એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 14

એકાંતે આવી સાજન તારી યાદ’

January 4th, 2014 Posted in અહેવાલ

 

એકાંતે આવી સાજન તારી યાદ

 

ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની ૧૨૦મી બેઠક,તારીખ ૨૪ માર્ચ ૨૦૧૨ને શનિવારની બપોરે, ભોજન રેસ્ટોરંટના હોલમાં મળી હતી. લગભગ સાઈઠ જેટલા સર્જકો અને સાહિત્યરસિકોની હાજરીમાં આ વિશિષ્ટ અને ઐતિહાસિક બેઠકમાં રજૂ કરાયેલી ક્રુતિઓનો વિષય હતો-એકાંતે આવી સાજન તારી યાદ‘. ભાગ લેનારા કવિઓ, ગઝલકારો મોટેભાગે પંચાવન થી પંચોતેરની વચ્ચેની વયના હતા એટલે સ્વાભાવિક રીતે જ આ વિષય પર,વીતી ગયેલા દિવસોની યાદો કે વિખૂટા પડી ગયેલા જીવનસાથી સાથેના સંભારણાને લગતી રચનાઓ જ રજૂ થાય.

કાર્યક્રમના કો-ઓર્ડીનેટર શ્રી. સતિષભાઇ પરીખે સમગ્ર કાર્યક્રમની રુપરેખા આપતાં કહ્યું કે  આજનો આ કાર્યક્રમ બે ભાગમાં વહેંચાયેલો છે.પ્રથમ ભાગમાં,સર્જકો પોતાની ક્રુતિઓ રજૂ કરશે. અલ્પાહાર બાદ ત્રણ સર્જકો વિવિધ વિષયો પર પોતાનું મંતવ્ય રજૂ કરશે.હ્યુસ્ટનના જાણીતા કવયિત્રી દેવિકાબેન ધ્રુવ ગઝલ વિષે, હાસ્યલેખક શ્રી. ચીમનભાઇ પટેલ (ચમન‘) હાસ્યલેખોના સર્જન વિષે તથા જાણીતા નવલકથાકાર શ્રી. નવીન વિભાકર ટેલીફોનિક વાર્તાલાપ દ્વારા નવલકથાના સર્જન વિષે  આપણને માહિતી આપશે.

વિલાસબેન પીપલીયા નામના એક સિનીયર સિટીઝન સાહિત્યરસિક બેને ,જૈન પ્રાર્થનાથી શરુઆત કરીને , આજના માસ્ટર ઓફ સેરિમની અને સાહિત્ય સરિતાના એક મોવડી  વિજયભાઇ શાહને માઈક  સોંપી દીધું હતું.

વિજયભાઇ શાહ એક ઉત્સાહી, સૌમ્ય અને મીતભાષી લેખક છે. સરિતાના સર્જનથી લઈને તેમણે હ્યુસ્ટનમાં ઘણા લેખકોના હાથમાં કલમ પકડાવી દીધી છે. વિજયભાઇ સાચા અર્થમાં સાહિત્યસરિતાના “ચાલકબળ” સમા છે. દરેક રજૂ થતી ક્રુતિ બાદ કોઇ કોમેન્ટ કે શાયરી કે ગઝલ મુકવાને બદલે તેમણે સાહિત્ય સરિતાના અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગોની યાદોને રસપુર્વક રજૂ કરી હતી.

શ્રી.વિજયભાઇએ ભરત દેસાઇની એક ગઝલ રજૂ કરી-

એકાંતે આવી તારી યાદ સજન

જાણે લાગે છે ઝંઝાવાત સજન

તારી જીદે મૌસમ બદલાઇ ગઈ

પેલા જેવો ક્યાં છે વરસાદ સજન

જા તારા સઘળા ગુન્હા માફ કર્યા

ને કરવી પણ કોને ફરિયાદ સજન

ડોક્ટર ઇન્દુબેન શાહે  સાજન મારો એક બસ વ્હાલ વરસાવે, યાદ બસ સાજન તારી એકાંતે આવેજેવા શબ્દો ધરાવતી ગઝલ રજૂ કરી હતી. મુળ હ્યુસ્ટનના, પણ હાલમાં ઓસ્ટીન વસેલા સરયુબેન પરીખે ટેલીફોન પર પોતાની રચના સંભળાવી હતી. હેમાબેન પટેલે સુંવાળા દિવસોની સુખદ પળોને અને ઘાયલ દિલની, વિરહની પળોને ઉજાગર કરતી એક રચના સંભળાવી હતી.શૈલાબેન મુન્શા નામના એક કવયિત્રીએ પણ વિરહની પળોમાં વિખૂટો પડી ગયેલો સાજન કેટલો યાદ આવે છે તેનું વર્ણન કરતું એક કાવ્ય રજૂ કર્યું હતું. દેવિકાબેન ધ્રુવે પણ પોતાની એક છંદોબધ્ધ ગઝલ સંભળાવી હતી .મનુજ હ્યુસ્તોનવીના નામે ગઝલો લખતા કવિશ્રી. મનોજ મહેતાએ પણ શમણું હતું જે ખુલ્લી આંખેશિર્ષક ધરાવતી રચના સંભળાવી હતી.ચિમનભાઇ પટેલે આદિલ મન્સુરિની ખ્યાતનામ રચના ફરી મળે ના મળે નો રદીફ લઈને સર્જેલી હાસ્યપ્રધાન ગઝલ સંભળાવી, શ્રોતાઓને હાસ્યમાં તરબોળ કરી મુક્યા હતા.

ખઈ લો પકવાન પેટ ભરીને, ફરી મળે ન મળે

લખી લો તમે ગઝલશબ્દો ફરી મળે ન મળે !

કરી રાખ્યું છે ધન ભેગું આજ સુધી ઘણું,

દઈ દે દાનમાં લેનાર વળી મળે ન મળે !

ફતેહ અલી ચતુરે પોતાની લાક્ષણિક શૈલીમાં,  સામેવાળાના મનની વાત જાણી શકાય તેવા યંત્રની વાત કહેતી   એક હાસ્યસભર હિન્દી કવિતા રજૂ કરીને શ્રોતાઓને ખૂબ હસાવ્યા હતા. અન્ય કવિઓમાં ભજનિક  કવિ શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ, ધીરુભાઇ શાહ,અશોક પટેલ, ભગવાનદાસ પટેલ, ચિત્રકાર શ્રી.વિનોદ આર.પટેલ, કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. મનસુખ વાઘેલા, નુરુદ્દીન દરેડીયા, પ્રશાંત મુન્શા, વગેરે એ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. શ્રી. હેમંત ગજરાવાલા નામના એક સાહિત્યપ્રેમીએ એક અંગ્રેજી કાવ્ય રજૂ કરીને તેનો ભાવાનુવાદ સંભળાવ્યો હતો.

એક કવિની રચના બાદ, વચ્ચે વચ્ચે માસ્ટર ઓફ સેરિમની શ્રી. વિજય શાહે પોતાની શાંત અને સૌમ્ય ભાષામાં, સાહિત્ય સરિતાના આ અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગો વાગોળતાં, હ્યુસ્ટન મુલાકાત ટાણે કવિશ્રી.વિનોદ જોશી સાથેના સંસ્મરણો,સહિયારા સર્જનના સંસ્મરણો,દશાબ્દી વખતના નાટકોની યાદો,  પાદપુર્તી દ્વારા સર્જાયેલ કવિતાઓ  વગેરે ઘણું બધું  યાદ કર્યું હતું અને એ અગિયાર વર્ષો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરી દીધાં હતાં.

આમ કાર્યક્રમના પ્રથમ ભાગમાં એકાંતે આવી સજન તારી યાદમાં પુનમની રાત..ચાંદની રાત..ઘનઘોર રાત..શ્રાવણી રાત..સાજન..પિયુ..વિરહ..ને મિલન…  ને એવું બધું આવી ગયું. .મોટાભાગના સર્જકો પંચાવન વટાવી ગયેલા છે એટલે કાં તો જૂવાનીના દિવસોને યાદ કરીને ઉર્મિઓને કાગળ પર ઉતારે છે અથવા પ્રક્રુતિપ્રેમ ,નિસર્ગ સાથેની પ્રીતિ, પાણી, વ્રુક્ષ ગગન, સુરજ, તારાઓ, ચાંદો એમને આકર્ષતા હોય એવું દેખાઇ આવતું હતું.અંગત લાગણીઓનું  કાવ્યમય આલેખન ભીતરમાં ભંડારાયેલ સ્મ્રુતિઓની અભિવ્યક્તિ રજૂ કરાયેલી ક્રુતિઓમાં દેખાઇ આવતી હતી.આજે રજૂ થયેલી રચનાઓમા તેમના અનુભવો અને તેમનું આંતરવિશ્વ વિવિધ સ્વરુપે વ્યક્ત થતું જોવા મળ્યું હતું.કેટલીક ક્રુતિઓમાં પોતાના સજન પ્રત્યેની અતૂટ અને અમીટ ચાહનાની અભિવ્યક્તિ વ્યક્ત થતા હતા.

સમોસા,  દાળવડા, ચાહ, ચવાણુંના નાસ્તા બાદ કાર્યક્રમનો  બીજો દૌર શરુ થયો.

