ઓહ….અમેરિકા !! -નવીન બેન્કર-
અમેરિકા આવનાર દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષનું એક સ્વપ્ન હોય છે- ગોરી ચામડીવાળી અમેરિકન કે મેક્સીકન છોકરી સાથે મજા કરવાનું.
કેટલાકને આ વિધાન અતિશયોક્તિભર્યું લાગશે. કેટલાક નાકનું ટેરવું ચડાવશે કેટલાક ચોખલિયાઓ ‘અશિષ્ટ’, ‘અભદ્ર.’…એવો ચિત્કાર કરી ઉઠશે એ હું સમજું છું.
પણ, મેં ‘દરેક પુરુષ’ કે ‘દરેક રસિક પુરુષ’ એવો શબ્દપ્રયોગ નથી કર્યો, હોં ! આગળ ‘સ્ત્રીલોલુપ’ એવો શબ્દ પણ લખ્યો છે એની નોંધ લઈને પછી જ આ રસિક લેખ વાંચશો.
આજે , જે બે કિસ્સા લખવા છે તે મારા ફળદ્રુપ (!) ભેજાની પેદાશ નથી. પણ ૧૯૯૬માં, હ્યુસ્ટનના ‘હ્યુસ્ટન ક્રોનિકલ’ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર અને ‘ નયા પડકાર’ ના શુક્રવાર તારીખ ૨૮ જુન ૧૯૯૬ ના અંકમાં પ્રસિધ્ધ થયેલા, બે લેખોના આધારે આ માહિતી આપને જણાવું છું- અલબત્ત, રજૂઆત અને ભાષા મારી આગવી છે.
હાં…તો, દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષ હંમેશાં, ગોરી ગોરી, લીસી લીસી, ઉંચી, પાતળી સ્ત્રીને ઇચ્છતો હોય છે. અને…અમેરિકા ફરવા આવનાર મોટી ઉંમરના વડીલ પુરુષો પણ પોતાના પુત્ર કે જમાઇને કોઇ ‘અવેઇલેબલ ગોરી’ અંગે પુછી ના શકે એટલે ક્યારેક કોઇ સિનિયર્સની મીટીંગમાં જાય અને હમવયસ્ક રસિક મિત્ર સાથે પરિચય થાય તો પુછી લે કે- ‘બાપુ… તમારે અમેરિકામાં કોઇ ‘ગોરી’ અવેઇલેબલ ખરી ?’ અને પછી, બીતાં બીતાં, કોઇ ગુનો કરી રહ્યાના ભાવ સાથે ન્યૂયોર્કની ૪૨મી ગલી કે ફીફ્થ એવન્યૂની ૨૮મી ગલીના આંટા મારતા હોય. હ્યુસ્ટનના હીલક્રોફ્ટ વિસ્તારની ગમે તે ક્લબમાં, રાતના દસ વાગ્યા પછી જાવ તો તમને આવા રસિક પુરુષો મળી જ રહેવાના.
સામાન્ય રીતે, અમેરિકામાં ગોરી ચામડીવાળી સ્ત્રીઓનો સહવાસ મેળવવો એ કોઇ પ્રોબ્લેમ નથી હોતો. મેક્સીકોમાંથી ગેરકાયદેસર ઘુસી ગયેલી અને પટેલોની મોટેલોમાં ચાદરો બદલનારી કે સંડાસ સાફ કરનારી ગોરી મેક્સીકનો કે ક્લબોની બાર ટેન્ડરો તરીકે કામ કરનારી ગોરી સ્ત્રીઓ મળી શકે- જો તમે સહેજ વાચાળ, હિંમતવાન અને આંખમાં આંખ પરોવીને મક્કમતાપુર્વક, શિષ્ટ રીતે પ્રપોઝ કરવાની આવડત અને ક્ષમતા ધરાવતા પુરુષ હો તો.
ઝાકઝમાળ રોશનીથી ઝગમગતી ગમે તે ક્લબમાં રાત્રે જઈ, એકાદ પેગ હાથમાં રાખીને, પગ પર પગ ચડાવીને એકલી અટૂલી બેઠેલી કોઇ સુંદર ગોરી યુવતીને ટેક્ટફુલી એપ્રોચ કરીને તમે ગણત્રીની મીનીટોમાં જ તમારા એપાર્ટમેન્ટ પર કોફી પીવડાવવા (!) લઈ જઈ શકો છો.
હા…એપાર્ટમેન્ટ પર લઈ જવાની વાત આવી એટલે એક ઘટના યાદ આવી ગઈ.
