એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 10

દેવઆનંદ ને જવાબ-‘અહેસાસ કૈસે ના હો ?

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

દેવ આનંદ દાદાએ તેમની ૮૬મી વર્ષગાંઠને પ્રસંગે કહ્યું  હતું કે-

                                    ઉમ્ર બઢના તો એક દસ્તુર હૈ

                               અહેસાસ ન કરો તો બૂઢાપા કહાં હૈ ?

લેકિન , અહેસાસ કૈસે ના હો ?

ઘૂટને દુઃખને લગે,

પ્રોસ્ટેટ પીડા કરને લગે,

આંખેં કમજોર હો જાયેં,

દાંત ગીરને લગે,

ઔર થકાન મહેસુસ હોને લગે..

નવરાત્રિકે ડાંડીયા એવોઈડ કરના પડે,

ઔર ખૂબસુરત લડકીયાં દાદાકહને લગે

તો…બૂઢાપેકા અહેસાસ કૈસે ન હો ?

આપકો તો સબ મુંહ પર  દેવસાબ..દેવસા‘  કહતેં હૈ  ઇસલિયે આપકો યે અહેસાસ ન હો..લેકિન હમેં તો નવીનદાદા..નવીનદાદાકહતેં હૈ. હમ ઇસ અહેસાસકો કૈસે રોક સકતેં હૈં ?

નવીન બેન્કર

૬ ઓક્ટોબર ૨૦૧૧

દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે

દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે

અધ્યાત્મ અને અગમનિગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક સંસ્કૃશ્લોકો, સુભાષિતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નિષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો-એકટરો-ભોળા ધાર્મિક અંધશ્રધ્ધાળુઓને  આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને એમના મંદીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં-હાટડીઓમાં-ફોટા મૂકીને પૂજા-આરતી શરુ કરે,પછી પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠા કરે. અને પછી તો બસ…દાનપેટીઓમાં આવતા  ડોલરોની નોટો જ ગણવાની હોય તેમને. કોઇને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઇને સાંઈબાબાનો અવતાર…આવા તો ઘણા તૂત ચાલે છે હિન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના.

હમણાં એક નવુ તૂત જાણવામાં આવ્યું.

ઇન્ડીયામાં બે નંબરના ઢગલેઢગલા નાણાં ભેગા કરનાર બાબાઓ, પરદેશમાં સ્થાયી થયેલા કોઈ જાણીતા માણસને અનુયાયી બનાવી દે. તેમને પરદેશમાં મંદીર ઉભુ કરવા નાણાં પણ હવાલા મારફતે પહોંચાડે. પેલો બાજીગર એ બાબાને કોઇ પ્રભુનો અવતાર ઠઠાડી દઈને એના ફોટાઓ સાથે મંદીર ઉભુ કરી દે.આ બાબા ફલાણા દેવતા કે દેવીના અવતાર છે અને મનોકામના પૂર્ણ કરે છે. એવી વાતો ફેલાવે. સ્થાનિક છાપાઓમાં પૈસા ખર્ચીને અહેવાલો છપાવે, રેડીયોવાળાને પણ બોલાવે, પેમ્ફ્લેટો છપાવે અને ગ્રોસરી સ્ટોર્સ પર ચીપકાવે. આરતી-પૂજા તો ખરી જ. પ્રસાદ અને મહાપ્રસાદો પણ ખરા. સ્થાનિક હોટલોવાળા ભાવિકભક્તો આ બની બેઠેલા પ્રભુઓને, આશીર્વાદ મેળવવા, ભોગ માટે ફ્રી પ્રસાદમ પણ ધરે. લોકોને આકર્ષવા માટે ફ્રી મેડીટેશન, ફ્રી યોગાના ક્લાસો ચલાવે ( ઓફ કોર્સ સ્વૈચ્છીક દાન અચૂક સ્વીકાર્ય હોય જ ). અને…આપણી ભોળી, ધર્મભીરુ બહેનો ( ભાઇઓ નહીં ! ) કશું મફતમાં તો લે જ નહીં. એટલે દાનપેટીઓમાં દક્ષીણા મૂકે જ. બસ…નોટો છાપવાનું મશીન ચાલુ- ટેક્ષ ફ્રી. કોરપોરેશન બનાવ્યું હોય અને ટેક્ષ-ફ્રી સગવડ મળી હોય તો જેટલા ચેક કે ક્રેડીટ કાર્ડથી નાણા આવે એનો જ હિસાબ રાખવાનો અને ખર્ચા વધારે બતાવી દેવાના. રોકડેકા માલ હડપ કરનેકા.

પેપર પર તો આવા ગુરુની કોઇ આવક હોય નહીં એટલે અમેરિકન સરકારનું વેલફેર,SSI,મેડીકેર, મેડીકેઈડ, ફૂડ કૂપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લૂંગી-ઝભ્ભો પહેરીને ભક્તાણીઓને માથે હાથ મૂકીને આશીર્વાદો આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલા કેળાં,મેવા-મીઠાઇઓના પેકેટો આરોગવાના અને મંદીરના ખર્ચે જ એરકન્ડીશન,પંખાનો ઉપયોગ કરવાનો. આવેલા નાણાંમાંથી એર-ઇન્ડીયાની ટ્રીપો પણ મરાય. ખર્ચા ધર્મસ્થાપનાય ઉધારી દેવાય. હા ! તમારે તમારુ જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને મેડીકેર -મેડીકેઇડ માટે જ રાખવાનું. બાકી કોઇ પ્રભુકે દેવતાકે કંઇક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ નામ ચલણમાં મુકવાનું. કેસ-બેસ થાય કે ઉઠમણૂં કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા પ્રભુને શોધતા !!! આ  બાબતમાં આપણા દેશીઓને શીખવવાનું ન હોય. બિઝનેસકાર્ડ પર ડેની‘,’ કેલી‘, ‘માઇક‘, ‘રોબર્ટલખતા  ડાહ્યાભાઇ,કાંતાબેન,મણીલાલ અને રસિકલાલને આપણે રોજબરોજ મળતા જ હોઇએ છીએ ને !

ઇન્ડીયાથી આવતી વખતે કોમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્ક્રુતનું કામચલાઉ જ્ઞાન મેળવી ને આવવું જોઈએ. પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોના ઉદાહરણો, ટૂચકાઓ, સંસ્ક્રુતના શ્લોકો અને થોડી હાજરજવાબી બસ છે. પુષ્ટીમાર્ગીય વલ્લભકુળના બાળકો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો કે નાણાવટી ગુરુવર્ય જેવા ખરેખરા વિદ્વાનોથી દૂર રહેવું.તેઓની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી પડી જાય !!!!

આંખ અને કાન ખુલ્લા રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો.  મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય. એક જ જવાબ તમને મળશે કે-આ તો શ્રધ્ધાની વાત છે. તમને શ્રધ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને..એ તો પ્રભુની તમારા પર ક્રુપા થાય તો જ તમને શ્રધ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રેશનાલિસ્ટમાં ખપાવીને ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઇ ! મારી પર ગુરુજીની કૃપાદ્રષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ….

શ્રીરામ…શ્રીરામ…. સબકુછ સીખા હમને, ના સીખી હોંશીયારી….સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈ અનાડી……

 

 

ટ્રીયો-ઇન કોન્સર્ટ- સલિલ ભાડેકર,ડેક્ષટર અને સ્મિતા વસાવડા

January 7th, 2014 Posted in અહેવાલ

ટ્રીયો-ઇન-કોન્સર્ટ

( સલિલ ભાડેકર, ડેક્ષટર રઘુ આનંદ અને સ્મિતા વસાવડા)

 

, માર્ચ ૨૦૧૩ ને શનિવારની રાત…..

