નાટક ‘પપ્પા થયા પાગલ’ નો બીજો શો ભજવાયો
હ્યુસ્ટનમાં ‘કલાકુંજ ‘નાઉપક્રમે ‘નાટક ‘પપ્પાથયાપાગલ’નો બીજો શો ભજવાયો
અહેવાલસૌજન્ય– શ્રી. નવીનબેન્કર
અમેરિકામાં, ટેક્સાસ સ્ટેટનું, હ્યુસ્ટન શહેર કલાપ્રેમી ગુજરાતીઓનું મહાનગર છે, છેક ૧૯૮૦થી આ શહેરમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા, એનું પ્રસારણ કરવા ગીત, સંગીત,કવિ–સંમેલનો,સહિત સાહિત્યના અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુવ્યવસ્થિત અને સુંદર આયોજન અહીંની વિવિધ સંસ્થાઓ કરી રહી છે. આ સંસ્થાઓમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન, હ્યુસ્ટન નાટ્યકલા વૃંદ સદાય અગ્રણી રહ્યા છે. હવે એમાં એક નવું નામ ઉમેરાયું છે– ‘કલાકુંજ ‘.
‘કલાકુંજ ‘ ૨૦૧૧માં અસ્તિત્વમાં આવી. સંસ્થાના સુત્રધાર એક પીઢ અને નીવડેલા કલાકાર શ્રી. મુકુંદભાઇ ગાંધી છે. એમણે પોતાના કુશળ આયોજક મિત્ર શ્રી. રસેશ દલાલના અને અન્ય કલાકાર મિત્રોના સહયોગથી ‘કલાકુંજ ‘ના નેજા હેઠળ બે વર્ષ પહેલાં એક ત્રિઅંકી નાટક ‘હું રીટાયર થયો’ ભજવ્યું અને એના ચાર ચાર શો સફળતાપુર્વક ભજવ્યા. હ્યુસ્ટનના ધુરંધર કલાકારો ઉમાબેન નગરશેઠ, હેમંત ભાવસાર, મનીષ શાહ, અક્ષય શાહ, યોગિના પટેલ, અરવિંદ પટેલ (બાના ), પંક્તિ ગાલા, નુપુર શાહ,કુલદીપ બારોટ, લલિત શાહ, રક્ષાબેન પટેલ રસેશ દલાલ અને ખુદ શ્રી. મુકુંદ ગાંધી જેવા સક્ષમ કલાકારોએ આ નાટકની અસરકારક રજૂઆત કરી હતી.
માત્ર બે જ માસ પહેલાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન દ્વારા ‘કલાકુંજ ‘ના આ બીજા ફુલ લેન્થ પ્લે ‘પપ્પા થયા પાગલ’ ની ભજવણી કરવામાં આવી હતી. એ વખતના અભૂતપુર્વ પ્રતિસાદને કારણે ઘણાં નાટ્યપ્રેમીઓ આ નાટક જોવામાંથી વંચિત રહી ગયા હતા, એટલે લોકલાગણીને માન આપીને, ‘કલાકુંજે ‘ માત્ર કલાપ્રેમી, નાટ્યરસિક , ગુજરાતી પ્રેક્ષકો માટે, વિનામૂલ્ય, આમંત્રિત શોનું આયોજન કરીને, શહેરના કલાસિક અને કલારસિક પ્રેક્ષકો સમક્ષ હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરના ૯૦૦ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા નાટ્યગૃહમાં ૧૭મી ઓગસ્ટ ૨૦૧૩ને શનિવારની સલૂણી સંધ્યાએ બીજો શો રજૂ કર્યો હતો.
બરાબર આઠના ટકોરે, ‘કલાકુંજ ‘ના યુવાન, ઉત્સાહી ,હેન્ડસમ પ્રેસિડેન્ટશ્રી. રસેશ દલાલે પ્રેક્ષકોનું, તેમની લાક્ષણીક રમૂજી શૈલિમાં સ્વાગત કર્યું હતુ. અને પછી ગુજરાતના ગૌરવ સમા, ‘નાસા’ના વૈજ્ઞાનિક અને કવિ શ્રી, કમલેશ લુલા તથા એક જૈફ કલાકાર અને સાહિત્ય–સંગીત–નાટક જેવી કળાઓના પ્રેમી એવા લક્ષ્મીબેન ઠક્કરને સ્ટેજ પર આમંત્રીને તેમના શુભ હસ્તે દીપ–પ્રાક્ટ્યની વિધી કરાવ્યા બાદ, જરા ય સમયનો વ્યય કર્યા વગર , નાટક શરુ કરાવ્યું હતું.
