એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 15

હ્યુસ્ટનના સિનીયરોએ ઉજવ્યો પ્રજાસત્તાક દિન

February 25th, 2013 Posted in અહેવાલ

૨૬ જાન્યુઆરિ…ભારતનો પ્રજાસત્તાક દિન…

જ્યારે આખો ભારતદેશ અને વિદેશમાં વસતા બધા જ ભારતિયો જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના સિનીયરો પણ તેમાંથી કેમ બાકાત રહે ?..અને તેમાંય જ્યારે સિનીયર સીટીઝન્સ એસોસિયેશનના પ્રમુખપદે શ્રી. લલિત ચિનોય જેવો ઉત્સાહી અને અગાઉ કોઇએ ન કરી બતાવ્યું હોય એવું કરી બતાવવાની ધગશ ધરાવતી વ્યક્તિ હોય ! 

આ વખતે સિનીયર્સ એસોસિયેશનના સભ્યોએ પ્રજાસત્તાક દિનની રેલી કાઢી, જે હ્યુસ્ટનના સિનીયર્સના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બન્યું.

નસીબસંજોગે આ મહિનાની મીટીંગ પણ ૨૬ જાન્યુઆરિને શનિવારે જ આવી હતી. બપોરે બાર વાગ્યાને સુમારે  સંસ્થાના લગભગ ત્રણસો જેટલા સભ્યો, બબ્બેની હરોળમાં, શિસ્તબધ્ધ રીતે બેલેન્ડપાર્ક કોમ્યુનીટી સેન્ટરના પ્રાંગણમાં ઉભારહી ગયા હતા. વિશાળ કદનો ભારતનો ત્રિરંગો ઝંડો લઇને સંસ્થાના સોહામણા ટ્રસ્ટી સુધાબેન ત્રિવેદી અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી.રવિન્દ્ર ત્રિવેદી સૌને મોખરે આવી ગયા હતા.તેમની સાથે આગલી હરોળમાં, સંસ્થાના આગેવાન સભ્યો, કમિટી મેમ્બરો, વગેરે પણ ગોઠવાઇ ગયા હતા. અને…પછી કમ્યુનિટી પાર્કના પ્રાંગણમાંથી રેલીની શરુઆત થઇ. જેમ જેમ રેલી આગળ વધતી ગઈ તેમ તેમ ત્રિરંગાને પકડીને ચાલનારા બદલાતા ગયા. ભારતમાતાકી જયઅને વંદેમાતરમના નારાથી હ્યુસ્ટનના બેલેન્ડ પાર્ક  ગૂંજી રહ્યો.

ઇન્ડીયા કલ્ચર સેન્ટરે અને અન્ય ભારતિય સંસ્થાઓએ આ વર્ષે પ્રજાસત્તક દિનની ઉજવણી શહેરમાં અન્યત્ર ગોઠવેલી એટલે સિનીયર્સની રેલીમાં કોન્સ્યુલર્સ કે અન્ય સંસ્થાઓના મહાનુભાવોની ગેરહાજરી દેખાઇ આવતી હતી. 

રેલી લગભગ એક વાગ્યાની આસપાસમાં બેલેન્ડ પાર્કના કોમ્યુનિટી સેન્ટરના હોલમાં મીટીંગમાં ફેરવાઇ ગઇ. હ્યુસ્ટનના ગાયક કલાકાર શ્રી. અશોક શેલતે, પોતાના અનોખા અંદાઝમાં, એક્ટીંગ સાથે, કરોકીના સથવારે, દેશભક્તિના ગીતોથી શરુ કરીને, જુની હિન્દી ફિલ્મોના ખુબ જાણીતા, કર્ણપ્રિય ગીતોની હારમાળા રજુ કરીને, શ્રોતાઓને ડોલાવી દીધા હતા. સીત્તેર ઉપરની વયના કેટલાક સિનીયર સ્ત્રી-પુરુષો, ગીતોના શબ્દો પર, સ્ટેજ પાસે આવીને, પ્રેક્ષકોની સન્મુખ, ડાન્સ કરવા લાગ્યા હતા. હ્યુસ્ટનમાં જેમનું નામ જ માસીછપાઇ ગયું છે એવા સિનીયર્ વિલાસમાસી અને તેમના પતિ પ્રફુલ્લભાઇ પિપળીયાના સ્ટેપ્સ પર કોમ્યુનિટી સેન્ટરનો ફ્લોર ધમધમી ઉઠ્યો હતો. 

કાર્યક્રમ બાદ, રસમલાઈ સાથેનું સ્વાદીષ્ટ ભોજન માણીને ,મીટીંગનું સમાપન થયું હતું. 

સંસ્થા, આ વર્ષે સપ્ટેમ્બરની ૧૪મી અને ૧૫મી તારીખે એક અભુતપુર્વ ઇવેન્ટનું આયોજન કરી રહી છે.સમગ્ર અમેરિકાના સિનીયર્સનું એક વિશાળ સમ્મેલન હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સેન્ટરમાં યોજાઇ રહ્યું છે, જેમાં ઘણા રસપ્રદ પ્રોગ્રામો રજૂ થશે.બન્ને દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી માત્ર પચાસ ડોલર્સ રાખી છે જેમાં બન્ને દિવસના ચાહનાસ્તા, ભોજન વગેરેનો સમાવેશ થઈ જાય છે. ગીત, સંગીત, નૃત્ય, નાટક, મીમીક્રી, સિનીયર્સને ઉપયોગી માહિતી વિષયક સેમિનારોથી ઓપતો આ કાર્યક્રમ કેવો અદભુત અને અભુતપુર્વ હશે એની, માહિતી સંસ્થાના કમીટી મેમ્બર શ્રી.શૈલેશ દેસાઇએ મેમ્બર્સને આપી હતી અને સભ્યોએ પચાસ પચાસ ડોલર્સ ભરીને રજીસ્ટ્રેશન કરાવવા નામો લખાવ્યા હતા. આ અંગેની વિગતવાર માહિતી સંસ્થાની વેબસાઇટ ઉપર પણ મુકવામાં આવનાર છે અને વર્તમાનપત્રો મારફતે પણ જાહેરાત થશે. હ્યુસ્ટનના ઘણી ભારતિય સંસ્થાઓએ આમાં સંપુર્ણ સહકારની ખાત્રી આપેલ છે. 

આમ, શ્રી. લલિત ચિનોયની ટીમે, સંસ્થાના અનુભવી અને બાહોશ ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને ઉત્સાહી-તરવરિયા કમીટી મેમ્બરોના સહકારથી આ વર્ષે બે અભુતપુર્વ કાર્યક્રમો સિનીયર્સ એસોસિયેશનના ઇતિહાસમાં નોંધાવ્યા- એક, રેલી અને બીજો  કમ-સપ્ટેમ્બરનો ઇવેન્ટ.

થેન્કયુ લલિતભાઇ અને બેસ્ટ વીશીઝ  ટૂ યુ એન્ડ યોર ટીમ. 

અહેવાલ – શ્રી. નવીન બેન્કર ( હ્યુસ્ટન )

********************************************************

પ્રજ્ઞાચક્ષુ,સંગીતજ્ઞ શ્રી અરુણ પટેલને શ્રધ્ધાંજલિ

January 29th, 2013 Posted in અનુભૂતિ

Eulogy expressed by Navin Banker at Memorial Service/Prayer Meeting for Shri Arunbhai Patel, on January 29, 2013 from Houston, Texas.

Distinguished family members of Bankers, Dhruva, Dharia , Shah,Parikh,Patel and all other Friends and Well-Wishers of Late Shri. Arunbhai Chhotalal Patel

To-day, we all grieve passing away of our lonf-time friend Shri. Arun Patel.. It is but natural for us to

feel sadness as the soul of an Individual whom we admire, love and respect departs from us. But in fact, as we pay homage to this great human being, we are celebrating his life. Arunbhai’s life remains as a beacon of inspiration for all of us.

Lifetime of his accomplishments, his passion for Music, his wisdom, his guidance and his interests in multitude of activities will constantly remind us of his presence and motivate us to rejoice with him. He was a good Music Teacher.

It is an honor for me to have an opportunity to pay a tribute to an individual who devoted his life in pursuit of imparting true values of life.

I have been privileged to know Arunbhai since the time I migrated to Houston from India in 1979.

When we take a glimpse at his life, it immediately strikes us that he was a highly intelligent and talented man with multifaceted interests. We were of the same age. He was , may be, one year elder than me. It was so interesting to listen to him sing a beautiful song at various occasions of our family gatherins, our family-members’ marriage ceremonies and in public shows also.

As he told us,he had lost his eyes when he was only three years old. He did not see this world as we see, but he had seen the world more than us. He learnt music. He was playing on Harmonium and singing also. He worked with Late shanker-Jaikishan Group in Bombay for eight years. He had numberous rememberences with musicians and film-dignitories, especially with Shashi Kapoor. In 1980’s, when Shashi Kapoor visited New York with some Musical Show, I had a chance to see him with Arunbhai. I had shared his Apartments in Queens Area for some time also. We both used to go for shopping, watch movies and enjoy Musical Programmes. He was not able to see movie, but he had some peculiar sense to enjoy movie by his ears. He was recognizing speeches of Actors.

He had a habbit to eat apple daily. He was fond of GINGER-TEA. ( ADRKWALI CHAAY ).

In 1980s’ he was a part of Musical Institution ‘ SVARTARANG’where my younger brother Virendra, my younger sister Sangita (Who is now ancor of Azaad Radio in Dallas ), were also singing. They performed many shows.

2

He was born in 1940. He was diagnosed with MESOTHELIOMA- a type of Lung Cancer, in June 2010. Most recently, he suffered a hip-fracture and progressively became ill thereafter. He embraced his journey to his next life at 5.45 P.M. on January 25, 2013 in New York.

Arunbhai has been known for his generosity, kindness and KHUDDARI. I am sorry, my English is poor. So I do not know the meaning of this word’ KHUDDARI. He did not like to take someone’s help in his day-to-day activities. I had witnessed some incidents where he was offered assistance being a blind-man. In a restaurant, some waitor asked him to prepare his tea. He asked him –‘ Why ? Can I not prepare my tea ?’ Thank you .’This is called Khuddari.

I personally have enjoyed lively and intelligent conversations with him and experienced his deep thoughtfulness and directions. I could go on to talk about many instances to describe greatness of his life, but let me say in summation that:

Arunbhai was a man with integrity and honesty.

A man with vision and character.

A man with a strong will who fought against many odds due to several of his medical problems.

A man with great devotion to our family and to the community.

We shall remember him as a man with a kind and gentle heart and compassion for others.

Arunbhai leaves an abundance of memories for us to enjoy and cherish

With a very heavy heart, we bid farewell to our beloved Arunbhai.. May his soul rest in peace. May god give strength to all of us to bear the loss.

Thank you.

Navin Banker

6606 Demoss Dr. Aptt # 1003

Houston, Tx 77074

832-499-0399

“પુષ્પગુચ્છ” એક અવલોકન

November 24th, 2012 Posted in રસદર્શન

“પુષ્પગુચ્છ” એક અવલોકન -નવીન બેંકર

 

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના ૨૫ જેટલા કવિઓ-ગઝલકારોની રચનાઓનું સંપાદન કરીને શ્રી.સુરેશ બક્ષીએ એક સુંદર પુષ્પગુચ્છ બનાવ્યું છે.એક સહ્રદય વાંચક તરીકે મેં, એ કવિતાઓ વાંચી છે,સરવે કાને સાંભળી છે અને મારી દ્રષ્ટીએ ઝીણા આંકની ચાળણીએ ચાળી પણ છે.

આમાં અછાંદસ કાવ્યો પણ છે, ગઝલ પણ છે અને વાંચતાં વાંચતાં સંભળાય એવા સુંદર કાવ્યો પણ છે.કવિશ્રી. સુમન અજમેરી,અબ્દુલ રઝાક મેઘાણી “રસિક” દેવિકાબેન ધ્રુવ, પ્રવિણાબેન કડકિઆ, સરયુબેન પરીખ જેવાના કાવ્યોનો સમાવેશ કરીને સુરેશ બક્ષીએ સરવા કાન અને ઝીણી નજરનો પુરાવો આપ્યો છે. કવિતાની કસોટીએ જ ખરી ઉતરેલી રચનાઓને જ પસંદ કરવાની નેમ, બક્ષીએ દાખવી છે એ અભિનંદનને પાત્ર છે.

 હવે,કેટલાક કાવ્યો અંગે વાત કરીએ- પ્રવિણા કડકિયાની રચનાઓમાં સદગત પતિના સંસ્મરણોનું સ્પર્શક્ષમ શૈલીમાં આલેખન, તેમાં રહેલો વિષાદ અને આનંદનો અંગત અનુભવ વાંચકના ભાવવિશ્વને ભર્યું ભર્યું કરે છે. સ્મ્રુતિઓથી ઘેરાતો વિષાદ તેમાં સૂપેરે પ્રતિબિંબિત થયો છે.ક્યાંક એકલતાની ભીંસ પણ અનુભવાય છે.એ લાગણીઓને અપાયેલ શબ્દદેહ વાંચકના હૈયાના તારોને રણઝણતા કરી શકે છે.

 આ પુષ્પગુચ્છના સર્જકોની રચનાઓમાં પ્રતિબિંબિત થતી એમની જીવનદ્રષ્ટી,એમની વૃત્તિ,એમનું ચિંતન,એમની અભિવ્યક્તિ સૌના હ્રદયભાવોને વાચા આપવા માટે જ જાણે પ્રગટ્યા હોય એવા જણાય છે. કેટલીક રચનાઓ તો એવી છે કે એનો નાદ,લય,શબ્દો એ એક અલગ જ અનુભૂતિનું વિશ્વ રચી આપે છે. ગઝલમાં વર્ણનને ખાસ અવકાશ નથી હોતો. બહુ ઓછ શબ્દોથી કામ લેવાનું હોય છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતો હોય છે. પ્રત્યેક શેર પોતે જ પોતાનામાં સ્વતંત્ર કાવ્ય હોય છે. રસિક મેઘાણીની ગઝલો અંગે તો કશું કહેવાપણું છે જ નહીં.’તમારી યાદનો ટહૂકો’ યોગ્ય સમયે જ ‘પુષ્પગુચ્છ’માં મુકાઇ છે.સ્ટ્રોકના હુમલા પછી, બે વર્ષ માટે બધું સમેટી લઈને પાકિસ્તાન ગયેલા આ ગઝલકારની ખોટ હ્યુસ્ટનના સહિત્ય-રસિકોને વધુ સાલશે. ‘તારી યાદ’માં હેમાબેન પટેલ પણ સુંવાળા દિવસોની યાદોને વાગોળે છે અને અટવાઇ ગયેલી જિન્દગીની વાતને વહી ગયેલા લાગણીના પ્રવાહો દ્વારા આપણને ય આપણાં ભુતકાળમાં ખેંચી જાય છે.