તમને ૨૦૦૦ની સાલના સારેગમપાનો વિજેતા પેલો હેન્ડસમ, છોકરો યાદ છે ? એ જ સોહામણો સલિલ ભાડેકર..આપણે એને ક્યારેક આશાભોસલે સાથે તો ક્યારેક ઉષા મંગેશકર, ખય્યામ જેવા સંગીતના દિગ્ગજો સાથે સંગત આપતા જોયો છે. મહમદ રફીના ગીતો એના અવાજમાં વધુ ફીટ થાય છે. મહમદ રફી ફેન્સ ક્લબમાં પણ એ એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે-૨૦૦૬માં.

આ ગાયક-સંગીતકાર હ્યુસ્ટનમાં સ્થાયી થવા આવ્યો છે.

હ્યુસ્ટનમાં, મારા સંગીતકાર-એક્ટર મિત્ર હેમંત ભાવસારના પિતાશ્રી.નગીનદાસ ઘેલાભાઇ ભાવસારની ૨૫મી પુણ્યતિથી નિમીત્તે, થોડાક અંગત મિત્રો,અને સાહિત્ય-સંગીતના પ્રેમીઓ સાથે એક સમુહમિલન હેમંતે પોતાના નિવાસસ્થાને યોજેલું. લગભગ ૬૦ જેટલા સંગીતરસિયાઓ આ મહેફિલ માણવા પધારેલા.હ્યુસ્ટનનું આ ક્લાસિકલ શ્રોતાવૃન્દ ગણાય.શરુઆતમાં મહેમાનોનું, ખાસ સૂરતથી મંગાવેલ પોંક અને વિવિધ સેવો અને ચીપ્સથી સ્વાગત કરવામાં આવેલું.

હ્યુસ્ટનમાં એક બીજો અદ્વિતિય કલાકાર છે- તબલાનવાઝ ડેક્ષટર રઘુ આનંદ. ગુજરાતી કે હિન્દી ભાષા લખી, વાંચી કે બોલી ન શકતો હોવા છતાં, ગમે તેવા ગાયક સાથે એ તબલા પર સંગત કરી શકે છે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેવાની એનામાં ક્ષમતા છે. ગીતના શબ્દોના અર્થ ન સમજવા છતાં, માત્ર એની ધૂનો સાથે એ તાલ મેળવી શકે છે.

 

અને…ત્રીજા ગાયિકાબહેન છે-સ્મિતાબેન વસાવડા. આ સોહામણી નાગર કન્યાના અદભુત અવાજ માટે તો હું, ઘણીવાર લખી ચૂક્યો છું એટલે એનું પુનરાવર્તન નહીં કરતાં રજૂ થયેલા કાર્યક્રમની વાત પર જ આવીએ.

અરુણ ભાવસારે આવકાર પ્રવચન કર્યા બાદ, ડેક્ષટર રઘુ આનંદે પોતાના નવ જેટલા  બાળ-કલાકાર શિષ્યો પાસે, તબલા પર રુપક તાલના ૭૦ પ્રકારોની રજૂઆત કરાવી. ૧૦-૧૨ વર્ષના આટલા બધા ટાબરિયાઓએ જે સ્ફુર્તીપુર્વક કુશળતાથી તબલાવાદન કર્યું એ જોઇને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. દરેક બાળકલાકારને  ટ્રોફી આપવામાં આવી હતી.

સ્મિતાબેને પોતાના સુમધુર કંઠે પ્રાર્થના ગાયા બાદ, કાર્યક્રમના હીરો સલિલ ભાડેકરે કાર્યક્રમનો દોર પોતાને હસ્તક લેતાં, સર્વપ્રથમ ફિલ્મ સરસ્વતિચંદ્રનું ગીત ચંદન સા બદન‘  ગાયું. આ ગીત આટલા વર્ષોમાં હજાર વાર સાંભળ્યું છે, પણ સલિલે જે રીતે ધીરે સે તેરા યે મુસ્કાનાશબ્દોને બહેલાવી, રમાડી અને પોતાની દ્રષ્ટી ફેંકવાની વિશિષ્ટ સ્ટાઇલમાં શબ્દોને ફેંક્યાકે શ્રોતાગણમાંની દરેક યુવતી જાણે એ પોતાને જ કહે છે એવો ભાવ અનુભવી રહી હશે એની મને ખાત્રી છે. સલિલના બુલંદ છતાં મુલાયમ અવાજ અને મધુર સ્વરલગાવથી સુંદર વાતાવરણ ખડું થતું હતું. હારમોનિયમ અને તબલાની જુગલબંદી શ્રોતાઓની તાળીઓની ખંડણી મેળવી લેતી હતી.

ત્યારપછી  ગઝલ રંજીશ હી સહી દિલ દુખાનેકે લિયે‘,   દિલ્હી-૬ ફિલ્મનું પ્રખ્યાત ગીત મૌલા મેરે મૌલા‘,  ચૂપકે ચૂપકે રાતદીન આંસુ બહાના યાદ હૈ‘,

ડાકા તો નહીં ડાલા થા, થોડીસી પી હૈ‘,  ‘ખ્વાજા મેરે ખ્વાજા‘, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી દીધી સલિલભાઇએ.

પછી દોર શરુ થયો કવ્વાલીઓનો. શ્રોતાઓની ફરમાઇશ પર, સલિલે આયા હૈ તેરે દર પે સવાલીવાળી  કવાલી ગાઇને ,શીરડીકે સાંઇબાબાને ય યાદ કરી લીધા. તો..પરદા હૈ, પરદા હૈ..બિલકુલ રિષીકપૂરની દિલફેંક અદામાં, ગુલાબ ફેંકવાની સ્ટાઇલમાં ગાઇને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. ફિલ્મ કોહિનૂરનું ક્લાસિકલ સોંગ મધુબનમેં રાધિકારજૂ કરીને પોતાની ઉત્તમ ગાયકીનો પરચો કરાવી દીધો. ઘણા ગાયકો આ બધા ગીતો ગાય છે. ઘણાં, કાગળિયા હાથમાં રાખીને વાંચી જાય છે, કેટલાક સીધ્ધેસિધુ ગીત ગાઇ જાય, પણ ગીતના શબ્દો પ્રમાણે ચહેરા પર ફેસિયલ એક્ષ્પ્રેશન અને અવાજમાં આરોહ-અવરોહ સાથે જ્યારે આવા ગીતો રજૂ થાય છે ત્યારે જ એની અસર શ્રોતાઓ પર પડે છે.  ઘણી વખત આવી સુંદર રજૂઆત થતી હોય ત્યારે, શ્રોતાઓના ચહેરા વાંચવાનીમને વધુ મઝા આવે છે.

 

સ્મિતાબેન વસાવડાએ આ કાર્યક્રમમાં, એમના જ શબ્દોમાં કહીએ તો, બારમા ખેલાડીની ભૂમિકા ભજવી હતી. એમણે ગાયેલું ગીત બડે અચ્છે લગતે હૈ..ઔર તુ..મવખતે શ્રોતાઓ પણ તુ..મ‘..શબ્દ પર સાથ પુરાવતા હતા. તુજમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું, જેવા ગીતો રજૂ કરીને સલિલભાઇને થોડોક વિરામ આપ્યો હતો.

