એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 3

હ્યુસ્ટનના એક ‘બહુનામી કાકા’ -નવીન બેન્કર-

August 2nd, 2017 Posted in અનુભૂતિ

Discover something new.

શાંતિકાકાને લાધ્યું જ્ઞાન

August 2nd, 2017 Posted in અનુભૂતિ

Make yourself at home.

જુઠાણું ભારે પડી ગયું

જુઠાણું ભારે પડી ગયું
શાંતિલાલ ગરોળીવાલાની પત્ની શોન્તાબા પુષ્ટીમાર્ગીય મરજાદી ઓર્થોડોક્સ એટલે કે જુનવાણી વિચારસરણી ધરાવતી પણ  પરંપરાગત ધાર્મિક સ્ત્રી છે. કોઇના ફ્યુનરલમાં, બેસણાંમાં, મરણ પાછળના ભજનમાં કે સુતકીના પ્રસંગમાં પણ શાંતિકાકા જાય તો ઘરમાં પેસતાં જ, બાથરૂમમાં ધક્કેલી દઈને બધા જ કપડા-ઇન્ક્લ્યુડીંગ હાથરૂમાલ, ડાયપર અને મોજાં- કઢાવીને નવડાવે અને પછી જ ઘરમાં અડવાનું. એટલી સ્ટ્રીક્ટ. શાંતિકાકા જુઠું બોલીને એને કહ્યા વગર ફ્યુનરલમાં જઈ આવે અને નહાય નહીં તો પણ એને ખબર પડી જાય. ડોશીઓ નવરી પડે એટલે કોન્ફરન્સ કોલ કરે એમાં એની ખાસ બહેનપણીઓ શોન્તાબાને કહી દે કે- ‘શાંતિકાકા તો હમણાં જ પેલીના ફ્યુનરલમાં મળ્યા હતા’

થઇ રહ્યુ.. શાન્તિલાલનું આવી બન્યું. ‘ઓ મારા ઘરમાં બોરાવારો કર્યો. મારા શ્રીનાથજી ભગવાન, મને માફ કરો. આ શાંતિડો સાલો નાસ્તિક પાક્યો છે.એને ધરમબરમનું ભાન જ નથી.’ કરીને પોતાના ગાલ પર ભગવાનના ચિત્રજી ની સામે ઉભી રહીને તમાચા 

મારે.
શાંતિલાલને શોન્તાબા પર બહુ પ્રેમ. એટલે એમના આવા ગાંડાવેડા ચલાવી લે. અને આમે ય, ૭૭ વર્ષે થોડા છૂટાછેડા  લેવાય છે ! ચલાવી લેવું પડે એ તો !
શાંતિલાલ સવારના પહોરમાં, મેઇલ બોક્સમાંથી ટપાલ લેવા ગયા.શાંતિલાલ મુસ્લીમોની બહુમતિવાળા કોન્ડો એપાર્ટમેન્ટમાં રહે છે. ૧૦૮ માંથી ૧૦૫ તો મુસલમાનો રહે છે ત્યાં.  એમની મુસ્લીમ પાડોશણ હમીદાબાનુ પણ ટપાલ લેવા આવેલા. શાંતિકાકા બોલકણા એટલે બધાંની ખબર અંતર પુછે. એટલે જરા વાર થઈ ગઇ   ઘરમાં આવતાં.
‘કેમ મોડું થયું ટપાલ લઈને આવતાં ? 
હમીદાબાનુનું તો નામ લેવાય નહીં એટલે કાકા જુઠુ બોલ્યા. ‘ આ બાજુવાળા ગફુરચાચા ટપાલ લેવા આવેલા તે ચક્કર આવવાથી પડી ગયા હતા એટલે એમને બેઠા કરીને, વ્હીલચેરમાં બેસાડ્યા અને એમને ઘેર મૂકી આવ્યો એટલે વાર લાગી ગઈ.’
‘પેલા ગંદા ગોબરા ગફુરચાચા ? શું થયું હતું એમને ?
‘બિચારા ચક્કર આવતાં પડી ગયેલા. આજુબાજુ કોઇ હતું નહીં એટલે કોણ ઉભા કરે ?
બિચારા પગથી પર આડા પડી ગયેલા અને ટુંટીયું વાળીને પડ્યા’તા.’ શાંતિલાલે જુઠુ ચલાવ્યુંં.
શાંતિલાલને એમ કે પોતાને સિરપાવ મળશે.
‘હાય..હાય…તું એ મુસલમાનને અડ્યો ? એ જમીન પર પડી ગયેલા એટલે કેટલાય જંતુઓ  એના શરીર પર ફરી ગયા હશે !  જલ્દી નહાઇ લે અને બધા કપડાં પલાળી નાંખ.’
બિચારા શાંતિલાલને જુઠાણું ભારે પડી ગયું. એક કલાકમાં આજે બીજી વાર નહાવું પડ્યું.
‘એ ભગવાન…બીજે જન્મે મારવાડણ આલજે પણ મરજાદણ ના આલતો’ એમ બબડતાં બબડતાં શાંતિલાલ ગરોળીવાલા બાથરૂમ તરફ જવા લાગ્યા.
*****************************************
નવીન બેન્કર   ( લખ્યા તારીખ-૨૫ જુલાઈ ૨૦૧૭)

