલ આપ્યો. કાકાને એ ના ગમ્યું. મેં ડરતાં ડરતાં પૂછ્યું કે તમે કહો તો સ્મિતાને ના પાડી દઈએ. ત્યારે એમણે કહેલું, ‘પાગલ હો? હમ થિયેટર વાલે હૈં. કામ નિકલવા લેંગે. કિસી કી ‘હાય’ નહીં લેની’
કાકાની ચઢતીના દિવસોમાં એમણે કેટકેટલાં કાવાદાવા કર્યા હશે, ‘હાય’ લીધી હશે, પણ તોય બેઝિકલી તો એ થિયેટરના માણસ જ હતા.
ગુજરાતીના જાણીતા દિગ્દર્શક અરવિંદ ઠક્કરે એક એકાંકીમાં એમનો રોલ કાપી નાખેલો ત્યારે કાકાએ ચેલેન્જ આપેલી કે ‘આજ ભલે આપ લોગ મુઝે કુછ મત સમઝો, એક દિન મેં સ્ટાર બનુંગા’ અને રાજેશ ખન્ના સ્ટાર-સુપરસ્ટાર બન્યા આંધીની જેમ છવાઈ ગયા અને મુંબઈના સ્મશાનગૃહમાં વિદાય લીધીત્યારે પણ ૧૦-૨૦ હજારની મેદનીએ રોડ પર ઊભા રહીને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. બાંદ્રાથી જૂહુ સુધી ટ્રાફિક જામ થઈ ગયો, બંને બાજુ હજારો લોકો એક ઝલક માટે ઊભા હતા. એક થિયેટર એક્ટર માટે આનાથી સારો ‘કર્ટન કોલ’ કે ‘પ્રેક્ષકોનું અભિવાદન’ શું હોઈ શકે?
અનેક મર્યાદાઓ, અનેક કમીઓ, અનેક વિરોધભાસો હોવા છતાં રાજેશ ખન્ના બહુ મોટો સ્ટાર હતો અને મોટો માણસ પણ. ‘આજ કા એમ.એલ.એ. રામ અવતાર’ નામની પોલિટિકલ સેટાયર ફિલ્મમાં એ કરપ્ટ નેતા બનેલા. એ જ વિષય પર અમિતાભે ‘ઇન્કિલાબ’ ફિલ્મ કરેલી. બંને ફિલ્મ ખૂબ ચર્ચામાં. બેમાંથી કઈ ચાલશે, કઈ પહેલા રિલીઝ થશે એની હુંસાતુંસી ચાલતી. એવામાં એકવાર રાજેશ ખન્નાએ જોયું કે ફિલ્મનાં પોસ્ટરોની ડિઝાઇન બરોબર નથી. રાતોરાત ‘દિવાકર’ નામના એમનાં ફેવરિટ ડિઝાઇનરને બોલાવ્યો અને પોતાના ખર્ચે આખી નવી ડિઝાઇન બનાવવાનો ઓર્ડર આપ્યો. જૂનાં પોસ્ટર કેન્સલ કરીને નવા છપાવ્યાં. પછી તો ‘આજ કા એમ.એલ.એ.’ અને ‘ઇન્કિલાબ’ બેઉ રિલીઝ થઈ. બેઉ લગભગ ફ્લોપ ગઇ. દિવાકરને પ્રોડ્યૂસરે પોસ્ટર છપાવવાના પૈસા ન આપ્યા. દિવાકર મૂંઝાય કે કાકાને કઈ રીતે કહેવું. એક દિવસ કાકાએ એને ઘરે બોલાવ્યો. કાકાની રાતોની પાર્ટીઓ મશહૂર. વહેલી સવાર સુધી મહેફિલ ચાલે. સવારે ચાર વાગ્યે, દિવાકર જમીને ડ્રિંક લઈને જવા નીકળ્યો. કાકાની ગાડી એને ઘરે મૂકવા જવાની હતી. દિવાકરની જીભ ન ઊપડે, પૈસાની વાત કરતા. એવામાં કાકાએ અંદરથી જઈને બે લાખ કેશ આપ્યા અને કહ્યું, ‘પ્રોડયૂસરને નહીં દિયા તો કયા હૂઆ, તુમને મેરી ઝુબાં પર કામ કિયા થા.’
