એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015 » March

બહેરી બૈરીએ બાથરુમમાં પુર્યો- વાર્તા- નવીન બેન્કર

March 28th, 2015 Posted in વાર્તા
બહેરી બૈરીએ બાથરુમમાં પુર્યો-         વાર્તા- નવીન બેન્કર 

તમે કલ્પી શકો છો કે તમે, છત પરની ગરોળીથી ડરી ડરીને, સંડાસમાં કમોડ પર સીસી કરી રહ્યા હો અને અચાનક લાઈટ ગૂલ થઈ જાય અને પુરા બે કલાક સુધી એ અંધકારમાં, ગરોળીના ડર વચ્ચે, અસહાય પુરાઇ રહો તો તમારી શું વલે થાય ? 

શાંતિકાકાનો આ અનુભવ જાણવા જેવો છે. 

આ શાંતિકાકા ૭૪ વર્ષના વયોવૃધ્ધ સજ્જન છે. સજ્જન તો ના કહેવાય કારણ કે જુવાનીના દિવસોમાં, સંજીવકુમારના વહેમમાં કંઇ કેટલાય ખેલ કરી ચુક્યા છે,પણ પાછલી ઉંમરે, પ્રોસ્ટેટની તકલીફો પછી, હિલોળા લેતા સમુદ્રના મોજાઓ, ઠરીને શાંત થઈ ગયા છે અને તેમની સમવયસ્ક બહેરી બૈરી શાંતા સાથે શેષ જીવન વ્યતિત કરી રહ્યા છે. 

હાં…તો, આ શાંતિકાકાને  કેન્સરનું ડાયગ્નોસીસ થયું છે. રેડીએશન અને સર્જરિમાંથી પસાર થઈ ચુક્યા છે. બાવન વર્ષના લગ્નજીવન પછી, તેમની નિઃસંતાન પત્ની માટે ભવિષ્યની આર્થિક વ્યવસ્થા કરવા માટે, અમેરિકાથી અમદાવાદ આવ્યા છે. એક જમાનામાં જ્યાં ખુલ્લા ખેતરો હતા અને આંબાના વૃક્ષોથી વનરાજી મહેંકતી હતી એવા સ્થળે તેમણે એક નાનકડુ ૬૪ વારનું ઘર બાંધ્યું હતું અને ભવિષ્યમાં, પોતે રીટાયર થયા પછી, આ ઘરની પછવાડે ખુલ્લા ખેતરમાં, આંબાના ઝાડ નીચે ખાટલો ઢાળીને, પુસ્તકો વાંચતાં વાંચતાં, શેષ જીવન વ્યતિત કરવાના સ્વપ્નો સેવ્યા હતા એ ઘરનું રીનોવેશન કરાવીને , પંદરેક દિવસથી રહેવા માંડ્યું હતું. હવે સ્વપ્નો સેવેલા એ ખેતરો અને આંબાના ઝાડ તો રહ્યા નથી. એની જગ્યાએ ઉંચા બહુમાળી મકાનો ઉભા થઇ ગયા છે.આમ તો શાંતાબેન અને શાંતિકાકા શેષજીવન શાંતિપુર્વક હ્યુસ્ટનમાં વિતાવી શકે તેમ છે પરંતુ હવે, કેન્સરના નિદાન પછી, નિઃસંતાન શાંતિકાકાને પોતાની પત્ની શાંતાના ભવિષ્યની ચિંતા થાય છે કે અરેરે ! એ બિચારી અંગ્રેજી જાણતી નથી, કાને સાંભળતી નથી, ગાડી ડ્રાઇવ કરતી નથી. અરે ! ચેકમાં સહી કરીને પૈસા ઉપાડ્તા પણ એને આવડતું નથી ત્યાં એ એકલી આ દેશમાં કેવી રીતે રહેશે ? એટલે અત્યારથી જ ઇન્ડીયાની નેશનાલાઇઝ્ડ બેન્કોમાં, દર ત્રણ મહીને એના સેવિંગ્ઝ ખાતામાં વ્યાજ જમા થઈ જાય અને અમેરિકાની સોશ્યલ સીક્યોરીટીના પૈસા પણ જમા થતા રહે એવી વ્યસ્થા કરવા, એ અમદાવાદ આવ્યા હતા. 

આટલી પુર્વભૂમિકા પછી મૂળ વાત પર આવીએ. 