હ્યુસ્ટન ક્રોનિકલ નામના એક સુપ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારમાં, નામ-ઠામ અને ફોટા સહિત છપાયેલ એક સત્ય ઘટના છે. જાવેદમિંયા યુવાન છે, હેન્ડસમ છે અને એકલા જ છે.ક્લબોમાં જઈને સ્મય બગાડવા કરતા, ડેટીંગ સર્વિસમાં ફોન કરીને તેમણે લીન્ડા નામની એક ‘ધોળી’નો સંપર્ક સાધ્યો. ખાસ્સી પચ્ચીસ મીનીટ સુધી પ્રેમાલાપ કર્યો. ફોન પર જ ‘આપ કેવી સ્ટાઇલમાં કે કયા આસનમાં જાતીય આનંદ માણવાનું પસંદ કરશો ? એવા સવાલનો રસિક જવાબ પણ તેમણે આપ્યો હતો. અને પોતાના એપાર્ટમેન્ટનું સરનામુ આપ્યું હતું. થોડી જ વારમાં લીન્ડા એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ અને જાવેદમિંયાને ખુબ મજા કરાવી. બીજી મુલાકાત વખતે એ પોતાની સહેલીને લઈને આવી. જાવેદમિંયાએ દરવાજાની મેજીક આઇ માં થી જોયું તો એકને બદલે બબ્બે રૂપાળી લલનાઓને જોઇ, ખુશ થતાં થતાં દરવાજો ખોલીને બન્ને રૂપાળીઓને ઘરમાં દાખલ કરી. બીજી જ પળે પેલી રૂપાળીએ પિસ્તોલ કાઢીને તેના લમણામાં અડકાડી દીધી. બીજીની મદદથી જાવેદમિંયાના મ્હોં પર ટેપ લગાડીને હાથપગ બાંધી દીધા અને ખુણામાં પોટલુ બનાવીને ફેંક્યો. પછી ઘરમાંથી કેમેરા, રાચરચીલુ, ને રોકડ મળી લગભગ ચૌદ હજાર ડોલરની માલમતા સાથે છૂ થઈ ગઈ. પાછળથી જાવેદમિંયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ કરીને, બન્ને જણીઓને પકડીને જેલ ભેગી કરી હતી.
આ તો જાવેદમિંયાના સદનસીબે એ બચી ગયા. બાકી, આવા કિસ્સામાં તો લમણામાં ગોળી ધરબી દઈને સાક્ષી-પુરાવાનો નાશ જ કરી નાંખવામાં આવતો હોય છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
બીજો એક કિસ્સો તો એનાથી ય વધુ રસિક છે. ‘ નયા પડકાર’ના ૨૮ જુન, ૧૯૯૬ના અંકમાં આ છપાયેલો કિસ્સો.એક મોટી ઉંમરના વિધુર ગુજરાતી કાકાનો છે. આપણે તેમનું નામ નથી જાણવું. કાકા પોતાની દીકરી, જમાઇ, અપરિણિત દીકરા અને પૌત્રો સાથે હ્યુસ્ટનના એક ઇન્ડીયન-પાકિસ્તાની કોમ્યુનિટી ધરાવતા એપાર્ટમેન્ટ કોમ્લેક્સમાં રહે છે. ભાડુ બચાવવા, આ બધા ભારતના સંયુકત કુટુંબ ની જેમ, બે બેડરુમના એપાર્ટમેન્ટમાં સાંકડે માંકડે પડ્યા રહેતા. કાકા સાંજે જોબ પરથી ઘેર પાછા ફરતાં, એપાર્ટમેન્ટના સીક્યોરીટી ગેટ પર મશીનમાં કાર્ડ ભરાવીને દરવાજો ખોલવા જતા હતા ત્યાં જ એક રૂપાળી લલનાએ આવીને કહ્યું- ‘હા…ય..’.
કાકા પાણી પાણી થઈ ગયા.
મોટી ઉંમરના વિધુર કાકા સમજી ગયા કે ધોળી અવેઇલેબલ છે. એમણે સમય બગાડયા વગર સીધુ જ પુછ્યું- ‘ હાઉ મચ ?’
ધોળીએ કહ્યું- ‘મે આઇ કમ ઇન, ઇન યોર કાર ? વી મે ટોક કમફર્ટેબ્લી.’
