એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » એકાંતે આવી સાજન તારી યાદ’

એકાંતે આવી સાજન તારી યાદ’

January 4th, 2014 Posted in અહેવાલ

 

એકાંતે આવી સાજન તારી યાદ

 

ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની ૧૨૦મી બેઠક,તારીખ ૨૪ માર્ચ ૨૦૧૨ને શનિવારની બપોરે, ભોજન રેસ્ટોરંટના હોલમાં મળી હતી. લગભગ સાઈઠ જેટલા સર્જકો અને સાહિત્યરસિકોની હાજરીમાં આ વિશિષ્ટ અને ઐતિહાસિક બેઠકમાં રજૂ કરાયેલી ક્રુતિઓનો વિષય હતો-એકાંતે આવી સાજન તારી યાદ‘. ભાગ લેનારા કવિઓ, ગઝલકારો મોટેભાગે પંચાવન થી પંચોતેરની વચ્ચેની વયના હતા એટલે સ્વાભાવિક રીતે જ આ વિષય પર,વીતી ગયેલા દિવસોની યાદો કે વિખૂટા પડી ગયેલા જીવનસાથી સાથેના સંભારણાને લગતી રચનાઓ જ રજૂ થાય.

કાર્યક્રમના કો-ઓર્ડીનેટર શ્રી. સતિષભાઇ પરીખે સમગ્ર કાર્યક્રમની રુપરેખા આપતાં કહ્યું કે  આજનો આ કાર્યક્રમ બે ભાગમાં વહેંચાયેલો છે.પ્રથમ ભાગમાં,સર્જકો પોતાની ક્રુતિઓ રજૂ કરશે. અલ્પાહાર બાદ ત્રણ સર્જકો વિવિધ વિષયો પર પોતાનું મંતવ્ય રજૂ કરશે.હ્યુસ્ટનના જાણીતા કવયિત્રી દેવિકાબેન ધ્રુવ ગઝલ વિષે, હાસ્યલેખક શ્રી. ચીમનભાઇ પટેલ (ચમન‘) હાસ્યલેખોના સર્જન વિષે તથા જાણીતા નવલકથાકાર શ્રી. નવીન વિભાકર ટેલીફોનિક વાર્તાલાપ દ્વારા નવલકથાના સર્જન વિષે  આપણને માહિતી આપશે.

વિલાસબેન પીપલીયા નામના એક સિનીયર સિટીઝન સાહિત્યરસિક બેને ,જૈન પ્રાર્થનાથી શરુઆત કરીને , આજના માસ્ટર ઓફ સેરિમની અને સાહિત્ય સરિતાના એક મોવડી  વિજયભાઇ શાહને માઈક  સોંપી દીધું હતું.

વિજયભાઇ શાહ એક ઉત્સાહી, સૌમ્ય અને મીતભાષી લેખક છે. સરિતાના સર્જનથી લઈને તેમણે હ્યુસ્ટનમાં ઘણા લેખકોના હાથમાં કલમ પકડાવી દીધી છે. વિજયભાઇ સાચા અર્થમાં સાહિત્યસરિતાના “ચાલકબળ” સમા છે. દરેક રજૂ થતી ક્રુતિ બાદ કોઇ કોમેન્ટ કે શાયરી કે ગઝલ મુકવાને બદલે તેમણે સાહિત્ય સરિતાના અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગોની યાદોને રસપુર્વક રજૂ કરી હતી.

