એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2014 » January

રાજેશ ખન્ના અંગે- સંજય છેલનો લેખ

January 7th, 2014 Posted in સંકલન્

પહેલો સુપરસ્ટાર રાજેશ ખન્ના                                                                                       સંજય છેલ

રાજેશ ખન્ના મને ગમે છે એનાં કારણોમાંનું એક કારણ છે કે એ કવિતાનો માણસ છે અને કાવ્યોમાં નાટકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નાટકોમાં મુંબઈની રંગભૂમિ સૌથી શ્રેષ્ઠ અને ધબકતી હતી ત્યારેરાજેશ ખન્નાનો કલાકાર તરીકે જન્મ થયો અને મુંબઈની રંગભૂમિમાં પણ સૌથી વાઇબ્રન્ટ અને કલરફુલ ગુજરાતી રંગભૂમિ રાજેશ ખન્ના સાથે છેલ્લે સુધી જોડાયેલી છે. જાણે-અજાણે કદાચ રાજેશ ખન્ના ગુજરાતીઓ અને ગુજરાતી રંગભૂમિનું ગૌરવ છે. ના, એણે એકપણ ગુજરાતી નાટકમાં કામ નહોતું કર્યું, છતાંયે રાજેશ ખન્નાના સ્ટારડમમાં ગુજરાતી રંગમંચની છાપ અદૃશ્ય ફિંગરપ્રિન્ટની જેમ છે…
મુંબઈની કે. સી. કોલેજમાં રાજેશ ખન્ના નાટકો કરતા. ગુજરાતીના જાણીતા નાટ્યકાર પ્રબોધ જોશીનાં એકાંકીઓનું હિ‌ન્દી કરીને એના સંવાદો, એકોક્તિઓ બોલીને સૌને ઇમ્પ્રેસ કરતા. માધુરી-ફિલ્મ ફેર સ્પર્ધામાં જે ડાયલોગ્ઝ બોલીને રાજેશ ખન્ના સ્પર્ધા જીતેલા એ મુઝ કો યારો માફ કરનાનામના નાટકનો અંશ હતો, જે આપણા નાટ્યકાર પ્રબોધ જોશીએ લખેલા. રાજેશ ખન્નાની આખી કરિયર ગુજ્જુ લેખકને આભારી છે. તેઓ કાંતિ મડિયા, પ્રવીણ જોષી, અરવિંદ ઠક્કર વગેરેના સતત સંપર્કમાં હતા. આરાધનાની જાલિમ સફળતા પહેલાં એક ફિલ્મ આવેલી ઇત્તેફાક’. એ ફિલ્મ યશ ચોપડાએ માત્ર એક મહિ‌નામાં બનાવેલી કારણ કે ત્યારે પ્રવીણ જોષી દિગ્દર્શિ‌ત ધુમ્મસનામનું થ્રિલર નાટક સુપરહિ‌ટ હતું. એ નાટકમાં શર્મન જોષીના પિતા અને ગુજરાતીના શ્રેષ્ઠ અભિનેતા અરવિંદ જોષીએ મેઇન રોલ કરેલો. એ જ રોલ રાજેશ ખન્નાએ ઇત્તેફાકમાં કર્યો અને ફિલ્મ હિ‌ટ થઈ. 

ફિલ્મ ધુમ્મસનાટકની સ્ક્રિ‌પ્ટ પર જ બનેલી અને ત્યાં સુધી કે રાજેશ ખન્નાએ નાટક વારંવાર જોવા જતા અને ફિલ્મના સેટ પર પણ અરવિંદ જોષી જઈને રાજેશ ખન્નાને ટ્રેઇન કરતા રાજેશ ખન્નાએ બીજા કોઈપણ સ્ટાર કરતાં વધારે પ્રયોગો કરેલા, રિસ્ક ઉઠાવેલા. એમણે હાથી મેરે સાથીની સાથોસાથ આવિષ્કાર’, ‘અનુભવજેવી આર્ટ ફિલ્મો પણ કરેલી. જેમ કે ઇત્તેફાકમાં એક પણ ગીત નહોતું અને માત્ર એક જ સેટ પર બનેલી. માત્ર વાર્તા અને ખન્નાની અદાઓ પર ફિલ્મ ચાલેલી અને એ પણ ત્યારે કે જ્યારે એ નવા હતા. બાવર્ચી‍ ફિલ્મ વખતે રાજેશ ખન્ના સુપરસ્ટાર હોવા છતાં એમણે એ હિ‌રોઈન વિનાની ફિલ્મ કરેલી અનેક છોકરીઓ એમની રોમેન્ટિક ઇમેજ પાછળ પાગલ હતી છતાંય રાજેશ ખન્નાએ હાફ ચડ્ડી પહેરેલા રસોઈયાની ભૂમિકા ભજવેલી. આનંદમાં પણ કોઈ જ રોમાન્સ કે હિ‌રોઈન વિના એમણે ત્રણ ઝભ્ભા-લેંઘામાં ફિલ્મ કરેલી. આનું શ્રેય જાય છે, મુંબઈ રંગભૂમિના સંસ્કારોને.

અમિતાભ અને રાજેશ ખન્નાની યાદગાર ફિલ્મ નમકહરામઅને કાંતિ મડિયાના નાટક આતમ ઓઢે અગનપછેડીનો વિષય એક જ હતો હૃષીદા, રાજેશ ખન્ના અને અમિતાભને નાટકના શોમાં સાથે જોયાનું મને ધૂંધળું ધૂંધળું યાદ છે. મારી ફિલ્મ ક્યા દિલને કહા,’જેમાં રાજેશ ખન્ના ઉર્ફે કાકાએ મહેમાન કલાકારની ભૂમિકા ભજવેલી, એ વખતે કાકા મને સતત કિશોર ભટ્ટ, અમૃત પટેલ વગેરે કલાકારો વિશે પૂછતા અને આંતર કોલેજ નાટ્યસ્પર્ધાની જૂની વાત કરતા. જી હા, વિજય આનંદથી લઈને અમજદ ખાન, શફી ઈનામદાર, પરેશ રાવલ, આમિર ખાન સુધીના કલાકારો ભવન્સ કોલેજ, ચૌપાટીની સ્પર્ધામાંથી બહાર આવ્યા છે. રાજેશ ખન્ના પણ જતીન ખન્નાના નામે એ સ્પર્ધામાં ભાગ લેતા અને અમજદ ખાન, રમેશ તલવાર જેવા કલાકારો દિગ્દર્શકો સામે સ્પર્ધા જીતતા કે હારતા.

રાજેશ ખન્ના લાંબા લાંબા ડાયલોગ્ઝ બોલતા કે વાતવાતમાં કવિતાઓ ટાંકતા કારણ કે એ રંગભૂમિની પ્રોડક્ટ છે. એમની બાંકી અદા, એક મુદ્રામાં ચાલવું, ઉતારચઢાવ એ બધું થિયેટરની દેન છે. વી. કે.શર્મા નામના હિંદીના જાણીતા દિગ્દર્શકે કાકાને તૈયાર કર્યા અને પછી એ જ વી. કે. શર્માને એમના આખરી શ્વાસ સુધી રાજેશ ખન્નાએ નિભાવ્યા. આવી ગુરુભક્તિ લાગણી માત્ર નાટ્ય કલાકારોમાં જ હોય છે. બાકી, મીંઢા ફિલ્મવાળાઓ તો ફિલ્મ ફ્લોપ થયા પછી કે કામ નીકળ્યા પછી સગા ભાઈને ભૂલીને જાય છે. રાજેશ ખન્નાની બાદશાહત, એનો ઠાઠ, એમની મહેફિલો, એનો જાન લૂંટાવી દેવાનો અંદાજ બધું જ રંગભૂમિના કલાકારના ભેખધારી મિજાજની સાક્ષી પુરાવે છે.

ઇન્ટરવલ

મૈં બાબુ છૈલા, બાબુ છૈલા, નામ હૈ મેરા પહેલા
આજ સે મૈં બન ગયા હૂં મજનુ, દેખ કે તુઝ કો લૈલા.(છૈલાબાબુફિલ્મ)

