પપ્પા જેવડો પિયુ હોય ત્યારે- નીરજા દેસાઈ
નીરજા દેસાઈ“ચાલ ને સુજય, સરસ મજાનો વરસાદ છે, લોંગ ડ્રાઈવ પર જઈએ. ગરમાગરમ ભજિયાં ખાશું, મસાલેદાર ચાય પીશું અને દેશી મકાઈ ખાવાની તો મઝા જ કેવી અનેરી! “ઓહો! થાકીને ઠુસ થઈ ગયો છું, સુમિ. સખત કંટાળો આવે છે, એમાંય આ વાદળિયા વાતાવરણમાં તો એમ થાય છે કે જમીને તરત ઊંઘી જાઉં સ્ત્રી-પુરુષ વચ્ચેનો આ સંવાદ તમે ઘણી વાર સાંભળ્યો હશે પરંતુ, વાત જ્યારે ઉંમરની હોય તો ત્યારે સંવાદનો આ તફાવત આંખે ઊડીને વળગે છે. સ્ત્રી નાની વયની હોય અને પુરુષ એના કરતાં પંદર-વીસ વર્ષ મોટો હોય ત્યારે જો બન્ને વચ્ચે પૂરતી સમજણ અને પરિપક્વતા ન હોય તો સંબંધ મેચ્યોરિટીના અભાવે નાશ પામે છે. દુનિયાની દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેમના સંબંધોનું આયુષ્ય લાં…બું….હોય! સુદીર્ઘ અને સરળ હોય, સંબંધોમાં પ્રેમ જળવાયેલો રહે, વિશ્ર્વાસ બરકરાર હોય, એકબીજાની દરેક ઈચ્છાઓ-મનોકામનાઓ પરિપૂર્ણ થાય. પરંતુ, તમને ખબર છે, સંબંધોનું દીર્ઘ આયુષ્ય ઘણી બધી બાબતો ઉપર નિર્ભર છે. જેમકે, એકબીજા પ્રત્યે કેટલું સામંજસ્ય છે, બન્નેના વિચારો કેટલા સરખા છે, તેમનામાં કેટલી પરિપક્વતા છે. પરંતુ, આ બધાથી એક મોટું પરિબળ ઉંમર પણ છે, જે સંબંધો પર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે. ના ઉમ્ર કી સીમા હો, ના જનમ કા હો બંધન…એવું ગવાતું ભલે હોય પરંતુ સહજીવન ગાળવા ઈચ્છતી બે વ્યક્તિઓ વચ્ચે ઉંમર એક મહત્વનું પરિબળ છે. હમઉમ્ર વ્યક્તિઓ વચ્ચે માનસિક-શારીરિક શક્તિઓ અને સમાનતા ઘણી હોવાથી સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ વચ્ચે મહત્તમ પાંચ-સાત વર્ષનો ડિફરન્સ હોય ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો. પરંતુ, તમારા પાર્ટનરની વય તમારા કરતાં ઘણી મોટી હોય તો સહજીવન ગાળવું મુશ્કેલ બની જાય છે. હવે, પ્રશ્ર્ન એ છે કે શું તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઉંમરનું અંતર કેટલું છે? જો અંતર વધારે હોય તો એ અંતર સંબંધો પર શું અસર જન્માવે છે? આપણે એવા ઘણાં કપલ્સ જોઈએ છીએ જેમનામાં ઉંમરનું અંતર ઘણું મોટું હોય છે. દેખીતી રીતે એ જોડું આપણને કજોડું જ લાગે પરંતુ ખરેખર એ બન્ને વચ્ચે મનમેળ છે કે મતભેદ? ઉંમરનું અંતર વધુ હોય તો તેઓને શી સમસ્યા નડે છે, નથી નડતી, શું ખરેખર તેઓ કજોડાં જ હોય છે? આવા અનેક સવાલોના જવાબ મેળવવાની અહીં કોશિશ કરીએ. સંબંધોમાં સૌથી અગત્યની બાબત છે માનસિક પરિપક્વતા. ઉંમર કરતાંય તમારી વિચાર પદ્ધતિ અને માનસિક પરિપક્વતા વધુ અગત્યના છે. કેટલાંક અપવાદરૂપ કપલ્સમાં વયમાં