કબીર ( એકપાત્રિય નાટક )
કબીર ( એકપાત્રિય નાટક )
હ્યુસ્ટનના આંગણે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૧ને શુક્રવારે વર્ધમ થિયેટરમાં ઇન્ડો-અમેરિકન એસોસિયેશનના ઉપક્રમે એક અતિસુંદર ક્લાસિકલ વન-મેન મ્યુઝિકલ શો યોજાઇ ગયો..ભક્તકવિ કબીરની જીવનગાથાને બે કલાકના મ્યુઝિકલ શો દ્વારા પ્રસ્તુત કરી હતી પ્રસિધ્ધ બંગાળી ગાયક-અભિનેતા શ્રી. શેખર સેને.
કબીરના દોહા તો ઘણાએ સાંભળ્યા જ હશે. તેમના પદને અંતે, હંમેશા ‘કહત કબીર સુનો ભાઇ સાધો’ શબ્દો આવતા હોય છે.કબીર અનાથ હતા. કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમની માતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. કાશીમાં, તળાવની પાળેથી, નવજાત શિશુ એવા કબીરજીને એક મુસ્લિમ વણકર દંપત્તીએ લઈ જઈને ઉછેરીને મોટા કર્યા હતા.નાનપણથી જ કબીરજીની રુચી આધ્યાત્મિક હતી.તેઓશ્રી સંતો,ફકીરો,મહાત્માઓના સંગમાં રત રહેતા હતા.કબીરજીએ કદી હાથમાં કલમ પકડી નથી. પણ તેમનુ જ્ઞાન તેમની વાણીમાં છલકાતુ રહેતું.તેમની સરળ ભાષામાં વિચારોની ગહનતા, ગાંભીર્ય, સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારોની સાથે સાથે ઇશ્વર તરફનો પ્રેમ પણ પ્રતિપાદીત થતો રહ્યો છે. દંભી અને પાખંડી કહેવાતા ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો એ વાત તેમના અનેક દુહા-સાખીઓમાંથી જણાઇ આવે છે.તેમની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો ,સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને પ્રદર્શિત કરતા રહે છે. કબીરજીની વિચારધારાના પદો ‘કબીરવાણી’ કહેવાય છે.કબીરજી સંવત ૧૪૫૫માં જન્મેલા અને સંવત ૧૫૭૬ને માગશર સુદ અગિયારસને દિવસે ૧૨૦ વર્ષની ઉંમરે કાશી નજીકના મગહર ગામે અવસાન પામ્યા હતા.તેમના જીવનપ્રસંગોને લગતા ઘણા લેખો, પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચુકેલા છે.
આવા ઓલિયા, ભક્તકવિની જીવનગાથા અને કવનને, તેમની પ્રેમ, શાંતિ,કોમી-એખલાસની વાતોને બે કલાકના કાર્યક્રમ દ્વારા શ્રી.શેખર સેને રજૂ કરી.
કબીરને કેન્દ્રમાં રાખીને માત્ર વન-મેન-શો દ્વારા નાટ્યક્રુતિ ભજવવી એ ખુબ કપરુ કામ છે.શેખર સેને આ સફળ રીતે કરી બતાવ્યુ છે.નીચલા વર્ગના સામાજીક વાતાવરણની વચ્ચે વણકર કુટુંબમાં ઉછરતા છોકરાને મોઢે , જે સહજતાથી એ કપડુ વણે છે ,એ જ સહજતાથી સરળ ભાષામાં જીવનની ફિલસૂફી પણ બોલાય અને ગવાય એ અદભુત છે.મંદીરના પુજારી કે મસ્જીદના મૌલવીના ધર્મને પડકારતી વાત હોય કે પાલક માતા સાથેનો,પુત્ર કમાલ સાથેનો સંવાદ હોય,સમાજના વિવિધ પાત્રો અને કહેવાતા ધર્મના રખેવાળો કે મોગલ બાદશાહ સાથેના સંવાદો હોય,એ બધું એક જ મુખે,સ્વરના આરોહ-અવરોહ બદલીને વિવિધ પાત્રોને આબેહુબ દ્રષ્ટી સમક્ષ રજુ કરી દઈને એક ઇતિહાસ સર્જી દીધો છે શેખર સેને.
ભક્તિ પરંપરા શરુ થઈ એ વખતના મધ્યકાલિન ભારતિય સમાજનું ચિત્ર જે રીતે કોઇ વિશિષ્ટ સંનિવેશ વગર પણ અહીં જે રીતે રજુ થઈ શક્યું છે તે અવર્ણનિય છે.કબીરના જીવનની ગાથા,એના જન્મથી માંડીને એના દેહાવસાન સુધીની, ખુદ કબીરના જ મુખે બોલાવીને,જીવંત ગીત-સંગીત દ્વારા,સતત વહેતા રાખીને કરાયેલી રજુઆત પ્રભાવક બની રહે છે.