 દેવિકા રાહુલ ધ્રુવ એમના પ્રથમ કાવ્યસંગ્રહ’ શબ્દોને પાલવડે’ પ્રકાશિત થયા પછી તો ઉપરાછાપરી કાવ્યોની હેલી જ વરસાવી રહ્યા છે. એમના કાવ્યો / ગઝલો છંદબધ્ધ હોય છે.એ માત્ર વાંચવાના જ નથી હોતા. સાંભળવાના પણ હોય છે.એમના કાવ્યો વાંચીએ કે એમને કંઠે સાંભળીએ ત્યારે જાણે આપણે કોઇ હોડીમાં બેસીને ખળખળ વહેતા જળમાં શ્બ્દચિત્રોને જોઇ અને સાંભળી શકીએ એવી અનુભૂતિ થાય છે.છેલ્લી પંક્તિઓમાં ચિંતનાત્મકતા, અધ્યાત્મકતા, અને જીવનની ફિલસૂફી પણ આવી જાય એ, દેવિકાબેનની વિશેષતા છે. કવિતામાંથી સંગીત પણ સર્જાઇ શકે અને શબ્દચિત્રનો આખો માહોલ વાંચકની દ્રષ્ટી સમક્ષ કેવી રીતે ઉભો થઇ શકે એ સમજવા માટે તમારે દેવિકા ધ્રુવના ‘શતદલ’ જેવા કાવ્યો વાંચવા જોઇએ.

ચીમન પટેલ હ્યુસ્ટનના હાસ્યલેખક છે. હમણાં થોડાક સમયથી તેમણે કવિતા,ગઝલ, હાઇકુ પર પણ સફળતાપુર્વક હાથ અજમાવવા માંડ્યો છે.પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં, બાળકને સ્તનપાન કરાવતી પત્નીનું શબ્દચિત્ર ‘અલી, શીદને થઈ ઘેલી’ કાવ્ય દ્વારા તાદૃશ કરે છે. સાસુ-વહુના પ્રેમની વાત કરતું ,વર્ષાબેન શાહનું કાવ્ય પણ ભાવવિભોર બનાવી દે છે. સુમન અજમેરીની ‘અંતાક્ષરી’ એક આવકારદાયક નવીન પ્રયોગ છે.’મનુજ હ્યુસ્તોનવી’ ના નામે લખતા શ્રી. મનોજ મહેતા હ્યુસ્ટનના જાણીતા નાટ્યકાર, અભિનેતા, અને કવિ છે. ચિંતનાત્મક ફિલોસોફીવાળી તેમની ગઝલો નોંધનીય છે. હેમંત ગજરાવાળા પણ ‘મારી નજરઃતારી નજર’ દ્વારા સ્વપ્ના દર્શાવી જાય છે.અંગ્રેજી કવિતાઓના વાંચન દ્વારા અને તેના ભાવાનુવાદ દ્વારા પોતાની વિદ્વતાનો પરિચય કરાવી જતા આ સર્જક બહુશ્રુત અને વિદ્યાવ્યાસંગી છે. જિન્દગીના નવ દાયકા વટાવી ગયેલા અને હ્યુસ્ટનની ઇન્ડીયા કલ્ચર સેન્ટર દ્વારા ‘સ્પિરીટ ઓફ ટાગોર એવોર્ડ’થી સન્માનિત થયેલા શ્રી. ધીરુભાઇ શાહ પોતાની ઉંમરને અનુરુપ, સંબંધોની ફિલસુફી સમજાવે છે. વિજ્ય શાહનું ‘રિક્તતા’ કાવ્ય પણ હ્રદયસ્પર્શી છે.બધું ભર્યુભાદર્યુ હોય અને છતાં કોઇ પ્રિય આપ્તજનની ગેરહાજરીને કારણે વતનમાં જવાનું મન ન થવાની લાગણી આપણા બધાનો અનુભવ છે. રમઝાન વીરાણીની બન્ને રચનાઓ પર ‘ આ મુંબઇ છે’ ની અસર વર્તાય છે. વિશાલ મોણપરાના કાવ્યોમાં યૌવનની તાઝગી ને પ્રેમનો તલસાટ /ઉત્કટતા છે. સુરેશ બક્ષીના ‘ચડતી પડતીના સરવૈયાની વાત દિલને સ્પર્શી જાય તેવી છે. વિશ્વદીપ બારડની કૃતિ પણ સુંદર છે. ‘વૈશ્નવજન’ ના ઢાળ પર રચેલું ‘ સારા માનવ’ એ અંબુભાઇ દેસાઇનું કાવ્ય સમાનતા, ઉદારતા, કરુણા, મૈત્રિભાવ જેવા ભાવોની વાત કરતું ચિંતનાત્મક કાવ્ય છે તો સ્વ.મહમદ પરમાર ‘સૂફી’ ની ગઝલ આતંકવાદની વેદના તાદૃશ કરે છે.વર્ષા શાહ ‘ઘરેણાનો ડબ્બો’ દ્વારા કેવું સુરેખ ચિત્ર ઉપસાવી શક્યા છે ! બોખા મ્હોંએ સીતાફળની પેશી ખાતા પપ્પાનું ચિત્ર એ કાવ્ય દ્વારા ચિત્રિત કરી શક્યા છે. ‘પિયુના પગરખાનો અવાજ’ અને ‘નીતરતી સાંજ’ ના આલેખન દ્વારા સરયુબેન પરીખ કેવી સુંદર વાત કરે છે !

ટૂંકમા, ‘પુષ્પગુચ્છ’ની કેટલીક કૃતિઓ ચિંતનાત્મક છે. સુમન અજમેરિ, હેમાબેન પટેલ, શૈલાબેન મુન્શા, વિજય શાહ, દેવિકાબેન ધ્રુવની રચનાઓ એના ઉદાહરણ છે. કેટલીક કૃતિઓમાં અધ્યાત્મ અને ફિલોસોફી છે. પ્રદીપ બ્રહમભટ્ટ, ગિરીશ દેસાઇ,, ઇન્દીરાબેન શાહ, સુરેશ બક્ષીના કાવ્યો એના ઉદાહરણ તરીકે ગણાવી શકાય. હ્યુસ્ટનના આ કવિઓ / ગઝલકારો આધુનિક સંવેદનાના સર્જકો છે.તેઓ ગીત અને ગઝલની રચનામાં રત રહીને આધુનિક સંવેદનાઓને વાચા આપી શકે છે.વિભિન્ન રંગ,મિજાજ, ભાવ, વિષય અને શૈલી ધરાવતી રચનાઓને એકબીજાની સાથે વાંચતાં, કવિતાઓનો કેલિડોસ્કોપ જોયાનો અનુભવ કરાવે છે.

 દિલીપ પરીખના ચિત્રો, જયંત પટેલના ફોટોગ્રાફ્સ, અને નિખિલ મહેતાના આર્ટવર્કથી ઓપતું આ ‘પુષ્પગુચ્છ’ આકર્ષક બની શક્યું છે. સુરેશ બક્ષી, આપે, આમુખમાં આપના પ્રિય કવિ ગની દહીંવાલાનો જે શેર ટાંક્યો છે એને જ દોહરાવીએ, તો જરુર કહી શકાય કે આ સંપાદનથી, ગુજરાતી સાહિત્ય સરિતામાં, આપનું નામ પણ આદરપુર્વક લેવાતું રહેશે.

હ્યુસ્ટનના કવિઓ / ગઝલકારોના આ ક્લોઝ અપ માટે, સંકલનકાર બક્ષીસાહેબ, આપને સાદર સલામ.

નવીન બેન્કર ૨૧ નવેમ્બર ૨૦૧૨

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/

કુછ યાદેં ભીગી ભીગી સી-(૬)

(૬) નાયગ્રા ધોધની મુલાકાતે
નાયગ્રાના પ્રચંડ ધોધના વહી જતા જલરાશિની પેઠે, વહી ગયેલી વાતોને પણ પોતાની એક અનોખી રમણિયતા હોય છે. જે જીવનકેડી પર પગ દઈને હું ક્યારેક ચાલ્યો હતો એની માટીની યાદની જેમ એ યાદો પણ સુમધુર નીવડે છે. કાળ અને કહાણી હૈયે રહી જાય આ એના જેવી વાત છે. જૂની સ્વપ્નભૂમિમાં આળોટતા આજે દિલમાં તાજી થાય છે એ વેળાની વાત.
વર્ષોથી નાયગ્રાશબ્દ વાંચતાં કે સાંભળતાં મારા મનમાં એક અદભૂત રોમાંચ જાગી જાય છે-આજે પણ.   એનું કારણ , નાયગ્રા ધોધ કરતાં નાયગ્રા નામના અંગ્રેજી મૂવીમાં, ૧૬ વર્ષની મારી મુગ્ધ વયે,જોયેલી સેક્સ સીમ્બોલ મેરિલીન મનરોનું આકર્ષણ છે. હું ભુલતો ન હોઊં તો  મહાગુજરાતના તોફાનો વખતે ૧૯૫૬ના ઓગસ્ટ માસ દરમ્યાન આ  અંગ્રેજી ફિલ્મ, અમદાવાદના એડવાન્સ સિનેમામાં રજૂ થયેલી અને અંગ્રેજી ન સમજતા હોવાં છતાં,માત્ર હોર્ડીંગ પર, મેરિલીન મનરોની મદમસ્ત જુવાનીનું ફાટફાટ થતું સૌંદર્ય અને મારકણી આંખોનું, આર. ગજ્જરે દોરેલું પેઈન્ટીંગ જોઇને , મારા ત્રણ ચાર મિત્રો સાથે એ મૂવી જોવા ગયેલો. એ જમાનામાં, આજના જેટલી નગ્નતા ફિલ્મોમાં નહોતી.મેરિલીન મનરોની મોહક મુખાક્રુતિ, એનાં ઉન્નત ઉરોજો કે પતલી કમર પર કેમેરો ફેરવવાને બદલે, દિગ્દર્શકે એના નિતંબ, એની મારકણી ચાલ, કમરના ઉલાળા પર ધ્યાન કેન્દ્રીત કરેલું.  એ યૌવનસભર રુપાળી સ્ત્રીનો એવો લયહિલ્લોળ સર્જ્યો હતો કે અમે સિસોટીઓ મારવા લાગતા હતા. મેરિલીનની એ લટકાળી ચાલ જોવા અમે પાંચ પાંચ વખત એ પિક્ચર જોયેલું. આ ૭૦ પ્લસની ઉંમરે, અસભ્ય કે ધ્રુષ્ટ લાગવાની બીક રાખ્યા વગર નિખાલસપણે કહું કે મેરિલીનને પરદા પર જોઇને,૧૬-૧૭ વર્ષના આ છોકરડાને પુરુષસહજ કીકવાગેલી અને રુપાળી છોકરીઓની દેહાક્રુતિને, લાલસાભરી નજરે જોવાની આદત પડવાના શ્રીગણેશ મંડાયા હતા.
હાં….તો, એ ફિલ્મમાં ચિત્રાંકિત થયેલું, નાયગ્રા ધોધનું પ્રપાતદર્શન એટલું પ્રભાવક લાગ્યું હતું કે અમે મંત્રમુગ્ધ બની ગયેલા.૧૯૫૬માં, અમદાવાદ શહેરની શેરીઓમાં, ઉઘાડા પગે,દોડતાં દોડતાં,છાપાની ફેરી કરનારા મારા જેવા ગરીબ માણસે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે ક્યારેક અમેરિકા જઇશ, ત્યાં સ્થાયી થઈશ, ડોલર્સ કમાઈશ, સિટીઝન બનીશ અને આ જાજ્વલ્યમાન , અણનમ, અશેષ, ,અસ્ખલિત, ઉત્તુંગ પ્રપાતરાજના નિર્બંધ નિસર્ગનો વૈભવપુંજ આ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ નિહાળી શકીશ.
બધી ઇશ્વરની લીલા છે !

અમે બત્રીસ વર્ષથી અમેરિકામાં રહીએ છીએ પણ ભાગ્યે જ બે-ચાર અમેરિકન સિટી જોયા છે.કારણ કે અમે જન્મજાત ‘ દેશી‘ જ રહ્યા છીએ.અમારે દરરોજ દાળ-ભાત-શાકઅને રોટલી-ભાખરી-પુરી- જ ખાવા જોઇએ  છે. અમને રસ પડે છે માત્ર અને માત્ર  ગુજરાતી નાટકોહિન્દી ફિલ્મોગુજરાતી વર્તમાનપત્રો-મેગેઝીનો-પુસ્તકો અને ફિલ્મી ગીતો,કે સુગમ સંગીતમાં.

 

મારે યુનિવર્સલ સ્ટુડીઓનાયગરા ધોધલાસવેગાસના કેસિનો અને ત્યાંની બિન્ધાસ્ત જીવનશૈલી  જોવાની ઇચ્છા હતી.

આ ઇચ્છાઓ પરિપુર્ણ કરવા માટે મારે બે વ્યક્તિઓનો ઋણસ્વિકાર કરવો જ રહ્યો.

 

મારી નાની બહેન ડોક્ટર કોકિલા પરીખે પોતાના ક્રેડીટકાર્ડના પચાસ હજાર પોઇન્ટ્સ આપી દઈને,જાતે કોમ્પ્યુટર પર માથાકુટ કરીને  અમારા માટે બે ટીકીટો , હ્યુસ્ટનથી ટોરન્ટોનીબૂક કરાવી આપી હતી.  અને બીજો ઋણસ્વિકાર તે મારી પત્નીના ફોઇની દીકરી વીણાબેનના દીકરા જિગર અને તેની પત્ની તૃપ્તીનો. જેમણે પાંચ પાંચ દિવસ સુધી અમને એરપોર્ટ-ટુ-એરપોર્ટ સર્વિસ આપીતેમને ઘેર રાખીને  ગુજરાતી જમણ જમાડ્યું અને ઓફિસમાંથી રજાઓ લઈને  રેન્ટે કાર કરીને  આ બે સિનીયર સિટીઝનોને બધે ફેરવ્યા હતા.

