એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » સંકલન્ » ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે– લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે– લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

January 4th, 2014 Posted in સંકલન્

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે–    લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

અત્યાર સુધીનાં મારાં ગુજરાતી લખાણો કરતાં કાંઈક જુદા પ્રકારનું જ લખાણ લખવાની મને ઘણા સમયથી અંતરના ઉંડાણમાં તમન્ના હતી. તેને ન્યાય આપવા અને એક સામાજીક પ્રદુષણનો નાશ કરવા મારે આજે આંતરમનોવેદના, આસ્થા, શ્રદ્ધા અને ઈશ્વર અંગેનો મારો પોતાનો સ્વતંત્ર સ્પષ્ટ અભીપ્રાય પ્રસ્તુત કરવો છે. જોરાવરનગરના ભાઈશ્રી. જમનાદાસ કોટેચાએ તે માટે મને ઈજન અને તક આપ્યાં છે તેને વધાવી લઈ મારી વાત કરું છું. જીવનની સત્ય અનુભવેલી સ્થીતી–પરીસ્થીતીનું મારું આ તારણ છે.

ભગવાન, પરમેશ્વર, ઈશ્વર અંગે માનવસમાજના બે ભાગ આદીકાળથી જ પડેલા છે. એમાં ત્રીજો એક વીભાગ છેલ્લા ૫૦૦ વરસથી ઉમેરાયો છે. તે છે ‘ઈશ્વર છે અને નથી…’ ઈશ્વર નથી; છતાં છે પર પરમ્પરાગત માન્યતાઓને સ્વીકારી જીવનારો ત્રીજો વર્ગ. ‘ધોબીનો કુતરો ન ઘરનો; ન ઘાટનો’ એવી દશામાં તેઓ જીવે છે; છતાં દમ્ભ અન્તરને સુખ લેવા દેતો નથી એટલે આસ્તીક અને નાસ્તીક એ બન્ને પ્રકારના લોકોને અવગણે છે, તીરસ્કારે છે, સતત અસન્તોષની આગમાં બળતા રહે છે.

તો મારે એ બાબત કાંઈક અલગ જ કહેવું છે. મેં ગુજરાતી, હીન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં ઘણા ઉત્તમ ગ્રંથો વાંચ્યા છે. વેદોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વીશ્વના ૧૨ મોટા સમ્પ્રદાયો કહેવાય છે તેના દરેક પવીત્ર ગ્રંથનો અભ્યાસ – અનુવાદ કરાવીને પણ – કર્યો છે. ક્યાંય ઈશ્વર કોઈને પ્રત્યક્ષ મળ્યો હોય તેવો એક પણ દાખલો નથી, પુરાવો નથી. હા, જીવ ઈશ્વરનો અંશ છે, જીવમાત્ર સમાન ગુણધર્મ ધરાવે છે, તે વૈજ્ઞાનીક સીદ્ધાન્તો દ્વારા જીવશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. માનવ કે અન્ય જીવની ઉત્પત્તી એ શરીરવીજ્ઞાનની એક ક્રીયાનું જ પરીણામ છે. તેમાં ઈશ્વર કાંઈ કરતો જ નથી. છતાં આપણે ઈશ્વરના ફોટા, મુર્તી, છબીઓ, ધુપ–દીપ, માળા, પુજા, મંદીર, આરતી વગેરે ઈશ્વર વીશે માત્ર ને માત્ર કલ્પનાથી લખાયેલી વાર્તાઓ કે ધર્મગ્રંથોની પુરાણી દૃષ્ટાન્ત કથાઓને આધારે જ કર્યા કરીએ છીએ. આપણે આગળની વાત પછી કરીએ. પૃથ્વીની રચના થયા પછી માનવની ઉત્પત્તીનો ઈતીહાસ આજે સૌ જાણે છે. શેવાળથી માંડી આજ સુધીના માનવપ્રગતીના ઈતીહાસમાં ઈશ્વરે કોઈ કામ કર્યું હોય અથવા કોઈપણ માનવને કે જીવને તે રુબરુ મળ્યા હોય તેવું બન્યું નથી, બનવાનું પણ નથી; છતાં જે અન્ધશ્રદ્ધાપુર્ણ માન્યતાઓ જ છે તેને સત્ય માની, આપણે જીવનનો ઘણો કીમતી સમય કર્મકાંડ, દોરા–ધાગા, પુજા–જાપ, મંત્ર–તંત્ર, ભુત–ભુવા, ગ્રહોની પીડા વગેરેમાં વેડફી રહ્યા છીએ. આ બધું ખોટું છે, સત્યથી વેગળું છે. જેને તમે ભગવાન, ઈશ્વર કે પરમેશ્વર માનો છો તે તત્ત્વ નીર્મળ સત્ય છે. આ નીરંજન–નીરાકાર પરમ તત્ત્વ સાથે આજની આપણી ઘોર અન્ધશ્રદ્ધા–ગેરસમજોને કોઈ નાતો નથી અને આપણે કાળા દોરડાને અન્ધારામાં સાપ માની ડરીને, અજ્ઞાનતાથી કાંઈ પણ વીચાર કર્યા વગર, આંખો મીંચી ઈશ્વરને નામે થતાં પાખંડો, ભ્રષ્ટાચારો, વ્યભીચારોને પોષણ આપીએ છીએ એ ભયંકર પાપ છે. આ આપણું સામાજીક પ્રદુષણ છે જે કેન્સર ટી.બી. કે અસાધ્ય રોગ બની માનવજાતને ભયંકર નુકસાન કરી રહ્યું છે.

