ટ્રીયો-ઇન કોન્સર્ટ- સલિલ ભાડેકર,ડેક્ષટર અને સ્મિતા વસાવડા
ટ્રીયો-ઇન-કોન્સર્ટ
( સલિલ ભાડેકર, ડેક્ષટર રઘુ આનંદ અને સ્મિતા વસાવડા)
૯, માર્ચ ૨૦૧૩ ને શનિવારની રાત…..
તમને ૨૦૦૦ની સાલના સારેગમપાનો વિજેતા પેલો હેન્ડસમ, છોકરો યાદ છે ? એ જ સોહામણો સલિલ ભાડેકર..આપણે એને ક્યારેક આશાભોસલે સાથે તો ક્યારેક ઉષા મંગેશકર, ખય્યામ જેવા સંગીતના દિગ્ગજો સાથે સંગત આપતા જોયો છે. મહમદ રફીના ગીતો એના અવાજમાં વધુ ફીટ થાય છે. મહમદ રફી ફેન્સ ક્લબમાં પણ એ એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે-૨૦૦૬માં.
આ ગાયક-સંગીતકાર હ્યુસ્ટનમાં સ્થાયી થવા આવ્યો છે.
હ્યુસ્ટનમાં, મારા સંગીતકાર-એક્ટર મિત્ર હેમંત ભાવસારના પિતાશ્રી.નગીનદાસ ઘેલાભાઇ ભાવસારની ૨૫મી પુણ્યતિથી નિમીત્તે, થોડાક અંગત મિત્રો,અને સાહિત્ય-સંગીતના પ્રેમીઓ સાથે એક સમુહમિલન હેમંતે પોતાના નિવાસસ્થાને યોજેલું. લગભગ ૬૦ જેટલા સંગીતરસિયાઓ આ મહેફિલ માણવા પધારેલા.હ્યુસ્ટનનું આ ક્લાસિકલ શ્રોતાવૃન્દ ગણાય.શરુઆતમાં મહેમાનોનું, ખાસ સૂરતથી મંગાવેલ પોંક અને વિવિધ સેવો અને ચીપ્સથી સ્વાગત કરવામાં આવેલું.
હ્યુસ્ટનમાં એક બીજો અદ્વિતિય કલાકાર છે- તબલાનવાઝ ડેક્ષટર રઘુ આનંદ. ગુજરાતી કે હિન્દી ભાષા લખી, વાંચી કે બોલી ન શકતો હોવા છતાં, ગમે તેવા ગાયક સાથે એ તબલા પર સંગત કરી શકે છે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેવાની એનામાં ક્ષમતા છે. ગીતના શબ્દોના અર્થ ન સમજવા છતાં, માત્ર એની ધૂનો સાથે એ તાલ મેળવી શકે છે.
અને…ત્રીજા ગાયિકાબહેન છે-સ્મિતાબેન વસાવડા. આ સોહામણી નાગર કન્યાના અદભુત અવાજ માટે તો હું, ઘણીવાર લખી ચૂક્યો છું એટલે એનું પુનરાવર્તન નહીં કરતાં રજૂ થયેલા કાર્યક્રમની વાત પર જ આવીએ.
અરુણ ભાવસારે આવકાર પ્રવચન કર્યા બાદ, ડેક્ષટર રઘુ આનંદે પોતાના નવ જેટલા બાળ-કલાકાર શિષ્યો પાસે, તબલા પર રુપક તાલના ૭૦ પ્રકારોની રજૂઆત કરાવી. ૧૦-૧૨ વર્ષના આટલા બધા ટાબરિયાઓએ જે સ્ફુર્તીપુર્વક કુશળતાથી તબલાવાદન કર્યું એ જોઇને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. દરેક બાળકલાકારને ટ્રોફી આપવામાં આવી હતી.
સ્મિતાબેને પોતાના સુમધુર કંઠે પ્રાર્થના ગાયા બાદ, કાર્યક્રમના હીરો સલિલ ભાડેકરે કાર્યક્રમનો દોર પોતાને હસ્તક લેતાં, સર્વપ્રથમ ફિલ્મ સરસ્વતિચંદ્રનું ગીત ‘ચંદન સા બદન‘ ગાયું. આ ગીત આટલા વર્ષોમાં હજાર વાર સાંભળ્યું છે, પણ સલિલે જે રીતે ‘ધીરે સે તેરા યે મુસ્કાના‘ શબ્દોને બહેલાવી, રમાડી અને પોતાની દ્રષ્ટી ફેંકવાની વિશિષ્ટ સ્ટાઇલમાં શબ્દોને ‘ફેંક્યા‘ કે શ્રોતાગણમાંની દરેક યુવતી જાણે એ પોતાને જ કહે છે એવો ભાવ અનુભવી રહી હશે એની મને ખાત્રી છે. સલિલના બુલંદ છતાં મુલાયમ અવાજ અને મધુર સ્વરલગાવથી સુંદર વાતાવરણ ખડું થતું હતું. હારમોનિયમ અને તબલાની જુગલબંદી શ્રોતાઓની તાળીઓની ખંડણી મેળવી લેતી હતી.