 

પંદરમી જુલાઈ ને ૨૦૦૪ને ગુરુવારે અમે કોન્ટીનેન્ટલ એરલાઈન્સની ફ્લાઇટમાં બેસીને કેનેડાના ટોરન્ટો શહેરના એરપોર્ટ પર રાત્રે બાર વાગ્યે ઉતર્યા ત્યારે ભાઇ જિગર અમને રીસીવ કરવા હાજર હતો.

ઘેર પહોંચી, ભોજન કરીને, જલ્દી જલ્દી ઉંઘી ગયા અને બીજે દિવસે વહેલી સવારે તો અમે ફરવાનો કાર્યક્રમ ઘડી રાખેલો તે પ્રમાણે,રેન્ટ-એ-કારમાં નીકળી પડ્યા.સાથે ઘરના બનાવેલા ઢેબરાં, શાક,કચરપચર અને પાણીની બોટલો તો ખરી જ.

 

નાયગ્રા ધોધ જોવાની મજા તો સમી સાંજે અને રાત્રે.એટલે જિગરે પ્રોગ્રામ એ રીતે ઘડી રાખેલો કે દસ વાગ્યાથી મરીનલેન્ડ પાર્કમાં રાઈડો લેવી, વિવિધ શો જોવાઅને સાંજે નાયગ્રા ધોધના સ્થળે જઈને મોટેલમાં સામાન મૂકે,ફ્રેશ થઈને નીકળી પડવું અને મોડી રાત્રે પાછા ફરવું. બીજે દિવસે ધોધ અને તેની આસપાસના સ્થળોની મુલાકાત લેવી.રાત્રે ઘેર પહોંચી જવું. ત્રીજે દિવસે, ‘વન થાઉઝન્ડ આઇલેન્ડ’ની બોટ રાઇડ લેવી અને ચોથે દિવસે ટોરન્ટો શહેરના અમારા પરિચીતોને તેમજ હિન્દુ મંદીરોની મુલાકાત લેવી.

 

૧૬ જુલાઇ ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે અમે,૭૬૫૭,પોર્ટેજ રોડ, નાયગ્રા ફોલ્સ,ઓન્ટેરીઓ, કેનેડાના સરનામે આવેલા મરીનલેન્ડ્સ નામે ઓળખાતા સ્થળે પહોંચ્યા.ટોરન્ટોથી કાર મારફતે રુટ નંબર ૪૦૦ નોર્થ, ૪૦૧,૪૨૭ સાઉથ થઈને હેમિલ્ટન તરફ જતા QEW માં મર્જ થઇને રુટ નં.૪૨૦ ( ચારસોવીસ ) પકડી લો એટલે તમે નાયગ્રા ફોલ્સ પહોંચી જાવ.પછી, થોડા ડાબે જમણે થઇને જયાં જવું હોય ત્યાં જઈ શકો.

જુન, જુલાઇ અને ઓગસ્ટમાં મરીનલેન્દનો સમય સવારના ૯ થી સાંજના ૬ સુધીનો હોય છે. સીત્તેર હજાર ચોરસ ફીટમાં પથરાયેલા આ વિસ્તારમાં ઘણીબધી ગેઇમ્સ,ઘોસ્ટ બ્લાસ્ટર્સ જેવી અંધારી રાઈડો,સી-લાયન, વ્હેલ અને ડોલ્ફીનના શો, સ્કાય-સ્ક્રીમર, ડ્રેગન માઉન્ટન જેવા વિશ્વના સૌથી મોટા રોલર કોસ્ટર્સ, માછલીઘરો અને ઘણુંબધું છે.

 

સૌ પ્રથમ તો અમે કાર પાર્ક કરીને, ઘટાદાર વ્રુક્ષોથી ઓપતી હરિયાળી ધરતી પર બેસીને, દેશી સ્ટાઇલ પ્રમાણે ઘેરથી લાવેલા ઢેબરાં અને બટાકાપૌંઆનું લંચ કર્યું. ત્યારપછી, વ્યક્તિ દીઠ, છત્રીસ ડોલરની ફી આપીને મરીનલેન્ડમાં પ્રવેશ મેળવ્યો. અને અમારી ચાલવાની કસરત શરુ થઈ. વિશાળ મેદાનમાં પથરાયેલી રાઈડો અને જોવાલાયક સ્થળો જોવા માટે તમારે ચાલવું ફરજિયાત. હું અને મારી ધર્મપત્ની, બન્ને આર્થરાઈટીસના દર્દી અને મારે તો બન્ને પગે ઢાંકણીનાં ઓપરેશન કરાવેલા એટલે અમારી ચાલવા અંગેની મર્યાદાઓને કારણે અમારે વારંવાર ક્યાંક બાંકડા પર બેસી જવું પડતું અને જ્યાં ઢાળ ચઢીને જવાનું હોય  એવી જગ્યાઓ ટાળી દેવી પડતી. યુવાન નવપરિણીત જિગર-ત્રુપ્તીએ દુનિયાની સૌથી ઉંચી ટ્રીપલ રાઈડ સ્કાય-સ્ક્રીપરનો આનંદ માણ્યો તો મેં દુનિયાના સૌથી લાંબા સ્ટીલ-રોલર કોસ્ટર ડ્રેગન માઊન્ટનની મઝા માણી હતી. અમે ચારે જણે સમુહમાં માછલીઘર, ડીયરપાર્ક, ડોલ્ફીન શો,કીલર-વ્હેલ શોની મઝા માણી.યુરોપ અને એશિયાના લાલ હરણામ તથા કાળા રીંછ જોયા.મેં અને જિગરે કન્ડ્ર્ઝ ટ્વીસ્ટર નામની હળવી રાઈડ લીધી. તળાવમાં માછલાંને ચારો ખવડાવ્યો.વેવ સ્વીંગર, હરીકેન કોવ, ટીપોલી વ્હીલ, સ્પેસ એવેન્જર જેવી રાઈડો જોઇ. પછી…ટાંટીયાએ સાથ છોડી દીધો એટલે વાઇલ્ડરોફ હટ નામના રેસ્ટોરન્ટમાંથી ફ્રેન્ચ ફ્રાઇઝ, પોપકોર્ન અને આઇસક્રીમ લઈને ખુલ્લામાં બેસીને, અમેરિકન જાઝ મ્યુઝીક સાંભળતાં સાંભળતાં નાસ્તોપાણી કર્યા.

 

અહીંના હંગ્રી લાયન રેસ્ટોરંટમા બારસો વ્યક્તિ સાથે બેસીને નાસ્તો કરી શકે એવી વ્યવસ્થા છે જ્યાં પીઝા,સલાડ, ડેઝર્ટસ, ફ્રુટજ્યુસ, કોફી વગેરે મળે છે

મરીનલેન્ડમાં ફર્સ્ટએઇડ,નર્સીંગ,ખોવાયેલા બાળકો, સ્ટ્રોલર, વ્હીલચેર, લોકર,રેન્ટલર્સ,એ.ટી.એમ. મશીન્સ,પીકનીક ટેબલ્સ,કીંગ વાલ્ડરોફ પેલેસ રેસ્ટોરંટસ,ગીફ્ટશોપ્સ,વગેરે છે. ઉપરાંત, વરસાદ તુટી પડે ત્યારે એક્વેરીયમ બીલ્ડીંગમાં આશરો લેવા માટે પણ વ્યવસ્થા છે.

 

કુછ યાદેં ભીગી ભીગી સી-(૫)

૫)  ફિલ્મો અને હું
નાનપણથી મને ફિલ્મો  જોવાનો બહુ ચસ્કો. હું અને મારો પાડોશી મિત્ર મહેશ જોશી, પાંચ આનાની ટીકીટમાં ફિલ્મો જોવા જતા.  અમારા જમાનામાં, ‘પ્રતાપસિનેમા, સીનેમા-ડી-ફ્રાન્સ, ઇંગ્લીશ સિનેમા, રોઝી સીનેમા, રીગલ, અશોક, લક્ષ્મી, એલ.એન., પ્રકાશ, ક્રુષ્ણ, રુપમ જેવા છબીઘરોમાં અમે લાઇનમાં ઉભા રહી, ધક્કામુક્કી કરીને પાંચ આનાની ટીકીટ મેળવીને મોજથી પિક્ચરો જોતાં.
ફિલ્મોની મારા પર બહુ જ અસર પડતી. આહ  પિક્ચરમાં રાજકપૂરના મ્રુત્યુના અંતીમ દ્રશ્યમાં હું રડી પડતો. ફિલ્મ દીદારમાં છેલ્લે દિલીપકુમાર આંખો ફોડી નાંખે છે એ દ્રશ્ય વખતે પણ હું રડેલો. રાજકપૂરના નજરાનાના અંતીમ દ્ર્શ્ય વખતે પણ મારી આંખો ભીની થયેલી.૧૯૫૮- કે ૧૯૫૯માં, રીગલ સિનેમામાં ગુજરાતી ફિલ્મ મેંદી રંગ લાગ્યો જોયેલી. એમાં રાજેન્દ્રકુમાર મિત્રોની સોબતને કારણે દારુની લતે ચડી જઈને જિન્દગીની ખાનાખરાબી નોતરી બેસે છે એ વાત જોઈને મેં પ્રતિજ્ઞા લઈ લીધેલી કે કદી દારુ ન પીવો. અને પછી દાદીમાએ પણ સોગંદ લેવડાવેલા એટલે દારુ કદી આ પીધો-પાર્ટીઓમાં ડ્રિન્ક્સ તરીકે પણ નહીં. જ્યારે જ્યારે જિન્દગીમાં પ્રેમભંગ થવોનો પ્રસંગ બનતો ત્યારે ત્યારે મારામાં એ રાજકપૂર  અને દિલીપકુમારના ફિલ્મી રુપના આત્માઓ જાણે જાગ્રુત થઈ જતા !!
હિરોઈનોમાં મધુબાલા ખુબ ગમતી.પછી, મીનાકુમારી ગમવા લાગેલી. જેમ જેમ ફિલ્મો અને ઉંમર વધતા ગયા તેમ તેમ પસંદગીનું ક્ષેત્ર પણ વિસ્ત્રુત થતું ગયું. કાળક્રમે, સુરૈયા, મુમતાઝના પણ એકપક્ષી પ્રેમમાં (!) પડી ગયેલો. મુમતાઝ પછી તો ગણવાનું યે છોડી દીધું હતું. આજે સમજાય છે કે એ યુવાનીનો મોહ હતો. એમાં પ્રેમ-બ્રેમ જેવું કશું ન હતું..
મને સૌથી વિશેષ ગમતી બે જ ફિલ્મોના નામ દેવાના હોય તો હું કહું કે એક ત્રિશૂલ (સંજીવકુમાર, અમિતાભ, વહીદા રાખી,શશીકપૂર અને હેમામાલિની અભિનીત)  અને બીજી, ગુરુદત્તની કાગઝકે ફૂલ‘. મારા મનમાં આ બન્ને ફિલ્મોને મેં જુદી જુદી રીતે ભજવાતી જોઇ છે. આજે જો મારે એ બન્ને ફિલ્મોની રીમેઇક કરવાની હોય તો એની વાર્તા અને સંવાદો બદલીને મારી રીતે નવેસરથી બનાવું.
જે જમાનામાં હું છાપા વેચતો એ જમાનામાં પણ ગુજરાતી નાટકો મેં ઘણાબધા જોયેલા. પદમારાણીના નાટકો મને ગમે.એમનું અને વિજયદત્તનું ગુજરાતી પિકચર નંદનવન જોયેલું. અરીસા સામે ઉભો રહીને વિજયદત્તના છટાદાર સંવાદોની નકલ ઉતારતો. એ પદમારાણી એક વખત કોઇ નાટક લઈને અમદાવાદ આવેલા અને ટાઉનહોલની પાછળ, ગુરુક્રુપા ગેસ્ટ હાઉસમાં ઉતરેલા. એમને રુબરુમાં જોવાની ઘેલછાને કારણે હું એ ગેસ્ટ હાઉસના પગથિયા ચઢી ગયો અને પદમારાણાની સામે જઈને ઉભો રહી ગયો. પદમાબેને પુછ્યું-કેમ આવવું થયું, ભાઇ !હું તો તતપપ થઇ ગયો. જે કલાકારને રુબરુ જોવા હું હિંમત કરીને આવ્યો હતો એમને પ્રત્યક્ષ જોતાં જાણે મારી વાચા જ હરાઈ ગઈ. છતાં, મેં હિંમત કરીને ફેંક્યું-વિજયભાઇ નથી આવ્યા ?’
કોણ વિજયભાઇ ?’
વિજયદત્ત
આ નાટકમાં વિજયદત્ત નથી.
ઓહ ! એ..મ ?
હું ચુપચાપ દાદરો ઉતરી ગયો.
આખે શરીરે પરસેવો વળી ગયેલો.  હું પદમારાણીને મળ્યો…વાહ !
વર્ષો પછી…એ જ પદમારાણીને હ્યુસ્ટનમાં ઘણાં નાટકો દરમ્યાન, મારા મિત્ર સનત વ્યાસની સાથે મળવાનું થયું છે, સાથે ફોટા પણ પડાવ્યા છે. આજે તો મને પદમાબેન નામથી પણ ઓળખે છે. જુએ કે તરત બોલે-આવો..આવો..નવીનભાઇ, કેમ મોડા મોડા મળવા આવ્યા?’ એકવાર તો કોઇએ મારી ઓળખાણ આપવા માંડી તો પદમાબેન કહે-એમને તો હું ઓળખું છું. નવીનભાઇ છે એ.‘.
૧૯૭૧ના વર્ષ દરમ્યાન ચાંપશીભાઇ ઉદ્દેશીના નવચેતનમાટે મેં ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકોના કલાકાર-કસબીઓના ઇન્ટર્વ્યુ લઈને પ્રસિધ્ધ કરવા માંડ્યા એ વખતે મારી પાસે કેમેરો ન હતો.એટલે એ કલાકારોની સાથેના મારા ફોટા નથી. પણ એમની મુલાકાતોના છપાયેલા કટીંગો મેં સાચવી રાખ્યા છે. હમણા, માર્કંડ ભટ્ટ, અરવિંદ વૈદ્ય અને કાકા ચાલે વાંકાવાળા દિનેશ શુક્લ હ્યુસ્ટન આવેલા ત્યારે મેં એમની મુલાકાતના છપાયેલા કટીંગ્સ બતાવ્યા ત્યારે એ બધા છક થઈ ગયેલા કે અરે ! આટલા વર્ષે-૪૦ વર્ષ પછી પણ- તમે આ બધું સાચવી રાખ્યું છે ?’ મેં જવાબ આપ્યો કે-એ જ તો મારી મૂડી છે. ભુતકાળના આ સંસ્મરણોની માળા બનાવીને તો હું જીવી રહ્યો છું.
હ્યુસ્ટનમાં છેલ્લા વીસ વર્ષમાં આવી ગયેલા જે જે અભિનેતા-અભિનેત્રિઓને હું મળ્યો છું તેમની સાથેના સંસ્મરણોને પણ હું આ લેખમાળામાં મૂકવાનો છું.સલમાનખાન, શત્રુઘ્નસિંહા, નાના પાટેકર, અનિલકપૂર, અમિતાભ બચ્ચન ઉપરાંત પવિત્ર રીશ્તાના માનવની મમ્મી સવિતાનો રોલ કરતી ઉષા નાડકર્ણી સાથેના પ્રસંગો મુખ્ય હશે.
 

