એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'સંકલન્'

સાચું ખોટું રામ જાણે-

August 2nd, 2017 Posted in સંકલન્

Discover something new.

મહાભારતની એક રોમેન્ટીક કથા- નવીન બેન્કરની નજરે

August 28th, 2015 Posted in સંકલન્

મહાભારતની  એક  રોમેન્ટીક કથા-  નવીન બેન્કરની નજરે

યમુનાના વહેણમાં એક નૌકા સરતી સરતી કિનારા તરફ જઈ રહી હતી. એ નૌકા ચલાવનારી શ્યામ આંખોવાળી ( અસિતલોચના) મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એ માછીમારની પુત્રી હતી. સત્યવતીનું સૌંદર્ય  અનુપમ હતું.પરંતુ એના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. આ સત્યવતીની નાવમાં ઋષિ પરાશર બેઠા હતા. મહાભારત કાળમાં સ્ત્રીઓ આજીવિકા અર્થે કામ કરતી હતી.
માછલીની ગંધથી ગંધાતી છતાં એ અનુપમ લાવણ્યમયી યુવતી પર પેલા મહામૂનિ, જ્ઞાની,  તપસ્વી એવા પરાશર મુનિ મોહી પડ્યા અને અત્યંત કામવશ બનેલા એ કહેવાતા ઋષિએ મધુર મધુર વાતો કરીને સત્યવતીને લલચાવી અને પોતાના બાહુપાશમાં જકડી લીધી. પોતે ના પાડશે તો ઋષિ શ્રાપ આપશે એવી બીકને લીધે સત્યવતી એ કહેવાતા ઋષિને ના ન પાડી શકી અને પરાશર મુનિ સાથે ચાલુ નાવે જ મૈથુનાનંદમાં એકાકાર થઈ ગઈ. ( આજના જમાનામાં ચાલુ બસમાં કે ટ્રેનમાં કામાવશ પુરુષો બળાત્કાર કરી બેસે છે એવું મહાભારતના જમાનામાં પણ થતું હશે એવું આ કથામાંથી જણાઇ આવે છે. )
નાવ એક ટાપુ પર પહોંચી ત્યારે ઋષિએ સત્યવતીને કહ્યું કે- ‘આપણા આ સંભોગને કારણે મારા થકી પેદા થયેલા આ ગર્ભનું તું જતન કરજે અને તને ભવિષ્યમાં લગ્ન કરવામાં કોઇ જાતની તકલીફ ન પડે એ માટે તેં મારી સાથે સંભોગ કર્યો છે તે છતાં તું કૌમાયાવસ્થાને ( વર્જીનીટી ) પ્રાપ્ત કરીશ અને તારા શરીરમાંથી  આ જે માછલીની દુર્ગંધ આવે છે તેને હું દૂર કરી દઈને જીવનભર ટકે એવી અને દુર દુર સુધી ફેલાય એવી સુગંધનું વરદાન આપું છું. હવે પછી તું યોજનગંધા તરીકે ઓળખાઇશ, આમ, મત્સ્યગંધા, યોજનગંધા બની ગઈ.
આ કથામાંથી શું તારતમ્ય નીકળે છે એ તમે સમજ્યા ?  માછલી જેવી ગંધથી ગંધાતી હોય પણ સ્ત્રી જો રુપાળી હોય તો ગમે તેવા જ્ઞાની-મુની ઋષિ પણ ચાલુ નાવમાં ‘શ્રીરામ શ્રીરામ’ કરવા (!)  તત્પર થઈ જાય છે. એ વખતે પેલી  ગંધ પણ એમને નથી આવતી. આજે રજસ્વલા સ્ત્રી સાથે આવા કારણોસર પુરુષો સમાગમ કરવાનું ટાળતા હોય છે.
પરાશર મુનિ અને સત્યવતીના સંભોગથી એક પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્ર તે મહર્ષિ વેદવ્યાસ. લગ્ન વગર માતા બની ચુકેલી સ્ત્રીનું સંતાન એ કૃષ્ણદ્વૈપાયન કહેવાતા વ્યાસમુનિ. આ જ સ્ત્રી, પાછળથી ભીષ્મપિતાની માતા બની.
હવે આગળ વાંચો આ સત્યવતીની કથા.
ઋષિ પરાશરના વરદાનને કારણે એનું લાવણ્ય, અનન્યપુર્વા ( વર્જીન)  બનેલી આ સ્ત્રી એટલી તો નયનમનોહર અને હૃદયલુભાવન બની ગયું હતું કે હસ્તિનાપુરના રાજા  મહારાજા શાંતનુ  એની નાવમાં નદી પાર કરવા બેઠા ત્યારે એના પર મોહાંધ બની ગયા. એ સમયે રાજા શાંતનુ આઠ આઠ પુત્રોના પિતા બની ચૂકેલા અને એમનો આઠમો પુત્ર એ દેવવ્રત કે જે પાછળથી ભિષ્મ પિતા કહેવાયો. દેવવ્રતને યુવરાજપદે સ્થાપ્યા પછી અને પત્નીની ચિરવિદાય પછી છત્રીસ વર્ષ સુધી પત્ની વગરનું શુષ્ક જીવન વિતાવ્યા બાદ, વનવિહાર કરવા નીકળેલા આ વૃદ્ધ રાજા સત્યવતી પર મોહી પડ્યા અને લગ્ન કરવાની માંગણી કરી. એ જમાનામાં પણ  પૈસાપાત્ર વૃદ્ધો પૈસા અને સત્તાના જોરે રુપાળી યુવાન સ્ત્રીઓને પત્ની બનાવતા હતા.
પછીની વાત તો બધા જાણે છે જ કે વૃદ્ધ પિતાની ઇચ્છા પુરી કરવા યુવાન દેવવ્રતે આજીવન લગ્ન નહીં કરવાની  ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને  ઘરડા બાપને યુવાન સ્ત્રી સાથે પરણાવ્યા. ઉત્કટ પિતૃપ્રેમને કારણે રાજા યયાતિના પુત્ર પુરુએ પણ પોતાનું યૌવન પિતાને સમર્પી દઈને  અકાળે વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધેલી.
માણસ સમૃધ્ધ હોય, સમર્થ હોય, સત્તાવાન હોય ( અને  NRI  હોય તો ) ત્યારે એને ગમે તે ઉંમરે કામેચ્છા થતી હોય છે અને એ પુર્ણ કરવા , પોતાના જીવનને નવપલ્લવિત કરવા  એ યુવાન સ્ત્રીની શોધ કરતો જ હોય છે.પુનર્લગ્ન કરવા માટે પણ એ ચાલીસથી નીચેની ( મેનોપોઝ અને થાઈરોઇડ વગરની ) રુપાળી સ્ત્રીને જ પ્રાધાન્ય આપતો હોય છે. એ વાત જુદી છે કે એ રુપાળી સ્ત્રી પરણે સમર્થ વૃદ્ધને અને શોધે યુવાન બોયફ્રેન્ડ !  અને… એ જમાનામાં  DNA TEST તો થતા જ નહોતા ને !
ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ કોઇ ઋષિનું સ્વરુપ લઈને, ઋષિની ગેરહાજરીમાં ઋષિપત્ની સાથે સમાગમ કરી આવ્યાના દાખલા પુરાણોમાંથી મળી આવે છે. ભગવાન શંકર પણ ભીલડી પર મોહી પડેલા.
સત્યવતીને બે પુત્રો થયા. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમના પુત્રો તે પાંડુ અને ધૃતરાષ્ટ્ર. અને એમના સંતાનો તે પાંડવો અને કૌરવો…પણ આપણને એમની વાતોમાં રસ નથી.
દ્રૌપદી જેવી અતિ સૌંદર્યવાન સ્ત્રીના પતિ થયા પછી પણ અર્જુને, વનવાસ દરમ્યાન આઠ આઠ સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા. ભીમે પણ હેડમ્બા સાથે ‘શ્રીરામ  શ્રીરામ’ કરેલું.
મહાભારતમાં તો એટલી બધી આવી કથાઓ છે કે આજથી ૪૮ વર્ષ પહેલાં (૧૯૬૬માં ) મેં આ વાતોને મારી નજરે, મારી રોમેન્ટીક શૈલિમાં લખીને છપાવેલી ત્યારે, ગુજરાત સરકારે  મને કારણદર્શક નોટીસ મોકલેલી અને એક પુસ્તક પર તો કેસ પણ ઠોકી દીધો હતો. અંગત મિત્રોને જ્યારે હું એ કેસના હિયરીંગની  સીલસીલાબંધ વિગતો કહું છું ત્યારે લોકોને સાંભળવાની ખુબ મજા આવે છે.