સાહિત્ય સરિતાના ભિષ્મપિતા ગણાતા શ્રી. દીપક ભટ્ટે સાહિત્યસર્જનનું સ્તર કેવી રીતે ઊંચુ લાવી શકાય એ બાબત પર કેટલોક વિચારવિમર્શ  કરતાં ગ્રામ્યમાતા‘, ‘કરણઘેલોને ય યાદ કરી લીધા અને દરેક બેઠકમાં રજૂ થયેલ ક્રુતિની નિષ્પક્ષ સમીક્ષા કરવાની સુચના રજૂ કરી.  ચિમન પટેલ

નામના આ હાસ્યલેખક કે જેમની કલમ ધારદાર નિરીક્ષણો કરીને દ્વેષવિહીન રજૂઆત કરે છે તથા તેમના લખાણોમાં એક તાઝગી અને ઉન્મેષ હોય છે તેમણે પોતાના હાસ્યલેખો કઈ રીતે સર્જાયા તેની નિખાલસ વાતો કરી.

વચ્ચે પ્રશાંત મુન્શાએ સાહિત્ય સરિતાના નવા બોર્ડ અને નવા કો-ઓર્ડીનેટર્સની નિમણુંકની જાહેરાત કરતાં જણાવ્યું કે નવા બોર્ડની રચનામાં અગિયારને બદલે હવે માત્ર પાંચ જ બોર્ડ મેમ્બર રહેશે જેમના નામ નીચે મુજબ છે-

(૧) વિશ્વદીપ બારડ- પ્રેસિડેન્ટ

(૨) પ્રશાંત મુન્શા-  સેક્રેટરી

(૩) ડોક્ટર રમેશ શાહ

(૪) સતીષ પરીખ

(૫) વિનોદ આર. પટેલ

કો-ઓર્ડીનેટર્સ તરીકે શ્રી. નરેન્દ્રભાઇ વૈદ્ય અને શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  કામગીરી બજાવશે.

શ્રી. દીપક ભટ્ટ માનનીય સલાહકાર તરીકેની ભૂમિકા ભજવશે પણ તેમને સંસ્થાકિય નિર્ણયો બાબતમાં મત આપવાનો અધિકાર રહેશે નહીં.

સંવેદનાઓને શબ્દોમાં ઢાળનાર કવયિત્રી દેવિકાબેન ધુવની રચનાઓમાં પ્રણય અને અધ્યાત્મ સમાનાંતર સ્વરુપે વહેતા જણાય છે.તેમના પ્રથમ કાવ્યસંગ્રહનમાં સુમન અજમેરી જેવા સમીક્ષકને છંદશુધ્ધીનો અભાવ લાગ્યો  અને છંદદોષો પ્રત્યે અંગૂલીનિર્દેશ કર્યો એટલે તેમણે રઈસ મનીયાર ના છંદોવિધાન, જેવા પુસ્તકોના અભ્યાસ દ્વારા અને રસિક મેઘાણી જેવા ગઝલકાર પાસે પ્રત્યક્ષ માર્ગદર્શન લઇ  બધું જ છંદમાં લખવા માંડ્યું  અને ગઝલ સાહિત્યને ગરિમા બક્ષતી રચનાઓ આપી. માનવીય મુલ્યો અને ભાવનાઓના પુરસ્કર્તા એવા આ કવયિત્રીનો પ્રક્રુતિપ્રેમ અને નિસર્ગ સાથેની પ્રીતિ એમની રચનાઓમાં છલકાતી જોવા મળે છે એવા હ્યુસ્ટનના ગૌરવ સમા આ કવયિત્રીએ સાહિત્યના સ્તરને ઉંચુ લાવવા વિષે બોલતાં જણાવ્યું કે સાહિત્યની આ સંસ્થા એ સરસ્વતીનું મંદીર છે અને શબ્દો એ આપણી પૂજા છે. કોઇપણ પરિસ્થિતિમાં આપણે અઘટીત શબ્દો વાપરીશું નહીં અને સાચા શબ્દસાધકોની સાધનામાં ભંગ પડે નહીં તેની તકેદારી રાખીશું.અને એ રીતે સાહિત્યનું સ્તર ઉંચુ રાખીશું.મને લાગે છે કે આટલી અપેક્ષા વધારે પડતી નથી.સાહિત્ય સરિતાના કલાને ક્ષેત્રે ફળદ્રુપ એવા મંચ પર રહી હંમેશાં નવું નવું શીખવાની અને પ્રયોજવાની ધગશ રાખીશું.

બ્લોગની સુવિધાનો લાભ લઈને અહેવાલ પણ સીડી પ્લેયર પર રેકોર્ડ કરી, સાઇટ પર અપલોડ કરી શકાય.

ગઝલ અંગે બોલતાં આ વિદુષી કવયિત્રીએ જણાવ્યું કે છેલ્લા અઢી વર્ષમાં જૂદા જૂદા માધ્યમો દ્વારા પોતે જે કાંઇ શીખ્યા છે તે પરથી કહી શકાય કે ગઝલનું એક તો બાહ્ય સ્વરુપ છે જે રદીફ, કાફીયા અને છંદમાં ગૂંથાયેલું હોય છે. એ ત્રણ તો એના અનિવાર્ય અંગો છે.રઈસ મનીયારે કહ્યું છે કે ગઝલને એક તંબુની કલ્પના કરો તો કાફિયા એના સ્તંભ છે. એના સમતુલન વગર ગઝલની ઇમારત ધરાશાય થઈ જાય. બીજું સ્વરુપ એનું આંતરીક છે. ગઝલ અને કોઈપણ કલાક્રુતિમાં વિચારોની ઊંચાઇ હોય, શબ્દોની લયાત્મકતા હોય, લાલિત્ય હોય, અર્થનું ઊંડાણ હોય અને છેલ્લે કોઇ સરસ સંદેશની ચમત્ક્રુતિ હોય ત્યારે એને સાહિત્યના સાચા સ્તર પર મૂકી શકાય.અભ્યાસ, આયાસ અને રિયાઝ ક્રુતિમાં નિખાર લાવે છે . ઉદાહરણ તરીકે.કસુંબલ આંખડીના કસબની વાત શું કરવી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી‘.

આપણે સૌ જે કાંઇ લખીએ છીએ તેને ચકાસીએ, મઠારીએ.ખાલી પ્રાસ મેળવી લેવાથી કવિતા કે ગઝલ બનતા નથી.છંદમાં ન લખી શકાય તો લયબધ્ધ ગીત લખો.લય તો અનિવાર્ય છે.લય તો કુદરતમાં અને જીવનમાં-બધે જ છે.સાહિત્યના માપદંડમાં ખરી ઉતરે એવી રચનાઓ કરીએ.કેટલું લખ્યું તે મહત્વનું નથી.કેવું લખ્યું તે મહત્વનું છે.આપણા સભ્યો પાસે કલ્પનાઓ છે,શબ્દભંડોળ છે પણ આ બધું વેરવિખેર પડેલ મોતી જેવું છે એને એક નિશ્ચિત પેટર્નમાં પરોવી એક સુગઠિત માળા બનાવીએ.

સાહિત્ય સરિતાના સભ્યો અને સાહિત્યરસિક મિત્રો આ કવયિત્રીના વિદ્વત્તતાસભર વક્તવ્યને મંત્રમુગ્ધ બની ને સાંભળી રહ્યા હતા.

જાણીતા લેખક-નવલકથાકાર શ્રી. નવીન વિભાકરે ટેલિફોનીક વાર્તાલાપ દરમ્યાન પોતાના સર્જન પર ર. વ. દેસાઇ, વિ.સ.ખાંડેકરની શૈલીની અસર હોવા વિષે જણાવ્યું.પોતાની નવલકથા કુસુમ કાપડીયાના સર્જનની વાતો કરી. પોતાના પાત્રો પર દર્શકના પાત્રોની અસર હોવા વિશે પણ જણાવ્યું.નવોદિત લેખકોને સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે પહેલાં વાંચન અને મનન કરો.જે લખવાનું હોય તેનો અભ્યાસ કરી, સંશોધન કર્યા બાદ જ સર્જનમાં પ્રવ્રુત્ત થાવ.નિરીક્ષણ કરો અને પછી પાત્રોનું સર્જન કરો.અનુભવોની અનુભૂતિ પાત્રાલેખનમાં ઉપસાવો.લખાણ હ્રુદયમાંથી આવવું જોઇએ‘.( ટેક્નીકલ ક્ષતિને કારણે આ વાર્તાલાપ અધવચ્ચેથી આટોપી લેવો પડ્યો હતો ).

અંતમાં, વિલાસબેન પિપળીયાના સુમધુર કંઠે, અવિનાશ વ્યાસની જાણીતી રચના હે શ્રાવણ વરસે ઝરમરીયો વરસાદ, કાનાઆવે તારી યાદસાંભળીને સૌ શ્રોતામિત્રો ચાર કલાક લાંબી આ અવિસ્મરણિય બેઠક બાદ છૂટા પડ્યા હતા.

******************************************************************************

અહેવાલ -નવીન બેન્કર

navinbanker@yahoo.com

લખ્યા તારીખ- ૩૧ માર્ચ ૨૦૧૨

 

 

અમેરિકામાં ધરમના ધુતારાઓ

અમેરિકામાં ધરમના ધુતારાઓ 

હમણાં ઝી ટીવીની આજતક ચેનલમાં અને વર્તમાનપત્રોમાં આસારામ અને નારાયણસ્વામિના કરતૂતોની ધૂમ મચી છે. આજનો હોટ ટોપીક છેઆસારામ.

