એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » સંકલન્ » અન્ન અને સેક્સ – શબ્દો અને વ્યવહાર -લેખક સૌરભ શાહ

અન્ન અને સેક્સ – શબ્દો અને વ્યવહાર -લેખક સૌરભ શાહ

January 4th, 2014 Posted in સંકલન્

 

અન્ન અને સેક્સ શબ્દો અને વ્યવહાર

 

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ
 

‘ફાઉન્ટનહેડ’ અને ‘એટલસ શ્રગ્ડ’ જેવી વૈચારિક નવલકથાઓ લખનાર વિદુષી ઍન રૅન્ડે કહ્યું હતું, ‘કોઈકે બહુ સરસ વાત લખી હતી કે દુનિયામાં નેવું ટકા લોકોએ જો પ્રેમ વિશે કશું વાંચ્યું, સાંભળ્યું કે જોયું જ ન હોત તો તેઓ કદી પ્રેમમાં પડ્યા જ ન હોત.’

એક પત્રમાં આ ખ્યાતનામ અમેરિકન વિદુષીએ લખ્યું છે: ‘પ્રેમમાં સાચી વ્યક્તિ ગમવા ઉપરાંતનું કશુંક તત્ત્વ હોય છે, એ વ્યક્તિ પ્રત્યેના અહોભાવ ઉપરાંતનું અશરીરી તત્ત્વ હોય છે. આ અકળ લાગણી શારીરિક બનીને વ્યક્ત થાય છે ત્યારે એમાં રહેલી તીવ્રતાની ઊંચાઈનો સીધો સંબંધ પેલા અલૌકિક તત્ત્વ સાથે બંધાયેલો હોય છે.’

આ શારીરિક અભિવ્યક્તિ એટલે સેક્સ જેના વિશે ઍન રૅન્ડ કહે છે: ‘જેમને એમાં ભરપૂર આનંદ મળતો હોય તેઓ આ બાબતમાં અત્યંત સિલેક્ટિવ હોય છે. આવી વ્યક્તિઓ કોઈ મામૂલી ખેંચાણને વશ નથી થતી. ગમે તેની સાથે આ માટે તૈયાર થઈ જનાર વ્યક્તિ જેવી કામુક હોય છે એવું માનવાની ભૂલ ન કરવી. હકીકતમાં એથી તદ્દન ઊલટું હોય છે.’

જેમની જાતીય ચેતના પા પા પગલી ભરી રહી હોય એવી જ વ્યક્તિ ગમે તેની સાથે જાતીય સંબંધ બાંધી શકે. જેમને ખાવાનો ખૂબ જ શોખ હોય એવી વ્યક્તિ અને જે ખાઉધરો કે અકરાંતિયો હોય એવા માણસ વચ્ચે ખોરાકની બાબતમાં જેવો ફરક હોય એવો જ તફાવત અહીં પણ છે. આ બેમાંથી કયા પ્રકારની વ્યક્તિ ખોરાકને વધુ આદર આપે છે એવું તમે કહેશો? વ્યક્તિને પોતાની જાત માટે કેટલો આદર છે એનું માપ આ અંગત બાબત પ્રત્યેના એના અભિગમ દ્વારા નીકળે છે. પોતાના માટેનું ગૌરવ એ કોની સાથે આવા સંબંધો રાખે છે એના દ્વારા છતું થાય છે.

ઍન રૅન્ડ પૂછે છે, ‘એવું શા માટે કહેવાતું હોય છે કે માણસ જાતીય ઈચ્છાનો ગુલામ છે? એની એ તીવ્ર જરૂરિયાત મહેસૂસ કરે છે એટલે?’

અહીં ફરીથી બીજી પાયાની જરૂરિયાત સાથેની સરખામણી આવે છે – ખોરાક. અન્નની જરૂરિયાત વધુ બળવાન, તાત્કાલિક સંતોષવી પડે એ રીતની, વધુ અર્જન્સી ધરાવતી અને ક્યારેક જીવનમરણનો પ્રશ્ર્ન બની જાય એ પ્રકારની છે. આમ છતાં શા માટે કોઈ એવું કહેતું નથી કે માણસ અન્નનો ગુલામ છે? માણસે ખોરાકની બાબતમાં સ્વીકારી લીધું છે કે હા, આપણને એની જરૂરિયાત છે અને એ કેવી રીતે સંપૂર્ણપણે સંતોષવી એ અંગેના તમામ રસ્તાઓ એના પોતાના તાબામાં પણ છે. એટલું જ નહીં, એ બાબતમાં તો માણસ સંતોષ મેળવવાની વધુ ને વધુ નવી રીતો, રેસિપીઓમાં ફેરફારો કરીને કે નવી રેસિપીઓ શોધીને મેળવતો જ રહે છે. ખોરાકની બાબતમાં આવી પ્રક્રિયાને ન તો કોઈ માણસનાં હવાતિયાં ગણે છે, ન આવું કરતી વ્યક્તિને કોઈ દયાજનક માને છે.

