એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2010 » May

સ્વર્ણિમ ગુજરાત

May 18th, 2010 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાં સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી

                         અહેવાલ – નવીન બેન્કર

 

ગુજરાત રાજયની સ્થાપનાનો સુવર્ણ જયન્તી મહોત્સવ દુનિયાભરમાં વસતા વતનપ્રેમી ગુજરાતીઓ ઉત્સાહ અને આનંદથી ઉજવી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના ગુજરાતીઓ તેમાંથી કેમ બાકાત રહે ?

ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ અને બીજેપી ઓફ હ્યુસ્ટનના સહકારથી તેમજ ભક્તા સમાજ,પાટીદાર સમાજ,જૈન સમાજ,સનાતન હિન્દુ સેન્ટર, સ્વામિનારાયણ મંદીર,વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ હવેલી ),સિનિયર સિટિઝન્સ એસોસિયેશન, સાહિત્ય સરીતા ઓફ હ્યુસ્ટન, નુપુર ડાન્સ સ્કુલ, ઉપાસના ડાન્સ સ્કુલ વિગેરે સંસ્થાઓના સહયોગથી સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી, અત્રેના ઇમેન્યુઅલ હોલ ખાતે શનિવાર તારીખ પંદરમી મે ના રોજ બપોરના બે થી શરૂ કરીને રાત્રીના દસ વાગ્યા સુધી કરવામાં આવી હતી.

બપોરે બે વાગ્યાથી વાનગી હરિફાઇ, રંગોળી સ્પર્ધા, મહાગુજરાતની ચળવળની યાદોને દર્શાવતી તસ્વીરોનું પ્રદર્શન જેવી પ્રવ્રુત્તીઓથી શરૂઆત થઇ હતી.વાનગી સ્પર્ધામાં ડોક્ટર કોકિલાબેન પરીખને પારિતોષીક એનાયત થયું હતું. રંગોળી સ્પર્ધામાં પ્રવીણાબેનનો નંબર લાગ્યો હતો.સ્પર્ધાના નિર્ણાયકો તરીકે રોહિણીબેન પટેલ, સોહિણીબેન દેસાઇ તથા સુશીલાબેન પટેલે સેવાઓ આપી હતી.

સાંજે પાંચ વાગ્યે મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉમાબેન નગરશેઠ, અજીત પટેલ તથા સંજય શાહે સમુહ પ્રાર્થના ગાન કરીને સાંસ્ક્રુતિક  કાર્યક્રમની શરુઆત કરી હતી.

ભાજપના સૂરત ખાતેના કોષાધ્યક્ષ શ્રી. રમણલાલ જાનીએ મુખ્ય અતિથિ વિશેષ તરીકે સ્થાન  ગ્રહણ કર્યા બાદ ભક્તા સમાજની બહેનોએ ગણપતી-વંદના લોકન્રુત્ય ઉપરાંત રાસ ગરબાની  રમઝટ બોલાવી દીધી હતી. તો પાટીદાર સમાજની બહેનોએ પણ ગરબા,રાસ, ઉપરાંત ઉમેશ પટેલ અભિનીત એક એકોક્તિ સોલો સ્કીટ રજૂ કરી હતી જેને પ્રેક્ષક સમુદાયે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. નુપૂર ડાન્સ સ્કૂલ અને ઉપાસના સ્કૂલની બહેનોએ પણ અનુક્રમે દિવડા ન્રુત્ય અને ટિપ્પણી  ડાન્સ રજૂ કર્યા હતા.જૈન સમાજની બે બહેનોએ રજૂ કરેલ ‘અચકો મચકો કારેલી’ ડાન્સ પણ સરસ રહ્યો.

સનાતન હિન્દુ સેન્ટરે રજુ કરેલ ‘આપણા મલકની વાતો’ નાટકમાં સત્તરેક પાત્રો દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસની અને શ્રી. નરેન્દ્ર મોદીની યશગાથાઓને સંવાદો સ્વરૂપે બિરદાવવામાં આવી હતી. શ્રી.પરિમલ જોશીના મુખે મૂકાયેલા એકએક સંવાદ પર પ્રેક્ષકો આફ્રિન પોકારી ઉઠયા હતા.

સાઇઠ વર્ષથી વધુ વયની સિનિયર સિટિઝન્સ બહેનોએ રજુ કરેલ બેડા ગરબો જોઇને કોઇ કહી ના શકે કે આ બહેનો ખરેખર સિનિયર છે ! એ લચક..એ હલક.. એ વાંકા વળવું..ઝૂમવું..રીયલી,,અમેરિકામાં સાઇઠ સિત્તેરે પણ યુવાની રહે છે !

સ્વામિનારાયણ મંદિર (  બાપ્સ ) ના હરિભક્તો દ્વારા રજૂ કરાયેલ , કવિ બ્રહ્માનંદ સ્વામી રચિત રાજ મને લાગ્યો કસુંબીનો રંગ શૌર્ય ગીતે પ્રેક્ષકોને જુસ્સામાં લાવી દીધા હતા.

વલ્લભ પ્રીતિ સેવા સમાજની બેનોનો ગરબો પણ પ્રેક્ષ્ણીય રહ્યો. કેરીઓકી કે તબલાંના સાથ વગર શ્રી જયંતિ પટેલે ગાયેલ સદાબહાર ગીત તારી આંખનો અફીણી પણ સારી એવી દાદ મેળવી શક્યું હતું.

સ્વરમલ્લિકા ગ્રુપવાળા શ્રી હેમન્ત દવે,શ્રીમતિ દિપ્તી દવે અને તેમના પુત્ર શ્રી ઓમકાર દવે દ્વારા બુલંદ સ્વરે ગવાયેલ જય જય ગરવી ગુજરાતને શ્રોતાઓએ મન ભરીને માણ્યું હતું.બાય ધ વે, શ્રી હેમંત અને દીપ્તિ દવેની સુપૂત્રી મૌલી દવે ( સારેગમપ ) ને તાજેતરમાં ગાંધીનગર ખાતે ઉજવાયેલ સ્વર્ણિમ ગુજરાત્ની ઉજવણી પ્રસંગે એવોર્ડ એનાયત થયો છે.

હવે વાત આવે છે સમગ્ર કાર્યક્રમના શિરમોર સમી બે રજૂઆતોની..

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના જ સર્જકો દ્વારા લિખિત,દિગ્દર્શિત, અભિનિત નાટક એક અનોખી મહેફિલ એટલી સુંદર રીતે ભજવાયું કે એના એક એક સંવાદો પર પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ કરી મૂક્યાં હતાં. અને નાટકના અંતે તો ૧૧૦૦થી પણ વધુ પ્રેક્ષકોએ ઉભા થઇને  સ્ટેન્ડીંગ ઓવેશન દ્વારા ક્યાંય સુધી તાળીઓથી વધાવ્યા જ કર્યું હતું.

જવનિકા ઉઘડતા પહેલાં પાર્શ્વમાં ગુજરાતની ગરિમાનુ ગાન કરતી બે પંક્તિઓ વાગે છે.

ધીમે ધીમે જવનિકા ( પડદો ) ખુલે છે અને દ્રષ્ટિગોચર થાય છે—કાળા રંગના પૂતળાં…મોરારજી દેસાઇ, ઝવેરચંદ મેઘાણી,કસ્તૂરબા ગાંધી.,મહાત્મા ગાંધી,લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ, સ્પેઇસ સેન્ટરના પ્રણેતા શ્રી વિક્રમ સારાભાઇ, તથા વીર કવિ નર્મદ.

પ્રદર્શનનો ચોકીદાર પૂતળા પર લાગેલી ધૂળ સાફ કરવાનું લુછણિયું લઇને ખાખી ડ્રેસમાં સ્વગતોક્તિ કરતો સ્ટેજ પર દાખલ થાય છે અને સરદાર, ગાંધી અને મોરારજીભાઇની હળવી મજાક કરતો આગળ વધે છે ત્યાં પૂતળાઓમાં જાન ફૂંકાય છે અને પૂતળાઓ મહેફિલ ભરે છે..

મહાગુજરાતને લગતી  યશસ્વી વાતોને વણી લેતાં સંવાદો અને નર્મદની કવિતાઓ,ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતો, આજના સંદર્ભમાં બાપૂની હૈયાવરાળ એ બધું એટલી તાદ્રશ રીતે આ હ્યુસ્ટનના સર્જકોએ રજૂ કર્યું હતુ કે ન પૂછો વાત !

સુરતની ઘારી…સુરતની વાણી…મોડર્ન થઇ ગયેલા ગુજરાતીઓ..અંગ્રેજી બોલતા કસ્તુરબા..પૂતળાઓ ઉપર ચરકતા કબૂતરોની વાત..ખાદી પહેરીને દેશને ખરાબ કરી મૂકનાર વર્તમાનકાળના નેતાઓ પરના કટાક્ષ..ખાંડ,સ્પ્લેન્ડા અને મગફળીના તેલના ઉલ્લેખો..મોરારજી દેસાઇનું સ્પેશ્યલ પીણું..,લાલુ યાદવનો ઘાસચારો,મલ્લિકા શેરાવતનો ઉલ્લેખ..આતી ક્યા ખંડાલા..સાયગલનું ગીત…નાકમાંથી ગાતો હિમેશ રેશમિયા અને અંતમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ અને બાપૂના ગુજરાતી ભાઇબેનોને અપાયેલ દર્દભર્યા સંદેશ્નાના એક એક ઉલ્લેખો પર,એક એક સંવાદ પર પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતા.

 

આ અહેવાલ લખનારે, સિત્તેર વર્ષની ઉંમરમાં, કંઇ કેટલાયે નાટકો જોયા છે, સો થી પણ વધુ નાટકોના અવલોકનો લખ્યા છે પણ આટલું સર્વાંગ સુંદર નાટક ક્યારેય જોયું નથી.

 

મહાત્મા ગાંધીની ભૂમિકામાં શ્રી મુકુન્દ ગાંધી,સરદારની ભૂમિકામાં શ્રી રસેશ દલાલ,વિક્રમ સારાભાઇ તરીકે શ્રી વિજય  શાહ, ઝવેરચન્દ મેઘાણી તરીકે શ્રી વિશ્વદીપ બારડ,મોરારજી દેસાઇ તરીકે શ્રી સુરેશ બક્ષી,વીર કવિ નર્મદના પાત્રમાં શ્રી કીરિટ મોદી,.કસ્તૂરબાના પાત્રમાં શ્રીમતિ દેવિકા ધ્રુવ તથા ચોકીદારની અવિસ્મરણિય ભૂમિકા ભજવનાર કલાકાર શ્રી ફતેહ અલી ચતુર કે જેઓ આ નાટકના લેખક પણ છે તે સુપર્બ રહ્યા.હ્યુસ્ટન નાટ્ય કલાવ્રુંદના પ્રેસીડેન્ટ શ્રી અશોક પટેલે આ ઉત્ક્રુષ્ટ નાટકનું દિગ્દર્શન સંભાળ્યું હતું.

નાટકની સફળતાનું શ્રેય મેક અપ આર્ટીસ્ટ શ્રીમતિ સુજ્ઞાબેન ગોહેલને ફાળે પણ જાય છે.

 

એવો જ બીજો કાર્યક્રમ હતો સાહિત્ય સરિતાની બેનોનો દીવડા ગરબો .હ્યુસ્ટનની કવયિત્રી દેવિકા ધ્રુવ રચિત આ દીવડા ગરબાના શબ્દો હતા દીવડા તે લાવી દેશથી, એમાં દીવા પ્રગટાવ્યા આજ રે..સુવર્ણ ગુજરાત કેરા.છેલ્લી આઇટમ હતી ડો. કોકિલાબેન પરીખની. તેમણે ગુજરાતની તળપદી ગ્રામ્ય બોલીમાં સમગ્ર કાર્યક્રમની સફળતાને,તેના વોલન્ટીયર્સને અભિનંદન આપીને,ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓ માટે ફાળો આપવાની વિનંતિ કરી હતી.

