મારા દિલની વાતો
મારી મર્યાદાઓની વાત ( My Limitations )
મને કોમ્યુટર પર ગુજરાતીમાં લખવાનો ચસ્કો પડી ગયો છે.જેમજેમ હું ઝડપથી લખવા માંડું છું તેમ તેમ મને મઝા આવે છે.પ્રમુખ પેડ પર લખું,તેને ‘WORDS’ માં સેવ કરું અને પછી ‘કટ.કોપી અને પેસ્ટ‘ની મદદથી ઇ-મેઇલમાં મિત્રોને મોકલું.બસ…કોમ્પુટર અંગેની મારી મઝા આટલી જ. અન્ય લેખકો /કવિઓની વેબ સાઈટ પર કે બ્લોગ પર જઈને કશું ય વાંચવું મને ના ગમે. કોમ્પ્યુટર પર ગીતો સાંભળવા કે નાટકો /ફિલ્મો જોવાની મારી વૃત્તિ જ નહીં. નાટકો સ્ટેજ પર ભજવાતા જોવાના. ફિલ્મો સિનેમા-થિયેટરોમાં જઈને પાંચ-પચાસ માણસો સાથે જોવાની અને છપાયેલા પુસ્તકો પલંગમાં સુતાં સુતાં કે સોફામાં બેસીને વાંચવાના મને ગમે.
કોમ્પ્યુટરની સામે બેસીને ઝળાંહળાં સ્ક્રીન પર કશું ય વાંચવું મને ઇરીટેટ કરે છે.મારી પત્ની પણ ઘડી ઘડી આવીને મને કોમ્પ્યુટર પરથી ઉઠાડવા ઘાંટા પાડતી હોય. પણ સાલુ આ કોમ્યુટર પર ઇ-મેઇલો વાંચવાનું અને તેના જવાબો ગુજરાતીમાં લખવાનું એક વળગણ ( Obsession) થઈ ગયું છે.
છેલ્લા ઘણા સમયથી હું , નવલિકા, લઘુનવલ કે કાવ્ય- કશું પણ સર્જનાત્મક સાહિત્ય લખી શક્યો નથી.૧૯૬૩થી ૧૯૬૬ ના સમયગાળા દરમ્યાન મેં કેટલાક કાવ્યો લખ્યા હતા એમ હું માનતો હતો. પણ જેમ જેમ હું મહાન કવિઓની ક્રુતિઓ વાંચતો અને સમજતો ગયો તેમ તેમ મને લાગ્યું કે મેં લખેલા એ કાવ્યો ન હતા પણ મારી ઊર્મિઓને વ્યક્ત કરતા, પ્રાસાનુપ્રાસ મેળવીને છોકરીઓને એ ઉંમરમાં એટ્રેક્ટ કરવા કે ઇમ્પ્રેસ કરવા બનાવેલા જોડકણા માત્ર હતા. આજે ય, મારા મિત્રો સમક્ષ, હું એ જોડકણા જેવા કાવ્યો રજૂ કરું છું અને પચાસ-પંચાવન વર્ષ પહેલાના મારા ‘પ્યાર’ની ગુલબાંગો ફેંકીને હું આનંદ મેળવું છું. પણ એને કાવ્યો કહેવાની મારી હિંમત નથી એટલે અમારી સાહિત્ય સરિતા જેવી સંસ્થાઓની મીટીંગ વખતે ચૂપ રહું છું.
૨૦-૨૨ વર્ષની વયે લખાયેલી ટૂંકી વાર્તાઓમાં, મારા નિષ્ફળ પ્રણયની અભિવ્યક્તિ જ હતી એવું અત્યારે આ ઉંમરે લાગે છે. કોઇ ગમી ગઈ કે એની સાથે થોડીક પળો વિતાવવા મળી હોય તો એની યાદો કાગળ પર ઉતારીને વાર્તા લખાઇ જતી અને એ જમાનામાં, અશોક હર્ષ, પીતાંબર પટેલ, ભગવતીકુમાર શર્મા, જેવા સાહિત્યકારોના પીઠબળથી, ‘ચાંદની’,’આરામ’, ‘મહેંદી’, ‘સવિતા’, મુંબઇ સમાચાર, જન્મભૂમિ, ‘શ્રીરંગ ડાયજેસ્ટ’, ‘સ્ત્રી’, ‘શ્રી’ જેવા સામયિકોમાં પ્રસિધ્ધ થતી. ‘નવચેતન’ ના સ્વ. શ્રી. ચાંપશી ઉદ્દેશીએ પણ મને ખુબ સાથ અને માર્ગદર્શન આપેલું અને એમના ખ્યાતનામ માસિકમાં, ગુજરાત અને મુંબઇના જાણીતા નાટ્યકલાકારો અને ગુજરાતી ફિલ્મ કલાકારોના ઇન્ટર્વ્યૂ લેવાનું કામ સોંપેલું અને ૧૯૭૧-૭૨ના વર્ષોમાં, દરેક અંકમાં, મારી એ મુલાકાતોના અહેવાલ પ્રસિધ્ધ કરતા.
