એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2013 » February

‘અક્ષરને અજવાળે’ (કાવ્યસંગ્રહ)- એક અવલોકન.

February 25th, 2013 Posted in અહેવાલ

અક્ષરને અજવાળે‘ (કાવ્યસંગ્રહ)-  એક અવલોકન.

કવયિત્રી દેવિકા રાહુલ ધ્રુવના આ બીજા કાવ્યસંગ્રહ અક્ષરને અજવાળેવાંચતાં, ગીત-ગઝલના ચાહકોને એક નવી સશક્ત કલમનો પરિચય થાય છે.આ સંગ્રહમાં ૩૩ ગીતો, ૨૭ ગઝલો, ૧૪ અછાંદસ અને ૧૮ મુક્તકો છે. છેલ્લા પાંચેક વર્ષથી, કાવ્ય અને ગઝલક્ષેત્રે જે થોડીક નવી કલમો કાર્યરત થઈ છે તેમાં દેવિકાબેનનું નામ અવશ્ય મૂકી શકાય. આ કવયિત્રીની કવિતાઓ અને ગઝલો વાંચતા તેમની તાઝગીભરી મથામણને આવકારવાનું મન થઇ જાય છે. આ  કૃતિઓ કવયિત્રીના પગલાંને વિસ્તરીને એમનો રાજમાર્ગ કંડારી લે એવી આશા જન્માવે છે.

ગઝલ સાથે ગીતોની પ્રવાહિતા ધ્યાનપાત્ર જણાય છે.  આ બીજા કાવ્યસંગ્રહની કૃતિઓ વધુ પરિપક્વ, પીઢ અને બળકટ જણાય છે.

અછાંદસ રચનાઓ કવિતાના રસિક વાંચકોને આનંદ બક્ષે તેવી સુંદર છે.

આ કાવ્ય જુઓ-

શતદલ પંખ ખીલત પંકજ પરહસતા નયન જ્યમ શ્યામ વદન પર

શતદલ બુંદ સરક દલ વાદળ,   ભીંજત બદન નર નાર નવલ પર.

તમને આ વાંચતાં, એના શબ્દો સંભળાય છે ને ! મલપતો, રણકતો, ચળકતો અવાજ આ કાવ્ય વાંચતાં આપણને સંભળાય છે. સહ્ર્દય વાંચકો માટે આ , આસ્વાદ્ય કર્ણરસાયણ છે.શબ્દ, ભાષા, અને વિચારના ત્રિપરિમાણમાંથી સર્જાયેલ  સૌંદર્યમઢીત આ કૃતિઓ આપણાં ફેફસામાં નવો પ્રાણવાયુ પૂરે છે.

કવિતામાં તેમનો ઝોક જીવનધારક તત્વ અને અધ્યાત્મ પ્રતિ વિશેષ જણાય છે. કવિતાઓમાં સૃષ્ટિલીલા પણ પ્રગટાવી છે.કવયિત્રી મુલ્યનિષ્ઠ જીવન અને કવનના ઉપાસક દેખાઇ આવે છે. વિશ્વશાંતિ‘, ‘વિશ્વભાસ્કર‘, ‘પૃથ્વી વતન કહેવાય છે‘, જેવી કૃતિઓમાં વસુધેવ કુટુંબકમની ભાવનાથી પ્લાવિત એવા ભાવવિશ્વની પ્રતીતિ થાય છે. તડકોજેવા કાવ્યમાં, તડકે બેઠેલા બે પ્રેમીજનો હુંફાળા હાથમાં હાથ લઈને બેઠાનું ચિત્ર કેવું તાદૃશ્ય થાય છે ! વાંચતાં વાંચતાં આપણે પણ જાણે ઝરમરતી ઝીલની મસ્તીને માણતાં ને ભીની ભીની ક્ષણોને વીણી વીણીને વાતોમાં વાગોળવા માંડીયે છીએ.

દેવિકાબેનની રચનાઓમાં  પ્રકૃતિ અને પ્રભુની વાતો પણ છે. લય અને શબ્દ જોડે અર્થને ભેળવીને કવયિત્રી સુંદર ચિત્રો સર્જી શકે છે. શબ્દોની સહજ ગોઠવણી ધ્યાનાકર્ષક બની રહે છે. વ્યર્થતા, એકલતા, વેદના જેવી સંવેદનાઓ પણ તેમની રચનાઓમાં વ્યક્ત થાય છે. હોય છે‘, ‘કોને મળી‘, કંઇક સારુ લાગે‘, ‘યાત્રા‘, ‘તમે એટલા તો વ્યસ્ત ના થાવ‘, જેવી કૃતિઓમાં દેવિકાબેન દાર્શનિક ( ફિલોસોફર) જણાય છે.