જે ફિલ્મ લાઇનમાં લીગલ કોન્ટ્રાક્ટની કોઈ વેલ્યૂ નથી અને ફિલ્મ ફ્લોપ થતાં લોકો ફોન ઉપાડતા નથી, ત્યાં કાકાએ આવી દરિયાદિલી દાખવેલી. અનેકવાર… કારણ કે? કારણ કે રાજેશ ખન્ના/જતીન ખન્ના/કાકા સુપરસ્ટાર… રંગભૂમિના માણસ હતા. રોલ નિભાવતા આવડતો હતો, છેલ્લે સુધી, કર્ટન પડે ત્યાં સુધી.
સંજય છેલ
ભાષાનો વિવેકપુર્ણ ઉપયોગ
ભાષાનો વિવેકપુર્ણ ઉપયોગ
–નવીન બેન્કર–
ના…આ લેખ કોઇના પર દોષારોપણ કરવા કે આક્ષેપો કરવા લખાયેલો નથી.
આ મારા આત્મમંથનમાંથી સર્જાયેલું નવનીત છે.
થોડાક વર્ષો પહેલાં હું કોઇ સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે, મારી શરુઆતના એ દિવસોમાં, અમારો એક ગ્રાહક કાઉન્ટર પર આવ્યો. અમારા એની પાસે થોડાક પૈસા લેણાં નીકળતા હતા. અને.. હું એને કોમ્યુટરાઇઝ્ડ સ્ટેટમેન્ટો દર મહીને મોકલતો હતો. જેવો મેં એને કાઉન્ટર પર જોયો કે તરત હું ભડક્યો અને કડક ભાષામાં ઉઘરાણી કરી- ‘ભઈ…તમે ઘર તો ચેઇન્જ નથી કર્યું ને ? મારા સ્ટેટમેન્ટ્સ દર મહીને તમને મળે છે ને ?..તમે યાર, જવાબ પણ નથી આપતા અને પૈસા પણ ચૂકવતા નથી….આજે- ‘ મારી મેક્સીકન સુપરવાઇઝરે તરત મને આગળ બોલતા અટકાવ્યો અને પેલા ગ્રાહકને સ-સ્મિત પુછ્યું-‘સર…હાઊ યુ વુડ લાઇક ટુ પે- બાય કેશ ઓર ચેક ટૂ ડે ?’ પેલા ગ્રાહકે બીલ અંશતઃ ચૂકવી દીધું.
એના ગયા પછી, મારી એ સુપરવાઈઝરે મને શીખામણ આપી- અલબત્ત, આ બધી વાત અંગ્રેજીમાં થયેલી પણ અત્રે હું ગુજરાતીમાં જ લખીશ.
‘ મીસ્ટર બેની ( મને ત્યાં બધાં ‘બેની‘ કહીને બોલાવતા હતા ) ,ડોન્ટ એટેક એ કસ્ટમર લાઇક ધીસ. આપણે ભાષામાં વિવેક રાખવાનો અને વિવેકપુર્ણ રીતે જ ઉઘરાણી કરવાની. નહીંતર આ તો અમેરિકા છે. ભલે એ ગ્રાહક આપણો દેવાદાર હોય અને આપણે કાયદેસર રીતે ઉઘરાણા કરવા હકદાર હોઇએ, તો પણ સ્ટેટમેન્ટમાં કે પ્રત્યક્ષ બોલચાલમાં આપણે ભાષા તો સંયમિત અને સૌજન્યશીલ જ રાખવી પડે. કલેક્શન એજન્સી પણ અમુક ભાષાનો ઉપયોગ નથી કરી શકતી, સમજ્યા ?’
હમણાં કોઇ ભાઇએ ઉઘરાણીના સરક્યુલરમાં લખ્યું- જો ફી નહીં ભરો તો લાત મારીને કાઢી મૂકવામાં આવશે. ( KICK OUT શબ્દનો ગુજરાતી ભાવાનુવાદ આ જ થાય ને ? ) ઉપરાંત, ‘મફતમાં ખાવાનું-પીવાનું ( No Food, No Drink શબ્દોનો અર્થ પણ આવો જ થાય ને ? )
આ અંગે કોઇ સભ્ય ઉકળી ઉઠ્યો અને એણે પણ સામે ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપ્યો કે-‘ આવાને બોર્ડમાં કોણ રાખે છે ? સાલાને કાઢી મૂકો. હું મારું રાજીનામુ આપી દઉં છું‘ વગેરે…વગેરે..