અનુભવ અને અભ્યાસને આધારે મારી સ્પષ્ટ માન્યતા છે કે જ્યોતીષ, ગ્રહો, દોરા, જાપ અને કર્મકાંડી વીધીવીધાનથી સુખ, સન્તોષ, સમ્પત્તી, સન્તાન મળે છે તે હળાહળ ખોટું છે. માત્ર ભ્રમ ઉભો કરી કહેવાતા ‘પાખંડી લોકોને પેટ ભરવાનો જાહેર ધંધો’ છે જે ખુલ્લેઆમ લુંટ સીવાય બીજું કશું નથી. મારા પીતા અમને વારસામાં જે આપી ગયા છે તેને અણમોલ શીખામણ કહો કે ઈશ્વર વીશેની સત્ય વ્યાખ્યા કહો, તે પ્રમાણે આજે ૭૫ વરસે હું નીડરપણે મારો સત્ય અભીપ્રાય જાહેરમાં આપવા સક્ષમ છું. કારણ બહુ જ સ્પષ્ટ છે, મને ધર્મગ્રંથો, સાહીત્યની ઉત્તમ કૃતીઓ, મહાન ગણાતા સન્તો–મહન્તો, આચાર્યો, પંડીતોની વાણી તેમ જ ૭૫ વરસની લાંબી જીવનયાત્રામાં ઈશ્વરનો સાક્ષાત્કાર, પ્રત્યક્ષ અનુભવ કરેલ હોય એવું કોઈ જ મળ્યું નથી. તેમ જ અગાઉ કોઈને મળ્યા હોય તેવો એક પણ દાખલો જગતભરમાં નથી તે સાબીત કરવાની મારી તૈયારી છે.

હવે વાંચો મારી વાત :

છેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરાધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.  

‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાનદક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાતજાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’

છેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુસીધુંસામાનદાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’

 મારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢીને, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’

આ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને ? મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવર્તન કોઈએ તો કરવું જ પડશે.

છેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને ?

શીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’

લેખક સમ્પર્ક: ડૉ. પ્રતાપ પંડ્યા, ‘ઘર’ – એ-1/1 સામ્રાજ્ય –2, મુંજ મહુડા, વડોદરા – 390 020 ફોન :0265- 231 2793 મોબાઈલ : 98253 23617 ઈ–મેઈલ : pratapbhai@gmail.com 

 

 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.