સંગીતના કાર્યક્રમમાં, કોઇપણ પાસુ નબળુ ન ચાલી શકે.રાગશુધ્ધી, શ્રુતિયુક્ત સ્વરોની સમજ, તાલ,તાન, અને રાગને સજાવવો..એ બધું જ શ્રેષ્ઠ જોઇએ. સુજ્ઞ પ્રસ્તૂતિ માટે સમજદાર અને લયદાર તબલાવાદક ડેક્ષ્ટર રઘુ આનંદ પણ એટલો જ પ્રશંસાપાત્ર ગણાય. ડેક્ષ્ટરે તબલાવાદનની લાક્ષણિકતાઓ એટલી વિકસાવી છે કે શ્રોતાઓ એને બિરદાવતા થાકતા નથી. બે કલાક ચાલેલી આ પ્રસ્તૂતિ શ્રોતાઓ પર મન મૂકીને વરસી.સંગીતરસિયાઓ આ ઢંગદાર, જાનદાર અને વિસ્મીત કરતી પ્રસ્તૂતિને વારંવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા.

યજમાન હેમંત ભાવસાર પોતે પણ ખુબ સારા ગાયક અને સંગીતકાર છે. પણ આજના પ્રોગ્રામમાં પોતે ગાવાથી દૂર જ રહ્યા હતા. માત્ર મંજીરા લઈને સ્ટેજ પર તેમણે હાજરી જ પુરાવી હતી. સમગ્ર કાર્યક્રમનો દોર તેમણે સલિલને જ સોંપી દીધો હતો.

 

એક સુનિયોજીત પ્રસ્તૂતિનો આનંદ, સંગીતરસિયાઓએ મન ભરીને માણ્યો.

 

કર્ણપ્રિય સંગીત અને સૂરિલા કંઠના સથવારે રજનીગંધાની માદક સુવાસથી, સલિલભાઇ મહેફિલને મહેંકાવી ગયા.

કાર્યક્રમની સમાપ્તિમાં, ફિલ્મ હમદોનોંનું ગીત અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં‘  મારા મતે શ્રેષ્ઠ રજૂઆત હતી.  હું, આ ગીત સલિલના કંઠે વારંવાર સાંભળવું પસંદ કરું.

 

અંતે, સ્વાદીષ્ટ હુરતીરસોઇ ( ખાસ તો છેક હુરતથી ફેડૅક્ષમાં મંગાવેલા લાડુ )નું જમણ જમીને શ્રોતાઓ વિખરાયા ત્યારે ય , મારા કાનમાં તોઅભી ના જાઓ છોડકરગૂંજતું હતું.

બેસ્ટ લક સલિલ  એન્ડ  થેન્ક્સ હેમંત.

અહેવાલ- નવીન બેન્કર ( 713-955-6226 )

******************************************************************************************

નાટક ‘પપ્પા થયા પાગલ’ નો બીજો શો ભજવાયો

January 7th, 2014 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાંકલાકુંજનાઉપક્રમેનાટકપપ્પાથયાપાગલનો બીજો શો ભજવાયો

અહેવાલસૌજન્યશ્રી. નવીનબેન્કર

અમેરિકામાં, ટેક્સાસ સ્ટેટનું, હ્યુસ્ટન શહેર કલાપ્રેમી ગુજરાતીઓનું મહાનગર છે, છેક ૧૯૮૦થી શહેરમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા, એનું પ્રસારણ કરવા  ગીત, સંગીત,કવિસંમેલનો,સહિત સાહિત્યના અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુવ્યવસ્થિત અને સુંદર આયોજન અહીંની વિવિધ સંસ્થાઓ કરી રહી છે. સંસ્થાઓમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન, હ્યુસ્ટન નાટ્યકલા વૃંદ સદાય અગ્રણી રહ્યા છે. હવે એમાં એક નવું નામ ઉમેરાયું છે– ‘કલાકુંજ ‘.

કલાકુંજ૨૦૧૧માં અસ્તિત્વમાં આવી. સંસ્થાના સુત્રધાર એક પીઢ અને નીવડેલા કલાકાર શ્રી. મુકુંદભાઇ ગાંધી છે. એમણે પોતાના કુશળ આયોજક મિત્ર શ્રી. રસેશ દલાલના અને અન્ય કલાકાર મિત્રોના સહયોગથીકલાકુંજના નેજા હેઠળ  બે વર્ષ પહેલાં એક ત્રિઅંકી નાટકહું રીટાયર થયો’  ભજવ્યું અને એના ચાર ચાર શો સફળતાપુર્વક ભજવ્યા. હ્યુસ્ટનના ધુરંધર કલાકારો ઉમાબેન નગરશેઠ, હેમંત ભાવસાર, મનીષ  શાહ, અક્ષય શાહ, યોગિના પટેલ, અરવિંદ પટેલ (બાના ), પંક્તિ ગાલા, નુપુર શાહ,કુલદીપ બારોટ, લલિત શાહરક્ષાબેન પટેલ રસેશ દલાલ અને ખુદ શ્રી. મુકુંદ ગાંધી જેવા સક્ષમ કલાકારોએ નાટકની અસરકારક રજૂઆત કરી હતી.

માત્ર બે માસ પહેલાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન દ્વારાકલાકુંજના બીજા ફુલ લેન્થ પ્લેપપ્પા થયા પાગલની ભજવણી કરવામાં આવી હતી વખતના અભૂતપુર્વ પ્રતિસાદને કારણે ઘણાં નાટ્યપ્રેમીઓ નાટક જોવામાંથી વંચિત રહી ગયા હતા, એટલે લોકલાગણીને માન આપીને, ‘કલાકુંજેમાત્ર કલાપ્રેમી, નાટ્યરસિક , ગુજરાતી પ્રેક્ષકો માટે, વિનામૂલ્ય, આમંત્રિત શોનું આયોજન કરીને, શહેરના કલાસિક  અને કલારસિક પ્રેક્ષકો સમક્ષ હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરના  ૯૦૦ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા  નાટ્યગૃહમાં ૧૭મી ઓગસ્ટ ૨૦૧૩ને શનિવારની સલૂણી સંધ્યાએ બીજો શો રજૂ કર્યો હતો.

બરાબર આઠના ટકોરે, ‘કલાકુંજના યુવાન, ઉત્સાહી ,હેન્ડસમ પ્રેસિડેન્ટશ્રી. રસેશ દલાલે પ્રેક્ષકોનું, તેમની લાક્ષણીક રમૂજી શૈલિમાં સ્વાગત કર્યું હતુ. અને પછી ગુજરાતના ગૌરવ સમા, ‘નાસાના વૈજ્ઞાનિક અને કવિ શ્રી, કમલેશ લુલા તથા એક જૈફ કલાકાર અને  સાહિત્યસંગીતનાટક જેવી કળાઓના પ્રેમી એવા લક્ષ્મીબેન ઠક્કરને સ્ટેજ પર આમંત્રીને તેમના શુભ હસ્તે દીપપ્રાક્ટ્યની વિધી કરાવ્યા બાદ, જરા સમયનો વ્યય કર્યા વગર , નાટક શરુ કરાવ્યું હતું.