આપણે એની વાત નથી કરવી.

તમને ખબર છે ? અમેરિકા જેવા દેશમાં પણ વા ધુતારાઓ પોતાનો કારોબાર ચલાવે છે ?

હમણાં એક આવા સ્વામિજી અમેરિકાના અન્ય સ્ટેટમાં કાળાધોળા કરીને, ઉઠમણું કરીને, પોતાની પાછળ કોર્ટકેસોના પુંછડા લટકાવીને, બીજા સ્ટેટમાં ભાગી આવ્યા છે. અહીંના વર્તમાનપત્રોના પ્રતિનિધીઓ એમના ઇન્ટર્વ્યૂ લઈને સાચી વાત જાણવા જાય છે તો એમને પણ મુલાકાતો નથી આપતા. અને બિન્દાસપણે એક મંદીરનું ઉદઘાટન કરી નાંખ્યું. દસપંદર પુજારીઓ માટે જાહેરાતો આપી દીધી. યોગ્ય પુજારીઓ મળે કે ના મળે, જાહેરાતો તો કાયદેસર આપવી પડે. પછી ઇન્ડિયાથીકબુતરોને સ્પેશ્યલ વીસા પર બોલાવી લેવાય. સ્વામિબાબાના ફોન નંબર્સ, ફેક્સ નંબર, મેઇલ એડ્ડ્રેસો, વેબ સાઇટ..બધું .

લોકલ વર્તમાનપત્રોમાં આખા પાનાની કલર જાહેરાતો છપાય

તમારે લગ્નમાં પ્રોબ્લેમ છે?’.. ‘બ્લેક મેજીકકાળા જાદુથી પીડાવ છો ?’..’કાળસર્પ દોષ છે ?.’..’ધંધામાં તકલીફો છે ?’…’છૂટાછેડા લેવા છે ?’..તમે ડોક્ટર હો અને કોઇએ તમને કોર્ટમાં ઘસડ્યા હોય કે કોર્ટકેસમાં ફસાવ્યા હોય કે ઇન્કમટેક્સની માયાજાળમાં મૂંડાળા હોવ..કે પછી ગ્રીન કાર્ડ મળતું હોય.. તોસ્વામિજીનો સંપર્ક સાધો

છોકરાં થતા હોય, ડ્રગને રવાડે ચડ્યા હો, હઠીલા દર્દો જેવા કે કેન્સર, હાર્ટએટેક, થાયરોડ ડીપ્રેશન, જાતીય તકલીફો, ઉત્થાનના પ્રોબ્લેમો, મેનોપોઝના પ્રોબ્લેમો પણ અમે દૂર કરી આપીશું.

અંધશ્રધ્ધાળુ અજ્ઞાન, ‘ગ્રાહકોફોન કરે એટલે ગુરુજી તો ફોન પર આવે નહીં, એમની સેક્રેટરી કે કોઈપ્રજાપતિમાહિતી પુછી લે  અને તકલીફને આધારે ફી જણાવે તથા ક્રેડીટ કાર્ડથી એડવાન્સ પેમેન્ટ કરવું પડે. પછી ઇન્ટર્વ્યૂની તારીખ મળે. ટીવીના કંઇ કેટલાય શોમાં તમને એમના ફોટા સાથે કોઇ રુપાળી બાઇ ગુણગાન કરતી જોવા મળે..

આવા આસારામોના મંદીરોમાં દેસી બૈરાં વધુ જોવા મળે. ટીવી પર કોઇ શોમાં ભગવાનના દર્શન થાય ત્યારે દેસી બૈરાં’, શ્રધ્ધાપુર્વક નતમસ્તકે નમન કરતા જોઉં ત્યારે તો મને એટલી રમૂજ થાય કે પુછો વાત.

દેસી લોકોને છાપાં વાંચવાની તો આદત નહીં. દરેક ગ્રોસરી સ્ટોર પર મફત મૂકેલા છાપા પણ ના ઉપાડે. અને કદાચ ઉપાડે તો માત્રસેલની જાહેરાતો જોવા માટે અગર  છાપાને પાથરીને શાક સમારવા કે ગોળ ભાંગવા માટે એનો ઉપયોગ કરતા હોય. પછી મારા જેવા કોઇ ઇન્વેસ્ટીગેટીવ પત્રકારે આસારામના કરતૂતો છાપ્યા હોય તો યે કોણ વાંચવા નવરું છે ?

અરેસાલાઓ એટલું તો વિચારો કે જેમના માથા પર આટઆટલા કેસની તલવારો લટકે છે પોતાના પ્રોબ્લેમો સોલ્વ નથી કરી શકતા તમારા પ્રોબ્લેમો કેવી રીતે સોલ્વ કરવાના છે ? બની બેઠેલા બાપુઓ પોતાના નામની પાછળસંત’, ‘સ્વામિજીએવા વિશેષણો લગાવે, ભક્તોને અડે પણ નહીં ( કદાચ ભક્તાણીઓને તો અડતા હશે ). એમના ભક્તોમાં ડોક્ટરો, એન્જીનિયરો જેવા ભણેલાગણેલા લોકો પણ હોય છે. અરે ! એવા આગેવાન લોકો તો પાછા એમના મંદીરો માટે ડોનેશનો ઉઘરાવવામાં મદદ કરતા હોય ! રીટાયર્ડ થયેલા મોટાભાગનાદેસીઓઆવા મંદીરોના બાંકડા પર બેસીને કૂથલીઓ કરતા જોવા મળે. સમય મળ્યો છે અને હજી હાથપગ ચાલે છે ત્યાં સુધી લાયબ્રેરીનો લાભ ઉઠાવો, જોવાલાયક સ્થળોની મુલાકાત લો, સિનિયર્સની સેવા કરો, કોઇ સારી સેવાભાવી સંસ્થાઓમાં વોલન્ટીયર વર્ક કરો., કોમ્પ્યુટર શીખીને સર્ફીંગ કરો..હા ! તમારા ઇષ્ટદેવનું પણ સ્મરણમનન કરો..પણ જિન્દગી જરા બુધ્ધીગમ્ય રીતે જીવો.

મને તો આવા સ્વામિજીઓને મળવાનું થાય છે ત્યારે, મીસ્ટર ઇન્ડીયા બની જઈને, ફિલ્મ  ‘એક અજનબીના  હીરો અમિતાભ બચ્ચન જે રીતે પેલા ભ્રષ્ટ પોલીસ ઓફીસરની પીછવાડે બોંબ લગાવીને ઉડાવે છે રીતે ઉડાડી દેવાનું મન થઈ જાય છે.

આપણા દેશી લોકોમાં ધર્મભાવના એટલી બધી પ્રબળ હોય છે કે એમને સાચાખોટાનું પ્રમાણભાન નથી રહેતું. અને આવા તકસાધુઓ એનો લાભ ઉઠાવવા તૈયાર હોય છે. હમણાં આવા એક સ્વામિજીને પ્રશ્નોત્તરી કરવાનો મેં પ્રયત્ન કર્યો ત્યારે એમના ભક્તજનોના સમુહે મને બેસાડી દીધો. ‘તમે પછીથી એકાંતમાં એમને મળીને તમારી શંકાનું સમાધાન કરજો.. જાહેરમા આવા સવાલો પુછીને સ્વામિજીનું અપમાન કરાય’.

મેં નાનપણમાં સંન્યાસીઓના મઠમાં, સંન્યાસીઓને જાતે લુંગીઓ ધોતા, સૂકવતા, બાટી બનાવતા અને ચોપાડમાં ચોરસો ઓઢીને સૂઇ જતા જોયા છે, એમની કથાવાર્તાઓ સાંભળી છે. પુજ્ય ડોંગરે મહારાજની ભાગવતકથાઓ સાંભળી છે, રામાયણકથા, મહાભારતકથા, ગરુડપુરાણ સાંભળ્યા છે. તદ્દન સાત્વિક રીતે, યોગ્ય ગુરુઓ દ્વારા કહેવાતા જ્ઞાનમાં ક્યાંય કોઇ આડંબર નહોતા. આજે તો ભાગવત ભગવાનો પુષ્પક રથમાંથી ( હેલીકોપ્ટર ) માંથી ઉતરે છે, ગુલાબના પુષ્પોની વર્ષા થાય છેદર દસ મીનીટે સંગીતના તાલે આગલી હરોળની ગોપીઓ નાચવા લાગે છે, કૃષ્ણજન્મોત્સવરુકિમણી વિવાહ..નરસિહ અવતાર..નાનાટકો’, ભાગવત સપ્તાહમાં ભજવાય..કોઇ વાસુદેવ બને , કોઇ દેવકી બને, કોઇ બલીરાજા બને..અને બસનાચો..ગાવ.. થાઈરોડથી પહોળા થઈ ગયેલા નિતંબો લચકાવો.. અને બબ્બે વખત આરતીઓ ફેરવોઉછામણીઓ બોલો..ડોલરો લખાવો.. આશીર્વાદો મેળવો..