રાજેશ ખન્ના અને ગુજરાતને ઘેરો સંબંધ છે. એમની પત્ની અને બે મુખ્ય ગર્લફ્રેન્ડ ગુજરાતી. રાજેશ ખન્નાના ડિઝાઈનર, દીના પાઠકના પતિ એ પણ ગુજરાતી, રાજેશ ખન્નાને સ્ટારડમ અપાવવા માટે જે જે ફિલ્મી તિક્ડમ કરવા પડતા એ પાછળ એક ખુરાફાતી દિમાગ હતું એનું નામ તારકનાથ ગાંધી. ફિલ્મફેરના એવોર્ડને જીતવા એ સમયે કલાકારો તલપાપડ રહેતા. તારકનાથ ગાંધી નામના સ્માર્ટ પબ્લિસિટી મેનેજરે આઇડિયા કરીને એક વર્ષે ફિલ્મફેરના બધા અંક ખરીદી લીધા. સ્કૂલ-કોલેજના છોકરાઓને દસ દસ રૂપિયા આપીને ફોર્મ ભરાવ્યાં જેમાં બધી કેટેગરીમાં રાજેશ ખન્ના અને એની ફિલ્મોને જ વોટ અપાવ્યા. અફ ર્કોસ, રાજેશ ખન્ના જીતી ગયા આવું લે-વેચનું ભેજું ગુજરાતીનું જ હોઈ શકે કાકા મનમોહન દેસાઇ, કલ્યાણજી-આનંદજી, જયકિશન જેવા ગુજરાતીઓથી ઘેરાયેલા હતા. અરવિંદ ઠક્કર, છેલ-પરેશ, અમૃત પટેલના મિત્ર અને કાકાના સેક્રેટરી એવા ગુરુનામ પેન્ટ પર કુર્તો પહેરતાં અને એ સ્ટાઇલ રાજેશ ખન્નાએ અમનાવી લીધેલી અને પછી ગુરુકુર્તાનામે જગવિખ્યાત થઈ ગયેલી. આજે જેને યંગસ્ટર્સ ર્શોટ કુર્તીકહે છે એ સૌથી પહેલાં રાજેશ ખન્નાએ શરૂ કરેલી. કહેવાય છે કે ગુરુનામને એ કુર્તીનો આઇડિયા ગુજરાતી નાટકોના આર્ટડિરેક્ટર છેલ-પરેશ અને એમના મિત્રો પાસેથી મળેલો. ગુરુનામ જગદીશ શાહના ગુજરાતી નાટક અજવાળી રાત અમાસનીમાં કામ કરતા. એમણે પ્રવીણ જોષીના માણસ નામે કારાગારમાં પણ રોલ કરેલો.

રાજેશ ખન્ના, પ્રવીણ જોષી, મડિયાનાં નાટકો જોવા નિયમિત આવતા. નાટકના વિષય પર એમનું ધ્યાન રહેતું. શૈલેશ દવેનું સુપરહિ‌ટ નાટક રમત શૂન્ય ચોકડીનીજોવા રાજેશ ખન્ના આવેલા અને ફિલ્મ પણ પ્લાન કરેલી. છેક છેલ્લે આપણી રંગભૂમિ અને ફિલ્મો-સિરિયલના કલાકાર સ્વ. અમૃત પટેલની કવિતાનો સંગ્રહ પણ રાજેશ ખન્નાના હાથે ૨૦૦૪-૦પમાં પ્રગટ થયેલો. કિડનીની બીમારીથી પીડાતા સ્વ. અમૃત પટેલે અનેક સ્ટાર્સને પૂછેલું, પણ માત્ર રાજેશ ખન્ના જ દિલ્હીથી મુંબઈ આવેલા અને એ બુકની અનેક કોપીઓ પણ એમણે ખરીદેલી. 

રાજેશ ખન્નાના ચૌથામાં જે ટેપ વગાડવામાં આવેલી એ એમનો આખરી સંદેશ નહોતો, પણ ૨૦૦પમાં સ્વ. અમૃત પટેલના પુસ્તક વિમોચન દરમિયાન આપેલી સ્પીચ હતી. મીડિયા કે રાજેશ ખન્નાના આપ્તજનોએ એને આનંદફિલ્મના ક્લાઇમેક્સની જેમ જાહેરમાં વગાડીને ડ્રામા ઊભો કર્યો. એ સ્પીચમાં એમણે પ્રવીણ સોલંકી, પ્રબોધ જોશી, અરવિંદ જોશી, કિશોર ભટ્ટ વગેરેનાં નામ ગદ્ગદ થઇને લીધેલાં

ગુજરાતી રંગભૂમિનીજાણીતી અભિનેત્રી-લેખિકા નીકિતા શાહે રાજેશ ખન્ના સાથે એક હિ‌ન્દી નાટકના પ્લાન શરૂ કરેલા. એના રિહર્સલમાં રાજેશ ખન્નાને સ્ટેજ પર મન મૂકીને અભિનય કરતા આ લેખકે જોયા છે. મારી ફિલ્મ ક્યા દિલને કહામાં એમણે હીરોના બાપનો રોલ કરેલો. સામે પત્નીના રોલ માટે નામવાળી હિ‌રોઈનને લેવામાં આવે એવી રાજેશ ખન્નાની ઇચ્છા હતી, પણ પછી બજેટ-સમય વગેરે કારણોસર સ્મિતા જયકરને રોલ આપ્યો. કાકાને એ ના ગમ્યું. મેં ડરતાં ડરતાં પૂછ્યું કે તમે કહો તો સ્મિતાને ના પાડી દઈએ. ત્યારે એમણે કહેલું, ‘પાગલ હો? હમ થિયેટર વાલે હૈં. કામ નિકલવા લેંગે. કિસી કી હાયનહીં લેની
કાકાની ચઢતીના દિવસોમાં એમણે કેટકેટલાં કાવાદાવા કર્યા હશે, ‘હાયલીધી હશે, પણ તોય બેઝિકલી તો એ થિયેટરના માણસ જ હતા. 

ગુજરાતીના જાણીતા દિગ્દર્શક અરવિંદ ઠક્કરે એક એકાંકીમાં એમનો રોલ કાપી નાખેલો ત્યારે કાકાએ ચેલેન્જ આપેલી કે આજ ભલે આપ લોગ મુઝે કુછ મત સમઝો, એક દિન મેં સ્ટાર બનુંગાઅને રાજેશ ખન્ના સ્ટાર-સુપરસ્ટાર બન્યા આંધીની જેમ છવાઈ ગયા અને મુંબઈના સ્મશાનગૃહમાં વિદાય લીધીત્યારે પણ ૧૦-૨૦ હજારની મેદનીએ રોડ પર ઊભા રહીને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. બાંદ્રાથી જૂહુ સુધી ટ્રાફિક જામ થઈ ગયો, બંને બાજુ હજારો લોકો એક ઝલક માટે ઊભા હતા. એક થિયેટર એક્ટર માટે આનાથી સારો કર્ટન કોલકે પ્રેક્ષકોનું અભિવાદનશું હોઈ શકે?

અનેક મર્યાદાઓ, અનેક કમીઓ, અનેક વિરોધભાસો હોવા છતાં રાજેશ ખન્ના બહુ મોટો સ્ટાર હતો અને મોટો માણસ પણ. આજ કા એમ.એલ.એ. રામ અવતારનામની પોલિટિકલ સેટાયર ફિલ્મમાં એ કરપ્ટ નેતા બનેલા. એ જ વિષય પર અમિતાભે ઇન્કિલાબફિલ્મ કરેલી. બંને ફિલ્મ ખૂબ ચર્ચામાં. બેમાંથી કઈ ચાલશે, કઈ પહેલા રિલીઝ થશે એની હુંસાતુંસી ચાલતી. એવામાં એકવાર રાજેશ ખન્નાએ જોયું કે ફિલ્મનાં પોસ્ટરોની ડિઝાઇન બરોબર નથી. રાતોરાત દિવાકરનામના એમનાં ફેવરિટ ડિઝાઇનરને બોલાવ્યો અને પોતાના ખર્ચે આખી નવી ડિઝાઇન બનાવવાનો ઓર્ડર આપ્યો. જૂનાં પોસ્ટર કેન્સલ કરીને નવા છપાવ્યાં. પછી તો આજ કા એમ.એલ.એ.અને ઇન્કિલાબબેઉ રિલીઝ થઈ. બેઉ લગભગ ફ્લોપ ગઇ. દિવાકરને પ્રોડ્યૂસરે પોસ્ટર છપાવવાના પૈસા ન આપ્યા. દિવાકર મૂંઝાય કે કાકાને કઈ રીતે કહેવું. એક દિવસ કાકાએ એને ઘરે બોલાવ્યો. કાકાની રાતોની પાર્ટીઓ મશહૂર. વહેલી સવાર સુધી મહેફિલ ચાલે. સવારે ચાર વાગ્યે, દિવાકર જમીને ડ્રિંક લઈને જવા નીકળ્યો. કાકાની ગાડી એને ઘરે મૂકવા જવાની હતી. દિવાકરની જીભ ન ઊપડે, પૈસાની વાત કરતા. એવામાં કાકાએ અંદરથી જઈને બે લાખ કેશ આપ્યા અને કહ્યું, ‘પ્રોડયૂસરને નહીં દિયા તો કયા હૂઆ, તુમને મેરી ઝુબાં પર કામ કિયા થા.’ 

જે ફિલ્મ લાઇનમાં લીગલ કોન્ટ્રાક્ટની કોઈ વેલ્યૂ નથી અને ફિલ્મ ફ્લોપ થતાં લોકો ફોન ઉપાડતા નથી, ત્યાં કાકાએ આવી દરિયાદિલી દાખવેલી. અનેકવાર… કારણ કે? કારણ કે રાજેશ ખન્ના/જતીન ખન્ના/કાકા સુપરસ્ટાર… રંગભૂમિના માણસ હતા. રોલ નિભાવતા આવડતો હતો, છેલ્લે સુધી, કર્ટન પડે ત્યાં સુધી.

સંજય છેલ

ભાષાનો વિવેકપુર્ણ ઉપયોગ

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

ભાષાનો  વિવેકપુર્ણ  ઉપયોગ

નવીન બેન્કર 

ના…આ લેખ કોઇના પર દોષારોપણ કરવા કે આક્ષેપો કરવા લખાયેલો નથી.