શ્રી.વિજયભાઇએ ભરત દેસાઇની એક ગઝલ રજૂ કરી-

એકાંતે આવી તારી યાદ સજન

જાણે લાગે છે ઝંઝાવાત સજન

તારી જીદે મૌસમ બદલાઇ ગઈ

પેલા જેવો ક્યાં છે વરસાદ સજન

જા તારા સઘળા ગુન્હા માફ કર્યા

ને કરવી પણ કોને ફરિયાદ સજન

ડોક્ટર ઇન્દુબેન શાહે  સાજન મારો એક બસ વ્હાલ વરસાવે, યાદ બસ સાજન તારી એકાંતે આવેજેવા શબ્દો ધરાવતી ગઝલ રજૂ કરી હતી. મુળ હ્યુસ્ટનના, પણ હાલમાં ઓસ્ટીન વસેલા સરયુબેન પરીખે ટેલીફોન પર પોતાની રચના સંભળાવી હતી. હેમાબેન પટેલે સુંવાળા દિવસોની સુખદ પળોને અને ઘાયલ દિલની, વિરહની પળોને ઉજાગર કરતી એક રચના સંભળાવી હતી.શૈલાબેન મુન્શા નામના એક કવયિત્રીએ પણ વિરહની પળોમાં વિખૂટો પડી ગયેલો સાજન કેટલો યાદ આવે છે તેનું વર્ણન કરતું એક કાવ્ય રજૂ કર્યું હતું. દેવિકાબેન ધ્રુવે પણ પોતાની એક છંદોબધ્ધ ગઝલ સંભળાવી હતી .મનુજ હ્યુસ્તોનવીના નામે ગઝલો લખતા કવિશ્રી. મનોજ મહેતાએ પણ શમણું હતું જે ખુલ્લી આંખેશિર્ષક ધરાવતી રચના સંભળાવી હતી.ચિમનભાઇ પટેલે આદિલ મન્સુરિની ખ્યાતનામ રચના ફરી મળે ના મળે નો રદીફ લઈને સર્જેલી હાસ્યપ્રધાન ગઝલ સંભળાવી, શ્રોતાઓને હાસ્યમાં તરબોળ કરી મુક્યા હતા.

ખઈ લો પકવાન પેટ ભરીને, ફરી મળે ન મળે

લખી લો તમે ગઝલશબ્દો ફરી મળે ન મળે !

કરી રાખ્યું છે ધન ભેગું આજ સુધી ઘણું,

દઈ દે દાનમાં લેનાર વળી મળે ન મળે !

ફતેહ અલી ચતુરે પોતાની લાક્ષણિક શૈલીમાં,  સામેવાળાના મનની વાત જાણી શકાય તેવા યંત્રની વાત કહેતી   એક હાસ્યસભર હિન્દી કવિતા રજૂ કરીને શ્રોતાઓને ખૂબ હસાવ્યા હતા. અન્ય કવિઓમાં ભજનિક  કવિ શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ, ધીરુભાઇ શાહ,અશોક પટેલ, ભગવાનદાસ પટેલ, ચિત્રકાર શ્રી.વિનોદ આર.પટેલ, કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. મનસુખ વાઘેલા, નુરુદ્દીન દરેડીયા, પ્રશાંત મુન્શા, વગેરે એ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. શ્રી. હેમંત ગજરાવાલા નામના એક સાહિત્યપ્રેમીએ એક અંગ્રેજી કાવ્ય રજૂ કરીને તેનો ભાવાનુવાદ સંભળાવ્યો હતો.

એક કવિની રચના બાદ, વચ્ચે વચ્ચે માસ્ટર ઓફ સેરિમની શ્રી. વિજય શાહે પોતાની શાંત અને સૌમ્ય ભાષામાં, સાહિત્ય સરિતાના આ અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગો વાગોળતાં, હ્યુસ્ટન મુલાકાત ટાણે કવિશ્રી.વિનોદ જોશી સાથેના સંસ્મરણો,સહિયારા સર્જનના સંસ્મરણો,દશાબ્દી વખતના નાટકોની યાદો,  પાદપુર્તી દ્વારા સર્જાયેલ કવિતાઓ  વગેરે ઘણું બધું  યાદ કર્યું હતું અને એ અગિયાર વર્ષો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરી દીધાં હતાં.

આમ કાર્યક્રમના પ્રથમ ભાગમાં એકાંતે આવી સજન તારી યાદમાં પુનમની રાત..ચાંદની રાત..ઘનઘોર રાત..શ્રાવણી રાત..સાજન..પિયુ..વિરહ..ને મિલન…  ને એવું બધું આવી ગયું. .મોટાભાગના સર્જકો પંચાવન વટાવી ગયેલા છે એટલે કાં તો જૂવાનીના દિવસોને યાદ કરીને ઉર્મિઓને કાગળ પર ઉતારે છે અથવા પ્રક્રુતિપ્રેમ ,નિસર્ગ સાથેની પ્રીતિ, પાણી, વ્રુક્ષ ગગન, સુરજ, તારાઓ, ચાંદો એમને આકર્ષતા હોય એવું દેખાઇ આવતું હતું.અંગત લાગણીઓનું  કાવ્યમય આલેખન ભીતરમાં ભંડારાયેલ સ્મ્રુતિઓની અભિવ્યક્તિ રજૂ કરાયેલી ક્રુતિઓમાં દેખાઇ આવતી હતી.આજે રજૂ થયેલી રચનાઓમા તેમના અનુભવો અને તેમનું આંતરવિશ્વ વિવિધ સ્વરુપે વ્યક્ત થતું જોવા મળ્યું હતું.કેટલીક ક્રુતિઓમાં પોતાના સજન પ્રત્યેની અતૂટ અને અમીટ ચાહનાની અભિવ્યક્તિ વ્યક્ત થતા હતા.

સમોસા,  દાળવડા, ચાહ, ચવાણુંના નાસ્તા બાદ કાર્યક્રમનો  બીજો દૌર શરુ થયો.