કૃતકૃત્ય થઈ જાવસાત્વિક આનંદ મેળવોઅમેરિકામાં ક્લબોમાં ભટકવા કરતાં તો   આનંદ સારો છે ને ! બાકીડોગરે મહારાજની ભાગવતકથા તો મારા અંતરમાં કોતરાઇ ગઈ છેએની તોલે તો કોઇ આવે. માણસનું પવિત્ર જીવન..સાદી જીવનશૈલિ.. એવા સંતો આજે ક્યાં છે ? આજે તો કથાકારો કહે છે કેમારું વૃંદાવન વહાલુમારે વૈકુંઠ નથી જાવું..જન્મોજનમ ગોકુળમાં અવતાર લેવો છે..અને..મોટેભાગે મુંબઈ કે ન્યુયોર્કમાં રહેતા હોય છે..એરકન્ડીશનમાં અને મર્સીડીસમાં ફરતા હોય છે. અનેઅમેરિકામાં કમાયેલા ડોલર્સ અમેરિકાના ધંધાઓમાં, એમની ભક્તાણીઓ મારફતે રોકતા હોય છે.

મને લાગે છે કે આવું બધું લખવાનો યે કશો અર્થ નથી. દુનિયા તો જેમ ચાલે છે એમ ચાલવાની છે. દુનિયા ઝુકતી હય, ઝુકાનેવાલા ચાહિયે

બાલાશંકર કંથારિયા સાહેબ, તમે સાચું કહ્યું હતું

રહી નિર્મોહી શાંતિથી રહે સુખ મોટું છે,

જગત બાજીગિરીના તું બધા છલબલ જવા દેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,

સારા કે નઠારાની જરા યે સંગતે રહેજે.

મારે ચુપ થઈને ચુપચાપ બધા ખેલ જોવાના છેલખવાનું પણ નહીં..મીટીંગોમાં જવાનુંસાંભળવાનું..ને..ઉઠીને ધીમેથી સરકી જવાનુંફોટા પાડવા કે પડાવવા પણ નહીં ઉભા રહેવાનુંજે મળે એનેજેશ્રીકરસનકરવાનું. પણસાલો સ્વભાવ એવો પડ્યો છે કે મારાથી એવું નથી કરાતું. બક બક થઈ જાય છે…’બક બકઅનેબકા..બકા..’ ક્યાં અટકે છે ?

શ્રીરામ..શ્રીરામ

નોંધ–  લખાણ માત્ર અને માત્ર તમારા જેવા સહ્ર્દયી મિત્રો માટે છે.એટલે એને સર્ક્યુલેટ કરવા વિનંતિ. મનેદેસી ભક્તાણીઓની બીક લાગે છે.)

’૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજી

January 4th, 2014 Posted in અનુભૂતિ

૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજી

હમણાં એક વાર્તામાસિકમાં શાંત મનથી ,પલંગ પર ટાંટીયા લાંબા કરીને, રીલેક્ષીંગ મૂડમાં, એક વાર્તા વાંચતો હતો. એમાં આવેલા એક વાક્યએ મારા શાંત ચિત્તતંત્રને ઝકજોરી નાંખ્યું.

વાક્ય હતું– ‘ ૭૩ વર્ષના વયોવૃધ્ધ એવા મારા દાદાજીએ  મને પ્રતિજ્ઞા લેવડાવી હતી’.

૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજીશબ્દએ મને હચમચાવી મૂક્યો.

મને ૭૩ વર્ષ થયા છે. શું હુંવયોવૃધ્ધ દાદાજીથઈ ગયો ? હું હમણાંરામલીલાફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મના હીરોહીરોઇનના ઉત્કૃષ્ટ લવસીન્સ જોઇને મને તો મઝા આવતી હતી. ઘણાં દ્રશ્યોમાં તો રણવીરસીંઘની જગ્યાએ હું મનોમન મને કલ્પી લઈને, દીપિકાના શરીરસ્પર્શના કાલ્પનિક સુખનો અનુભવ કરતો હતો. થીયેટરમાંથી ફિલ્મ જોઇને બહાર નીકળતાં અને પોલો ટી શર્ટ અને ગોગલ્સ પહેરેલા મારા ચહેરાને કારની વીન્ડોના કાચ પર મારું પ્રતિબિંબ નિહાળતાં, મને તો મારામાં પેલો રણબીરસીંઘ દેખાતો હતો.

ઔર….સાલા મૈં ૭૩ સાલકા વયોવૃધ્ધ દાદાજી ?…શ્રીરામશ્રીરામ

મારી નાની બહેન સુષમા મને ફિલ્મ ગોસીપ્સની ક્લીપ્સ મોકલે છે એમાં , રીનારોય, પરવીન બાબી, અનુ અગરવાલની ક્લીપ્સ જોઇને, એમના છેલ્લા દિવસોની હાલત જોઇને હું હસતો હતો અને ત્યાં પાછા પેલા  ‘૭૩ વર્ષના વયોવૃધ્ધશબ્દો યાદ આવી ગયા અને મારું હાસ્ય વિલાઇ ગયું. હું યથાર્થમાં આવી ગયો. પેલી રુપાળી મિત્ર ઘણીવાર વાતવાતમાંતમે સિનિયરો’, તમે ઘૈડાઓ’, ‘બુઢીયાઓજેવા શબ્દપ્રયોગો કરી બેસે છે ત્યારે મારી ઉત્તેજના સાવ ઠંડી પડી જાય છે.

બહેને મોકલાવેલી બધી ક્લીપ્સ જોઇને મને થયું-‘ મારે પણ હવે યથાર્થનો સ્વીકાર કરી લઈને ,ધમપછાડા બંધ કરી દઈને, માત્ર વિશાળ પેનોરેમીક સ્ક્રીન પર દીપીકા, કેટરીના કે બિપાશાની સાથે પ્રણયદ્રશો ભજવતા યુવાન રુપાળા હીરોની જગ્યાએ જાતને મનોમન ગોઠવી દઈને, કલ્પનાજન્ય સુખ ભોગવી લઈને, બેઅઢી કલાકની આભાસી જિન્દગી ભોગવીને, સુખી થવાની જરુર છે. ફિલ્મ પુરી થતાં, બહાર નીકળીને  ‘કેમ છો બહેનજય શ્રી. કૃષ્ણ’….’ કરતા પાછા વાસ્તવિક૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજીબની જવાનું  રહ્યું છે.

બાલાશંકર કંથારિયાની ગઝલ

January 4th, 2014 Posted in સંકલન્

બાલાશંકર કંથારિયાની  ગઝલ

૨૦૧૪ના નૂતન વર્ષે બાલાશંકર કંથારિયાની  ગઝલની આ પંક્તિઓ  મારા  હૈયે ઉભરાઇ રહી જે મારી અતિ પ્રિય ગઝલ રહી છે. મને આનાથી વધુ સારી શુભેચ્છા સૂઝતી નથી. 

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. 

દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે તો.

જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

કચેરી માંહે કાજીનો, નથી હિસાબ કોડીનો,

જગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,

ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે,સદાયે નિર્મળે ચિત્તે,

દિલે જે દુઃખ કે આનંદ, કોઇને નહિં કહેજે.

વસે છે ક્રોધ વૈરી, ચિત્તમાં તેને ત્યજી દેજે,

ઘડી જાયે ભલાઈની,મહાલક્ષ્મી ગણી લેજે,

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,

પિયે તો શ્રી. પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.

કટુ વાણી સુણે જો તું, મીઠી વાણી સદા વદજે,

પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. 

અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો,

ન માંગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. 

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે

જગત બાજીગરીના તું બધાં છલબલ જવા દેજે. 

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું,

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે. 

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ,

નિજાનંદે હંમેશાં બાલ, મસ્તીમાં મજા લેજે. 

(બાલા શંકર કંથારિયા)

થર્ટીફર્સ્ટડીસેમ્બરનીન્યુયર્સપાર્ટી -નવીન બેન્કર

January 4th, 2014 Posted in મારા સંસ્મરણો

થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરની ન્યુયર્સ પાર્ટી     -નવીન બેન્કર

એક જમાનામાં અમે, અમદાવાદમાં ૩૧ ડીસેમ્બરની રાત્રે ક્યાં તો સેન્ટ ઝેવિયર્સ કોલેજના પટાંગણમાં યોજાતા આનંદમેળામાં મિત્રો સાથે ધક્કામુક્કી કરવા જતા અને જુવાનીની થ્રીલ, રોમાંચનો આનંદ માણતા અને ક્યાં તો દૂરદર્શન પર આવતા દિવેલીયા કાર્યક્રમો જોઇને સંતોષ પામતા.

ન્યુયોર્કમાં હતો ત્યારે ૩૧મી ડીસેમ્બરે રાત્રે લોંગ ઓવરકોટ પહેરી, કોલર ઉંચા ચડાવીને, રાત્રે દસ વાગ્યે, સાત નંબરની સબ-વે ટ્રેઇનમાં સિક્સટી ફર્સ્ટ સ્ટ્રીટના સ્ટેશનેથી ચડીને, ફોર્ટી સેકન્ડના છેલ્લા સ્ટેન્ડે ટાઇમ્સ સ્ક્વેરઉતરીને, મેનહટ્ટન વિસ્તારના ટોળાઓમાં ઘુસતો અને રાતના બાર વાગ્યે પેલો ગોળો ઉતરતો જોતાં, ચિચિયારીઓ પાડીને, ગોરી સ્ત્રીઓને હગ કરીને નવા વર્ષના અભિનંદન આપવાના બહાને સ્પર્શસુખ માણતો અને મોડી રાત્રે ૬૧૧૭, વૂડસાઇડ એવન્યુ પરના એપાર્ટમેન્ટ પર પાછો ફરતો. વાત ૧૯૭૯ થી ૧૯૮૫ સુધીની છે. ત્યારે હું ૪૦૪૫ વર્ષનો યુવાન (!) હતો.

