અમેરિકામાં ધરમના ધુતારાઓ
અમેરિકામાં ધરમના ધુતારાઓ
હમણાં ઝી ટીવીની આજતક ચેનલમાં અને વર્તમાનપત્રોમાં આસારામ અને નારાયણસ્વામિના કરતૂતોની ધૂમ મચી છે. આજનો હોટ ટોપીક છે–આસારામ.
આપણે એની વાત નથી કરવી.
તમને ખબર છે ? અમેરિકા જેવા દેશમાં પણ આવા ધુતારાઓ પોતાનો કારોબાર ચલાવે છે ?
હમણાં એક આવા સ્વામિજી અમેરિકાના અન્ય સ્ટેટમાં કાળાધોળા કરીને, ઉઠમણું કરીને, પોતાની પાછળ કોર્ટકેસોના પુંછડા લટકાવીને, બીજા સ્ટેટમાં ભાગી આવ્યા છે. અહીંના વર્તમાનપત્રોના પ્રતિનિધીઓ એમના ઇન્ટર્વ્યૂ લઈને સાચી વાત જાણવા જાય છે તો એમને પણ મુલાકાતો નથી આપતા. અને બિન્દાસપણે એક મંદીરનું ઉદઘાટન કરી નાંખ્યું. દસ–પંદર પુજારીઓ માટે જાહેરાતો આપી દીધી. યોગ્ય પુજારીઓ મળે કે ના મળે, જાહેરાતો તો કાયદેસર આપવી જ પડે. પછી ઇન્ડિયાથી ‘કબુતરો’ને સ્પેશ્યલ વીસા પર બોલાવી લેવાય. સ્વામિબાબાના ફોન નંબર્સ, ફેક્સ નંબર, ઇ–મેઇલ એડ્ડ્રેસો, વેબ સાઇટ..બધું જ.
લોકલ વર્તમાનપત્રોમાં આખા પાનાની કલર જાહેરાતો છપાય–
‘તમારે લગ્નમાં પ્રોબ્લેમ છે?’.. ‘બ્લેક મેજીક–કાળા જાદુથી પીડાવ છો ?’..’કાળસર્પ દોષ છે ?.’..’ધંધામાં તકલીફો છે ?’…’છૂટાછેડા લેવા છે ?’..તમે ડોક્ટર હો અને કોઇએ તમને કોર્ટમાં ઘસડ્યા હોય કે કોર્ટકેસમાં ફસાવ્યા હોય કે ઇન્કમટેક્સની માયાજાળમાં મૂંડાળા હોવ..કે પછી ગ્રીન કાર્ડ ન મળતું હોય.. તો… સ્વામિજીનો સંપર્ક સાધો…
છોકરાં ન થતા હોય, ડ્રગને રવાડે ચડ્યા હો, હઠીલા દર્દો જેવા કે કેન્સર, હાર્ટએટેક, થાયરોડ ડીપ્રેશન, જાતીય તકલીફો, ઉત્થાનના પ્રોબ્લેમો, મેનોપોઝના પ્રોબ્લેમો પણ અમે દૂર કરી આપીશું.
અંધશ્રધ્ધાળુ અજ્ઞાન, ‘ગ્રાહકો’ ફોન કરે એટલે ગુરુજી તો ફોન પર આવે જ નહીં, એમની સેક્રેટરી કે કોઈ ‘પ્રજાપતિ’ માહિતી પુછી લે અને તકલીફને આધારે ફી જણાવે તથા ક્રેડીટ કાર્ડથી એડવાન્સ પેમેન્ટ કરવું પડે. પછી ઇન્ટર્વ્યૂની તારીખ મળે. ટીવીના કંઇ કેટલાય શોમાં તમને એમના ફોટા સાથે કોઇ રુપાળી બાઇ ગુણગાન કરતી જોવા મળે..
આવા આસારામોના મંદીરોમાં દેસી બૈરાં જ વધુ જોવા મળે. ટીવી પર કોઇ શોમાં ભગવાનના દર્શન થાય ત્યારે આ ‘દેસી બૈરાં’, શ્રધ્ધાપુર્વક નતમસ્તકે નમન કરતા જોઉં ત્યારે તો મને એટલી રમૂજ થાય કે ન પુછો વાત.