બહોળા કુટુંબના જીવનનિર્વાહ માટે, મારી અલ્પ આવક પર્યાપ્ત ન હતી એટલે, બે છેડા ભેગા કરવા માટે, પોકેટબુકો લખવી શરુ કરેલી. ક્રાઉન૧૬ ની સાઇઝના ૯૬ પાનાંની દરેક પોકેટબુક માટે મને એ જમાનામાં સોએક રુપિયા મળતા. કેટલીક મારા પોતાના નામથી લખેલી. કેટલીક વિવિધ ઉપનામોથી લખાયેલી. એ જમાનાના, ‘જયભારત પ્રકાશન’, ‘ગાઇડ પોકેટબૂક્સ’ ‘રુપાંગના પબ્લીકેશન્સ’, ‘મમતા પ્રકાશન’ જેવા નાના નાના પ્રકાશકો એ બધું છાપતાં. મારી આ પોકેટબૂક્સ કોઇ સાહિત્યીક ગુણવત્તા ધરાવતી લઘુનવલો ન હતી, પણ એસ.ટી.માં, ટાઇમ પાસ કરવા માટે વંચાતી, રોમેન્ટીક પ્રણયકહાણીઓ હતી એવું આજે સમજાય છે. પણ લોકોને એ ગમતી અને મારી છાપ રસિક મહેતા કે કોલકની કક્ષાની છે એમ કહેવાતું. એ જમાનામાં, આજની ખ્યાતનામ લેખિકા કાજલ ઓઝા-વૈદ્યના પિતાશ્રી દિગંત ઓઝા, સ્વરુપ સેક્સ ક્યોરવાળા ડોક્ટર સ્વરુપ ( સાચું નામ રામસ્વરુપ શર્મા ), અસગર ભાવનગરી, મારા મિત્રો હતા.
મારી છપાયેલી ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ, મૂળશંકર મો. દવે એ, ભારતી સાહિત્ય સંઘ નામની પ્રકાશન સંસ્થાના નેજા હેઠળ, ‘પરાઇ ડાળનું પંખી’ ૧૯૭૧માં પ્રસિધ્ધ કરેલો. એ એક ઉલ્લેખનિય સિધ્ધી ગણું છું.
સેક્સ-વિષયક છપાયેલી વાર્તાઓના પણ ચારેક વાર્તાસંગ્રહો નાના નાના પ્રકાશકોએ છાપેલા. પણ એનું સાહિત્યિક મૂલ્ય ન હોવાને કારણે આજે મને એનો ઉલ્લેખ કરવો ગમતો નથી. જો કે, આજે મેં એ બધું સાચવી રાખ્યું છે, કારણ કે ગમે તેમ પણ મારું તો એ સર્જન છે. મારા ‘સંતાનો’ છે એ પુસ્તકો. ખુબ અંગત રસિક મિત્રો ક્યારેક એ વાંચવા લઈ જાય છે, પણ સમયસર પરત નથી કરતા એટલે મારો જીવ ઉંચો રહે છે અને હું કોઇને પણ વાંચવા આપવાનું ટાળું છું.
આજે, ૨૦૧૪ના જન્યુઆરિમાં, માત્ર કોમ્યુટર પર ગુજરાતીમાં લખવાનો આનંદ હું માણું છું.