  ફુલ લેન્થ પ્લે એક હળવું પ્રહસન છે. કુલ આઠ મુખ્ય પાત્રો અને બે ગૌણ પાત્રોમાં,મુખ્ય પાત્ર સિતાંશુરાય નામના એક સિનીયર સીટીઝન  છે. તેમના બે દીકરાઓએક જુવાન રુપાળો પરિણીત છે અને બીજો જાડીયો કુંવારો છે. એક દીકરી પરિણીત છે.પણ સાસુને સહન નહીં કરી શકવાને કારણે પિયર આવેલી છે.જમાઇ તોતડો છે. ઘરકામ કરવા ટેવાયેલી ઉધ્ધત મિજાજી, સુંદર મોડર્ન પુત્રવધુ  છે. એક રસોઇ કરવા  આવેલી પ્રૌઢ વયની રહસ્યમય રુપાળી, નખરાળી સ્ત્રી છે. જેમણે ભાંગવાડીના જૂના નાટકો માણ્યા છે એવા સાઇઠ વટાવી ગયેલા પ્રેક્ષકોને યાદગાર જૂના નાટ્યગીતોની પંક્તિઓ અને રાણી પ્રેમલતાની મારકણી સ્ટાઇલો મારતી રસોઇયણના પાત્રમાં ભરપુર મનોરંજન મળી રહે છે. નાટકમાં રમૂજ છે, રહસ્ય છેસંતાનોના પેંતરા..સ્મૃતિભ્રમ થૈ ગયેલા વડીલનો સ્વાંગ..વડીલની પ્રેમકહાણી..તોતડા જમાઇના હાસ્યપ્રેરક સંવાદો..ક્યાંક ગીત, સંગીત અને ફિલ્મી ધૂનો પર ઠૂમકા..પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડે છે.રજૂઆતમાં ફાસ્ટ ટેમ્પો અને ઝડપ છે નાટકમાં.પ્રસંગોની ગુંથણી ને ગોટાળા ને ગેરસમજ સર્જતા બનાવો છે..હ્ર્દયસ્પર્શી સંવેદના અને રહસ્યની છાંટ ધરાવતું નાટક એક સામાજિક સંદેશ આપતું જોવાલાયક, કૌટુંબીક પ્રહસન છે,

નાટકના કલાકારો હતામુકુંદ ગાંધી, અક્ષય શાહ, રસેશ દલાલ,શાંતિલાલ ગાલા, ગિરીશ નાયક,યોગિના પટેલ, રિધ્ધી દેસાઇ, ઉલ્કા અમીન, સંજય શાહ,  અને શ્રી.કેવલ ગાલા.

હ્યુસ્ટનના ખ્યાતનામ શહેરીજનો, સંસ્થાઓના આગેવાનો,પ્રતિનિધીઓ, મંદીરોના વહીવટકર્તાઓ નાટકને માણીને, શ્રી. મુકુંદ ગાંધીને  અને અન્ય કળાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું. ક્યાં સુધી હોલ, તાળીઓના ગડગડાટથી ગૂંજી રહ્યો હતો.

નાટક્ની સાઉન્ડ સીસ્ટમ શ્રી. અમીત પાઠકે, રંગમંચ વ્યવસ્થા  શ્રી.વિનય અને દક્ષા વોરાએ, પ્રકાશ આયોજન શ્રી. લલિત શાહે, સામગ્રી વ્યવસ્થા શ્રી. સુરેશ બક્ષીએ, પાર્શ્વસંગીત ગીતાબેન ગાલાએ, રંગમંચ વ્યવસ્થા શ્રી. સંજય શાહે, રંગભુષા ( મેક અપ ) યોગિના પટેલે, સભાગૃહ વ્યવસ્થા ઉમાબેન  નગરશેઠે સંભાળ્યા હતા. વિડીયો અને ફોટોગ્રાફી માટે અનુક્રમે શ્રી. અતુલ કોઠારી અને શ્રી.કેવલ ગાલાએ સાથ આપ્યો હતો.

કલાકુંજના ફાઉન્ડર પ્રેસિડેન્ટપદે શ્રી.મુકુંદ ગાંધી, પ્રેસિડેન્ટ પદે શ્રી. રસેશ દલાલ, વાઇસપ્રેસિડેન્ટપદે શ્રીમતી ઉમા નગરશેઠ, જનરલ સેક્રેટરી તરીકે યોગિના પટેલ, ખજાનચી તરીકે શ્રી. વિનય વોરા અને એડવાઇઝરી બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે શ્રી. ગોપાલ સવજાની તથા શ્રી. હરેન મથુરિઆ કાર્યશીલ છે. ‘કલાકુંજભવિષ્યમાં પરફોર્મીંગ આર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય કળાસંસ્કૃતિ જેવી કે શેરીગરબા, ગરબી, ભવાઇ, એકપાત્રીય અભિનયરાજ્ય કક્ષાએ એકાંકિ નાટ્યસ્પર્ધાઓ અને નાટ્યમહોત્સવો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા માટે આયોજન કરી રહી છે.

આપના પ્રતિભાવો આપવા માટે આપ કલાકુંજના મેઇલ kalakunj.usa@gmail.com પર  અથવા  સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. રસેશ દલાલના મેઇલ એડ્રેસ  rasdep@gmail.com  પર પણ સંપર્ક સાધી શકો છો.

પપ્પા જેવડો પિયુ હોય ત્યારે- નીરજા દેસાઈ

નીરજા દેસાઈ

“ચાલ ને સુજય, સરસ મજાનો વરસાદ છે, લોંગ ડ્રાઈવ પર જઈએ. ગરમાગરમ ભજિયાં ખાશું, મસાલેદાર ચાય પીશું અને દેશી મકાઈ ખાવાની તો મઝા જ કેવી અનેરી!

“ઓહો! થાકીને ઠુસ થઈ ગયો છું, સુમિ. સખત કંટાળો આવે છે, એમાંય આ વાદળિયા વાતાવરણમાં તો એમ થાય છે કે જમીને તરત ઊંઘી જાઉં

સ્ત્રી-પુરુષ વચ્ચેનો આ સંવાદ તમે ઘણી વાર સાંભળ્યો હશે પરંતુ, વાત જ્યારે ઉંમરની હોય તો ત્યારે સંવાદનો આ તફાવત આંખે ઊડીને વળગે છે. સ્ત્રી નાની વયની હોય અને પુરુષ એના કરતાં પંદર-વીસ વર્ષ મોટો હોય ત્યારે જો બન્ને વચ્ચે પૂરતી સમજણ અને પરિપક્વતા ન હોય તો સંબંધ મેચ્યોરિટીના અભાવે નાશ પામે છે.

દુનિયાની દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેમના સંબંધોનું આયુષ્ય લાં…બું….હોય! સુદીર્ઘ અને સરળ હોય, સંબંધોમાં પ્રેમ જળવાયેલો રહે, વિશ્ર્વાસ બરકરાર હોય, એકબીજાની દરેક ઈચ્છાઓ-મનોકામનાઓ પરિપૂર્ણ થાય. પરંતુ, તમને ખબર છે, સંબંધોનું દીર્ઘ આયુષ્ય ઘણી બધી બાબતો ઉપર નિર્ભર છે. જેમકે, એકબીજા પ્રત્યે કેટલું સામંજસ્ય છે, બન્નેના વિચારો કેટલા સરખા છે, તેમનામાં કેટલી પરિપક્વતા છે. પરંતુ, આ બધાથી એક મોટું પરિબળ ઉંમર પણ છે, જે સંબંધો પર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે.