આ કથા, મહાભારતની છે એટલે કોઇએ નાકનું ટીચકુ ચઢાવવાની જરુર નથી.

 
 

Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal

૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન

August 28th, 2015 Posted in સંકલન્

૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન

ભજન-  રચયિતા- શ્રી. સંજય ભટ્ટ

રાગ- વૈષ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઈ જાણે રે…

ધનવૈભવ તો તેને જ મળશે જે નીજની પીડા જાણે રે…

પરદેશે સુટકેસ ભરી જઈ,  ધનસંચય કરી જાણે  રે… ધનવૈભવ તો…

સકળ લોકમાં  સૌને ડંડે,  નિન્દા સૌની કરશે રે..

વાતવાતમાં  જુઠુ  બોલી, ખોટા વચનો  દેશે રે…..ધનવૈભવ તો…

વક્ર દ્રષ્ટી ને તૃષ્ણા ધારી, પર સ્ત્રી જેની સાથ રે…

જીહ્વા થકી અસત્ય જ બોલે, પરધન મારે હાથ રે…..ધનવૈભવ તો….

મોહમાયામાં રાચે નિશદિન,સુરાપાન ચઢાવે રે…

શ્રીરામ શ્રીરામ મુખમાં ધારી, છુરી છુપાવી રાખે રે..  ધનવૈભવ તો…

મન લોભી ને કપટ સહિત જે, કામક્રોધમાં રાચે રે….

કલયુગે આ સત્ય જે સમજે, તેના કુળ ઇકોતેર તરશે રે….ધનવૈભવ તો….

હું કેવી રીતે લખું છું. (સંકલીત)

June 5th, 2015 Posted in સંકલન્

હું  કેવી રીતે લખું છું.  (સંકલીત)

લેખક પોતાની ચેતનાને બુઠ્ઠી બનાવી શકતો નથી, જડ બનાવી શકતો નથી. એણે પોતાની સંવેદનશીલતા સાચવી રાખવી પડે છે. રમેશ પારેખ એક કવિતામાં કહે છે એમ તાતા વંટોળીયાની હાજરીમાં, ભીની થઈ ગયેલી દીવાસળીથી, દીવો પેટાવવાનો હોય છે. આમ છતાં એ સંવેદનશીલતા, એ ઈમોસન્સ, લાગણીઓ એની પાસે લખવાની પ્રવૃત્તિ કરાવવાને બદલે એને કોઈક બીજા જ વિશ્ર્વમાં લઈ જવા માગતી હોય ત્યારે એણે, જે સંવેદનશીલતા પોતાના અસ્તિત્વનો આધાર છે, એને પણ ઘડીભર બાજુએ રાખી કાગળ-કલમની સન્મુખ થવું પડે છે કારણ કે એ લેખક છે. એની સૌ પ્રથમ નિસબત, જેને કારણે એ લેખક ગણાય છે તેની સાથે અર્થાત કાગળ-કલમ સાથે છે. બધી સંવેદનશીલ વ્યક્તિઓ લેખક નથી હોતી.

માનસિક વાતાવરણ સર્જવામાં અને એને ટકાવી રાખવામાં શું અથવા કોણ મદદ કરે? અત્યાર સુધી જીવાઈ ગયેલાં વર્ષો, એ સારા માઠા અનુભવોમાંથી પ્રગટેલી સમજણો, તમારી આજુબાજુનું વાતાવરણ, આસપાસના ગમતા,ન ગમતા માણસો, વાંચન, વિચારપ્રક્રિયા, મંથન.

લેખક લખવાનું શરૂ કરે ત્યારે એનો પહેલો શબ્દ લખાય તે પહેલાં એની સામે કોરા કાગળ હોય છે. પેન હાથમાં લેતાં પહેલાં જે કંઈ હોય તે બધું જ એના દિમાગમાં હોય છે: થોડુંક સ્પષ્ટ, ઘણું બધું અસ્પષ્ટ. અકથ્ય લાગણીઓ અને ધસમસતા વિચારોના પ્રવાહમાંથી એ એક એક વાક્ય ગોઠવીને કાગળ પર અવતારે છે. આ દુનિયામાં પહેલવહેલીવાર, એના દ્વારા લખાયેલા એ શબ્દોને જન્મ આપે છે.  

ગાલિબના શબ્દોમાં કહીએ તો રજૂઆત, અંદાજ-એ-બયાં, વાત કહેવાની રીત – આ બધું જ આગવું, પોતીકું, યુનિક છે. મૌલિક છે.
દુનિયાની દરેક વ્યક્તિ મૂળભૂત રીતે એકલી છે. માણસ એકલો રહેવા જ સર્જાયેલો છે. પોતાના એકાંતમાંથી ક્યારેક બહાર આંટો મારવા જઈ શકાય એ માટે માણસે સમાજની – સોસાયટીની રચના કરી તો ખરી પણ એની આકરી કિંમત એણે ચૂકવવી પડી. પોતાના અમૂલ્ય એકાંતનો સોદો કરીને એ સમાજ પાસે સ્વીકાર, પ્રતિષ્ઠા, હૂંફ મેળવવામાં પડી ગયો. એનું એકાંત વિસરાઈ ગયું. જે લેખક પોતાનું એકાંત વિખેરાવા દેતો નથી એ લેખકના શબ્દો વાચકના વ્યક્તિગત એકાંતને સ્પર્શે છે અને વાચકનો એ અદૃશ્ય આત્મીયજન બની જાય છે.

લેખકની, શબ્દના સર્જકની, આંતરિક સંઘર્ષકથા કહેવા માટેની નથી હોતી. એ આંતરિક સંઘર્ષમાંથી નીપજતા સર્જનની સાથે જ ભાવકને નિસબત હોય છે. સર્જનપ્રક્રિયા એટલે માત્ર કાગળ પર શબ્દો ઉતારવાની પ્રક્રિયા નહીં, લેખન તો સર્જનપ્રક્રિયાનો બિલકુલ છેલ્લો તબક્કો થયો. લેખન શરૂ કરતાં પહેલાંનો મનોવ્યાપાર એ જ ખરી સર્જનપ્રક્રિયા, લેખન શરૂ કરતાં પહેલાંનું એનું જીવન. અને એ જીવનના એના અનુભવો એ જ એની સર્જન પ્રક્રિયા. શબ્દની આ સર્જન પ્રક્રિયાની પીડા, એની ઘૂટન, એ દરમ્યાન વલોવાતો વિષાદ આ બધું જ લેખકની મૂડી છે, એનો અસબાબ છે. જે શબ્દો વિચારમંથનની ધગધગતી ભઠ્ઠીમા તપાઈને તૈયાર થયેલા છે, ઘડાયેલા છે, તે શબ્દો વાચકને શાતા આપે છે. લેખકની વેદનામાંથી નીપજતું સાહિત્ય ભાવકને પ્રસન્ન બનાવે છે. સર્જકના ફાડી ખાનારા એકાંતમાં પ્રગટેલા શબ્દો વાચકને પોતે ભર્યાભર્યા હોવાનો અહેસાસ અપાવે છે. આ તે કેવો વિરોધાભાસ !
આજનો વિચાર

તેરી મહેફિલ સે ઊઠે તો
કિસી કો ખબર તક નહીં થી
પર તેરા પલટકર દેખના
હમેં બદનામ કર ગયા
– (વૉટ્સઍપ’ પર ફરતી શાયરી)

એક એડલ્ટ જોક


સલમાન ખાન: હું શર્ટ કાઢું તો મને જોવા માટે અત્યારે સો જણ જમા થઈ જાય.
ઋતિક રોશન: મારું બૉડી જોવા માટે તો ૧૦૦ લોકો આવી જાય.
જ્હૉન અબ્રાહમ: અને મારું બૉડી જોવા એક હજ્જારની ભીડ જમા થઈ જાય.
સની લિયોન: હવે હું કંઈ બોલું કે?

   

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો □અહેવાલઃ ‘મહેક’ ટંકારવી

June 4th, 2015 Posted in સંકલન્

photo_102  photo_008

  ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો

રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો

અહેવાલઃ ‘મહેક ટંકારવી   

શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલહિકમાહ સેન્ટર ખાતે યુ.એસ..થી કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીની રજત જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે કવિ અહમદ ગુલ સંપાદિત ‘ગુલદાન જેમાં બાટલીના ગઝલકારોની કાવ્યકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું અને Batley Bond અને Batley Buds જેમાં બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કરતાં ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના સેક્રેટરી ઇસ્માઇલ દાજીએ મહેમાનો, કવિગણ તથા ઉપસ્થિત શ્રોતાઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના પ્રમુખ કવિ અહમદ ગુલે ફોરમની સ્થાપના અને વિકાસયાત્રા પર ઘણી વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે ૧૯૯૦માં ફોરમની સ્થાપના થઇ ત્યારથી લઇ આજ સુધીનાં ૨૫ વર્ષોમાં ફોરમે દેશપરદેશના ઘણાં જાણીતા કવિઓને અહીં આમંત્રી તેમની ઉપસ્થિતિમાં અનેક મુશાયરાઓનું આયોજન કર્યું છે, સ્થાનિક કવિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા વર્કશોપ્સ (કાવ્ય શિબિરો) યોજી છે, કાવ્ય અને ગઝલસંગ્રહોનું પ્રકાશન કર્યું છે, અંગ્રેજ કવિઓને પણ પ્રવૃત્તિમાં સાંકળ્યા છે અને રીતે લોકોને ગઝલોહઝલોની લહાણી કરાવવા સાથે છેલ્લા પચ્ચીસ વર્ષથી અહીં બ્રિટનમાં અને ખાસ કરીને યોર્કશાયરમાં ગુજરાતી ભાષાની માવજત સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે.

અહમદ ગુલે મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે  ઔર કારવાઁ બનતા ગયા  જાણીતો શેર ટાંકીને પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું હતું. અહમદ ગુલની સેવાઓની કદર રૂપે પ્રસંગે તેમને તેમની પૌત્રી તરફથી ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ અને ગઝલકાર મહેક ટંકારવી કવિઓએ જે ગાયું છે તેને મારે ગાવું છે, તેમના દર્દને આપ લોકો સુધી પહોંચાડવું છે એમ કહી ગુલદાનના કવિઓની ગઝલોમાંથી કેટલાક શેરો તરન્નુમથી રજુ કરી જાણે મુશાયરાનું માહોલ સર્જી આપ્યું હતું. તેમણે ખાસ કરીને જેમની ગઝલોહઝલોના પડઘા હજી યોર્કશાયરની ખીણટેકરીઓમાં ગુંજે છે અને જેઓ પોતાની ગઝલોહઝલોનો વારસો આપણને સોંપીને અલ્લાહને પ્યારા થઇ ગયા છે તેવા મરહુમ હસન ગોરા ડાભેલી અને મુલ્લાં હથુરણીને યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી.

ગુજરાતી લિટરરી ગૃપ, બર્મિન્ગહામના કવિ પ્રફુલ્લ અમીને Batley Bond વિષે બોલતાં જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષી આપણી નવી પેઢીઓને ધ્યાનમાં લઇ હવે બહુભાષી મુશાયરાઓ યોજવાનો સમય આવી ગયો છે. અંગ્રેજ કવિઓને પણ સાથે લઇને ચાલવાથી એકબીજા સાથે હળવાભળવાનો અને પરસ્પર વિચારોની આપલે કરવાનો મોકો મળી રહેશે. તેમણે સંગ્રહમાં સમાવિષ્ટ તમામ કવિઓને અંગ્રેજીમાં સુંદર કવિતાઓ પીરસવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ત્યાર પછી Batley Budsf]=  ડેવીડ કૂપર અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના જુલિ હેઇગના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. નવોદિત કવિઓને પ્રોત્સાહિત કરતી આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે investment in poets is an investment in our community. It binds together our communities. વિવિધ સમાજોને એકબીજાની નિકટ લાવવામાં સાહિત્ય અને કવિતા સારો એવો ભાગ ભજવી શકે છે.

ઝયનબ દાજીએ પોતાની અંગ્રેજી કવિતાનું વાંચન કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. ત્યાર બાદ ૧૭ વ્યક્તિઓનું સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમના ઉમદા યોગદાન બદલ પ્લાક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના શ્રી વિપુલ કલ્યાણીએ બ્રિટનમાં ગુજરાતી ભાષા વિષે બોલતાં જણાવ્યું કે અહીંની અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓએ ગુજરાતી ભાષાને અહીં અંગ્રેજીના પ્રભુત્વવવાળા દેશમાં આજ પર્યંત જીવંત રાખવા ઘણું કર્યું છે. દુ: વાતનું છે કેે ગુજરાતથી હજારો માઇલ દૂર રહીને પણ રોજી રોટી કમાવાની સાથે સાથે ગુજરાતી ભાષા, સંસ્કૃતિસંસ્કાર અને અસ્મિતાને જાળવી રાખવા પોતાની કલમ દ્વારા અહીંના કવિઓ, ગઝલકારો, વાર્તાકારો અને લેખકોએ જે મહેનત કરી છે તેની અત્યાર સુધી ગુજરાતમાં જોઇએ તેવી અને તેટલી નોંધ લેવાઇ નથી. ગુજરાતીના વર્ગો પહેલાં ચાલતા હતા જે હવે ચાલતા નથી, ગુજરાતીને અહીંની શાળા કોલેજોમાંથી પણ જાકારો આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતા ઉપજે છે. આવા સંજોગોમાં ગુજરાતી આપણા ઘરોમાં બોલવાનું પણ ચાલુ રહે તો ગનિમત લેખાશે.

