એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 16

सब कुछ सीखा हमने,ना सीखी होशियारी…

July 6th, 2012 Posted in અનુભૂતિ

અધ્યાત્મ અને અગમનિગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક

સંસ્ક્રુત શ્લોકો,સુભાષિતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નિષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો

-એકટરો-ભોળા ધાર્મિક અંધશ્રધ્ધાળુઓને  આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને

એમના મંદીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં -હાટડીઓમાં- ફોટા મૂકીને પૂજા-આરતી શરુ કરે,પછી

પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠા કરે. અને પછી તો બસ…દાનપેટીઓમાં આવતા 

 ડોલરોની નોટો જ ગણવાની હોય તેમને. કોઇને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઇને સાંઈબાબાનો

અવતાર…આવા તો ઘણા તૂત ચાલે છે હિન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના.

હમણાં એક નવુ તૂત જાણવામાં આવ્યું.

ઇન્ડીયામાં બે નંબરના ઢગલેઢગલા નાણાં ભેગા કરનાર બાબાઓ, પરદેશમાં સ્થાયી થયેલા કોઈ જાણીતા

માણસને અનુયાયી બનાવી દે. તેમને પરદેશમાં મંદીર ઉભુ કરવા નાણાં પણ હવાલા મારફતે પહોંચાડે. પેલો

બાજીગર, એ બાબાને કોઇ પ્રભુનો અવતાર ઠઠાડી દઈને એના ફોટાઓ સાથે મંદીર ઉભુ કરી દે.આ બાબા ફલાણા

દેવતા કે દેવીના અવતાર છે અને મનોકામના પૂર્ણ કરે છે. એવી વાતો ફેલાવે. સ્થાનિક છાપાઓમાં પૈસા ખર્ચીને

અહેવાલો છપાવે, રેડીયોવાળાને પણ બોલાવે, પેમ્ફ્લેટો છપાવે અને ગ્રોસરી સ્ટોર્સ પર ચીપકાવે. આરતી-પૂજા

 તો ખરી જ. પ્રસાદ અને મહાપ્રસાદો પણ ખરા. સ્થાનિક હોટલોવાળા ભાવિકભક્તો આ બની બેઠેલા પ્રભુઓને,

આશીર્વાદ મેળવવા, ભોગ માટે ફ્રી પ્રસાદમ પણ ધરે. લોકોને આકર્ષવા માટે ફ્રી મેડીટેશન, ફ્રી યોગાના ક્લાસો

ચલાવે ( ઓફ કોર્સ સ્વૈચ્છીક દાન અચૂક સ્વીકાર્ય હોય જ ). અને…આપણી ભોળી, ધર્મભીરુ બહેનો ( ભાઇઓ

નહીં ! ) કશું મફતમાં તો લે જ નહીં. એટલે દાનપેટીઓમાં દક્ષીણા મૂકે જ. બસ…નોટો છપવાનું મશીન ચાલુ-

ટેક્ષ ફ્રી. કોરપોરેશન બનાવ્યું હોય અને ટેક્ષ-ફ્રી સગવડ મળી હોય તો જેટલા ચેક કે ક્રેડીટ કાર્ડથી નાણા આવે

એનો જ હિસાબ રાખવાનો અને ખર્ચા વધારે બતાવી દેવાના. રોકડેકા માલ હડપ કરનેકા.

પેપર પર તો આવા ગુરુની કોઇ આવક હોય નહીં એટલે અમેરિકન સરકારનું વેલફેર,SSI,મેડીકેર, મેડીકેઈડ, ફૂડ

 કૂપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લૂંગી-ઝભ્ભો પહેરીને ભક્તાણીઓને માથે હાથ મૂકીને આશીર્વાદો

આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલા કેળાં,મેવા-મીઠાઇઓના પેકેટો આરોગવાના અને

 મંદીરના ખર્ચે જ એરકન્ડીશન,પંખાનો ઉપયોગ કરવાનો. આવેલા નાણાંમાંથી એર-ઇન્ડીયાની ટ્રીપો પણ

મરાય. ખર્ચા ધર્મસ્થાપનાય ઉધારી દેવાય. હા ! તમારે તમારુ જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને

મેડીકેર -મેડીકેઇડ માટે જ રાખવાનું. બાકી કોઇ પ્રભુકે દેવતાકે કંઇક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ

નામ ચલણમાં મુકવાનું. કેસ-બેસ થાય કે ઉઠમણૂં કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા પ્રભુને

શોધતા !!! આ  બાબતમાં આપણા દેશીઓને શીખવવાનું ન હોય. બિઝનેસકાર્ડ પર ડેની‘,’ કેલી‘, ‘માઇક‘,

રોબર્ટલખતા  ડાહ્યાભાઇ,કાંતાબેન,મણીલાલ અને રસિકલાલને આપણે રોજબરોજ મળતા જ હોઇએ છીએ ને !

ઇન્ડીયાથી આવતી વખતે કોમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્ક્રુતનું કામચલાઉ જ્ઞાન મેળવી ને આવવું જોઈએ.

પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોના ઉદાહરણો, ટૂચકાઓ, સંસ્ક્રુતના શ્લોકો અને થોડી

હાજરજવાબી બસ છે. પુષ્ટીમાર્ગીય વલ્લભકુળના બાળકો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો કે નાણાવટી

 ગુરુવર્ય જેવા ખરેખરા વિદ્વાનોથી દૂર રહેવું.તેઓની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી

પડી જાય !!!!

આંખ અને કાન ખુલ્લા રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને

 ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો.  મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય.

એક જ જવાબ તમને મળશે કે-આ તો શ્રધ્ધાની વાત છે. તમને શ્રધ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને..એ તો

 પ્રભુની તમારા પર ક્રુપા થાય તો જ તમને શ્રધ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રેશનાલિસ્ટમાં ખપાવીને

 ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઇ ! મારી પર ગુરુજીની ક્રુપાદ્રષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ….

શ્રીરામ…શ્રીરામ…. સબકુછ સીખા હમને, ના સીખી હોંશીયારી….સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈ અનાડી……

સસ્પેન્સ થ્રીલર નાટક ‘હેરાફેરી’ – અવલોકન

તારીખ ૨૯ જુને, હ્યુસ્ટનના જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી. દિલીપ રાવલ લિખિત અને શ્રી.રસિક દવે અભિનીત-દિગ્દર્શિત કોમેડી-થ્રીલર હેરાફેરી‘  ભજવાઇ ગયું. લાગે છે કે શ્રી. રસિક દવેને હેરાફેરીશબ્દ ફળ્યો છે. ચારપાંચ વર્ષ પહેલાં, ‘હૈયાની હેરાફેરીનાટકનું દિગ્દર્શન તેમણે કરેલું અને એ નાટક પણ સફળ રહ્યું હતું.