કુછ યાદેં ભીગી ભીગી સી-(૪)

.(૪)  છાપાના ફેરિયાની દુનિયા
વહેલી પરોઢથી સવારના નવ સુધીના થોડાક જ કલાકોમાં , ધનુષમાંથી છૂટેલા તીરની ઝડપથી બધુ કામ આટોપી લેનાર છાપાના ફેરિયાની દુનિયામાં તમને ડોકિયું કરાવવું છે મારે આ પ્રકરણમાં.
૧૯૫૪થી ૧૯૬૦ના વર્ષો મારે માટે ખુબ સંઘર્ષના દિવસો હતા. આજીવિકા માટે સવારે ચાર વાગ્યે ઉઠી જઈને, ઉઘાડે પગે, અંધારામાં, લાખા પટેલની પોળ, સુથારવાડો, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા થઈને વીસ મીનીટમાં હું રેલ્વે સ્ટેશને પહોંચીને અન્ય ફેરિયાઓ સાથે ત્રણે મુખ્ય છાપાં ( સંદેશ, ગુજરાત સમાચાર અને જનસત્તા ) લેવા માટે લાઈનમાં ઉભો રહી જતો. એક સો છાપાનો થોકડો લઈને, દોડતો દોડતો,સારંગપુર દરવાજા…સામસંગાની પોળ…તળીયાની પોળ..રાયપુર ચકલા..ભાઉની પોળ..આકાશેઠકુવાની પોળ, નવો રસ્તો…માંડવીની પોળ…ના બાંધેલા ગ્રાહકોને છાપા પહોંચાડતો.. વચ્ચે વચ્ચે બૂમો પાડીને છૂટક પણ વેચતો અને વધેલી કોપીઓ રતનપોળના નાકે ઉભો રહીને વેચી નાંખીને  સવારે નવ પહેલા તો ઘેર પણ આવી જતો.
વિદ્યાબા મને ગરમ ગરમ રોટલીઓ ખવડાવે. પછી સ્કૂલે જઊં…સ્કૂલમાંથી ગુલ્લી મારીને, ક્યારેક બપોરના વધારા (સેવકનો વધારો) વેચવા પણ દોડું.ઘીકાંટા સંદેશ પ્રેસમાંથી પચાસ છાપાની નકલો લઇને ઉનાળાની ગરમીમાં પણ દોડું. ઘીકાંટા..પાનકોરનાકા,,ગાંધીરોડ..રતનપોળ..પાંચકુવા..રીલીફરોડ..બૂમો પાડી પાડીને છાપા વેચીને ઘેર જઉં ત્યારે ચૌદ આના કમાયો હોઊં.
શહેરમાં બનેલી કોઈ ઉત્તેજક ઘટનાનું હેડીંગ વાંચીને તેનો પોકાર પણ કરતો.ખાડીયામાં ગોળીબાર‘…’..બ્રહ્મકુમાર ભટ્ટની ધરપકડ‘..’.મહાગુજરાતનો કુકડો‘…અમારી બોલવાની ગતિ પરથી પણ ન્યુઝ-વેલ્યુ લોકોને સમજાઈ જતી.મહાગુજરાતના તોફાનો વખતે તો બપોરે ચાર ચાર વધારા છપાતા. હજી તો એક વધારો હાથમાં હોય અને બીજો બહાર પડી જાય. એ વખતે ઘણી રાતો, રેવડીબજારમાં આવેલા, જનસત્તાના પ્રેસની બહાર મૂકેલા ન્યુઝપ્રિન્ટના રીમ્સ પર સુઈ રહીને  વીતાવી છે. ધમધમતા મુદ્રણયંત્રો, અખબારની નકલોનો વહેતો ધોધ, પાર્સલ બાંધનારાઓની દોડધામ,, ઘાંટાઘાંટ…એ બધું આજે ય નજર સમક્ષ તરવરી રહે છે. શિયાળાની કડકડતી ઠંડી હોયઉનાળાના બળબળતા બપોર હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ… હું કદી ડરતો નહીંકદી થાકતો નહીં…ને…આજે…? રસ્તો ક્રોસ કરતાં ય ડરી ડરીને ડગલુ ભરતો વ્રુધ્ધ, અશક્ત માણસ…!!!
 

કુછ યાદેં ભીગી ભીગી સી-3

ઝુંપડીની પોળના એ પાડોશીઓના કેટકેટલા સંસ્મરણો તાજા થાય છે ! ગૌર વર્ણ, સુદ્ર્ઢ શરીર, શાંત, સૌમ્ય સ્વભાવવાળા બાજુવાળા ભાઇલાલભાઇ હંમેશા વહેલી સવારે ઉઠી જઈને અગાસીમાં શિર્ષાસન કરતા અને સાયકલ લઈને મીલમાં નોકરીએ જતા. પત્ની, ત્રણ દીકરીઓ અને બે દીકરાનો સુખી સંસાર તેમનો. પેલા એકલાઅટૂલા રહેતા અતિફોઇ..એમના ભત્રીજાઓ નાનશા જીવણની પોળમાં રહેતા જે એમની ચીજવસ્તુઓ લાવી આપે અને સારસંભાળ રાખતા. જયામાસી અને તેમના મેન્ટલી ડીસ્ટર્બ્ડ હસબંડ, ચતુરકાકા અને ચંચળબેન, ધનીમાસી અને બોબડા બાલુકાકા, તેમનો કાનુ,વિધવા શાંતામાસી અને તેમનો મનુ જેને અમે બાબોજ કહેતા. ગજરામાસી, મોતિલાલકાકા, ચીનુભાઇ, કમળાબેન, તારાબેન… પુષ્પા,’ કંદોઇતરીકે જેમનો ઉલ્લેખ બા કરતા એ ત્રણ મહેતા બ્રધર્સ અને તેમનું કુટુંબ,દેવકુંવરબેન, બચુભાઇ, કાંતિભાઇ અને પુષ્પાબેન, જયંતિભાઇ અને સુંદરબેન, …પાર્વતિબા, સુશીલાબેન, મંછાકાકી,હસુભાઇ, લતાકાકી-ચમનકાકા…કોને યાદ કરું ને કોને ના યાદ કરું ? ઘણાંના ચહેરા યાદ આવે છે પણ અત્યારે નામ ભુલાઇ ગયા છે…
હસુભાઇનો ઉલ્લેખ એક વ્યક્તિવિશેષ તરીકે કરવો છે. પોળમાં સામેનું જર્જરિત મકાન. એમાં નીચે હાંકુમાતરીકે અમે જેમને ઓળખતા એ સંતોકમા સૌથી વ્રુધ્ધ એકાકિ ડોશીમા. એમના ય સગાવહાલા એમની સાથે ન રહે પણ દેખરેખ રાખે. ઉપર, પાર્વતિબા,એમનો યુવાન ખુબસુરત દીકરો હસુભાઇ,તેની પત્ની સુશીલા, વિધવા નણંદ મંછાકાકી રહે. મારા દાદીમા અને પાર્વતિબા બહેનપનણીઓ .. બા જરા નવરા પડે કે હાંકુમાને ઓટલે જઈને વાંસનો પંખો હલાવતા હલાવતા પહોંચી જાય.ઉપરથી પાર્વતિબા નીચે આવે. અન્ય માજીઓ પણ આવે ાને શરુ થાય અલકમલકની વાતો, દ્ર્ષ્ટાંતો અને ઓટલાપરિષદ. મારી કમુ ( મારી જનેતા ) તેમાં ક્યારેય ન હોય. એ તો બિચારી ઘરના ઢસરડામાંથી ઉંચી જ ન આવે.
હાં ! તો આપણે વાત કરતા હતા હસુભાઇની. ઉંચો, ગોરો વાન, વાંકડીયા ઝુલ્ફા, સદાય હસતો રહેતો ચહેરો, એકદમ સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતો આ માણસ કોઇની પંચાતમાં પડે નહીં. મારા વિદ્યાબા કહેતા કે માણસ સારો છે પણ એના ધંધા સારા નથી.એ આંકફરકનો ધંધો કરે છે. માણેકચોકના એક ખુણામાં ઉભા રહીને અમેરિકન ફીચરના આંકડા ખાય. ઇમાનદારીથી વલણ ચૂકવી દે. રસ્તા પર ઉભા ઉભા નોટોની થોકડીમાંથી નોટો ગણે. પાર્વતિબા કહેતા કે એ સટ્ટો રમતો નથી, રમાડે છે.આંકડા લગાવનારા ખુબ મળી રહે.પણ સરવાળે ફાયદો તો આંકડા ખાનારને જ થાય. સાંકડીશેરી જુગારના અડ્ડા માટે એ વખતે કુખ્યાત. નામદાર બ્રધર્સનું રાજ ચાલે. ચંદુલાલ નામદાર, ગીરીશ નામદાર, રશ્મી નામદાર, સુર્યકાંત નામદારના નામનો રોલો પડે. સાંકડીશેરીના દાદાગણાય. લાલાવસાની પોળનું એમનું ઘર અને બીજુ હજીરાની પોળનું ઘર જુગારના અડ્ડા..ખુલ્લી જીપમાં, પાછલી સીટની ગાદી પર આદમકદની કાળીના એક્કાની તસ્વીર મુકીને ગીરીશ નામદાર સાંકડીશેરીમાં નીકળે ત્યારે પોલીસ પણ કાંઇ ના કરે. પોલીસખાતુ અને રાજકારણીઓ સાથે એનો ઘરોબો. દરોડો પાડતા પહેલા પોલીસ એને કહે કે ઉપરથી બહુ દબાણ છે એટલે દરોડો પાડવાનો છે. દરોડો પડે,એકાદ બે બૂકીઓને પકડાવી દે, થોડાક રુપિયા પણ મુદ્દામાલ તરીકે જપ્ત થાય, છાપામાં અહેવાલ આવે અને પછી બધું રફેદફે થઈ જાય.
આમાંનું ઘણું સાંભળેલું છે અને કેટલુંક પ્રત્યક્ષ જોયેલું છે. ગિરીશ નામદાર અને રશ્મી નામદાર મારી ઉંમરના જ. રશ્મીકાંત મારી સાથે બાળમંદીરમાં ભણેલો. મારો મિત્ર હતો. એને કારણે એના બીજા બે ભાઇઓનો પણ મને પરિચય. ગિરીશ જાડીયો, બેઠી દડીનો,છતાં એને બેડોળ ના કહી શકાય.પવિત્ર રીશ્તાસિરીયલમાં ધર્મેશનું પાત્ર આવે છે ને એવો દેખાય. આખી જિન્દગી દાદાતરીકે વટથી જીવ્યો પણ મર્યો ત્યારે એના પોતાના ફાર્મ હાઉસમાં એના પોતાના ભ્ત્રીજાઓના હાથે તલવાર અને છરાના ઉપરાછપરી ઘા ખાઇને મર્યો.પચાસેક વર્ષ પહેલાની એક સાંભળેલી વાત યાદ આવે છે.
એક માથાફરેલ  માણસ  ધંધામાં હરીફાઇ કરવા જુગારના આંકડા ખાવાનું કામ કરવા લાગ્યો હતો.  એને બહુ સમજાવ્યો, ધમકી પણ આપી પણ એ ના જ સમજ્યો અને એક દિવસ ભરબપોરે, ભરબજારે, માણેકચોક જેવા ધમધમતા વાતાવરણમાં કોઇએ એ માથાફરેલ માણસને રહેંસી નાખ્યો હતો. એ વખતે કહેવાય છે કે ડ્યૂટી પરના પોલીસો આઘાપાછા થઈ ગયેલા. અને પોલીસને નજરે જોનારો એકે ય સાક્ષી મળી શક્યો ન હતો. આખી સાંકડીશેરી અને પોલીસખાતુ પણ સત્ય  જાણતુ હતું.
જિન્દગીમાં, મેં એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે કે સત્યમેવ જયતેસ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.
આપણે વાત કરતા હતા હસુભાઇની. પાર્વતિબા, વિદ્યાબાને કહેતા હતા કે હસુભાઇના લગ્ન એની ઇચ્છાવિરુધ્ધ સુશીલા સાથે થયેલા. એને કોઇ પ્રેમિકા હતી જેને એ દોશીવાડાની પોળમાં ઘર અપાવીને રાખે છે. બન્ને ઘર નિભાવે છે. સુશીલા પણ આ વાત જાણે છે અને એણે એ સ્વીકારી પણ લીધું છે. ક્યારેય, ઘાંટાઘાંટ, લડાઇ-ઝઘડા કશું જ નહીં. આખી જિન્દગી બે અલગ અલગ ખાનાઓમાં રહીને એ ત્રણેય પાત્રો જીવ્યા હતા. ( પવિત્ર રીશ્તામાં અર્જુન, ઓવી અને પુર્વી સાથે એવી રીતે રહે તો ? )
સાંકડીશેરીમાં દાદાઓપણ ઘણા હતા. એક એવા જ છોટુદાદા‘. બીજા ટેણીયાદાદા‘. આ લોકોને મેં ક્યારેય મારામારી કરતા કે ગાળો બોલતા યે જોયા નથી પણ એમની છાપ જ દાદાની. કોઇ એમની સાથે લડવાનું તો નામ જ ના લે. સાંકડીશેરીના બધા દાદાઓને હું ઓળખું. મોટાભાગના મરી પરવાર્યા છે. જે જીવે છે તે હવે ઠરીગયા છે અને પોળના ઓટલે બેસીને જુવાનીમા આને માર્યો હતો ને પેલાને ઠમઠોર્યો હતોએના બણગાઓ ફુંકતા, બીડીઓ ફુંકતા બેસી રહીને મૌતનો ઇન્તેઝાર કરી રહ્યા છે.
બાપાશાસ્ત્રીની પોળની સામે, જય અંબે હેર કટીંગ સલુનનો માલિક રમેશ લીંબાચિયા ઇડર બાજુના કોઇ નાનકડા ગામનો વાળંદ.મને એની પાસે વાળ કપાવતા કપાવતા અલકમલકની વાતો કરવાની ટેવ. એ પણ હસમુખો માયાળુ માનવી. અમદાવાદ જાઊં ત્યારે એની પાસે જ વાળ કપાવું. અત્યારે તો એ રીટાયર થઈને એના ગામ જતો રહ્યો છે. એના બે દીકરા-વિજય અને ધર્મેશ- પણ એવા જ હસમુખા, વાતોડીયા અને મસ્તમૌલા છે. એમને પણ સંતાનો છે.પણ હવે જ્યારે હું સેટેલાઇટથી સાંકડીશેરી વાળ કપાવવા જઉં છું ત્યારે સલુન બંધ જ હોય છે. બન્ને ભાઇઓ બપોરે બારથી ચાર સુધી સલુન બંધ રાખે છે અને મેડા પરના પોતાના ઘરમાં આરામ ફરમાવતા હોય છે.
લાખાપટેલની પોળનો રમેશ ગદાણી, દરજી બચાભાઇ (અરવિંદ), દીનેશ પટેલ, રમેશ દવે, વિદ્યાધર કેતકર, ગામડીવાળા બીલ્ડીંગ, જેમનો નામોલ્લેખ કરતાં આજે મને શરમ આવે છે એવી કેટલીક રુપાળી છોકરીઓ… કેટકેટલું સ્મરણપટ પર ઉભરી આવે છે ! રુપાળી છોકરીઓનો ઉલ્લેખ કર્યો એટલે એક યાદ તાજી થઇ ગઈ.
સાંકડીશેરીમાં જતાં આવતાં એક માંજરી આંખોવાળી ગોરી ગોરી છોકરી અમ્ને અને મારા મિત્ર વિદ્યાધર  કેતકરને ગમતી. કેતકરને ગમતી એટલે હું લાઇન નહોતો મારતો. બાકી મને ય ગમતી. કેતકર ખુબ શાંત અને સંસ્કારી છોકરો. એટલે કોઇ રીતે આગળ ના વધે. માત્ર એને જુએ અને શરમાયા કરે.વાત આગળ વધેલી જ નહીં.  હમણાં ગયા વર્ષે, અમદાવાદમાં સંદેશ પ્રેસ પાસે એક શાળાના મકાનમાં રાજુ બારોટ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી જેવા સંગીતના ધુરંધરોએ જુની રંગભૂમિના ગીતોની એક મહેફિલ યોજી હતી. કમલ મહેતા, રેખાબેન મહેતા અને ઘણાં નાગરો ત્યાં હાજર હતા. મને પણ આમંત્રણ હતું. હું , મારા પરમ મિત્ર કુમુદભાઇ રાવલ સાથે ગયેલો. મારી બાજુની જ બેઠક પર પેલી ગોરી ગોરી,માંજરી આંખોવાળી રુપાળી સ્ત્રી બેઠેલી. હું ભુતકાળના દિવસોના એ સંસ્મરણો યાદ કરતો હતો.પણ એની સાથે ક્યારેય વાત કરેલી નહીં એટલે ચુપચાપ બેસી રહેલો. શો છુટ્યા પછી, ગીતોની સીડી વેચાતી હતી એ ટેબલ પર અમે ફરી સાથે થઈ ગયા. આમે ય, સ્ત્રીઓની બાબતમાં હું હિંમતવાન ગણાઉં. મને ટેક્ટફુલી એપ્રોચ કરવામાં તકલીફ નથી પડતી.અને હવે સિત્તેર વટાવી ગયા પછી કોઇ સંદેહ પણ ના કરે ને !
મેં જાણે સ્વાભાવિકપણે વાત કરતો હોઊં એમ સીડી જોતાં જોતાં કહેવા માંડ્યું-ગીતો પ્રત્યક્ષ જેટલા અસરકારક લાગે છે એટલા ઘણીવાર સીડીમાં કર્ણપ્રિય નથી લાગતા,નહીં ? અને.. ક્યારેક તો આ સીડી કે વીસીડી આપણી કારમાં કામ નથી લાગતી.
હવે પછીનું કોન્વર્શેશન તમને માન્યામાં નહીં આવે.
તમે ઇન્ડીયામાં પાછા આવી ગયા ? હવે અહીં જ રહેવાના કે પાછા જવાના ?’
હવે આશ્ચર્ય પામવાનો વારો મારો હતો.
આપ મને ઓળખો છો ?’
હા ! સાંકડીશેરીમાં જ રહેલા એટલે ઓળખીએ જ ને હજી મારું આશ્ચર્ય શમે એ પહેલાં તો એણે બીજો બોમ્બ ફોડ્યો.
તમારી સાથે ફરતા હતા એ પેલા મરાઠી મિત્ર હાલમાં શું કરે છે ? ઘણા વર્ષોથી એમને જોયા નથી.
ઓહ ! માય ગોડ !!!  આ તો અમારી આંખોની ભાષા જાણતી હતી. અમે તો ક્યારેય એની સાથે વાત સુધ્ધાં કરી ન હતી. નજરો મળતાં પણ અમારી નજરને બીજે વાળી લેતા હતા છતાં અમારી ચોરીઆ સ્ત્રી જાણતી હતી અને આટલા વર્ષે એને એ બધું યાદ પણ છે.
મેં કહ્યું –એ મરાઠી મિત્ર તો બેંકમાંથી બદલી કરાવીને પૂના સેટલ થઇ ગયેલો અને હજી ગયા વર્ષે જ હાર્ટ એટેકથી અવસાન પામ્યો. એનો દીકરો હિન્દી ફિલ્મોમાં નાના મોટા રોલ્સ કરી લે છે. ફિલ્મ ફેમિલીમાં અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર સાથે સંવાદો  બોલતો એનો રોલ છે. પ્રસન્ન કેતકર એનું નામ. એની પત્ની અને બાળકો પણ મરાઠી સિરીયલોના જાણિતા એક્ટરો છે.
હાઉ સેડ !એટલું બોલી એ. ત્યાં તો એનો દીકરો પણ ટેબલ પાસે આવી પહોંચ્યો. એણે ઓળખાણ કરાવી.આ મારો ત્રીજા નંબરનો દીકરો છે. હાર્ટ સર્જન છે…..વગેરે…ડોક્ટરે વીઝીટીંગ કાર્ડ પણ આપ્યું. પણ હું વધુ સાંભળવાના મૂડમાં ન હતો….