લેસ્ટરની લેખિકા અને દેવિકાની વર્ષો જૂની નિકટની સહેલી નયના પટેલે જેમણે લગ્ન પછી વર, ઘર અને બાળકો સાથે પણ લખવાનું ચાલુ રાખ્યું છે તેવા મુખ્ય મહેમાન દેવિકા ધ્રુવનો પરિચય આપ્યો હતો. પોતાનું વકતવ્ય શરૂ કરતાં કવયિત્રી દેવિકા ધ્રુવે ચમત્કારોના આવિષ્કારની વાત કરતાં જણાવ્યું કે અહીંયાં આવવું પણ મારા માટે એક ચમત્કાર જેવું થયું છે. જ્યાં જ્યાં ભરાતો શબ્દનો દરબાર ત્યાં મન દોરાતું એમ કહી અહમદ ગુલનું આમંત્રણ મળતાં મેં અહીં આવવાનું નક્કી કર્યું અને ભાવભીના સ્વરે ઉમેર્યું કે આજે લાગણીનું તાપણું કરી બેઠેલા આવા દિલાવર લોકો વચ્ચે મને ઘર આંગણા જેવું લાગે છે. હું ફોરમની સાહિત્યિક પ્રવૃત્તિઓ વિષે સાંભળી અને નિહાળીને ઘણીજ પ્રભાવિત થઇ છું અને અહમદ ગુલને ખોબા ભરીને દરિયા જેટલી શુભાશિષ આપું છું, અભિનંદન પાઠવું છું. વિશ્વની ભાષાઓમાં સમૃદ્ધિની દ્દષ્ટિએ ગુજરાતી પચાસમા નંબરે આવે છે એમ જણાવી મા (ગુજરાતી) વહાલી પણ માસી (અંગ્રેજી) પણ ગમે છે એમ કહી તેમણે બેઉ ભાષાઓનું ગૌરવ કર્યું હતું. એમણે આદિલ મન્સૂરીને યાદ કરતાં કહ્યું કે મને ગઝલ લખવાની પ્રેરણા આદિલ પાસેથી મળી હતી.

છેલ્લે વિરામ અને ભોજન બાદ મુશાયરાની શરૂઆત કરતાં કાર્યક્રમના સંચાલક ઇમ્તિયાઝ પટેલે હાજર રહેલા ૨૦ જેટલા કવિઓને પૂરતા સમયના અભાવે ઝડપથી રજૂ કરવાનું કપરુ કામ ઉપાડી લીધું હતું. મહેમાન કવયિત્રી દેવિકા ધ્રુવ ઉપરાંત બોલ્ટન, બ્લૅકબર્ન અને બાટલીના સ્થાનિક કવિઓ, લંડનથી પંચમ શુકલ, પંકજ વોરા અને ભારતી પંકજ, લેસ્ટરથી દિલીપ ગજ્જર, મધુબેન ચાંપાનેરિયા, કીર્તિબેન મજેઠિયા અને ડાહ્યાભાઇ પ્રજાપતિ, તથા બર્મિન્ગ્હામથી પ્રફુલ્લ અમીને પોતાનાં કાવ્યો રજૂ કરી શ્રોતાઓને રાત્રિના ૧૧.૩૦ વાગ્યા સુધી જકડી રાખ્યા હતા.

શબ્બીર કાઝી આભારવિધિ કરતાં કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોનો અને સુંદર સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસવા બદલ ઇકબાલ ધોરીવાલાનો તથા કાર્યકમના આયોજનની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લઇ તેને સરસ રીતે પાર પાડવા બદલ અહમદ ગુલ અને સાથીઓનો આભાર માન્યો હતો. સાંજના વાગ્યે શરૂ થયેલો કાર્યક્રમ રાતના ૧૧.૩૦ વાગ્યે સમાપ્ત થયો હતો.  

   

રાજેશ ખન્ના અંગે- સંજય છેલનો લેખ

January 7th, 2014 Posted in સંકલન્

પહેલો સુપરસ્ટાર રાજેશ ખન્ના                                                                                       સંજય છેલ

રાજેશ ખન્ના મને ગમે છે એનાં કારણોમાંનું એક કારણ છે કે એ કવિતાનો માણસ છે અને કાવ્યોમાં નાટકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નાટકોમાં મુંબઈની રંગભૂમિ સૌથી શ્રેષ્ઠ અને ધબકતી હતી ત્યારેરાજેશ ખન્નાનો કલાકાર તરીકે જન્મ થયો અને મુંબઈની રંગભૂમિમાં પણ સૌથી વાઇબ્રન્ટ અને કલરફુલ ગુજરાતી રંગભૂમિ રાજેશ ખન્ના સાથે છેલ્લે સુધી જોડાયેલી છે. જાણે-અજાણે કદાચ રાજેશ ખન્ના ગુજરાતીઓ અને ગુજરાતી રંગભૂમિનું ગૌરવ છે. ના, એણે એકપણ ગુજરાતી નાટકમાં કામ નહોતું કર્યું, છતાંયે રાજેશ ખન્નાના સ્ટારડમમાં ગુજરાતી રંગમંચની છાપ અદૃશ્ય ફિંગરપ્રિન્ટની જેમ છે…
મુંબઈની કે. સી. કોલેજમાં રાજેશ ખન્ના નાટકો કરતા. ગુજરાતીના જાણીતા નાટ્યકાર પ્રબોધ જોશીનાં એકાંકીઓનું હિ‌ન્દી કરીને એના સંવાદો, એકોક્તિઓ બોલીને સૌને ઇમ્પ્રેસ કરતા. માધુરી-ફિલ્મ ફેર સ્પર્ધામાં જે ડાયલોગ્ઝ બોલીને રાજેશ ખન્ના સ્પર્ધા જીતેલા એ મુઝ કો યારો માફ કરનાનામના નાટકનો અંશ હતો, જે આપણા નાટ્યકાર પ્રબોધ જોશીએ લખેલા. રાજેશ ખન્નાની આખી કરિયર ગુજ્જુ લેખકને આભારી છે. તેઓ કાંતિ મડિયા, પ્રવીણ જોષી, અરવિંદ ઠક્કર વગેરેના સતત સંપર્કમાં હતા. આરાધનાની જાલિમ સફળતા પહેલાં એક ફિલ્મ આવેલી ઇત્તેફાક’. એ ફિલ્મ યશ ચોપડાએ માત્ર એક મહિ‌નામાં બનાવેલી કારણ કે ત્યારે પ્રવીણ જોષી દિગ્દર્શિ‌ત ધુમ્મસનામનું થ્રિલર નાટક સુપરહિ‌ટ હતું. એ નાટકમાં શર્મન જોષીના પિતા અને ગુજરાતીના શ્રેષ્ઠ અભિનેતા અરવિંદ જોષીએ મેઇન રોલ કરેલો. એ જ રોલ રાજેશ ખન્નાએ ઇત્તેફાકમાં કર્યો અને ફિલ્મ હિ‌ટ થઈ. 

ફિલ્મ ધુમ્મસનાટકની સ્ક્રિ‌પ્ટ પર જ બનેલી અને ત્યાં સુધી કે રાજેશ ખન્નાએ નાટક વારંવાર જોવા જતા અને ફિલ્મના સેટ પર પણ અરવિંદ જોષી જઈને રાજેશ ખન્નાને ટ્રેઇન કરતા રાજેશ ખન્નાએ બીજા કોઈપણ સ્ટાર કરતાં વધારે પ્રયોગો કરેલા, રિસ્ક ઉઠાવેલા. એમણે હાથી મેરે સાથીની સાથોસાથ આવિષ્કાર’, ‘અનુભવજેવી આર્ટ ફિલ્મો પણ કરેલી. જેમ કે ઇત્તેફાકમાં એક પણ ગીત નહોતું અને માત્ર એક જ સેટ પર બનેલી. માત્ર વાર્તા અને ખન્નાની અદાઓ પર ફિલ્મ ચાલેલી અને એ પણ ત્યારે કે જ્યારે એ નવા હતા. બાવર્ચી‍ ફિલ્મ વખતે રાજેશ ખન્ના સુપરસ્ટાર હોવા છતાં એમણે એ હિ‌રોઈન વિનાની ફિલ્મ કરેલી અનેક છોકરીઓ એમની રોમેન્ટિક ઇમેજ પાછળ પાગલ હતી છતાંય રાજેશ ખન્નાએ હાફ ચડ્ડી પહેરેલા રસોઈયાની ભૂમિકા ભજવેલી. આનંદમાં પણ કોઈ જ રોમાન્સ કે હિ‌રોઈન વિના એમણે ત્રણ ઝભ્ભા-લેંઘામાં ફિલ્મ કરેલી. આનું શ્રેય જાય છે, મુંબઈ રંગભૂમિના સંસ્કારોને.