હેરાફેરી‘  એક કોમેડી સસ્પેન્સ થ્રીલર છે. પરકાયાની હેરાફેરી..પરમાયાની હેરાફેરી…આત્માની હેરાફેરી..તકદીરની હેરાફેરી…

અહીં પણ પતિ,પત્ની ઔર વોની જ કથા છે. પ્રેયસીના નામે માલમિલ્કત, પૈસાટકાનું વસિયતનામુ લખી આપીને તથા પત્ની પાસેથી છેતરપીંડીથી છૂટાછેડાના કાગળ પર સહી કરાવી લઈને, એ જ રાત્રે હાર્ટએટેકથી અવસાન પામેલા પતિની જાળમાંથી બહાર નીકળવા મથતી પત્ની અને પત્નીનો ભાઈ રાજેન, પરકાયા પ્રવેશના જાણકાર એવા રમતારામ બાપુ પાસે જાય છે. આ બાવો મ્રુત શરીરમાં પરકાયાપ્રવેશ કરીને પેલું વીલ ફાડી નાંખવામાં તો સફળ થાય છે પણ પછી કથામાં નાટ્યાત્મક વળાંક ( TWIST ) આવે છે જે સૌને સ્તબ્ધ કરી મૂકે છે. એ પછી પણ બીજા બબ્બે વણાંકો આવે છે અને આ નાટકને ખરેખર સસ્પેન્સ થ્રીલરની કક્ષામાં લઈ જાય છે. લેખક અહીં રસ પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને તેને પ્રેક્ષકોનો સાચો પ્રતિભાવ સાંપડે છે.એમાં દિગ્દર્શક રસિક દવેની સફળતા છે.રસિક દવે અવિનાશ વૈશ્નવી નામના સફળ શ્રીમંત બિઝનેસમેન અને અલગારી અલખ નિરંજની બાવાની બેવડી ભૂમિકા સૂપેરે ભજવી બતાવે છે.બન્ને પાત્રોની વિરોધાભાસી લાક્ષણિકતાઓને તખ્તા પર સ્વાભાવિકતાપુર્વક જીવંત કરી જાય છે.

અવિનાશની પત્નીનું પાત્ર ભજવતા બહેન છાયા વોરાની કાયા ભલે ભારે હોય પણ પાત્રને અનુરુપ જીવંત અભિનયથી પ્રેક્ષકોને હળવાફુલ રાખી શકે છે.

મહેશ ઉદ્દેશી અને લોપા શાહ પણ પાડોશી-દંપતિના પાત્રોમાં, પ્રસંગોપાત આવનજાવન કરીને હાસ્ય પુરુ પાડે છે.

કશ્યપ દેસાઇ પણ ડોક્ટર અને ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં પ્રસંગોચિત અભિનય કરી જાય છે.

આશીષ જાની ક્યારેક સોલિસીટર, ક્યારેક નંદન નામનો નોકર, ક્યારેક સાધુ જેવી ભૂમિકાઓમાં વેશપરિવર્તન કરી કરીને હાજરી પુરાવી ગયા.

અવિનાશના સાળા રાજેનના પાત્રમાં કોમેડી એક્ટરશ્રી. હરેશ પંચાલ પણ વિવિધ ફિલ્મી એક્ટરોની મીમીક્રી કરીને હળવી પળો પુરી પાડી ગયા.

નિષ્પન્ન થતા હાસ્યનો વ્યક્તિગત હિસ્સો જો ફાળવવાનો હોય તો શ્રી. હરીશ પંચાલને જ એનું શ્રેય આપવું રહ્યું.

પૂજા દમણીયા પણ સેક્રેટરી કમ પ્રેયસીની ચિત્તાકર્ષક ભૂમિકામાં ગ્લેમરસ રોલ ભજવી ગયા.

ઝડપી કાર્યવેગ, સંવાદોમાં સાતત્ય અને તેની અભિવ્યક્તિમાં સમયસુચકતા તથા દરેક પાત્રના મુખના ભાવો તેમ જ આંગિક અભિનય પરના પ્રભુત્વને   કારણે  આ નાટક રસ જાળવી રાખવામાં સફળ રહે છે. આખુ નાટક સાદ્યંત દિગ્દર્શક રસિક દવેના કાબુમાં રહે છે.સંવાદોની અભિવ્યક્તિ કે ચહેરાના હાવભાવમાં મુખ્ય ચારે ય પાત્રો ખુબ અસરકારક રહ્યા.

મને યાદ છે ત્યાં સુધી રસિક દવેને સૌ પ્રથમ નાટક આંખે કંકુના સુરજ આથમ્યામાં જોયા હતા. એ વખતે આ ફૂટડો ગોરો ગોરો , મીઠુ મીઠુ હસતો યુવાન હિન્દી ફિલ્મોના ભુતપુર્વ અભિનેતા રાજકિરણ જેવો લાગેલો.ત્યારપછી તો ઘણા ગુજરાતી નાટકો, સિરીયલો, ફિલ્મો વગેરેમાં આ કલાકારને અભિનયના અજવાળા પાથરતો જોયો છે. બી. આર. ચોપરાની મહાભારતસિરીયલમાં તેમણે ભજવેલું વસુદેવ (નોટ વાસુદેવ)નું પાત્ર તો અવિસ્મરણીય રહ્યું છે.

આવું સુંદર નાટક હ્યુસ્ટનની ગુજરાતી જનતા સમક્ષ રજૂ કરવા બદલ નમસ્કાર ગ્રુપના શ્રી. રાજેશ દેસાઇને અભિનંદન.

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

નારી ચાલીસા’- કોમેડી નાટક- અવલોકન

નારી ચાલીસા’- કોમેડી નાટક- અવલોકન

 

ગુજરાતી રંગભૂમિ પર વ્યવસાયી નાટકો આપી શકે તેવા નાટ્યલેખકો

નથી એવી ફરિયાદમાં અપવાદ ગણાય એવા લેખકોમાં ભાઇ અશોક

ઉપાધ્યાયનું નામ ગણી શકાય.વ્યવસાયી રંગભૂમિ પર સરળતાથી

 નભી શકે એવું મૌલિક નાટક તે નારીચાલીસા.પ્રેક્ષકોની રુચિ અનુસાર

 નાટકો આપી શકવાની પોતાની સજ્જતા અશોક ઉપાધ્યાયે પુરવાર

 કરી દીધી છે.નાટકના કથાવસ્તુમાં ખાસ કશું નવું નથી.એ જ પતિ-પત્ની…

એમાં વચ્ચે ‘વો’ તરીકે આવતી સેક્રેટરી. રુપાળી પત્ની હોવાં છતાં,

પરનારીની પ્રીતમાં ફસાતા પતિદેવને, મામા અને પત્ની કેવી રીતે

 સીધા રસ્તા પર લાવી દે છે એની કથા કહેતા આ નાટકમાં કેટલીક

રોમાંચક ક્ષણો પણ છે. લગભગ દરેક પુરુષના જીવનમાં  ક્યારેક ને

ક્યારેક  બનતી આવી ઘટનાઓ કે આવી ઉત્કટ ઝંખનાઓ પ્રત્યે લાલબત્તી

ધરતું આ નાટક, જોક્સ અને રમૂજી પ્રસંગોને  કારણે સતત હસાવતું રહે છે.