કુછ યાદેં ભીગી ભીગી-2

(૨)  

જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગો, એના પ્રતિબિંબો ઉમટી રહે છે મારા માનસપટ પર….કૌટુંબીક જીવનની વાતો કે પોતાના અંગત અનુભવોને હળવાશથી આલેખવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. મારી પોતાની કેટલીક નબળાઇઓની પણ, જરા ય હિણપત અનુભવ્યા વગર, નિખાલસપણે મેં કબુલાત કરી છે. બોત્તેર વર્ષની મારી આ જિન્દગીના હજ્જારો બનાવો, અનુભવોની એકસુત્રતા લખાણમાં રહી શકી નથી એ હું સમજું છું. એટલે હવે પછી,દરેક પ્રસંગ, દરેક ઘટના કે અનુભવને એક હેડીંગ આપીને જુદા જ પ્રકરણ તરીકે આલેખીશ.

મારે મારા અનુભવોમાંથી, મારી વેદનાઓમાંથી, મારા સુખ-દુઃખમાંથી મને જે નિજાનંદ સાંપડ્યો છે એમાં મારા સ્વજનોને, મિત્રોને ભાગીદાર બનાવવા છે. એ માટે, મારે મારી જાતને વ્યક્ત કરવી છે. આ બધું શબદની આરાધના વગર શક્ય નથી.  લખતી વખતે દરેક પ્રસંગે મારે, મારી જાત-તપાસ પણ કરવી પડે છે..પોતાના પાત્રને આત્મસાત કર્યા વગર રંગમંચ પર આવનાર કલાકારનો અભિનય પ્રેક્ષકોને સ્પર્શે નહીં એ જ રીતે,લેખકે પણ પોતાને આત્મસાત કર્યા પછી જ લખવું જોઇએ એમ હું માનું છું. વાંચકને બોજ લાગે કે બોરકરે એવો એક પણ શબ્દ ન લખાવો જોઇએ એની કાળજી રાખવી પડે છે.

કોઇએ કહ્યું છે કે- નસીબ, આવડત અને સંજોગો જ મનુષ્યના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે.

 