સાહિત્ય સરિતાના ભિષ્મપિતા ગણાતા શ્રી. દીપક ભટ્ટે સાહિત્યસર્જનનું સ્તર કેવી રીતે ઊંચુ લાવી શકાય એ બાબત પર કેટલોક વિચારવિમર્શ  કરતાં ગ્રામ્યમાતા‘, ‘કરણઘેલોને ય યાદ કરી લીધા અને દરેક બેઠકમાં રજૂ થયેલ ક્રુતિની નિષ્પક્ષ સમીક્ષા કરવાની સુચના રજૂ કરી.  ચિમન પટેલ

નામના આ હાસ્યલેખક કે જેમની કલમ ધારદાર નિરીક્ષણો કરીને દ્વેષવિહીન રજૂઆત કરે છે તથા તેમના લખાણોમાં એક તાઝગી અને ઉન્મેષ હોય છે તેમણે પોતાના હાસ્યલેખો કઈ રીતે સર્જાયા તેની નિખાલસ વાતો કરી.

વચ્ચે પ્રશાંત મુન્શાએ સાહિત્ય સરિતાના નવા બોર્ડ અને નવા કો-ઓર્ડીનેટર્સની નિમણુંકની જાહેરાત કરતાં જણાવ્યું કે નવા બોર્ડની રચનામાં અગિયારને બદલે હવે માત્ર પાંચ જ બોર્ડ મેમ્બર રહેશે જેમના નામ નીચે મુજબ છે-

(૧) વિશ્વદીપ બારડ- પ્રેસિડેન્ટ

(૨) પ્રશાંત મુન્શા-  સેક્રેટરી

(૩) ડોક્ટર રમેશ શાહ

(૪) સતીષ પરીખ

(૫) વિનોદ આર. પટેલ

કો-ઓર્ડીનેટર્સ તરીકે શ્રી. નરેન્દ્રભાઇ વૈદ્ય અને શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  કામગીરી બજાવશે.

શ્રી. દીપક ભટ્ટ માનનીય સલાહકાર તરીકેની ભૂમિકા ભજવશે પણ તેમને સંસ્થાકિય નિર્ણયો બાબતમાં મત આપવાનો અધિકાર રહેશે નહીં.

સંવેદનાઓને શબ્દોમાં ઢાળનાર કવયિત્રી દેવિકાબેન ધુવની રચનાઓમાં પ્રણય અને અધ્યાત્મ સમાનાંતર સ્વરુપે વહેતા જણાય છે.તેમના પ્રથમ કાવ્યસંગ્રહનમાં સુમન અજમેરી જેવા સમીક્ષકને છંદશુધ્ધીનો અભાવ લાગ્યો  અને છંદદોષો પ્રત્યે અંગૂલીનિર્દેશ કર્યો એટલે તેમણે રઈસ મનીયાર ના છંદોવિધાન, જેવા પુસ્તકોના અભ્યાસ દ્વારા અને રસિક મેઘાણી જેવા ગઝલકાર પાસે પ્રત્યક્ષ માર્ગદર્શન લઇ  બધું જ છંદમાં લખવા માંડ્યું  અને ગઝલ સાહિત્યને ગરિમા બક્ષતી રચનાઓ આપી. માનવીય મુલ્યો અને ભાવનાઓના પુરસ્કર્તા એવા આ કવયિત્રીનો પ્રક્રુતિપ્રેમ અને નિસર્ગ સાથેની પ્રીતિ એમની રચનાઓમાં છલકાતી જોવા મળે છે એવા હ્યુસ્ટનના ગૌરવ સમા આ કવયિત્રીએ સાહિત્યના સ્તરને ઉંચુ લાવવા વિષે બોલતાં જણાવ્યું કે સાહિત્યની આ સંસ્થા એ સરસ્વતીનું મંદીર છે અને શબ્દો એ આપણી પૂજા છે. કોઇપણ પરિસ્થિતિમાં આપણે અઘટીત શબ્દો વાપરીશું નહીં અને સાચા શબ્દસાધકોની સાધનામાં ભંગ પડે નહીં તેની તકેદારી રાખીશું.અને એ રીતે સાહિત્યનું સ્તર ઉંચુ રાખીશું.મને લાગે છે કે આટલી અપેક્ષા વધારે પડતી નથી.સાહિત્ય સરિતાના કલાને ક્ષેત્રે ફળદ્રુપ એવા મંચ પર રહી હંમેશાં નવું નવું શીખવાની અને પ્રયોજવાની ધગશ રાખીશું.

બ્લોગની સુવિધાનો લાભ લઈને અહેવાલ પણ સીડી પ્લેયર પર રેકોર્ડ કરી, સાઇટ પર અપલોડ કરી શકાય.