પુરુષસહજ નબળાઇઓને કેન્દ્રસ્થાને રાખીને, વિવિધ સીચ્યુએશન્સ ઉભી

 કરીને લેખકે રમુજી વાતાવરણ સર્જ્યુ છે. કથાનક અને સંવાદો, ભરપુર

શબ્દરમતને કારણે એકબીજાના પૂરક બનીને  સુંદર પ્રહસન બની રહે છે.

 સ્વાભાવિક રીતે જ નીતીન ત્રિવેદી, ભૂમિ શુક્લ અને અશોક ઉપાધ્યાય

અભિનયમાં  શ્રેષ્ઠ રહે છે.સમીરના પાત્રમાં આ નાટકના દિગ્દર્શક

શ્રી. પરીનભાઇ શાહ પણ પાત્રોચિત અભિનય કરી જાય  છે.બહેરા મામા

 અને મદ્રાસી નોકરની બેવડી ભૂમિકામાં લેખક અશોક ઉપાધ્યાય પણ

પોતાના મુક્ત અભિનયથી પ્રેક્ષકોને ખડખડાટ હસાવી શકે છે. ‘વો’ તરીકે

ધારિણી બાપટ, રચનાની ભૂમિકામાં દમદાર લાગે છે. નાટકની સાઉન્ડ

સીસ્ટમ શ્રી. હેમંત ભાવસાર, શ્રી.અમીત પાઠક અને શ્રી. સંજય શાહે

સંભાળી હતી. લેઉઆ પાટીદાર સમાજના પ્રેસિડેન્ટ શ્રી. અતુલ પટેલ

અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ પરિશ્રમ ઉઠાવ્યો

 હતો. રાધિકા ફિલ્મ્સ એન્ડ વિઝનોટેકવાળા  શ્રી.અજય શાહના પ્રોડક્શનનું

આ નાટક શ્રી. પરીન  શાહે લેઉઆ પાટીદાર સમાજ માટે  હ્યુસ્ટનના

સ્ટેફોર્ડ સિવીક સેન્ટરમાં તારીખ ૩૦મી જુને પ્રસ્તુત કર્યું હતું.

                                                               Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/

Phone No: 713 771 0050

 

નાટ્યવિષયક સંસ્મરણો- (૩)

નાટ્યવિષયક સંસ્મરણો- (૩)

આજે ત્રણ નાટકોની વાત માંડવી છે. આ ત્રણે નાટકો આપણા હ્યુસ્ટનના જ એક કલાકારે પ્રોડ્યુસ

કરેલા. એમનું  મૂળ નામ તો છે-શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, જે અત્યાર સુધી માસ્ટરજી‘, ‘ગુરુજી

જેવા નામે ઓળખાત હતા અને કુચિપુડી, ભરતનાટ્યમના વર્ગો ચલાવતા હતા. નાના

બાળકોને ફિલ્મી ગીતોની કોરીયોગ્રાફી કરીને ખાસ પ્રસંગે રજૂ કરવાના ગીતો તૈયાર

કરાવતા હતા. ન્રુત્યવિષયક એક ફાઇન કલાકાર. આજે હિલક્રોફ્ટ વિસ્તારમાં મદનધામ

 ચલાવે છે અને પોતાને દેવજી પ્રભુતરીકે ઓળખાવે છે.આ માણસે પંદરેક વર્ષ પહેલાં

શોલેપિકચરની સ્કીટ ભજવેલી.જેમાં મને કાલિયાનો રોલ આપેલો. શોલેનો પેલો

ડાયલોગ યાદ છે ને ?સરદાર..મૈંને આપકા નમક ખાયા હૈ.‘ ‘તો…અબ. ગોલી ભી ખા

 અને..ગબ્બરસિંગની ગોળી ખાઇને કાલિયાના  રામ બોલો ભાઇ રામ થઈ ગયા હતા.

એ ભૂમિકા મેં કરેલી.ગબ્બર્સીંગના રોલમાં શ્રી. ગિરીશ નાઈક, ધર્મેન્દ્રવાળા વીરુના

રોલમાં .ICCના પ્રેસિડેન્ટ શ્રી. રાજુ ભાવસાર અને હેમા માલિનીવાળા બસંતીની

ભૂમિકા ભજવનાર રુપાળી  છોકરીનું નામ આજે યાદ આવતું નથી. આ ચારે ય ની

તસ્વીર આ સાથે એટેચ કરી છે.બીજુ નાટક હતું મહાભારત‘. આમાં તો આપણા

મુકુંદ ગાંધી ભિષ્મ પિતામહ બનેલા.  સંગીતકાર-ગાયક શેખર પાઠકે કનૈયાની મોહક

ભૂમિકા ભજવેલી  અને સ્ટેજ પર રાસલીલા કરેલી.આપણા લાડીલા હેમંત ભાવસારે

વિદુરજીનો રોલ કરેલો. હમણાં હું રીટાયર થયોનાટકમાં   સરકારનો હ્રદયસ્પર્શી

 અભિનય કરીને શ્રોતાઓની આંખો ભીની કરી જનાર આપણા રક્ષાબેન પટેલે ગાંધારી

નો અભિનય  આંખે પાટા બાંધીને કરેલો.રક્ષાબેનના દેરાણી સરોજબેન પટેલે પણ

એક ભૂમિકા કરેલી. અને..કુંતીની યાદગાર ભૂમિકામાં  રાગિણીબેન ભટ્ટ  હતા. મેં કૌરવોના

 આંધળા બાપ ધ્રુતરાષ્ટ્રની ભૂમિકા કરેલી. આ નાટકની  તસ્વીરો અહીં એટેચ કરી છે.

અને..માસ્ટરજીનું ત્રીજુ સર્જન તે મુઘલે આઝમજેમાં પોતે શહેનશાહ અકબર બનેલા

 અને હું ફિલ્મમાં અજીતવાળી ભૂમિકા-દુર્જનસીંગ- કરતો હતો. આ સાથે એટેચ કરેલી

તસ્વીરમાં અનારકલી, દુર્જનસીંગ (નવીન બેન્કર), શહેનશાહ અકબર ( માસ્ટરજી)

અને શાહ્જાદા સલીમ બનત કલાકારને જોઇ શકાય છે.

