૪ ઓક્ટોબર ૨૦૧૩– શુક્રવાર
ગુજરાતીસમાજઓફહ્યુસ્ટનનાસભ્યથવાનાફાયદા
મિત્રો,
આજે ગુજરાતી સમાજની મેમ્બરશીપ એપ્રિસિયેશન નાઇટ છે, જેને ‘રાત્રિ બેફોર નવરાત્રિ’ પણ કહે છે. ( સ્થળ અને સમય– VPSS Temple Hall,at 8.30 P.M. )
ભારતથી, ખાસ નવરાત્રિ પ્રસંગે જ, પ્રોફેશનલી ગરબા કરાવતું આ ગ્રુપ, હ્યુસ્ટનના ગુજરાતીઓનું જાણીતું છે. બોલીવુડના ફીલ્મી ગીતો, કવ્વાલીઓ, ભાંગડા, ગરબા, રાસ સાથે ગુજરાતી સુગમ સંગીત એટલે સરળ ભાષામાં કહીયે તો ‘આંખનો અફીણી’, ‘નજરના જામ છલાવીને’, હું તો ગઇ’તી મેળે’ જેવા આપણા સદાબહાર ગીતોના એક્ષપર્ટ ગાયકો / ગાયિકાઓનું ગ્રુપ.
મેમ્બરશીપ નાઇટ વખતે, આગળ એક બે ટેબલ પર સમાજના નવા સભ્યોની નોંધણી થાય અને એ પછી સભ્યોને હોલમાં પ્રવેશ મળે.
સમાજની સભ્ય ફી અંગે મારા ખ્યાલ મુજબ ફેમિલી મેમ્બરશીપ ૬૦ ડોલર્સ છે અને સીંગલ મેમ્બરશીપ ૩૦ ડોલર્સ છે. છતાં આ અંગે નિશાબેન મીરાણી કે અજીત પટેલનો સંપર્ક સાધીને ખાત્રી કરી લેવી હિતાવહ છે.
સીનીયર્સ સિટીઝન્સ કે જેમણે ૬૫ વર્ષ પુરા કર્યા છે અને આજની તારીખમાં જેમને ૬૬મું વર્ષ ચાલે છે તેમણે સભ્ય ફી આપવાની નથી. આવા સિનીયરોને સભ્ય ગણીને, સભ્ય માટેની એન્ટ્રી ફી (એટલે કે ત્રણ કે આઠ ડોલર) માં જ ગરબા વખતે પ્રવેશ મળી શકે છે. જો કે, આજની એપ્રીસિયેશન નાઈટમાં તો સાવ ફ્રી.
હવે આપણે મૂળ વાત પર આવીએ.
માનો કે તમે ફેમિલીવાળા માણસ છો અને પતિ–પત્ની, બે બાળકો અને ઘરડા માબાપ છે. હવે જો ગરબામાં નોન–મેમ્બર તરીકે વ્યક્તિ દીઠ ૨૦–૨૦ ડોલર ભરીને નવે દિવસ આવવું હોય તો તમારે કેટલા દેવા પડે ?
ધારો કે તમે સીંગલ છો. નો એટેચમેન્ટ વાળા– મસ્ત, બિન્દાસ. ટીન એજર, અહીં જન્મેલા, અહીં જ ભણેલા અને વાતવાતમાં ‘આઉચ’, ‘ઓહ માય જીસસ’ બોલનારા અને તમારે ગુજરાતી ભાષા કે ગુજરાતી સમાજ સાથે ન્હાવા–નીચોવાનો એ સંબંધ નથી. તમને તમારા સમવયસ્ક જોડીદારો સાથે ટાંટીયા ઉછાળી ઉછાળીને સ્ટાઇલીશ રીતે ડાંડીયા ઘૂમાવતા ઘૂમાવતા ‘રોલો’ પાડી દેવાની કે ‘લાઇન મારવામાં’ જ રસ છે. અને…તમારે માટે આ એક જ એવો ઉત્સવ છે કે જ્યાંથી તમે તમારૂ મનગમતુ પાત્ર શોધી શકો છો. આજે કોઇ ટીન–એજરોને અંબે મા માં રસ નથી હોતો. મોટા ભાગનાને તો અંબેમા, કાળકા મા, કે બહુચરમા નો ભેદ પણ ખબર નથી હોતો. આરતીમાં ગવાતા ‘ચોથે ચતુરા ને પંચમે’ માં શી સ્તૂતિ થાય છે એ કેટલા સમજે છે ! એ બધું તો આગુસે ચલી આતી પ્રથાઓ જ રહી ગઈ છે હવે. કરવું પડે એટલે કરવાનું. બાકી એ બધો ભક્તિભાવ ૬૦ વટાવી ગયેલા ડોસા–ડોસીઓના મનમાં હોય તો કોણ જાણે !