કોઈ પણ નૉર્મલ, આધુનિક સમાજમાં એક સામાન્ય માણસ માટે જરૂર પૂરતો ખોરાક મેળવવો એ કોઈ મુશ્કેલભર્યું કામ નથી. ખોરાક એના માટે પાયાની જરૂરિયાત છે અને ખોરાક વિના રહેવું છે એવી ઈચ્છા રાખે તોય એને અમલમાં ન મૂકી શકે. ખોરાક વિના એણે રહેવું પણ શું કામ જોઈએ? પોતાની આ જરૂરિયાત સંતોષવાના એની પાસે અનંત માર્ગો છે અને એના ઉત્પાદનનાં સાધનો પણ એના નિયંત્રણમાં છે.

અન્ન અને સેક્સની બાબતમાં જે પાયાની સામ્યતા છે તે એ કે બેઉની ઈચ્છા પ્રગટે ત્યારે એને વશ થયા વિના છૂટકો નથી એવી માનસિકતા ઊભી થાય છે. પણ આ બેઉ આવેગોને સંતોષવાના માર્ગોમાં ઘણો મોટો ફરક છે. અન્ન માટેની જરૂરિયાત જેટલી સહેલાઈથી

સંતોષી શકાય છે એટલી આસાનીથી સેક્સની અનિવાર્યતાને પૂરી કરી શકાતી નથી. આમ છતાં એટલું ખરું કે સંતોષ ક્યાંથી લેવો અને ક્યારે લેવો એનો નિર્ણય લેવાનો હક્ક પોતાની જ પાસે રહે છે – બેઉ બાબતોમાં.

સવાલ એ આવીને ઊભો રહે કે સેક્સની બાબતમાં પોતાની કલ્પના મુજબનું પાત્ર અથવા તો પોતાની ચોક્કસ વૈચારિક પ્રક્રિયાને અંતે તારવેલાં ગુણો અને લક્ષણો ધરાવતું પાત્ર ક્યારેય જીવનમાં ન મળ્યું તો? તો શું માણસે એક પગથિયું નીચે ઊતરીને સેક્ધડ બેસ્ટ ચૉઈસ કરીને આ અંગે સમાધાન કરી લેવું?

ઍન રૅન્ડ કહે છે: ‘હા. ભલે એમાં આધ્યાત્મિક અને શારીરિક સાયુજ્યની તમે કલ્પેલી ઊંચાઈ ન હોય, પરંતુ એ સંબંધ સાવ કંઈ નીચલા પગથિયાવાળો તો નહીં જ હોય.’

ઍન રૅન્ડની મઝા એ છે કે એ જબરજસ્ત તાર્કિક વ્યક્તિ છે. (વ્યક્તિની ગેરહયાતીમાં પણ એના વિશે વર્તમાનકાળમાં વાત ત્યારે જ કરી શકાય જ્યારે આજની તારીખેય એના વિચારો તમને તાજા લાગતા હોય, ઉપયોગી લાગતા હોય).

સેક્સની વાત પૂરી. નવી વાત. ઍન રૅન્ડ એક અન્ય પત્રમાં પોતાના પ્રકાશકને લખે છે: ‘તમે લખો છો કે મારા પર ‘શ્રદ્ધા’ રાખો. જુઓ, આવી ‘શ્રદ્ધા’ મેં ક્યારેય કોઈના પર રાખી નથી. આંખો મીંચીને કશુંક સ્વીકારી લેવું એવી ધાર્મિક પ્રકારની શ્રદ્ધા રાખવામાં હું માનતી પણ નથી. ભરોસો મૂકવા માટે મને કારણો જોઈએ. પૂરેપૂરી હકીકતો જોઈએ. હું તમને પ્રથમ વાર મળી ત્યારે ન તો મને તમારામાં – તમે જેને શ્રદ્ધા કે વિશ્ર્વાસ કહો છો તે હતાં, ન અશ્રદ્ધા કે અવિશ્ર્વાસ. તમારી સાથેના ઉત્તરોત્તર વધતા જતા વ્યવહારોમાંથી મને પુરાવાઓ સાંપડતા ગયા એ પહેલાં મેં તમારા વિશે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય બાંધ્યો નહોતો – ન સારો, ન ખરાબ.’

કોઈ વ્યક્તિ તમને કહે કે મને તમારા માટે ખૂબ સારી ભાવના છે, અત્યંત ઉમદા લાગણીઓ છે કે ઊંડો આદર છે ત્યારે તમારે એ વિચારવાનું કે એ વ્યક્તિ આવું બોલવા ખાતર બોલી રહી છે કે તમારી સાથેના એના વ્યવહારમાંથી તમને આ બાબતો અંગેના સીધા યા આડકતરા પુરાવાઓ સાંપડ્યા છે? માત્ર બોલાયેલા શબ્દોની કોઈ જ કિંમત નથી. વ્યવહારમાં ન મુકાયેલા આવા શબ્દો હવામાં જ અધ્ધર રહેતા હોય ત્યારે એનાથી ભોળવાઈ જવું કે છેતરાઈ જવું કોઈનેય ન પોસાય.

છલોછલ લાગણીમાં ભારોભાર તર્કબદ્ધ ઠાવકાઈ કેવી રીતે ઉમેરવી એ શીખવા માટે વારંવાર ઍન રૅન્ડ પાસે જવું પડે.

 

__._,_.___

 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help