આ  મારા આત્મમંથનમાંથી સર્જાયેલું નવનીત છે. 

થોડાક વર્ષો પહેલાં હું કોઇ સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે, મારી શરુઆતના એ દિવસોમાં, અમારો એક ગ્રાહક કાઉન્ટર પર આવ્યો. અમારા એની પાસે થોડાક પૈસા લેણાં નીકળતા હતા. અને.. હું એને કોમ્યુટરાઇઝ્ડ સ્ટેટમેન્ટો દર મહીને મોકલતો હતો. જેવો મેં એને કાઉન્ટર પર જોયો કે તરત હું ભડક્યો અને કડક ભાષામાં ઉઘરાણી કરી- ભઈ…તમે ઘર તો ચેઇન્જ નથી કર્યું ને ? મારા સ્ટેટમેન્ટ્સ દર મહીને તમને મળે છે ને ?..તમે યાર, જવાબ પણ નથી આપતા અને પૈસા પણ ચૂકવતા નથી….આજે- મારી મેક્સીકન સુપરવાઇઝરે તરત મને આગળ બોલતા અટકાવ્યો અને પેલા ગ્રાહકને સ-સ્મિત પુછ્યું-સર…હાઊ યુ વુડ લાઇક ટુ પે- બાય કેશ ઓર ચેક  ટૂ ડે ?’ પેલા ગ્રાહકે બીલ અંશતઃ ચૂકવી દીધું. 

એના ગયા પછી, મારી એ સુપરવાઈઝરે મને શીખામણ આપી- અલબત્ત, આ બધી વાત અંગ્રેજીમાં થયેલી પણ અત્રે હું ગુજરાતીમાં જ લખીશ.

મીસ્ટર બેની ( મને ત્યાં બધાં બેનીકહીને બોલાવતા હતા ) ,ડોન્ટ એટેક એ કસ્ટમર લાઇક ધીસ. આપણે ભાષામાં વિવેક રાખવાનો અને વિવેકપુર્ણ રીતે જ ઉઘરાણી કરવાની. નહીંતર આ તો અમેરિકા છે. ભલે એ ગ્રાહક આપણો દેવાદાર હોય અને આપણે કાયદેસર રીતે ઉઘરાણા કરવા હકદાર હોઇએ, તો પણ સ્ટેટમેન્ટમાં કે પ્રત્યક્ષ બોલચાલમાં આપણે ભાષા તો સંયમિત અને સૌજન્યશીલ જ રાખવી પડે. કલેક્શન એજન્સી પણ અમુક ભાષાનો ઉપયોગ નથી કરી શકતી, સમજ્યા ?’ 

હમણાં કોઇ ભાઇએ ઉઘરાણીના સરક્યુલરમાં લખ્યું- જો ફી નહીં ભરો તો લાત મારીને કાઢી મૂકવામાં આવશે. ( KICK OUT શબ્દનો ગુજરાતી ભાવાનુવાદ આ જ થાય ને ? ) ઉપરાંત, ‘મફતમાં ખાવાનું-પીવાનું ( No Food, No Drink શબ્દોનો અર્થ પણ આવો જ થાય ને ? )

આ અંગે કોઇ સભ્ય ઉકળી ઉઠ્યો અને એણે પણ સામે ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપ્યો કે-આવાને બોર્ડમાં કોણ રાખે છે ? સાલાને કાઢી મૂકો. હું મારું રાજીનામુ આપી દઉં છું‘  વગેરે…વગેરે.. 

બન્ને વર્ષોથી મિત્રો હતા. કોઇ ખરાબ ન હતું. બન્ને સજ્જન હતા. ભુતકાળમાં પાડોશીઓ પણ રહી ચૂક્યા હતા. કોઇ બીજી સંસ્થામાં સાથે રહીને કોઇ અન્યાય સામે એક થઇને પ્રતિકાર પણ કરેલો. 

પણ અહીં ભૂલ બન્નેની થઈ. ઉઘરાણીનો પત્ર લખનારે ખોટી ભાષામાં ઉઘરાણી કરી હતી.

પેલા ઉકળી ઉઠેલા સભ્યએ, ગુસ્સાના આવેશમાં આવી જઈને, ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપીને મગજ ગુમાવવાની કોઇ જરુર ન હતી. એ  પણ શાંતિપુર્વક કહી શક્યા હોત કે-ભાઇ, તમારે આવી ભાષામાં રીમાઇન્ડર ન કરવો જોઇએ. જરા સૌમ્ય ભાષા વાપરવી જોઈતી હતી. અને હવે પછીની મીટીંગમાં બધા ચેકબુક સાથે રાખે એવી વિનંતિ કરી હોત તો વધુ યોગ્ય લાગત. 

અહીં , આ કેસમાં કોઇ ખરાબ ન હતું.  

એકની પાસે યોગ્ય ભાષાનો અભાવ હતો.

બીજાની પાસે વિપુલ ભાષાભંડોળ હોવાં છતાં, શોર્ટ-ટેમ્પરને કારણે વિવેકપુર્ણ રીતે પ્રતિભાવ આપતાં ચૂક્યો. 

કેટલાક માણસો સ્વભાવે દુષ્ટ નથી હોતા.એમનો ઇરાદો સામાને હર્ટ કરવાનો પણ નથી હોતો. પણ એમને જે કહેવું છે એ કયા યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરવું એ આવડતું નથી હોતું. જેમને એ વ્યક્ત કરતાં આવડે છે એ પણ ક્યારેક ગુસ્સાના આવેશમાં કે ભુતકાળના કોઇ કડવા અનુભવના પુર્વગ્રહને કારણે કડવી ભાષાનો ઉપયોગ કરી બેસે છે. સત્ય લાગે એ બોલવું અને સ્પષ્ટ બોલવું એ સારી વાત છે પણ એ, કઠોર ભાષામાં કહેવું એ ખોટું છે.વાણી સંયમથી જ શોભે છે.વાણીની ઉગ્રતા સામા પર પ્રહાર કરી બેસે છે. પછી એનો પ્રત્યાઘાત પણ ઉગ્ર જ પડે અને કડવાશો વધતી જાય તથા સંબંધોમાં તિરાડ પડે. જરા ય ડંખ કે કડવાશ વગર અને ભુતકાળની કોઇ ઘટનાની કડવાશના અનુભવના પુર્વગ્રહને કોરાણે મૂકીને આપણે આપણી વાત ન કહી શકીએ ?

છેલ્લા થોડાક દિવસોમાં આપણે બધા જે બોલ્યા એમાંથી કેટલા પ્રતિકૂળ આંદોલનો જન્મ્યા ? આપણા તોછડા અને કડવા શબ્દોએ બીજાઓને પણ એવા જ વચનો બોલવા પ્રેર્યા ને ? 

આપણે બધા સુસંસ્કૃત માણસો છીએ અને પાછા સાઇઠ વટાવી ગયેલા પાકા ઘડા છીએ. શા માટે ઝઘડવાનું ???  શા માટે ?

શ્રીરામ…શ્રીરામ…

‘પપ્પા થયાપાગલ’ (નાટ્ય-અવલોકન) – નવીનબેન્કર

January 7th, 2014 Posted in અહેવાલ

પપ્પા થયાપાગલ’   (નાટ્યઅવલોકન) –             નવીનબેન્કર

આ ફુલ લેન્થ પ્લે એક હળવુ પ્રહસન છે. કુલ આઠ પાત્રો છે.મુખ્ય પાત્ર સિતાંશુરાય નામના સીનિયર સિટીઝન છે.તેમના બે દીકરાઓ- એક જુવાન રુપાળો પરિણીત છે. બીજો જાડીયો કુંવારો છે. એક દીકરી છે. પરિણીત છે. પણ સાસુને સહન નહીં કરી શકવાને પરિણામે પિયરે આવેલી છે.જમાઇ તોતડો છે. ઘરકામ ન કરવા ટેવાયેલી, ઉધ્ધત મિજાજી મોડર્ન પુત્રવધુ છે.એક, રસોઇ કરવા આવેલી પ્રૌઢ વયની રહસ્યમય રુપાળી સ્ત્રી છે. એક મહેમાન કલાકાર છે-ઉધ્ધત પુત્રવધુનો શ્રીમંત  બિલ્ડર પિતા.

મોટી ઉંમરના પ્રેક્ષકોને ક્યાંક ને ક્યાંક પોતાપણું લાગે…જેમણે ભાંગવાડીના જૂના નાટકો માણ્યા છે એવા સાઇઠ વટાવી ગયેલા પ્રેક્ષકોને યાદગાર જૂના ગીતોની પંક્તિઓ અને રાણી પ્રેમલતાની સ્ટાઇલો મારતી રસોઇયણના પાત્રમાં ભરપુર મનોરંજન મળી રહે  છે.