શેખર સેનનો કંઠ કોઈપણ ગાયકની સ્પર્ધા કરી શકે એટલી હદે કેળવાયેલો અને ઘુંટાયેલો છે.સમગ્ર રજુઆતમાં પદો,દોહા ગાવાની એક પણ તક એણે જતી કરી નથી તેથી વતાવરણમાં ભક્તિરસની મહેંક પ્રસરી રહે છે. એ સમયની તળપદી ભાષામાં પણ જે રીતે સ્વાભાવિકતાથી રજુઆત થઈ તે નાટકની એક સિધ્ધી ગણી શકાય.
એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને ,એની આસપાસ કોઇપણ પ્રકારની સંકુલતા કે વિસંગતી વગરના એક પરિમાણી વ્યક્તિત્વ ધરાવતા અન્ય પાત્રોને સંવાદો દ્વારા જ અવાજના આરોહ-અવરોહ વડે હળવાશથી અને સાહજીકતાથી રજુ કરતું આ નાટક CLASS માટેનું નાટક હતું- MASS માટેનું નહીં.જેમને કબીરની કથા ખબર છે, જેમણે કબીરના દોહા વાંચ્યા છે, સાંભળ્યા છે, જે એ બધું સમજી શકે છે એવા બુધ્ધીજીવી, બહુશ્રુત અને ક્લાસિક સેન્સ ધરાવતા સુજ્ઞ પ્રેક્ષકો જ આનો રસાનુભવ કરી શકે અને માણી શકે એવા વિરલ એકપાત્રિ નાટકને હાઊસફુલ ઓડીયન્સ મળવું સંભવ નથી.મોટાભાગના કહેવાતા નાટ્યરસિકો હળવાફુલ કોમેડી નાટકો કે જેમાં વાહિયાત પકડાપકડી અને ચવાઇ ગયેલા વાસી જોક્સ કે દ્વીઅર્થી સંવાદો હોય એવા
નાટકો પસંદ કરતા હોય છે. હ્યુસ્ટનમાં આ જ દિવસે અને એ જ સમયે મુંબઈના ખ્યાતનામ ગ્રુપ દ્વારા ભજવાતું એક અન્ય નાટક પણ હતું અને એકાદ-બે લગ્નપ્રસંગો પણ હતાં છતાં આ પરફોર્મન્સને પાંચસો પ્રેક્ષકો મળી શક્યા એ જ હ્યુસ્ટન, સંસ્કારનગરી હોવાની પ્રતિતી કરાવવા માટે પુરતું છે.
એક ગુજરાતી સાહિત્યરસિક કવિને ઘેર, બહારગામના કોઇ ગુજરાતી શાયરનો કાર્યક્રમ હતો જે ટુંકાવીને કવિમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો, બીજે દિવસે જેમના દીકરાના લગ્નનું રિસેપ્શન યોજાયેલું એ કબીરપ્રેમી યુગલ, દસ જણના ગ્રુપમાં, કાર્યક્રમ જોવા આવેલા અને છેક સુધી આ કાર્યક્રમને માણ્યો હતો.
નાટકના મુડને અનુરુપ, દ્રશ્યની માંગ પ્રમાણે લાલ, પીળા અને લીલા પ્રકાશ-આયોજન દ્વારા દ્રશ્યને તાદ્રુશ કરવામાં આવેલ. ઝુપડીની આગના દ્રશ્યને સ્લાઇડ અને લાલ સ્પોટલાઈટથી તેમજ નદીની લહેરોને આસમાની લાઈટના આયોજન વડે જીવંત કરવામાં આવી હતી.
હ્યુસ્ટનનું ઇન્ડો-અમેરિકન એસોસિયેશન, આવા સુંદર કાર્યક્રમો રજુ કરવા માટે જાણીતું છે. શાસ્ત્રિય સંગીતના ખેરખાંઓની જુગલબંદી હોય કે BROKEN IMAGES જેવા પ્રયોગશીલ અંગ્રેજી નાટકો હોય, ઇન્ડો અમેરિકન એસોસિયેશન ટીકીટબારીની સફળતાની પરવા કર્યા વગર એની રજુઆત પણ કરી જ દે. એની ટીકીટો પણ મોટેભાગે તો ઓનલાઇન જ ઉપલબ્ધ હોય અથવા મહારાણી મ્યુઝિકના સ્ટોર પર જ મળે. આ અંગેનો યશ, શ્રી. હરીદયાળજી નામના એક સેવાભાવી સજ્જન અને તેમના વોલન્ટીયર્સને ફાળે જાય છે.
અસ્તુ..
અવલોકન અહેવાલ અને શબ્દાંકન- શ્રી. નવીન બેન્કરલખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧
Navin Banker
Phone No: 713 771 0050
1 Comment