સાહિત્ય શિબિરોમાં, મૂક શ્રોતા તરીકે સાંભળું છું. શક્ય હોય ત્યાં સુધી ચૂપ રહેવું પસંદ કરું છું.આટલા વર્ષોમાં વિવિધ સંસ્થાઓ સાથે માત્ર એક વોલન્ટીયર તરીકે જ કામ કર્યું છે. ‘પ્રેસિડેન્ટ’, ‘સેક્રેટરી’ ‘ટ્રેઝરર’ ‘ટ્રસ્ટી’ જેવા રુપાળા પદનો મોહ ક્યારેય રાખ્યો નથી. કોઇ ઇલેક્શન્સમાં ઉભો રહ્યો નથી.
મેં ખુબ નાટકો જોયા છે. નાટ્યકલાકારોનું આતિથ્ય માણ્યું છે. નાટકોના અવલોકનો લખ્યા છે. આજે ય, અમદાવાદ જઈશ ત્યારે પણ મારી દરેક સાંજ તો ઠાકોરભાઇ દેસાઇ હોલ પર જ વિતાવવાની છે.
ઉંમરને કારણે, શરીરના અંગોની કાર્યક્ષમતા ઘટવા લાગેલી હું અનુભવી શકું છું. અશક્તિ વર્તાય છે. બાલાશંકર કંથારુયાની ગઝલ ‘ગૂજારે જે શીરે તારે’ની પંક્તિઓ હર પળે યાદ આવે છે અને એ રીતે જીવન ગોઠવવાનો પ્રયત્ન કરું છું.
મંદીરો, મૂર્તિપૂજા, દેવસ્થાનોની મુલાકાતો જેવી બાબતો પ્રત્યે મને આસ્થા નથી. પત્નીની લાગણી ન દુભાય એટલા ખાતર એને એ બધી બાબતોમાં સાથ આપું છું.
મૃત્યુ પછી મારા દેહને હોસ્પિટલમાં દેહદાન કરવાની મારી ઇચ્છા છે,પણ મારી પત્ની એમ નહીં કરે એની મને ખાત્રી છે. છતાં, જો મારા અવસાન પહેલાં મારી પત્નીનું અવસાન થાય તો ચોક્કસપણે,આ શરીરનું દેહદાન કરવા અંગે મેં વીલ કરેલું છે.
જો કે આજે ય, ચશ્મા વગર હું કાર ચલાવી શકું છું, રાત્રે પણ ડ્રાઇવ કરું છું, લાયબ્રેરીમાં ચાર ચાર કલાક બેસીને પુસ્તકો વાંચું છું, ફિલ્મી મેગેઝીનોની ચટાકેદાર વાનગીઓનો રસાસ્વાદ કરી શકું છું. ફિલ્મોના રોમેન્ટીક દ્ર્ષ્યો જોતાં જોતાં, ‘મુંગેરીલાલકે સપને’ નો અનુભવ કરું છું. યુ નો વોટ આઇ મીન !! દર અઠવાડીયે થિયેટરમાં બેસીને મૂવી જોઉં છું. મોડી રાત સુધી પત્નીના સાથમાં, ઝી ટીવીની સિરીયલો અને ક્યારેક ડીવીડી પર, પસંદગીના મૂવી જોઇએ છીએ. ડાઉન ટાઉનમાં, વર્ધમ થિયેટર કે જોન્સ હોલ જેવા વિશાળ હોલમાં કોન્સર્ટ્સનો આનંદ માણું છું. ચાર-છ બ્લોક્સ ચાલીને રસ્તા ક્રોસ કરું છું. ( અમદાવાદમાં એવું કરવાની મારી હિંમત નથી ). એટલે હજી હું કાર્યશીલ તો છું જ. માત્ર કોઇ નવું ‘સાહસ’ કરવાની મારી શક્તિ નથી. એ થ્રીલ, એ એક્સાઇટમેન્ટ, એ રોમાંચ હવે રહ્યા નથી એટલું જ. ‘ નિશાળેથી નીકળી, જવું પાંસરા ઘેર’….શ્રીરામ..શ્રીરામ…
બે વર્ષ પછી, જિન્દગી હશે તો, નવીન બેન્કર એના આયુષ્યનો ‘અમૃત-મહોત્સવ’ (૭૫) ઉજવવા ભાગ્યશાળી બનશે.
નવીન બેન્કર ૫ જાન્યુઆરિ ૨૦૧૪.