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/

Phone No: 713  771  0050

નાટ્યવિષયક સંસ્મરણો- (૨)

નાટ્યવિષયક સંસ્મરણો- (૨)  

ફુલ લેન્થ પ્લે- ” રાણીને ગમે તે રાજા”

લેખક- સ્વ. બકુલ ત્રિપાઠી.

ભજવણીની તારીખ – ૧૧ એપ્રિલ ૧૯૭૬

સ્થળ – મંગળદાસ ટાઉનહોલ, અમદાવાદ.

આ નાટક એકાઉન્ટન્ટ જનરલની ઓફિસ, ગુજરાત રાજય, અમદાવાદની લીટરરી એન્ડ રીક્રીએશન

 ક્લબના ઉપક્રમે ભજવાયેલું. એમાં મેં પોચાલાલના બાપ ગરબડદાસનો કોમેડી રોલ કરેલો.

આ સાથે જે બે ફોટા એટેચ કરેલા છે તેમાંના એક ગ્રુપ ફોટામાં, બ્લેક સૂટમાં ,હું ડાબેથી પાંચમા

 સ્થાને ઉભેલો દેખાઉં છુ. અને નાટકના દ્રશ્યના જે ચાર પાત્રો છે તેમાં હું વ્હાઇટ શર્ટ અને બ્લેક

પેન્ટમાં ટાઇ-ચશ્મા સાથે દેખાઉ છું. આ એક  કોમેડી નાટક હતું.મારા દીકરાના રોલમાં મારા

 મિત્ર કુમુદભાઇ રાવલ હતા.એમના પત્ની શ્રીમતી ભારતીબેન રાવલે પણ એમાં ભૂમિકા કરેલી.

આ  કલાકાર દંપતિએ દૂરદર્શનની ઘણી જાણિતી સિરીયલોમાં પાછળથી કામ કરેલું.

અન્ય ભૂમિકાઓમાં શ્રી. ચૈતન્યભાઇ,ઇન્દ્રવદન પટેલ,અરવિંદ બારોટ,નિમિતા ભટ્ટ,

પૌરવી મુન્શી,શ્રી. આર.આર. પરમાર, અને કંદર્પ શાહે અભિનયના અજવાળા પાથરેલા.

આજે તો, આ લખું છું ત્યારે એ વાતને છત્રીસ વર્ષો વીતી ગયા છે. કુમુદભાઇ અને

 ભારતીબેન સાથે તો આજે ય મિત્રતાના સંબંધો યથાવત છે.પત્રવ્યવહાર ,ટેલીફોન

 અને ઈ- મેઇલથી મળીયે છીએ.જ્યારે જ્યારે અમદાવાદ જઇએ ત્યારે એકબીજાને

 ઘેર જઇએ, જમીએ અને સાથે સંગીતના કે નાટકોના કાર્યક્રમોમાં જઇએ.

 અન્ય કલાકારોને હવે પછી અમદાવાદ જવાનું થશે ત્યારે શોધી શોધીને મળવું છે.

Navin Banker http://navinbanker.gujaratisahityasarita.org/

 Phone No: 713 771 0050

નાટ્યવિષયક સંસ્મરણો- (૧)

નાટ્યવિષયક સંસ્મરણો-  (૧)

એકાંકી નાટક- જોઇએ છે , જોઇએ છીએ !

લેખક – સ્વ. શ્રી. જયંતિ દલાલ

આ એકાંકી નાટક, હું જે બાળમંદીરમાં ધોરણ ૧ થી ૪ ભણેલો તે મોન્ટેસોરી બાળમંદીર કે જે એ

 જમાનામાં-૧૯૪૬ થી ૧૯૫૨ના ગાળામાં- અમદાવાદની સાંકડીશેરીમાં રંજનબેન દલાલના

બાળમંદીર તરીકે પ્રખ્યાત હતુ. આ રંજનબેન એટલે સ્વ.જયંતિ દલાલના પત્ની. મને ખ્યાલ છે

 ત્યાં સુધી એ બન્નેના પુનર્લગ્ન હતા. એમને મોટા મોટા બાળકો પણ હતા. દીકરીનું નામ જ્યોતિ

હતું એવું સ્મરણ છે. આજે આટલા વર્ષે પણ મને રંજનબેનની પ્રતિભાશાળી મુખમુદ્રા, એમની

 સુંદરતા, જાજરમાન ,આંજી દેતું છતાં સૌમ્ય વ્યક્તિત્વ એવું ને એવું યાદ છે. એ જમાનામાં

 પુનર્લગ્ન ચર્ચાસ્પદ ગણાતું. મને મારા વડીલો કહેતા-‘તારા રંજનબેને નાતરુ કર્યું,લ્યા !’.

જયંતિ દલાલ પણ વિદ્વાન માણસ.ઉંચા-પહોળા વ્યક્તિત્વના સ્વામી. ખુબ મીતભાષી અને

સૌમ્ય. હું તો એ વખતે સાત-આઠ વર્ષનો હોઇશ એટલે સૌંદર્ય અંગે સમજ ન હોય, છતાં મને એ

વખતે પણ લાગતું કે રંજનબેન જેવી રુપાળી સ્ત્રી આગળ ‘સાહેબ’ શોભતા નથી. દલાલ સાહેબ,

 ‘સાહેબ’ તરીકે જ ઓળખાતા. હ્યુસ્ટનમાં જેમણે વીસ વર્ષ પહેલાં-૧૯૮૮ થી ૧૯૯૪ દરમ્યાન-

હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના ગુજરાતી નાટકો જોયા હશે તેમને, હેમંત ભાવસાર સાથે કોમેડી રોલમાં

અભિનય કરનાર રમોલા દલાલ યાદ હશે જ. આજે ય રમોલાબેન અને તેમના પતિ કિરણભાઇ

દલાલ હ્યુસ્ટનમાં જ રહે છે. એ રમોલા દલાલ પણ અમારા આ બાલમંદીરમાં જ ભણેલા.એ

વખતે એ રમોલા શેઠ હતા.એમની બે બહેનો અમોલા અને શીલા શેઠ પણ આ બાલમંદીરમાં જ

 હતાં. શીલા અને હું એક જ વર્ગમાં. રમોલા મને યાદ છે ત્યાં સુધી મારાથી બે વર્ષે નાના હતા.

પિસ્તાલીસેક વર્ષ પછી, હ્યુસ્ટનમાં રમોલાબેનને સ્ટેજ પર જોઇને હું ઓળખી ગયો અને નાટક

પુરુ થયા પછે રાત્રે બાર વાગ્યે કોઇની પાસેથી એમનો ફોન નંબર મેળવીને મેં એમને ઘેર ફોન

કરીને આ વાતની પુષ્ટી કરી હતી.

