હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) યોજ્યુંપ્રથમરાષ્ટ્રિયઅધિવેશન ( National Convention )
હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) યોજ્યુંપ્રથમરાષ્ટ્રિયઅધિવેશન ( National Convention )
અહેવાલ અને તસ્વીરો– શ્રી. નવીન બેન્કર
હ્યુસ્ટન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) તારીખ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ને શનિ–રવિના વીક–એન્ડમાં, ભારતિય મૂળના સિનિયરો માટે એક ઐતિહાસિક એવા પ્રથમ રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન કર્યું હતું અને તેને સુંદર રીતે સફળ પણ બનાવ્યું. લગભગ ૭૫૦ સભ્ય સંખ્યા ધરાવતું આ સિનિયર્સ મંડળ છેલ્લા ૨૭ વર્ષોથી હ્યુસ્ટનમાં કાર્યરત છે અને સિનિયર્સ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. અમેરિકાના કોઇપણ શહેરમાં આટલી મોટી સભ્ય સંખ્યા ધરાવતું અને આટલું જૂનુ સિનિયર્સ મંડળ નથી. છેલ્લા થોડા વર્ષોથી, ટેક્સાસ રાજ્યના ચાર મુખ્ય શહેરોના (હ્યુસ્ટન, ડલાસ, ઓસ્ટીન અને સાન એન્ટોનિયો ) સિનિયર્સ મંડળો પોતપોતાના શહેરમાં, રાજ્યકક્ષાએ આવા અધિવેશનો યોજતા આવ્યા છે. પણ, નેશનલ લેવલે, સમગ્ર અમેરિકામાંથી સિનિયર્સને આમંત્રીને કન્વેન્શન કરવાનું બીડુ તો હ્યુસ્ટને પ્રથમ વાર જ ઉઠાવ્યું છે. ટેક્સાસના આ ચાર સ્ટેટ ઉપરાંત, અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક સિનિયર્સ પોતપોતાના ખર્ચે, આ અધિવેશનમાં ભાગ લેવા આવ્યા હતા એમ આ અધિવેશનના સ્વપ્નદ્રષ્ટા અને ISCA ના પ્રેસિડેન્ટ શ્રી. લલિતભાઇ ચિનોયે જણાવ્યું હતું. બન્ને દિવસ સવારના નવ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીના ભરચક કાર્યક્રમોમાં, લગભગ ૯૦૦ ઉપરાંત સિનિયરોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનુ સંચાલન શ્વેતા અરોરાએ સંભાળ્યું હતુ. અમેરિકન રાષ્ટ્રીય ગીત અને ભારતીય રાષ્ટ્રીય ગીત ગાઇને કાર્યક્રમની શરુઆત થઈ હતી. ભાવાવેશથી ગદગદિત થઇ ગયેલા શ્રી. લલિત ચિનોયે, ગળગળા અવાજે હાજર રહેલા સર્વે સભ્યોને આવકાર આપતાં,આભાર માન્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન કોન્સુલ જનરલ શ્રી. હરીશ પાર્વથાનેની ના પ્રાસંગિક પ્રવચન પછી, સ્ટેફોર્ડ મેયર શ્રી.લિયોનાર્ડ સ્કારસેલા, જજ એડ એમ્મેટ, જેવા મહાનુભાવોએ પ્રાસંગિક આવકાર વચનો કહ્યા હતા.
સિટી કાઉન્સીલ મેમ્બર્સ શ્રી. હરીશ જાજૂ, સુગરલેન્ડના શ્રી. હિમેશ ગાંધી,સ્ટેફોર્ડના શ્રી. કેન મેથ્યુ અને કોંગ્રેસમેન શ્રી. અલ ગ્રીનના રીપ્રેઝન્ટેટીવ શ્રી. સામ મરચંટે પણ હાજરી આપી હતી.
ગુજરાતના ચીફ મીનીસ્ટર અને ૨૦૧૪ની ભારતની ચૂંટણીમાં બીજેપીના સત્તાવાર રીતે પ્રાઇમ મીનીસ્ટર તરીકે પ્રોજેક્ટ થયેલા શ્રી. નરેન્દ્ર મોદીનો શુભ સંદેશો પણ ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો.
ઓબામા હેલ્થકેર તરીકે ઓળખાતા એફોર્ડેબલ હેલ્થકેર એક્ટની અસરો અંગે, વોશીંગટન ડી.સી. માં, ડીપાર્ટમેન્ટ ઓફ લેબરમાં કાર્યરત એવા શ્રી. પરાગ મહેતાએ પોતાની લાક્ષણિક શૈલીમાં માહિતી આપી હતી.