ના ઉમ્ર કી સીમા હો, ના જનમ કા હો બંધન…એવું ગવાતું ભલે હોય પરંતુ સહજીવન ગાળવા ઈચ્છતી બે વ્યક્તિઓ વચ્ચે ઉંમર એક મહત્વનું પરિબળ છે. હમઉમ્ર વ્યક્તિઓ વચ્ચે માનસિક-શારીરિક શક્તિઓ અને સમાનતા ઘણી હોવાથી સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ વચ્ચે મહત્તમ પાંચ-સાત વર્ષનો ડિફરન્સ હોય ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો. પરંતુ, તમારા પાર્ટનરની વય તમારા કરતાં ઘણી મોટી હોય તો સહજીવન ગાળવું મુશ્કેલ બની જાય છે. હવે, પ્રશ્ર્ન એ છે કે શું તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઉંમરનું અંતર કેટલું છે? જો અંતર વધારે હોય તો એ અંતર સંબંધો પર શું અસર જન્માવે છે? આપણે એવા ઘણાં કપલ્સ જોઈએ છીએ જેમનામાં ઉંમરનું અંતર ઘણું મોટું હોય છે. દેખીતી રીતે એ જોડું આપણને કજોડું જ લાગે પરંતુ ખરેખર એ બન્ને વચ્ચે મનમેળ છે કે મતભેદ? ઉંમરનું અંતર વધુ હોય તો તેઓને શી સમસ્યા નડે છે, નથી નડતી, શું ખરેખર તેઓ કજોડાં જ હોય છે? આવા અનેક સવાલોના જવાબ મેળવવાની અહીં કોશિશ કરીએ.

સંબંધોમાં સૌથી અગત્યની બાબત છે માનસિક પરિપક્વતા. ઉંમર કરતાંય તમારી વિચાર પદ્ધતિ અને માનસિક પરિપક્વતા વધુ અગત્યના છે. કેટલાંક અપવાદરૂપ કપલ્સમાં વયમાં વધુ અંતર હોવા છતાં અનેક સ્તરે સમાનતા જોવા મળે છે. બેમાંના એક પાર્ટનરે શરણાગતિ સ્વીકારી લીધી હોય તો વિખવાદો થવાની સંભાવના મટી જાય છે. પરંતુ, બન્ને સરખા ઈગોઈસ્ટિક, બન્ને શોર્ટ ટેમ્પર્ડ અથવા બન્ને બહુ મહત્વાકાંક્ષી હોય તો ઉંમરનો તફાવત સપાટી પર આવીને જિંદગીમાં ઝંઝાવાત લાવે છે. દંપતિ અથવા પ્રેમીઓ વચ્ચે વયનું વધુ અંતર હોય તો સમસ્યા સર્જાવાની શક્યતા વધુ રહે છે.

આમ થવાનાં કારણો શું છે?

– બન્નેની વિચારસરણીમાં મોટો ફરક હોય છે.

– વિચારસરણીમાં ફરકને કારણે પસંદ-નાપસંદમાં મોટો ભેદ જોવા મળે છે.

– બન્નેની ખાણી-પીણી અને લાઈફ સ્ટાઈલ પણ અલગ જોવા મળે છે. સ્ત્રી ઉંમરમાં વધુ નાની હોય તો એને ચટાકેદાર ખાણી-પીણીમાં રસ પડે, જ્યારે ભાઈ ખાખરા અને મગથી પ્રસન્ન રહેવાનું પસંદ કરતા હોય. સ્ત્રીને શોપિંગ, હરવા-ફરવામાં રસ હોય અને પુરુષ ફૂરસદનો સમય આરામમાં ગાળવાનું પસંદ કરતો હોય. સ્ત્રીને નાની વયને કારણે દોસ્તો-મિત્રો સાથે રખડવામાં અને મહાલવામાં રસ પડે જ્યારે પુરુષની પસંદગીનાં ક્ષેત્ર અલગ હોય. પુરુષ નાનો અને સ્ત્રી મોટી હોય તોય સમસ્યા સર્જાય. એકને પાર્ટી, સોશિયલ ગેધરિંગમાં રસ હોય તો બીજાને નિતાંત શાંતિ જોઈતી હોય. એકને હોટલનું ભાણું પસંદ હોય છે તો બીજું પાત્ર ઘરનું ભોજન પસંદ કરતું હોય છે. એકને લાઉડ મ્યુઝિક પસંદ હોય છે તો બીજાને ક્લાસિકલ કે અન્ય શાંત પ્રકારનું સંગીત જોઈતું હોય છે. જાહેર સ્થાનો પર લોકો વિચિત્ર નજરે જોઈને એ કપલને પણ અહેસાસ કરાવતા હોય છે કે ક્યાંક તેમણે કંઈક ભૂલ તો નથી કરી!

આવી નાની નાની પરંતુ અગત્યની બાબતો આગળ જતાં યુગલ વચ્ચે મોટું અંતર સર્જે છે. જ્યારે આ નાની નાની વાતો સંબંધ પર અસર પહોંચાડવા લાગે ત્યારે મોડું થઈ ગયું હોય છે. ધીમે ધીમે પુરુષને ખબર પડવા માંડે છે કે તમારી વયનું અંતર એમની ખુશીઓ કે જોઈતી અનિવાર્ય સ્પેસની આડે આવી રહ્યું છે.

આ સિવાય પણ કેટલીક બાબતો છે જે સંબંધોને પ્રભાવિત કરે છે.

ઈમોશનલ મેચ્યોરિટી: ભલે જોવામાં ઉંમરનું અંતર બહુ વધારે મોટું ન દેખાતું હોય, પણ આ અંતર ઈમોશનલ મેચ્યોરિટી પર ગંભીર અસર કરતું હોય છે. યુવાન વયનો પાર્ટનર વધુ ઉત્સાહી અને અધીરો કે અધીરી હોય છે, જ્યારે મોટી વયનો પાર્ટનર શાંત અને ગંભીર હોય છે. આ તફાવતને કારણે તમારી રોમેન્ટિક લાઈફ પર ઊંડી અસર પડે છે.

અસલામતીની ભાવના: સાથી મોટી વયનો હોય અને પોતાના નાની વયના સાથીને તેના હમઉમ્ર મિત્ર સાથે હસી-મજાક અને વાતચીત કરતા જુએ તો પોતાની મોટી ઉંમર વિશે અસુરક્ષિતતા પેદા થાય છે. તેને એવું લાગે છે કે પોતાની વધતી ઉંમરને કારણે સાથી એને ત્યજી તો નહીં દેને?

ફેમિલી પ્લાનિંગ: આ એક એવું પરિબળ છે જ્યાં વયનું અંતર ખાસ્સી મોટી અસર સર્જે છે. વધતી જતી ઉંમરને કારણે એક પાર્ટનર એવું ઈચ્છશે કે કુટુંબનું વિસ્તરણ જલદીથી થાય જ્યારે બીજું પાત્ર એમ વિચારશે કે લગ્નના આરંભનો સમય એન્જોય કરવામાં વિતાવવામાં આવે અને એ પછી જ ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ.

ગ્રોઈંગ ઓલ્ડ ટુગેધર: વર્તમાન તબક્કે તમારી વય ૩૫ની હોય અને પાર્ટનર ૫૦નો હોય તો કદાચ તમને આ ક્ષણે કોઈ સમસ્યા ન નડે પરંતુ, થોડાં જ વર્ષોમાં પાર્ટનરની વય નિવૃત્તિ સુધી પહોંચવામાં આવી હોય ત્યારે તમે તો યુવાનીમાં જ હો. આવા તબક્કે સાથે વૃદ્ધ થવાની લાગણી તમે મિસ કરી શકો છો. હસતાં-રમતાં, લડતાં-ઝગડતાં, વ્હાલ વરસાવતાં અને વાંકું પાડતાં સાથે સાથે મોટા થવાની લાગણી, સમજણની મજા કંઈક જુદી જ હોય છે. ઉંમરનું મોટું અંતર હોય તો સ્વાભાવિકપણે મંોટી વ્યક્તિ મા કે બાપની ભૂમિકામાં અનાયાસે આવી જાય છે. આમાં કમ્પેનિયનશિપ ક્યાં આવે?