હાં !  તો..વાત જરા આડે પાટે ઉતરી ગઈ અને હું ભુતકાળના સંસ્મરણો વાગોળવા બેસી

ગયો…રંજનબેનના બાળમંદીરની રજતજયંતિ ઉજવવાની હતી. મને ય આમંત્રણ હતું. અપુનને

 કભી ડ્રામા-બામા કિયેલા નહીં, લેકિન ચોબીસ સાલકી ઉમ્રકા મૈં બાંકા જવાન બન ગેયેલા ઔર

 થોડા ફાંકા ભી આયેલા. એટલે નાટકમાં હીરોકા રોલ મીલતે હી અપુનને હાં કર દી. મારી સાથે

દલાલ સાહેબનો કોઇ સગો ચંદ્રકાંત દલાલ પણ સેકન્ડલીડ હીરો હતો.ત્રીજો કલાકાર ભરત ઠક્કર

 હતો. જગમિત્ર ઝવેરી, યોગેશ શાહ નામના અન્ય કલાકારો સાથે આજના નાટ્યજગતના પીઢ

અભિનેતા અમીત દીવેટિયાનો નાનો ભાઇ જગત દીવેટીયા પણ એક નાનકડી ભૂમિકામાં હતો.

અને..એક માત્ર સ્ત્રી-કલાકાર તરીકે મંજરી મજમુદાર નામના બહેન હતા.

આ નાટકમાં માર્રી ભૂમિકા સનતકુમાર ઘોષ નામના એક બંગાળી યુવકની હતી. આમ તો નાટકમાં

 છુટ્ટી પાટલીનું ધોતિયુ પહેરવાનું હતું. પણ આપણને પહેલેથી જ ધોતિયુ-બોતિયુ પહેરવું ગમે નહીં.

 નાટકમાં ધોતિયુ છુટી જાય તો ફીયાસ્કો થઈ જાય એવી ભીતિ પણ ખરી. એટલે સફેદ લેંઘો અને

સફેદ ઝભ્ભો પહેરેલો. જો કે મને મનોજકુમારના રોલવાળા ચંદ્રકાંતની જેમ સુટબૂટ પહેરવાની

 ઇચ્છા હતી. પણ રંજનબેને આંખ દેખાડી  એટલે આપણે માની ગયા. આ નાટકમાં  સદગુણાનો

રોલ કરનાર બહેન મંજરી મજમુદાર સાથે મારા ગમતા, બે ચાર છૂટાછવાયા સંવાદો જેવા

 યાદ છે તે અહીં લખું છું. આ સંવાદો એટલા માટે યાદ છે કે મેં અરીસા સામે ઉભા રહીને વારંવાર

 ગોખેલા અને એ પછી યે જીવનમાં ઘણીવાર એક્શન સાથે બોલ્યો છું. ‘ જ્યારથી તમને જોયા છે

ત્યારથી હું તો હાર્યો છું અને તમે જીત્યા છો. હવે તો તમારે તમે જીત્યા છો અને હું હાર્યો છું એટલું જ

જાહેર કરવાનું.’‘અશરીરી, અલૌકિક પ્રેમ ન કર્યો હોય એવી એક પણ વ્યક્તિ પ્રુથ્વીના પટ પર જીવતી

 હોય એવું તમે માનો છો, સદગુણાજી ?’‘પ્રિયતમાના પ્રથમ દર્શન  લગી પણ રાહ જોઇ ન શકનાર

પ્રેમીનો એક માત્ર સંતોષ તો પોતે ન્યારો, અનેરો, અનોખો જ હોય ને ?’– તમે આ સંવાદો અરીસા

 સામે ઉભા રહી ભાવપ્રદર્શન  સહિત, હાથ લાંબા ટૂંકા કરીને બોલી જો જો. તમને મજા આવી જશે.

આ નાટક અમદાવાદના મંગળદાસ ટાઉનહોલમાં તારીખ ૨૯ અને ૩૦ ઓક્ટોબર ૧૯૬૪ના બે

દિવસો દરમ્યાન ભજવવામાં આવેલું અને ટીકીટના દર રુપિયા બે, ત્રણ અને પાંચ રુપિયા હતા

 એવું ફોટાઓની પાછળ લખેલી વિગતમાં જણાય છે.

Navin Banker http://navinbanker.gujaratisahityasarita.org/

Phone No: 713 771 0050

હ્યુસ્ટનમાં કવ્વાલીનો કાર્યક્રમ

June 14th, 2012 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાં કવ્વાલીનો કાર્યક્રમ

૨૦ એપ્રિલ ૨૦૧૨ને શુક્રવારની રાત્રે, હ્યુસ્ટનના વી.પી.એસ.એસ.હોલના વિશાળ સભાખંડમાં ગુજરાતી સમાજઓફ હ્યુસ્ટન દ્વારા કવ્વાલીનો એક ભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો. ભારતથી આવેલા ગિરીશકુમાર કવિશ્વર(બારોટ)ના ગ્રુપે આ કાર્યક્રમને ‘બોલીવુડ હંગામા’ શિર્ષક હેઠળ પ્રસ્તુત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન રોકી નામે ઓળખાતા કોઇમુસ્લીમ કલાકારે સુપેરે સંભાળ્યું હતું.ગાયક કલાકારો શ્રી. ગિરીશ બારોટ, કુણાલ મહંત, મયુરિબેન પાતળીયા અને રોકીએ હિન્દી ફિલ્મોના પરદે રજૂ થઈ ચૂકેલી ખૂબ જાણીતી કવ્વાલીઓ રજૂ કરીને પ્રેક્ષકોની વાહ વાહ મેળવી હતી.

મોગલે આઝમ, ધર્મા, દિલ હી તો હૈ, હંસતે ઝખમ, ઝંઝીર, વક્ત, ખિલૌના, સરફરોશ, હમ કિસીસે કમ નહીં, જેવી ફિલ્મોની જાણીતી કવ્વાલીઓ ઉપરાંત કેટલીક ગૈર ફિલ્મી કવ્વાલીઓ પણ પ્રસ્તુત કરીને પ્રેક્ષકોને રંગમાં લાવી દીધા હતા.વક્તની ‘મેરી જોહરાજબીં’ ની રજૂઆત વખતે પ્રેક્ષકગ્રુહમાંથી બે-ત્રણ યુગલોને સ્ટેજ પર બોલાવી ધમાલ મચાવી દીધી હતી. ‘યે ઇશ્ક ઇશ્ક હૈ,ઇશ્ક ઇશ્ક’ જેવી માઇલસ્ટોન કવ્વાલી , ‘ધમાધમ મસ્ત કલંદર’ ‘ઝુમ બરાબર ઝુમ શરાબી’ જેવી કવ્વાલીઓ પર તો પ્રેક્ષકો ખરેખર ઝુમી ઉઠ્યા હતા.

વાદ્યવ્રુંદમાં તબલા પર શ્રી. વસંત સોલંકી, કીબોર્ડ પર શ્રી. જયેશ રાવલ, અને ઓક્ટોપેડ પર શ્રી. પંકજ રાવલે સાથઆપ્યો હતો. ફીમેલ વોઇસમાં મયુરિ પાતળીયાએ શુભ્ર ધવલ વસ્ત્રપરિધાન કરીને પોતાના મધુર કંઠે સાથ આપ્યો હતો.