કાકાએ તેને પેસેન્જર સીટ પર બેસાડી દીધી અને ગાડી રીવર્સમાં લીધી. દીકરી, જમાઇ અને પૌત્રોથી ભર્યાભાદરા ઘરમાં તો ધોળીને લઈ જવાય તેમ ન હતી અને ધોળી પાસે પોતાની જગ્યા ન હતી એટલે એવું નક્કી થયું કે કોઇ એકાંત, અંધારા પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરી, સીટ જરા પાછળ કરીને, ‘બ્લો જોબ’થી જ સંતોષ માનવો. હવે મને કોઇ પુછશો નહીં કે ‘આ ‘બ્લો જોબ’ એટલે શું ?’ અશિષ્ટ ભાષાપ્રયોગ કર્યા સિવાય એનો અર્થ સમજાય નહીં એટલે જેઓ એનો અર્થ સમજતા હશે તે સમજી જશે .
એકાંત પાર્કીંગ લોટમાં કાર પાર્ક કરીને વિધુર પટેલબાપાએ પોતાની સીટ ઢળતી કરી અને આંખો મીંચીને, ‘સુખ’ માણવાની તૈયારી કરી ત્યાં તો…તેમના ગળા પર છરીની અણી દાબીને પેલી ‘માયા’ બોલી-‘ ચુપચાપ ખિસ્સા ખાલી કરીને મારે હવાલે કરી દો..નહિંતર ગળુ કાપી નાંખીશ…’ ( અલબત્ત, આ વાર્તાલાપ અંગ્રેજીમા થયેલો પણ આપણે પટેલબાપાના સગાવહાલા સમજી શકીએ એટલે ગુજરાતીમાં લખું છું. )
કાકાની બધી ઉત્તેજના ઓસરી ગઈ.
ક્રેડીટકાર્ડ સહિતનું પાકીટ ચુપચાપ તેણીને આપી દીધું. પેલી જતાં જતાં, પટેલબાપાનું પેન્ટ ઉતારીને પ્લાસ્ટીકની થેલીમાં ભરીને લઈ ગઈ અને થોડેક છેટે જઈને ગારબેજ કેનમાં નાંખીને ત્યાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસીને છટકી ગઈ.
કાકા શરમજનક સ્થિતિમાં ઘેર આવ્યા. સાચી વાત તો કહી શકાય તેમ ન હતી એટલે ‘કોઇ કાળીયો ગન બતાવીને લૂંટી ગયો’ એવી કલ્પિત વાત કરીને લોકોની સહાનુભૂતિ મેળવી.
આમ તો આ વાતનો અહીં અંત આવી જાય. પણ ના…
એ કોમ્પ્લેકસમાં જ રહેતા એક ‘દેશી’ સીક્યોરી ગાર્ડે, પટેલબાપાને એકલા મળ્યા ત્યારે કહ્યું- ‘ કાકા…ગૂનો થાય એટલે કોઇ કાળિયાએ કર્યો એવી વાતો ફેલાવવાની હવે બંધ કરો. તમે એકલા આવી રીતે લૂંટાયા નથી. ઘણાં બધા લૂંટાયા છે અને પોલીસે ગુનેગારોને પકડ્યા પણ છે. પોલીસ ગૂનાની મોડસ ઓપરેન્ડી પરથી આ વિસ્તારની લૂંટારુ લલનાઓને ઓળખી કાઢે છે. પોલીસ ફરિયાદ કરશો તો પોલીસ તમારુ પાકિટ મેળવી આપશે.’
પણ કોઇ કુટુંબકબીલાવાળો ગુજજુ માઈનો લાલ આવી ફરિયાદ કરવાની હિંમત કરે ખરો ?…. શ્રીરામ..શ્રીરામ…
હિલક્રોફ્ટ વિસ્તારના એક સ્ટોર પર સાંજે સ્ટોર બંધ થવાના સમયે એકલા મિત્રો ભેગા થઈને, ટોળટપ્પા કરતા હોય એને અહીં ‘કડીયાનાકા’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવી બધી માહિતી મળી રહે. મંદીરોના બાંકડે પણ આવું બધું જાણવા મળે.
‘આહ…અમેરિકા’ નો લ્હાવો માણવા જતાં, ક્યારેક ‘ઓહ..અમેરિકા !’ કરીને ચિત્કાર પણ કરવો પડે, હોં !
નવીન બેન્કર.
તા.ક. આપના પ્રતિભાવની મને હંમેશા અપેક્ષા હોય છે. મને જીવનને ઉન્નત કરે એવી કથાઓ લખવાનું નથી ફાવતું. અપુન કો તો ઐસા જ લિખનેકો કો મંગતા.