૧૯૮૬થી હ્યુસ્ટનમાં આવ્યા પછીગુજરાતી સમાજના ગાંધી હોલમાં યોજાતી આવી ૩૧ ડીસેમ્બરની પાર્ટીઓમાં જવા માંડ્યું. ત્યાં ખાવાપીવાનું, કોઇ મ્યુઝીકલ પાર્ટીઓના ગીતો અને પછી રાત્રે બાર વાગ્યે  ‘હેપી ન્યુયરના નારાઓ વચ્ચે શેમ્પેઇનની છોળો ઉડતી જોતો. ‘જોતોએટલા માટે લખું છું કે મેં શેમ્પેઇનનો સ્વાદ ક્યારેય માણ્યો નથી. મને એનું આકર્ષણ થયું નથી. આમ તો હું રોમેન્ટીક કીસમનો માણસ છું પણ શરાબ, બિયર, સિગારેટએવી કોઇ ટેવ મને નથી. હા ! શબાબની વાત જુદી છે. રીતે હું ખાખરાની ખિસકોલી ગણાઉં.

વર્ષે પણ, નવા વર્ષના વધામણા કરવા, આપણા ગુજરાતી સમાજના સભ્યો થનગની રહ્યા છે. દર વર્ષની જેમ વર્ષે પણ, ડી.જે. ના મ્યુઝીકના તાલે કે રાકેશ પટેલના ગીતોને સથવારે કપલ્સ હિલોળા લેશે. યુવાન તનબદન તેજલિસોટાની જેમ થનગનશે. પાશ્ચાત્ય ડાન્સ કરતા આવડતા હોય એવાદેશીઓગરબા ગાતા હોય એમ ઠેકડા મારી મારીને પાર્ટનરની કમરમાં હાથ નાંખીને ગોળ ગોળ ફરશે. અમારા જેવા સાંધાના વા અને પગની ઢાંકણીના ટોટલ ની રીપ્લેસમેન્ટ કરાવેલા સેવન્ટીપ્લસ સિનિયરો ટેબલ પર બેઠા રહીને, નાચતા કપલ્સને જોઇને ભુતકાળની વાતો યાદ કરશે. કુચીપુડી, ભરતનાટ્યમ કે કથકલી જેવા શાસ્ત્રિય નૃત્યો માણનારો વર્ગ, ધમાલથી દૂર રહેવાનો. લોકોને પાશ્ચાત્ય ડાન્સમાં નાચવું ગમે છે. ફિલ્મી પડદે પણ માણવો ગમે છે. પ્રકૃતિએ પ્રાણીમાત્રમાં નરમાદાને રીઝવવા, આકર્ષવા, નૃત્યસંવેદનો મૂકેલા છે.

યુવકયુવતીઓ લટકા મટકા સાથે નાચે ત્યારે અજીબ આનંદના સ્પંદનો ઉભા થાય છે . પ્લેઝર ઇઝ યોર પાવર ! આનંદની અનુભૂતિને કંઇ શબ્દોની સમજૂતિ હંફાવી શકે. સકલ સૃષ્ટિમાં નાચ અદ્ર્શ્યની અભિવ્યક્તિ છે. ડાન્સ, પરફોર્મરને તો મજા કરાવે છે , પણ જોનારનેદર્શકનેપણ લ્હેરની લેરખીમાં ડૂબાડી દે છે.

જગતભરમાં બધે સેલિબ્રેશન એટલે ડાન્સીંગઉત્સવ એટલે ઉમળકા અને ઉત્સાહથી નાચવુંકૂદવું ! હીલક્રોફ્ટ પર આવેલી અમેરિકન ક્લબોની મુલાકાત તમે લીધી છે કદી ? રીચમન્ડ એવન્યૂ પર ચીમની રોક થી સિકસ ટેન સુધીના રસ્તા પર આવેલી ઢગલાબંધ નાઇટક્લબોમાં અનાવૃત્ત અવસ્થામાં નૃત્ય કરતી બેલી ડાન્સર્સના નૃત્યોને માણ્યા છે કદી ? માણ્યા હોય તો યે એકે ગૂજ્જુમાં, જાહેરમાં સ્વીકારવાની હિંમત નથી હોતી. શરીર અને સૌંદર્યને પ્રેમ કરતી અમેરિકન સંસ્કૃતિના દેશમાં તમે બધું માણ્યું હોય તો તમે અમેરિકન લાઇફ જીવ્યા નથી. બેહદ શૃંગારિક  ઇરોટીકા ડાન્સ પર નાચતા યુવાન મોહક શરીરોના થિરકતા અંગોપાંગો પર, નવા વર્ષના વધામણા કરવાનો આનંદ માણ્યા પછી, અવિનાશ વ્યાસના ગુજરાતી સુગમ સંગીતના સથવારે, કેઆગે ભી જાને ના તુજેવા ગીતો પર  પગના ઠેકા મારીમારીને, સ્થુળ થઈ ગયેલી કાયાને ઘૂમાવતા ગૂજજુભાઇઓ અને બહેનોને જોવાનો ચાર્મ મરી જતો હોય છે ! ક્લબોમાં ગોરી ચામડીવાળી, સફેદ ગુલાબના પ્રતિબિંબ જેવી શ્વેતધવલ લીસ્સી લીસ્સી પીંડીઓવાળી મેકલીઓને,સફેદ કબૂતરોની પાંખો જેમ ગતિમાં, યૌવનસૂચક અંગોને ઉલાળતી  જોયા પછી આપણુંદેશીસેલીબ્રેશન ઘણાંના મનને માફક નથી આવતું.

એની વે….ડાન્સ, મ્યુઝિક અને પાર્ટીના શોખીન એવા દેશી ભાઇબહેનો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે  ગુજરાતી સમાજના ઉપક્રમે, નિર્મળ આનંદ માણતા માણતા, નવા વર્ષના વધામણા કરશે.

એન્જોય યોરસેલ્ફ દોસ્તો !

નવીન બેન્કર

૨૪ ડિસેમ્બર ૨૦૧૩

નવા વર્ષનું સરવૈયુ- અશરફ ડબાવાલાનું કાવ્ય

January 3rd, 2014 Posted in સંકલન્

નવુ વર્ષ આવવાનું હોય એટલે ગયા વર્ષના સરવૈયાની વાતો થયા વગર તો ક્યાંથી રહે?

  

સરવૈયાની ઐસી તૈસી, સરવાળાની ઐસી તૈસી,
જીવની સાથે જીવી લીધું ધબકારાની ઐસી તૈસી. 

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી તૈસી. 

શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં તરનારાની ઐસી તૈસી. 

ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી તૈસી.

 

– ડૉ.અશરફ ડબાવાલા (શિકાગો, યુ.એસ.એ)

 

 

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠકનો અહેવાલ. શ્રી નવીન બેંકર.

September 24th, 2013 Posted in અહેવાલ

 

DSC_7636

 

 

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠકનો અહેવાલ                                  શ્રી નવીન બેંકર.

૨૨મી સપ્ટેમ્બર ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી. ગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની નિઃશુલ્ક સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર  એવા યુવાન કવિશ્રી વિશાલ મોણપરાને  ‘ વેબગુર્જરી’ અને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે સન્માનવાનો આ અવસર હતો અને સાથે સાથે તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું  વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર કાર્યક્રમ, પ્રથમ વખત , ‘ગુગલ હેન્ગ આઉટ’ની મદદથી, અન્ય શહેરો અને છેક ભારતના કવિઓ-લેખકો  પણ આનો લાભ લઈ શક્યા હતા. આ કાર્યક્રમ યુ ટ્યુબ પર પણ  જોઇ શકાય છે.