મેનોપોઝની પીડા અને પ્રોસ્ટેટની તકલીફો પછી, ઘણાં સમયથી પતિ-પત્ની સીંગલ બેડમાં, વચ્ચે ટીપોય પર દવાઓની શીશીઓ ગોઠવીને અલગ અલગ જ સુતા હતા જેથી ઓઢવાના ની ખેંચાખેંચ એવોઇડ કરીને શાંતિથી ઉંઘી શકાય. 

એ રાત્રે… લગભગ ત્રણ વાગ્યે, પહેલા શાંતાબેન બાથરુમ જવા ઉઠ્યા. બાથરુમમાંથી પાછા ફરતાં, રસોડામાં પાણી પીવા ગયા. પછી તરત જ શાંતિકાકા ઉઠ્યા અને સંડાસમાં ઘુસ્યા અને કમોડ પર પીપી કરવું શરુ કર્યું. રસોડામાં ગયેલા શાંતાબેને સંડાસની લાઈટ ચાલુ જોઇ એટલે એમને થયું કે પોતે લાઈટ બંધ કરવાનું ભૂલી ગયા હશે તેથી એમણે સંડાસની લાઈટ બહારથી ઓફ કરી નાંખી અને સંડાસના દરવાજાને સાંકળ વાસી દીધી અને જઈને પોતાના પલંગ પર, ગોદડુ ઓઢીને સુઇ ગયા. 

લાઈટ ઓફ થતાં જ, શાંતિકાકા બુમ પાડી ઉઠ્યા કે ‘અલી શોંતા…હું બાથરુમમાં  છું. લાઈટ કર અને સાંકળ ખોલ.’….પણ બહેરી શાંતા ક્યાંથી સાંભળે ?

 શાંતિકાકાએ પીપી કરતાં પહેલાં જોયેલું કે એક જાડી મદમસ્ત લીલીછમ ગરોળી કમોડની બરાબર ઉપર, છત પર, વળગેલી હતી. શાંતિકાકાને નાનપણથી ગરોળીની બહુ બીક લાગે એટલે આ મદમસ્ત ગરોળીને જોતાં જોતાં જ એમણે હોસપાઈપ પકડી રાખેલો પણ પ્રોસ્ટેટને કારણે અતિ મંદ ગતિથી…. યુ નો વોટ આઇ મીન !

૭૪ વર્ષના પ્રોસ્ટેટ અને કેન્સર પેશન્ટ એવા શાંતિકાકા જોર જોરથી ‘શોંતા…શોંતાડી, દરવાજો ખોલ’ ની બુમો પાડતા જાય અને જોરજોરથી દરવાજાને ધધડાવતા જાય પણ બહેરી બૈરી ક્યાંથી સાંભળે ?  પાછળની સોસાઇટી  ‘કામજ્યોત એપાર્ટમેન્ટ’ના રહીશો, ચોકીદાર બધા જાગી ગયા. શાંતિલાલની સોસાઈટીના પાડોશીઓ પણ રાત્રે ત્રણ વાગ્યે જાગી ગયા.

 ‘અરે…અમને તો રાત્રે ત્રણ વાગ્યે ઉંઘવા દો’…  સંડાસના કમોડની ઉપરના વેન્ટીલેટરના કાચમાંથી શાંતિકાકા જવાબો આપે…

 પુરા એકાદ કલાક સુધી આ તાયફો ચાલ્યો…એક બાજુ પેલી ગરોળીની બીક..સાલી ગરોળી ફર્શ પર પડી હશે તો ? ટુંકી ચડ્ડી પહેરેલા શાંતિકાકા પેલી ગરોળી એમની લાજ લુંટવાની હોય એમ બે ય હાથે ચડ્ડીને પકડી રાખે અને બુમો તો પાડતા જ જાય…ક્યાંક ગરોળીને એની સહિયર ના મળી જાય !

શાંતિલાલની સોસાઈટીના પડોશીઓ આગળના દરવાજેથી ‘શાંતામાસી..શાંતામાસી’ ના પોકારો પાડે. પાછળની સોસાઈટીના રહીશો શાંતિલાલને ભાંડે …એમ ચાલ્યા કર્યું અને  શાંતામાસી સુખપુર્વક ઘસઘસાટ ઉંઘતા રહ્યા….