એકદમ લાઈટ..દિલને ગલગલિયા કરાવે તેવું. અપુન કો ક્લાસ-વન રાઈટર બનકે, એમેઝોન પર નહીં જાણેકા. ગીનેસ બુકમેં અપુનકા નામ નહીં લીખવાણેકા…ડાયસ્પોરા સર્જકોકી યાદીમેં નહીં જાણેકા. ક્યા બોલતા તુ ?
અપુનકો તો ખેડેવાલી આપાકા, કણભેવાલે સલ્લુમિંયાકે લફડેવાલી બાતોં મેં જ્યાદા રસ પડતા હૈ… ક્યા ?
થોડુંક લોજીક , થોડુંક મેજીક ( નાટ્ય અવલોકન)
અહેવાલ – શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય– શ્રી. ગૌતમ જાની
————————————————————————–——
મહાગુજરાત દિને–એટલે કે પહેલી મે એ, હ્યુસ્ટનના જુના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરમાં, ટીકુ તલસાણિયા, અલ્પના બુચ, મનન શુક્લ અને અમી ભાયાણી અભિનિત એક સુંદર, અર્થસભર, વિચારશીલ અને છતાં મોજથી માણી શકાય એવું નાટક જોયું.
નાટકના મૂળ લેખક છે શ્રી. રાજુ શીંદે. સ્નેહા દેસાઇએ તેનું ગુજરાતી રૂપાંતર કર્યું છે.
પંદર વર્ષ ઘરડાઘર માં , સ્વૈચ્છીક પણે રહીને પાછા પોતાના ઘરમાં આવેલા ૭૫ વર્ષની વયના એક વયસ્ક પુરુષ છગનલાલ ત્રિવેદી ( ટીકુ તલસાણિયા) અને તેમના પૌત્ર ચિંતન ( મનન શુક્લ) વચ્ચેના મતભેદ કે મનભેદની વાત રજૂ કરતા આ નાટકમાં લીવીંગ રીલેશન્સની વાત પણ ખૂબીપૂર્વક કહેવાઇ છે. ચિંતન અને તેની ગર્લફ્રેન્ડ જેની ઉર્ફે જાનકી ( અમી ભાયાણી) ના લીવીંગ રીલેશન્સની સાથે સાથે દાદાના પણ પોતાની બાળસખી શકુ (અલ્પના બુચ) સાથેના લીવીંગ રીલેશન્સની કથા એવી તો રમૂજભરી રીતે વણી લેવાઇ છે કે નાટક ક્યારેક ખુબ હસાવે છે તો ક્યારેક આંખ ભીની પણ કરી મૂકે છે.
નાટકના અંતમાં હું જ્યારે ટીકુભાઇને મળવા સ્ટેજ પર ગયો ત્યારે તેમણે મને વિનંતિ કરી કે નાટકની વાર્તા તમારા રીવ્યૂમાં ન લખશો અને તમને જે સંવાદો ખૂબ ગમ્યા છે તે પણ ના લખશો. એટલે હું એની વાત નહીં કરું.
નાટકના દિગ્દર્શક શ્રી. અનુરાગ પ્રપન્નનું દિગ્દર્શન પ્રશંસનિય છે. દ્રષ્યોને નાટ્યાત્મક રાખવાની સૂઝ એમણે દાખવી છે.દરેક પાત્રની લાક્ષણિકતા પણ રજૂ થાય એની કાળજી એમણે દ્રષ્યોની ગોઠવણી અને પાત્રોની પસંદગીમાં રાખી છે. ઘરનો દિવાનખંડ અને
બગીચાના બાંકડાના દ્રષ્યોની ગોઠવણી દાદ માંગી લે છે. અલ્પના બુચે પણ શકુંતલા કોઠારીના પાત્રના મનોજગત સાથે તદાકાર થઈને વાચાળ થયા વગર અભિનય કર્યો છે. ટીકુની વિચક્ષણતા અને રમૂજવૃત્તિ પ્રભાવક વ્યક્તિત્વ ઉભું કરે છે. આ ભૂમિકા ભજવતો કલાકાર જો સજ્જ ન હોય તો, સમગ્ર કૃતિ નિરસ બની જાય. આ ભૂમિકા જાણે ટીકુ માટે જ લખાઇ હોય એવી પ્રતિતી થાય એટલી હદ સુધી એ ભૂમિકાને તેમણે આત્મસાત કરી છે.પૌત્રની ભૂમિકામાં શ્રી. મનન શુક્લ પોતાનો આક્રોશ સરસ રીતે વ્યકત કરી શક્યા છે અને તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં બહેન અમી ભાયાણી પણ વાતાવરણને હળવુ રાખવામાં ખુબ મદદરુપ થયા છે.