દેસી લોકોને છાપાં વાંચવાની તો આદત જ નહીં. દરેક ગ્રોસરી સ્ટોર પર મફત મૂકેલા છાપા પણ ના ઉપાડે. અને કદાચ ઉપાડે તો માત્ર ‘સેલ’ની જાહેરાતો જોવા માટે જ અગર એ છાપાને પાથરીને શાક સમારવા કે ગોળ ભાંગવા માટે જ એનો ઉપયોગ કરતા હોય. પછી મારા જેવા કોઇ ઇન્વેસ્ટીગેટીવ પત્રકારે એ આસારામના કરતૂતો છાપ્યા હોય તો યે કોણ વાંચવા નવરું છે ?
અરે…સાલાઓ એટલું તો વિચારો કે જેમના માથા પર આટઆટલા કેસની તલવારો લટકે છે એ પોતાના પ્રોબ્લેમો સોલ્વ નથી કરી શકતા એ તમારા પ્રોબ્લેમો કેવી રીતે સોલ્વ કરવાના છે ? આ બની બેઠેલા બાપુઓ પોતાના નામની પાછળ ‘સંત’, ‘સ્વામિજી’ એવા વિશેષણો લગાવે, ભક્તોને અડે પણ નહીં ( કદાચ ભક્તાણીઓને તો અડતા હશે ). એમના ભક્તોમાં ડોક્ટરો, એન્જીનિયરો જેવા ભણેલાગણેલા લોકો પણ હોય છે. અરે ! એવા આગેવાન લોકો તો પાછા એમના મંદીરો માટે ડોનેશનો ઉઘરાવવામાં મદદ કરતા હોય ! રીટાયર્ડ થયેલા મોટાભાગના ‘દેસીઓ’ આવા મંદીરોના બાંકડા પર બેસીને કૂથલીઓ કરતા જ જોવા મળે. સમય મળ્યો છે અને હજી હાથપગ ચાલે છે ત્યાં સુધી લાયબ્રેરીનો લાભ ઉઠાવો, જોવાલાયક સ્થળોની મુલાકાત લો, સિનિયર્સની સેવા કરો, કોઇ સારી સેવાભાવી સંસ્થાઓમાં વોલન્ટીયર વર્ક કરો., કોમ્પ્યુટર શીખીને સર્ફીંગ કરો..હા ! તમારા ઇષ્ટદેવનું પણ સ્મરણ–મનન કરો..પણ જિન્દગી જરા બુધ્ધીગમ્ય રીતે જીવો.
મને તો આવા સ્વામિજીઓને મળવાનું થાય છે ત્યારે, મીસ્ટર ઇન્ડીયા બની જઈને, ફિલ્મ ‘એક અજનબી’ના હીરો અમિતાભ બચ્ચન જે રીતે પેલા ભ્રષ્ટ પોલીસ ઓફીસરની પીછવાડે બોંબ લગાવીને ઉડાવે છે એ રીતે ઉડાડી દેવાનું મન થઈ જાય છે.
આપણા દેશી લોકોમાં ધર્મભાવના એટલી બધી પ્રબળ હોય છે કે એમને સાચાખોટાનું પ્રમાણભાન જ નથી રહેતું. અને આવા તકસાધુઓ એનો લાભ ઉઠાવવા તૈયાર જ હોય છે. હમણાં આવા એક સ્વામિજીને પ્રશ્નોત્તરી કરવાનો મેં પ્રયત્ન કર્યો ત્યારે એમના ભક્તજનોના સમુહે મને બેસાડી જ દીધો. ‘તમે પછીથી એકાંતમાં એમને મળીને તમારી શંકાનું સમાધાન કરજો.. જાહેરમા આવા સવાલો પુછીને સ્વામિજીનું અપમાન ન કરાય’.
મેં નાનપણમાં સંન્યાસીઓના મઠમાં, સંન્યાસીઓને જાતે લુંગીઓ ધોતા, સૂકવતા, બાટી બનાવતા અને ચોપાડમાં ચોરસો ઓઢીને સૂઇ જતા જોયા છે, એમની કથાવાર્તાઓ સાંભળી છે. પુજ્ય ડોંગરે મહારાજની ભાગવતકથાઓ સાંભળી છે, રામાયણકથા, મહાભારતકથા, ગરુડપુરાણ સાંભળ્યા છે. તદ્દન સાત્વિક રીતે, યોગ્ય ગુરુઓ દ્વારા કહેવાતા એ જ્ઞાનમાં ક્યાંય કોઇ આડંબર નહોતા. આજે તો ભાગવત ભગવાનો પુષ્પક રથમાંથી ( હેલીકોપ્ટર ) માંથી ઉતરે છે, ગુલાબના પુષ્પોની વર્ષા થાય છે, દર દસ મીનીટે સંગીતના તાલે આગલી હરોળની ગોપીઓ નાચવા લાગે છે, કૃષ્ણજન્મોત્સવ…રુકિમણી વિવાહ..નરસિહ અવતાર..ના ‘નાટકો’, ભાગવત સપ્તાહમાં ભજવાય..કોઇ વાસુદેવ બને , કોઇ દેવકી બને, કોઇ બલીરાજા બને..અને બસ…નાચો..ગાવ.. થાઈરોડથી પહોળા થઈ ગયેલા નિતંબો લચકાવો.. અને બબ્બે વખત આરતીઓ ફેરવો…ઉછામણીઓ બોલો..ડોલરો લખાવો.. આશીર્વાદો મેળવો..