(આજે ૭૩ વર્ષની ઉંમરે હું પણ મારી પત્નીની લાગણી ન દુભાય એવી બીકને કારણે જ આરતીમાં ઉભો રહું છું બાકી મારા ય મનમાં ….શ્રીરામ..શ્રીરામ..)
કહેવાનો મતલબ એ છે કે તમે નોન–મેમ્બર તરીકે દરરોજના વીસ ડોલર આપો એના કરતાં એકવાર વર્ષના ત્રીસ ડોલર ભરીને સીંગલ સભ્ય થઈ જાવ તો આજની મ્યુઝીકલ નાઈટના ૧૦ ડોલર અને પછી દરરોજ ગરબા વખતે ૨૦ને બદલે ૩ કે ૮ માં પ્રવેશ મેળવીને કેટલા બધા ડોલર બચાવી શકો ? અને…એ પૈસા ‘સાથીદારો સાથે જ્યાફત ઉડાડવામાં કેટલું વળતર (!) અપાવે ???… શ્રીરામ..શ્રીરામ…
હા… સીંગલ મેમ્બરને ‘સમાજનું મુખપત્ર ‘દર્પણ’ ન મળે અને કદાચ ઇલેક્શનમાં તમે વોટ ના આપી શકો. પણ આમે ય કયો ટીન–એજર ગુજરાતી વાંચી શકે છે ! અને..કોને એ બધું વાંચવામાં રસ છે ? અને…તમે ‘દર્પણ’ વાંચી શકો એ માટે તો હવે ‘દર્પણ.ને અંગ્રેજીમાં જ કરી દીધું છે. દા.ત. દર્પણનો ઓક્ટોબર ૨૦૧૩નો નવરાત્રિ અંક જૂઓ.
કુલ પાનાં ૪૪ ( ૪૦ અંદરના વત્તા ૪ પાના ટાઇટલના)
ગુજરાતી લખાણ કુલ ૭ પાનાં ( પેઇજ ૧૧,૧૨,૧૩,૧૪,૨૭,૨૯ અને ૩૯) અને..તે ય બહારના જ લેખકોના છપાયેલા લેખોના કટીંગો. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના આટઆટલા લેખકો /લેખિકાઓ હોવાં છતાં સમાજના મુખપત્રમાં …જવા દો..આ વિષે તો એક આખો સ્વતંત્ર લેખ લખી શકાય. શુભ તહેવારમાં ક્યાં થુંક ઉડાડવું !
અંગ્રેજી ભાષામાં પાનાં– ૩૭ ( મોટાભાગની જાહેરાતો જ ).