પ્રવચનોના દૌર પછી, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના વિદ્યાર્થીઓએ ભાંગડા નૃત્ય અને ઓસ્ટીન ગ્રુપે ગરબા–લોકનૃત્યોની રમઝટ મચાવીને વાતાવરણને રંગીન બનાવી દીધું હતું.
બપોરે લંચ પછી, હ્યુસ્ટન ISCA ના પ્રેસિડેન્ટશ્રી. લલિતભાઇએ અન્ય શહેરોના સિનિયર્સ મંડળોના પ્રેસિડેન્ટોનો પરિચય આપ્યો હતો અને તેમના વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.
શ્રી. રમેશ ભુટાડાના પ્રવચન પછી, ‘ Sing for Seniors Talent Hunt’ ના ઉપક્રમે શ્રી. સુરેન્દ્ર તલવાર અને શ્રી. રવિ અરોરા આયોજિત સંગીત સ્પર્ધાના છેલ્લા ચાર સ્પર્ધકો વચ્ચે ફાઇનલ સ્પર્ધા રજૂ કરવામાં આવી હતી, જેમાં શ્રી.મહેન્દ્ર કોરવીને પ્રથમ નંબરે આવેલા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અન્ય બે પ્રતિસ્પર્ધીઓ–શ્રીમતી પુષ્પા દેસાઇ અને ૮૪ વર્ષની વયના શ્રી. તૈયબજીને પણ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.
હિન્દુ સ્વયંસેવક સંઘના ઉત્સાહી, તરવરીયા વિદ્યાર્થીઓએ સ્વામિ વિવેકાનંદના જીવન અને કવન અંગેની એક નાનકડી સ્કીટ પણ રજૂ કરી હતી. હ્યુસ્ટનના ઇસ્માઇલી ગ્રુપના લોકલ ગાયકો દ્વારા ‘મટકી બેન્ડ’ નો એક અતિ કર્ણપ્રિય અને નયનરમ્ય કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જે. વી. બી. પ્રેક્ષા મેડીટેશન સેન્ટરે પણ ‘ આઓ ખુશીયોં કે ફુલ ખિલાયેં’ રજૂ કરીને પ્રેક્ષકોને મુગ્ધ કરી દીધા હતા.
સાંજે સાત વાગ્યે ડીનર પછી, આ પ્રસંગે ખાસ અમદાવાદથી બોલાવાયેલા શ્રી.અતુલ બ્રહ્મભટ્ટે ગઝલોનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. શ્રી. અતુલભાઇએ જગજીતસિંહની ગઝલો ઉપરાંત અન્ય ગાયકો દ્વારા ગવાયેલી તેમજ કેટલીક ફિલ્મી ગઝલો અને ગુજરાતી સુગમ સંગીતની કેટલીક સદાબહાર રચનાઓ રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી મૂક્યા હતા. તેમને તબલા પર શ્રી. ડેક્ષટર રઘુ આનંદ અને કીબોર્ડ પર શ્રી.કમાલ હાજીએ સાથ આપ્યો હતો.
આખા દિવસના આ કાર્યક્રમો ઉપરાંત, વિવિધ રુમોમાં સિનિયરોને ઉપયોગી એવા સેમિનારો તો ખરા જ. હાડકાને લગતા રોગો અંગે ડોક્ટર વિશાલ શાહનો વાર્તાલાપ, સોશ્યલ સિક્યોરિટી, રીટાયરમેન્ટ બેનીફીટ્સ, સપ્લીમેન્ટરી ઇન્કમ, લોન્ગ ટર્મ કેર, જેવા વિષયોના વાર્તાલાપોનો પણ રસ ધરાવનાર સિનિયરોએ લાભ લીધો હતો.
આમ, સવારના નવ વાગ્યાથી શરુ થયેલા આજના પ્રથમ દિવસના કાર્યક્રમો રાતના અગિયાર વાગ્યે વિરામ પામ્યા હતા.
કન્વેન્શનનોબીજોદિવસએટલેકે૧૫મીસપ્ટેમ્બર૨૦૧૩
કન્વેન્શનના બીજા દિવસની શરુઆત એક કલાકના યોગા કાર્યક્રમથી. થઇ.પછી બાર વાગ્યા સુધી સેમિનાર્સ. ‘ફેડરલ ઇન્કમટેક્સ’,ડીસ–એબિલીટી બેનીફિટ્સ,મેડીકેર અને મેડીકેઇડ,’વીલ, ટ્રસ્ટ અને એસ્ટેટ પ્લાનીંગ’, જેવા વિષયો પરના સેમિનાર્સ , સેમિનાર્સ માટેના રુમોમાં યોજવામાં આવ્યા હતા. ડોક્ટર આલોક કાલિયાએ ડાયાબિટીસ અંગે મનનીય પ્રવચન કર્યું હતું. હ્યુસ્ટનના જાણીતા અને માનીતા ડોક્ટર સુબોધ ભુચરે રમુજી વાતો કરી કરીને શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા.
બપોરે લંચ પછી, હ્યુસ્ટનના સિનિયરોએ ‘ જામુન કે પેડ’ નામનું એક સુંદર હેતુલક્ષી નાટક રજૂ કર્યું હતું. સચિવાલયના પ્રાંગણમાં એક જાંબુનું ઝાડ પડી જાય છે અને તેની નીચે એક મુફલીસ કવિ દબાઇને પડ્યો છે, જે મદદ માટે બુમો પાડે છે. ઇન્ડીયન બ્યુરોક્રસી કેવી રીતે કામ કરે છે તેના પર કટાક્ષ કરતા આ નાટકમાં, વિવિધ ડીપાર્ટમેન્ટો અને તેના લીડરો કેવી રીતે આ કેસને હેન્ડલ કરવામાં ટાઇમ વેડફે છે અને પેલો કવિ મૃત્યુ પામે છે એવી વાત હળવી રીતે કહેતા નાટકમાં મુખ્ય રોલ કરનાર બીનગુજરાતી કલાકાર શ્રી. વિભાસ ધુરંધરે ઉત્તમ અભિનય કર્યો હતો. ઇસ્માઇલી ગ્રુપના શ્રી. ફતેહ અલી ચતુરે આ નાટકનું દિગ્દર્શન કર્યું હતું.
‘સા રે ગ મા’ થી જાણીતા થયેલા અને એવોર્ડ વિજેતા શ્રી. સલિલ ભાડેકર અને ડોક્ટર માનિક જોશીએ, ડેક્ષટર રઘુ આનંદ અને કમાલ હાજીના સથવારે ગીત–સંગીતનો એક અતિસુંદર કાર્યક્રમ પ્રેક્ષકોને પીરસ્યો હતો.
ઓસ્ટીન ગ્રુપના સિનિયરોએ ‘ ઠાકુર રંગલા સાથે’ અને ‘મુંબઈ અને સુરતની શાકવાળી’ ની સ્કીટ રજૂ કરીને પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડ્યું હતું. ડલાસ ગ્રુપે ‘ કબીરવાણી, લોકગીતો અને કાઠિયાવાડી દુહાનો મ્યુઝિકલ કાર્યક્રમ રજૂ કરીને પ્રેક્ષકોને ખડખડાટ હસાવ્યા હતા. ગરબા, એવોર્ડ્સ સેરીમની અને ડીનર પછી ફરી એક વખત અમદાવાદથી ખાસ આ પ્રસંગે આવેલ સંગીતકાર અતુલ બ્રહ્મભટ્ટે પ્રેક્ષકોને સ્ટેજ પર આમંત્રણ આપીને ગરબાના તાલે નચાવ્યા હતા અને રાત્રે અગિયાર વાગ્યે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
બન્ને દિવસના ચારે ટંકના સ્વાદીષ્ટ ભોજન તથા ચાહ–નાસ્તાની જવાબદારી હ્યુસ્ટનના મદ્રાસ પેવેલિયનના સંચાલકો શ્રીમતિ અલ્પાબેન શાહ અને મહેશભાઇ શાહે સફળતાપુર્વક સંભાળી હતી.
આટલા મોટા પ્રોજેક્ટને સફળતાપુર્વક પાર પાડવા માટે હ્યુસ્ટન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના કુશળ અને બાહોશ પ્રેસિડેન્ટ શ્રી. લલિત ચિનોય, કમીટી મેમ્બર્સ શ્રી. રવિ અરોરા, અરવિંદભાઇ પટેલ, શ્રી. સુધીર મથુરિયા, નિતીન વ્યાસ, દેવેન્દ્ર પટેલ ,શ્રી. અરુણ બેન્કર, શ્રી. વિનય વોરા, ટ્રસ્ટી શ્રીમતી સુધાબેન ત્રિવેદી, અને બીજા ઘણાં નામી–અનામી કાર્યકરો, શુભેચ્છકો, સ્પોન્સર્સ, ડોનર્સ વગેરે એ છેલ્લા છ માસથી ખુબ મહેનત કરી હતી. આ પ્રસંગે એક યાદગાર સોવેનિયર પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેને માટે શ્રી. લલિતભાઇ અને શ્રી.રવિ અરોરાએ એકલે હાથે ,દોડાદોડી કરીને , ખુબ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ અને તસ્વીરો– શ્રી. નવીન બેન્કર