નાટકમાં ભરપુર રમૂજો છે.. સંતાનોના પેંતરા…સ્મૃતિભ્રમ થઇ ગયેલા વડીલનો સ્વાંગ (!)…વડીલની પ્રેમકહાણી…તોતડા જમાઈના સંવાદો…અને વળી ક્યાંક ક્યાંક ગીત, સંગીત અને ફિલ્મી ધૂનો પર ગીતો અને ઠૂમકા પ્રેક્ષકોને સારુ મનોરંજન કરાવી શકે  છે. ગીતો પર જે ઠૂમકા મારવાના છે તેમાં કલાકારો પોતાની ક્યૂ લાઇન પર એકાદ સેકંડ પણ ગુમાવ્યા વગર, ચપળતાથી,પોતાના સંવાદો બોલે છે અને મૂવમેન્ટ કરે છે.  રજૂઆતમાં ફાસ્ટ ટેમ્પો અને ઝડપ આ નાટકમાં  છે.

રાણી પ્રેમલતા બનીને  મારકણી મુદ્રામાં એક હાથ ઉંચો કરીને ડ્રામેટીક અંદાઝમાં પોઝ આપવાના દરેક દ્રષ્ય વખતે ધનાધન ચાલતુ નાટક અચાનક અટકી જાય, ઉભુ રહી જાય કે વિરામ લે એનો ઉપયોગ હાસ્યપુર્ણ પ્રસંગને, સંવાદને, અભિનયને હાઇલાઈટ કરવા માટે  થાય છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે આ નાટકમાં, ઝડપ, ટેમ્પો, ભરપુર ઉત્તેજના અને કલાકારોની આગવી છટા છે. સિતાંશુરાય રુમમાં જાય કે ઘર બહાર જાય, બારીમાંથી એન્ટ્રી મારે જેવા દ્રષ્યોમાં કે ચારે ય પાત્રો ચાવી કેવી રીતે મેળવવી એના ષડયંત્રમાં જે નાસભાગ કરે, ગોટાળા કરે, છબરડા કરે, એ બધું ય લય અને તાલના બંધનમાં રહીને જ કલાકારો કરી શકે છે એ નાટકનું જમાપાસુ ગણાય.

નાટકમાં હાસ્યભરપુર સંવાદો છે જેમાં સપાટી પરનો અર્થ અને ગર્ભિત અર્થ જૂદા હોય . પ્રસંગોની ગુંથણીમાં ગોટાળા ને ગેરસમજ સર્જતા બનાવો છે.આ વસ્તુને સફળ બનાવવા માટે સંવાદો સમયસર બોલાવા જોઇએ અને મૂવમેન્ટ પણ સમયસર જ થવી જરૂરી છે. સંવાદોને અમુક રીતે બોલવા, તોડવા અથવા અવળચંડાઇપૂર્વક રજૂ કરીને પ્રેક્ષકોને હસાવવા એ માટે સેન્સ ઓફ ટાઇમીંગ જરુરી બને છે, જે આ નાટકના કુશળ અને અનુભવી અદાકારો કરી શક્યા છે.

ઉલ્કાબેન અમીને થોડા વર્ષો પહેલાં, અશોક પટેલના દિગ્દર્શનમાં ભજવાયેલ એક નાટક  ‘બાઇસાહેબમાં કામવાળીના રોલમાં, ‘મેરે હાથોમેં નવ નવ ચૂડીયાંગણગણતા જે ઠૂમકા માર્યા હતા એ જરા યાદ આવી ગયું. આ નાટકમાં રસોઇયણના રહસ્યમય પાત્રમાં  એ વધુ ફિટ થઈ શક્યા છે. રાણી પ્રેમલતાની મોહક મારકણી અદામાં,એ વધુ શોભે છે..

યોગિનાબેન પટેલ  અને અક્ષય શાહ અનુક્રમે ઉધ્ધત પુત્રવધુ અને યુવાન રુપાળા પુત્રના પાત્રમાં શોભે છે.

ગિરીશ નાઈક જાડીયા દીકરાની ભૂમિકા માટે યોગ્ય છે.

તોતડા જમાઇના પાત્રમાં શ્રી. શાંતિલાલ ગાલા પ્રેક્ષકોને ખડખડાટ હસાવવામાં સફળ રહ્યા.સંગીત વિભાગ પણ શ્રી. શાંતિભાઇ અને તેમના પત્ની ગીતાબેને સંભાળ્યો છે.

રાબેતા મુજબ, સિતાંશુરાયપપ્પાના પાત્રમાં, હ્યુસ્ટનના પીઢ કલાકાર શ્રી. મુકુંદ ગાંધી પોતાની લાક્ષણિક શૈલિને કારણે સમગ્ર નાટક પર છવાઇ જાય છે. હ્યુસ્ટનની નાટ્યરસિક ગુજરાતી જનતાએ તેમને હ્યુસ્ટન નાટ્યકલાવૃંદના નાટકો-‘પત્તાંની જોડ,’ હું જે કહીશ તે સત્ય કહીશતેમજ બે વર્ષ પહેલાં સાહિત્ય સરિતાના ઉપક્રમે ભજવાયેલ નાટકહું રીટાયર થયોમાં જોયા છે. હ્યુસ્ટનના ઇમીગ્રેશન લોયર શ્રીમતી રિધ્ધીબેન દેસાઇએ પણ  નાટકમાં પપ્પાની દીકરી પારિજાતની ભૂમિકા સૂપેરે ભજવી છે. ‘મહાભારતનો ભીમ હોય કેશોલેનો ગબ્બરસીંઘગિરીશ નાયક પ્રકારની ( એટલે કે જાડીયાની કોમેડી ભૂમિકાઓમાં ) ફીટ થઈ જાય. ફ્રી એક્ટીંગથી  સ્ટેજ પર  છવાઇ જવામાં માહીર છે.

કલાકુંજના નવા સુત્રધાર શ્રી.રસેશ દલાલ કદાચ પોતાની વ્યસ્તતાને કારણે નાટકમાં એમની કક્ષાની ભૂમિકા નથી ભજવી શક્યા પણ ,પુત્રવધુ તુલસીના પપ્પા (બિલ્ડર વેવાઇ) ની રુઆબદાર ભૂમિકામાં હાજરી પુરાવી જાય છે.

રંગમંચ વ્યવસ્થા શ્રી. વિનય વોરા અને રંગભુષા યોગિનાબેન પટેલે સંભાળ્યા છે.

ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન પ્રસ્તુત, કલાકુંજ પ્રોડક્શનનું નાટક હાસ્યથી ભરપુર હોવા ઉપરાંત રહસ્યની પણ છાંટ ધરાવતું અને એક સામાજિક સંદેશ ધરાવતું જોવાલાયક સ્વચ્છ્, કૌટુંબીક પ્રહસન છે.

અસ્તુ.    સમીક્ષકશ્રી. નવીન બેન્કર   

 

બકુના ઘરના અગિયાર નવા નિયમો

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

ઘરમાં કકળાટ ન થાય અને ઘરમાં સુખશાંતિ રહે તે માટે બનાવેલા અગિયાર નિયમો

બકુના  ઘરના અગિયાર નવા  નિયમો

(With effect from June 30 2011)

 

(૧) સવારે મોડામાં મોડું આઠ વાગ્યા પહેલાં ઉઠી જ જવાનું.

(૨) પ્રાતઃક્રિયાઓ પતાવી,ઇ-મેઇલ ચેક કરીને, સાડા દસ સુધીમાં બહાર નીકળી જવાનું.

(૩) બપોરે એક વાગ્યા સુધીમાં ઘરમાં  પાછા આવી જવાનું.

(૪) લંચ કરીને બપોરે બે કલાક આરામ કરવો.

(૫) ચારેક વાગ્યે, ચાહ પીને , કોમ્પ્યુટર પર બેસી જવાનું.

(૬) બે થી ત્રણ કલાક કોમ્પ્યુટર ઓ.કે.( TRY TO MINIMIZE THIS TIME )

(૭) સાંજે ૭ થી ૧૦-સિરિયલો અથવા અંદરના રુમમાં બેસીને વિડીયો પર મુવી જોઇ શકાય.

(૮) વચ્ચે અનૂકુળતા પ્રમાણે ૮ થી ૯ દરમ્યાન ભોજન કરી લેવાનું.( જે કર્યું હોય તે ખાઇ લેવાનું.કચ કચ નહીં કરવાની.)

(૯) શક્ય હોય ત્યાં સુધી વાણીનો ઉપયોગ ( કે દુરુપયોગ !) ઓછો કરવાનો. બે શબ્દથી ચાલી જતું હોય તો ત્રીજો શબ્દ ઉચ્ચારવાનો નહીં. સામું માણસ બોલતું હોય તો એની વાત પુરી થાય પછી જ અભિપ્રાય આપવાનો. વચ્ચે બોલવાની મનાઇ છે. ઇશારાથી ચાલી જાય તેમ હોય તો વાણીને તસ્દી આપવી નહી .આ બાઇઅને પેલી બાઇ સાથે ફોન પર લખારા કુટવાના નહીં.

(૧૦) ઘાંયજાવેડા એટલે કે ફોટા પાડવાના અને રીપોર્ટો લખવાના કામો સદંતર બંધ કરી દેવાના.

(૧૧) શક્ય હોય અને ભગવાન સદબુદ્ધી આપે તો પ્રભુસ્મરણમાં સમય પસાર કરવો.

બકુની શિખામણ-આટલું કરશો તો સુખી થશો અને જીવનમાં કોમ્લીકેશન્સ ઓછા થશે.સમજ્યા ?