ગઝલ અંગે બોલતાં આ વિદુષી કવયિત્રીએ જણાવ્યું કે છેલ્લા અઢી વર્ષમાં જૂદા જૂદા માધ્યમો દ્વારા પોતે જે કાંઇ શીખ્યા છે તે પરથી કહી શકાય કે ગઝલનું એક તો બાહ્ય સ્વરુપ છે જે રદીફ, કાફીયા અને છંદમાં ગૂંથાયેલું હોય છે. એ ત્રણ તો એના અનિવાર્ય અંગો છે.રઈસ મનીયારે કહ્યું છે કે ગઝલને એક તંબુની કલ્પના કરો તો કાફિયા એના સ્તંભ છે. એના સમતુલન વગર ગઝલની ઇમારત ધરાશાય થઈ જાય. બીજું સ્વરુપ એનું આંતરીક છે. ગઝલ અને કોઈપણ કલાક્રુતિમાં વિચારોની ઊંચાઇ હોય, શબ્દોની લયાત્મકતા હોય, લાલિત્ય હોય, અર્થનું ઊંડાણ હોય અને છેલ્લે કોઇ સરસ સંદેશની ચમત્ક્રુતિ હોય ત્યારે એને સાહિત્યના સાચા સ્તર પર મૂકી શકાય.અભ્યાસ, આયાસ અને રિયાઝ ક્રુતિમાં નિખાર લાવે છે . ઉદાહરણ તરીકે.કસુંબલ આંખડીના કસબની વાત શું કરવી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી‘.

આપણે સૌ જે કાંઇ લખીએ છીએ તેને ચકાસીએ, મઠારીએ.ખાલી પ્રાસ મેળવી લેવાથી કવિતા કે ગઝલ બનતા નથી.છંદમાં ન લખી શકાય તો લયબધ્ધ ગીત લખો.લય તો અનિવાર્ય છે.લય તો કુદરતમાં અને જીવનમાં-બધે જ છે.સાહિત્યના માપદંડમાં ખરી ઉતરે એવી રચનાઓ કરીએ.કેટલું લખ્યું તે મહત્વનું નથી.કેવું લખ્યું તે મહત્વનું છે.આપણા સભ્યો પાસે કલ્પનાઓ છે,શબ્દભંડોળ છે પણ આ બધું વેરવિખેર પડેલ મોતી જેવું છે એને એક નિશ્ચિત પેટર્નમાં પરોવી એક સુગઠિત માળા બનાવીએ.

સાહિત્ય સરિતાના સભ્યો અને સાહિત્યરસિક મિત્રો આ કવયિત્રીના વિદ્વત્તતાસભર વક્તવ્યને મંત્રમુગ્ધ બની ને સાંભળી રહ્યા હતા.

જાણીતા લેખક-નવલકથાકાર શ્રી. નવીન વિભાકરે ટેલિફોનીક વાર્તાલાપ દરમ્યાન પોતાના સર્જન પર ર. વ. દેસાઇ, વિ.સ.ખાંડેકરની શૈલીની અસર હોવા વિષે જણાવ્યું.પોતાની નવલકથા કુસુમ કાપડીયાના સર્જનની વાતો કરી. પોતાના પાત્રો પર દર્શકના પાત્રોની અસર હોવા વિશે પણ જણાવ્યું.નવોદિત લેખકોને સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે પહેલાં વાંચન અને મનન કરો.જે લખવાનું હોય તેનો અભ્યાસ કરી, સંશોધન કર્યા બાદ જ સર્જનમાં પ્રવ્રુત્ત થાવ.નિરીક્ષણ કરો અને પછી પાત્રોનું સર્જન કરો.અનુભવોની અનુભૂતિ પાત્રાલેખનમાં ઉપસાવો.લખાણ હ્રુદયમાંથી આવવું જોઇએ‘.( ટેક્નીકલ ક્ષતિને કારણે આ વાર્તાલાપ અધવચ્ચેથી આટોપી લેવો પડ્યો હતો ).

અંતમાં, વિલાસબેન પિપળીયાના સુમધુર કંઠે, અવિનાશ વ્યાસની જાણીતી રચના હે શ્રાવણ વરસે ઝરમરીયો વરસાદ, કાનાઆવે તારી યાદસાંભળીને સૌ શ્રોતામિત્રો ચાર કલાક લાંબી આ અવિસ્મરણિય બેઠક બાદ છૂટા પડ્યા હતા.

******************************************************************************

અહેવાલ -નવીન બેન્કર

navinbanker@yahoo.com

લખ્યા તારીખ- ૩૧ માર્ચ ૨૦૧૨

 

 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.