એક ખુબસુરત યાદ-ડોક્ટર કોકિલાબેન ના લગ્નની તસ્વીર

આ તસ્વીર તારીખ ૩૦ માર્ચ ૧૯૭૧ની છે- અમારા ડોક્ટર કોકિલાબેન અને પ્રકાશભાઈ પરીખના લગ્ન વખતની. એમાંની વ્યક્તિઓનો પરિચય કરાવી દઉં.

ઉભા રહેલામાં ડાબી બાજુથી- માથે ઓઢેલી સફેદ સાડીમાં જે બહેન છે તે પાટણમાં ડોક્ટર કોકિલાબેનને ત્યાં ઘરકામ કરનાર બહેન છે.

બીજા નંબરે મારી પ્રિય, ભોળી, પ્રેમાળ પત્ની કોકિલા છે. એની બાજુમાં ઝુલ્ફાવાળો અને બ્લેક સુટ પહેરેલો ઉંચો યુવાન છે તે હું એટલે કે ત્રીસ વર્ષની વયનો નવીન બેન્કર છું મારી બાજુમાં મારો  એકનો એક નાનો ભાઈ વિરેન્દ્ર છે. એની બાજુમાં જે ખુબસુરત યુવાન છે જે જુના એક્ટર રાજેન હકસર જેવો દેખાય છે તે રણજી ટ્રોફીમાં રમી ચુકેલા ક્રિકેટર શ્રી. રાહુલ ધ્રુવ છે અને તેની બાજુમાં છોકરી જેવી દેખાય છે તે મારી નાની બહેન અને આજની વિદ્વાન ગુજરાતી કવયિત્રી દેવિકા ધ્રુવ છે . કહેવાની જરૂર નથી કે રાહુલ અને દેવિકા પતિ-પત્ની છે. તેમના સંતાનો પણ ખુબ તેજસ્વી છે. કોઇ સાયન્ટીસ્ટ છે તો કોઇ ડોક્ટર છે અને ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે.

ખુરશીમાં બેઠેલામાં- ડાબી બાજુથી- મારી બા કમળાબેન, એની બાજુમાં ડોક્ટર કોકિલાબેન, મારા દાદીમા વિચક્ષણ વિદ્યાબા, પ્રકાશભાઇ પરીખ અને છેલ્લે ઝબ્ભો, બંડી અને ધોળી ટ્પ્પીમાં મારા પિતાશ્રી. રસિકલાલ રતનલાલ બેન્કર છે.

હવે વારો આવે છે પેલી ફર્શ પર બેઠેલી બે બેબલીઓનો. ડાબી બાજુ છે તે સુષ્મા અને એની બાજુમાં સંગીતા. સુષ્મા ૧૯૫૭ અને સંગીતા ૧૯૬૨ ની બોર્ન છે.  મારા લગ્ન ૧૯૬૩માં થયેલા એટલે આ વિરેન્દ્ર, સુષ્મા અને સંગીતા અમારા ખોળામાં રમીને મોટા થયેલા, અમારા બાળકો જ છે. આ બન્ને બહેનો વિશે તો આખા જુદા લેખો લખાય તેમ છે. સંગીતા લતા મંગેશકરના ગીતો ગાવાને કારણે ટેક્સાસની કોયલ ગણાય છે. રેડીયો જોકી પણ છે. સુષમા પણ સારુ ગાઈ શકે છે. અને કલાના વિવિધ ક્ષેત્રે પ્રવૃત્ત છે.