કહેવાની જરુર ખરી કે આ નિયમો કઈ બકુ કે કયા બકુએ બનાવ્યા છે?..  શ્રી રામ..શ્રી રામ..

એક ભજનસંધ્યા-ન્યુયોર્કના પંચમુખી હનુમાન મંદીરમાં

January 7th, 2014 Posted in અહેવાલ

પંચમુખી હનુમાન મંદીરમાં યોજાઇ ગઇ  ભજનસંધ્યા

પવિત્ર શ્રાવણ માસમાં, હીલસાઇડ એવન્યૂ પર, નવા બંધાયેલા પંચમુખી હનુમાન મંદીરમાં, શ્રી.શશીકાંત પટેલ અને શ્રીમતિ ગોપીબેન ઉદ્દેશી દ્વારા એક ભજનસંધ્યાનું તારીખ ૨૫મી ઓગસ્ટ અને રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભૌતિક સુખસગવડો સાથે ધર્મ અને અધ્યાત્મની સમજ હશે તો આપણી જિંદગી સમતોલ રીતે જીવી શકાશે એવી સમજથી પ્રેરાઇને, ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયક અને વાદકવૃંદમાં શ્રી. વિરેન્દ્ર બેન્કર, શ્રી. ઘનશ્યામભાઇ જોશી, યુવાન ક્રિશ્ના પરીખ, શ્રીમતી કિર્તીબેન શુક્લા અને શ્રીમતી અનુરાધા ખન્ના હતા.

ક્રિશ્ના પરીખે પુષ્ટીમાર્ગીય ભજન ભાવવાહી સ્વરે રજૂ કર્યું હતું. અનુરાધા ખન્નાએ હનુમાન ચાલીસાનો પાઠ કરીને, સમગ્ર હોલને ભક્તિમય બનાવી દીધો હતો. કીર્તીબેન શુક્લ અને પીઢ ગાયક શ્રી. ઘનશ્યામ જોશી હાર્મોનિયમના સથવારે કેટલાક ભજનો રજૂ કરીને શ્રોતાઓને તાલ આપવા મજબૂર કરી દીધા હતા.

અંતમાં, આધ્યાત્મિક વિકાસ કેન્દ્રના શ્રી. વિરેન્દ્ર બેંકરે, પોતાના ગુરુ સ્વ. અરુણ પટેલને યાદ કરીને ગુરુવંદનાનું એક સુંદર ભજનમોહે લાગી લગન ગુરુચરણનકીઅશ્રુભરી આંખે અને એટલી તન્મયતાપુર્વક રજૂ કર્યું હતું કે શ્રોતાઓની આંખો પણ ભીની થઇ ગઈ હતી. વિરેન્દ્રભાઇએ તેમની સ્વ. માતા કમળાબેનની યાદમાં તેમને અંજલીરુપે, ‘માના દર્શન કાજે મારું હૈયું ઝુરેગાયું ત્યારે તો શ્રોતાઓમાંથી ભાગ્યે કોઇ હશે જેને પોતાનીમાયાદ નહીં આવી હોય !

ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં થોડા વર્ષો પહેલાં, વીરેન્દ્ર બેન્કર, સંગીતા, સ્વ. અરુણ પટેલ વગેરે કલાકારોસ્વરતરંગસંસ્થાના ઉપક્રમે વિવિધ સંસ્થાઓમાં સંગીતના કાર્યક્રમો રજૂ કરતા હતા. વિરેન્દ્ર બેન્કર ઘણી સામાજીક સંસ્થાઓ, મંદીરો, તથા આધ્યાત્મિક વિકાસ કેન્દ્રમાં ધાર્મિક ક્ષેત્રે સક્રિય છે અને પોતાની કળાના જૌહર દર્શાવે છે. હમણાં છેલ્લે એક જાહેર નાટકમાં નારદજીની યાદગાર ભૂમિકા ભજવીને પ્રેક્ષકોને ખુબ મનોરંજન પુરુ પાડ્યું હતું.

પુરા ત્રણ કલાક ચાલેલી ભજનસંધ્યાને સફળ બનાવવા માટે શ્રી. શશીકાંત પટેલ, ગોપી ઉદ્દેશી તથા અન્ય કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી.

અસ્તુ.

 

કામિની સંઘવીનો એક મર્મવેધી લેખ

January 7th, 2014 Posted in સંકલન્

« ધર્મને નામે ધતીંગ ક્યાં સુધી ?

સ્ત્રીએ અસતપર વીજય મેળવ્યો છે ?

December 6, 2013 by ગોવીન્દ મારુ

–કામીની

હીન્દુ ધર્મમાં બ્રહ્મની વ્યાખ્યા મુજબ પરમાત્મા નીરાકાર છે. તેનું કોઈ રુપ નથી. નથી તે દેવી–દેવતામાં કે નથી તે મુર્તીઓમાં. તે તો મારા–તમારામાં રહેલો છે. તો પછી તેને બહાર મન્દીરોમાં શોધવાની જરુર શી છે ? શા માટે મન્દીરોમાં લાઈન લગાવીને દેવી–દેવતાના દર્શન કરવા માટે હડીયાપાટી કરવાની ? ક્યારેય સાભંળ્યુ છે કે ગાંધીજી કોઈ મંદીરમાં દર્શન કરવા માટે ગયા હોય ? છતાં તે સવાયા રામભક્ત હતા. રામના આદર્શને તેમણે પોતાના જીવનમાં વણી લીધા હતા. પછી મંદીરમાં રામને શોધવા જવાની જરુર જ ક્યાં પડે ?  તમે ખુદ જ ઈશ્વરનો અંશ છો, તો તેનું જ કલ્યાણ થાય તેવું કરો ને !  દીવસે દીવસે સ્ત્રીઓનું એડ્યુકેશન વધે છે; પણ ધાર્મીકતા ઘટવાના બદલે વધતી જાય છે. તેમાં ધાર્મીકતાના નામે દંભ–દેખાદેખીએ દાટ વાળ્યો છે. સમજ્યા કે એક મા–પત્ની તરીકે તમે તમારા પરીવારનું કલ્યાણ ઈચ્છો; પણ તે માટે અન્ધશ્રદ્ધાનો સહારો લેવાની શી જરુર છે ? ફલાણાં –ઢીકણાં ભગવાનના દર્શન સીમાબહેન કરી આવ્યાં એટલે રીમાબહેન પણ જાય. કારણ કે ઈશ્વરની કૃપા તેમનાં સંતાન કે પરીવારને મળે અને પોતાનો પરીવાર રહી જાય તો ? યાર, આ દેખાદેખીની વૃત્તી છોડો. કોઈ દેવી–દેવતા હોનારતમાં મદદે આવતા નથી. એવું હોત તો ધાર્મીક સ્થાન પર થતી ભાગદોડમાં માણસ મરતો હોત ? મધ્યપ્રદેશની ઘટનાના રશીસ(ધસારા) જેણે છાપાં–મેગેઝીનમાં જોયા છે, તેમાં માસુમ ભુલકાંઓની લાશ જોઈને કોઈ સેન્સેટીવ તો શું, જડભરત પણ વીચલીત થઈ જાય. તો બહેનો, આપણી નીંભર ધાર્મીકવૃત્તી કેમ વીચલીત થતી નથી ? શા માટે આપણે મન્દીર–મસ્જીદમાં ભગવાન–ખુદાને મેળવવા માટે લાઈન લગાવીએ છીએ ? પરમાત્મા તમારી ભીતર જ છે. તમારી આવી ધાર્મીકતાનો જ આસારામ જેવા બાપુઓ ગેરલાભ ઉઠાવે છે. શી જરુર છે પોતાની કાચી ઉંમરની દીકરીઓને આવા બની બેઠેલા બાપુઓની સેવા કરવા માટે મોકલવાની? પેલી પીડીતાનો ગેરલાભ ઉઠાવવા માટે જેટલા દોષી આસારામ છે તેટલાં જ દોષી તે દીકરીનાં માતા–પીતા પણ છે. સોળ વર્ષની દીકરીને શા માટે સાધના કરાવવાની ને શી સાધના કરાવવાની ? તેની ઉંમર તો ભણવા–ગણવાની છે ને ?

મનુસ્મૃતીમાં કહેવાયું કે સ્ત્રીની બુદ્ધી પગની પાનીએ હોય છે. ભણેલી–ગણેલી સ્ત્રીઓ આ માન્યતાનો યથાયોગ્ય વીરોધ કરતી હોય છે. પણ જો તમે તમારી માસુમ બાળાઓને સાધુ–સંતોને પગે લગાડવા લઈ જતાં હોય તો દીલગીરી સાથે કહેવું પડે કે, ‘બહેન, તારી બુદ્ધી ખરે જ, પગની પાનીએ જ છે.’ સાધુ–સંતોને પગે લાગવાથી કોઈનો ઉદ્ધાર થતો નથી. તેથી તમારી દીકરીનો પણ નહીં થાય. હા, બની શકે કે તેનું હીત થવાને બદલે અહીત જ થાય. માટે આન્ટીજી, આન્ટીજી, વેક અપ, એન્ડ થીન્ક….