https://plus.google.com/events/cq03s7bih9di1ltonrj5uh08mbc

શરુઆતમાં, સંસ્થાના કો ઓર્ડીનેટર  શ્રીમતી પ્રવિણાબેન કડકીયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રકાશ મજમુદાર અને ભારતીબેન મજમુદારે મધુર કંઠે પ્રાર્થના ગાઇને શુભારંભ કર્યો. યજમાન દંપતિ દિનેશભાઇ અને હેમંતિબેન શાહે આવનાર સૌ મહેમાનોને આવકાર્યા પછી કાર્યક્રમનો પ્રથમ દૌર સ્થાનિક કવિઓ અને લેખકોની કૃતિઓ રજૂ કરવાનો શરુ થયો. સંસ્થા તરફથી આપવામાં આવેલા વિષય ‘ મજદૂર’ અને ‘પાનખર’ પર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. ભાગ લેનાર સર્જકો હતા- સર્વશ્રી. ધીરુભાઇ શાહ,  ચીમન પટેલ, ગિરીશ દેસાઇ, પ્રવિણા કડકીયા, અશોક પટેલ,વિજય શાહ, દેવિકા ધ્રુવ, શૈલા મુન્શા, ડોક્ટર ઇન્દુબેન શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ , પ્રશાંત મુન્શા, સતિષ પરીખ, હેમંત ગજરાવાલા, વિનોદ પટેલ, ધવલ મહેતા, વગેરે…શ્રી. નુરુદ્દીન દરેડીયાએ કબીરના દોહા રજૂ કર્યા હતા, શ્રી. વિજય શાહે પોતાની હવે પછી નામાંકિત મેગેઝીનમાં પ્રસિધ્ધ થનાર વાર્તા ‘અઘોરીના ચીપીયા’ વાંચી સંભળાવી હતી. નિતીન વ્યાસે, એક વિશિષ્ટ વ્યક્તિ નરહરી ગુલાબભાઇ ભટ્ટ વિષે કેટલીક અજાણી વાતો રજૂ કરી હતી. રસેશ દલાલે ખલિલ ધનતેજવીનું એક કાવ્ય સરસ રીતે વાંચી સંભળાવ્યું હતું. સુરેશ બક્ષીએ ચીનુ મોદી, સ્વ. શ્રી.સુરેશ દલાલ, સ્વ. શ્રી. હરીન્દ્ર દવે, અને ઉર્વીશ વસાવડાના કાવ્યોની જાણીતી પંક્તિઓની પેરોડી રજૂ કરીને શ્રોતાઓને સારું એવું મનોરંજન પુરું પાડ્યું હતું. દેવિકા ધ્રુવે, પોતાની તાજેતરની અમદાવાદની મુલાકાત ટાણે, સાહિત્ય પરિષદની બુધસભામાં  પોતે રજૂ કરેલ, ‘પૃથ્વી વતન કહેવાય છે’ કાવ્ય રજૂ કર્યું હતુ.

બેઠકના બીજા દૌરમાં, શ્રી. વિજય શાહે , વિશાલ મોણપરાની સિધ્ધિઓને બિરદાવી અને બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી. નિલકંઠભાઇને, વિશાલને આશીર્વચન આપવા વિનંતિ કરી,  શ્રી. નિલકંઠભાઇએ, વિશાલની BAPS પ્રત્યેની લગની અને સંસ્થા માટે તેણે આપેલી સેવાઓને બિરદાવી, હાર પહેરાવી, સંતોના આશીર્વચનો સંભળાવ્યા.

૯૨ વર્ષની વયના વડીલ શ્રી. ધીરુકાકાના તથા નાસાના વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી. કમલેશ લુલાના શુભહસ્તે, વિશાલના કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી.વિશાલ મોણપરાએ એ અંગે અતિ નમ્રતાપૂર્વકસર્વેનો  આભાર માન્યો હતો અને પોતાના કાવ્યસંગ્રહની એક ઝલક વાંચી સંભળાવી હતી.

‘છે ડૂબવાની મઝા મઝધારે, સાહિલ કોને જોઇએ છે ?

ફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે ?

શું સાથે લાવ્યા હતા, શું સાથે લઈ જવાના ?

બે ગજ બસ  છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે ?

ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રીએ, વિશાલનું સન્માન-પત્ર વાંચવા માટે  દેવિકા ધ્રુવને  આમંત્રણ આપ્યું  અને તેમણે વિશાલની સિધ્ધિ અને બહુમાન દર્શાવતો પત્ર અક્ષરશઃ સૌને સુંદર રીતે વાંચી સંભળાવ્યો.- ‘વેબગુર્જરી’ના  શ્રી. જુગલકિશોર વ્યાસના સંદેશનો સારાંશ  સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી. વિશ્વદીપભાઇએ વાંચી સંભળાવ્યો હતો. અને પછી તેમણે વેબગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, પ્રમુખપેડના સર્જક, ગુજરાતી લેખનની સરળતા ને સક્ષમતા માટે મથનાર કવિશ્રી. વિશાલ મોણપરાને, આકર્ષક ઘેરા કથ્થાઇ રંગમાં મઢાયેલું વિશાળ સન્માનપત્ર અર્પણ કર્યું હતુ. જેને હાજર રહેલા સૌ સાહિત્યરસિકોએ ગૌરવભેર અને આનંદસભર તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આખી યે બેઠકમાં ધન્યતા અને હ્યુસ્ટનની શાનની એક અજબની લ્હેરખી હતી..

ગુગલ હેંગ આઉટ ઉપર ઉપસ્થિત સર્જકો શ્રીમતી નિલમબેન દોશી ( વિજયવાડા), રેખાબેન સિંધલ ( ટેનેસી), ડોક્ટર મહેશ રાવલ અને પ્રેમલતા મજમુદાર ( કેલીફોર્નીયા), શ્રીમતી સપના વિજાપુરા (શીકાગો), સરયુબેન પરીખ ( ઓસ્ટીન). નીતાબેન કોટેચા (મુંબઇ) વગેરે એ પણ વિશાલને અભિનંદન આપ્યા હતા અને પોતાની એક એક કૃતિ સંભળાવી હતી. ગુગલ હેંગ આઉટ પર, હ્યુસ્ટનમાં બેઠા બેઠા, છેક ભારત અને અન્ય શહેરોના સર્જકો સાથે વાર્તાલાપ કરવાનો અને તેમને દ્રષ્ય અને શ્રાવ્ય  માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનિય હતો. આ પ્રથમ પ્રયાસનું  શ્રેય પણ વિશાલ મોણપરાને અને તેમના  સહાયક તરીકે, સતત કાર્યરત શ્રી વિજય શાહ,  પ્રવીણાબેન કડકિયા, વિશ્વદીપ બારડ અને દેવિકાબેન ધ્રુવને ફાળે જાય છે.

અંતમાં, સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી, સંચાલક,સહ-સંચાલક વગેરેએ, પ્રસંગોચિત આભારવિધિ કરી હતી અને સૌ, ધીરુકાકા, દિનેશભાઇ અને હેમંતિબેનના દહીંવડા,  રગડાપેટીસ, ભેળપુરી અને કુલ્ફીની જ્યાફત માણીને, આ ખુશનુમા સાંજે,ગૌરવભરી અનુભૂતિ સાથે છૂટા પડ્યા હતા.

(શબ્દાંકન અને તસ્વીર–  શ્રી. નવીન બેન્કર)

 

ટ્રીયો-ઇન-કોન્સર્ટ

March 26th, 2013 Posted in અહેવાલ
                                                          

ટ્રીયો-ઇન-કોન્સર્ટ

(સલિલ ભાડેકર,ડેક્ષટર રઘુ આનંદ અને સ્મિતા વસાવડા)

, માર્ચ ૨૦૧૩ ને શનિવારની રાત…..

તમને ૨૦૦૦ની સાલના સારેગમપાનો વિજેતા પેલો હેન્ડસમ, છોકરો યાદ છે ? એ જ સોહામણો સલિલ ભાડેકર..આપણે એને ક્યારેક આશાભોસલે સાથે તો ક્યારેક ઉષા મંગેશકર, ખય્યામ જેવા સંગીતના દિગ્ગજો સાથે સંગત આપતા જોયો છે. મહમદ રફીના ગીતો એના અવાજમાં વધુ ફીટ થાય છે. મહમદ રફી ફેન્સ ક્લબમાં પણ એ એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે-૨૦૦૬માં.

આ ગાયક-સંગીતકાર હ્યુસ્ટનમાં સ્થાયી થવા આવ્યો છે.

હ્યુસ્ટનમાં, મારા સંગીતકાર-એક્ટર મિત્ર હેમંત ભાવસારના પિતાશ્રી.નગીનદાસ ઘેલાભાઇ ભાવસારની ૨૫મી પુણ્યતિથી નિમીત્તે, થોડાક અંગત મિત્રો,અને સાહિત્ય-સંગીતના પ્રેમીઓ સાથે એક સમુહમિલન હેમંતે પોતાના નિવાસસ્થાને યોજેલું. લગભગ ૬૦ જેટલા સંગીતરસિયાઓ આ મહેફિલ માણવા પધારેલા.હ્યુસ્ટનનું આ ક્લાસિકલ શ્રોતાવૃન્દ ગણાય.શરુઆતમાં મહેમાનોનું, ખાસ સૂરતથી મંગાવેલ પોંક અને વિવિધ સેવો અને ચીપ્સથી સ્વાગત કરવામાં આવેલું.

હ્યુસ્ટનમાં એક બીજો અદ્વિતિય કલાકાર છે- તબલાનવાઝ ડેક્ષટર રઘુ આનંદ. ગુજરાતી કે હિન્દી ભાષા લખી, વાંચી કે બોલી ન શકતો હોવા છતાં, ગમે તેવા ગાયક સાથે એ તબલા પર સંગત કરી શકે છે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેવાની એનામાં ક્ષમતા છે. ગીતના શબ્દોના અર્થ ન સમજવા છતાં,માત્ર એની ધૂનો સાથે એ તાલ મેળવી શકે છે. 

અને…ત્રીજા ગાયિકાબહેન છે-સ્મિતાબેન વસાવડા. આ સોહામણી નાગર કન્યાના અદભુત અવાજ માટે તો હું, ઘણીવાર લખી ચૂક્યો છું એટલે એનું પુનરાવર્તન નહીં કરતાં રજૂ થયેલા કાર્યક્રમની વાત પર જ આવીએ.

અરુણ ભાવસારે આવકાર પ્રવચન કર્યા બાદ, ડેક્ષટર રઘુ આનંદે પોતાના નવ જેટલા બાળ-કલાકાર શિષ્યો પાસે, તબલા પર રુપક તાલના ૭૦ પ્રકારોની રજૂઆત કરાવી. ૧૦-૧૨ વર્ષના આટલા બધા ટાબરિયાઓએ જે સ્ફુર્તીપુર્વક કુશળતાથી તબલાવાદન કર્યું એ જોઇને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. દરેક બાળકલાકારને ટ્રોફી આપવામાં આવી હતી.