કાર્યક્રમના નેશનલ પ્રમોટર શીકાગોવાળા શ્રીમતી ભાવનાબેન મોદી અને લોકલ પ્રમોટર ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનને આવો સુંદર કાર્યક્રમ રજૂ કરવા બદલ અભિનંદન.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી સમાજના કુશળ પ્રેસિડેન્ટ શ્રીમતી નિશાબેન મીરાણી અને તેમની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી.

 

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

‘યાદોંકી બારાત’

June 14th, 2012 Posted in અહેવાલ

 

તારીખ ૧૩મી મે ૨૦૧૨ને રવિવારની રાત્રે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર (જૂના)માં ફર્સ્ટ આઈડોલ અભિજીત સાવંત ની નેતાગિરી હેઠળ યાદોંકી બારાતશિર્ષક હેઠળ, હિન્દી ફિલ્મોના જૂના ગીતોનો એક અતિસુંદર યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો.ખૂબસુરત યુવાન અભિજીત સાવંતે બ્લેક ડ્રેસમાં એન્ટ્રી મારીને એક અજનબીસે મુલાકાત હો ગઈ‘, હમેં તુમસે પ્યાર કિતના,યે હમ નહીં જાનતે‘,જેવા સદાબહાર ગીતોથી શરુ કરીને કિશોરકુમાર અને મન્ના ડે એ ગાયેલા જાણીતા ગીતોનો રસથાળ પિરસી દીધો.શ્રીકાંત નારાયણ નામના ગાયકે પણ મોહમ્મદ રફીના કંઠે ગવાયેલા ગીતો રજૂ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા-ખાસ કરીને શમ્મીકપૂરની ભૂમિકાવાળા રફીસાહેબના ગીતોએ તો શ્રોતાઓને પણ નાચતા કરી મૂક્યા હતા.દિપાલી સાઠે અને શ્રૂતિ રાણે નામની બે યુવાન ગાયિકાઓએ પણ લતા મંગેશકર અને આશા ભોંસલેના કંઠે ગવાયેલા જૂના ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા.કવિતા નલવા નામની ઉંચી,ગોરી,પાતળી ખૂબસુરત યુવતિએ એંકર તરીકે દર્શકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા.મીલીંદ દાભોલકરે ઇલેક્ટ્રીક ઓર્ગન પર,રીચાર્ડે ગીટાર પર, રવિ મોરે એ ઓક્ટોપેડ પર,સંતોષ મોરે એ ઢોલક પર અને શેખર સરફરે એ ડ્રમ પર સાથ આપીને સભાખંડને ગજવી દીધું હતું.સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.

રાત્રે આઠના ટકોરે શરુ થયેલો કાર્યક્રમ બાર વાગ્યે પુરો થયો ત્યારે શ્રોતાઓ જૂની તર્જોને ગણગણતા વિખરાયા હતા.

આવો સુંદર બેમિસાલ કાર્યક્રમ રજૂ કરવા બદલ નેશનલ પ્રમોટર શ્રી. ચકુભાઇ અને લોકલ પ્રમોટર શ્રી. જગદીશ દવે  અભિનંદનના અધિકારી છે.

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

હ્યુસ્ટનમાં ‘પ્રચલિત ગૂર્જર સૂર’ કાર્યક્રમ

May 11th, 2012 Posted in અહેવાલ
c
 
સંસ્કાર-નગરી હ્યુસ્ટનમાં આમ તો ગીત-સંગીતના કાર્યક્રમો અવારનવાર યોજાતા જ રહે છે અને અહીંના ગુજરાતીઓ પણ આવા કાર્યક્રમોને મનોરંજન માનીને  માણવા ઉમટી પડતા હોય છે.
પાંચમી મે ને શનિવારે સાંજે હ્યુસ્ટનના જ એક કવિ, નાટ્યકાર, ગઝલકાર  અને ગાયક એવા શ્રી.મનોજ મહેતા અને તેમના ગાયિકા સહધર્મચારિણી કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને  લગભગ
સિત્તેરેક જેટલા સાહિત્ય-સંગીતપ્રેમી ભાવકોની હાજરીમાં પ્રચલિત ગૂર્જર સૂરનામનો સુગમ સંગીતનો અતિ સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો.મનોજ અને કલ્પના મહેતા ઉપરાંત મૂકેશ જેવો જ કંઠ ધરાવતા શ્રી. ઉદયન શાહ અને સ્વરકિન્નરી સ્મિતા વસાવડાએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.શ્રી. અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય,બરકત વિરાણી, ગની દહીંવાલા, હરીન્દ્ર દવે, રાવજી પટેલ, આદીલ મન્સૂરિ જેવા ખેરખાંઓની ખૂબ જાણીતી રચનાઓને  આ કેળવાયેલા ગાયકોએ પોતાનો કંઠ આપીને શનિવારની સાંજને યાદગાર બનાવી દીધી હતી.
ઉમા નગરશેઠે પ્રાસંગિક વક્તવ્ય અને આવકારવિધી કર્યા બાદ,યજમાન ગાયક શ્રી.મનોજ મહેતાએ નટરાજ સ્તૂતિથી કાર્યક્રમની શરૂઆત કરી અને સ્વરકિન્નરી સ્મિતા વસાવડાએ શ્રી. અવિનાશભાઇની જાણીતી રચના માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યોરજૂ કરી.મનોજ અને કલ્પનાએ નરસિંહ મહેતાનું વૈશ્નવજન તો તેને રે કહીએગાયું. મ્રુત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની કોમળતા વર્ણવતી, રાવજી પટેલની ક્રુતિ મારી આંખે કંકુના સૂરજ આથમ્યામનોજ મહેતાના કંઠે રજૂ થતાં, ઘણા ભાવકોની આંખો ભીંજાઇ ગઈ હતી.ઉદયન શાહના ધીર ગંભીર કંઠે ,અવિનાશભાઇની રચના ચાલ્યા જ કરું છુંતથા બરકત વિરાણીની રચના નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમેરજૂ થયા પછી સ્મિતાજીએ રામ તમે સીતાજીને તોલે ના આવોરજૂ કરી હતી.આ ગીત ઘણી સ્ત્રી-ગાયિકાઓને કંઠે સાંભળવાનો મોકો આ લખનારને મળ્યો છે, પણ સ્મિતાજીને કંઠે સાંભળીને તો ધન્યતાનો અનુભવ થઈ ગયો.અવિનાશભાઇના મારે પાલવડે બંધાયો જશોદાનો લાલોસ્મિતાજીના કંઠે રજૂ થતાં,ભાવવિભોર શ્રોતાઓએ તાળીઓના તાલે સાથ આપ્યો હતો.
મનોજ મહેતાએ ગની દહીંવાલા રચિત અને પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વરાંકિત દિવસો જૂદાઈના જાય છેરજૂ કરી હતી શ્રી. મનોજ મહેતાએ. કલ્પના અને મનોજે કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળીગાઇને તો શ્રોતાઓને ભાવવિભોર કરી મૂક્યા હતા.
ત્યારપછી તો…મારી વેણીમાં ચારચાર ફૂલ‘,’પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા‘,નીલગગનના પંખેરુ‘, ‘તારી આંખનો અફીણી‘, ‘નૈને નૈન મળે જ્યાં છાના‘,’ખોબો માંગું ને દઈ દે દરીયો,એવો મારો સાંવરિયો‘. હવે સખી નહીં બોલું, નહીં બોલું રે‘,’સજન મારી પ્રીતડી સદીયો પૂરાણીજેવી રચનાઓનો જાણે સાગર ઉમટ્યો….અને…છેલ્લે..સ્વ. આદીલ મન્સૂરિની અમર રચનાનદીની રેતમાં રમતું નગર મળે ના મળેસુધી પહોંચીને કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
 કોઇ ગીત કે કવિતા જ્યારે કાગળ પરનું સ્થાન છોડીને કોઇ સારા ગાયકના કંઠથી રેલાય ત્યારે તે સામા માણસને સ્પર્શે છે અને હૈયા સોંસરવું ઉતરી જાય છે. અવિનાશભાઇએ  ગુજરાતને ગાતું કર્યું અને પુરુષોત્તમે ગુજરાતને  કવિતાને ચાહતું કર્યું  .સ્મિતાબેન પાસે ગીતના ઉપાડની એવી તાઝગી છે કે એ ગીત, એકવાર એમના કંઠે સાંભળો પછી એ ગીત તમારા હોઠ પર રમવા માંડે છે.હરીન્દ્ર દવેનું ગીત પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાએ આવું જ એક ગીત છે. હ્યુસ્ટનના ગુજરાતી સંગીતપ્રેમી શ્રોતાઓ કાવ્ય, ગઝલ અને સંગીતની થોડી સમજ સાથે શબ્દોને માણી શકે છે.
 સંગીતના કોઇપણ કાર્યક્રમમાં ગાયકોને સંગીતનો સથવારો આપવા માટે શ્રી. અમિત પાઠક તો હાજર હોય જ.સુસજ્જ કલાકારોને સુયોગ્ય વાતાવરણ શ્રી. અમિત પાઠકે આપ્યું હતું.   થેન્ક્સ અમિત.
 