–કામીની સંઘવી

‘ફુલછાબ’ દૈનીક, રાજકોટની તા. 18 ઓક્ટોબર, 2013ની ‘ગુલમોર’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘તુલાસીક્યારો’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ફુલછાબ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી, D-804, New Suncity, Apartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

દેવઆનંદ ને જવાબ-‘અહેસાસ કૈસે ના હો ?

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

દેવ આનંદ દાદાએ તેમની ૮૬મી વર્ષગાંઠને પ્રસંગે કહ્યું  હતું કે-

                                    ઉમ્ર બઢના તો એક દસ્તુર હૈ

                               અહેસાસ ન કરો તો બૂઢાપા કહાં હૈ ?

લેકિન , અહેસાસ કૈસે ના હો ?

ઘૂટને દુઃખને લગે,

પ્રોસ્ટેટ પીડા કરને લગે,

આંખેં કમજોર હો જાયેં,

દાંત ગીરને લગે,

ઔર થકાન મહેસુસ હોને લગે..

નવરાત્રિકે ડાંડીયા એવોઈડ કરના પડે,

ઔર ખૂબસુરત લડકીયાં દાદાકહને લગે

તો…બૂઢાપેકા અહેસાસ કૈસે ન હો ?

આપકો તો સબ મુંહ પર  દેવસાબ..દેવસા‘  કહતેં હૈ  ઇસલિયે આપકો યે અહેસાસ ન હો..લેકિન હમેં તો નવીનદાદા..નવીનદાદાકહતેં હૈ. હમ ઇસ અહેસાસકો કૈસે રોક સકતેં હૈં ?

નવીન બેન્કર

૬ ઓક્ટોબર ૨૦૧૧

દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે

દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે

અધ્યાત્મ અને અગમનિગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક સંસ્કૃશ્લોકો, સુભાષિતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નિષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો-એકટરો-ભોળા ધાર્મિક અંધશ્રધ્ધાળુઓને  આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને એમના મંદીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં-હાટડીઓમાં-ફોટા મૂકીને પૂજા-આરતી શરુ કરે,પછી પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠા કરે. અને પછી તો બસ…દાનપેટીઓમાં આવતા  ડોલરોની નોટો જ ગણવાની હોય તેમને. કોઇને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઇને સાંઈબાબાનો અવતાર…આવા તો ઘણા તૂત ચાલે છે હિન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના.

હમણાં એક નવુ તૂત જાણવામાં આવ્યું.

ઇન્ડીયામાં બે નંબરના ઢગલેઢગલા નાણાં ભેગા કરનાર બાબાઓ, પરદેશમાં સ્થાયી થયેલા કોઈ જાણીતા માણસને અનુયાયી બનાવી દે. તેમને પરદેશમાં મંદીર ઉભુ કરવા નાણાં પણ હવાલા મારફતે પહોંચાડે. પેલો બાજીગર એ બાબાને કોઇ પ્રભુનો અવતાર ઠઠાડી દઈને એના ફોટાઓ સાથે મંદીર ઉભુ કરી દે.આ બાબા ફલાણા દેવતા કે દેવીના અવતાર છે અને મનોકામના પૂર્ણ કરે છે. એવી વાતો ફેલાવે. સ્થાનિક છાપાઓમાં પૈસા ખર્ચીને અહેવાલો છપાવે, રેડીયોવાળાને પણ બોલાવે, પેમ્ફ્લેટો છપાવે અને ગ્રોસરી સ્ટોર્સ પર ચીપકાવે. આરતી-પૂજા તો ખરી જ. પ્રસાદ અને મહાપ્રસાદો પણ ખરા. સ્થાનિક હોટલોવાળા ભાવિકભક્તો આ બની બેઠેલા પ્રભુઓને, આશીર્વાદ મેળવવા, ભોગ માટે ફ્રી પ્રસાદમ પણ ધરે. લોકોને આકર્ષવા માટે ફ્રી મેડીટેશન, ફ્રી યોગાના ક્લાસો ચલાવે ( ઓફ કોર્સ સ્વૈચ્છીક દાન અચૂક સ્વીકાર્ય હોય જ ). અને…આપણી ભોળી, ધર્મભીરુ બહેનો ( ભાઇઓ નહીં ! ) કશું મફતમાં તો લે જ નહીં. એટલે દાનપેટીઓમાં દક્ષીણા મૂકે જ. બસ…નોટો છાપવાનું મશીન ચાલુ- ટેક્ષ ફ્રી. કોરપોરેશન બનાવ્યું હોય અને ટેક્ષ-ફ્રી સગવડ મળી હોય તો જેટલા ચેક કે ક્રેડીટ કાર્ડથી નાણા આવે એનો જ હિસાબ રાખવાનો અને ખર્ચા વધારે બતાવી દેવાના. રોકડેકા માલ હડપ કરનેકા.

પેપર પર તો આવા ગુરુની કોઇ આવક હોય નહીં એટલે અમેરિકન સરકારનું વેલફેર,SSI,મેડીકેર, મેડીકેઈડ, ફૂડ કૂપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લૂંગી-ઝભ્ભો પહેરીને ભક્તાણીઓને માથે હાથ મૂકીને આશીર્વાદો આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલા કેળાં,મેવા-મીઠાઇઓના પેકેટો આરોગવાના અને મંદીરના ખર્ચે જ એરકન્ડીશન,પંખાનો ઉપયોગ કરવાનો. આવેલા નાણાંમાંથી એર-ઇન્ડીયાની ટ્રીપો પણ મરાય. ખર્ચા ધર્મસ્થાપનાય ઉધારી દેવાય. હા ! તમારે તમારુ જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને મેડીકેર -મેડીકેઇડ માટે જ રાખવાનું. બાકી કોઇ પ્રભુકે દેવતાકે કંઇક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ નામ ચલણમાં મુકવાનું. કેસ-બેસ થાય કે ઉઠમણૂં કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા પ્રભુને શોધતા !!! આ  બાબતમાં આપણા દેશીઓને શીખવવાનું ન હોય. બિઝનેસકાર્ડ પર ડેની‘,’ કેલી‘, ‘માઇક‘, ‘રોબર્ટલખતા  ડાહ્યાભાઇ,કાંતાબેન,મણીલાલ અને રસિકલાલને આપણે રોજબરોજ મળતા જ હોઇએ છીએ ને !

ઇન્ડીયાથી આવતી વખતે કોમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્ક્રુતનું કામચલાઉ જ્ઞાન મેળવી ને આવવું જોઈએ. પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોના ઉદાહરણો, ટૂચકાઓ, સંસ્ક્રુતના શ્લોકો અને થોડી હાજરજવાબી બસ છે. પુષ્ટીમાર્ગીય વલ્લભકુળના બાળકો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો કે નાણાવટી ગુરુવર્ય જેવા ખરેખરા વિદ્વાનોથી દૂર રહેવું.તેઓની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી પડી જાય !!!!

આંખ અને કાન ખુલ્લા રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો.  મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય. એક જ જવાબ તમને મળશે કે-આ તો શ્રધ્ધાની વાત છે. તમને શ્રધ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને..એ તો પ્રભુની તમારા પર ક્રુપા થાય તો જ તમને શ્રધ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રેશનાલિસ્ટમાં ખપાવીને ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઇ ! મારી પર ગુરુજીની કૃપાદ્રષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ….

શ્રીરામ…શ્રીરામ…. સબકુછ સીખા હમને, ના સીખી હોંશીયારી….સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈ અનાડી……

 

 

ટ્રીયો-ઇન કોન્સર્ટ- સલિલ ભાડેકર,ડેક્ષટર અને સ્મિતા વસાવડા

January 7th, 2014 Posted in અહેવાલ

ટ્રીયો-ઇન-કોન્સર્ટ

( સલિલ ભાડેકર, ડેક્ષટર રઘુ આનંદ અને સ્મિતા વસાવડા)

 

, માર્ચ ૨૦૧૩ ને શનિવારની રાત…..

તમને ૨૦૦૦ની સાલના સારેગમપાનો વિજેતા પેલો હેન્ડસમ, છોકરો યાદ છે ? એ જ સોહામણો સલિલ ભાડેકર..આપણે એને ક્યારેક આશાભોસલે સાથે તો ક્યારેક ઉષા મંગેશકર, ખય્યામ જેવા સંગીતના દિગ્ગજો સાથે સંગત આપતા જોયો છે. મહમદ રફીના ગીતો એના અવાજમાં વધુ ફીટ થાય છે. મહમદ રફી ફેન્સ ક્લબમાં પણ એ એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે-૨૦૦૬માં.

આ ગાયક-સંગીતકાર હ્યુસ્ટનમાં સ્થાયી થવા આવ્યો છે.

હ્યુસ્ટનમાં, મારા સંગીતકાર-એક્ટર મિત્ર હેમંત ભાવસારના પિતાશ્રી.નગીનદાસ ઘેલાભાઇ ભાવસારની ૨૫મી પુણ્યતિથી નિમીત્તે, થોડાક અંગત મિત્રો,અને સાહિત્ય-સંગીતના પ્રેમીઓ સાથે એક સમુહમિલન હેમંતે પોતાના નિવાસસ્થાને યોજેલું. લગભગ ૬૦ જેટલા સંગીતરસિયાઓ આ મહેફિલ માણવા પધારેલા.હ્યુસ્ટનનું આ ક્લાસિકલ શ્રોતાવૃન્દ ગણાય.શરુઆતમાં મહેમાનોનું, ખાસ સૂરતથી મંગાવેલ પોંક અને વિવિધ સેવો અને ચીપ્સથી સ્વાગત કરવામાં આવેલું.

