દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે
દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે
અધ્યાત્મ અને અગમનિગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક સંસ્કૃત શ્લોકો, સુભાષિતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નિષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો-એકટરો-ભોળા ધાર્મિક અંધશ્રધ્ધાળુઓને આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને એમના મંદીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં-હાટડીઓમાં-ફોટા મૂકીને પૂજા-આરતી શરુ કરે,પછી પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠા કરે. અને પછી તો બસ…દાનપેટીઓમાં આવતા ડોલરોની નોટો જ ગણવાની હોય તેમને. કોઇને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઇને સાંઈબાબાનો અવતાર…આવા તો ઘણા તૂત ચાલે છે હિન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના.
હમણાં એક નવુ તૂત જાણવામાં આવ્યું.
ઇન્ડીયામાં બે નંબરના ઢગલેઢગલા નાણાં ભેગા કરનાર બાબાઓ, પરદેશમાં સ્થાયી થયેલા કોઈ જાણીતા માણસને અનુયાયી બનાવી દે. તેમને પરદેશમાં મંદીર ઉભુ કરવા નાણાં પણ હવાલા મારફતે પહોંચાડે. પેલો બાજીગર એ બાબાને કોઇ પ્રભુનો અવતાર ઠઠાડી દઈને એના ફોટાઓ સાથે મંદીર ઉભુ કરી દે.આ બાબા ફલાણા દેવતા કે દેવીના અવતાર છે અને મનોકામના પૂર્ણ કરે છે. એવી વાતો ફેલાવે. સ્થાનિક છાપાઓમાં પૈસા ખર્ચીને અહેવાલો છપાવે, રેડીયોવાળાને પણ બોલાવે, પેમ્ફ્લેટો છપાવે અને ગ્રોસરી સ્ટોર્સ પર ચીપકાવે. આરતી-પૂજા તો ખરી જ. પ્રસાદ અને મહાપ્રસાદો પણ ખરા. સ્થાનિક હોટલોવાળા ભાવિકભક્તો આ બની બેઠેલા પ્રભુઓને, આશીર્વાદ મેળવવા, ભોગ માટે ફ્રી પ્રસાદમ પણ ધરે. લોકોને આકર્ષવા માટે ફ્રી મેડીટેશન, ફ્રી યોગાના ક્લાસો ચલાવે ( ઓફ કોર્સ સ્વૈચ્છીક દાન અચૂક સ્વીકાર્ય હોય જ ). અને…આપણી ભોળી, ધર્મભીરુ બહેનો ( ભાઇઓ નહીં ! ) કશું મફતમાં તો લે જ નહીં. એટલે દાનપેટીઓમાં દક્ષીણા મૂકે જ. બસ…નોટો છાપવાનું મશીન ચાલુ- ટેક્ષ ફ્રી. કોરપોરેશન બનાવ્યું હોય અને ટેક્ષ-ફ્રી સગવડ મળી હોય તો જેટલા ચેક કે ક્રેડીટ કાર્ડથી નાણા આવે એનો જ હિસાબ રાખવાનો અને ખર્ચા વધારે બતાવી દેવાના. રોકડેકા માલ હડપ કરનેકા.
પેપર પર તો આવા ગુરુની કોઇ આવક હોય નહીં એટલે અમેરિકન સરકારનું વેલફેર,SSI,મેડીકેર, મેડીકેઈડ, ફૂડ કૂપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લૂંગી-ઝભ્ભો પહેરીને ભક્તાણીઓને માથે હાથ મૂકીને આશીર્વાદો આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલા કેળાં,મેવા-મીઠાઇઓના પેકેટો આરોગવાના અને મંદીરના ખર્ચે જ એરકન્ડીશન,પંખાનો ઉપયોગ કરવાનો. આવેલા નાણાંમાંથી એર-ઇન્ડીયાની ટ્રીપો પણ મરાય. ખર્ચા ધર્મસ્થાપનાય ઉધારી દેવાય. હા ! તમારે તમારુ જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને મેડીકેર -મેડીકેઇડ માટે જ રાખવાનું. બાકી કોઇ ‘પ્રભુ‘ કે ‘દેવતા‘ કે કંઇક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ નામ ચલણમાં મુકવાનું. કેસ-બેસ થાય કે ઉઠમણૂં કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા ‘પ્રભુ‘ને શોધતા !!! આ બાબતમાં આપણા ‘દેશીઓ‘ને શીખવવાનું ન હોય. બિઝનેસકાર્ડ પર ‘ડેની‘,’ કેલી‘, ‘માઇક‘, ‘રોબર્ટ‘ લખતા ડાહ્યાભાઇ,કાંતાબેન,મણીલાલ અને રસિકલાલને આપણે રોજબરોજ મળતા જ હોઇએ છીએ ને !
ઇન્ડીયાથી આવતી વખતે કોમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્ક્રુતનું કામચલાઉ જ્ઞાન મેળવી ને આવવું જોઈએ. પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોના ઉદાહરણો, ટૂચકાઓ, સંસ્ક્રુતના શ્લોકો અને થોડી હાજરજવાબી બસ છે. પુષ્ટીમાર્ગીય વલ્લભકુળના બાળકો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો કે નાણાવટી ગુરુવર્ય જેવા ખરેખરા વિદ્વાનોથી દૂર રહેવું.તેઓની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી પડી જાય !!!!
આંખ અને કાન ખુલ્લા રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો. મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય. એક જ જવાબ તમને મળશે કે-‘ આ તો શ્રધ્ધાની વાત છે. તમને શ્રધ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને..એ તો પ્રભુની તમારા પર ક્રુપા થાય તો જ તમને શ્રધ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રેશનાલિસ્ટમાં ખપાવીને ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઇ ! મારી પર ગુરુજીની કૃપાદ્રષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.‘
દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ….
શ્રીરામ…શ્રીરામ…. સબકુછ સીખા હમને, ના સીખી હોંશીયારી….સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈ અનાડી……