’૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજી
’૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજી
હમણાં એક વાર્તામાસિકમાં શાંત મનથી ,પલંગ પર ટાંટીયા લાંબા કરીને, રીલેક્ષીંગ મૂડમાં, એક વાર્તા વાંચતો હતો. એમાં આવેલા એક વાક્યએ મારા શાંત ચિત્તતંત્રને ઝકજોરી નાંખ્યું.
અ વાક્ય હતું– ‘ ૭૩ વર્ષના વયોવૃધ્ધ એવા મારા દાદાજીએ મને પ્રતિજ્ઞા લેવડાવી હતી’.
આ ‘૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજી’ શબ્દએ મને હચમચાવી મૂક્યો.
મને ય ૭૩ વર્ષ થયા છે. શું હું ‘વયોવૃધ્ધ દાદાજી’ થઈ ગયો ? હું હમણાં ‘રામલીલા’ ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મના હીરો–હીરોઇનના ઉત્કૃષ્ટ લવસીન્સ જોઇને મને તો મઝા આવતી હતી. ઘણાં દ્રશ્યોમાં તો રણવીરસીંઘની જગ્યાએ હું મનોમન મને કલ્પી લઈને, દીપિકાના શરીરસ્પર્શના કાલ્પનિક સુખનો અનુભવ કરતો હતો. થીયેટરમાંથી ફિલ્મ જોઇને બહાર નીકળતાં અને પોલો ટી શર્ટ અને ગોગલ્સ પહેરેલા મારા ચહેરાને કારની વીન્ડોના કાચ પર મારું પ્રતિબિંબ નિહાળતાં, મને તો મારામાં પેલો રણબીરસીંઘ જ દેખાતો હતો.
ઔર….સાલા મૈં ૭૩ સાલકા વયોવૃધ્ધ દાદાજી ?…શ્રીરામ…શ્રીરામ…
મારી નાની બહેન સુષમા મને ફિલ્મ ગોસીપ્સની ક્લીપ્સ મોકલે છે એમાં , રીનારોય, પરવીન બાબી, અનુ અગરવાલની ક્લીપ્સ જોઇને, એમના છેલ્લા દિવસોની હાલત જોઇને હું હસતો હતો અને ત્યાં પાછા પેલા ‘૭૩ વર્ષના વયોવૃધ્ધ’ શબ્દો યાદ આવી ગયા અને મારું હાસ્ય વિલાઇ ગયું. હું યથાર્થમાં આવી ગયો. પેલી રુપાળી મિત્ર ઘણીવાર વાતવાતમાં ‘તમે સિનિયરો’, તમે ઘૈડાઓ’, ‘બુઢીયાઓ’ જેવા શબ્દપ્રયોગો કરી બેસે છે ત્યારે મારી ઉત્તેજના સાવ ઠંડી પડી જાય છે.
બહેને મોકલાવેલી આ બધી ક્લીપ્સ જોઇને મને થયું-‘ મારે પણ હવે યથાર્થનો સ્વીકાર કરી લઈને ,ધમપછાડા બંધ કરી દઈને, માત્ર વિશાળ પેનોરેમીક સ્ક્રીન પર દીપીકા, કેટરીના કે બિપાશાની સાથે પ્રણયદ્રશો ભજવતા યુવાન રુપાળા હીરોની જગ્યાએ જાતને મનોમન ગોઠવી દઈને, કલ્પનાજન્ય સુખ ભોગવી લઈને, બે–અઢી કલાકની આભાસી જિન્દગી ભોગવીને, સુખી થવાની જરુર છે. ફિલ્મ પુરી થતાં, બહાર નીકળીને ‘કેમ છો બહેન…જય શ્રી. કૃષ્ણ’….’ કરતા પાછા વાસ્તવિક ’૭૩ વર્ષના વયોવૃધ્ધ દાદાજી’ બની જવાનું જ રહ્યું છે.