કુછ યાદેં ભીગી ભીગી-૧

મારા બાળપણનાં સંસ્મરણો- પ્રકરણ ૧

(૧)  વિદુ અને કમુ
વિદુ એટલે મારા પિતાશ્રીના બા- મારા દાદી-વિદ્યાબા. અને કમુ એટલે
મારી માતા-કમળાબેન.મારા પિતાશ્રીનું નામ રસિકલાલ રતનલાલ બેન્કર.
પિતાશ્રીનું મોસાળ સાબરકાંઠા જીલ્લાનું એકલારા ગામ. આરસોડિયા પાસે
 આવેલું આ ગામ ઉંચા ઊચા ટેકરાઓની ભેખડ પર વસેલું છે. મારા જન્મ
 વખતે એસ.ટી.ની  બસો અત્યારની જેમ છેક ગામમાં જતી ન હતી.
 અમદાવાદથી જાદર સુધી બસ જાય.પછી દાવડ થઈને અમે
ચાલતા ચાલતા એકલારા જતાં એવું સ્મરણમાં છે. વર્ષો પછી, હિંમતનગરથી
 એકલારા સુધીની બસો શરુ થઈ  હતી. મને ત્યાંની ભેખડો, નદી અને ઉંચા
ટેકરા પર આવેલું મહાદેવજીનું મંદીર ખુબ ગમતું. ગામની સ્ત્રીઓ ઉંચી
 ભેખડો પરથી, માથે બેડા મૂકીને પાણી ભરવા જતી કે કપડાનું તગારુ અને
લાકડાનો ધોકો લઇને નદીએ કપડા ધોવા જતી હતી એ દ્ર્ષ્ય પણ મને હજી
 યાદ છે. મારી સોળ વર્ષની વયે, એ વખતે મારી સમવયસ્ક એકાદ બે છોકરીઓ
 જે મને ગમતી એ પણ યાદ છે. એ ગામમાં એક માઢનામે ઓળખાતું, ડેલીબંધ
 માટીનું ઘર હતું જ્યાં મારી વિદ્યાબાના બે ભાઇઓ સહકુટુંબ રહેતા હતા- લાલામામા
 અને  ચમનમામા. લાલામામા શાંત માનવી હતા. એમને ચાર દીકરા અને બે
દીકરીઓ હતી.લાલામામા પોટલુ લઈને આજુબાજુના ગામોમાં જીવનજરુરી
 ચીજવસ્તુઓની ફેરી કરવા જતા અને સાંજે બે પૈસા કમાઇને ઘેર પાછા ફરતા
 શ્રમજીવી ઇન્સાન હતા.ચમનમામા પણ કંઇક એવી જ રીતે આજીવિકા ચલાવતા.
 ચમનમામા છ ફૂટથી પણ ઉંચા, પાતળા હેન્ડસમ માણસ હતા. તે આજીવન
અપરિણીત રહેલા. રસોઇ પણ જાતે જ કરી લેતા. વિદ્યાબાના ત્રીજા એક ભાઇ
 જેમને અમે બબામામા કહેતા હતા એ કરડા ચહેરાના, ગરમ મિજાજના,
ડારતુ વ્યક્તિત્વ ધરાવતા ઇન્સાન હતા.એમને બે દીકરા અને એક દીકરી-
એમ ત્રણ સંતાન હતા. મારા દાદી વિદ્યાબાને બીજી એક બહેન પણ હતી-જેમને
અમે મંગુમાસીકહેતા. મંગુમાસી અને વિદ્યાબાના સ્વભાવ વચ્ચે આભ-ધરતીનું
અંતર. વિદ્યાબા કઠોર, ગરમ મિજાજના, વાતેવાતે વાંધાવચકા પાડી દેનારા અને
આક્રમક સ્વભાવના હતા તો સામે પક્ષે, મંગુમાસી શાંત સ્વભાવના,સબમિસીવ,
સહનશીલ અને પ્રેમાળ. જો કે દાદી અને માસી બન્ને મને તો ભરપુર પ્રેમ કરતા.
મંગુમાસીનું સાસરુ દહેગામ-રખિયાલ પાસે આંબલિયારા નજીક ઊંટરડા નામનું ગામ.
એ ગામ પણ નદીની ભેખડો પર વસેલું મુખ્ય તો ઠાકરડા,બ્રાહ્મણ, વાણીયા, સુથાર જેવી
 વસ્તી ધરાવતું નાનકડુ ગામ.આ બન્ને ગામોમાં એ જમાનામાં પાણીના નળ કે ઇલેક્ટ્રીસિટી
કનેક્શનો ન હતા. અમે લોટામાં પાણી લઇને,બબ્બે માઇલ ચાલીને ભેખડો વચ્ચે ઓઠા
શોધીને શૌચક્રિયા પતાવતા એનું સ્મરણ છે. આજે એ યાદ આવે છે ત્યારે અચરજ થાય છે કે
 માત્ર એક લોટા પાણીથી કેવી રીતે અમે મેનેજ કરી લેતા હતા ! કોઇના લગ્નપ્રસંગે અમદાવાદથી
 જાન આવી હોય તો વહેલી સવારે આઠ આઠ દસ દસ પુરુષો અને સ્ત્રીઓ લોટા લઈને ઓઠા શોધવા
 નીકળતી અને કેવા કેવા રમૂજી છબરડાઓ વળતા એની વાતોથી તો મેં લોકોને ખૂબ હસાવ્યા છે.
મારી અઢાર વર્ષની ઉંમરે ઊંટરડા ગામની બે રુપાળી છોકરીઓ મને ખુબ ગમી ગયેલી અને એમાંની
 એકાદીની સાથે મારા લગ્ન થાય એવી મારી ઇચ્છા હતી એ વખતે. એકના તો વિવાહ મારા એક
દોસ્ત સાથે નાનપણમાં જ થઈ ગયેલા.છતાં માનવસ્વભાવ પ્રમાણે હું લાઇન મારવાનું છોડતો
 ન હતો. એ છોકરીની બા પણ મને ખુબ ગમતી અને એ બા પણ મને પસંદ કરતા હતા.
થોડા વર્ષો  પછી, એના વેવિશાળ તૂટી ગયા. મને થયું કે હવે આપણી લાઇન ક્લીયર છે.
પણ મારા દાદીમાના આકરા સ્વભાવને કારણે એ શક્ય ના બન્યું અને એ બીજે પરણી ગઈ.
 અમે બન્ને અમારું પરસ્પરનું આકર્ષણ જાણતા હતા, માત્ર જબાન પર એ લાગણીને પ્રેમનું નામ
આપ્યું ન હતું. અમે એક જ જ્ઞાતિના હોવાને કારણે, લગ્નપ્રસંગોએ અવારનવાર એકબીજાને
 જોતા હતા. એની બા પણ હંમેશાં મારા પર પ્રેમ રાખતા અને એક વખત તો મને કહ્યું પણ હતું કે
નવીન, વિદ્યાબાના સ્વભાવનો અમને વાંધો ન હોત તો તું મારો જમાઇ બન્યો હોત.પચાસ વર્ષો
 વીતી ગયા.એને પણ બે-ચાર સંતાનો થઇ ગયા.સંતાનો  પણ માબાપ બની ગયા. એનો પતિ પણ
 ખુબ સારો, સંસ્કારી, સુશિક્ષિત હતો.એને સારી રીતે રાખતો હતો. હમણાં થોડા સમય પહેલાં જ એ
અવસાન પામી. બીજી જે છોકરી મને ગમતી હતી એ તો માત્ર ગમતી જ હતી. કશું ય ડેવલપમેન્ટ
થયું જ ન હતું. એ સ્ત્રી પણ એના પતિ અને બાળકો સાથે સુખરુપ જીવન વીતાવી રહી છે.
મુગ્ધાવસ્થાની મને ગમી ગયેલી આ બે છોકરીઓ અંગેના સંસ્મરણોને થોડાક કલ્પનાના રંગોથી સજાવીને મેં બે પોકેટબૂકો પણ ૧૯૬૮ના વર્ષોમાં લખેલી અને છપાવેલી. પણ અત્રે એ અપ્રસ્તુત છે.મંગુમાસીને એક દીકરો-ગુણવંત. મારો તો કાકો થાય, પણ મિત્ર બની
 ગયેલો. એના લગ્ન હીરાબેન સાથે થયેલા અને હું એના લગ્નમાં યે ગયેલો. આ ગુણવંત અને
 હીરાકાકી ગુજરી ગયા. અત્યારે એમના બે દીકરા , ચાર દીકરીઓ અને તેમનો વસ્તાર અમદાવાદમાં
સુખી છે. એક દીકરો જયેશ તો મારો મિત્ર છે અને અમદાવાદના મારા ઘરનું ધ્યાન રાખે છે.
ઊંટરડા ગામમાં એક દીપામાનામે ઓળખાતા દીપેશ્વરી માતાનું મંદીર પણ ડેવેલપ થયેલું છે
 અને હવે તો કહે છે ત્યાં અમૂક દિવસે મોટો મેળો ભરાય છે અને કારોની લાઇનો લાગે છે.
 લોકો માનતાઓ ઉતારવા આવે છે. મારી આવી બધી બાબતોમાં શ્રધ્ધા નહીંવત, છતાં મારી
 પત્નીની લાગણી ના દુભાય એટલા ખાતર હું એની સાથે જઉં અને લટકસલામી કરી દઉં.
એ ગામમાં એક બ્રાહ્મણનો દીકરો જે મારી જ ઉંમરનો હતો એ બાપદાદાનો ધંધો સંભાળે અને
કથા વાર્તા, લગ્નો જેવા ક્રિયાકર્મો કરાવીને આજે ય આજીવિકા મેળવે છે. એનું નામ ચંદ્રકાંત જોશી.
 બીજા મારા બે મિત્રો હતા.એકનું નામ અમરત અને બીજાનું નામ મુકુંદ. બન્ને સગા ભાઇઓ હતા
 જેમની સાથે હું મારા મનની વાતો કરું. આજે હજૂ મુકુંદ અને ચન્દ્રકાંત હયાત છે.
હવે આવું મારા મોસાળ ભૂડાસણની વાત પર.
મારી બા કમુનું મોસાળ રખિયાલ પાસે સાહેબજીના મુવાડા નામના ગામમાં.  એની મા એટલે કે
 મારા નાનીરેવાબેનના લગ્ન જીંડવા પાસેના ભૂડાસણ ગામે. આ જિંડવા ગામને એ બાજુ
જેંડવું કહે છે. હિંમતનગરને અમનગરઅને ખેડબ્રહ્માને ભરમાની ખેડ તરીકે લોકો ઓળખે છે.
 મેં મારા નાના કે દાદાને જોયા નથી. રેવાબા અને વિદ્યાબાને વિધવા તરીકે જ જોયા છે.
રતનલાલ કે મણીલાલ શો વ્યવસાય કરતા કે કેવા માણસ હતા એ અંગે મેં કદી પ્રુચ્છા ય કરી નથી.
રેવાબા શાંત, સૌમ્ય સ્વભાવના-ભગવાનનું માણસ. કોઇ દિવસ મેં એમને ઉંચા સાદે બોલતા
 કે ઝઘડતા જોયા નથી. ઘરની પરસાળમાં આગલી ઓરડીમાં કરિયાણું અને ગોળની નાનકડી
 હાટડી ચલાવીને પોતાનું અને પોતાની ત્રણ દીકરીઓનું ભરણપોષણ કરતા. મારી કમુની
એક બહેન-તે સીતામાસી.એમના લગ્ન  ગાંધીનગર જીલ્લાના સાદરા ગામની પાસે આવેલા
 મોટી શીહોલીનામના ગામમાં કાળીદાસ શાહ સાથે થયેલા.અને બીજી માસીના લગ્ન
 અમદાવાદના એક ચોક્સી હિરાલાલ કેવળદાસ નામના સજ્જન સાથે થયેલા. એ માસીનું
 તો નામ પણ આજે મને યાદ આવતું નથી. હિરામાસા પણ ગુજરી ગયા છે.મારા એ માસીની
 દીકરી પ્રવિણા આજે હયાત છે.અહીં વંશાવળી લખવાનો કોઇ અર્થ નથી. એટલે મારી બા-કમુ-ની વાત પર જ આવું.
સહનશીલતા…ક્ષમા…સહાનુભૂતિ…સમતા..ઔદાર્ય…ધાર્મિકતા…ના અવતાર સમાન મારી
 માની મૂર્તી આજેય, આટલે વર્ષે પણ હજી અકબંધ રીતે મારા મનોચક્ષુ સમક્ષ તરવરી રહે છે.
મા ખુબ સહનશીલ. ક્યારેય મનનો ઉકળાટ કોઇની પાસે ઠલવતી નહીં. ક્રોધી પતિ અને
લલિતાપવાર જેવી સાસુ સામે હરફ પણ ઉચ્ચારતી નહીં. મને તો ઘણીવાર એના પર ગુસ્સો
 આવતો કે શા માટે એ આ બધું સહન કરી લે છે ! હું માનું ઉપરાણું લઈને દાદી અને બાપ જોડે
 ઝઘડી પડતો.આજે ય મને ઝી ટીવીની સિરીયલોની અર્ચનાઓ, આભાઓ કે આરતીઓ
નથી ગમતી. શા માટે ઝઘડતી સાસુઓ, નણંદો કે દેરાણા-જેઠાણાના અપમાનો મૂંગે મોઢે સહન કરતી હશે ?
મારો જન્મ, મારી મા જ્યારે સત્તર વર્ષની હતી ત્યારે થયેલો એવું મારી દાદી કાયમ કહેતા.
 તારી માએ એ સત્તર વર્ષની હતી ત્યારે તને જણેલો.એટલે હું આજે ૭૨ વર્ષનો હોઊ તો
મારા બા આજે હયાત હોત તો ૮૯ વર્ષના હોત. મારા પિતાશ્રીએ ૩૨ વર્ષની વયે લગ્ન કરેલા એવું દાદી કહેતા.
કમુ-મારી મા- ચાર ફૂટ દસ ઇંચની ઉંચાઇ ધરાવતી, બેઠી દડીની, સામાન્ય દેખાવની સ્ત્રી હતી.
અતિ ઋજુ સ્વભાવ…ક્રોધ અને અપમાનો સહન કરી લેવાનું વલણ…શાંત…નિરામય…વ્યથામુક્ત.
.ઇશ્વરપ્રીતિ…એના સ્વભાવના પાસા હતા.હું મારા પિતા જેવા ક્રોધી સ્વભાવનો અને સમાધાન ન
કરવાની વ્રુત્તી ધરાવતો, આક્રમક મિજાજનો માણસ છું. કિશોર વયમાં અને યુવાનીમાં લડાઇ-ઝઘડા
ખુબ કર્યા છે. એટલે મા બિચારી હંમેશાં ડરતી અને ફફડતી.મને ક્યારેય ઉંચા સાદે બોલી નથી.
મને કદી પણ લડી નથી. મારવાની તો કલ્પના જ ન કરી શકાય. એના છેલ્લા વર્ષોમાં એ મારી
 નાની બહેન સુષ્માને ઘેર રહેતી હતી. ત્યાંથી મને હ્યુસ્ટન ફોન કરી કરીને અવારનવાર કહે-
ભઈ…આજે મોટી અગિયારશ છે…ભીમ-અગિયારશ…પરસોત્તમ મહીનાનો છેલ્લો સોમવાર.
 ઉપવાસ કરવાનું મોટુ મહાત્મ્ય છે..તને પાંસઠ થયા ( એ વખતે) . હવે પ્રભુભજનમાં ચિત્ત પરોવ.
એ જ સાથે આવવાનું છે.નાટક-ભવૈયા છોડ હવે.એ શબ્દોના ભણકારા હજી સંભળાય છે.
 જેમ જેમ મારો સમય નજીક આવતો જાય છે તેમ તેમ એ શબ્દોની તીવ્રતાનો હું અનુભવ વધુ કરું છું.
માના અવસાન પછી, પ્રત્યક્ષપળે અને સ્થુળ રીતે ભલે મારાથી એ ચિરવિયોગની વ્યથા, સુષ્માની
 જેમ વ્યક્ત નથી થઇ શકતી પણ એ વ્યથા હ્રદયના સાતમા પાતાળ જેવા કોઇ સ્તરે તો સંચિત
 અને ઘનીભુત થતી જ રહે છે. એ નિર્વ્યાજ, નિઃસીમ, કશું ન માંગતા  અને સતત આપતા રહેતા
 પ્રેમની નક્કર અમીટ અનુભૂતિનો અહેસાસ આજે વધુ અનુભવું છું.ચંપલ પહેર્યા વગર ,ઉઘાડા પગે,
 બળબળતા તાપમાં  માને મેં બહાર જતા જોઇ છે.કોઇને ઝઘડતા જોઇને એનું મ્હોં સૂકાઇ જતું.
ફરિયાદ કે અણગમાનો એક શબ્દ પણ એ ઉચ્ચારતી નહીં.ન સિનેમા…ન નાટક…ન હરવાફરવા જવાનું..
.એ ભલી ને એની પાણીની ચોકડી ભલી…આડોશપાડોશમાં જઈને કુથલી કરવાની એની ટેવ નહીં.
મારી નાની બહેન સુષ્મા ( અમે વહાલમાં એને શકુ કહીએ છીએ ) એને ખુબ વહાલી. એ શકુએ અને
 મારા બનેવીલાલ ડોક્ટર શ્રેણિક શાહે એને સાચવી.શ્રેણિકભાઇએ તો પોતાની માની જેમ એને સાચવી.
 
છેલ્લે, એણે, મારા નાના ભાઇ વીરુને ઘેર જઈ,એને ગરમ ગરમ ફુલ્કા રોટલી ખવડાવીને પોતાની
 જીવનલીલા સંકેલી લીધી. કોઇ માંદગી નહીં..કોઇની પાસે ચાકરી કરાવી નથી.
 
માની વાતો અને સંસ્મરણોનો તો કોઇ અંત નથી. હજી વચ્ચે વચ્ચે એ આવ્યા જ કરશે.
હવે વિદુ‘ ( મારી દાદી)ની વાતો કરીએ. દાદીના સંસ્મરણો ખુબ છે.