બન્ને વર્ષોથી મિત્રો હતા. કોઇ ખરાબ ન હતું. બન્ને સજ્જન હતા. ભુતકાળમાં પાડોશીઓ પણ રહી ચૂક્યા હતા. કોઇ બીજી સંસ્થામાં સાથે રહીને કોઇ અન્યાય સામે એક થઇને પ્રતિકાર પણ કરેલો.
પણ અહીં ભૂલ બન્નેની થઈ. ઉઘરાણીનો પત્ર લખનારે ખોટી ભાષામાં ઉઘરાણી કરી હતી.
પેલા ઉકળી ઉઠેલા સભ્યએ, ગુસ્સાના આવેશમાં આવી જઈને, ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપીને મગજ ગુમાવવાની કોઇ જરુર ન હતી. એ પણ શાંતિપુર્વક કહી શક્યા હોત કે-‘ભાઇ, તમારે આવી ભાષામાં રીમાઇન્ડર ન કરવો જોઇએ. જરા સૌમ્ય ભાષા વાપરવી જોઈતી હતી. અને હવે પછીની મીટીંગમાં બધા ચેકબુક સાથે રાખે એવી વિનંતિ કરી હોત તો વધુ યોગ્ય લાગત.
અહીં , આ કેસમાં કોઇ ખરાબ ન હતું.
એકની પાસે યોગ્ય ભાષાનો અભાવ હતો.
બીજાની પાસે વિપુલ ભાષાભંડોળ હોવાં છતાં, શોર્ટ-ટેમ્પરને કારણે વિવેકપુર્ણ રીતે પ્રતિભાવ આપતાં ચૂક્યો.
કેટલાક માણસો સ્વભાવે દુષ્ટ નથી હોતા.એમનો ઇરાદો સામાને હર્ટ કરવાનો પણ નથી હોતો. પણ એમને જે કહેવું છે એ કયા યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરવું એ આવડતું નથી હોતું. જેમને એ વ્યક્ત કરતાં આવડે છે એ પણ ક્યારેક ગુસ્સાના આવેશમાં કે ભુતકાળના કોઇ કડવા અનુભવના પુર્વગ્રહને કારણે કડવી ભાષાનો ઉપયોગ કરી બેસે છે. સત્ય લાગે એ બોલવું અને સ્પષ્ટ બોલવું એ સારી વાત છે પણ એ, કઠોર ભાષામાં કહેવું એ ખોટું છે.વાણી સંયમથી જ શોભે છે.વાણીની ઉગ્રતા સામા પર પ્રહાર કરી બેસે છે. પછી એનો પ્રત્યાઘાત પણ ઉગ્ર જ પડે અને કડવાશો વધતી જાય તથા સંબંધોમાં તિરાડ પડે. જરા ય ડંખ કે કડવાશ વગર અને ભુતકાળની કોઇ ઘટનાની કડવાશના અનુભવના પુર્વગ્રહને કોરાણે મૂકીને આપણે આપણી વાત ન કહી શકીએ ?
છેલ્લા થોડાક દિવસોમાં આપણે બધા જે બોલ્યા એમાંથી કેટલા પ્રતિકૂળ આંદોલનો જન્મ્યા ? આપણા તોછડા અને કડવા શબ્દોએ બીજાઓને પણ એવા જ વચનો બોલવા પ્રેર્યા ને ?
આપણે બધા સુસંસ્કૃત માણસો છીએ અને પાછા સાઇઠ વટાવી ગયેલા પાકા ઘડા છીએ. શા માટે ઝઘડવાનું ??? શા માટે ?
