ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-
ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-
ગુજરાતી સાહિત્યના નીવડેલા, જાણીતા, ૪૭ જેટલા નાટ્યલેખકોના એકાંકી નાટકોના ત્રણ સંગ્રહો, હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં મને જોવા મળ્યા.
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે રઘુવીર ચૌધરી અને રતિલાલ બોરીસાગર જેવાના સંપાદનમાં આ ત્રણ ખજાનારુપ, જાણીતા અને વારંવાર ભજવાઇ ચૂકેલા એકાંકી નાટકોના સંગ્રહ પ્રસિધ્ધ કર્યા છે.
હ્યુસ્ટન જેવા શહેરમાં, કોઇ પ્રસંગે, કોઇ સંસ્થા, એકાંકી નાટકો ભજવવા માંગતી હોય છે અને ‘સારુ એકાંકી ક્યાં છે‘ની તપાસ શરુ થઈ જતી હોય છે એવા સમયે આ ત્રણ પુસ્તકો મદદરુપ થઈ શકે તેવા છે.
અત્યારના સમયમાં, ઘણા બધા કલાકારોને લઈને નાટકની પ્રેક્ટીસ કરવા માટે ભેગા થવું-એ મૂશ્કેલ અને ખર્ચાળ કામ છે. એટલે એક ઘરમા પતિ-પત્ની બન્ને કલાકાર હોય અથવા એકાદ ખાસ મિત્ર કે પાડોશી નાટ્યપ્રવ્રુત્તી પ્રત્યે અભિરુચી ધરાવતા હોય તો, બે કે ત્રણ જ પાત્ર ધરાવતા, ૩૦ મીનીટના એકાંકીઓ પણ મને આ સંગ્રહોમાં વાંચવા મળ્યા. આવા કેટલાક નાટકોની એક નાનકડી સુચી અહીં લખું છું.
એકાંકીનું શિર્ષક લેખક પાત્રોની સંખ્યા
સ્ટેશન માસ્તર ધનસુખલાલ મહેતા બે પુરુષ અને એક સ્ત્રી
ઝાંઝવા યશવંત પંડ્યા એક પુરુષ અને બે સ્ત્રી
વન્સમોર ચુનીલાલ મડીયા ચાર પુરુષ પાત્રો
ઇલાજ વિનોદ અધ્વર્યુ એક સ્ત્રી અને ત્રણ પુરુષ
ચાલો, ઘર ઘર રમીએ જ્યોતિ વૈદ્ય એક પુરુષ- એક સ્ત્રી.
હુકમ, માલિક ચિનુ મોદી બે પુરુષ પાત્રો
અદાલતે ગીતા મુકુંદરાય પંડ્યા ત્રણ પુરુષ પાત્રો
કાહે કોયલ શોર મચાયે લાભશંકર ઠાકર એક પુરુષ અને એક સ્ત્રી
સ્મશાન સર્વીસ નિરંજન ત્રિવેદી બે પુરુષ પાત્રો
આપણું એવું મધુ રાય એક પુરુષપાત્ર સ્ટેજ પર અને
બીજું પાત્ર નેપથ્યમાંથી ટેલીફોન પર.
લોહી વરસતો ચંદ્ર મહેશ દવે એક પુરુષ-એક સ્ત્રી.
ટેલીફોન હસમુખ બારાડી એક પુરુષ-એક સ્ત્રી
દીવાલ સુભાષ શાહ બે પુરુષ-એક સ્ત્રી
ઘર વગરના દ્વાર રવિન્દ્ર પારેખ બે પુરુષ-એક સ્ત્રી
હેરપીન ઉત્તમ ગડા એક પુરુષ- એક સ્ત્રી.
સ્પર્શ સોનલ વૈદ્ય એક પુરુષ- એક સ્ત્રી.
( મહેમાન કલાકારો-નર્સ, વોર્ડબોય)
સામગ્રી-સ્ટ્રેચર.
આ નાટકો વાંચતાં વાંચતાં મારી દ્રષ્ટી સમક્ષ આપણા હ્યુસ્ટનના મુકુંદભાઇ ગાંધી, હેમંત ભાવસાર, ઉમાબેન નગરશેઠ, નિતીન વ્યાસ, ફતેહ અલી ચતુર, રક્ષાબેન પટેલ, દેવિકા અને રાહુલ ધ્રુવ જેવા કલાકારો તરવરતા રહ્યા હતા. હું જુવાન હતો ત્યારે કોઇ સારી નવલકથા વાંચુ ત્યારે એની પટકથા મારા માનસપટ પર અંકાવા લાગતી અને હું શેખચલ્લી બનીને વિચારતો કે જો હું આ કથા પરથી ફિલ્મ બનાવું તો આ પાત્રમાં સંજીવકુમાર, આ પાત્રમાં હેમા માલિની, આ પાત્રમાં બિન્દુડી (!) લઉં અને…પછી એ કથાને મારા મનમાં ભજવાતી જોતો. કહેવાની જરુર નથી કે એમાંના એકાદ પાત્રમાં હું મને ય ગોઠવી દેતો. અને બિન્દુ કે મુમતાઝ સાથેના પ્રણયદ્રશ્યો મનમાં ભજવતો. શ્રીરામ…શ્રીરામ….
ન્યુયોર્કના જાણીતા કલાકારો જલ્દી મારા માનસપટ પર નથી આવતા કારણ કે ઘણાં વર્ષોથી મેં આર.પી. શાહ, ભારતીબેન દેસાઇ કે રક્ષાબેન પંડ્યાને જોયા નથી. ઍટલે એમના ચહેરાઓ મને યાદ નથી આવતા. બાકી એ લોકો પણ સુપર્બ કલાકારો છે.
થોડા વર્ષો પહેલાં, હ્યુસ્ટનના વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય હવેલી)ના ઉપક્રમે એક એકાંકી નાટક ભજવાવાનો પ્લાન થયેલો અને મેં યુવાન કલાકારોને લઈને પ્રેક્ટીસ પણ શરુ કરાવેલી ત્યારે પણ આવા જ કોઇ નાટકનું થીમ હું પણ શોધતો હતો.
આ લેખ હું કેટલાક નાટ્યપ્રેમી મિત્રોને મોકલી રહ્યો છું.
મિત્રો, સારા નાટકો શોધવા માટે તમારે સાંજે જોબ પરથી છૂટ્યા બાદ અગર કોઇ શનિવારે ૫૦૦, મીકીની સ્ટ્રીટ પર ડાઉનટાઉનમાં આવેલી આ ભવ્ય લાયબ્રેરીની મુલાકાત લેવી જરુરી છે.ત્યાં, ફોરેઇન સેક્શનમાં, ગુજરાતી પુસ્તકોના ઘોડા પરથી આ પુસ્તકો શોધવાના. આ દેશમાં એટલી સરસ વ્યવસ્થા છે કે માત્ર તમારું ડ્રાયવર લાયસન્સ કે ફોટા સાથેનું કોઇ અધિકૃત ઓળખપત્ર બતાવો કે વિનામુલ્યે, ડીપોઝીટ વગર તમને પુસ્તકો આપે અને એ પુસ્તકો પાછા તમે શહેરની કોઇપણ લાયબ્રેરીની બ્રાંચમાં જમા કરાવી શકો. લાયબ્રેરીના દરવાજે મેટ્રોની છ બસો પણ આવે છે. હું પાર્કીંગના પૈસા બચાવવા, આ સિટી બસની ફ્રી સર્વીસનો જ લાભ લઊં છું. ( ફ્રી સર્વીસ માત્ર અમારા જેવા સીત્તેર વટાવી ગયેલાઓને જ મળે છે. બાકી સવા ડોલર ટીકીટ લાગે.)
હું, અઠવાડીઆના ત્રણ થી ચાર દિવસ, ચાર ચાર કલાક આ લાયબ્રેરીમાં વીતાવું છું પણ આજસુધીમાં મને એકેય ગુજરાતી વાંચક ત્યાં જોવા મળ્યો નથી.
શ્રીરામ..શ્રીરામ…
કોઇને કોઇ પ્રશ્ન હોય અથવા વધુ માહિતી જોઇતી હોય તો મારો, ઈ-મેઈલ મારફતે સંપર્ક સાધી શકે છે. મોટેભાગે હું લાયબ્રેરી કે મૂવી થિયેટરમાં સમય ગાળતો હોઉં એટલે ઘરના ફોન પર મળું નહીં અને સેલફોન ઉપાડવાની આદત નથી.ચાલુ કારે, થિયેટરમાં, મીટીંગમાં સેલફોન ઉપાડતો નથી. બેસ્ટ વે ટૂ કોન્ટેક્ટ મી ઇઝ ઇન્ટરનેટ.