બાળકો પર અસર : પોતાના મા-બાપમાંથી એક વૃદ્ધ દેખાતું હોય અને બીજું યુવાન તો બાળકો પણ ક્યારેક શરમ અનુભવે છે.

લોકોની પ્રશ્ર્નસૂચક નજર: તમારા પાર્ટનર અને તમારા પિતાની ઉંમરમાં બહુ ફરક ન લાગતો હોય તો લોકો પણ પ્રશ્ર્નસૂચક નજરે જુએ અથવા સવાલ કરે છે. એ વખતે તમારા કરતાં તમારા સાથીના મન પર વધુ અસર થાય છે. આ અસર સંબંઘો પર પણ ઘેરી અસર છોડે છે.

આવા સંબંધોની બીજી એક બાજુ જરૂરી નથી કે ઉંમરનું અંતર જ સંબંધ પર વિપરીત અસર છોડે છે.

ઉપર જે હકીકતો વર્ણવી એ સમાન ઉંમરના લોકોમાં પણ સંભવી શકે છે. આમેય દરેકની પસંદ જુદી જુદી હોય છે. એવું નથી કે ઉંમરનું અંતર જ આ ફરક પેદા કરે છે. દરેક વ્યક્તિ જુદા વાતાવરણમાં ઊછરી હોય છે. ઉંમર સાથે આ એક પણ મહત્વનું પરિબળ છે. તમારો ઉછેર કેવો થયો છે એના પર પણ સંબંધોના આયુષ્યનો મદાર રહેલો છે. તમે કેટલા એડજસ્ટ થઈ શકશો, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રિફ્લેક્ટ કરશો, કઈ વાતને કેવી રીતે હેન્ડલ કરશો એ બધું તમારા ઉછેર પર આધાર રાખે છે.

ક્યારેક એવું પણ બને કે મોટી ઉંમરનું પાત્ર વધુ મોડર્ન અને ઉદારવાદી, ખુલ્લી વિચારસરણી ધરાવતું હોય જ્યારે નાની ઉંમરનું પાત્ર સંકુચિત હોય ત્યારે પણ સમસ્યા સર્જાઈ શકે. આવા સંજોગોમાં તમે એકબીજાનાં સૂચન અને માર્ગદર્શન લઈ શકો છો.

 

 

ટૂંકમાં, સંબંધ ટકાવવા માટે ઉંમર સાથે બીજી કેટલીય બાબતો અગત્યની છે જેમ કે પરસ્પર તાલમેળ, સન્માન, આદર, પ્રેમ અને વિશ્ર્વાસ. સૌથી મોટી વાત એ છે કે જ્યાં પ્રેમ અનેસન્માન હોય ત્યાં બીજી કોઈક બાબત આડે આવે નહીં.સમજ્યાને?

__._,_.___

.

 

 

રતિલાલ બોરીસાગરની હાસ્ય-રચના

January 7th, 2014 Posted in સંકલન્

નિત નવા વરસે ચાલો ને હસીએ…

રતિલાલ બોરીસાગર ( હાસ્યકવિની રચના )

નિત નવા વરસેનિત નવા દિવસે
હૈયું ભરીને ચાલો ને હસીએ!
રેસના ઘોડાની માફક દોડતી આ દુનિયા
નિરાંતનું નામ નહીંટેન્શનનો પાર નહીં!
હાઇ બી.પી.ની ગોળીઓ ને લો બી.પી.ની ગોળીઓ
ઊંઘવાની ગોળીઓ ને જાગવાનીયે ગોળીઓ,
ભૂખની ગોળીઓ ને પાચનનીયે ગોળીઓ,
વાળની ગોળીઓ ને ટાલનીયે ગોળીઓ,
રોજ રોજ દાકતરની ભરી દેવી ઝોળીઓ!
દિવેલિયું ડાચું લઇ શીદ ફરવું?
દાંત આપ્યા છે એણે આપ્યું છે હસવું!
નિત નવા વરસેનિત નવા દિવસે,
ઢગલો થઇ જઇને ચાલો ને હસીએ!

– રતિલાલ બોરીસાગર

નિખાલસતા

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

નિખાલસતા–  ક્યાં અને ક્યારે ?

નબળાઇ તો માણસમાત્રમાં હોય છે. મોટાભાગના માણસો પોતાની નબળાઇઓને છુપાવતા  હોય  છે.

કેટલાક નિખાલસ અને ખુલ્લા દિલના માનવીઓ પોતાની ભૂલો કે નબળાઇઓનો જાહેરમાં એકરાર કરતાં ક્ષોભ નથી અનુભવતા હોતા. પરંતું મોટાભાગનો જનસમુહ એવા માનવીઓની નિખાલસતાનેમુર્ખતાકેશેખીતરીકે ગણતા હોય છે. અનેએવા નિખાલસ માનવીઓની પીઠ પાછળ તેમની હાંસી ઉડાવતા હોય છે. તેના પોતાના અંગત મિત્રો તેની નબળાઇઓની જાહેરાત કરી કરીને તેને બદનામ કરતા હોય છે.

એટલેડાહ્યા માણસે દરેક જગ્યાએ નિખાલસ થઈને બહુ બક બક કરવું જોઇએ.

બધાંને બધી વાત કહેવાની જરુર નથી. ક્યાં બોલવું અને કેટલું બોલવું વાત જે લોકો સમજતા નથી લોકોએ ક્યારેક અપમાનિત થવાનો વારો આવે છે.

ફૂલોંસે તો ખાર અચ્છે, જો દામન થામ લેતેં હય…… ( ‘ખારએટલે કાંટા )

( મને ખબર છે, વાંચીને તમે કહેશો-‘ ગાંડા, હવે સમજ્યો?’ તોહવે બહુ બકબક ના કરતો.)

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર૧૩ જૂન ૨૦૧૩

એક નિખાલસ કબુલાત

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

નિખાલસ કબુલાત

મતદાનને પાત્ર થાય તેવું કશું જ મેં લખ્યું હોય એવું હું, મારા બ્લોગ માટે માનતો જ નથી.બ્લોગ લખવાની હજુ  તો  શરુઆત જ થઈ છે.  છુટાછવાયા બે-પાંચ અહેવાલો બ્લોગ પર મુક્યા એટલે  ‘બ્લોગ વાંચનક્ષમ થઈ ગયો ?    ના..એ તો આત્મવંચના છે.

 નિખાલસપણે કહું તો,   કોઇના બ્લોગ પર જઈને સર્ફિંગ કરવાની અને આખી દુનિયાનું જ્ઞાન મારા મગજમાં ભરી દેવાની મને આદત નથી.  કોઇ કહે કે મેં આજે મારા બ્લોગ પર આ મુક્યું છે અને જો એ મરા ટેસ્ટનું હોય તો જરા નજર નાંખી લઉં  અને સામાને સારુ લગાડવા માટે અભિપ્રાયના  બે શબ્દો  લખી નાખું.

 સળંગ નવલકથા કે ભારેખમ વિચારો દર્શાવતા લેખો, સ્વાધ્યાયની વાતો,    જીવનોપયોગી સુફિયાણી સલાહો, રાજકિય બાબતો, ને એવું બધું હું બ્લોગ પર કે ઇ-મેઈલમાં પણ વાંચતો નથી.