શ્રીરામ…શ્રીરામ…
‘પપ્પા થયાપાગલ’ (નાટ્ય-અવલોકન) – નવીનબેન્કર
‘પપ્પા થયાપાગલ’ (નાટ્ય–અવલોકન) – નવીનબેન્કર
આ ફુલ લેન્થ પ્લે એક હળવુ પ્રહસન છે. કુલ આઠ પાત્રો છે.મુખ્ય પાત્ર સિતાંશુરાય નામના સીનિયર સિટીઝન છે.તેમના બે દીકરાઓ- એક જુવાન રુપાળો પરિણીત છે. બીજો જાડીયો કુંવારો છે. એક દીકરી છે. પરિણીત છે. પણ સાસુને સહન નહીં કરી શકવાને પરિણામે પિયરે આવેલી છે.જમાઇ તોતડો છે. ઘરકામ ન કરવા ટેવાયેલી, ઉધ્ધત મિજાજી મોડર્ન પુત્રવધુ છે.એક, રસોઇ કરવા આવેલી પ્રૌઢ વયની રહસ્યમય રુપાળી સ્ત્રી છે. એક મહેમાન કલાકાર છે-ઉધ્ધત પુત્રવધુનો શ્રીમંત બિલ્ડર પિતા.
મોટી ઉંમરના પ્રેક્ષકોને ક્યાંક ને ક્યાંક પોતાપણું લાગે…જેમણે ભાંગવાડીના જૂના નાટકો માણ્યા છે એવા સાઇઠ વટાવી ગયેલા પ્રેક્ષકોને યાદગાર જૂના ગીતોની પંક્તિઓ અને રાણી પ્રેમલતાની સ્ટાઇલો મારતી રસોઇયણના પાત્રમાં ભરપુર મનોરંજન મળી રહે છે.
નાટકમાં ભરપુર રમૂજો છે.. સંતાનોના પેંતરા…સ્મૃતિભ્રમ થઇ ગયેલા વડીલનો સ્વાંગ (!)…વડીલની પ્રેમકહાણી…તોતડા જમાઈના સંવાદો…અને વળી ક્યાંક ક્યાંક ગીત, સંગીત અને ફિલ્મી ધૂનો પર ગીતો અને ઠૂમકા પ્રેક્ષકોને સારુ મનોરંજન કરાવી શકે છે. ગીતો પર જે ઠૂમકા મારવાના છે તેમાં કલાકારો પોતાની ક્યૂ લાઇન પર એકાદ સેકંડ પણ ગુમાવ્યા વગર, ચપળતાથી,પોતાના સંવાદો બોલે છે અને મૂવમેન્ટ કરે છે. રજૂઆતમાં ફાસ્ટ ટેમ્પો અને ઝડપ આ નાટકમાં છે.
રાણી પ્રેમલતા બનીને મારકણી મુદ્રામાં એક હાથ ઉંચો કરીને ડ્રામેટીક અંદાઝમાં પોઝ આપવાના દરેક દ્રષ્ય વખતે ધનાધન ચાલતુ નાટક અચાનક અટકી જાય, ઉભુ રહી જાય કે વિરામ લે એનો ઉપયોગ હાસ્યપુર્ણ પ્રસંગને, સંવાદને, અભિનયને હાઇલાઈટ કરવા માટે થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આ નાટકમાં, ઝડપ, ટેમ્પો, ભરપુર ઉત્તેજના અને કલાકારોની આગવી છટા છે. સિતાંશુરાય રુમમાં જાય કે ઘર બહાર જાય, બારીમાંથી એન્ટ્રી મારે જેવા દ્રષ્યોમાં કે ચારે ય પાત્રો ચાવી કેવી રીતે મેળવવી એના ષડયંત્રમાં જે નાસભાગ કરે, ગોટાળા કરે, છબરડા કરે, એ બધું ય લય અને તાલના બંધનમાં રહીને જ કલાકારો કરી શકે છે એ નાટકનું જમાપાસુ ગણાય.
નાટકમાં હાસ્યભરપુર સંવાદો છે જેમાં સપાટી પરનો અર્થ અને ગર્ભિત અર્થ જૂદા હોય . પ્રસંગોની ગુંથણીમાં ગોટાળા ને ગેરસમજ સર્જતા બનાવો છે.આ વસ્તુને સફળ બનાવવા માટે સંવાદો સમયસર બોલાવા જોઇએ અને મૂવમેન્ટ પણ સમયસર જ થવી જરૂરી છે. સંવાદોને અમુક રીતે બોલવા, તોડવા અથવા અવળચંડાઇપૂર્વક રજૂ કરીને પ્રેક્ષકોને હસાવવા એ માટે સેન્સ ઓફ ટાઇમીંગ જરુરી બને છે, જે આ નાટકના કુશળ અને અનુભવી અદાકારો કરી શક્યા છે.