એટલે….સીંગલ મિત્રો, તમારે તો ખાસ મેમ્બર થઈ જ જવું જોઇએ. તમારી પાસે ગ્રીનકાર્ડ ના હોય તો તો ખાસ મેમ્બર થવું જોઇએ. મેં આ ત્રીસ વર્ષ દરમ્યાન ગ્રીનકાર્ડ વગરના ઘણાં છોકરા–છોકરીઓને, ગરબામાંથી જ લંગસ લડાવીને ડબલ થતા જોયા છે. તમારામાં થોડો દેખાવ, થોડી વાચાળતા, ગમે તે ગ્રુપમાં ઘુસ મારી દેવાની આવડત અને.. ઉદારતા (!) હોવી જરુરી છે. આ ઉદારતા શબ્દની જગ્યાએ મારે બીજો વધુ યોગ્ય શબ્દ લખવો હતો પણ સમાજના ઉન્નતભ્રુ લીડરોની લાગણીને ઠેસ ન પહોંચે એટલે હું થોડોક સોફેસ્ટીકેટેડ શબ્દ વાપરું છું.
હમણાં મેં VPSS ને બાંકડે બે સિનિયરોને વાત કરતા સાંભળ્યા.
‘અલ્યા ભઈ, હોંભળ્યું ‘સે કે આપણે સિનીયરોએ ગરબામાં તૈણ ડોલર જ દેવાના અને પેલા મોટા ગરબા વખતે આઠ દેવાના.
‘હા..હાસી વાત લ્યા ! પણ મોટા ગરબા વખતે પાર્કીંગના દહ દેવાના ને ! ‘
‘તે અલ્યા..આપણે મોટા ગરબામાં હું કરવા જવું પડે ? આ વરહે ચ્યોં કોઇ સિરીયલવાળી ફટાકડી આવવાની ‘સે…!
‘ ભૈ….હું તો જવાનો મોટા ગરબામોં..પેલી શોંતાડી ગાડી ચલાવે’સે ઇની હારે રાઈડ લૈ ને આપણે તો બંદા જવાના.. અને આ નેના ગરબા (એટલે VPSS વાળા)મોં આપડે અંદર જઈને હું કોમ ‘સે ? ગરબા હોંભળવાના જ ‘સે ને ? આપણે તો ગરબે ફરવાનું નહી. ખાલી સોડીયુંને ઘુમતી જોવાની ને ! તે ..અલ્યા આ બોંકડે બેહીને જતી આવતી જોઇ લેવાની..અને પરહાદ તો હોલની બહાર આલે ‘સે ને ?..ગરબા તો બોંકડે યે હંભળાય…તૈણ ડોલર હું કરવા દેવાના ?…ગરબા તો જુવાનિયાઓનો ઉત્સવ…આપડે યે અમદાવાદમાં ગરબા વખતે સાયકલો લઈ લઈને , ખાડીયામા ગોટીની શેરી ને આસ્ટોડીયા ને મણીનગર ના ગરબા જોવા નો’તા દોડતા ?.’
‘હવે રે’વા દે ઇ વાતુ…તું તો સાલા પેલી લખુડીની વોંહે વોંહે શેરીએ શેરીએ ઘુમતો’તો…. તે અલ્યા અમદાવાદ જાય ‘સે ત્યારે તારી એ લખુડીના હમાચાર લે ‘સે કે નહીં ?
‘ હમણા તૈણ વરહ પહેલા ગ્યો’તો ત્યારે એ લખુડી લાલમલાલ તો જાડીપાડી ભેંસ થૈ ગયેલી જોઇ’તી. હોંબેલા જેવા એના બાવડા અને આર્થરાઇટીસથી લંગડાતી ચાલ જોઇને અપની તો હવા જ નિકલ ગઈ.’
‘હેંડ હેંડ હાળા..તુ યે ચ્યોં હવે સલમાનખાન રહ્યો છું કે હજુ બિપાશાઓ શોધે છે ! તુ યે હવે સતિષ કૌશીક બની ગયો છું…’
આટલી વાત સાંભળીને, રસેશ દલાલને એના નવા નાટક ‘તીન બંદર’ની સ્ક્રિપ્ટ આપીને મેં વિદાય લીધી.
હ્યુસ્તન મારું ”ઘર” છે અને અમદાવાદ મારો વિસામો છે..
નવીન બેન્કર ૪ ઓક્ટોબર ૨૦૧૩
**************************************************************