કળાકારોની પસંદગી, ટીમવર્ક અને રંગભૂષાની પસંદગીથી નાટકના પાત્રો અને વાતાવરણ જીવંત લાગે છે.
નાટકમાં એક ‘રમણિક’ પણ છે જે ક્યારેય સ્ટેજ પર આવતો નથી. એ બિલાડો છે.
અમુક અમુક દ્રષ્યો વખતે બેકગ્રાઉન્ડમાંથી ફિલ્મી ગીતની સદાબહાર પંક્તિઓ સંભળાય છે–
‘અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ….’
‘વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ’…..
‘જિન્દગી કૈસી હય પહેલી હાય…’દાદાજી પોતાના પૌત્રને, એની દાદીના મ્રુત્યુ વખતના સંવાદો કહે છે ત્યારે દરેક
પ્રેક્ષકની આંખ સજળ થઈ ઉઠે છે.
૨૫ વત્તા ૫૦ એટલે ૭૫ નોટ આઉટ દાદાજી તરીકે ટીકુ તલસાણિયા પાત્રને જીવી ગયા છે.
બગીચાના બાંકડા પર ૭૫ વર્ષના દાદાજી અને તેમની, ચાલીમાં રહેતી પાડોશણ સાથેની કિશોરવયની કુમળી કુમળી લાગણીઓની વાતો જેવી વાતો મને લાગે છે દરેકે દરેક વયસ્ક સ્ત્રી–પુરુષો અનુભવી ચૂક્યા હશે.
નાટકનો પ્રધાન સંદેશ છે– ‘માઇન્ડ ઇઝ કરપ્ટ. હૃદય જે કહે તે કરો. બુધ્ધીનું ના સાંભળો. લીસન ટૂ વોટ યોર હાર્ટ સેઝ. ઘડપણમાં હસવાનું બંધ ન થવું જોઇએ. હસવાનું બંધ થાય એટલે ઘડપણ આવે.’
સહકુટુંબ જોવા જેવું સ્વચ્છ નાટક હ્યુસ્ટનમાં લાવવા બદલ શ્રી. અજીત પટેલ અને નિશા મિરાણીને અભિનંદન. આર્ટ્સ એન્ડ કલ્ચરલ પ્રમોશન્સ વાળા નેશનલ પ્રમોટર શ્રી.શશાંક દેસાઇ પણ અભિનંદનના અધિકારી છે.
અસ્તુ.
નવીન બેન્કર ૭૧૩–૮૧૮–૪૨૩૯ લખ્યા તારીખ– ૫/૫/૨૦૧૫
આ સાથે કુલ પાંચ ફોટા છે–
સૌથી ઉપરના ફોટામાં અહેવાલ લેખક શ્રી. નવીન બેન્કર અને ટીકુ તલસાણિયા દેખાય છે.
એટેચમેન્ટના ચાર ફોટાઓમાં (૧) ટિકુ તલસાણિયા અને અલ્પના બુચ બગીચાના બાંકડા પર -(૨) અને (૩) માં નાટકના દ્રષ્યમાં ચારે કલાકારો. (૪) નાટકના ચારે ય કલાકારો– ટીકુ,અમી ભાયાણી , મનન શુક્લ અને અલ્પના બુચ
તસ્વીર સૌજન્ય– શ્રી. ગૌતમ જાની.
Navin Banker (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.
પાનખરે ખીલ્યાં ફૂલ નાટ્ય–અવલોકન– શ્રી. નવીન બેન્કર
સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા પ્રતિભા રાવળ નાટકો કરતા હતા ત્યારે હું રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા, સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.
આ પ્રતિભા રાવળે લગભગ ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.
સંગીતકાર બાપુજીની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. બાપુજીના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે. સરિતા ( દીકરી )નું સગપણ , મીસ્ટર પરીખ ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર (પૂરબ મહેતા) સાથે થવાનું છે. સંગીતકાર બાપુજીને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી નામની એક સ્ત્રીમિત્ર છે જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ. નાટકના અંતમાં શુભ્ર ધવલવસ્ત્રો માં આશાવરીનો પ્રવેશ થાય છે. અને કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, બાપ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.
પ્રેમી બાપુજીના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવળ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. બાપુજીના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદ્દોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.
નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.
જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો.
બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ ! Enclosure- 4 Photographs
નવીન બેન્કર ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )
.
કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું.