ઉલ્કાબેન અમીને થોડા વર્ષો પહેલાં, અશોક પટેલના દિગ્દર્શનમાં ભજવાયેલ એક નાટક ‘બાઇસાહેબ’માં કામવાળીના રોલમાં, ‘મેરે હાથોમેં નવ નવ ચૂડીયાં‘ ગણગણતા જે ઠૂમકા માર્યા હતા એ જરા યાદ આવી ગયું. આ નાટકમાં રસોઇયણના રહસ્યમય પાત્રમાં એ વધુ ફિટ થઈ શક્યા છે. રાણી પ્રેમલતાની મોહક મારકણી અદામાં,એ વધુ શોભે છે..
યોગિનાબેન પટેલ અને અક્ષય શાહ અનુક્રમે ઉધ્ધત પુત્રવધુ અને યુવાન રુપાળા પુત્રના પાત્રમાં શોભે છે.
ગિરીશ નાઈક જાડીયા દીકરાની ભૂમિકા માટે યોગ્ય છે.
તોતડા જમાઇના પાત્રમાં શ્રી. શાંતિલાલ ગાલા પ્રેક્ષકોને ખડખડાટ હસાવવામાં સફળ રહ્યા.સંગીત વિભાગ પણ શ્રી. શાંતિભાઇ અને તેમના પત્ની ગીતાબેને સંભાળ્યો છે.
રાબેતા મુજબ, સિતાંશુરાય–પપ્પા–ના પાત્રમાં, હ્યુસ્ટનના પીઢ કલાકાર શ્રી. મુકુંદ ગાંધી પોતાની લાક્ષણિક શૈલિને કારણે સમગ્ર નાટક પર છવાઇ જાય છે. હ્યુસ્ટનની નાટ્યરસિક ગુજરાતી જનતાએ તેમને હ્યુસ્ટન નાટ્યકલાવૃંદના નાટકો-‘પત્તાંની જોડ,’ હું જે કહીશ તે સત્ય જ કહીશ’ તેમજ બે વર્ષ પહેલાં સાહિત્ય સરિતાના ઉપક્રમે ભજવાયેલ નાટક ‘હું રીટાયર થયો’માં જોયા જ છે. હ્યુસ્ટનના ઇમીગ્રેશન લોયર શ્રીમતી રિધ્ધીબેન દેસાઇએ પણ આ નાટકમાં પપ્પાની દીકરી પારિજાતની ભૂમિકા સૂપેરે ભજવી છે. ‘મહાભારત’નો ભીમ હોય કે ‘શોલે’નો ગબ્બરસીંઘ– ગિરીશ નાયક આ પ્રકારની ( એટલે કે જાડીયાની કોમેડી ભૂમિકાઓમાં ) ફીટ થઈ જ જાય. ફ્રી એક્ટીંગથી સ્ટેજ પર છવાઇ જવામાં એ માહીર છે.
‘કલાકુંજ’ ના નવા સુત્રધાર શ્રી.રસેશ દલાલ કદાચ પોતાની વ્યસ્તતાને કારણે આ નાટકમાં એમની કક્ષાની ભૂમિકા નથી ભજવી શક્યા પણ ,પુત્રવધુ તુલસીના પપ્પા (બિલ્ડર વેવાઇ) ની રુઆબદાર ભૂમિકામાં હાજરી પુરાવી જાય છે.
રંગમંચ વ્યવસ્થા શ્રી. વિનય વોરા અને રંગભુષા યોગિનાબેન પટેલે સંભાળ્યા છે.
ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન પ્રસ્તુત, કલાકુંજ પ્રોડક્શનનું આ નાટક હાસ્યથી ભરપુર હોવા ઉપરાંત રહસ્યની પણ છાંટ ધરાવતું અને એક સામાજિક સંદેશ ધરાવતું જોવાલાયક સ્વચ્છ્, કૌટુંબીક પ્રહસન છે.