યજમાન દંપતીએ મહેમાનોને  સ્વાદીષ્ટ ભોજન જમાડીને  વિદાય આપી હતી.
મનોજ મહેતા અને તેમના સાથી કલાકારો, ગીત-સંગીતના સથવારે માતૃભાષાની સેવા કરતાં કરતાં મીઠાં મનોરંજન દ્વારા હ્યુસ્ટનના કદરદાન સાહિત્યરસિક શ્રોતાઓના જીવનની કેટલીક પળો પર સૂરીલા હસ્તાક્ષર કરી ગયા.
અસ્તુ…
નવીન બેન્કર
૭ મે ૨૦૧૨
 
 Navin Banker

મારા, સાઇકલ સાથેના સંસ્મરણો

મારા, સાઇકલ સાથેના સંસ્મરણો
મને  મારી જૂનીપુરાણી સાયકલ યાદ આવી ગઈ.૧૯૫૮ની સાલમાં હું મેટ્રીકમાં ( S.S.C.)માં હતો ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને છાપાં નાંખવા જતો હતો. મારી પાસે સાયકલ લાવવાના પૈસા ન હતા. એ વખતે નવી હર્ક્યુલસ સાયકલ બસ્સો રુપિયામાં મળતી અને રેલે સાયકલ અઢીસો રુપિયામાં. હું કડકડતી ઠંડી હોય કે વરસતો વરસાદ,ઉઘાડા પગે,સાંકડીશેરીથી ખાડીયા,સારંગપુર થઈને, રેલ્વે સ્ટેશને જતો.સંદેશ‘, ગુજરાત સમાચારઅનેજનસત્તાની થોકડી લઈને દોડતો,સારંગપુર દરવાજા, સારંગપુર ચકલા,રાયપુર ચકલા, ઢાળની પોળ, માંડવીની પોળ, માણેકચોક થઈને ગ્રાહકોને છાપાં આપી આવતો.થોડાક છૂટક પણ વેચતો.ચંપલ પહેરવાથી ઝડપથી દોડી ના શકાય અને પટ્ટી તૂટી જાય તો રીપેર કરવાનો એક આનો આપવો પડે ! એક પળે મને સાયકલ ખરીદવાની ઇચ્છા થઈ અને જેમતેમ કરીને ચાલિસ રુપિયા ભેગા કરીને એક સેકન્ડહેન્ડ સાયકલ ખરીદી હતી.એ સાયકલની સાથે મારી કેટકેટલી યાદો જોડાયેલી છે !
એ સાયકલ પર મારા નાના ભાઇ વીરુના જન્મ વખતે હું મારી બાને દેડકાની પોળની હોસ્પિટલમાં ટીફીન આપવા જતો હતો..નાનકડા વીરુને આગળના દંડા પર બેસાડીને હવામાં ઉડતો હતો અને વીરુ સાયકલની ઝડપથી ડરીને રડવા લાગતો એ જોઇને મને મઝા આવતી હતી.  એ સાયકલની આગલી સીટ પર પ્રેમિકાઓથી    માંડીને પત્નીને બેસાડીને જે લહેર કરી છે તેની યાદો અત્યારે આ વાર્તા વાંચતાં નજર સમક્ષ તાદ્ર્યુશ થઈ ગઈ.પાલડીથી મણીનગર સ્ટેશને સાયકલ પર જઈને સાયકલને  સાયકલ-સ્ટેન્ડ પર મૂકી ,ગુજરાત એક્ષપ્રેસમાં વડોદરા અપ ડાઉન કરતો..પત્નીને સાયકલ પર ડબ્બલ સવારીમાં બેસાડીને છેક પાલડીથી સરસપુરના આંબેડકર હોલમાં અમે અમદાવાદીનાટક જોઈને રાત્રે એક વાગ્યે પાછા સરસપુરથી પાલડી આવેલા..પાલડીથી સરખેજના સપનાસિનેમામાં તો ઘણા પિકચરો  ડબલસ્વારીમાં જઈને જોયાનું સ્મરણમાં છે.આખા અમદાવાદ શહેરના રસ્તાઓ એ સાયકલ પર ખૂંદી વળતો હતો. એ સાયકલ પર, જમાલપુરના મુસ્લીમ વિસ્તારમાં હુલ્લડો વખતે માર ખાઇને અધમુવો પણ થઈ ગયાનું સ્મરણ છે.
     ખૂબ ખૂબ સ્મરણો છે મારી એ સાયકલના..૧૯૮૦માં હું અમેરિકાથી અમદાવાદ પાછો ગયેલો ત્યારે પણ અમે બન્ને, સાયકલ પર ડબલસવારીમાં જ ફરતા અને સોસાઈટીવાળાઓ મશ્કરી કરતા.
 એક રમૂજી ઘટના કહી દઊં.
૧૯૮૦માં મારી નાની બહેન  સુષમા માટે પસંદ કરેલા છોકરાને જોવા માટે અમે-હું અને મારી પત્ની-મારી બહેન દેવિકાના ફ્લેટ પર આંબાવાડીમાં સાયકલ પર ગયેલા. વેવાઇપક્ષના સભ્યો સાથે વાતચીત કરી, ચા-પાણી પીને પાછા ફરતાં કોઇએ પુછ્યું-‘ ‘તમે વેહિકલ લઈને આવ્યા છો ને ?’
મેં હા પાડી. પુછનારે કહ્યું-તો તમને આમને ડ્રોપ કરવાનું ફાવશે ? અને..મારે સ્પષ્ટતા કરવી પડી કે અમે તો સાયકલ પર ડબ્બલસવારીમાં આવ્યા છીએ‘.