હ્યુસ્ટનમાં એક પ્રેમાળ, લાગણીશીલ, જલારામબાપાના અનન્ય ભક્ત એવા એક કવિ-લેખક રહે છે. નામ એમનું પ્રદીપ બ્રહ્મભટ્ટ. કોઇ સંસ્થામાં કોઇ મહાનુભાવનું સન્માન થાય અગર કોઇ મહાનુભાવે કોઇ સિધ્ધી મેળવી હોવાના સમાચાર તેમને મળે એટલે, પોતાના નિવાસસ્થાને એ મહાનુભાવને નિમંત્રીને, પોતાના અંગત મિત્રમંડળ સાથે, તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવે. તેમના ધર્મપત્ની રમાબહેન પણ પતિના આ સેવાયજ્ઞમાં તનમનથી સહયોગ આપે. અને ગરમાગરમ તાજુ ભોજન આમંત્રિતોને પ્રેમથી જમાડે. સાહિત્યવર્તુળમાં બધા એમને ‘શીઘ્રકવિ’ તરીકે ઓળખે છે. તેમનો એક બ્લોગ પણ છે. મોટેભાગે ધાર્મિક કવિતાઓ અને સંસ્કારપ્રેરક લખાણો લખે છે.
તો… આ લાગણીશીલ કવિબાપાએ, મે માસના છેલ્લા અઠવાડીયામાં, હ્યુસ્ટનના બે મહાનુભાવોનું આવી રીતે સન્માન કર્યું.
૨૫ વર્ષથી નાસામાં ચીફ સાયન્ટીસ્ટ અને ડાયરેક્ટર ઓફ રીસર્ચ તરીકે સેવા આપતા, અને સુનિતા વિલિયમ્સ તથા કલ્પના ચાવલા જેવા એસ્ટોનોટ્સને તાલિમ આપનારા ડોક્ટર કમલેશ લુલ્લા કે જેઓએ ૨૦૦થી વધુ રીસર્ચ પબ્લીકેશન્સ અને એસ્ટ્રોનોટ્સને લગતા દસેક જેટલા પુસ્તકોનું સંપાદન કર્યું છે, તેમને, ભારત સરકારે નવમી જાન્યુઆરિ ૨૦૧૫ના રોજ ગાંધીનગર મુકામે, મોસ્ટ પ્રેસ્ટીજીયસ એનઆરઆઇ પ્રવાસી ભારતિય એવોર્ડ અને મેડલથી, ભારતના વાઇસ પ્રેસિડેન્ટના વરદ હસ્તે નવાજવામાં આવ્યા એ બદલ, ગયા મહિને ગુજરાતી સાહિત્ય સરિતાએ બહુમાન કર્યું હતું અને આ વખતે, કવિશ્રી. પ્રદીપ બ્રહમભટ્ટે સ્વરચિત કાવ્ય અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને , આમંત્રિત સરસ્વતિના સંતાનો અને કલમપ્રેમીઓની હાજરીમાં બહુમાન કર્યું હતું.
‘ગુજરાતી સાહિત્ય સરિતા’ના ઉત્થાન અને ઉત્કર્ષમાં જેમનો સિંહફાળો છે અને જેમણે હ્યુસ્ટનના ઘણાં સર્જકોને હાથમાં કલમ પકડતા કર્યા છે એવા શ્રી. વિજય શાહે પણ, બે-એરિયામાં ગુજરાતી લીટરરી ગ્રુપ ‘બેઠક’ ના ઉપક્રમે, શુક્રવાર તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૫ ના રોજ, ‘ચાલો કરીએ સહિયારુ સર્જન’ કાર્યક્રમ અંતર્ગત એકસાથે ૧૨ પુસ્તકોના વિમોચનનું સુંદર આયોજન, મીલપીટાસ નગર ખાતેના ઇન્ડીયન કોમ્યુનિટી સેન્ટર ખાતે કર્યું એ અંગે કવિશ્રી, પ્રદીપજીએ તેમનું પુષ્પગુચ્છ અને સ્વરચિત પ્રશસ્તિકાવ્ય અર્પણ કરીને સન્માન કર્યું હતું.
કાર્યક્રમના અંતે, સૌ આમંત્રિતો , રમાબહેન બ્રહ્મભટ્ટના ગરમાગરમ સમોસા, દાળવડા, મઠિયા અને અદરકવાલી ચાય નો રસાસ્વાદ કરીને છૂટા પડ્યા હતા.