કૃતકૃત્ય થઈ જાવ…સાત્વિક આનંદ મેળવો…અમેરિકામાં ક્લબોમાં ભટકવા કરતાં તો આ આનંદ સારો જ છે ને ! બાકી…ડોગરે મહારાજની ભાગવતકથા તો મારા અંતરમાં કોતરાઇ ગઈ છે. એની તોલે તો કોઇ જ ન આવે. એ માણસનું પવિત્ર જીવન..સાદી જીવનશૈલિ.. એવા સંતો આજે ક્યાં છે ? આજે તો કથાકારો કહે છે કે ‘મારું વૃંદાવન વહાલુ…મારે વૈકુંઠ નથી જાવું..જન્મોજનમ ગોકુળમાં અવતાર લેવો છે..અને..મોટેભાગે મુંબઈ કે ન્યુયોર્કમાં જ રહેતા હોય છે..એરકન્ડીશનમાં અને મર્સીડીસમાં ફરતા હોય છે. અને…અમેરિકામાં કમાયેલા ડોલર્સ અમેરિકાના ધંધાઓમાં, એમની ભક્તાણીઓ મારફતે રોકતા હોય છે.
મને લાગે છે કે આવું બધું લખવાનો યે કશો અર્થ નથી. દુનિયા તો જેમ ચાલે છે એમ જ ચાલવાની છે. દુનિયા ઝુકતી હય, ઝુકાનેવાલા ચાહિયે…
બાલાશંકર કંથારિયા સાહેબ, તમે સાચું જ કહ્યું હતું–
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગિરીના તું બધા છલબલ જવા દેજે.
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરા યે સંગતે રહેજે.
મારે ચુપ થઈને ચુપચાપ આ બધા ખેલ જોવાના છે…લખવાનું પણ નહીં..મીટીંગોમાં જવાનું…સાંભળવાનું..ને..ઉઠીને ધીમેથી સરકી જવાનું…ફોટા પાડવા કે પડાવવા પણ નહીં ઉભા રહેવાનું… જે મળે એને ‘જેશ્રીકરસન’ કરવાનું. પણ…સાલો સ્વભાવ એવો પડ્યો છે કે મારાથી એવું નથી કરાતું. બક બક થઈ જ જાય છે…’બક બક’ અને ‘બકા..બકા..’ ક્યાં અટકે છે ?
શ્રીરામ..શ્રીરામ…
( નોંધ– આ લખાણ માત્ર અને માત્ર તમારા જેવા સહ્ર્દયી મિત્રો માટે જ છે.એટલે એને સર્ક્યુલેટ ન કરવા વિનંતિ. મને ‘દેસી ભક્તાણીઓ’ની બીક લાગે છે.)
નવીનભાઇ, તમારા લેખ વાંચ્યા. મને પણ એ જ સમજાતુ નથી કે બધાના દુઃખદર્દ ને શારિરીક બિમારી માત્ર મંત્ર ને ચપટીક ધુળ વડે દુર કરી દેવાના દાવા કરનારા બાપુઓ એની બિમારી વખતે કેમ ડોકટરને ત્યા દોડે છે ને રામનામના જપને બદલે દવાને દવા ખાનાનો આશરો શોધે છે? મોતને ભાળીને icuમાં કેમ સંતાઇ જાય છે?ઓક્સિજન ને ગ્લુકોઝ ઉપર છેલ્લા શ્ર્વાસ લેતા સ્વામીઓના સમાચાર ઘણી વખત પેપરમાં આવતા હોય છે. તો પણ ભક્તોને આ વાત કેમ સમજાતી નથી?તો ‘પોથી માહેના રીંગણા’ કે પરોપદેશે પંડિતમ’ વાત ખોટી તો નથી જ ને?દુઃખ તો એ થાય કે આમાં અભણ તો ઠીક પણ ભણેલા અભણ વધારે સામેલ હોય છે. એ જ વિમળા હિરપારા
પ્રતિભાવ બદલ આભાર.ક્યારેક ફોન પર વાત કરીશું.