૧૯૮૩ની સાલમાં હું આ રીતે ડબલસવારીમાં એલિસબ્રીજના લક્કડીયા પુલ ના ઢાળ પરથી ટાઉનહોલ બાજુ જતો હતો ત્યારે ઢાળ ચડાવવામાં મને શ્રમ પડતો જોઇને બકુએ કહ્યું-હું ઉતરી જઊં છું અને ઢાળ ચઢીને આગળ આવું છુ.કહીને એ ઉતરી ગઈ. અને હું મારી ધૂનમાં ને ધૂનમાં પેડલો મારતો આગળ વધતો ગયો. મેં એની વાત સાંભળી જ નહોતી. એ ઉતરી ગઈ એ પણ મને ખબર નહોતી પડી.આમે ય એ હંમેશાં આવી  જ દુબળી પાતળી રહી છે. ક્યારેય એનું વજન ૧૧૦ કે ૧૧૫થી વધ્યું જ નથી. આજે સીત્તેર વર્ષની વયે પણ એ પાતળી પરમારજ રહી છે.
હું તો પેડલો મારી મારીને છેક ટાઉનહોલ સુધી પહોંચી ગયો. જ્યારે મને ખ્યાલ આવ્યો કે મારી બકુ સાયકલ પર નથી તો મને ધ્રાસ્કો પડ્યો કે પુલ પરથી એ નદીમાં પડી તો નથી ગઈ ને ! હું પાછો ફર્યો. તો..એ સાઇડ પરની પગથી પરથી ચાલતી ચાલતી આવતી હતી. મેં સાઇકલનું ગવર્નર ઘૂમાવ્યું ને એને બેસાડી દીધી.
આ સાયકલને એક વાર એક્સિડંટ થયો હતો અને એનું આગળનું વ્હીલ અને ગવર્નર કચડાઇ ગયા હતા.નસીબજોગે મને થોડા ઉઝરડા સિવાય કોઇ ખાસ ઇજા થઈ ન હતી. મારી સાઈકલની એ હાલત જોઇને મેં એક ટૂંકી વાર્તા લખી હતી-એ કચડાઇ ગઈ‘ , જે એ જમાનામાં ચાંદનીવાર્તામાસિકમાં પ્રસિધ્ધ થઈ હતી.
સાઇકલ તો મને એટલી પ્રિય કે હ્યુસ્ટનમાં નવો નવો આવેલો ત્યારે વેસ્ટહેમર અને ફોન્ડ્રનના કોર્નર પરના એક પોન શોપમાંથી યુઝ્ડ બાઈસીકલ ચાલીસ ડોલરમાં ખરીદી લાવીને એકાદ વર્ષ સુધી મેં ચલાવેલી. જૂના મહાત્મા ગાંધી સેન્ટરમાં સાઇકલ ચલાવીને જઈને, નવરાત્રિના પ્રોગ્રામ વખતે ખંજરી વગાડ્યાનું પણ મને યાદ છે.
૧૯૯૭માં ઘૂંટણના ઓપરેશન પછી પણ હું સાઇકલ ચલાવતો હતો અને મારે ફાંદ નહોતી.
છેલ્લી વખત મેં સાઇકલ ચલાવી-૨૦૦૮ના ફેબ્રુઆરિમાં. ગયા  વર્ષે હું અમદાવાદ ગયો અને સાઇકલ-સ્વારી કરી તો ત્રણ વખત ગબડી પડ્યો. એવું જ એક્ટીવા અને સ્કૂટરમાં થયું. ડોક્ટરે કહ્યું  નવીનભાઇ, તમારા બન્ને પગનું બેલેન્સ નથી રહ્યું.હવે ક્યાં તો સ્કૂટરને  પાછળ બીજા બે પૈડા નંખાવો અથવા ફોર વ્હીલર જ ખરીદી લો.હવે ઇકોતેર તો પુરા થઈ ગયા ને ! અને ૩૦ વર્ષ અમેરિકામાં રહ્યા છો તો પૈસાને શું કરશો ?  ગાડી લઈ લો અને ડ્રાઇવર રાખી લો !
હું એ દિવસે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડ્યો હતો. હું એ લોકોને કેમ સમજાવું કે મને જે આનંદ, થ્રીલ સાઇકલમાં આવે છે એ કાર ચલાવવામાં નથી આવતો !
ગયા જાન્યુઆરિથી માર્ચ માસ દરમ્યાન હું અમદાવાદમાં બસ અને રીક્ષામાં મુસાફરી કરતો હતો ત્યારે મેં મારી એ સાઇકલોને ખૂબ ખૂબ મિસ કરી હતી.
આજે ય જીમમાં જઈને સ્ટેન્ડીંગ સાઇકલ પર પેડલ મારું છું ત્યારે પણ મારું મન ભરાઇ આવે છે.
અને…મન ગાઇ ઉઠે છે-વો દિન યાદ કરો..વો હંસના ઔર હંસાના…
૧૩મી મે ૨૦૧૨ થી ૧૩મી મે ૨૦૧૩ સુધીનું એક વર્ષ અમારું
પ્રસન્ન-દાંપત્ય સુવર્ણજયંતિ વર્ષ છે- ગોલ્ડન જ્યુબીલી..૫૦મું વર્ષ…
શ્રીરામ…શ્રીરામ…
નવીન બેન્કર
૭ મે ૨૦૧૨
આપના પ્રતિભાવો આવકાર્ય છે.

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.