અસ્તુ. સમીક્ષક– શ્રી. નવીન બેન્કર
બકુના ઘરના અગિયાર નવા નિયમો
ઘરમાં કકળાટ ન થાય અને ઘરમાં સુખશાંતિ રહે તે માટે બનાવેલા અગિયાર નિયમો
બકુના ઘરના અગિયાર નવા નિયમો
(With effect from June 30 2011)
(૧) સવારે મોડામાં મોડું આઠ વાગ્યા પહેલાં ઉઠી જ જવાનું.
(૨) પ્રાતઃક્રિયાઓ પતાવી,ઇ-મેઇલ ચેક કરીને, સાડા દસ સુધીમાં બહાર નીકળી જવાનું.
(૩) બપોરે એક વાગ્યા સુધીમાં ઘરમાં પાછા આવી જવાનું.
(૪) લંચ કરીને બપોરે બે કલાક આરામ કરવો.
(૫) ચારેક વાગ્યે, ચાહ પીને , કોમ્પ્યુટર પર બેસી જવાનું.
(૬) બે થી ત્રણ કલાક કોમ્પ્યુટર ઓ.કે.( TRY TO MINIMIZE THIS TIME )
(૭) સાંજે ૭ થી ૧૦-સિરિયલો અથવા અંદરના રુમમાં બેસીને વિડીયો પર મુવી જોઇ શકાય.
(૮) વચ્ચે અનૂકુળતા પ્રમાણે ૮ થી ૯ દરમ્યાન ભોજન કરી લેવાનું.( જે કર્યું હોય તે ખાઇ લેવાનું.કચ કચ નહીં કરવાની.)
(૯) શક્ય હોય ત્યાં સુધી વાણીનો ઉપયોગ ( કે દુરુપયોગ !) ઓછો કરવાનો. બે શબ્દથી ચાલી જતું હોય તો ત્રીજો શબ્દ ઉચ્ચારવાનો નહીં. સામું માણસ બોલતું હોય તો એની વાત પુરી થાય પછી જ અભિપ્રાય આપવાનો. વચ્ચે બોલવાની મનાઇ છે. ઇશારાથી ચાલી જાય તેમ હોય તો વાણીને તસ્દી આપવી નહી .‘આ બાઇ‘ અને ‘પેલી બાઇ ‘સાથે ફોન પર લખારા કુટવાના નહીં.
(૧૦) ઘાંયજાવેડા એટલે કે ફોટા પાડવાના અને રીપોર્ટો લખવાના કામો સદંતર બંધ કરી દેવાના.
(૧૧) શક્ય હોય અને ભગવાન સદબુદ્ધી આપે તો પ્રભુસ્મરણમાં સમય પસાર કરવો.
બકુની શિખામણ-‘ આટલું કરશો તો સુખી થશો અને જીવનમાં કોમ્લીકેશન્સ ઓછા થશે.સમજ્યા ?
કહેવાની જરુર ખરી કે આ નિયમો ‘કઈ બકુ’ કે ‘કયા બકુએ’ બનાવ્યા છે?.. શ્રી રામ..શ્રી રામ..
એક ભજનસંધ્યા-ન્યુયોર્કના પંચમુખી હનુમાન મંદીરમાં
પંચમુખી હનુમાન મંદીરમાં યોજાઇ ગઇ ભજનસંધ્યા
પવિત્ર શ્રાવણ માસમાં, હીલસાઇડ એવન્યૂ પર, નવા બંધાયેલા પંચમુખી હનુમાન મંદીરમાં, શ્રી.શશીકાંત પટેલ અને શ્રીમતિ ગોપીબેન ઉદ્દેશી દ્વારા એક ભજનસંધ્યાનું તારીખ ૨૫મી ઓગસ્ટ અને રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભૌતિક સુખસગવડો સાથે ધર્મ અને અધ્યાત્મની સમજ હશે તો જ આપણી જિંદગી સમતોલ રીતે જીવી શકાશે એવી સમજથી પ્રેરાઇને, આ ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયક અને વાદકવૃંદમાં શ્રી. વિરેન્દ્ર બેન્કર, શ્રી. ઘનશ્યામભાઇ જોશી, યુવાન ક્રિશ્ના પરીખ, શ્રીમતી કિર્તીબેન શુક્લા અને શ્રીમતી અનુરાધા ખન્ના હતા.