વધુ અંતર હોવા છતાં અનેક સ્તરે સમાનતા જોવા મળે છે. બેમાંના એક પાર્ટનરે શરણાગતિ સ્વીકારી લીધી હોય તો વિખવાદો થવાની સંભાવના મટી જાય છે. પરંતુ, બન્ને સરખા ઈગોઈસ્ટિક, બન્ને શોર્ટ ટેમ્પર્ડ અથવા બન્ને બહુ મહત્વાકાંક્ષી હોય તો ઉંમરનો તફાવત સપાટી પર આવીને જિંદગીમાં ઝંઝાવાત લાવે છે. દંપતિ અથવા પ્રેમીઓ વચ્ચે વયનું વધુ અંતર હોય તો સમસ્યા સર્જાવાની શક્યતા વધુ રહે છે. આમ થવાનાં કારણો શું છે? – બન્નેની વિચારસરણીમાં મોટો ફરક હોય છે. – વિચારસરણીમાં ફરકને કારણે પસંદ-નાપસંદમાં મોટો ભેદ જોવા મળે છે. – બન્નેની ખાણી-પીણી અને લાઈફ સ્ટાઈલ પણ અલગ જોવા મળે છે. સ્ત્રી ઉંમરમાં વધુ નાની હોય તો એને ચટાકેદાર ખાણી-પીણીમાં રસ પડે, જ્યારે ભાઈ ખાખરા અને મગથી પ્રસન્ન રહેવાનું પસંદ કરતા હોય. સ્ત્રીને શોપિંગ, હરવા-ફરવામાં રસ હોય અને પુરુષ ફૂરસદનો સમય આરામમાં ગાળવાનું પસંદ કરતો હોય. સ્ત્રીને નાની વયને કારણે દોસ્તો-મિત્રો સાથે રખડવામાં અને મહાલવામાં રસ પડે જ્યારે પુરુષની પસંદગીનાં ક્ષેત્ર અલગ હોય. પુરુષ નાનો અને સ્ત્રી મોટી હોય તોય સમસ્યા સર્જાય. એકને પાર્ટી, સોશિયલ ગેધરિંગમાં રસ હોય તો બીજાને નિતાંત શાંતિ જોઈતી હોય. એકને હોટલનું ભાણું પસંદ હોય છે તો બીજું પાત્ર ઘરનું ભોજન પસંદ કરતું હોય છે. એકને લાઉડ મ્યુઝિક પસંદ હોય છે તો બીજાને ક્લાસિકલ કે અન્ય શાંત પ્રકારનું સંગીત જોઈતું હોય છે. જાહેર સ્થાનો પર લોકો વિચિત્ર નજરે જોઈને એ કપલને પણ અહેસાસ કરાવતા હોય છે કે ક્યાંક તેમણે કંઈક ભૂલ તો નથી કરી! આવી નાની નાની પરંતુ અગત્યની બાબતો આગળ જતાં યુગલ વચ્ચે મોટું અંતર સર્જે છે. જ્યારે આ નાની નાની વાતો સંબંધ પર અસર પહોંચાડવા લાગે ત્યારે મોડું થઈ ગયું હોય છે. ધીમે ધીમે પુરુષને ખબર પડવા માંડે છે કે તમારી વયનું અંતર એમની ખુશીઓ કે જોઈતી અનિવાર્ય સ્પેસની આડે આવી રહ્યું છે. આ સિવાય પણ કેટલીક બાબતો છે જે સંબંધોને પ્રભાવિત કરે છે. ઈમોશનલ મેચ્યોરિટી: ભલે જોવામાં ઉંમરનું અંતર બહુ વધારે મોટું ન દેખાતું હોય, પણ આ અંતર ઈમોશનલ મેચ્યોરિટી પર ગંભીર અસર કરતું હોય છે. યુવાન વયનો પાર્ટનર વધુ ઉત્સાહી અને અધીરો કે અધીરી હોય છે, જ્યારે મોટી વયનો પાર્ટનર શાંત અને ગંભીર હોય છે. આ તફાવતને કારણે તમારી રોમેન્ટિક લાઈફ પર ઊંડી અસર પડે છે. અસલામતીની ભાવના: સાથી મોટી વયનો હોય અને પોતાના નાની વયના સાથીને તેના હમઉમ્ર મિત્ર સાથે હસી-મજાક અને વાતચીત કરતા જુએ તો પોતાની મોટી ઉંમર વિશે અસુરક્ષિતતા પેદા થાય છે. તેને એવું લાગે છે કે પોતાની વધતી ઉંમરને કારણે સાથી એને ત્યજી તો નહીં દેને? ફેમિલી પ્લાનિંગ: આ એક એવું પરિબળ છે જ્યાં વયનું અંતર ખાસ્સી મોટી અસર સર્જે છે. વધતી જતી ઉંમરને કારણે એક પાર્ટનર એવું ઈચ્છશે કે કુટુંબનું વિસ્તરણ જલદીથી થાય જ્યારે બીજું પાત્ર એમ વિચારશે કે લગ્નના આરંભનો સમય એન્જોય કરવામાં વિતાવવામાં આવે અને એ પછી જ ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ. ગ્રોઈંગ ઓલ્ડ ટુગેધર: વર્તમાન તબક્કે તમારી વય ૩૫ની હોય અને પાર્ટનર ૫૦નો હોય તો કદાચ તમને આ ક્ષણે કોઈ સમસ્યા ન નડે પરંતુ, થોડાં જ વર્ષોમાં પાર્ટનરની વય નિવૃત્તિ સુધી પહોંચવામાં આવી હોય ત્યારે તમે તો યુવાનીમાં જ હો. આવા તબક્કે સાથે વૃદ્ધ થવાની લાગણી તમે મિસ કરી શકો છો. હસતાં-રમતાં, લડતાં-ઝગડતાં, વ્હાલ વરસાવતાં અને વાંકું પાડતાં સાથે સાથે મોટા થવાની લાગણી, સમજણની મજા કંઈક જુદી જ હોય છે. ઉંમરનું મોટું અંતર હોય તો સ્વાભાવિકપણે મંોટી વ્યક્તિ મા કે બાપની ભૂમિકામાં અનાયાસે આવી જાય છે. આમાં કમ્પેનિયનશિપ ક્યાં આવે? બાળકો પર અસર : પોતાના મા-બાપમાંથી એક વૃદ્ધ દેખાતું હોય અને બીજું યુવાન તો બાળકો પણ ક્યારેક શરમ અનુભવે છે. લોકોની પ્રશ્ર્નસૂચક નજર: તમારા પાર્ટનર અને તમારા પિતાની ઉંમરમાં બહુ ફરક ન લાગતો હોય તો લોકો પણ પ્રશ્ર્નસૂચક નજરે જુએ અથવા સવાલ કરે છે. એ વખતે તમારા કરતાં તમારા સાથીના મન પર વધુ અસર થાય છે. આ અસર સંબંઘો પર પણ ઘેરી અસર છોડે છે. આવા સંબંધોની બીજી એક બાજુ જરૂરી નથી કે ઉંમરનું અંતર જ સંબંધ પર વિપરીત અસર છોડે છે. ઉપર જે હકીકતો વર્ણવી એ સમાન ઉંમરના લોકોમાં પણ સંભવી શકે છે. આમેય દરેકની પસંદ જુદી જુદી હોય છે. એવું નથી કે ઉંમરનું અંતર જ આ ફરક પેદા કરે છે. દરેક વ્યક્તિ જુદા વાતાવરણમાં ઊછરી હોય છે. ઉંમર સાથે આ એક પણ મહત્વનું પરિબળ છે. તમારો ઉછેર કેવો થયો છે એના પર પણ સંબંધોના આયુષ્યનો મદાર રહેલો છે. તમે કેટલા એડજસ્ટ થઈ શકશો, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રિફ્લેક્ટ કરશો, કઈ વાતને કેવી રીતે હેન્ડલ કરશો એ બધું તમારા ઉછેર પર આધાર રાખે છે. ક્યારેક એવું પણ બને કે મોટી ઉંમરનું પાત્ર વધુ મોડર્ન અને ઉદારવાદી, ખુલ્લી વિચારસરણી ધરાવતું હોય જ્યારે નાની ઉંમરનું પાત્ર સંકુચિત હોય ત્યારે પણ સમસ્યા સર્જાઈ શકે. આવા સંજોગોમાં તમે એકબીજાનાં સૂચન અને માર્ગદર્શન લઈ શકો છો.
ટૂંકમાં, સંબંધ ટકાવવા માટે ઉંમર સાથે બીજી કેટલીય બાબતો અગત્યની છે જેમ કે પરસ્પર તાલમેળ, સન્માન, આદર, પ્રેમ અને વિશ્ર્વાસ. સૌથી મોટી વાત એ છે કે જ્યાં પ્રેમ અનેસન્માન હોય ત્યાં બીજી કોઈક બાબત આડે આવે નહીં.સમજ્યાને? |
__._,_.___
.