શ્રીમતિ નિશાબેન મીરાણીએ કાર્યક્રમની સમાપ્તિમાં આભારવિધિ કરી હતી,

 

ગુજરાતી સમાજ,હ્યુસ્ટનની તવારીખમાં આટલો સુંદર અને આટલો સફળ કાર્યક્રમ થયાનું યાદ આવતું નથી.સમાજના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશ દેસાઇ,વાઇસ પ્રેસીડેન્ટ શ્રી અજીત પટેલ,નિશાબેન મીરાણી,યોગીનાબેન પટેલ,સુરેશ પટેલ (દરબાર),સપના શાહ,સંજય શાહ,હિમાંશુ પટેલ, રાજુ પટેલ, બોબી ( ભરત ) પટેલ,ધવલ પટેલ, લેઉઆ પાટીદાર સમાજના તથા ડિવાઇન ટ્રસ્ટના વોલન્ટીયર યુવકો,કોહિનૂર ફૂડવાળા શ્રી અંબરભાઇ તથા હાઉસ ઓફ સ્પાઇસ વાળા શ્રી શ્રીધરભાઇ,ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ તથા ટ્રસ્ટી એવા સેવાભાવી શ્રી રમેશભાઇ શાહ વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં તનતોડ મહેનત કરી હતી.કોહિનૂર ફૂડ તરફ્થી સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાજીનુ શાક અને ભાત તથા ગરવી ગુજરાતના ખમણ ઢોકળાંની ડીશો ફ્રીમાં આપવામાં આવતી હતી.સાથે પીણાં અને બરફના ગોળા પણ.

અંતમાં લગભગ ૧૨૦૦ જેટલાં પ્રેક્ષકો વગેરેને બોચાસણવાસી સ્વામિનારાયણ સંસ્થા તરફથી રોટલી અને બૂંદી તથા નીતા રેસ્ટોરન્ટના ખીચડી શાક અને  છાશ પીરસવામાં આવ્યાં હતાં.

હ્યુસ્ટનના કોન્સુલ જનરલે પણ પોતાના સ્ટાફ સહિત ખાસ હાજરી આપી હતી અને શરુઆતથી અંત સુધી હાજર રહ્યાં હતાં તથા નાટકની સમાપ્તિ વખતે સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતુ.

હ્યુસ્ટનની દરેકે દરેક ભારતિય સંસ્થા,મંદિરોના અધ્યક્ષો તથા ગુજરાતી સમાજના ભૂતપૂર્વ અને વર્તમાન ટ્રસ્ટીઓ,પ્રેસીડેન્ટો વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં અને ગુજરાતના ચીફ મીનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ કાર્યોને બિરદાવ્યા હતાં.

 

એક સર્વાંગ સુંદર, સફળ કાર્યક્રમ…….

 

અસ્તુ………..

 

નવીન  બેન્કર,

 (હ્યુસ્ટન )

 

 

ક્ષણિક-પ્રફુલ્લ દવે

May 16th, 2010 Posted in સંકલન્

પડછાયાના  જેવું છળ છે,
જીવન તો આ પળ બે પળ છે.

યુગોથી સંબંધ રુદીયાનો,
મળવાનું પણ પળ બે પળ છે.

ઉપર લાગે સ્થિર પ્રવાહો,
અંદર તો આ ખળ ખળ ખળ છે.

કાચના ઘરમાં જીવીયે છીએ,
હાથમાં પત્થર, મન ચંચળ છે.

ડૂબી જવાનું છે નિયતિમાં,
આજુબાજુ ઝાંઝવાજળ  છે.

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.