ત્યારપછી ગઝલ ‘રંજીશ હી સહી દિલ દુખાનેકે લિયે‘, દિલ્હી-૬ ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘મૌલા મેરે મૌલા‘, ચૂપકે ચૂપકે રાતદીન આંસુ બહાના યાદ હૈ‘,
‘ડાકા તો નહીં ડાલા થા, થોડીસી પી હૈ‘, ‘ખ્વાજા મેરે ખ્વાજા‘, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી દીધી સલિલભાઇએ.
પછી દોર શરુ થયો કવ્વાલીઓનો. શ્રોતાઓની ફરમાઇશ પર, સલિલે ‘આયા હૈ તેરે દર પે સવાલી‘ વાળી કવાલી ગાઇને ,શીરડીકે સાંઇબાબાને ય યાદ કરી લીધા. તો..‘પરદા હૈ, પરદા હૈ..‘ બિલકુલ રિષીકપૂરની દિલફેંક અદામાં, ગુલાબ ફેંકવાની સ્ટાઇલમાં ગાઇને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. ફિલ્મ કોહિનૂરનું ક્લાસિકલ સોંગ ‘મધુબનમેં રાધિકા‘ રજૂ કરીને પોતાની ઉત્તમ ગાયકીનો પરચો કરાવી દીધો. ઘણા ગાયકો આ બધા ગીતો ગાય છે. ઘણાં, કાગળિયા હાથમાં રાખીને વાંચી જાય છે, કેટલાક સીધ્ધેસિધુ ગીત ગાઇ જાય, પણ ગીતના શબ્દો પ્રમાણે ચહેરા પર ફેસિયલ એક્ષ્પ્રેશન અને અવાજમાં આરોહ-અવરોહ સાથે જ્યારે આવા ગીતો રજૂ થાય છે ત્યારે જ એની અસર શ્રોતાઓ પર પડે છે. ઘણી વખત આવી સુંદર રજૂઆત થતી હોય ત્યારે, શ્રોતાઓના ચહેરા ‘વાંચવાની‘ મને વધુ મઝા આવે છે.
સ્મિતાબેન વસાવડાએ આ કાર્યક્રમમાં, એમના જ શબ્દોમાં કહીએ તો, બારમા ખેલાડીની ભૂમિકા ભજવી હતી. એમણે ગાયેલું ગીત ‘બડે અચ્છે લગતે હૈ..ઔર તુ..મ‘ વખતે શ્રોતાઓ પણ ‘તુ..મ‘..શબ્દ પર સાથ પુરાવતા હતા. ‘તુજમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું, જેવા ગીતો રજૂ કરીને સલિલભાઇને થોડોક વિરામ આપ્યો હતો.
સંગીતના કાર્યક્રમમાં, કોઇપણ પાસુ નબળુ ન ચાલી શકે.રાગશુધ્ધી, શ્રુતિયુક્ત સ્વરોની સમજ, તાલ,તાન, અને રાગને સજાવવો..એ બધું જ શ્રેષ્ઠ જોઇએ. સુજ્ઞ પ્રસ્તૂતિ માટે સમજદાર અને લયદાર તબલાવાદક ડેક્ષ્ટર રઘુ આનંદ પણ એટલો જ પ્રશંસાપાત્ર ગણાય. ડેક્ષ્ટરે તબલાવાદનની લાક્ષણિકતાઓ એટલી વિકસાવી છે કે શ્રોતાઓ એને બિરદાવતા થાકતા નથી. બે કલાક ચાલેલી આ પ્રસ્તૂતિ શ્રોતાઓ પર મન મૂકીને વરસી.સંગીતરસિયાઓ આ ઢંગદાર, જાનદાર અને વિસ્મીત કરતી પ્રસ્તૂતિને વારંવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા.
યજમાન હેમંત ભાવસાર પોતે પણ ખુબ સારા ગાયક અને સંગીતકાર છે. પણ આજના પ્રોગ્રામમાં પોતે ગાવાથી દૂર જ રહ્યા હતા. માત્ર મંજીરા લઈને સ્ટેજ પર તેમણે હાજરી જ પુરાવી હતી. સમગ્ર કાર્યક્રમનો દોર તેમણે સલિલને જ સોંપી દીધો હતો.
એક સુ–નિયોજીત પ્રસ્તૂતિનો આનંદ, સંગીતરસિયાઓએ મન ભરીને માણ્યો.
કર્ણપ્રિય સંગીત અને સૂરિલા કંઠના સથવારે રજનીગંધાની માદક સુવાસથી, સલિલભાઇ મહેફિલને મહેંકાવી ગયા.
કાર્યક્રમની સમાપ્તિમાં, ફિલ્મ ‘હમદોનોં‘નું ગીત ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં‘ મારા મતે શ્રેષ્ઠ રજૂઆત હતી. હું, આ ગીત સલિલના કંઠે વારંવાર સાંભળવું પસંદ કરું.
અંતે, સ્વાદીષ્ટ ‘હુરતી‘ રસોઇ ( ખાસ તો છેક ‘હુરત‘થી ફેડૅક્ષમાં મંગાવેલા લાડુ )નું જમણ જમીને શ્રોતાઓ વિખરાયા ત્યારે ય , મારા કાનમાં તો‘અભી ના જાઓ છોડકર‘ ગૂંજતું હતું.
બેસ્ટ લક સલિલ એન્ડ થેન્ક્સ હેમંત.
અહેવાલ- નવીન બેન્કર ( 713-955-6226 )
******************************************************************************************