આ ફુલ લેન્થ પ્લે એક હળવું પ્રહસન છે. કુલ આઠ મુખ્ય પાત્રો અને બે ગૌણ પાત્રોમાં,મુખ્ય પાત્ર સિતાંશુરાય નામના એક સિનીયર સીટીઝન છે. તેમના બે દીકરાઓ–એક જુવાન રુપાળો પરિણીત છે અને બીજો જાડીયો કુંવારો છે. એક દીકરી પરિણીત છે.પણ સાસુને સહન નહીં કરી શકવાને કારણે પિયર આવેલી છે.જમાઇ તોતડો છે. ઘરકામ ન કરવા ટેવાયેલી ઉધ્ધત મિજાજી, સુંદર મોડર્ન પુત્રવધુ છે. એક રસોઇ કરવા આવેલી પ્રૌઢ વયની રહસ્યમય રુપાળી, નખરાળી સ્ત્રી છે. જેમણે ભાંગવાડીના જૂના નાટકો માણ્યા છે એવા સાઇઠ વટાવી ગયેલા પ્રેક્ષકોને યાદગાર જૂના નાટ્યગીતોની પંક્તિઓ અને રાણી પ્રેમલતાની મારકણી સ્ટાઇલો મારતી રસોઇયણના પાત્રમાં ભરપુર મનોરંજન મળી રહે છે. નાટકમાં રમૂજ છે, રહસ્ય છે…સંતાનોના પેંતરા..સ્મૃતિભ્રમ થૈ ગયેલા વડીલનો સ્વાંગ..વડીલની પ્રેમકહાણી..તોતડા જમાઇના હાસ્યપ્રેરક સંવાદો..ક્યાંક ગીત, સંગીત અને ફિલ્મી ધૂનો પર ઠૂમકા..પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડે છે.રજૂઆતમાં ફાસ્ટ ટેમ્પો અને ઝડપ છે આ નાટકમાં.પ્રસંગોની ગુંથણી ને ગોટાળા ને ગેરસમજ સર્જતા બનાવો છે..હ્ર્દયસ્પર્શી સંવેદના અને રહસ્યની છાંટ ધરાવતું આ નાટક એક સામાજિક સંદેશ આપતું જોવાલાયક, કૌટુંબીક પ્રહસન છે,
નાટકના કલાકારો હતા– મુકુંદ ગાંધી, અક્ષય શાહ, રસેશ દલાલ,શાંતિલાલ ગાલા, ગિરીશ નાયક,યોગિના પટેલ, રિધ્ધી દેસાઇ, ઉલ્કા અમીન, સંજય શાહ, અને શ્રી.કેવલ ગાલા.
હ્યુસ્ટનના ખ્યાતનામ શહેરીજનો, સંસ્થાઓના આગેવાનો,પ્રતિનિધીઓ, મંદીરોના વહીવટકર્તાઓ એ નાટકને માણીને, શ્રી. મુકુંદ ગાંધીને અને અન્ય કળાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું. ક્યાં ય સુધી હોલ, તાળીઓના ગડગડાટથી ગૂંજી રહ્યો હતો.
નાટક્ની સાઉન્ડ સીસ્ટમ શ્રી. અમીત પાઠકે, રંગમંચ વ્યવસ્થા શ્રી.વિનય અને દક્ષા વોરાએ, પ્રકાશ આયોજન શ્રી. લલિત શાહે, સામગ્રી વ્યવસ્થા શ્રી. સુરેશ બક્ષીએ, પાર્શ્વસંગીત ગીતાબેન ગાલાએ, રંગમંચ વ્યવસ્થા શ્રી. સંજય શાહે, રંગભુષા ( મેક અપ ) યોગિના પટેલે, સભાગૃહ વ્યવસ્થા ઉમાબેન નગરશેઠે સંભાળ્યા હતા. વિડીયો અને ફોટોગ્રાફી માટે અનુક્રમે શ્રી. અતુલ કોઠારી અને શ્રી.કેવલ ગાલાએ સાથ આપ્યો હતો.
‘કલાકુંજ’ના ફાઉન્ડર પ્રેસિડેન્ટપદે શ્રી.મુકુંદ ગાંધી, પ્રેસિડેન્ટ પદે શ્રી. રસેશ દલાલ, વાઇસ–પ્રેસિડેન્ટપદે શ્રીમતી ઉમા નગરશેઠ, જનરલ સેક્રેટરી તરીકે યોગિના પટેલ, ખજાનચી તરીકે શ્રી. વિનય વોરા અને એડવાઇઝરી બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે શ્રી. ગોપાલ સવજાની તથા શ્રી. હરેન મથુરિઆ કાર્યશીલ છે. ‘કલાકુંજ’ ભવિષ્યમાં પરફોર્મીંગ આર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય કળા–સંસ્કૃતિ જેવી કે શેરી–ગરબા, ગરબી, ભવાઇ, એકપાત્રીય અભિનય, રાજ્ય કક્ષાએ એકાંકિ નાટ્યસ્પર્ધાઓ અને નાટ્યમહોત્સવો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા માટે આયોજન કરી રહી છે.
આપના પ્રતિભાવો આપવા માટે આપ કલાકુંજના ઇ–મેઇલ kalakunj.usa@gmail.com પર અથવા સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. રસેશ દલાલના ઇ–મેઇલ એડ્રેસ rasdep@gmail.com પર પણ સંપર્ક સાધી શકો છો.