નવીન બેન્કર
લખ્યા તારીખ- ૨૯ મે, ૨૦૧૫
હ્યુસ્ટન,સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠકનો અહેવાલ-શ્રી. નવીન બેન્કર
અહેવાલ– શ્રી. નવીન બેન્કર. તસ્વીર સૌજન્ય– શ્રી. જય પટેલ.
તારીખ ૩૦મી મે, ૨૦૧૫ને શનિવારે બપોરે ૨ થી ૫ દરમ્યાન, હ્યુસ્ટન સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠક,સુગરલેન્ડના ઇમ્પિરીયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલમાં યોજવામાં આવી હતી. આ વખતની બેઠકમાં એકનવીન પ્રયોગ કરવામાં આવ્યો હતો.
હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમન પટેલ અને સુશ્રી દેવિકાબેન ધ્રુવ ના સહયોગથી આ વખતે હાયકુ અનેફોટોકુના સર્જન અંગે રજૂઆતો થઈ. જાણીતા કવિ શ્રી યોસેફ મેકવાન અને ગઝલકાર શ્રી ડો.કિશોર મોદીના હાઈકુની સમજણ આપતા લેખોના અભ્યાસને આધારે આનંદપૂર્વક આ કામની શરુઆત કરી તેની નોંધ અત્રે લેવામાં આવે છે.
ડોક્ટર ઇન્દુબેન શાહે પ્રાર્થનાથી શરુઆત કરી પછી સુત્રધાર શ્રી. નિખીલ મહેતાએ કાર્યક્રમનો દોર સંભાળીલીધો. શ્રી. નરેન્દ્ર વેદે, ટીવીના સ્ક્રીન પર પાવર પોઇન્ટથી, પાંચ-છ ચિત્રો દર્શાવ્યા અને દરેક સર્જકને પે્ન્સિલ, પેપર અને રબર આપીને, એ ચિત્ર પરથી હાયકુ લખવા કહ્યું.
એક ચિત્રમાં, વરસાદમાં કેળનું પાંદડુઓઢીને શાળાએ જતા બે બાળકો હતા, તો બીજા ચિત્રમાં ચારપાંચ યુવાન છોકરાછોકરીઓ હવામાં ઉછળતા,નાચતા હતા. ત્રીજા ચિત્રમાં, બાંકડા પર પ્રેમીયુગલ હાથમાં હાથ પરોવીને બેઠું છે અને ઉપર વૃક્ષની ડાળીપર,એક પંખી બેઠેલું છે તથા યુવાન મોબાઇલ ફોન પર કદાચ એસએમએસ કરી રહ્યો છે. ચોથા ચિત્રમાં બેવાઘ બાઝે છે કે સંવનન કરે છે અને પાંચમાં ચિત્રમાં, ઉંચી દિવાલ પર, સીડી ગોઠવીને પ્રેક્ષકો દિવાલનીપાળી પર બેસીને બીજી બાજુ કાંઇક જોઇ રહ્યા છે.
આ ચિત્રો ( ફોટાઓ ) પર સર્જકોએ, પોતાના મનમાં જે વિચાર ઝબક્યો તેને શબ્દસ્થ કરી ૫-૭-૫ ના હાયકુના બંધારણ મુજબ હાયકુઓ રચીનેઆપ્યાં.દરેક સર્જકની સંવેદનાઅને અર્થઘટન અલગ અલગ હોય અને હાયકુ પણ જુદા જુદા લખાય. આ પ્રયોગમાં ભાગ લેનારા કવિઓ હતા- શ્રીમતિ શૈલા મુન્શા, શ્રીમતિઇન્દુબેન શાહ, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, શ્રી.ચીમન પટેલ, શ્રી.રમેશ શાહ, શ્રી. અશોક પટેલ, શ્રી.ફતેહ અલીચતુર, શ્રી.પ્રશાંત મુન્શા, શ્રી. નિખીલ મહેતા, એડવોકેટ રિધ્ધી દેસાઇ, વગેરે..
વગેરે..
હાયકુના બાહ્ય સ્વરુપમાં પ્રથમ લીટીમાં પાંચ અક્ષરો, બીજી લાઇનમાં સાત અને ત્રીજી લાઇનમાં ફરી પાંચ જઅક્ષરો મળીને કુલ સત્તર અક્ષર થાય અને એક અર્થસભર શબ્દચિત્ર રજૂ થવું જોઇએ. તેમાંથી ઉઠતી વ્યંજનાકે ઉઠતો ધ્વનિ રણકાર સંભળાય અને દેખાય. ઓછામાં ઓછા શબ્દો વડે એક આખુ શબ્દચિત્ર ઉભુ થઈ જાયઅને ભાવકના મનમાં સંક્રાન્ત થઈ જાય એ હાયકુની ખુબી છે.