પ્રકરણ ૨

માની વાતો અને સંસ્મરણોનો તો કોઇ અંત નથી. હજી વચ્ચે વચ્ચે એ આવ્યા જ કરશે. હવે વિદુ‘ ( મારી દાદી)ની વાતો કરીએ. દાદીના સંસ્મરણો ખુબ છે.
વિદુ
વિદુ એટલે વિદ્યાબા-મારા દાદીમા. મેં વિદ્યાબાને મારા બાળપણથી માંડીને એ જીવ્યા ત્યાં સુધી એકધારા એકસરખા જ જોયા છે. પાતળી દેહયષ્ટી, ગૌર વર્ણ, આંખે ચશ્મા, સફેદ વાળ, મોટેભાગે કથ્થઈ કે વાદળી રંગની છીદરી, સફેદ ચણીયો અને સફેદ બ્લાઊઝ…..અવાજમાં મક્કમતા અને કંઇક કરડાકી, દ્રષ્ટાંતો અને વાર્તાઓ કહેવામાં એક નંબર, કટાક્ષ કરીને કોઈની પણ ફીરકી ઉતારી દેવામાં નિપુણ, સેન્સ ઓફ હ્યુમર પણ ખુબ જ….મોટાભાગના લોકો-ખાસ તો પાડોશીઓ અને મારા બાળપણના મિત્રો- તેમનાથી ડરતા અને તેમની સાથે વાદવિવાદમાં ઉતરવાનું ટાળતા…મારી શાળાના શિક્ષકો પણ તેમનાથી એક અંતર રાખતા. એમના અવસાન પછી, મારી નાની બહેન ડોક્ટર કોકિલા પરીખના એક મિત્ર ડોકટર સુમન પંડ્યાએ એમને અંજલિ આપતો એક સરસ પત્ર વર્ષો પહેલા લખેલો એ પત્ર જો મને મળશે તો ભવિષ્યમાં એના શબ્દો અહીં લખવા મને ગમશે. બાની ક્વોલીટીઝને બિરદાવતા એ શબ્દો ‘તમારા દાદી સ્ત્રી દેહે પુરુષ હતા”મારે મન સૌથી મોટો એવોર્ડ છે.
વિદ્યાબાના પતિ એટલે કે મારા દાદાનું કોઇ ચિત્ર કે ફોટો મેં જોયા નથી. એ શું કરતા હતા એ અંગે પણ મને કાંઇ ખબર નથી. મારા દાદી, બે પુત્રોને જન્મ આપ્યા બાદ, જુવાનીમાં જ વિધવા થયેલા. મારા પિતાશ્રી રસિક્લાલ અને કાકા રમણલાલ. રમણલાલ આજીવન અપરિણીત રહેલા.એમને એક છોકરી ગમતી હતી અને તેની સાથે એમને લગ્ન પણ કરવા હતા. આ અંગે તેમણે સ્પષ્ટપણે મારા દાદીને મારી હાજરીમાં જાણ પણ કરેલી. એ છોકરી પણ રમણકાકાને પસંદ કરતી હતી એ હું મારી એ કિશોરવયે પણ સમજતો હતો. ગમે તે કારણસર એ સંબંધ શક્ય બન્યો ન હતો. પછી એ છોકરીના લગ્ન પીપળજ ગામના એક સુખી ધંધાદારી વાણિયા સાથે થયેલા. હમણાં ગયા માર્ચ માસમાં હું જ્ઞાતિના સમૂહલગ્ન પ્રસંગે ગયેલો ત્યારે એ છોકરીના પૌત્રના લગ્ન વખતે મને જાણવા મળેલું કે એના દાદા-દાદી તો વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. જેને મેં યુવાન અપરિણીત છોકરી તરીકે જોઇ હતી એના યે પૌત્રના લગ્ન મેં જોયા ત્યારે મને અહેસાસ થયો કે હું કેટલો વ્રુધ્ધ થઈ ગયો છું. ( જો કે હું ત્યારે જેકેટ અને ગોગલ્સ પહેરીને વટ મારવા પ્રયત્નો કરતો હતો). હસવું આવ્યું ને તમને આ વાંચીને ? મને સમૂહલગ્નોમાં જવું ગમે છે. ખુબ જૂના જૂના સંબંધીઓ મળી જાય છે. ત્યારે આનંદ થાય છે !
મારા પિતાશ્રી રસિકલાલ સુદ્ર્ઢ કદ-કાઠીના, ઉંચા, શોખીનમિજાજ, પણ તામસી સ્વભાવના માણસ. મારા સ્ટડીરુમમાં એમનો જે ફોટો લટકાવેલો છે એ, ફિલ્મોના પેલા ઇફ્તેખારની યાદ અપાવે છે.તમે ફિલ્મો જોતાં હશો તો, અમિતાભ બચ્ચનની ડોનફિલ્મમાં જે પોલીસ ઓફીસર અમિતાભને નકલી ડોન બનાવીને ગુંડાટોળીમાં મોકલે છે અને ફિલ્મ દીવારમાં બાળપણના અમિતાભ પાસે બૂટ પોલીસ કરાવતાં ડાયલોગ ફેંકે છે કે- જમીન ફેંકે હુએ પૈસે નહીં ઉઠાનેવાલા યે લડકા લંબી રેસકા ઘોડા હૈએ કલાકાર. વર્ષો જુની અભિનેત્રી વીણાનો એ સગ્ગો ભાઇ થાય. મને ખાત્રી છે કે તમને તો વીણા કોણ એ પણ યાદ નહીં હોય. મોગલે આઝમમાં તેરી કિસમત આઝમા કર હમ ભી દેખેંગેકવ્વાલીમાં એ મુખ્ય કલાકાર હતી.
પિતાશ્રી અમદાવાદની જુની માણેકચોક મીલ કે જે એ જમાનામાં બિલાડીબાગ મીલના નામે ઓળખાતી હતી એમાં કોઇ સારી પોસ્ટ પર હતા એવું મને લાગે છે કારણકે ઘણા સપ્લાયરો અમારે ઘેર આવીને પિતાશ્રીને મસ્કા મારતા અને મને મીઠાઇનું બોક્ષ કે નોટબુકો આપવાનો પ્રયત્ન કરતા અને મોટાભાઇ
(અમે બધા બાળકો પિતાશ્રીને મોટાભાઇ કહેતા) એનો સવિનય અસ્વીકાર કરતા. આમાં એક વ્યક્તિ મને આજે ય બરાબર યાદ છે.ગાંધીરોડ પર, પતાસા પોળની સામેની બાજુ,લલિતા ફેકટરીની જોડે એક  પ્રીન્ટીંગ પ્રેસ હતું એના માલીક અમારા સારા દિવસોમાં અમારે ઘેર આવતા. મને રમાડતા અને નોટબુકો આપતા.થોડાક વર્ષો પછી, અમારા ખરાબ દિવસો આવ્યા. અમે બેહાલ થઈ ગયા હતા. પેલા શેઠને ત્યાં હું નોટબુકો લેવા ગયો હતો ત્યારે એ માણસે મને હડધૂત કરીને કાઢી મૂક્યો હતો. એવા તો ઘણા કિસ્સા યાદ આવે છે. ક્યારેક ફી અને પુસ્તકો માટે શ્રીમંત શ્રેઠીયાને ત્યાં કલાકો સુધી વેઇટીંગ રુમમાં રાહ જોવાના દિવસો, રસ્તા પર બૂમો  પાડીને સંદેશ‘, ‘ગુજરાત‘, ‘જનસતાવેચવાના દિવસો, દીવાળીના તહેવારોમાં ગળે પાટીયુ ભરાવીને, તડતડીયાની લૂમો વેચવાના દિવસો,’સંદેશપ્રેસમાં શબ્દરચના હરિફાઈઓની ઓફીસમાં કલાકના ચાર આનાના મહેનતાણા પર બાર બાર કલાક કામ કરવાના દિવસો, કેલેન્ડરના દટ્ટાઓને કાપવાના મશીનોના હેન્ડલ ફેરવીને , પરસેવો પાડી પાડીને, મહેનત કરવાના દિવસો, રેલ્વે સ્ટેશન પર ઓટોરીક્ષાની પાછળ દોડી દોડીને ગ્રાહકોને છાપાં વેચવાના, બાંધેલા ગ્રાહકોને વહેલી સવારે છાપાં પહોંચાડવા, ઉઘાડા પગે દોડવાના સંઘર્ષમય દિવસોની યાદો, ગરીબીને કારણે સહન કરેલા અપમાનો, પોલીસોનો માર…ને એ બધું યાદ આવે છે ત્યારે એમ થાય છે કે એ દિવસો ફરી નથી આવવાના. જ્યારે જ્યારે અમદાવાદ જઉં ત્યારે રાયપુર ભાઉની પોળને નાકે નવીન પેપર સ્ટોલના માલીક નવીન સાથે અને સારંગપુર તળીયાની પોળના નાકે ઓટલા પર છાપાં વેચવા બેસતા શશીકાંત સાથે જૂના દિવસો યાદ કરી લઉં. શશીકાંત ગયા વર્ષે ગુજરી ગયો. ભાઉની પોળનો નવીન હજી જીવે છે-મારી જેમ. એના છોકરાઓ એના કામમાં હાથ લંબાવે છે.
સોરી !  આડી વાતે ઉતરી ગયો.
મોટાભાઇનો એક બીજો મિત્ર આજે ય યાદ છે. રાયપુર ચકલામાં, ચકલેશ્વર મહાદેવ પાસે હોટલની ફૂટપાથ પર એની બેઠક. ( આમ તો અડ્ડૉ શબ્દ જ વધુ એપ્રોપ્રીએટ ગણાય). ગોરો વર્ણ, ઉંચો, વાંકડીયા ઝુલ્ફા, ગલોફામાં પાનનો ડૂચો, મારકણું સ્મિત, મોટેભાગે સફેદ પેન્ટ-શર્ટનો પહેરવેશ, મીઠી વાણી ધરાવતો હેન્ડસમ યુવાન. નામ એનું બુલબુલ શેઠ. એની ખુબસુરત વાતોની અસર હજી આજે આટલા વર્ષે પણ મારા પર છે. મારા પિતાશ્રીના અવસાન પછી રતનપોળના રીલીફરોડવાળા છેડે, રુપમ સિનેમાના પાછળના દરવાજાની બાજુમાં ઉંચા ઓટલાવાળી એક ચાહની દુકાન પર હું એમને જોતો હતો. આજે તો એ દુકાનો નથી. સાડીઓના શો કેસ થઈ ગયા છે.
મોટાભાઇને, સારા દિવસોમાં,
નાટકો જોવાનો ખુબ શોખ હતો. ઘીકાંટા રોડ પર જ્યાં પ્રકાશ સિનેમા હતું એ જગ્યા પર ત્યારે નાટક થિયેટર હતું. આર્યનૈતિક નાટક સમાજ, લક્ષ્મીકાંત થિયેટરના નાટકો ત્યાં ભજવાય. મોટાભાઇ મને સાથે લઇ જાય. આગલી હરોળમાં જ મિત્રો સાથે બેસે. રાણી પ્રેમલતા, માસ્ટર અશરફખાન, ચંપકલાલા, સોહરાબ મોદી, પ્રાણસુખ નાયક, છગન રોમીયો, બાબુરાજે જેવાના સામાજિક નાટકો મેં, મોટાભાઈની સાથે જોયા છે. ક્યારેય, મારી મા સાથે આવી હોય એવું યાદ નથી.
એક પ્રસંગ ખાસ યાદ આવે છે. કાયમ મને સાથે લઈ જનાર મારા મોટાભાઇએ એક દિવસ મને કહ્યું-નવીનીયા, તારે કાલે નાટક જોવા નથી આવવાનું.કાલનું નાટક નાના છોકરાઓ માટે નથી અને વળી હિન્દી ભાષામાં છે. બેટા તને ના સમજાય. આપણે પરમદિવસે બીજુ નાટક જોવા જઈશું.
મારો કદાચ બાળપણથી જ એ સ્વભાવ રહ્યો છે કે મને જે વસ્તુની કોઇ ના પાડે એ હું પહેલા કરું.મોટાભાઇ તો વહેલા વહેલા નાટકના થિયેટર પર જતા રહ્યા. મારી પાસે ચારેક આના હતા. મારી કમુ (મા) પાસેથી બે-ત્રણ આના લીધા. દાદી પાસેથી બે આના લીધા. અને એ ઉંમરમાં (કદાચ દસ કે બાર વર્ષની ઉંમરમાં) સાંકડીશેરીથી ફૂવારા, જુમ્મા મસ્જીદ,રીગલ સિનેમા, નોવેલ્ટી સિનેમા થઇને હું થિયેટર પર પહોંચી ગયો. સાડા દસ આનાની ટીકીટ લઈને, છેલ્લી હરોળમાં, બાંકડાની રેલીંગ પર ઉભડક બેસીને મેં પહેલો અંક જોયો. પછી, ઇન્ટરવલમાં મોટાભાઇ પાસે જઈને મારી બહાદુરી બતાવી
કહેવાની જરુર નથી કે મોટાભાઈએ બાકીના બે અંક મને સાથે બેસાડીને નાટક જોયું. અહીં ઘેર તો મારી શોધાશોધ થઈ ગઈ હતી. મારી માએ ડરતાં ડરતાં સાચી વાત કહેતાં, મારા લલિતાપવાર જેવા દાદીમા તો મારી મા પર બગડ્યા હતા એ મને પાછળથી ખબર પડી હતી.
એ નાટકનું નામ હતું- આંખકા નશા‘.
આ કલાકરોને મળવા અને બિરદાવવા મારા મોટાભાઇ સાથે હું ગ્રીન રુમમાં ગયેલો ત્યારે એને જોવાનું થયેલું. વર્ષો પછી આ કલાકારને ઘણી હિન્દી ફિલ્મોમાં સાવ ફાલતુ રોલમાં જોયાનું યાદ આવે છે. છેલ્લે છેલ્લે, ભારતભુષણ અભિનીત ફિલ્મ તકદીરના એક જાણીતા ગીતમાં સાઇડ રોલમાં એને જોયો હતો. આમ, નાટકો જોવાનું બીજ મારા પિતાશ્રીએ રોપેલું એમ કહી શકાય.
ઘીકાંટા રોડ પરની ફેલોશીપ હાઇસ્કૂલમાં ભણતો એટલે બપોરના પહેલા શોમાં ગુલ્લા મારી મારીને પાંચ પાંચ આના વાળી ટીકીટોમાં ખુબ ફિલ્મો જોયેલી.
થિયેટરના લાલાઓને, લાઇનમાં ઉભા રહીને કાળા બજારની ટીકીટો લાવી આપીએ એટલે અમને પિક્ચરમાં ઘુસાડી દે એ રીતે પણ ફિલ્મો જોયેલી.ફિલ્મો
માટે મારો એક ખાસ દોસ્ત,મારો લંગોટીયો મિત્ર મહેશ નટવરલાલ જોશી. અમે ઘીકાંટા રોડ પરના, રીગલ,નોવેલ્ટી,એલ.એન.,લક્ષ્મી,પ્રકાશ જેવા થિયેટરોમાં દેવ આનંદના ટેક્ષી ડ્રાયવર,લવ મેરેજજેવા પિક્ચરો વીસ વીસ વખત જોયેલા.
મારું બાળમંદીર
સાંકડીશેરીમાં, ખિજડાની પોળમાં આવેલા, રંજનબેન દલાલના મોન્ટેસોરી બાળમંદીરમાં મેં અને મારી નાની બહેન કોકિલાએ ધોરણ એક થી ચાર સુધીનો અભ્યાસ કરેલો. આ રંજનબેન દલાલ એટલે જાણીતા લેખક-સાક્ષર,નાટ્યલેખક શ્રી. જયંતિ દલાલના બીજી વારના પત્ની. રંજનબેન ઉંચા, ગોરા ગોરા,જાજરમાન, પ્રતિભાશાળી  વિદ્વાન સામાજીક કાર્યકર.સમાજમાં એમનું વિશિષ્ટ સ્થાન. જયંતિ દલાલ વિષે એ જમાનામાં હું કાંઇ જાણું નહીં. જયંતિભાઇને બધા સાહેબતરીકે જ સંબોધે-રંજનબેન સુધ્ધાં. ઉંચા, પહોળા જયંતિલાલ ધીમું ધીમું બોલે અને એવું જ ધીમે ધીમે ચાલે. મને રંજનબેનના પતિ તરીકે એ શોભતા નહોતા એવું એ વખતે લાગતું. ૧૯૬૧માં, એ બાળમંદીરની રજતજયંતિ પ્રસંગે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ટાઉનહોલમાં, એક કાર્યક્રમ કરેલો.જયંતિ દલાલ લિખિત એકાંકિ નાટક જોઇએ છે, જોઇએ છીએમાં મેં સનત ઘોષ નામના એક બંગાળી યુવાનનું પાત્ર ભજવેલુ. આ નાટકની વાત વિગતવાર, હું, મારા નાટ્યવિષયક સંસ્મરણોમાં લખી ચૂક્યો છું. મારા બાળમંદીરના સહાધ્યાયીઓમાં અનીલ જાની, કૈયુર નાણાવટી, દમયંતિ મયાભાઇ શાહ, જ્યોતિ શાહ, વંદના, રશ્મીભાઇ નામદાર,
ઠક્કર, સુકેતુ શેઠ ,શીલા શેઠ,  ( પાછળથી શીલા નાણાવટી). આ શીલા શેઠ એટલે હ્યુસ્ટનના રમોલા દલાલના બહેન. હું અને કૈયુર હંમેશા લડતા રહેતા. એ પતાસા પોળમાં રહેતો એટલે અમારો સંપર્ક ઘણાં વર્ષો સુધી ચાલુ રહેલો.શિક્ષકોમાં શિવણ ક્લાસના બહેન એગ્નેસબેન, નમણા અરુણાબેન, જ્યોતિભાઇ, એટલા જ યાદ આવે છે.
(૨)    શાળાજીવનની કેટલીક યાદો
પાંચમા ધોરણથી હું લાખા પટેલની પોળમાં, શેઠની પોળમાં આવેલી ફેલોશીપ હાઇસ્કુલમાં દાખલ થયેલો. ત્યાં અમારા હેડમાસ્તર ઠાકોરભાઇ દલાલ. જે વર્ષો સુધી માંડવીની પોળમાં, ગતરાડની પોળમાં રહેલા.અન્ય શિક્ષકોમાં ભાઇલાલભાઇ પટેલ, નિમ્બાલકર ( કે નિમ્બાર્ક ) સાહેબ, સોમાભાઇ પી. પટેલ, યાદ છે. સહાધ્યાયીઓમાં અરવિંદ ઠેકડી ( જે હાલમાં હ્યુસ્ટનમાં જ છે અને ગિરીશભાઇના વેવાઇ થાય), અનીલ, નૈષધ કોટ,નરેન્દ્ર કંસારા, દીનેશ મણીલાલ પટેલ, હરીપ્રસાદ નરસિંહભાઇ પટેલ હરનીશ કાંતિલાલ શાહ ( જેને શિક્ષકો હરનીશ હોક્કો કહેતા ). એટલા સ્મરણમાં છે. આ જે જે નામો લખ્યા તે બધા ભણવામાં હોંશિયાર. પહેલા પાંચ નંબરમાં જ આવે. હું એવરેજ.તોફાની ગણાઉં. વારંવાર મને શિક્ષકો બેંચ પર ઉભા રહેવાની અને હથેળી પર ફૂટપટ્ટીથી સોટી મારવાની શિક્ષા કરતા. અને મારા દાદીમા સ્કૂલમાં આવીને, મારું ઉપરાણું લઈને શિક્ષકોને ધમકાવતા.ખબરદાર..મારા નવીનીયાને માર્યો છે તો !‘. એક વાર તો ભાઇલાલભાઇ પટેલ નામના શિક્ષકે મને શાળા છોટ્યા પછી પણ ઘેર જવા ન દેતાં, ઓફીસ પાસે મુર્ગો બનાવીને બેસાડી રાખેલો ત્યારે મારા દાદીમાએ શાળામાં આવીને શિક્ષકનો ઝભ્ભો પકડીને જે ઝાટકી નાંખેલા તે મને આજે ય યાદ છે.
આઠમા અને નવમું ધોરણ હું, રતનપોળમાં આવેલી બળેલી હવેલી નામે ઓળખાતી બીલ્ડીંગમાં, ફેલોશીપ હાઇસ્કૂલમાં ભણેલો. અહીં મને એક સદગુરુ જેવા શિક્ષક મળ્યા હતા જેમનું નામ મંગુભાઇ દવે. પુરા છ ફૂટ ઉંચા, ઝભ્ભો, ધોતિયુ , બંડી અને કાળી ટોપીમાં શોભતા એ શિક્ષક અમને સંસ્ક્રુત શીખવતા. મારામાં એમને કાંઇક સારુ લાગ્યં હશે એટલે મને સમજાવ્યો કે નવીન, તું હોંશિયાર છે, પણ તારી શક્તિઓને તોફાનોમાં વેડફી નાંખે છે. ભણવામાં ધ્યાન આપે તો પહેલે નંબરે પાસ થાય. તને કાંઇ ન આવડે તો મને કહે. શાળાના સમય પછી પણ હું તને ભણાવીશ.કોણ જાણે કેમ, મને એમની વાત સ્પર્શી ગઈ હતી અને આઠમા ધોરણમાં હું પાંચમા નંબરે પાસ થયો હતો. વચ્ચે એક વાત કહેવાની રહી ગઈ. પી.ટી. ( ફીઝીકલ ટ્રૈનીંગ ) માટે અમને સારંગપુર દરવાજા પાસે હાલમા જયાં ૪૯ નંબરનું બસ સ્ટેન્ડ છે ત્યાં , દર અઠવાડીયે લઈ જવાતા. અહીં મારી ચૌદ વર્ષની ઉંમરે મિત્રોના દેખાદેખી અને કંઇક, દેવ આનંદની સ્ટાઇલો મારવાની શેખી કરવા જતાં , મેં સિગારેટ પીવાનો શોખ કરેલો. અલબત, સિગારેટ પીતા તો આવડતી ન હતી.ગળા નીચે ધૂમાડા ઉતારીને નાકમાંથી ધૂમાડા કાઢતા નહોતું આવડતું પણ અદાથી બે હોઠ વચ્ચે સિગારેટ દબાવીને મ્હોંમાંથી જ ધૂમાડો કાઢવાથી દેવ આનંદ બન્યાનો વહેમ સંતોષાતો હતો. મને યાદ છે કે એ જમાનામાં કાણીયા પૈસામાં હનીડ્યૂ સિગારેટ સૌથી સસ્તી હતી અને તાજ છાપ સિગારેટ બે પૈસાની મળતી. અમે હનીડ્યૂનો ચસ્કો કરતા.  આ બહુ લાંબુ નહીં ચાલેલું. એક વાર કોઇ શિક્ષક અમને જોઇ ગયા અને હેડમાસ્તર શ્રી. વૈષ્ણવસાહેબને ફરિયાદ કરી દીધી.ગૌર વર્ણના, ઉંચા, સફેદ વસ્ત્રોમાં શોભતા, સોનેરી ફ્રેમના ચશ્મા પાછળથી ધારદાર નજરે જોનારા એ  નાગર કોમના આદરણીય નખશીખ સજ્જન હતા. મને ઠપકો આપ્યો, શિક્ષા પણ કરી. પ્રતિજ્ઞા કરાવી કે હવે પછી ધુમ્રપાન નહીં કરું. જો કે ત્યારપછી, શોખ ખાતર ધુમ્રપાન કદી નથી કર્યું. ક્યારેક નાટકમાં વીલનનો રોલ હોય ત્યારે રોલો પાડવા ધુમ્રપાન કર્યું હશે એ ગનીમત.
નાનપણથી હું ખોટા સોગંદ ખાતા ડરું છું. જેમને હું આદર કરતો હોઊં એ લોકોએ જયારે જ્યારે મારી પાસે પ્રતિજ્ઞાઓ કરાવી છે કે સોગંદ આપ્યા છે ત્યારે મેં એ સોગંદ પાળ્યા છે. મારા દાદીમાએ મારી પાસે પાણી મૂકાવેલું કે- બેટા, આ ચાર વસ્તુ ક્યારેય નહીં કરવાની. (૧) દારુ નહીં પીવાનો. (૨) માંસ નહીં ખાવાનું  (૩) જુગાર નહીં રમવાનો અને એક ચોથી વસ્તુ નહીં કરવાની‘. આ ત્રણ વસ્તુઓ મેં આજપર્યંત પાળી છે. ક્યારેય દારુને હાથ નથી લગાડ્યો, નોન્વેજ નથી ખાધું કે કેસિનોમાં જઈને હેન્ડલ પણ નથી પકડ્યું.
અમને ગુજરાતી અને ગણીત શીખવનાર બીજા એક સજ્જન શિક્ષક હતા શ્રી. નરસિંહભાઇ પટેલ. અમદાવાદના મ્યુનિસિપલ કોઠાની ઓફીસો પાસે, દાસના ખમણ વાળા ખાંચામાં મેડા પરના ઘરમા તે રહેતા હતા. એ શિક્ષકનો દીકરો આજે અમારા હ્યુસ્ટનમાં સિ.પી.એ. છે-હરિપ્રસાદ એન. પટેલ. ઘણી સંસ્થાઓમાં તેણે ફ્રી સેવાઓ આપેલી છે. વર્ષોથી મારા ટેક્ષ-રીટર્ન્સ પણ મિત્રદાવે ભરી આપે છે. અને વારતહેવારે અમને ઘેર બોલાવીને જમાડે પણ છે. આજે તો હવે એ રીટાયર્ડ થઈ ગયો છે, પણ દોસ્તી હજુ જાળવી રાખી છે.
 