Me and My Brother Virendra Banker

ડાબી બાજુ છે એ  છે શ્રી. નવીન બેન્કર   અને

જમણી બાજુ ઝુલ્ફા અને મુ્છોવાળો જુવાન હેન્ડસમ છોકરો છે એ છે મારો નાનો ભાઈ વિરેન્દ્ર બેન્કર. સંગીતના કોઇ જ શિક્ષણ વગર એ વાંસળી પણ વગાડી શકે છે, તબલા અને હાર્મોનિયમ પણ વગાડી શકે છે અને મુકેશ અને કિશોરકુમારના ગીતો પણ ગાઈ શકે છે. કોમ્પ્યુટર અને ટીવી પણ રીપેર કરી શકે છે. એ ૧૯૫૫ માં જન્મેલો છે અને નવીન બેન્કર ૧૯૪૧ માં.

આ ભાઇનો જન્મ, અમદાવાદમાં, સાંકડીશેરીના નાકે, ઘાંચીની પોળની સામે આવેલ કોઇ હોસ્પિટલમાં થયેલો. ત્યારે હું એસ.એસ.સી. માં ભણતો હતો અને મારી બાને, ટીફીન આપવા સાયકલ લઈને જતો હતો.  આ ભાઇને ખભે નાંખીને પ્રતાપ સિનેમામાં, પાંચ આનાની ટીકીટમાં , હું ફિલ્મો જોવા પણ જતો હતો. એ નાની ઉંમરમાં, વાંસળી વગાડતો ત્યારે લોકોના ટોળા એને સાંભળવા ઉમટતા હતા. એને ઘણીબધી ગર્લફ્રેન્ડ્સ એ જમાનામાં પણ હતી.છોકરીઓ એની પાછળ ગાંડી થઈ જતી હતી.

આજે એના બન્ને દીકરા મેડીકલનું ભણીને ડોક્ટર થઈને પ્રેક્ટીસ કરે છે.  વિરેન્દ્ર પોસ્ટ ખાતામાં ન્યુયોર્કમાં જોબ  કરે છે.  અને… આ ડફોળ મોટાભાઇને કોમ્પ્યુટરમાં મુશ્કેલી પડે ત્યારે, ફોન પર સુચના આપીને સહાય કરે છે તથા સલાહસુચનો આપે છે.

ખુબ પ્રેમાળ સ્વભાવનો  મારો  એકનો એક ભાઈ છે.

મારા અંતીમ સમયે,’ પેલી ચાંપ’ દાબવા તેણે, ન્યુયોર્કથી ઉડીને હ્યુસ્ટન આવવાનું છે.

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં- શ્રી.નવીન બેન્કર

May 24th, 2017 Posted in અહેવાલ

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાંશ્રી.નવીન બેન્કર

છબી સૌજન્ય::શ્રી જયંત પટેલ અને શ્રી પ્રશાંત મુન્શા

   

                                     ગઝલકાર ડો મહેશ રાવલ..

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક
, શનિવાર ને ૨૦મી મે ૨૦૧૭ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ ૬૦ જેટલા  સાહિત્યરસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી. વિજય શાહે સંભાળ્યું હતું.

નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની ૧૬ વર્ષની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો. ૧૨૦૦૦ પાનાના મહાગ્રંથનો પણ ઉલ્લેખ કર્યો. અને દેવિકાબેન ધ્રુવના  હાથમાં માઇક સોંપી દેતાં, શ્રી. મહેશ રાવલનો પરિચય આપવા કહ્યું.