ક્રિશ્ના પરીખે પુષ્ટીમાર્ગીય ભજન ભાવવાહી સ્વરે રજૂ કર્યું હતું. અનુરાધા ખન્નાએ હનુમાન ચાલીસાનો પાઠ કરીને, સમગ્ર હોલને ભક્તિમય બનાવી દીધો હતો. કીર્તીબેન શુક્લ અને પીઢ ગાયક શ્રી. ઘનશ્યામ જોશી એ હાર્મોનિયમના સથવારે કેટલાક ભજનો રજૂ કરીને શ્રોતાઓને તાલ આપવા મજબૂર કરી દીધા હતા.
અંતમાં, આધ્યાત્મિક વિકાસ કેન્દ્રના શ્રી. વિરેન્દ્ર બેંકરે, પોતાના ગુરુ સ્વ. અરુણ પટેલને યાદ કરીને ગુરુવંદનાનું એક સુંદર ભજન ‘ મોહે લાગી લગન ગુરુચરણનકી’ અશ્રુભરી આંખે અને એટલી તન્મયતાપુર્વક રજૂ કર્યું હતું કે શ્રોતાઓની આંખો પણ ભીની થઇ ગઈ હતી. વિરેન્દ્રભાઇએ તેમની સ્વ. માતા કમળાબેનની યાદમાં તેમને અંજલીરુપે, ‘માના દર્શન કાજે મારું હૈયું ઝુરે’ ગાયું ત્યારે તો શ્રોતાઓમાંથી ભાગ્યે જ કોઇ હશે જેને પોતાની ‘મા’ યાદ નહીં આવી હોય !
ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં થોડા વર્ષો પહેલાં, આ વીરેન્દ્ર બેન્કર, સંગીતા, સ્વ. અરુણ પટેલ વગેરે કલાકારો ‘સ્વરતરંગ’ સંસ્થાના ઉપક્રમે વિવિધ સંસ્થાઓમાં સંગીતના કાર્યક્રમો રજૂ કરતા હતા. વિરેન્દ્ર બેન્કર ઘણી સામાજીક સંસ્થાઓ, મંદીરો, તથા આધ્યાત્મિક વિકાસ કેન્દ્રમાં ધાર્મિક ક્ષેત્રે સક્રિય છે અને પોતાની કળાના જૌહર દર્શાવે છે. હમણાં છેલ્લે એક જાહેર નાટકમાં નારદજીની યાદગાર ભૂમિકા ભજવીને પ્રેક્ષકોને ખુબ મનોરંજન પુરુ પાડ્યું હતું.
પુરા ત્રણ કલાક ચાલેલી આ ભજનસંધ્યાને સફળ બનાવવા માટે શ્રી. શશીકાંત પટેલ, ગોપી ઉદ્દેશી તથા અન્ય કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી.
અસ્તુ.
કામિની સંઘવીનો એક મર્મવેધી લેખ
« ધર્મને નામે ધતીંગ ક્યાં સુધી ?
સ્ત્રીએ ‘અસત’ પર વીજય મેળવ્યો છે ?