મને લાઈટ જોક્સ, કાર્ટૂનો, નોન-વેજ જોક્સ, અમ્રુત ઘાયલ, જલન માતરી, જેવા ગઝલકારોની રચનાઓ  ગમે છે. સ્વ. પ્રિયકાંત પરીખ‘,’ કાજલ ઓઝા-વૈદ્યજેવાંની નવલકથાઓ બિસ્તરમાં સુતાં સુતાં નાઈટલેમ્પના અજવાળામાં   અથવા કોઇ બાંકડા પર બેસીને વાંચવી ગમે. મારા નાનકડા, બે બેડરુમના ઘરમાં મેં ઘણા પુસ્તકો, મેગેઝીનો, ચોપાનિયા,છુટ્ટા લેખો, સાચવ્યા છે. ( જેને કારણે ઘણીવાર મારે મારી પ્રિય પત્ની સાથે ચણભણ પણ થઈ જાય છે.)

 કોઇ ફરમાઈશથી કે કોઇ વર્તમાનપત્રની અઠવાડીક કોલમ હું લખી ના શકું.ક્યારેક મારા મનમાં કોઇ વિષય પરત્વે સંવેદન જાગી જાય ત્યારે એકીબેઠકે સળંગ લખાઈ જાય. હા ! ભુતકાળમાં , જ્યારે હું જવાન હતો ત્યારે, નાણાકિય જરુરિયાતોને કારણે મેં  પૈસાની ખાતર,એવી ફરમાઈશો પર પાનાં ચીતરી આપ્યા હતા.પણ એમાં મારો પ્રાણ ન હતો.એ માત્ર શબ્દોની રમત જ હતી અને મારી મજબુરી હતી. આજે ય મેં એ ગળચટ્ટા ચોપાનિયા સાચવી રાખ્યા છે. એનું સાહિત્યિક મુલ્ય ભલે કશું ના હોય પણ એ મનોરંજન તો કરાવે જ છે.

 નજીકના ભવિષ્યમાં, મારે મારી આત્મકથા પ્રથમ પુરુષ એકવચનમાં, કાલ્પનિક વાર્તા તરીકે લખવી છે.મને લાગે છે કે મારા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે જેની ,મને નજીકથી ઓળખનારાઓને સુદ્ધાં કલ્પના ન આવે. આત્મકથા તરીકે તો સત્ય જ લખવું પડે અને મારામાં એવી નૈતિક હિંમત નથી. એ સારું પણ ના લાગે. આપણે  ગોંધીબાપુ  થોડા છીએ ?

શ્રીરામ…શ્રીરામ…શ્રીરામ…

 

ટાગોરની કૃતિ, પુ.લ. દેશપાંડેનું રુપાંતર અને અરુણાબેન જાડેજાનું ભાષાંતર

January 7th, 2014 Posted in સંકલન્

નાટ્યશેષ      

 

(કવિવર ટાગોર ની એક વિખ્યાત કૃતિ, 

તેનું મરાઠી રૂપાંતરનાં કર્તા શ્રી પુ. લ. દેશપાંડે અને 

ગુજરાતી ભાષાંતર શ્રી અરુણાબેન જાડેજા એ કર્યું.) 

દૂરદૂરના ભૂતકાળના ચહેરા તરફ જોયું 

જુદી જુદી ‘કંપની’ઓના  ફરતા જોયા નટ

ઓળખું હું એ બધાને 

સાંભરે બધાંના નામ 

અને પશ્ચિમનાં સાંધ્ય પ્રકાશમાં જાણું એમના પડછાયા 

નેપથ્યલોકમાંથી નટરૂપે વેશ ધરીને આવેછે 

જીવન નાં એ અંતહીન નાટ્યમાં.

દિવસો પછી દિવસો ને રાત્રી પછી રાત્રી ગઈ એમની 

પોતપોતાની પંક્તિઓ બોલવામાં ને પોતપોતાની ભૂમિકાને ઉઠાવ આપવામાં 

એ  અદ્રષ્ટ સુત્રધારના  આભાસાનુંસાર 

આદેશાનુસાર  જમાવતા  આવ્યા પોતપોતાનાં નાટકો 

વિવિધ ઢંગે વિવિધ રંગે.

આખરે પૂરું થયું નાટક. 

દેહવેશ ફગાવીને નેપથ્યે થયા અદ્રશ્ય 

જે ખેલ ભજવવા આવ્યા, એનો નાટ્યગત અર્થ 

હશે ખબર કોઈ ને કોઈ રૂપે 

એ   વિશ્વકવિને 

પણ દરેક નટ અને નટીને લેખે તો 

એમાંનું હસવું ને રડવું 

એમનો હર્ષ ને શોક, સત્ય જ હતો 

જ્યાં સુધી અંગ હતું વેશથી સજેલું.

આખરે પડદો પડ્યો.

દીવા ઓલવાતા ગયા એક પછી એક 

રંગરોગાનની ચમક ફીકી થતી ગઈ.

ઓસરાતો ગયો બધો કોલાહલ 

જે નિસ્તબ્ધ અંધકારમાં રંગમંચ તરફથી 

એમણે કર્યું નિર્ગમન 

ત્યાં સ્તુતિ ને નિંદા બંને સમાન 

ખરાબ ને સારું બધુજ સરખું જ 

સુખદુ:ખના અભિનય અર્થહીન 

અજવાળું ને અંધારું સમભાર

લાજ અને ભય હેતુશૂન્ય  

….જે હાથ મથ્યા યુદ્ધમાં 

બચાવવાને સીતા 

બીજી ક્ષણે એમને જ 

રચાવી પડી 

એની ચિતા.

પુરુથયું એ શોકનાટક

સરી  ગઈ એમાંની અસહ્ય વેદના 

હવે નાટક બચ્યું છે 

કવિની પંક્તિઓમાં 

અને કલાનાં આનંદ દાયક 

ઋણમાં.

 

અતિ દૂર આકાશની આછી સુકુમાર નીલિમા 

અરણ્ય એની તળેટીમાં ઊંચા હાથ ફેલાવીને 

પોતાનો શ્યામલ અર્થ નિ:શબ્દપણે દઇ રહ્યું છે !

સ્વચ્છ પ્રકાશનું ઉત્તરીય દિશાદિશાને ઓઢાડે છે.

આ વાત લખી રાખું છું.-

એક  વેરાગી ચિત્રકાર આ ભૂસી નાખે તે પહેલાં.

(મારા વિદ્વાનમિત્ર શ્રી. નીતિન વ્યાસે મોકલેલ એક ઇ-મેઇલ પરથી)

 

 

 

થોડીક વધુ દિલની વાતો

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

દિલની વાતો

થોડા સમયથી મને, આપણાં હ્યુસ્ટનના શાંત, સૌમ્ય, મીતભાષી,મૃદુભાષી વિદ્વાન દિવ્યકાંત પરીખના વિચારો વધુ આવે છે. એકાદ લગ્નપ્રસંગે, કોઇ સામાજીક મેળાવડામાં જ્યારે જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે એમને શાંતપણે અન્યની વાત સાંભળતા અને મૌન રહેતા અગર એકાદ શબ્દ કે વાક્યમાં પ્રત્યુત્તર આપતા જોયા અને મને જે જમાનામાં ગુજરાતી સમાજનુંદર્પણસંભાળતા વખતના દિવ્યકાંતભાઇ યાદ આવી જતા હતા.

મને લાગે છે કે મારે પણ હવે એવા શાંત, મીતભાષી બનવાનો સમય પાકી ગયો છે.મૃદુભાષી તો હું થઈ શકવાનો નથી. બકબક કરવાની  અને અહેવાલોસમીક્ષાઓ લખવાની પ્રવૃત્તિઓમાંથી જાતને સંકોરી લેવાનો સમય હવે પાકી ગયો છે. કારણ કે, બધું કરવાથી, દુશ્મનો વધે છે. ટીકાઓ સાંભળવી પડે છે.