સ્મિતાબેને પોતાના સુમધુર કંઠે પ્રાર્થના ગાયા બાદ, કાર્યક્રમના હીરો સલિલ ભાડેકરે કાર્યક્રમનો દોર પોતાને હસ્તક લેતાં, સર્વપ્રથમ ફિલ્મ સરસ્વતિચંદ્રનું ગીત ચંદન સા બદન‘  ગાયું. આ ગીત આટલા વર્ષોમાં હજાર વાર સાંભળ્યું છે, પણ સલિલે જે રીતે ધીરે સે તેરા યે મુસ્કાનાશબ્દોને બહેલાવી, રમાડી અને પોતાની દ્રષ્ટી ફેંકવાની વિશિષ્ટ સ્ટાઇલમાં શબ્દોને ફેંક્યાકે શ્રોતાગણમાંની દરેક યુવતી જાણે એ પોતાને જ કહે છે એવો ભાવ અનુભવી રહી હશે એની મને ખાત્રી છે. સલિલના બુલંદ છતાં મુલાયમ અવાજ અને મધુર સ્વરલગાવથી સુંદર વાતાવરણ ખડું થતું હતું. હારમોનિયમ અને તબલાની જુગલબંદી શ્રોતાઓની તાળીઓની ખંડણી મેળવી લેતી હતી.

ત્યારપછી  ગઝલ રંજીશ હી સહી દિલ દુખાનેકે લિયે‘,   દિલ્હી-૬ ફિલ્મનું પ્રખ્યાત ગીત મૌલા મેરે મૌલા‘, ચૂપકે ચૂપકે રાતદીન આંસુ બહાના યાદ હૈ‘,

ડાકા તો નહીં ડાલા થા, થોડીસી પી હૈ‘,  ‘ખ્વાજા મેરે ખ્વાજા‘, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી દીધી સલિલભાઇએ.

પછી દોર શરુ થયો કવ્વાલીઓનો. શ્રોતાઓની ફરમાઇશ પર, સલિલે આયા હૈ તેરે દર પે સવાલીવાળી કવાલી ગાઇને ,શીરડીકે સાંઇબાબાને ય યાદ કરી લીધા.તો..પરદા હૈ, પરદા હૈ..બિલકુલ રિષીકપૂરની દિલફેંક અદામાં, ગુલાબ ફેંકવાની સ્ટાઇલમાં ગાઇને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. ફિલ્મ કોહિનૂરનું ક્લાસિકલ સોંગ મધુબનમેં રાધિકારજૂ કરીને પોતાની ઉત્તમ ગાયકીનો પરચો કરાવી દીધો. ઘણા ગાયકો આ બધા ગીતો ગાય છે. ઘણાં, કાગળિયા હાથમાં રાખીને વાંચી જાય છે, કેટલાક સીધ્ધેસિધુ ગીત ગાઇ જાય, પણ ગીતના શબ્દો પ્રમાણે ચહેરા પર ફેસિયલ એક્ષ્પ્રેશન અને અવાજમાં આરોહ-અવરોહ સાથે જ્યારે આવા ગીતો રજૂ થાય છે ત્યારે જ એની અસર શ્રોતાઓ પર પડે છે.  ઘણી વખત આવી સુંદર રજૂઆત થતી હોય ત્યારે, શ્રોતાઓના ચહેરા વાંચવાનીમને વધુ મઝા આવે છે. 

સ્મિતાબેન વસાવડાએ આ કાર્યક્રમમાં, એમના જ શબ્દોમાં કહીએ તો,બારમા ખેલાડીની ભૂમિકા ભજવી હતી. એમણે ગાયેલું ગીત બડે અચ્છે લગતે હૈ..ઔર તુ..મવખતે શ્રોતાઓ પણ તુ..મ‘..શબ્દ પર સાથ પુરાવતા હતા. તુજમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું, જેવા ગીતો રજૂ કરીને સલિલભાઇને થોડોક વિરામ આપ્યો હતો.

સંગીતના કાર્યક્રમમાં, કોઇપણ પાસુ નબળુ ન ચાલી શકે.રાગશુધ્ધી, શ્રુતિયુક્ત સ્વરોની સમજ, તાલ,તાન, અને રાગને સજાવવો..એ બધું જ શ્રેષ્ઠ જોઇએ. સુજ્ઞ પ્રસ્તૂતિ માટે સમજદાર અને લયદાર તબલાવાદક ડેક્ષ્ટર રઘુ આનંદ પણ એટલો જ પ્રશંસાપાત્ર ગણાય. ડેક્ષ્ટરે તબલાવાદનની લાક્ષણિકતાઓ એટલી વિકસાવી છે કે શ્રોતાઓ એને બિરદાવતા થાકતા નથી. બે કલાક ચાલેલી આ પ્રસ્તૂતિ શ્રોતાઓ પર મન મૂકીને વરસી.સંગીતરસિયાઓ આ ઢંગદાર, જાનદાર અને વિસ્મીત કરતી પ્રસ્તૂતિને વારંવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા.

યજમાન હેમંત ભાવસાર પોતે પણ ખુબ સારા ગાયક અને સંગીતકાર છે. પણ આજના પ્રોગ્રામમાં પોતે ગાવાથી દૂર જ રહ્યા હતા. માત્ર મંજીરા લઈને સ્ટેજ પર તેમણે હાજરી જ પુરાવી હતી. સમગ્ર કાર્યક્રમનો દોર તેમણે સલિલને જ સોંપી દીધો હતો. 

એક સુનિયોજીત પ્રસ્તૂતિનો આનંદ,સંગીતરસિયાઓએ મન ભરીને માણ્યો. 

કર્ણપ્રિય સંગીત અને સૂરિલા કંઠના સથવારે રજનીગંધાની માદક સુવાસથી, સલિલભાઇ મહેફિલને મહેંકાવી ગયા.

કાર્યક્રમની સમાપ્તિમાં, ફિલ્મ હમદોનોંનું ગીત અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં‘  મારા મતે શ્રેષ્ઠ રજૂઆત હતી. હું, આ ગીત સલિલના કંઠે વારંવાર સાંભળવું પસંદ કરું. 

અંતે, સ્વાદીષ્ટ હુરતીરસોઇ ( ખાસ તો છેક હુરતથી ફેડૅક્ષમાં મંગાવેલા લાડુ )નું જમણ જમીને શ્રોતાઓ વિખરાયા ત્યારે ય , મારા કાનમાં તોઅભી ના જાઓ છોડકરગૂંજતું હતું.

બેસ્ટ લક સલિલ  એન્ડ  થેન્ક્સ હેમંત.

અહેવાલ-નવીન બેન્કર ( ૭૧૩-૪૯૯-૦૩૯૯)
******************************************************************************************
Navin Banker

‘અક્ષરને અજવાળે’ (કાવ્યસંગ્રહ)- એક અવલોકન.

February 25th, 2013 Posted in અહેવાલ

અક્ષરને અજવાળે‘ (કાવ્યસંગ્રહ)-  એક અવલોકન.

કવયિત્રી દેવિકા રાહુલ ધ્રુવના આ બીજા કાવ્યસંગ્રહ અક્ષરને અજવાળેવાંચતાં, ગીત-ગઝલના ચાહકોને એક નવી સશક્ત કલમનો પરિચય થાય છે.આ સંગ્રહમાં ૩૩ ગીતો, ૨૭ ગઝલો, ૧૪ અછાંદસ અને ૧૮ મુક્તકો છે. છેલ્લા પાંચેક વર્ષથી, કાવ્ય અને ગઝલક્ષેત્રે જે થોડીક નવી કલમો કાર્યરત થઈ છે તેમાં દેવિકાબેનનું નામ અવશ્ય મૂકી શકાય. આ કવયિત્રીની કવિતાઓ અને ગઝલો વાંચતા તેમની તાઝગીભરી મથામણને આવકારવાનું મન થઇ જાય છે. આ  કૃતિઓ કવયિત્રીના પગલાંને વિસ્તરીને એમનો રાજમાર્ગ કંડારી લે એવી આશા જન્માવે છે.

ગઝલ સાથે ગીતોની પ્રવાહિતા ધ્યાનપાત્ર જણાય છે.  આ બીજા કાવ્યસંગ્રહની કૃતિઓ વધુ પરિપક્વ, પીઢ અને બળકટ જણાય છે.

અછાંદસ રચનાઓ કવિતાના રસિક વાંચકોને આનંદ બક્ષે તેવી સુંદર છે.

આ કાવ્ય જુઓ-

શતદલ પંખ ખીલત પંકજ પરહસતા નયન જ્યમ શ્યામ વદન પર

શતદલ બુંદ સરક દલ વાદળ,   ભીંજત બદન નર નાર નવલ પર.

તમને આ વાંચતાં, એના શબ્દો સંભળાય છે ને ! મલપતો, રણકતો, ચળકતો અવાજ આ કાવ્ય વાંચતાં આપણને સંભળાય છે. સહ્ર્દય વાંચકો માટે આ , આસ્વાદ્ય કર્ણરસાયણ છે.શબ્દ, ભાષા, અને વિચારના ત્રિપરિમાણમાંથી સર્જાયેલ  સૌંદર્યમઢીત આ કૃતિઓ આપણાં ફેફસામાં નવો પ્રાણવાયુ પૂરે છે.