December 6, 2013 by ગોવીન્દ મારુ
–કામીની
હીન્દુ ધર્મમાં બ્રહ્મની વ્યાખ્યા મુજબ પરમાત્મા નીરાકાર છે. તેનું કોઈ રુપ નથી. નથી તે દેવી–દેવતામાં કે નથી તે મુર્તીઓમાં. તે તો મારા–તમારામાં રહેલો છે. તો પછી તેને બહાર મન્દીરોમાં શોધવાની જરુર શી છે ? શા માટે મન્દીરોમાં લાઈન લગાવીને દેવી–દેવતાના દર્શન કરવા માટે હડીયાપાટી કરવાની ? ક્યારેય સાભંળ્યુ છે કે ગાંધીજી કોઈ મંદીરમાં દર્શન કરવા માટે ગયા હોય ? છતાં તે સવાયા રામભક્ત હતા. રામના આદર્શને તેમણે પોતાના જીવનમાં વણી લીધા હતા. પછી મંદીરમાં રામને શોધવા જવાની જરુર જ ક્યાં પડે ? તમે ખુદ જ ઈશ્વરનો અંશ છો, તો તેનું જ કલ્યાણ થાય તેવું કરો ને ! દીવસે દીવસે સ્ત્રીઓનું એડ્યુકેશન વધે છે; પણ ધાર્મીકતા ઘટવાના બદલે વધતી જાય છે. તેમાં ધાર્મીકતાના નામે દંભ–દેખાદેખીએ દાટ વાળ્યો છે. સમજ્યા કે એક મા–પત્ની તરીકે તમે તમારા પરીવારનું કલ્યાણ ઈચ્છો; પણ તે માટે અન્ધશ્રદ્ધાનો સહારો લેવાની શી જરુર છે ? ફલાણાં –ઢીકણાં ભગવાનના દર્શન સીમાબહેન કરી આવ્યાં એટલે રીમાબહેન પણ જાય. કારણ કે ઈશ્વરની કૃપા તેમનાં સંતાન કે પરીવારને મળે અને પોતાનો પરીવાર રહી જાય તો ? યાર, આ દેખાદેખીની વૃત્તી છોડો. કોઈ દેવી–દેવતા હોનારતમાં મદદે આવતા નથી. એવું હોત તો ધાર્મીક સ્થાન પર થતી ભાગદોડમાં માણસ મરતો હોત ? મધ્યપ્રદેશની ઘટનાના રશીસ(ધસારા) જેણે છાપાં–મેગેઝીનમાં જોયા છે, તેમાં માસુમ ભુલકાંઓની લાશ જોઈને કોઈ સેન્સેટીવ તો શું, જડભરત પણ વીચલીત થઈ જાય. તો બહેનો, આપણી નીંભર ધાર્મીકવૃત્તી કેમ વીચલીત થતી નથી ? શા માટે આપણે મન્દીર–મસ્જીદમાં ભગવાન–ખુદાને મેળવવા માટે લાઈન લગાવીએ છીએ ? પરમાત્મા તમારી ભીતર જ છે. તમારી આવી ધાર્મીકતાનો જ આસારામ જેવા બાપુઓ ગેરલાભ ઉઠાવે છે. શી જરુર છે પોતાની કાચી ઉંમરની દીકરીઓને આવા બની બેઠેલા બાપુઓની સેવા કરવા માટે મોકલવાની? પેલી પીડીતાનો ગેરલાભ ઉઠાવવા માટે જેટલા દોષી આસારામ છે તેટલાં જ દોષી તે દીકરીનાં માતા–પીતા પણ છે. સોળ વર્ષની દીકરીને શા માટે સાધના કરાવવાની ને શી સાધના કરાવવાની ? તેની ઉંમર તો ભણવા–ગણવાની છે ને ?
મનુસ્મૃતીમાં કહેવાયું કે સ્ત્રીની બુદ્ધી પગની પાનીએ હોય છે. ભણેલી–ગણેલી સ્ત્રીઓ આ માન્યતાનો યથાયોગ્ય વીરોધ કરતી હોય છે. પણ જો તમે તમારી માસુમ બાળાઓને સાધુ–સંતોને પગે લગાડવા લઈ જતાં હોય તો દીલગીરી સાથે કહેવું પડે કે, ‘બહેન, તારી બુદ્ધી ખરે જ, પગની પાનીએ જ છે.’ સાધુ–સંતોને પગે લાગવાથી કોઈનો ઉદ્ધાર થતો નથી. તેથી તમારી દીકરીનો પણ નહીં થાય. હા, બની શકે કે તેનું હીત થવાને બદલે અહીત જ થાય. માટે આન્ટીજી, આન્ટીજી, વેક અપ, એન્ડ થીન્ક….
–કામીની સંઘવી
‘ફુલછાબ’ દૈનીક, રાજકોટની તા. 18 ઓક્ટોબર, 2013ની ‘ગુલમોર’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘તુલાસીક્યારો’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ફુલછાબ’ના સૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક:
કામીની સંધવી, D-804, New Suncity, Apartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…