દેવિકાબેન ધ્રુવે શ્રી. મહેશ રાવલનો પરિચય આપતાં કહ્યું કે શ્રી. રાવલ સાહેબ,વ્યવસાયે ફેમીલી ફીઝીશિયન છે અને કેલિફોનિયાના ફ્રીમોન્ટમાં રહે છે. તેઓશ્રી. ચાર દાયકાથી ગઝલો લખે છે. મૂળ સુરેન્દ્રનગરના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ. શિસ્ત ના આગ્રહી. ખોટું કરવું નહીં અને સહેવું પણ નહીં,એવા સંસ્કારોથી બધ્ધ. અમૃત ઘાયલને પોતાના ગુરૂ માને છે. કૈલાસ પંડીતની ગઝલોમાંથી પ્રેરણા લઈને લખતા થયા.વિકસતા, વિસ્તરતા અને નિખરતા ગયા. તેમના ચાર ગઝલ સંગ્રહો– ‘તુષાર’ (૧૯૭૮), ‘અભિવ્યક્તિ’ (૧૯૯૫), ‘નવેસર’ ( ૨૦૧૫),  અનેખરેખર’.એક ઓડીયો સીડી –‘ શબ્દસર’ . શ્રી. મનહર ઉધાસના બબ્બે આલ્બમોમાં એમની ગઝલોને સ્થાન મળ્યું છે. રજૂઆતની આગવી શૈલી, રદીફકાફિયાનું નાવિન્ય એ તેમની ઓળખ છે. શુધ્ધ છંદની ગૂંથણી. સીધી સાદી તળપદી અને બોલચાલની ભાષા છતાં ધારદાર, ચોટદાર શબ્દોથી બનેલા શેરો માટે શ્રી. રાવલસાહેબ જાણીતા છે. અમદાવાદરાજકોટના દૂરદર્શન પર કાવ્યપઠન ઉપરાંત મુશાયરાના સંચાલન પણ તેમણે કરેલા છે. કેલિફોર્નિયામાં તેમના સર્જન માટે સન્માન પણ કરવામાં આવ્યું.

દેવિકાબેન ધ્રુવે એમના વક્તવ્યના અંતમાં શ્રી. મહેશ રાવલ માટે લખેલી પોતાની ચાર પંક્તિઓ કહી હતી

ગઝલનો બાગ મહેકાવી સભામાં આજ આવ્યા છે

મજલ કાપીને મન માપી સભામાં આજ આવ્યા છે.

ખબર ના હો જો તમને તો કહી દઉં, વાત છાની એ,.

કે  કિસ્સા લાગણીના લઈ સભામાં આજ આવ્યા છે.

ત્યારબાદ, હ્યુસ્ટનના ઘણાં બધાં સર્જકોને ગુજરાતી ફોન્ટ્સ આપીને લખતા કરનાર અને એમેઝોન પર પ્રતિષ્ઠા અપાવનાર શ્રી. વિજય શાહે કાર્યક્રમનો દૌર સંભાળ્યો. સૌ પ્રથમ ગુજરાતી નાટ્યકલા વૃંદના પ્રેસિડેન્ટ અને નાટ્યકાર શ્રી. અશોક પટેલને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું.

આટલી તાઝગી ના હોય કદી સવારમાં

એ નક્કી મારા સ્વપ્નમાં આવ્યા હશે. “—

થી શરૂ કરીને  શ્રી. બિપીન પટેલનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું.

શૈલાબેન મુન્શાએ કોઇ પાછુ વળી જાયશિર્ષક નીચી એક સુંદર કાવ્ય સંભળાવ્યું.

ખોલું કમાડ હૈયાના, ને કોઇ પાછુ ફરી જાય.

આવીને ઉંબરે દિલના ને કોઇ પાછું ફરી જાય

ચાલતા રસ્તે મળે કદી અણજાણ મુસાફર,

નજરૂં મળે ના મળે, દિલની વાત કળી જાય…”

 દેવિકાબેન ધ્રુવે પોતાની કૃતિ રજૂ કરી– ‘ तो बात बन जाये.’

નજર તારી મળે પળભર અગર, तो बात बन जाये.

નયન સમજે બધું હરદમ અગર तो बात बन जाये.

હજારો કંસ, કાળીનાગ ને  કૌરવ  કરોડો છે,

ફરી કર ધર્મને પગભર અગર, तो बात बन जाये.

 હ્યુસ્ટનના ૯૬ વર્ષની વયના કવિ શ્રી. ધીરૂભાઇ શાહે વર્ષો પહેલાં કવિઓની અને ગઝલકારોની શું સ્થિતિ હતી અને અમદાવાદના રસ્તાઓ કેવાં હતાં એને લગતી રચના રજૂ કરી. હ્યુસ્ટનના કવિ, ગઝલકાર, નાટ્યઅભિનેતા અને ગાયક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ‘મનુજ હ્યુસ્તોનવીને નામે લખતા કવિ શ્રી. મનોજ મહેતાએ પોતાની ગઝલ કુતૂહલ રજૂ કરી.

પાપ અહિંયા કર્યે જાય છે એટલા, જાય નહાવા પછીથી બનારસ હવે.

ધડકનો શ્વાસનો એક્તારો બની, જીવન સંગીતનો ઘુંટશે રસ હવે.