હ્યુસ્ટનમાં એક બીજો અદ્વિતિય કલાકાર છે- તબલાનવાઝ ડેક્ષટર રઘુ આનંદ. ગુજરાતી કે હિન્દી ભાષા લખી, વાંચી કે બોલી ન શકતો હોવા છતાં, ગમે તેવા ગાયક સાથે એ તબલા પર સંગત કરી શકે છે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેવાની એનામાં ક્ષમતા છે. ગીતના શબ્દોના અર્થ ન સમજવા છતાં, માત્ર એની ધૂનો સાથે એ તાલ મેળવી શકે છે.

 

અને…ત્રીજા ગાયિકાબહેન છે-સ્મિતાબેન વસાવડા. આ સોહામણી નાગર કન્યાના અદભુત અવાજ માટે તો હું, ઘણીવાર લખી ચૂક્યો છું એટલે એનું પુનરાવર્તન નહીં કરતાં રજૂ થયેલા કાર્યક્રમની વાત પર જ આવીએ.

અરુણ ભાવસારે આવકાર પ્રવચન કર્યા બાદ, ડેક્ષટર રઘુ આનંદે પોતાના નવ જેટલા  બાળ-કલાકાર શિષ્યો પાસે, તબલા પર રુપક તાલના ૭૦ પ્રકારોની રજૂઆત કરાવી. ૧૦-૧૨ વર્ષના આટલા બધા ટાબરિયાઓએ જે સ્ફુર્તીપુર્વક કુશળતાથી તબલાવાદન કર્યું એ જોઇને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. દરેક બાળકલાકારને  ટ્રોફી આપવામાં આવી હતી.

સ્મિતાબેને પોતાના સુમધુર કંઠે પ્રાર્થના ગાયા બાદ, કાર્યક્રમના હીરો સલિલ ભાડેકરે કાર્યક્રમનો દોર પોતાને હસ્તક લેતાં, સર્વપ્રથમ ફિલ્મ સરસ્વતિચંદ્રનું ગીત ચંદન સા બદન‘  ગાયું. આ ગીત આટલા વર્ષોમાં હજાર વાર સાંભળ્યું છે, પણ સલિલે જે રીતે ધીરે સે તેરા યે મુસ્કાનાશબ્દોને બહેલાવી, રમાડી અને પોતાની દ્રષ્ટી ફેંકવાની વિશિષ્ટ સ્ટાઇલમાં શબ્દોને ફેંક્યાકે શ્રોતાગણમાંની દરેક યુવતી જાણે એ પોતાને જ કહે છે એવો ભાવ અનુભવી રહી હશે એની મને ખાત્રી છે. સલિલના બુલંદ છતાં મુલાયમ અવાજ અને મધુર સ્વરલગાવથી સુંદર વાતાવરણ ખડું થતું હતું. હારમોનિયમ અને તબલાની જુગલબંદી શ્રોતાઓની તાળીઓની ખંડણી મેળવી લેતી હતી.

ત્યારપછી  ગઝલ રંજીશ હી સહી દિલ દુખાનેકે લિયે‘,   દિલ્હી-૬ ફિલ્મનું પ્રખ્યાત ગીત મૌલા મેરે મૌલા‘,  ચૂપકે ચૂપકે રાતદીન આંસુ બહાના યાદ હૈ‘,

ડાકા તો નહીં ડાલા થા, થોડીસી પી હૈ‘,  ‘ખ્વાજા મેરે ખ્વાજા‘, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી દીધી સલિલભાઇએ.

પછી દોર શરુ થયો કવ્વાલીઓનો. શ્રોતાઓની ફરમાઇશ પર, સલિલે આયા હૈ તેરે દર પે સવાલીવાળી  કવાલી ગાઇને ,શીરડીકે સાંઇબાબાને ય યાદ કરી લીધા. તો..પરદા હૈ, પરદા હૈ..બિલકુલ રિષીકપૂરની દિલફેંક અદામાં, ગુલાબ ફેંકવાની સ્ટાઇલમાં ગાઇને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. ફિલ્મ કોહિનૂરનું ક્લાસિકલ સોંગ મધુબનમેં રાધિકારજૂ કરીને પોતાની ઉત્તમ ગાયકીનો પરચો કરાવી દીધો. ઘણા ગાયકો આ બધા ગીતો ગાય છે. ઘણાં, કાગળિયા હાથમાં રાખીને વાંચી જાય છે, કેટલાક સીધ્ધેસિધુ ગીત ગાઇ જાય, પણ ગીતના શબ્દો પ્રમાણે ચહેરા પર ફેસિયલ એક્ષ્પ્રેશન અને અવાજમાં આરોહ-અવરોહ સાથે જ્યારે આવા ગીતો રજૂ થાય છે ત્યારે જ એની અસર શ્રોતાઓ પર પડે છે.  ઘણી વખત આવી સુંદર રજૂઆત થતી હોય ત્યારે, શ્રોતાઓના ચહેરા વાંચવાનીમને વધુ મઝા આવે છે.

 

સ્મિતાબેન વસાવડાએ આ કાર્યક્રમમાં, એમના જ શબ્દોમાં કહીએ તો, બારમા ખેલાડીની ભૂમિકા ભજવી હતી. એમણે ગાયેલું ગીત બડે અચ્છે લગતે હૈ..ઔર તુ..મવખતે શ્રોતાઓ પણ તુ..મ‘..શબ્દ પર સાથ પુરાવતા હતા. તુજમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું, જેવા ગીતો રજૂ કરીને સલિલભાઇને થોડોક વિરામ આપ્યો હતો.

સંગીતના કાર્યક્રમમાં, કોઇપણ પાસુ નબળુ ન ચાલી શકે.રાગશુધ્ધી, શ્રુતિયુક્ત સ્વરોની સમજ, તાલ,તાન, અને રાગને સજાવવો..એ બધું જ શ્રેષ્ઠ જોઇએ. સુજ્ઞ પ્રસ્તૂતિ માટે સમજદાર અને લયદાર તબલાવાદક ડેક્ષ્ટર રઘુ આનંદ પણ એટલો જ પ્રશંસાપાત્ર ગણાય. ડેક્ષ્ટરે તબલાવાદનની લાક્ષણિકતાઓ એટલી વિકસાવી છે કે શ્રોતાઓ એને બિરદાવતા થાકતા નથી. બે કલાક ચાલેલી આ પ્રસ્તૂતિ શ્રોતાઓ પર મન મૂકીને વરસી.સંગીતરસિયાઓ આ ઢંગદાર, જાનદાર અને વિસ્મીત કરતી પ્રસ્તૂતિને વારંવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા.

યજમાન હેમંત ભાવસાર પોતે પણ ખુબ સારા ગાયક અને સંગીતકાર છે. પણ આજના પ્રોગ્રામમાં પોતે ગાવાથી દૂર જ રહ્યા હતા. માત્ર મંજીરા લઈને સ્ટેજ પર તેમણે હાજરી જ પુરાવી હતી. સમગ્ર કાર્યક્રમનો દોર તેમણે સલિલને જ સોંપી દીધો હતો.

 

એક સુનિયોજીત પ્રસ્તૂતિનો આનંદ, સંગીતરસિયાઓએ મન ભરીને માણ્યો.

 

કર્ણપ્રિય સંગીત અને સૂરિલા કંઠના સથવારે રજનીગંધાની માદક સુવાસથી, સલિલભાઇ મહેફિલને મહેંકાવી ગયા.

કાર્યક્રમની સમાપ્તિમાં, ફિલ્મ હમદોનોંનું ગીત અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં‘  મારા મતે શ્રેષ્ઠ રજૂઆત હતી.  હું, આ ગીત સલિલના કંઠે વારંવાર સાંભળવું પસંદ કરું.

 

અંતે, સ્વાદીષ્ટ હુરતીરસોઇ ( ખાસ તો છેક હુરતથી ફેડૅક્ષમાં મંગાવેલા લાડુ )નું જમણ જમીને શ્રોતાઓ વિખરાયા ત્યારે ય , મારા કાનમાં તોઅભી ના જાઓ છોડકરગૂંજતું હતું.

બેસ્ટ લક સલિલ  એન્ડ  થેન્ક્સ હેમંત.