કવયિત્રી દેવિકા રાહુલ ધ્રુવની લયસિધ્ધી, શબ્દવૈભવ અને ભીતરી ગાંભીર્યનો  રસાનુભવ કરાવતી અક્ષરને અજવાળેની રચનાઓ વાંચવા અને માણવા જેવી છે એમાં કોઇ શંકા નથી

.

નવીન બેન્કર

૧૭ ફેબ્રુઆરિ ૨૦૧૩

હ્યુસ્ટનના સિનીયરોએ માણ્યો ગીત, સંગીતનો યાદગાર જલસો-

February 25th, 2013 Posted in અહેવાલ

તારીખ ૯મી ફેબ્રુઆરિને શનિવારે હ્યુસ્ટનના બેલેન્ડ પાર્ક સ્થિત કોમ્યુનિટી હોલમાં લગભગ અઢીસો સિનીયરોએ સૂર અને શબ્દને સથવારે, શ્રી. કલ્પક ગાંઘીના કેળવાયેલા અને ઘૂંટાયેલા સ્વરમાં સૂર અને શબ્દની મહેફીલ માણી. જેને ગુજરાતી ભાષા કે હિન્દી ભાષાનું જ્ઞાન નથી અને છતાં માત્ર સ્વર અને સંગીતની જ ભાષા સમજનાર  તબલાનવાઝ શ્રી. ડેક્ષ્ટર અને મંજીરાના એક્ષ્પર્ટ શ્રી. હેમંત ભાવસારના સાથમાં, શ્રી. કલ્પક ગાંધીએ એવી તો સૂર અને સંગીતની રસલ્હાણ કરી કે સિનીયર શ્રોતાઓ અભિભૂત થઈ ઉઠ્યા. 

કાર્યક્રમની શરુઆતમાં, શ્રી. હેમંત ભાવસાર અને તેમના સહધર્મચારિણી શ્રીમતી દક્ષાબેને હેપી બર્થ-ડે સોંગ, સંસ્કૃત અને હિન્દી ભાષામાં ગાઇને, જે સિનીયરોની જન્મતારીખ ફેબ્રુઆરિ માસમાં આવતી હતી તેમને શુભેચ્છા પાઠવી. ત્યારપછી, ટોરન્ટોથી તાજેતરમાં જ, હ્યુસ્ટન મૂવ‘  થયેલા વડોદરાના ગાયક, સંગીતકાર શ્રી. કલ્પક ગાંધીએ કાર્યક્રમનો દોર સંભાળી લીધો. જેમની ઘણી સીડી ,કેસેટો બહાર પડી ચૂકી છે તથા ૬૦૦થી પણ વધુ ગીતોને જેમણે કમ્પોઝ કર્યા છે એવા શ્રી. કલ્પકભાઇએ પોતાના કેળવાયેલા અને ઘૂંટાયેલા અવાજમાં ગુજરાતી સુગમ સંગીતના પ્રચલિત ગીતો, ભજનો, ફિલ્મી ગીતોનો એવો તો મારો ચલાવ્યો કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. સુગમ સંગીત હોય અને નીલગગનના પંખેરુને અને તારી આંખનો અફીણી‘  કોઇ ભૂલે ખરું ? મૂકેશ જોશી જેવા કવિની રચના પણ રજૂ થઇ. ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગૌરવની પણ વાતો થઇ. જગજીતસિંહની ગઝલ મેરે ગીત અમર કર દો‘  એ શ્રોતાઓની આંખોને ભીંજવી હતી.

કલ્પકભાઇની વિશેષતા એ હતી કે ભજન કે ગીતના શબ્દોની વચ્ચે , હારમોનિયમના સ્વરોને મંદ કરીને વક્તવય રજૂ કરે, શ્રોતાઓને હસાવે અને પાછા તરત ગીતના મુળ શબ્દો પર આવી જઈને ઝમક ઉભી કરી દે. તમે અનૂપ ઝલોટાજીને સાંભળ્યા હોય ત્યારે એ જે રીતે ચાંદ અંગડાઇયાં લે રહા હૈજેવી પંક્તિઓ વખતે શબ્દોને આરોહ-અવરોહ વડે એવા લહેરાવે કે તમે, હોલમાં ચાંદને અંગડાઇઓ લેતો અનુભવી શકો-અલબત્ત, જો તમે સંગીતના ખરેખર જ્ઞાતા અને જાણકાર હો તો.આ જ વસ્તુ કલ્પકમાં પણ છે.

દરેક ગીતને પણ તેનો એક મિજાજ હોય છે. ગાયક એ મિજાજને લાડ લડાવી ને ગીત રજૂ કરે ત્યારે એ ગીત, શ્રોતાના દિલ સુધી પહોંચી શકે છે.