સત્યને, શીવને, સુંદરમને ભજતાં, જીવ, તું શીવ થઈ અનંતે વસ હવે.

રાખ આકાર, નિતનવા સ્વાંગમાં ભલે, જાણું છું, તું નિરાકાર છે બસ હવે.”

સંસ્થાના ટ્રેઝરર એવા શ્રી. મનસુખ વાઘેલાએ ગદ્યસર્જનમાં ચાર દ્રષ્યોની વાત કહી.

બીજા સર્જકોપ્રવિણાબેન કડકિયા, નીરાબેન, વિનોદ પટેલ અને નુરૂદ્દીન દરેડીઆએ પણ હ્રદયંગમ રચનાઓ રજૂ કરી હતી.

સાડા પાંચ વાગ્યે, વિરામમાં બધાંને ચાહ, બિસ્કીટ અને જ્યુસનો અલ્પાહાર આપ્યા પછી કાર્યક્રમનો દૌર, આજના આમંત્રિત ગઝલકાર  ડોક્ટર શ્રી. મહેશ રાવલે સંભાળતાં કહ્યું કેહું તો પરંપરાનો માણસ છું. ઘાયલ અને મરીઝ ની સ્ટાઇલનો..

એ શોખ છે, આજીવિકાની લાચારી નથી.

મારી ગઝલ કંઈ કોઇની ઓશિયાળી નથી.”

જાહોજલાલી છે નિજાનંદી ખુમારની,

કંઈ જીહજૂરીની ઉઘાડી નાદારી નથી. 

એક દબંગ સ્ટાલની ગઝલ પણ શ્રોતાઓને ખૂબ ગમી હતી. 

વિકસવું છે તો વિકસવાનું વટથી.

વરસવું છે તો વરસવાનું વટથી.

નિજાનંદે લખવું તો લખવું વટથી

મહેશત્વ નહીં છોડવાનું મહેશ,

જીવ્યા એવી રીતે મરવાનું વટથી.”

બહુ ગમેલી અને પ્રેક્ષકો એ વારંવાર તાળીઓથી વધાવેલી તેમની કેટલીક કૃતિઓ

-“નિઃશબ્દતા અને શબ્દ વચ્ચે લાગણી મુકી દ્યો,
લાગણી પણ શાંત નહીં, બેબાકળી મુકી જુઓ,”

– હું હવે મારી દશાની વાત પણ કરતો નથી.
કેમ છો? પૂછી જનારા ક્યાં મઝામાં હોય છે? 

-નમ્યું જો ક્યાંય મસ્તક, તો નમ્યું છે લાગણી ખાતર
ખપે ગરજાઉમાં, એવી ગરજ ક્યાં સાવ રાખી છે! 

-લખું છું એ ગમે છે, ને ગમે છે એ લખું છું હું
કરો જે અર્થ કરવો હોયે, છે એ લખું છું હું

પ્રલંબ લયમાં લખાયેલી એક ગઝલ જુઓ

– ધારણાથી પર થતાં બહુ વાર લાગે છે,
બુંદને સાગર થતાં બહુ વાર લાગે છે.

કંઇ બધાં સમજી શકે નહીં આંખની ભાષા,
એકલું સાક્ષર થતાં બહુ વાર લાગે છે.

જિન્દગીનો અર્થ હું એમ સમજ્યો કે,
પુષ્પથી અત્તર થતાં બહુ વાર લાગે છે.

અત્રે , શ્રી. રાવલે રજૂ કરેલી બધી કૃતિઓ રજૂ કરવી શક્ય નથી તેથી એટલું જ કહીશ કે પૂરા દોઢ કલાક સુધી શ્રી. મહેશ રાવલે કાઠિયાવાડી,મીઠ્ઠી અને તળપદી ભાષામાં એટલી બધી કૃતિઓ સંભળાવી કે શ્રોતાગણે ઘણી રજૂઆતો પર તાળીઓના ગડગડાટ અને ક્યારેક તો સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેમને વધાવી લીધા હતા. તેમની વેબ સાઇટ www.drmahesh.rawal.us

.કાર્યક્રમના અંતમાં આભારવિધિ અને ગ્રુપ ફોટા બાદ સૌ વિખરાયા હતા.

સૌના માનસપટ પર સંવેદનાની એક સચ્ચાઈનો રણકો પડઘાતો હતો.

 અસ્તુ.

નવીન બેંકર

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.