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

હ્યુસ્ટનમાં ગઝલના અભિસારની રાત- ૬,જુલાઇ૨૦૧૨

July 18th, 2012 Posted in અહેવાલ

છઠ્ઠી જુલાઇને શુક્રવારની એ રાત ગઝલના અભિસારની રાત હતી.

એ રાત હતી હૈયે પ્રેમ માર્દવના આવિષ્કારની રાત….

એ રાત હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની રાત…

એ રાત હતી દર્દે ગમની આંચે શેકાઇને જીવનના રુપને પાકીઝગી બક્ષવાની રાત….

—–હમ તુમ રેડીયો ૧૪૮૦ AM KQUE અને દુઆ ટીવી 28.2 KUGB ના ઉપક્રમે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે બદલતે મૌસમશિર્ષક હેઠળ હિન્દી-ઉર્દુ ગઝલોનો એક અતિભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો. ગઝલગાયક હતા જી.એસ.ચંદ્રા.તેમને તબલા પર સાથ આપ્યો હતો ઉસ્તાદ તારેક અલી ખાં સાહેબે,સારંગી પર પંડીત રમેશ શર્માજી,ફ્લ્યુટ પર અને ઇલેક્ટ્રીક ઓર્ગન પર હતા ખૂબસુરત યુવાન કલાકાર અનીસ ચંદાની સાહેબ. લકીશા નામની એક ગાયિકા અને મોડેલે પણ શોભામાં અભિવ્રુધ્ધી કરી હતી.ઉસ્તાદ તારીક અલી ખાં સાહેબને પાકિસ્તાની પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળેલો છે.સારંગીવાદક શ્રી.રમેશ મિશ્રાને ભારતમાં પ્રેસિડેન્શિયલ એવોર્ડથી નવાજવામાં આવેલા છે.અનીસભાઇ તો અગાઉ પણ ચાર-પાંચ વખત વિવિધ ગાયકો સાથે બંસરીવાદન દ્વારા હ્યુસ્ટૉનિયનોના મન મોહી ચૂક્યા છે.

કાર્યક્રમની શરુઆતમાં શ્રી. દુરાની સાહેબે પોતાના આગવા અંદાઝમાં કલાકારોનો પરિચય કરાવ્યો. દુઆ ટીવી વાળા સંગીતાબેન દુઆએ આયોજકો અને ઉપસ્થિત રહેલા શ્રોતાઓનું અભિવાવદન કર્યું હતું.

કલ ચાંદનીકી રાત થી,

કુછને કહા,ચાંદ હૈ, કુછને કહા ચહેરા તેરા..

હમભી વહીં મૌજુદ થે, હમસે ભી સબ પુછા કિયે,

હમ હંસ લિયે હમ ચૂપ રહે, મંજુર થા પરદા તેરા……

         ********

થોડીસી જામ પી લી હૈ

ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી….

*******

જગજીતસીંઘની આહિસ્તા…આહિસ્તા..‘ 

ઔર ન જાને કિતકિતની ગઝલેં પેશ હુઈ…તીન ઘંટે તક એક હી ગઝલકાર ગાતા ગયા..બસ..દિલ ખોલકર ગાતા ગયા…ઔર..શ્રોતાલોગ દાદ પર દાદ દેતે ગયે…વાહ..વાહ..ક્યા ખૂબ..ઇર્શાદ..ઇર્શાદ…

ચંદ્રાસાહેબના સ્વરમાં જે સમ્રુધ્ધી હતી, લચક હતી, જે માર્દવ અને મીઠાશ હતા એ, એટલું તો અભુતપુર્વ હતું કે જેણે એ મહેફિલ માણી હોય એ જ સમજી શકે.

જે જે ગઝલો રજૂ થઈ તેમાં વિષય, ભાવ,વિચાર,રીતિ, નિરુપણ પરત્વે ગઝલગાયક શ્રી. ચંદ્રા સભાન રહ્યા જણાતા હતા.એમની એ સભાનતા  એમની ગાયકીમાં વાસ્તવલક્ષી સમજને કારણે જણાઇ આવતી હતી. એમની ગાયકીમાં, પ્રણયની, પ્રક્રુતિની,સાંપ્રત વિષયપરિસ્થિતીની, જીવનના ઉલ્લાસની, વેદનાની એમ તમામ વિષયો અને વિચારોનું નિરુપણ થયું હતું. રજૂ થતી દરેક રચના કશુંક નવું પ્રગટાવતી હતી અને ગઝલોને માણવાનો ભાવકોને અવસર મળતો હતો.સત્વ અને વૈવિધ્યની દ્રષ્ટીએ રજૂ થયેલી ગઝલોની સમ્રુધ્ધી ભાવકના મન અને હ્ર્દયને સ્પર્શી જતી હતી.

સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.

રાત્રે બાર વાગ્યે મદહોશ વાતાવરણમાં મહેફિલ બરખાસ્ત થઈ હતી.

આ કાર્યક્રમ   MASS  માટેનો ન હતો-   CLASS  માટેનો હતો એટલે સ્વાભાવિક રીતે પ્રેક્ષકો-શ્રોતાઓની હાજરી પાંખી હોય.

આવો સુંદર કાર્યક્રમ હ્યુસ્ટનની ગઝલપ્રેમી જનતા સમક્ષ રજૂ કરવા બદ્લ હમતુમ રેડિયો અને દુઆ ટીવીના સંચાલકો પ્રશંસાને પાત્ર છે.     અસ્તુ…

નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.