અહેવાલ- નવીન બેન્કર ( 713-955-6226 )

******************************************************************************************

નાટક ‘પપ્પા થયા પાગલ’ નો બીજો શો ભજવાયો

January 7th, 2014 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાંકલાકુંજનાઉપક્રમેનાટકપપ્પાથયાપાગલનો બીજો શો ભજવાયો

અહેવાલસૌજન્યશ્રી. નવીનબેન્કર

અમેરિકામાં, ટેક્સાસ સ્ટેટનું, હ્યુસ્ટન શહેર કલાપ્રેમી ગુજરાતીઓનું મહાનગર છે, છેક ૧૯૮૦થી શહેરમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા, એનું પ્રસારણ કરવા  ગીત, સંગીત,કવિસંમેલનો,સહિત સાહિત્યના અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુવ્યવસ્થિત અને સુંદર આયોજન અહીંની વિવિધ સંસ્થાઓ કરી રહી છે. સંસ્થાઓમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન, હ્યુસ્ટન નાટ્યકલા વૃંદ સદાય અગ્રણી રહ્યા છે. હવે એમાં એક નવું નામ ઉમેરાયું છે– ‘કલાકુંજ ‘.

કલાકુંજ૨૦૧૧માં અસ્તિત્વમાં આવી. સંસ્થાના સુત્રધાર એક પીઢ અને નીવડેલા કલાકાર શ્રી. મુકુંદભાઇ ગાંધી છે. એમણે પોતાના કુશળ આયોજક મિત્ર શ્રી. રસેશ દલાલના અને અન્ય કલાકાર મિત્રોના સહયોગથીકલાકુંજના નેજા હેઠળ  બે વર્ષ પહેલાં એક ત્રિઅંકી નાટકહું રીટાયર થયો’  ભજવ્યું અને એના ચાર ચાર શો સફળતાપુર્વક ભજવ્યા. હ્યુસ્ટનના ધુરંધર કલાકારો ઉમાબેન નગરશેઠ, હેમંત ભાવસાર, મનીષ  શાહ, અક્ષય શાહ, યોગિના પટેલ, અરવિંદ પટેલ (બાના ), પંક્તિ ગાલા, નુપુર શાહ,કુલદીપ બારોટ, લલિત શાહરક્ષાબેન પટેલ રસેશ દલાલ અને ખુદ શ્રી. મુકુંદ ગાંધી જેવા સક્ષમ કલાકારોએ નાટકની અસરકારક રજૂઆત કરી હતી.

માત્ર બે માસ પહેલાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન દ્વારાકલાકુંજના બીજા ફુલ લેન્થ પ્લેપપ્પા થયા પાગલની ભજવણી કરવામાં આવી હતી વખતના અભૂતપુર્વ પ્રતિસાદને કારણે ઘણાં નાટ્યપ્રેમીઓ નાટક જોવામાંથી વંચિત રહી ગયા હતા, એટલે લોકલાગણીને માન આપીને, ‘કલાકુંજેમાત્ર કલાપ્રેમી, નાટ્યરસિક , ગુજરાતી પ્રેક્ષકો માટે, વિનામૂલ્ય, આમંત્રિત શોનું આયોજન કરીને, શહેરના કલાસિક  અને કલારસિક પ્રેક્ષકો સમક્ષ હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરના  ૯૦૦ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા  નાટ્યગૃહમાં ૧૭મી ઓગસ્ટ ૨૦૧૩ને શનિવારની સલૂણી સંધ્યાએ બીજો શો રજૂ કર્યો હતો.

બરાબર આઠના ટકોરે, ‘કલાકુંજના યુવાન, ઉત્સાહી ,હેન્ડસમ પ્રેસિડેન્ટશ્રી. રસેશ દલાલે પ્રેક્ષકોનું, તેમની લાક્ષણીક રમૂજી શૈલિમાં સ્વાગત કર્યું હતુ. અને પછી ગુજરાતના ગૌરવ સમા, ‘નાસાના વૈજ્ઞાનિક અને કવિ શ્રી, કમલેશ લુલા તથા એક જૈફ કલાકાર અને  સાહિત્યસંગીતનાટક જેવી કળાઓના પ્રેમી એવા લક્ષ્મીબેન ઠક્કરને સ્ટેજ પર આમંત્રીને તેમના શુભ હસ્તે દીપપ્રાક્ટ્યની વિધી કરાવ્યા બાદ, જરા સમયનો વ્યય કર્યા વગર , નાટક શરુ કરાવ્યું હતું.

  ફુલ લેન્થ પ્લે એક હળવું પ્રહસન છે. કુલ આઠ મુખ્ય પાત્રો અને બે ગૌણ પાત્રોમાં,મુખ્ય પાત્ર સિતાંશુરાય નામના એક સિનીયર સીટીઝન  છે. તેમના બે દીકરાઓએક જુવાન રુપાળો પરિણીત છે અને બીજો જાડીયો કુંવારો છે. એક દીકરી પરિણીત છે.પણ સાસુને સહન નહીં કરી શકવાને કારણે પિયર આવેલી છે.જમાઇ તોતડો છે. ઘરકામ કરવા ટેવાયેલી ઉધ્ધત મિજાજી, સુંદર મોડર્ન પુત્રવધુ  છે. એક રસોઇ કરવા  આવેલી પ્રૌઢ વયની રહસ્યમય રુપાળી, નખરાળી સ્ત્રી છે. જેમણે ભાંગવાડીના જૂના નાટકો માણ્યા છે એવા સાઇઠ વટાવી ગયેલા પ્રેક્ષકોને યાદગાર જૂના નાટ્યગીતોની પંક્તિઓ અને રાણી પ્રેમલતાની મારકણી સ્ટાઇલો મારતી રસોઇયણના પાત્રમાં ભરપુર મનોરંજન મળી રહે છે. નાટકમાં રમૂજ છે, રહસ્ય છેસંતાનોના પેંતરા..સ્મૃતિભ્રમ થૈ ગયેલા વડીલનો સ્વાંગ..વડીલની પ્રેમકહાણી..તોતડા જમાઇના હાસ્યપ્રેરક સંવાદો..ક્યાંક ગીત, સંગીત અને ફિલ્મી ધૂનો પર ઠૂમકા..પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડે છે.રજૂઆતમાં ફાસ્ટ ટેમ્પો અને ઝડપ છે નાટકમાં.પ્રસંગોની ગુંથણી ને ગોટાળા ને ગેરસમજ સર્જતા બનાવો છે..હ્ર્દયસ્પર્શી સંવેદના અને રહસ્યની છાંટ ધરાવતું નાટક એક સામાજિક સંદેશ આપતું જોવાલાયક, કૌટુંબીક પ્રહસન છે,

નાટકના કલાકારો હતામુકુંદ ગાંધી, અક્ષય શાહ, રસેશ દલાલ,શાંતિલાલ ગાલા, ગિરીશ નાયક,યોગિના પટેલ, રિધ્ધી દેસાઇ, ઉલ્કા અમીન, સંજય શાહ,  અને શ્રી.કેવલ ગાલા.

હ્યુસ્ટનના ખ્યાતનામ શહેરીજનો, સંસ્થાઓના આગેવાનો,પ્રતિનિધીઓ, મંદીરોના વહીવટકર્તાઓ નાટકને માણીને, શ્રી. મુકુંદ ગાંધીને  અને અન્ય કળાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું. ક્યાં સુધી હોલ, તાળીઓના ગડગડાટથી ગૂંજી રહ્યો હતો.

નાટક્ની સાઉન્ડ સીસ્ટમ શ્રી. અમીત પાઠકે, રંગમંચ વ્યવસ્થા  શ્રી.વિનય અને દક્ષા વોરાએ, પ્રકાશ આયોજન શ્રી. લલિત શાહે, સામગ્રી વ્યવસ્થા શ્રી. સુરેશ બક્ષીએ, પાર્શ્વસંગીત ગીતાબેન ગાલાએ, રંગમંચ વ્યવસ્થા શ્રી. સંજય શાહે, રંગભુષા ( મેક અપ ) યોગિના પટેલે, સભાગૃહ વ્યવસ્થા ઉમાબેન  નગરશેઠે સંભાળ્યા હતા. વિડીયો અને ફોટોગ્રાફી માટે અનુક્રમે શ્રી. અતુલ કોઠારી અને શ્રી.કેવલ ગાલાએ સાથ આપ્યો હતો.

કલાકુંજના ફાઉન્ડર પ્રેસિડેન્ટપદે શ્રી.મુકુંદ ગાંધી, પ્રેસિડેન્ટ પદે શ્રી. રસેશ દલાલ, વાઇસપ્રેસિડેન્ટપદે શ્રીમતી ઉમા નગરશેઠ, જનરલ સેક્રેટરી તરીકે યોગિના પટેલ, ખજાનચી તરીકે શ્રી. વિનય વોરા અને એડવાઇઝરી બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે શ્રી. ગોપાલ સવજાની તથા શ્રી. હરેન મથુરિઆ કાર્યશીલ છે. ‘કલાકુંજભવિષ્યમાં પરફોર્મીંગ આર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય કળાસંસ્કૃતિ જેવી કે શેરીગરબા, ગરબી, ભવાઇ, એકપાત્રીય અભિનયરાજ્ય કક્ષાએ એકાંકિ નાટ્યસ્પર્ધાઓ અને નાટ્યમહોત્સવો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા માટે આયોજન કરી રહી છે.

આપના પ્રતિભાવો આપવા માટે આપ કલાકુંજના મેઇલ kalakunj.usa@gmail.com પર  અથવા  સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. રસેશ દલાલના મેઇલ એડ્રેસ  rasdep@gmail.com  પર પણ સંપર્ક સાધી શકો છો.

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.