કવિતામાં તેમનો ઝોક જીવનધારક તત્વ અને અધ્યાત્મ પ્રતિ વિશેષ જણાય છે. કવિતાઓમાં સૃષ્ટિલીલા પણ પ્રગટાવી છે.કવયિત્રી મુલ્યનિષ્ઠ જીવન અને કવનના ઉપાસક દેખાઇ આવે છે. વિશ્વશાંતિ‘, ‘વિશ્વભાસ્કર‘, ‘પૃથ્વી વતન કહેવાય છે‘, જેવી કૃતિઓમાં વસુધેવ કુટુંબકમની ભાવનાથી પ્લાવિત એવા ભાવવિશ્વની પ્રતીતિ થાય છે. તડકોજેવા કાવ્યમાં, તડકે બેઠેલા બે પ્રેમીજનો હુંફાળા હાથમાં હાથ લઈને બેઠાનું ચિત્ર કેવું તાદૃશ્ય થાય છે ! વાંચતાં વાંચતાં આપણે પણ જાણે ઝરમરતી ઝીલની મસ્તીને માણતાં ને ભીની ભીની ક્ષણોને વીણી વીણીને વાતોમાં વાગોળવા માંડીયે છીએ.

દેવિકાબેનની રચનાઓમાં  પ્રકૃતિ અને પ્રભુની વાતો પણ છે. લય અને શબ્દ જોડે અર્થને ભેળવીને કવયિત્રી સુંદર ચિત્રો સર્જી શકે છે. શબ્દોની સહજ ગોઠવણી ધ્યાનાકર્ષક બની રહે છે. વ્યર્થતા, એકલતા, વેદના જેવી સંવેદનાઓ પણ તેમની રચનાઓમાં વ્યક્ત થાય છે. હોય છે‘, ‘કોને મળી‘, કંઇક સારુ લાગે‘, ‘યાત્રા‘, ‘તમે એટલા તો વ્યસ્ત ના થાવ‘, જેવી કૃતિઓમાં દેવિકાબેન દાર્શનિક ( ફિલોસોફર) જણાય છે.

કવયિત્રી દેવિકા રાહુલ ધ્રુવની લયસિધ્ધી, શબ્દવૈભવ અને ભીતરી ગાંભીર્યનો  રસાનુભવ કરાવતી અક્ષરને અજવાળેની રચનાઓ વાંચવા અને માણવા જેવી છે એમાં કોઇ શંકા નથી

.

નવીન બેન્કર

૧૭ ફેબ્રુઆરિ ૨૦૧૩

હ્યુસ્ટનના સિનીયરોએ માણ્યો ગીત, સંગીતનો યાદગાર જલસો-

February 25th, 2013 Posted in અહેવાલ

તારીખ ૯મી ફેબ્રુઆરિને શનિવારે હ્યુસ્ટનના બેલેન્ડ પાર્ક સ્થિત કોમ્યુનિટી હોલમાં લગભગ અઢીસો સિનીયરોએ સૂર અને શબ્દને સથવારે, શ્રી. કલ્પક ગાંઘીના કેળવાયેલા અને ઘૂંટાયેલા સ્વરમાં સૂર અને શબ્દની મહેફીલ માણી. જેને ગુજરાતી ભાષા કે હિન્દી ભાષાનું જ્ઞાન નથી અને છતાં માત્ર સ્વર અને સંગીતની જ ભાષા સમજનાર  તબલાનવાઝ શ્રી. ડેક્ષ્ટર અને મંજીરાના એક્ષ્પર્ટ શ્રી. હેમંત ભાવસારના સાથમાં, શ્રી. કલ્પક ગાંધીએ એવી તો સૂર અને સંગીતની રસલ્હાણ કરી કે સિનીયર શ્રોતાઓ અભિભૂત થઈ ઉઠ્યા. 

કાર્યક્રમની શરુઆતમાં, શ્રી. હેમંત ભાવસાર અને તેમના સહધર્મચારિણી શ્રીમતી દક્ષાબેને હેપી બર્થ-ડે સોંગ, સંસ્કૃત અને હિન્દી ભાષામાં ગાઇને, જે સિનીયરોની જન્મતારીખ ફેબ્રુઆરિ માસમાં આવતી હતી તેમને શુભેચ્છા પાઠવી. ત્યારપછી, ટોરન્ટોથી તાજેતરમાં જ, હ્યુસ્ટન મૂવ‘  થયેલા વડોદરાના ગાયક, સંગીતકાર શ્રી. કલ્પક ગાંધીએ કાર્યક્રમનો દોર સંભાળી લીધો. જેમની ઘણી સીડી ,કેસેટો બહાર પડી ચૂકી છે તથા ૬૦૦થી પણ વધુ ગીતોને જેમણે કમ્પોઝ કર્યા છે એવા શ્રી. કલ્પકભાઇએ પોતાના કેળવાયેલા અને ઘૂંટાયેલા અવાજમાં ગુજરાતી સુગમ સંગીતના પ્રચલિત ગીતો, ભજનો, ફિલ્મી ગીતોનો એવો તો મારો ચલાવ્યો કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. સુગમ સંગીત હોય અને નીલગગનના પંખેરુને અને તારી આંખનો અફીણી‘  કોઇ ભૂલે ખરું ? મૂકેશ જોશી જેવા કવિની રચના પણ રજૂ થઇ. ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગૌરવની પણ વાતો થઇ. જગજીતસિંહની ગઝલ મેરે ગીત અમર કર દો‘  એ શ્રોતાઓની આંખોને ભીંજવી હતી.

કલ્પકભાઇની વિશેષતા એ હતી કે ભજન કે ગીતના શબ્દોની વચ્ચે , હારમોનિયમના સ્વરોને મંદ કરીને વક્તવય રજૂ કરે, શ્રોતાઓને હસાવે અને પાછા તરત ગીતના મુળ શબ્દો પર આવી જઈને ઝમક ઉભી કરી દે. તમે અનૂપ ઝલોટાજીને સાંભળ્યા હોય ત્યારે એ જે રીતે ચાંદ અંગડાઇયાં લે રહા હૈજેવી પંક્તિઓ વખતે શબ્દોને આરોહ-અવરોહ વડે એવા લહેરાવે કે તમે, હોલમાં ચાંદને અંગડાઇઓ લેતો અનુભવી શકો-અલબત્ત, જો તમે સંગીતના ખરેખર જ્ઞાતા અને જાણકાર હો તો.આ જ વસ્તુ કલ્પકમાં પણ છે.

દરેક ગીતને પણ તેનો એક મિજાજ હોય છે. ગાયક એ મિજાજને લાડ લડાવી ને ગીત રજૂ કરે ત્યારે એ ગીત, શ્રોતાના દિલ સુધી પહોંચી શકે છે.

કલ્પકભાઇએ  જોશીલા, રમતિયાળ અને ફાસ્ટ રીધમવાળા ગીતો પણ ગાયા. ગુજરાતી ભાષાની ઉંડી સૂઝને કારણે, એમની, ગીતોની અભિવ્યક્તિ પણ બળુકી હતી.સંગીતમાં રાગ અને તાલનું જે વિઝનહોય છે એ બહુ મહત્વનું છે. સૂરની બારીકાઇને પારખવી એ જેટલું ગાનાર માટે મહત્વનું છે એટલું જ સહ્ર્દયી- સુજ્ઞ શ્રોતાઓ માટે પણ જરુરી બની જાય છે. 

સંગીતને સથવારે વહેતા સુગમ સંગીતના ગીતો શ્રોતાઓને હોઠે ચડી ગયા છે અને હૈયે ઘર કરી બેઠા છે.

કલ્પક જેવો ગાયક હોયડેક્ષ્ટર જેવો તબલાનવાઝ હોય અને હેમંત ભાવાસાર જેવો મંજીરાવાદક હોય તો ક્યાંક સૂર  શબ્દને ખેંચે તો ક્યારેક શબ્દ સૂરને.  સ્વર અને સંગીતનું સૂરીલુ રાસાયણીક સંયોજન થાય પછી કહેવું જ શું ?

કલ્પક ગાંધી વૈષ્નવ સંપ્રદાયના શ્રીનાથજીના ભજનો, જૈન સ્તવનો, સ્વામિનારાયણ સમ્પ્રદાયના ભજનો,પ્રાર્થનાસભાઓ પ્રસંગે ગવાતી પ્રાર્થનાઓ, સુગમ સંગીત, ફિલ્મી ગીતો, હાસ્યના કાર્યક્રમોના એક્ષ્પર્ટ છે. 

કાર્યક્રમને અંતે, શ્રીકૃષ્ણની ધૂન પછી, સંસ્થાના એક જૂના સભ્ય સ્વ. મણીબેન પટેલના તાજેતરમાં થયેલા અવસાન બદલ શોકસંદેશ અને બે મીનીટનું મૌન પાળીનેમણીબેનના કુટુંબીજનો દ્વારા સ્પોન્સર કરેલા સ્વાદીષ્ટ ભોજનને ન્યાય આપીને સૌ સભ્યો વિખરાયા હતા.

 

નવીન બેન્કર (હ્યુસ્ટન)

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 832-499-0399

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.