કલ્પકભાઇએ  જોશીલા, રમતિયાળ અને ફાસ્ટ રીધમવાળા ગીતો પણ ગાયા. ગુજરાતી ભાષાની ઉંડી સૂઝને કારણે, એમની, ગીતોની અભિવ્યક્તિ પણ બળુકી હતી.સંગીતમાં રાગ અને તાલનું જે વિઝનહોય છે એ બહુ મહત્વનું છે. સૂરની બારીકાઇને પારખવી એ જેટલું ગાનાર માટે મહત્વનું છે એટલું જ સહ્ર્દયી- સુજ્ઞ શ્રોતાઓ માટે પણ જરુરી બની જાય છે. 

સંગીતને સથવારે વહેતા સુગમ સંગીતના ગીતો શ્રોતાઓને હોઠે ચડી ગયા છે અને હૈયે ઘર કરી બેઠા છે.

કલ્પક જેવો ગાયક હોયડેક્ષ્ટર જેવો તબલાનવાઝ હોય અને હેમંત ભાવાસાર જેવો મંજીરાવાદક હોય તો ક્યાંક સૂર  શબ્દને ખેંચે તો ક્યારેક શબ્દ સૂરને.  સ્વર અને સંગીતનું સૂરીલુ રાસાયણીક સંયોજન થાય પછી કહેવું જ શું ?

કલ્પક ગાંધી વૈષ્નવ સંપ્રદાયના શ્રીનાથજીના ભજનો, જૈન સ્તવનો, સ્વામિનારાયણ સમ્પ્રદાયના ભજનો,પ્રાર્થનાસભાઓ પ્રસંગે ગવાતી પ્રાર્થનાઓ, સુગમ સંગીત, ફિલ્મી ગીતો, હાસ્યના કાર્યક્રમોના એક્ષ્પર્ટ છે. 

કાર્યક્રમને અંતે, શ્રીકૃષ્ણની ધૂન પછી, સંસ્થાના એક જૂના સભ્ય સ્વ. મણીબેન પટેલના તાજેતરમાં થયેલા અવસાન બદલ શોકસંદેશ અને બે મીનીટનું મૌન પાળીનેમણીબેનના કુટુંબીજનો દ્વારા સ્પોન્સર કરેલા સ્વાદીષ્ટ ભોજનને ન્યાય આપીને સૌ સભ્યો વિખરાયા હતા.

 

નવીન બેન્કર (હ્યુસ્ટન)

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 832-499-0399

હ્યુસ્ટનના સિનીયરોએ ઉજવ્યો પ્રજાસત્તાક દિન

February 25th, 2013 Posted in અહેવાલ

૨૬ જાન્યુઆરિ…ભારતનો પ્રજાસત્તાક દિન…

જ્યારે આખો ભારતદેશ અને વિદેશમાં વસતા બધા જ ભારતિયો જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના સિનીયરો પણ તેમાંથી કેમ બાકાત રહે ?..અને તેમાંય જ્યારે સિનીયર સીટીઝન્સ એસોસિયેશનના પ્રમુખપદે શ્રી. લલિત ચિનોય જેવો ઉત્સાહી અને અગાઉ કોઇએ ન કરી બતાવ્યું હોય એવું કરી બતાવવાની ધગશ ધરાવતી વ્યક્તિ હોય ! 

આ વખતે સિનીયર્સ એસોસિયેશનના સભ્યોએ પ્રજાસત્તાક દિનની રેલી કાઢી, જે હ્યુસ્ટનના સિનીયર્સના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બન્યું.

નસીબસંજોગે આ મહિનાની મીટીંગ પણ ૨૬ જાન્યુઆરિને શનિવારે જ આવી હતી. બપોરે બાર વાગ્યાને સુમારે  સંસ્થાના લગભગ ત્રણસો જેટલા સભ્યો, બબ્બેની હરોળમાં, શિસ્તબધ્ધ રીતે બેલેન્ડપાર્ક કોમ્યુનીટી સેન્ટરના પ્રાંગણમાં ઉભારહી ગયા હતા. વિશાળ કદનો ભારતનો ત્રિરંગો ઝંડો લઇને સંસ્થાના સોહામણા ટ્રસ્ટી સુધાબેન ત્રિવેદી અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી.રવિન્દ્ર ત્રિવેદી સૌને મોખરે આવી ગયા હતા.તેમની સાથે આગલી હરોળમાં, સંસ્થાના આગેવાન સભ્યો, કમિટી મેમ્બરો, વગેરે પણ ગોઠવાઇ ગયા હતા. અને…પછી કમ્યુનિટી પાર્કના પ્રાંગણમાંથી રેલીની શરુઆત થઇ. જેમ જેમ રેલી આગળ વધતી ગઈ તેમ તેમ ત્રિરંગાને પકડીને ચાલનારા બદલાતા ગયા. ભારતમાતાકી જયઅને વંદેમાતરમના નારાથી હ્યુસ્ટનના બેલેન્ડ પાર્ક  ગૂંજી રહ્યો.

ઇન્ડીયા કલ્ચર સેન્ટરે અને અન્ય ભારતિય સંસ્થાઓએ આ વર્ષે પ્રજાસત્તક દિનની ઉજવણી શહેરમાં અન્યત્ર ગોઠવેલી એટલે સિનીયર્સની રેલીમાં કોન્સ્યુલર્સ કે અન્ય સંસ્થાઓના મહાનુભાવોની ગેરહાજરી દેખાઇ આવતી હતી. 

રેલી લગભગ એક વાગ્યાની આસપાસમાં બેલેન્ડ પાર્કના કોમ્યુનિટી સેન્ટરના હોલમાં મીટીંગમાં ફેરવાઇ ગઇ. હ્યુસ્ટનના ગાયક કલાકાર શ્રી. અશોક શેલતે, પોતાના અનોખા અંદાઝમાં, એક્ટીંગ સાથે, કરોકીના સથવારે, દેશભક્તિના ગીતોથી શરુ કરીને, જુની હિન્દી ફિલ્મોના ખુબ જાણીતા, કર્ણપ્રિય ગીતોની હારમાળા રજુ કરીને, શ્રોતાઓને ડોલાવી દીધા હતા. સીત્તેર ઉપરની વયના કેટલાક સિનીયર સ્ત્રી-પુરુષો, ગીતોના શબ્દો પર, સ્ટેજ પાસે આવીને, પ્રેક્ષકોની સન્મુખ, ડાન્સ કરવા લાગ્યા હતા. હ્યુસ્ટનમાં જેમનું નામ જ માસીછપાઇ ગયું છે એવા સિનીયર્ વિલાસમાસી અને તેમના પતિ પ્રફુલ્લભાઇ પિપળીયાના સ્ટેપ્સ પર કોમ્યુનિટી સેન્ટરનો ફ્લોર ધમધમી ઉઠ્યો હતો. 

કાર્યક્રમ બાદ, રસમલાઈ સાથેનું સ્વાદીષ્ટ ભોજન માણીને ,મીટીંગનું સમાપન થયું હતું. 

સંસ્થા, આ વર્ષે સપ્ટેમ્બરની ૧૪મી અને ૧૫મી તારીખે એક અભુતપુર્વ ઇવેન્ટનું આયોજન કરી રહી છે.સમગ્ર અમેરિકાના સિનીયર્સનું એક વિશાળ સમ્મેલન હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સેન્ટરમાં યોજાઇ રહ્યું છે, જેમાં ઘણા રસપ્રદ પ્રોગ્રામો રજૂ થશે.બન્ને દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી માત્ર પચાસ ડોલર્સ રાખી છે જેમાં બન્ને દિવસના ચાહનાસ્તા, ભોજન વગેરેનો સમાવેશ થઈ જાય છે. ગીત, સંગીત, નૃત્ય, નાટક, મીમીક્રી, સિનીયર્સને ઉપયોગી માહિતી વિષયક સેમિનારોથી ઓપતો આ કાર્યક્રમ કેવો અદભુત અને અભુતપુર્વ હશે એની, માહિતી સંસ્થાના કમીટી મેમ્બર શ્રી.શૈલેશ દેસાઇએ મેમ્બર્સને આપી હતી અને સભ્યોએ પચાસ પચાસ ડોલર્સ ભરીને રજીસ્ટ્રેશન કરાવવા નામો લખાવ્યા હતા. આ અંગેની વિગતવાર માહિતી સંસ્થાની વેબસાઇટ ઉપર પણ મુકવામાં આવનાર છે અને વર્તમાનપત્રો મારફતે પણ જાહેરાત થશે. હ્યુસ્ટનના ઘણી ભારતિય સંસ્થાઓએ આમાં સંપુર્ણ સહકારની ખાત્રી આપેલ છે. 

આમ, શ્રી. લલિત ચિનોયની ટીમે, સંસ્થાના અનુભવી અને બાહોશ ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને ઉત્સાહી-તરવરિયા કમીટી મેમ્બરોના સહકારથી આ વર્ષે બે અભુતપુર્વ કાર્યક્રમો સિનીયર્સ એસોસિયેશનના ઇતિહાસમાં નોંધાવ્યા- એક, રેલી અને બીજો  કમ-સપ્ટેમ્બરનો ઇવેન્ટ.

થેન્કયુ લલિતભાઇ અને બેસ્ટ વીશીઝ  ટૂ યુ એન્ડ યોર ટીમ. 

અહેવાલ – શ્રી. નવીન બેન્કર ( હ્યુસ્ટન )

********************************************************

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.