એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » ‘બડે લુચ્ચે લગતે હો’ – નાટ્ય-અવલોકન

‘બડે લુચ્ચે લગતે હો’ – નાટ્ય-અવલોકન

January 5th, 2014 Posted in અહેવાલ

નાટ્ય-અવલોકન- બડે લુચ્ચે લગતે હો

કલાકારો- રુપા દીવેટિયા, મલ્લીકા શાહ, નિમેષ શાહ, માર્ગી કુલકર્ણી,જિગ્નેશ મોદી. 

૨૯ માર્ચે, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, નિમેષ શાહ પ્રોડક્શનનું, મલ્લિકા શાહ નિર્મિત, નેશનલ પ્રમોટર પરિમલ બુટાલા અને હ્યુસ્ટન ખાતેના લોકલ પ્રમોટર શ્રી. વિરેન્દ્ર દેસાઇ પ્રસ્તુત આ નાટક ભજવાઇ ગયું.

મુખ્ય ભૂમિકામાં, ‘કુસુમ‘,’કસૌટી જિન્દગીકી‘,’બ્યાહ હમારી બહુકાજેવી ખ્યાતનામ સિરીયલોથી ફેમસ થઈ ગયેલા રુપા દિવેટીયા જુવાન દીકરા-દીકરીની માતાની ભૂમિકામાં, ભારતિય કુટુંબના સંસ્કાર અને પરંપરાને જાળવે એવા સંવાદો પૂરેપૂરા ભાવથી સંભળાવે છે. માતાના પાત્રમાં હોવાં છતાં, એ કોઇ  ધોળા વાળ કે વાંકી વળી ગયેલી ડોશી દેખાતા નથી. ઓન ધ કોન્ટ્રરી, પુનર્લગ્ન માટે તૈયાર એવી વિવિધ વસ્ત્રપરિધાનમાં સુંદર દેખાતી પ્રૌઢા જેવો ઠસ્સાદાર અભિનય કરે છે. પતિ અને પત્નીના ટૂચકાઓથી નાટકની શરુઆત થાય છે. પત્નીથી દબાઇ ગયેલા કહ્યાગરા કંથની ભૂમિકામાં નિમેષ શાહ શ્યામલના પાત્રમાં તડાફડી બોલાવી દે છે.

નાટકના લેખક નિમેષ શાહ અને મલ્લિકા શાહ આ અગાઉ હયુસ્ટનમાં રોક ઓન ફઈબા‘, મારી બાયડી,ભારે વાયડી‘, ‘પત્ની નચાવે,ભગવાન બચાવેજેવા કોમેડી નાટકો લઇને આવી ચૂક્યા છે.માર્ગી કુલકર્ણી પણ મીસીસને માથે બેસાડી રાખોનાટકમાંના એમના અભિનયને કારણે જાણીતું નામ છે. પણ આ નાટકમાં એમનું પાત્ર સહાયક જેવું ગૌણ છે એટલે એમને હાજરી પુરાવવા સિવાય કશું કરવાનું રહેતું નથી.રુપાળી પત્ની પ્રિયા (મલ્લિકા શાહ) ઘરના બધા કામો કહ્યાગરા કંથ શ્યામલ ( નિમેષ શાહ) પાસે અને સાસુમા સુશીલાબેન (રુપા દિવેટિયા) પાસે કરાવતી રહે છે. દીકરા-વહુની સાન ઠેકાણે લાવવા સુશીલાબેન, પોતાના મિત્ર ભદ્રેશ ઉર્ફે ભોપલાની ( જિગ્નેશ મોદી) મદદથી પુનર્લગ્નનું નાટક કરે છે અને બાળકોને પોતાની ભૂલ સમજાવે છે. 

રુપા દીવેટિયાને મુખે બોલાયેલા સંવાદો એ આ નાટકનું હાર્દ છે. નાટકમાં બીનજરુરી ટૂચકાઓ અને ઉખાણાઓની ભરમારને કારણે નાટક ક્યાંક ક્યાંક પકડ ગુમાવી બેસે છે અને કંટાળાજનક બની જાય છે.છતાં, લેખક-કલાકાર નિમેષ શાહ એની રજૂઆતથી સંકલન કરી શક્યા છે. સંન્નિવેશ, પ્રકાશ-આયોજન અને પાર્શ્વસંગીત નભી જાય એવા છે. જાણીતા  હિન્દી ફિલ્મી ગીતોની ધૂનો પર ઠૂમકા લગાવવાનું હવે તો લગભગ બધા જ ગુજરાતી નાટકોમાં કોમન થઈ ગયું છે.. આ નાટકમાં પણ બધા જ કલાકારો પાસે જાણીતા આઇટમ સોન્ગ્સ પર કુલા મટકાવીને, ઠુમકા મરાવ્યા છે.

સેલ્સમેનના એક ગૌણ પાત્રમાં, શ્રી. પ્રદીપ મહેતા પણ હાજરી પૂરાવી ગયા. વિશાલ શાહનું પાર્શ્વસંગીત નભી જાય એવું છે.નાટકનો ટેમ્પો, છેક પ્રથમ અંકની સમાપ્તિ વખતે ભોપલા ( જિગ્નેશ મોદી)ના પ્રવેશ પછી જામે છે. બીજા અંકમાં તો જિગ્નેશ છવાઇ જ જાય છે.

આ એક એવું પ્રહસન છે કે જેનો મુખ્ય આધાર પાત્રાલેખન કે એવા બુધ્ધીગમ્ય તત્વોની અપેક્ષાએ કથાનકની કૃત્રિમ ગુંથણી અને પરિસ્થિતિઓનો લાભ લેવા પર વિશેષ છે.

ટૂંકમાં, ટૂચકાઓ, જોક્સ, ઉખાણાઓ, ઉપદેશો, સુત્રાત્મક સંવાદો ,ઠૂમકાઓ એ બધાની ભેળપૂરી એટલે બડે લુચ્ચે લગતે હો‘  નાટક.

 

નવીન બેન્કર ( હ્યુસ્ટન )

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.