 હારી થાકીને શાંતિલાલે છેવટે પોતાના હથિયારો હેઠા મુકી દીધા અને છેલ્લે છેલ્લે કમોડના વેન્ટીલેટર પાસે જઈને પાછળની સોસાઈટીના રહીશોને કહ્યું-

 “મારા અજાણ્યા દોસ્તો…તમે તો કોઇએ મને જોયો નથી કે ઓળખતા નથી. હવે  મને લાગે છે કે  મારું મોત જ મને છેક અમેરિકાથી અમદાવાદના આ અંધારિયા, ગંધાતા સંડાસમાં મરવા માટે ખેંચી લાવ્યું છે. જેના ભવિષ્યની સલામતિને ખાતર હું અહીં આવ્યો એ મારી, બાવન વર્ષના લગ્નજીવનની સંગિની પણ આ છેલ્લી ઘડીએ મારો અવાજ સાંભળી શકતી નથી. હું એને અલવિદા પણ કહી શકતો નથી. પેલી ગરોળી ગમે તે ઘડીએ મારા આ પાર્થિવ શરીરને સ્પર્શી લેશે અને મારુ શરીર લીલુછમ થવા માંડશે. હું મોતને મારી સમક્ષ જોતો રહીશ અને આટઆટલા પૈસા હોવા છતાં, મેડીકલ સહાય વગર હું મોતને ભેટીશ. હું બાથરુમના દરવાજા પાસે જ સુઇ જાઉં છું. અને મોતની પ્રતિક્ષા કરું છું.

હવે કોઇ બારણાં ખખડાવીને કોઇની ઉંઘ ના બગાડશો.

ફરી જ્યારે મારી પત્નીને બાથરુમ જવાની ચળ ઉપડશે અને એ બાથરુમ ખોલશે ત્યારે એને મારો મૃતદેહ જોવા મળશે.

શાંતાનો કોઇ દોષ નથી. એ બિચારી બહેરી છે. એણે જાણી જોઇને થોડો મને પુરી દીધો છે ? આ તો મારી નિયતી હતી.

દોસ્તો… મારુ મરણ એક વાત કહી જાય છે.. આખી જિન્દગી તમે પૈસા બચાવો, ગણ ગણ કરો, એની વ્યવસ્થા કર્યા કરો પણ નિયતિએ એ પૈસાની વ્યવસ્થા એની રીતે જ કરી રાખી છે. તમે તો એ પૈસાના વ્યવસ્થાપક જ હતા…એમ.ડી. એન્ડર્સન કેન્સર હોસ્પીટલ તમારુ દુઃખ થોડુ હળવુ કરી શકે છે પણ પાંચમની છઠ નથી કરી શકતી.”

 શાંતિલાલ શાંતિપુર્વક સંડાસના દરવાજે બેસી પડ્યા. હવે એને પેલી ગરોળીની બીક નહોતી લાગતી. મૃત્યુને ભેટવાની તૈયારી કરી લીધા પછી કોઇ ડર નથી રહેતો.

 સવારે પાંચ વાગ્યે, શાંતામાસી ઉઠ્યા, સંડાસનું બારણું ખોલ્યું અને ઝોકુ ખાઇ ગયેલા શાંતિકાકાને જોઇને હેબતાઇ જ ગયા.

 હવે ચીસ પાડવાનો વારો એમનો હતો.

 આમ તો આટલેથી આ વાર્તા પુરી કરી શકાય. વિવેચકો કહે કે ચોટદાર અંત સાથે વાર્તા પુરી થઈ. પણ ના…

 

મારી વાર્તાનો અંત આ નથી. શાંતિકાકા ઉંઘમાંથી જાગ્યા હોય એમ ઉભા થયા. બહેરી પત્નીને વળગીને ખુબ રડ્યા. ઘરની બહાર નીકળીને ખુલ્લા આસમાન સામે જોઇને ઉંડા ઉંડા શ્વાસ લીધા. ફરી સંડાસમાં જઈને પેલી છત પર વળગીને ચૉટેલી ગરોળીને જોઇ. ગરોળી આટઆટલી ધમાલ, બુમાબુમ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ શી એમ જ છતને વળગેલી હતી. એ શાંતિકાકાનું મોત બનવા નહોતી આવી.

 શાંતિકાકાએ એ ગરોળીને બે હાથ જોડીને પ્રણામ કર્યા.

********************************************************************************************

 નવીન બેન્કર-   લખ્યા તારીખ-   ૨૮ માર્ચ ૨૦૧૫

વાર્તા અંગે આપના અભિપ્રાયો, સુચનો, ચોક્કસપણે આવકાર્ય છે જ.

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.