એક નિખાલસ કબુલાત
નિખાલસ કબુલાત
મતદાનને પાત્ર થાય તેવું કશું જ મેં લખ્યું હોય એવું હું, મારા ‘બ્લોગ’ માટે માનતો જ નથી. ‘બ્લોગ ‘લખવાની હજુ તો શરુઆત જ થઈ છે. છુટાછવાયા બે-પાંચ અહેવાલો બ્લોગ પર મુક્યા એટલે ‘બ્લોગ ‘વાંચનક્ષમ થઈ ગયો ? ના..એ તો આત્મવંચના છે.
નિખાલસપણે કહું તો, કોઇના બ્લોગ પર જઈને સર્ફિંગ કરવાની અને આખી દુનિયાનું જ્ઞાન મારા મગજમાં ભરી દેવાની મને આદત નથી. કોઇ કહે કે મેં આજે મારા બ્લોગ પર આ મુક્યું છે અને જો એ મરા ટેસ્ટનું હોય તો જરા નજર નાંખી લઉં અને સામાને સારુ લગાડવા માટે અભિપ્રાયના બે શબ્દો લખી નાખું.
સળંગ નવલકથા કે ભારેખમ વિચારો દર્શાવતા લેખો, સ્વાધ્યાયની વાતો, જીવનોપયોગી સુફિયાણી સલાહો, રાજકિય બાબતો, ને એવું બધું હું બ્લોગ પર કે ઇ-મેઈલમાં પણ વાંચતો નથી.
મને લાઈટ જોક્સ, કાર્ટૂનો, નોન-વેજ જોક્સ, અમ્રુત ઘાયલ, જલન માતરી, જેવા ગઝલકારોની રચનાઓ ગમે છે. ‘સ્વ. પ્રિયકાંત પરીખ‘,’ કાજલ ઓઝા-વૈદ્ય‘ જેવાંની નવલકથાઓ બિસ્તરમાં સુતાં સુતાં નાઈટલેમ્પના અજવાળામાં અથવા કોઇ બાંકડા પર બેસીને વાંચવી ગમે. મારા નાનકડા, બે બેડરુમના ઘરમાં મેં ઘણા પુસ્તકો, મેગેઝીનો, ચોપાનિયા,છુટ્ટા લેખો, સાચવ્યા છે. ( જેને કારણે ઘણીવાર મારે મારી પ્રિય પત્ની સાથે ચણભણ પણ થઈ જાય છે.)
કોઇ ફરમાઈશથી કે કોઇ વર્તમાનપત્રની અઠવાડીક કોલમ હું લખી ના શકું.ક્યારેક મારા મનમાં કોઇ વિષય પરત્વે સંવેદન જાગી જાય ત્યારે એકીબેઠકે સળંગ લખાઈ જાય. હા ! ભુતકાળમાં , જ્યારે હું જવાન હતો ત્યારે, નાણાકિય જરુરિયાતોને કારણે મેં પૈસાની ખાતર,એવી ફરમાઈશો પર પાનાં ચીતરી આપ્યા હતા.પણ એમાં મારો પ્રાણ ન હતો.એ માત્ર શબ્દોની રમત જ હતી અને મારી મજબુરી હતી. આજે ય મેં એ ગળચટ્ટા ચોપાનિયા સાચવી રાખ્યા છે. એનું સાહિત્યિક મુલ્ય ભલે કશું ના હોય પણ એ મનોરંજન તો કરાવે જ છે.
નજીકના ભવિષ્યમાં, મારે મારી આત્મકથા પ્રથમ પુરુષ એકવચનમાં, કાલ્પનિક વાર્તા તરીકે લખવી છે.મને લાગે છે કે મારા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે જેની ,મને નજીકથી ઓળખનારાઓને સુદ્ધાં કલ્પના ન આવે. આત્મકથા તરીકે તો સત્ય જ લખવું પડે અને મારામાં એવી નૈતિક હિંમત નથી. એ સારું પણ ના લાગે. આપણે ‘ ગોંધીબાપુ‘ થોડા છીએ ?
શ્રીરામ…શ્રીરામ…શ્રીરામ…