તમે બધુ સારુ સારુ લખો છો, કાર્યક્રમમાં આટ આટલી ત્રુટિઓ હતી, આટલું ખોટુ થયું હતું, પેલીએ આમ કર્યું હતું ને પેલો આમ બોલ્યો હતો અંગે તમે કેમ મૌન રહો છો ?’

તમે તટસ્થ વ્યક્તિ નથી.’ ‘તમે પેલાની ફેવર કરો છો

પેલીના અભિનયના આટલા વખાણ કરવાની જરુર નહોતી. તો ઓવરએક્ટીંગ કરતી હતી. બહુ લાઉડ અભિનય હતો એનો તો !…’

તમારી પાસે ભાષા છે, શબ્દો છે, સમજ છે પણ તમે સ્પષ્ટવક્તા નથી.’

ફલાણી સંસ્થાના ફલાણા કાર્યક્રમથી કોને ફાયદો થવાનો છે ? લાખ્ખોના ધૂમાડા કરીને બે દહાડા જલ્સા કરાવવાથી શું વળવાનું અંગે કેમ કશું લખતા નથી ?

મેં લોકો માટે આટલું કર્યું અને લોકોએ મારો આભાર પણ ના માન્યો, મને એકનોલેજ પણના કરી’ (કેના કર્યો’). તમે વાત તમારા રીપોર્ટમાં લખો.’

એક સજ્જને તો મને ફોન કરીને તતડાવી નાંખ્યો– ‘ ફલાણા તમારા મિત્ર છે એટલે તમે એમને ચડાવી માર્યા છે. અમે આટલા વર્ષ આટઆટલું કર્યું છે, તમે એક લીટી પણ લખી છે અમારે માટે ?’- મેં સજ્જનને સમજાવ્યું કે ભાઇ, હું હ્યુસ્ટનમાં આવ્યો ૧૯૮૭માંતમે તો પછી ક્ષેત્રસંન્યાસ લઇ લીધો છે, કોઇ પ્રવૃત્તિમાં દેખાયા નથી. પછી તમારો ઉલ્લેખ હું ક્યાંથી કરું ?’

થોડા વર્ષો પહેલાં, હું નવો નવો હ્યુસ્ટનમાં આવેલો ત્યારે મને લોકોડોક્ટર કોકિલા પરીખના ભાઇતરીકે ઓળખતા ( અને આજે ઘણાં રીતે ઓળખે છે ) જે મને ત્યારે નહોતું ગમતું ( આજે મેં મનને સમજાવી દીધું છે ). હું મારી આગવી ઓળખ ઉભી કરવાના હવાંતિયા મારતો હતો. હું જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં નિષ્ફળ ગયેલો માણસ છું એમ  જાહેરમાં કબૂલ કરવામાં મને હવે ઉંમરે કોઇ ક્ષોભ કે સંકોચ નથી થતો. આજે ૩૩ વર્ષ અમેરિકામાં રહ્યા છતાં હું એક હાઉસ નથી લઇ શક્યો અને એપાર્ટમેન્ટ/ કોન્ડોમાં રહું છું અને સોશ્યલ સીક્યોરિટીની આવક પર ગુજરાન ચલાઉં છું. ખેર ! આડવાત જવા દઈએ.

ઇન્ડીયામાં, ગુજરાતી નાટકોના કલાકારોના ઇન્ટર્વ્યૂ લઈને સામયિકોમાં છપાવવાનો, ગુજરાતી ફિલ્મોના પ્રિમીયરોના અહેવાલચિત્રજ્યોતકે ‘’ચિત્રલોકજેવા ફિલ્મી મેગેઝીનોમાં છપાવવાનો મારો અનુભવ, જમાનાના દિગ્ગજ નાટ્યકલાકારોના ઇન્ટર્વ્યૂ ૧૯૭૦૭૧૭૨ ના સમયગાળામાં છપાવેલા. આજે એની પ્રીન્ટેડ કોપીઓને મારા માલઅસબાબ તરીકે છાતીએ વળગાડીને હું લોકોને બતાવતો ફરું છું અને ગર્વ ( મિથ્યા ગર્વ ) અનુભવું છું. હ્યુસ્ટનમાં મારી આગવી ઓળખ ઉભી કરવાનો એક રસ્તો, મારી લેખનપ્રવૃત્તિ હતો. મેં જમાનાની એક જાહેર સંસ્થાનો ૧૯૭૯થી  ઇતિહાસ લખવાનું બીડુ ઉઠાવી લીધું. હું એના વર્તમાન પ્રેસિડેન્ટને મળ્યો, એમને ઘેર જઈને બે કલાક પ્રશ્નોત્તરી કરીને નોંધો કરી. એક હાસ્યલેખકને ઘેર જઈને, જૂના અંકો ફંફોળ્યા અને નોંધો ટપકાવી. દસ વર્ષના ઇતિહાસને કંઇ કેટલાય ફુલસ્કેપ કાગળોમાં ઉતાર્યો. દસ વર્ષના ગાળાના અન્ય ભૂતપુર્વ પ્રેસિડેન્ટોને પણ લખાણ બતાવ્યું અને અભિપ્રાય માંગ્યો હતો. ત્યારે પણમને આવો અનુભવ થયેલો.

તમે હાલના પ્રેસિડેન્ટને ચડાવી માર્યા છે. એમને વધુ મહત્વ આપી દીધું છે. સાલો તોગાંધીવાદીહોવાનું નાટક કરે છે….વગેરે..વગેરે.. અને  ‘ઇતિહાસપછીભુતકાળ બની રહ્યો.

અમદાવાદમાંનાટકની સંસ્થારંગમંડળનું સંચાલન જ્યારે સ્વ. રાજુ પટેલ સંભાળતા અને જમાનાની એક અભિનેત્રી પ્રતિભા રાવળ, જે આજે હજુ નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય છે , અને તેમની સાથે એક કલાકાર મહેન્દ્ર પાઠક  પણ સક્રિય હતા ત્યારે ‘રંગમંડળ’નો ઇતિહાસ લખવા, પ્રિતમનગર ના અખાડામાં, રોજ રાત્રે હું જતો અને જુના ચોપાનિયા, નાટકોની જાહેરાતો, છપાયેલા અવલોકનોના કટીંગ્સ ફંફોળીને તેનું સંશોધન કરીને ઇતિહાસ લખેલો એ વખતે પણ કેટલાક અન્ય નાટ્યકર્મીઓને આ ઇતિહાસ બતાવતાં, આ જ અનુભવો થયેલા અને મારું એ સંશોધન કાર્ય, ગુમનામીના અંધકારમાં હડસેલાઇ ગયેલુ.

પણ એ વખતે મને જે જે નાટ્યકર્મીઓના પરિચય થયેલા તેમના બાળકો કે જેઓ આજે સિરીયલોમાં કામ કરીને નામ કમાઇ રહ્યા છે તેઓ જ્યારે અમદાવાદમાં, ઠાકોરભાઇ દેસાઇ હોલમાં કોઇ નાટકોના શો વખતે મળી જાય છે ત્યારે, વડીલ ગણીને ચરણસ્પર્શ કરી લે છે. આજે ય, ‘૭૫પ્લસ’ કલાકારો –પ્રતિભા રાવળ, કિર્તીદા ઠાકોર કે દિવાકર રાવળ જેવા નાટ્યકર્મીઓ સાથે ફોન પર વાર્તાલાપ કરવાનો આનંદ આવે છે.

બસ…આજે આટલું જ.

 

 

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.