અમિતાભ અને રાજેશ ખન્નાની યાદગાર ફિલ્મ નમકહરામઅને કાંતિ મડિયાના નાટક આતમ ઓઢે અગનપછેડીનો વિષય એક જ હતો હૃષીદા, રાજેશ ખન્ના અને અમિતાભને નાટકના શોમાં સાથે જોયાનું મને ધૂંધળું ધૂંધળું યાદ છે. મારી ફિલ્મ ક્યા દિલને કહા,’જેમાં રાજેશ ખન્ના ઉર્ફે કાકાએ મહેમાન કલાકારની ભૂમિકા ભજવેલી, એ વખતે કાકા મને સતત કિશોર ભટ્ટ, અમૃત પટેલ વગેરે કલાકારો વિશે પૂછતા અને આંતર કોલેજ નાટ્યસ્પર્ધાની જૂની વાત કરતા. જી હા, વિજય આનંદથી લઈને અમજદ ખાન, શફી ઈનામદાર, પરેશ રાવલ, આમિર ખાન સુધીના કલાકારો ભવન્સ કોલેજ, ચૌપાટીની સ્પર્ધામાંથી બહાર આવ્યા છે. રાજેશ ખન્ના પણ જતીન ખન્નાના નામે એ સ્પર્ધામાં ભાગ લેતા અને અમજદ ખાન, રમેશ તલવાર જેવા કલાકારો દિગ્દર્શકો સામે સ્પર્ધા જીતતા કે હારતા.

રાજેશ ખન્ના લાંબા લાંબા ડાયલોગ્ઝ બોલતા કે વાતવાતમાં કવિતાઓ ટાંકતા કારણ કે એ રંગભૂમિની પ્રોડક્ટ છે. એમની બાંકી અદા, એક મુદ્રામાં ચાલવું, ઉતારચઢાવ એ બધું થિયેટરની દેન છે. વી. કે.શર્મા નામના હિંદીના જાણીતા દિગ્દર્શકે કાકાને તૈયાર કર્યા અને પછી એ જ વી. કે. શર્માને એમના આખરી શ્વાસ સુધી રાજેશ ખન્નાએ નિભાવ્યા. આવી ગુરુભક્તિ લાગણી માત્ર નાટ્ય કલાકારોમાં જ હોય છે. બાકી, મીંઢા ફિલ્મવાળાઓ તો ફિલ્મ ફ્લોપ થયા પછી કે કામ નીકળ્યા પછી સગા ભાઈને ભૂલીને જાય છે. રાજેશ ખન્નાની બાદશાહત, એનો ઠાઠ, એમની મહેફિલો, એનો જાન લૂંટાવી દેવાનો અંદાજ બધું જ રંગભૂમિના કલાકારના ભેખધારી મિજાજની સાક્ષી પુરાવે છે.

ઇન્ટરવલ

મૈં બાબુ છૈલા, બાબુ છૈલા, નામ હૈ મેરા પહેલા
આજ સે મૈં બન ગયા હૂં મજનુ, દેખ કે તુઝ કો લૈલા.(છૈલાબાબુફિલ્મ)

રાજેશ ખન્ના અને ગુજરાતને ઘેરો સંબંધ છે. એમની પત્ની અને બે મુખ્ય ગર્લફ્રેન્ડ ગુજરાતી. રાજેશ ખન્નાના ડિઝાઈનર, દીના પાઠકના પતિ એ પણ ગુજરાતી, રાજેશ ખન્નાને સ્ટારડમ અપાવવા માટે જે જે ફિલ્મી તિક્ડમ કરવા પડતા એ પાછળ એક ખુરાફાતી દિમાગ હતું એનું નામ તારકનાથ ગાંધી. ફિલ્મફેરના એવોર્ડને જીતવા એ સમયે કલાકારો તલપાપડ રહેતા. તારકનાથ ગાંધી નામના સ્માર્ટ પબ્લિસિટી મેનેજરે આઇડિયા કરીને એક વર્ષે ફિલ્મફેરના બધા અંક ખરીદી લીધા. સ્કૂલ-કોલેજના છોકરાઓને દસ દસ રૂપિયા આપીને ફોર્મ ભરાવ્યાં જેમાં બધી કેટેગરીમાં રાજેશ ખન્ના અને એની ફિલ્મોને જ વોટ અપાવ્યા. અફ ર્કોસ, રાજેશ ખન્ના જીતી ગયા આવું લે-વેચનું ભેજું ગુજરાતીનું જ હોઈ શકે કાકા મનમોહન દેસાઇ, કલ્યાણજી-આનંદજી, જયકિશન જેવા ગુજરાતીઓથી ઘેરાયેલા હતા. અરવિંદ ઠક્કર, છેલ-પરેશ, અમૃત પટેલના મિત્ર અને કાકાના સેક્રેટરી એવા ગુરુનામ પેન્ટ પર કુર્તો પહેરતાં અને એ સ્ટાઇલ રાજેશ ખન્નાએ અમનાવી લીધેલી અને પછી ગુરુકુર્તાનામે જગવિખ્યાત થઈ ગયેલી. આજે જેને યંગસ્ટર્સ ર્શોટ કુર્તીકહે છે એ સૌથી પહેલાં રાજેશ ખન્નાએ શરૂ કરેલી. કહેવાય છે કે ગુરુનામને એ કુર્તીનો આઇડિયા ગુજરાતી નાટકોના આર્ટડિરેક્ટર છેલ-પરેશ અને એમના મિત્રો પાસેથી મળેલો. ગુરુનામ જગદીશ શાહના ગુજરાતી નાટક અજવાળી રાત અમાસનીમાં કામ કરતા. એમણે પ્રવીણ જોષીના માણસ નામે કારાગારમાં પણ રોલ કરેલો.

રાજેશ ખન્ના, પ્રવીણ જોષી, મડિયાનાં નાટકો જોવા નિયમિત આવતા. નાટકના વિષય પર એમનું ધ્યાન રહેતું. શૈલેશ દવેનું સુપરહિ‌ટ નાટક રમત શૂન્ય ચોકડીનીજોવા રાજેશ ખન્ના આવેલા અને ફિલ્મ પણ પ્લાન કરેલી. છેક છેલ્લે આપણી રંગભૂમિ અને ફિલ્મો-સિરિયલના કલાકાર સ્વ. અમૃત પટેલની કવિતાનો સંગ્રહ પણ રાજેશ ખન્નાના હાથે ૨૦૦૪-૦પમાં પ્રગટ થયેલો. કિડનીની બીમારીથી પીડાતા સ્વ. અમૃત પટેલે અનેક સ્ટાર્સને પૂછેલું, પણ માત્ર રાજેશ ખન્ના જ દિલ્હીથી મુંબઈ આવેલા અને એ બુકની અનેક કોપીઓ પણ એમણે ખરીદેલી. 

રાજેશ ખન્નાના ચૌથામાં જે ટેપ વગાડવામાં આવેલી એ એમનો આખરી સંદેશ નહોતો, પણ ૨૦૦પમાં સ્વ. અમૃત પટેલના પુસ્તક વિમોચન દરમિયાન આપેલી સ્પીચ હતી. મીડિયા કે રાજેશ ખન્નાના આપ્તજનોએ એને આનંદફિલ્મના ક્લાઇમેક્સની જેમ જાહેરમાં વગાડીને ડ્રામા ઊભો કર્યો. એ સ્પીચમાં એમણે પ્રવીણ સોલંકી, પ્રબોધ જોશી, અરવિંદ જોશી, કિશોર ભટ્ટ વગેરેનાં નામ ગદ્ગદ થઇને લીધેલાં

ગુજરાતી રંગભૂમિનીજાણીતી અભિનેત્રી-લેખિકા નીકિતા શાહે રાજેશ ખન્ના સાથે એક હિ‌ન્દી નાટકના પ્લાન શરૂ કરેલા. એના રિહર્સલમાં રાજેશ ખન્નાને સ્ટેજ પર મન મૂકીને અભિનય કરતા આ લેખકે જોયા છે. મારી ફિલ્મ ક્યા દિલને કહામાં એમણે હીરોના બાપનો રોલ કરેલો. સામે પત્નીના રોલ માટે નામવાળી હિ‌રોઈનને લેવામાં આવે એવી રાજેશ ખન્નાની ઇચ્છા હતી, પણ પછી બજેટ-સમય વગેરે કારણોસર સ્મિતા જયકરને રોલ આપ્યો. કાકાને એ ના ગમ્યું. મેં ડરતાં ડરતાં પૂછ્યું કે તમે કહો તો સ્મિતાને ના પાડી દઈએ. ત્યારે એમણે કહેલું, ‘પાગલ હો? હમ થિયેટર વાલે હૈં. કામ નિકલવા લેંગે. કિસી કી હાયનહીં લેની
કાકાની ચઢતીના દિવસોમાં એમણે કેટકેટલાં કાવાદાવા કર્યા હશે, ‘હાયલીધી હશે, પણ તોય બેઝિકલી તો એ થિયેટરના માણસ જ હતા. 

ગુજરાતીના જાણીતા દિગ્દર્શક અરવિંદ ઠક્કરે એક એકાંકીમાં એમનો રોલ કાપી નાખેલો ત્યારે કાકાએ ચેલેન્જ આપેલી કે આજ ભલે આપ લોગ મુઝે કુછ મત સમઝો, એક દિન મેં સ્ટાર બનુંગાઅને રાજેશ ખન્ના સ્ટાર-સુપરસ્ટાર બન્યા આંધીની જેમ છવાઈ ગયા અને મુંબઈના સ્મશાનગૃહમાં વિદાય લીધીત્યારે પણ ૧૦-૨૦ હજારની મેદનીએ રોડ પર ઊભા રહીને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. બાંદ્રાથી જૂહુ સુધી ટ્રાફિક જામ થઈ ગયો, બંને બાજુ હજારો લોકો એક ઝલક માટે ઊભા હતા. એક થિયેટર એક્ટર માટે આનાથી સારો કર્ટન કોલકે પ્રેક્ષકોનું અભિવાદનશું હોઈ શકે?

અનેક મર્યાદાઓ, અનેક કમીઓ, અનેક વિરોધભાસો હોવા છતાં રાજેશ ખન્ના બહુ મોટો સ્ટાર હતો અને મોટો માણસ પણ. આજ કા એમ.એલ.એ. રામ અવતારનામની પોલિટિકલ સેટાયર ફિલ્મમાં એ કરપ્ટ નેતા બનેલા. એ જ વિષય પર અમિતાભે ઇન્કિલાબફિલ્મ કરેલી. બંને ફિલ્મ ખૂબ ચર્ચામાં. બેમાંથી કઈ ચાલશે, કઈ પહેલા રિલીઝ થશે એની હુંસાતુંસી ચાલતી. એવામાં એકવાર રાજેશ ખન્નાએ જોયું કે ફિલ્મનાં પોસ્ટરોની ડિઝાઇન બરોબર નથી. રાતોરાત દિવાકરનામના એમનાં ફેવરિટ ડિઝાઇનરને બોલાવ્યો અને પોતાના ખર્ચે આખી નવી ડિઝાઇન બનાવવાનો ઓર્ડર આપ્યો. જૂનાં પોસ્ટર કેન્સલ કરીને નવા છપાવ્યાં. પછી તો આજ કા એમ.એલ.એ.અને ઇન્કિલાબબેઉ રિલીઝ થઈ. બેઉ લગભગ ફ્લોપ ગઇ. દિવાકરને પ્રોડ્યૂસરે પોસ્ટર છપાવવાના પૈસા ન આપ્યા. દિવાકર મૂંઝાય કે કાકાને કઈ રીતે કહેવું. એક દિવસ કાકાએ એને ઘરે બોલાવ્યો. કાકાની રાતોની પાર્ટીઓ મશહૂર. વહેલી સવાર સુધી મહેફિલ ચાલે. સવારે ચાર વાગ્યે, દિવાકર જમીને ડ્રિંક લઈને જવા નીકળ્યો. કાકાની ગાડી એને ઘરે મૂકવા જવાની હતી. દિવાકરની જીભ ન ઊપડે, પૈસાની વાત કરતા. એવામાં કાકાએ અંદરથી જઈને બે લાખ કેશ આપ્યા અને કહ્યું, ‘પ્રોડયૂસરને નહીં દિયા તો કયા હૂઆ, તુમને મેરી ઝુબાં પર કામ કિયા થા.’ 

જે ફિલ્મ લાઇનમાં લીગલ કોન્ટ્રાક્ટની કોઈ વેલ્યૂ નથી અને ફિલ્મ ફ્લોપ થતાં લોકો ફોન ઉપાડતા નથી, ત્યાં કાકાએ આવી દરિયાદિલી દાખવેલી. અનેકવાર… કારણ કે? કારણ કે રાજેશ ખન્ના/જતીન ખન્ના/કાકા સુપરસ્ટાર… રંગભૂમિના માણસ હતા. રોલ નિભાવતા આવડતો હતો, છેલ્લે સુધી, કર્ટન પડે ત્યાં સુધી.

સંજય છેલ

કામિની સંઘવીનો એક મર્મવેધી લેખ

January 7th, 2014 Posted in સંકલન્

« ધર્મને નામે ધતીંગ ક્યાં સુધી ?

સ્ત્રીએ અસતપર વીજય મેળવ્યો છે ?

December 6, 2013 by ગોવીન્દ મારુ

–કામીની

હીન્દુ ધર્મમાં બ્રહ્મની વ્યાખ્યા મુજબ પરમાત્મા નીરાકાર છે. તેનું કોઈ રુપ નથી. નથી તે દેવી–દેવતામાં કે નથી તે મુર્તીઓમાં. તે તો મારા–તમારામાં રહેલો છે. તો પછી તેને બહાર મન્દીરોમાં શોધવાની જરુર શી છે ? શા માટે મન્દીરોમાં લાઈન લગાવીને દેવી–દેવતાના દર્શન કરવા માટે હડીયાપાટી કરવાની ? ક્યારેય સાભંળ્યુ છે કે ગાંધીજી કોઈ મંદીરમાં દર્શન કરવા માટે ગયા હોય ? છતાં તે સવાયા રામભક્ત હતા. રામના આદર્શને તેમણે પોતાના જીવનમાં વણી લીધા હતા. પછી મંદીરમાં રામને શોધવા જવાની જરુર જ ક્યાં પડે ?  તમે ખુદ જ ઈશ્વરનો અંશ છો, તો તેનું જ કલ્યાણ થાય તેવું કરો ને !  દીવસે દીવસે સ્ત્રીઓનું એડ્યુકેશન વધે છે; પણ ધાર્મીકતા ઘટવાના બદલે વધતી જાય છે. તેમાં ધાર્મીકતાના નામે દંભ–દેખાદેખીએ દાટ વાળ્યો છે. સમજ્યા કે એક મા–પત્ની તરીકે તમે તમારા પરીવારનું કલ્યાણ ઈચ્છો; પણ તે માટે અન્ધશ્રદ્ધાનો સહારો લેવાની શી જરુર છે ? ફલાણાં –ઢીકણાં ભગવાનના દર્શન સીમાબહેન કરી આવ્યાં એટલે રીમાબહેન પણ જાય. કારણ કે ઈશ્વરની કૃપા તેમનાં સંતાન કે પરીવારને મળે અને પોતાનો પરીવાર રહી જાય તો ? યાર, આ દેખાદેખીની વૃત્તી છોડો. કોઈ દેવી–દેવતા હોનારતમાં મદદે આવતા નથી. એવું હોત તો ધાર્મીક સ્થાન પર થતી ભાગદોડમાં માણસ મરતો હોત ? મધ્યપ્રદેશની ઘટનાના રશીસ(ધસારા) જેણે છાપાં–મેગેઝીનમાં જોયા છે, તેમાં માસુમ ભુલકાંઓની લાશ જોઈને કોઈ સેન્સેટીવ તો શું, જડભરત પણ વીચલીત થઈ જાય. તો બહેનો, આપણી નીંભર ધાર્મીકવૃત્તી કેમ વીચલીત થતી નથી ? શા માટે આપણે મન્દીર–મસ્જીદમાં ભગવાન–ખુદાને મેળવવા માટે લાઈન લગાવીએ છીએ ? પરમાત્મા તમારી ભીતર જ છે. તમારી આવી ધાર્મીકતાનો જ આસારામ જેવા બાપુઓ ગેરલાભ ઉઠાવે છે. શી જરુર છે પોતાની કાચી ઉંમરની દીકરીઓને આવા બની બેઠેલા બાપુઓની સેવા કરવા માટે મોકલવાની? પેલી પીડીતાનો ગેરલાભ ઉઠાવવા માટે જેટલા દોષી આસારામ છે તેટલાં જ દોષી તે દીકરીનાં માતા–પીતા પણ છે. સોળ વર્ષની દીકરીને શા માટે સાધના કરાવવાની ને શી સાધના કરાવવાની ? તેની ઉંમર તો ભણવા–ગણવાની છે ને ?

મનુસ્મૃતીમાં કહેવાયું કે સ્ત્રીની બુદ્ધી પગની પાનીએ હોય છે. ભણેલી–ગણેલી સ્ત્રીઓ આ માન્યતાનો યથાયોગ્ય વીરોધ કરતી હોય છે. પણ જો તમે તમારી માસુમ બાળાઓને સાધુ–સંતોને પગે લગાડવા લઈ જતાં હોય તો દીલગીરી સાથે કહેવું પડે કે, ‘બહેન, તારી બુદ્ધી ખરે જ, પગની પાનીએ જ છે.’ સાધુ–સંતોને પગે લાગવાથી કોઈનો ઉદ્ધાર થતો નથી. તેથી તમારી દીકરીનો પણ નહીં થાય. હા, બની શકે કે તેનું હીત થવાને બદલે અહીત જ થાય. માટે આન્ટીજી, આન્ટીજી, વેક અપ, એન્ડ થીન્ક….

–કામીની સંઘવી

‘ફુલછાબ’ દૈનીક, રાજકોટની તા. 18 ઓક્ટોબર, 2013ની ‘ગુલમોર’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘તુલાસીક્યારો’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ફુલછાબ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી, D-804, New Suncity, Apartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

રતિલાલ બોરીસાગરની હાસ્ય-રચના

January 7th, 2014 Posted in સંકલન્

નિત નવા વરસે ચાલો ને હસીએ…

રતિલાલ બોરીસાગર ( હાસ્યકવિની રચના )

નિત નવા વરસેનિત નવા દિવસે
હૈયું ભરીને ચાલો ને હસીએ!
રેસના ઘોડાની માફક દોડતી આ દુનિયા
નિરાંતનું નામ નહીંટેન્શનનો પાર નહીં!
હાઇ બી.પી.ની ગોળીઓ ને લો બી.પી.ની ગોળીઓ
ઊંઘવાની ગોળીઓ ને જાગવાનીયે ગોળીઓ,
ભૂખની ગોળીઓ ને પાચનનીયે ગોળીઓ,
વાળની ગોળીઓ ને ટાલનીયે ગોળીઓ,
રોજ રોજ દાકતરની ભરી દેવી ઝોળીઓ!
દિવેલિયું ડાચું લઇ શીદ ફરવું?
દાંત આપ્યા છે એણે આપ્યું છે હસવું!
નિત નવા વરસેનિત નવા દિવસે,
ઢગલો થઇ જઇને ચાલો ને હસીએ!

– રતિલાલ બોરીસાગર

ટાગોરની કૃતિ, પુ.લ. દેશપાંડેનું રુપાંતર અને અરુણાબેન જાડેજાનું ભાષાંતર

January 7th, 2014 Posted in સંકલન્

નાટ્યશેષ      

 

(કવિવર ટાગોર ની એક વિખ્યાત કૃતિ, 

તેનું મરાઠી રૂપાંતરનાં કર્તા શ્રી પુ. લ. દેશપાંડે અને 

ગુજરાતી ભાષાંતર શ્રી અરુણાબેન જાડેજા એ કર્યું.) 

દૂરદૂરના ભૂતકાળના ચહેરા તરફ જોયું 

જુદી જુદી ‘કંપની’ઓના  ફરતા જોયા નટ

ઓળખું હું એ બધાને 

સાંભરે બધાંના નામ 

અને પશ્ચિમનાં સાંધ્ય પ્રકાશમાં જાણું એમના પડછાયા 

નેપથ્યલોકમાંથી નટરૂપે વેશ ધરીને આવેછે 

જીવન નાં એ અંતહીન નાટ્યમાં.

દિવસો પછી દિવસો ને રાત્રી પછી રાત્રી ગઈ એમની 

પોતપોતાની પંક્તિઓ બોલવામાં ને પોતપોતાની ભૂમિકાને ઉઠાવ આપવામાં 

એ  અદ્રષ્ટ સુત્રધારના  આભાસાનુંસાર 

આદેશાનુસાર  જમાવતા  આવ્યા પોતપોતાનાં નાટકો 

વિવિધ ઢંગે વિવિધ રંગે.

આખરે પૂરું થયું નાટક. 

દેહવેશ ફગાવીને નેપથ્યે થયા અદ્રશ્ય 

જે ખેલ ભજવવા આવ્યા, એનો નાટ્યગત અર્થ 

હશે ખબર કોઈ ને કોઈ રૂપે 

એ   વિશ્વકવિને 

પણ દરેક નટ અને નટીને લેખે તો 

એમાંનું હસવું ને રડવું 

એમનો હર્ષ ને શોક, સત્ય જ હતો 

જ્યાં સુધી અંગ હતું વેશથી સજેલું.

આખરે પડદો પડ્યો.

દીવા ઓલવાતા ગયા એક પછી એક 

રંગરોગાનની ચમક ફીકી થતી ગઈ.

ઓસરાતો ગયો બધો કોલાહલ 

જે નિસ્તબ્ધ અંધકારમાં રંગમંચ તરફથી 

એમણે કર્યું નિર્ગમન 

ત્યાં સ્તુતિ ને નિંદા બંને સમાન 

ખરાબ ને સારું બધુજ સરખું જ 

સુખદુ:ખના અભિનય અર્થહીન 

અજવાળું ને અંધારું સમભાર

લાજ અને ભય હેતુશૂન્ય  

….જે હાથ મથ્યા યુદ્ધમાં 

બચાવવાને સીતા 

બીજી ક્ષણે એમને જ 

રચાવી પડી 

એની ચિતા.

પુરુથયું એ શોકનાટક

સરી  ગઈ એમાંની અસહ્ય વેદના 

હવે નાટક બચ્યું છે 

કવિની પંક્તિઓમાં 

અને કલાનાં આનંદ દાયક 

ઋણમાં.

 

અતિ દૂર આકાશની આછી સુકુમાર નીલિમા 

અરણ્ય એની તળેટીમાં ઊંચા હાથ ફેલાવીને 

પોતાનો શ્યામલ અર્થ નિ:શબ્દપણે દઇ રહ્યું છે !

સ્વચ્છ પ્રકાશનું ઉત્તરીય દિશાદિશાને ઓઢાડે છે.

આ વાત લખી રાખું છું.-

એક  વેરાગી ચિત્રકાર આ ભૂસી નાખે તે પહેલાં.

(મારા વિદ્વાનમિત્ર શ્રી. નીતિન વ્યાસે મોકલેલ એક ઇ-મેઇલ પરથી)

 

 

 

શ્રીમતી રાજુલ શાહનો ‘જીવનસંધ્યા’ લેખ

January 6th, 2014 Posted in સંકલન્

જીવન સંધ્યા….

સૂર્યના આગમન સાથે શરૂ થતો થતો દિવસ મધ્યાને પહોંચે અને હળવેથી સાંઝ બની ને આથમી જાય રાતના અંધારા આપણા અસ્તિત્વને એના આગોશમાં લપેટીને ઢબૂરી દે. અને આપણે પણ એક બીજા દિવસને , એક નવી પ્રભાતને આવકારવાની તૈયારી સાથે નિશ્ચિંત મને એ રાતમાં આપણી જાતને ઓગાળી દઈએ છીએ ને?

એક જન્મથી બીજા  જન્મ સુધીની આપણી સફર પણ આ એક દિવસ જેવી જ નથી? જીવનનુ પ્રભાત એ આપણુ પા પા પગલી પાડતુ બચપન. યુવાનીનો મધ્યાન તપે  અને હળવેથી પ્રૌઢાવસ્થા એટલે કે જીવન સંધ્યામાં ઢળી જાય. અને અહીંથી શરૂ થાય છે એક નવજીવનને આવકારવાની પ્રક્રિયા.ક્ષિતિજે મળતી અવની અને આકાશનુ અદભૂત મિલન એકમેક માં ભળી જાય એવી રીતે જીવનના અનુભવો અન�� સમજણ નુ જો સુરેખ મિલન થાય તો એ જીવન સંધ્યાના અવનવા રંગો ઢળતી ઉંમરના ઘેરા અને કદાચ અકલ્પ્ય -અસહ્ય રંગો પર નવી આભા ઉભી કરીને  એ ઘેરા રંગોને થોડા આછા કરી જ શકે. અને તો   વ્યક્તિ નવજીવન માટે નિશ્ચિંત મને જીવને શિવના- આત્માને પરમાત્માના મિલન માટે જાતને ઓગાળી શકે.

હિન્દુ સંસ્કૃતિ  પ્રમાણે જે ચાર આશ્રમની વ્યવસ્થા ગોઠવાઇ છે એ પ્રમાણે જોવા જઈએ તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચેનો સંધિકાળ એ જ આ જીવનનુ ૭૫મુ વર્ષ. આ સમયનો સંધિકાળ એટલે જીવન સંધ્યા.

આજ સુધી સ્વજન માટે કરેલી દોડને અટકાવીને પોતાની જાત માટે – સ્વને શોધવાનો સમય.ઉમાશંકર કહે છે એમ “હું મને મળવા આવ્યો છુ”
સમજણ આવી ત્યારથી બીજાને સમજવાની અને બીજાને સાચવવાની મથામણમાં ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ખોઇ નાખતી હોય છે. હવે સમય શરૂ થાય છે આત્મખોજનો. આજ સુધી બીજા માટે વ્યતિત કરેલા જીવનના વર્તુળને સમેટીને સ્વને કેન્દ્ર બિંદુ સ્થાને મુકીને સમય પસાર કરવાનો મોકો હવે મળે છે. પણ સાવ  એવા સ્વકેન્દ્રી બનવાના
બદલે  નિવૃત્તિમાં પ્રવૃત્તિ આદરવાનો આ સમય સ્વની સાથે સ્વજનને પણ સમૃધ્ધ બનાવે તો ? સાચા અર્થમાં જીવન સાર્થક થયુ ન કહેવાય? સમૃધ્ધિ  ભૌતિક હોય એ સર્વ સામાન્ય વાત છે અહીં તો આટ્લા વર્ષોનો અનુભવ નિચોડ સિંચીને સ્વ અને સ્વજનને સમૃદ્ધ બનવા બનાવવાની વાત છે.

સાવ મોકળા મને જીવવાના આ સમયને સમય સાચવવાની કોઇ જાતની પાબંદી હોતી નથી ત્યારે જ કદાચ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થતો હશેને? આ શ્રેષ્ઠ ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ તો રહેવાનો જ. ધર્મની સાથે કર્મને સાંકળીને યથાયોગ્ય જીવાતા જીવનના અંતે વ્યક્તિ પોતાની જાત માટે સંતોષ લઈ શકે એવી પ્રવૃત્તિ થી નિવૃત્તિને ઉજાળવાનો પ્રયાસ એટલે જ જીવન સંધ્યા.

નિવૃત્તિ શબ્દને શબ્દદેહે જીવનમાં જેણે વણી લીધો છે એને આ નિવૃત્તિનો ચોક્કસ ભાર લાગવાનો . શરીરથી સક્ષમ હો અને ફરજીયાત નિવૃત્તિ લેવાની વાત આવે એ વ્યક્તિને તોડી નાખતી હોય છે પણ નિવૃત્તિને મરજીયાત અને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડી દેવાથી એને રસપ્રદ બનાવી જ શકાય ને? આ રસપ્રદ પ્રવૃત્તિ પણ વ્યક્તિ વ્યક્તિ એ અલગ તો હોવાની જ.

દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે. જીવનનુ ૭૫મુ વર્ષ તો બાકીની જીંદગીની  પા પા પગલી કરતી શરૂઆત છે. આ સમય એવો છે કે જ્યારે જેના માટે આખુ જીવન વ્યતિત કર્યુ હોય એવા સ્વજનો પાસે  તમારી માટે ફાળવવાનો કદાચ સમય  પણ હોય. ત્યારે એકલતા અનુભવવાના બદલે  મનને
સાબૂત રાખવા મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ કરવાનો છે. બની શકે કે  સમય જતા શરીર પણ મનની વૃત્તિઓને સાથ આપવા જેટલુ સક્ષમ ન પણ રહે.પણ મન સાબૂત રાખીને તનને પ્રવૃત્તિમય રાખવાનો ઉદ્યમ તો ચોક્કસ કરીજ શકાય.

આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.

રાજુલ શાહ

………………………………………………………………………………………………………………………………..…………………………

Comment  

 

 

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.