હાયકુ પછી, આજના મુખ્ય વિષય ‘વંટોળ’ પર વિવિધ સર્જકોએ પોતાની સ્વરચિત રચનાઓ રજૂ કરી.ડોક્ટર ઇન્દુબેને ‘વંટોળ’ કાવ્ય વાંચ્યું. શૈલા મુન્શાએ પોતાનું કાવ્ય ‘પ્રકોપ’ રજૂ કર્યું. નરેન્દ્ર વેદે પોતાનીપત્ની જ્યોત્સના વેદનુ હાયકુ વાંચ્યું. દેવિકાબેન ધ્રુવે, અક્ષરમેળ શિખરિણી છંદમાં ગુંથેલ ‘વિચાર-વંટોળ’કાવ્ય રજૂ કર્યું પછી તેમની તાજેતરની યુકે.ના સાહિત્યસર્જકો સાથેની, પોતાની મુલાકાતની અને કાર્યક્રમોનીવિગતવાર વાતો કરી. ત્યાંના ગુજરાતી રાઈટર્સ ફોરમ, ગુજરાતી એકેડેમી ઓફ યુ. કે, લેસ્ટર ગ્રુપ,ગુજરાતીરાઇટર્સ ગીલ્ડ વગેરે ગુજરાતી ગ્રુપ અંગેની કાર્યવાહી અને કાર્યક્રમોની વાતો સાંભળીને હ્યુસ્ટન સાહિત્યસરિતાના સભ્યોને ઘણું જાણવા મળ્યું.
પીઢ સર્જક શ્રી. ધીરુભાઇ શાહે પણ હાયકુ વિશે કેટલીક માહિતી આપી હતી. શ્રી. નિખીલ મહેતાએ યજ્ઞેશદવેના પુસ્તક ‘જાપાનીઝ હાયકુ’ના પાછલા પાને, સ્વ. શ્રી. સુરેશ દલાલે હાયકુ વિશે જે વિધાનો કર્યા છે તેવાંચી સંભળાવ્યા અને કવયિત્રી પન્ના નાયકના પુસ્તકમાંથી અવતરણો રજૂ કર્યા હતા. ફતેહ અલી ચતુરે,રાબેતા મુજબ શ્રોતાઓને હસાવે એવી વાતો કરી તથા અશોક ચક્રધરની હાસ્યરચના સંભળાવી. શ્રી. ચીમનપટેલે પણ પોતાનું એક કાવ્ય રજૂ કર્યું હતું. હ્યુસ્ટનમાં ચાલતી સિનિયર સિટીઝન્સની એક બીજી સંસ્થા‘ક્લબસિક્સ્ટી ફાઇવ’ ના પ્રેસિડેન્ટ શ્રીમતિ પારુ મેક્ગાયરે પોતાની સંસ્થા અંગે વાતો કરીને, તેના સભ્ય થવાઆમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ નિયમિત રીતે, નિસ્વાર્થપણે, વિના મુલ્યે “ગુજરાત ગૌરવ” નામનું સામયિક પ્રકાશિત કરતાં અને સૌને વહેંચતા શ્રી નુરૂદ્દીન દરેડિયાએ પોતાના સંકલનમાંથી મનપસંદ મુક્તકો વાંચી સંભળાવ્યા હતાં.
છેલ્લે સંચાલકો દ્વારા ૮મી ઑગષ્ટના રોજ યોજાનાર કવિ શ્રી રઈશ મણિયારના આગામી કાર્યક્રમની જાહેરાત અને આભારવિધિ કરવામાં આવી. કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. ફતેહ અલી ચતુર દ્વારા પિરસાયેલસમોસા, કચોરી, ચેવડો, જલેબી અને છાશનો હળવો નાસ્તો કરીને સૌ સર્જકો અને શ્રોતાજનો પ્રસન્નતા સહ વિખરાયા હતા.
એકંદરે આજની આ બેઠક સર્જન કાર્યને પ્રોત્સાહિત કરતી પ્રયોગશીલ રહી. પ્રતિકુળ હવામાન અને વ્યક્તિગત સંજોગોને કારણે ઓછી હાજરી હોવા છતાં આખી યે બેઠક હળવી,આનંદદાયી અને વિગતસભર રહી.
અહેવાલ- શ્રી. નવીન બેન્કર લખ્યા તારીખ- ૩૦ મે ૨૦૧૫
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ.