એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'અહેવાલ'

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૩મી બેઠકની ઉજવણી ‘વિશ્વપ્રવાસિની’ પ્રીતિ સેનગુપ્તા સાથે..અહેવાલ નવીન બેંકર

March 25th, 2018 Posted in અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૩મી બેઠકની ઉજવણી ‘વિશ્વપ્રવાસિની’
પ્રીતિ સેનગુપ્તા સાથે..અહેવાલ નવીન બેંકર

તા.૧૮ માર્ચ,૨૦૧૮ને રવિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડીટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં વિશ્વપ્રવાસિની અને કવયિત્રી પ્રીતિબેન સેનગુપ્તા.

ગુડી પડવાના પવિત્ર પર્વની બપોરે, બરાબર ૨ અને ૧૦ મિનિટે  સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતીન વ્યાસે કાર્યક્રમની શરુઆત કરી.સૌથી પહેલાં પ્રેક્ષા સેન્ટરના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ સીમાબેન જૈને સેન્ટર વિશે માહિતી આપી  અને ભાવભીનું જૈન સ્તવન કર્યું. ત્યારબાદ સાહિત્ય સરિતાના ભાવનાબેન દેસાઈએ  મધુર સ્વરમાં સરસ્વતી વંદના ગાઈ સંભળાવીઆ પ્રારંભિક વિધિ પછી શ્રી નીતિનભાઈ વ્યાસે કાર્યક્રમનું સંચાલન કવયિત્રી દેવિકાબેન ધ્રુવને સોંપ્યુ

સૂત્રધાર તરીકે દેવિકાબેને વસંતઋતુને અનુરૂપ સ્વાગત કરી,વાતાવરણને કાવ્યમય બનાવી દીધું. તેમણે કાર્યક્રમની રૂપરેખા આપી તથા પ્રીતિબેન સેનગુપ્તાનો સવિશેષ પરિચય કલાત્મક રીતે આપી શ્રોતાજનોને રંગમાં લાવી,મન મોહી લીધું. સંસ્થાના હાલના સલાહકાર શ્રી હસમુખભાઈ દોશીના હસ્તે પુષ્પગુચ્છથી પ્રીતિબેનનું સ્વાગત કરવામાં આવ્યું.

પ્રથમ દોરમાં પ્રીતિબેને સ્વરચિત કાવ્યો રજૂ કર્યા. મેનાના માનસનું ગીત, ‘ઉંચેરી ડાળ પરથી મેના ટહૂક્યા કરે..થી માંડીને શેકસપિયરની ગઝલ, કબીરે કહ્યાની, ઓરતા કરવાની અને અંતિમ રુદનની ગઝલ વાંચી સંભળાવી. પછીની એક ગઝલ તો શ્રોતાઓને ખુબ પસંદ પડી.

દીવા પાછળનું અંધારૂં હોઇ શકે છે,
નસીબ કોઇકોઇનું ઠગારૂ હોઇ શકે છે.
પોતાનું લાગતું યે મઝિયારૂ હોઇ શકે છે…વગેરે… સાથે સાથે કવિતાની સર્જન-પ્રક્રિયાની પાર્શ્વભૂમિકા પણ વર્ણવી તથા શેક્સપિયરના ઓથેલો અને ડેસ્ડીમોનાની વાત પણ વણી લીધી. પછીની ગઝલના શબ્દો ઃરાત આખી ચાહવાની વારતા કરતા રહ્યા, રણ વચાળે ઝાંઝવાના ઓરતા કરતા રહ્યા…અહીં કાલિદાસના પેલા યક્ષને પણ યાદ કરી લીધો. પછી તો કાવ્યો અને ગઝલોનો દોર ચાલતો રહ્યો. અંતીમ રૂદનની ગઝલ‘ અને નામ લખવા વિશેની ગઝલ ‘ભીતરી શેવાળ પર નામ લખી દઉં,શ્વાસની વરાળ પર નામ લખી દઉં’ તો શ્રોતાઓને રસતરબોળ કરી મુક્યા. પોતાના કાવ્યસંગ્રહ ખંડિત આકાશની વાતો કરી. પ્રભુને સખા‘ બનાવવાની વાત કરતું એક કાવ્ય રજૂ કર્યું. મારા અંતરમાં એવું તે ઉગજો કે કાંટા પણ હરિયાળા થાય.‘ અમદાવાદ વિશે લખેલા એક કટાક્ષ-કાવ્યની રજૂઆત વખતે તો શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વાતાવરણને ગૂંજતું કરી મુક્યું હતું. 

તે પછી સ્થાનિક સર્જકોનો બીજો દોર શરુ થયો. દરેક સર્જકની એક એક લીટીમાં સુંદર રીતે ઓળખાણ આપતા દેવિકાબેને સૌથી પ્રથમ મનોજ મહેતાને બોલાવ્યા. તેમણે સ્વરચિત ગઝલ સંભળાવી જે કાબિલેદાદ હતી.

જગમાં બધા ભલા નથી,બૂરા બધા નથી.

જીવતા ન આવડે છતાં, મરતા બધા નથી.

ઠોકર જો ખાધી પ્યારમાંઆંસુ વહે છે, પણ– 

આંખોમાં આંસુ હોય તે રડતા બધા નથી.

તે પછી સાહિત્ય સરિતાના સદા પ્રસન્ન શૈલાબેન મુન્શાએ પોતાની એક રચના સંભળાવી જેના શબ્દો હતાં”  નારીના હર રૂપ અનોખાં, હર ગુણ અનોખા”. હાસ્યલેખો અને હળવી રચનાઓ લખતા ચીમનભાઈ પટેલે તેમની લાક્ષણિક શૈલીમાં એક કૃતિ પ્રસ્તૂત કરી લોકોની વાહ વાહ મેળવી.. મૂકી આવીએ માબાપનેજઈ ઘરડાઘરમાં,મૃત્યુ પછી ભજનોનિત ગાઈએ એવું બને.

પત્ની મળી વફાદાર ને વળી સીતા સમી ચમન‘, કથાઓ સાંભળતાનજર રાવણની બનેએવું બને! ત્યારબાદ ડો ઈન્દુબેન શાહે વહેલી સવારે બારીએ ચકલી બોલી,જગાડી મને,”વસંત આવી,વસંત આવીકહી વસંતના વધામણા કર્યા.મુકતકોના મહારાજા સુરેશ બક્ષીએ મઝાના મુકતકો રજૂ કર્યા. તેમના ચોટદાર શબ્દો પર લોકોએ તાળીઓના ગડગડાટ કરી તેમને વધાવી લીધા.

પ્રવીણાબેન કડકિયાએ અંતરમાં ડૂબકી મારીને બહાર લાવેલ સંવેદનાને વાંચી સંભળાવી તો વિજયભાઈ શાહે એક ડોઝ” શિર્ષકવાળી માઈક્રોફિક્શન વાર્તા નાટ્યાત્મક રીતે વાંચી. વાર્તાનો અણધાર્યો અંત તેની ખૂબી હતી.ત્યારબાદ દેવિકાબેને એક ગઝલ અણધારી આ હલચલ થઈ ગઈ, અંદર ઉથલપાથલ થઈ ગઈ. શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો, પાંખડી મનની શતદલ થઈ ગઈ” અનોખા અંદાઝમાં રજૂ કરી.

૨૫-૩૦ મિનિટ ચાલેલ આ આઈટમમાં સાહિત્યનાખાસ કરીને પદ્યસાહિત્યના, જુદા જુદા પ્રકારો રજૂ થયા હોવાને કારણે વિવિધતા રહી.

કાર્યક્રમના ત્રીજા દોરમાં દેવિકાબેને ફરી પાછા પ્રીતિબેનને આમંત્રણ આપ્યું અને તેમણે પોતાના દેશવિદેશના અનુભવોની દિલચશ્પ વાતો કરી. લોકલ બસોમાં સ્થાનિક જીવન જોવા, માણવા મળે છે અને એવા સમયે પોતે પરકાયા પ્રવેશ જ નહીં પણ પર-માયા પ્રવેશ કરી લે છે એના અનુભવો વર્ણવ્યા. વિશ્વના દરેક ખંડમાંથી પોતાને ગમતી જગ્યાઓ અંગે પણ વિશદતાપુર્વક માહિતી આપી.

  તેમના વક્તવ્યમાંથી સ્પષ્ટ વર્તાતું હતું કે તેમને મન પ્રવાસ એ માત્ર શોખનો જ વિષય નથી પણ એક ધર્મ પણ છે. જે જે જગ્યાએ જાય છે તે તે જગ્યાઓને દિલથી ગમતી કરી લે છે. એટલે જ તો ગ્રુપ-પ્રવાસથી દૂર રહી પોતાની રીતે, પૂરતા સમય સાથે એક વિશ્વ નાગરિક તરીકે, જે તે દેશની જીવન-રીતિઓને નિહાળીને આલેખે છે.  આ રીતે વિશ્વભ્રમણ પ્રીતિ સેનગુપ્‍તાના વ્‍યકિતત્‍વનો અસલી મિજાજ રહ્યો છે.

ત્યારબાદ ગુજરાતી સાહિત્ય સરિતાના વહીવટીકર્તાઓએ અને સંસ્થાના માનનીય વડિલ શ્રી દીપકભાઈ ભટ્ટે વિશ્વપ્રવાસિનીને માનપત્ર અને ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક પણ ભેટ આપ્યું. તે પછી મનગમતો લકીડ્રોયોજાયો જેમાં પાંચ વ્યક્તિઓને પુસ્તકો ઈનામમાં મળ્યાં. સંસ્થાના ખજાનચી મનસુખભાઈ વાઘેલાએ સૌનો પ્રેમપૂર્વક આભાર માન્યો. 

કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ શ્રી.તીશ પરીખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ શ્રી  નીતિન વ્યાસ અને ખજાનચી શ્રીમનસુખભાઇ વાઘેલાએ તથા ડોક્ટર રમેશ શાહ, ઇન્દુબેન શાહ, પ્રશાંત અને શૈલાબેન મુન્શા, શ્રી. હસમુખ દોશી, દેવિકાબેન ધ્રુવ,રાહુલ ધ્રુવ વગેરેએ તનતોડ મહેનત કરી હતી.

અઢી કલાક ચાલેલો આ આખો યે કાર્યક્રમ પ્રીતિબેનના પ્રવાસની વાતોકવિતાઓ અને સંસ્થાના સર્જકોની રજૂઆતથી રળિયામણો અને રસભર્યો બની રહ્યો. છેલ્લે સ્વાદિષ્ટ પ્રીતિભોજનને ન્યાય આપી સૌ વિખેરાયા.વર્ષમાં આવા સુંદર બે કાર્યક્રમો થતા રહે તો ગુજરાતી ભાષા અને સંસ્થા વિકસતી રહે અને નવી પેઢીને પ્રેરણા મળે તે આશા અસ્થાને નથી.

અસ્તુ..

નવીન બેંકર

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં- શ્રી.નવીન બેન્કર

May 24th, 2017 Posted in અહેવાલ

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાંશ્રી.નવીન બેન્કર

છબી સૌજન્ય::શ્રી જયંત પટેલ અને શ્રી પ્રશાંત મુન્શા

   

                                     ગઝલકાર ડો મહેશ રાવલ..

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક
, શનિવાર ને ૨૦મી મે ૨૦૧૭ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ ૬૦ જેટલા  સાહિત્યરસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી. વિજય શાહે સંભાળ્યું હતું.

નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની ૧૬ વર્ષની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો. ૧૨૦૦૦ પાનાના મહાગ્રંથનો પણ ઉલ્લેખ કર્યો. અને દેવિકાબેન ધ્રુવના  હાથમાં માઇક સોંપી દેતાં, શ્રી. મહેશ રાવલનો પરિચય આપવા કહ્યું.

દેવિકાબેન ધ્રુવે શ્રી. મહેશ રાવલનો પરિચય આપતાં કહ્યું કે શ્રી. રાવલ સાહેબ,વ્યવસાયે ફેમીલી ફીઝીશિયન છે અને કેલિફોનિયાના ફ્રીમોન્ટમાં રહે છે. તેઓશ્રી. ચાર દાયકાથી ગઝલો લખે છે. મૂળ સુરેન્દ્રનગરના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ. શિસ્ત ના આગ્રહી. ખોટું કરવું નહીં અને સહેવું પણ નહીં,એવા સંસ્કારોથી બધ્ધ. અમૃત ઘાયલને પોતાના ગુરૂ માને છે. કૈલાસ પંડીતની ગઝલોમાંથી પ્રેરણા લઈને લખતા થયા.વિકસતા, વિસ્તરતા અને નિખરતા ગયા. તેમના ચાર ગઝલ સંગ્રહો– ‘તુષાર’ (૧૯૭૮), ‘અભિવ્યક્તિ’ (૧૯૯૫), ‘નવેસર’ ( ૨૦૧૫),  અનેખરેખર’.એક ઓડીયો સીડી –‘ શબ્દસર’ . શ્રી. મનહર ઉધાસના બબ્બે આલ્બમોમાં એમની ગઝલોને સ્થાન મળ્યું છે. રજૂઆતની આગવી શૈલી, રદીફકાફિયાનું નાવિન્ય એ તેમની ઓળખ છે. શુધ્ધ છંદની ગૂંથણી. સીધી સાદી તળપદી અને બોલચાલની ભાષા છતાં ધારદાર, ચોટદાર શબ્દોથી બનેલા શેરો માટે શ્રી. રાવલસાહેબ જાણીતા છે. અમદાવાદરાજકોટના દૂરદર્શન પર કાવ્યપઠન ઉપરાંત મુશાયરાના સંચાલન પણ તેમણે કરેલા છે. કેલિફોર્નિયામાં તેમના સર્જન માટે સન્માન પણ કરવામાં આવ્યું.

દેવિકાબેન ધ્રુવે એમના વક્તવ્યના અંતમાં શ્રી. મહેશ રાવલ માટે લખેલી પોતાની ચાર પંક્તિઓ કહી હતી

ગઝલનો બાગ મહેકાવી સભામાં આજ આવ્યા છે

મજલ કાપીને મન માપી સભામાં આજ આવ્યા છે.

ખબર ના હો જો તમને તો કહી દઉં, વાત છાની એ,.

કે  કિસ્સા લાગણીના લઈ સભામાં આજ આવ્યા છે.

ત્યારબાદ, હ્યુસ્ટનના ઘણાં બધાં સર્જકોને ગુજરાતી ફોન્ટ્સ આપીને લખતા કરનાર અને એમેઝોન પર પ્રતિષ્ઠા અપાવનાર શ્રી. વિજય શાહે કાર્યક્રમનો દૌર સંભાળ્યો. સૌ પ્રથમ ગુજરાતી નાટ્યકલા વૃંદના પ્રેસિડેન્ટ અને નાટ્યકાર શ્રી. અશોક પટેલને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું.

આટલી તાઝગી ના હોય કદી સવારમાં

એ નક્કી મારા સ્વપ્નમાં આવ્યા હશે. “—

થી શરૂ કરીને  શ્રી. બિપીન પટેલનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું.

શૈલાબેન મુન્શાએ કોઇ પાછુ વળી જાયશિર્ષક નીચી એક સુંદર કાવ્ય સંભળાવ્યું.

ખોલું કમાડ હૈયાના, ને કોઇ પાછુ ફરી જાય.

આવીને ઉંબરે દિલના ને કોઇ પાછું ફરી જાય

ચાલતા રસ્તે મળે કદી અણજાણ મુસાફર,

નજરૂં મળે ના મળે, દિલની વાત કળી જાય…”

 દેવિકાબેન ધ્રુવે પોતાની કૃતિ રજૂ કરી– ‘ तो बात बन जाये.’

નજર તારી મળે પળભર અગર, तो बात बन जाये.

નયન સમજે બધું હરદમ અગર तो बात बन जाये.

હજારો કંસ, કાળીનાગ ને  કૌરવ  કરોડો છે,

ફરી કર ધર્મને પગભર અગર, तो बात बन जाये.

 હ્યુસ્ટનના ૯૬ વર્ષની વયના કવિ શ્રી. ધીરૂભાઇ શાહે વર્ષો પહેલાં કવિઓની અને ગઝલકારોની શું સ્થિતિ હતી અને અમદાવાદના રસ્તાઓ કેવાં હતાં એને લગતી રચના રજૂ કરી. હ્યુસ્ટનના કવિ, ગઝલકાર, નાટ્યઅભિનેતા અને ગાયક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ‘મનુજ હ્યુસ્તોનવીને નામે લખતા કવિ શ્રી. મનોજ મહેતાએ પોતાની ગઝલ કુતૂહલ રજૂ કરી.

પાપ અહિંયા કર્યે જાય છે એટલા, જાય નહાવા પછીથી બનારસ હવે.

ધડકનો શ્વાસનો એક્તારો બની, જીવન સંગીતનો ઘુંટશે રસ હવે.

સત્યને, શીવને, સુંદરમને ભજતાં, જીવ, તું શીવ થઈ અનંતે વસ હવે.

રાખ આકાર, નિતનવા સ્વાંગમાં ભલે, જાણું છું, તું નિરાકાર છે બસ હવે.”

સંસ્થાના ટ્રેઝરર એવા શ્રી. મનસુખ વાઘેલાએ ગદ્યસર્જનમાં ચાર દ્રષ્યોની વાત કહી.

બીજા સર્જકોપ્રવિણાબેન કડકિયા, નીરાબેન, વિનોદ પટેલ અને નુરૂદ્દીન દરેડીઆએ પણ હ્રદયંગમ રચનાઓ રજૂ કરી હતી.

સાડા પાંચ વાગ્યે, વિરામમાં બધાંને ચાહ, બિસ્કીટ અને જ્યુસનો અલ્પાહાર આપ્યા પછી કાર્યક્રમનો દૌર, આજના આમંત્રિત ગઝલકાર  ડોક્ટર શ્રી. મહેશ રાવલે સંભાળતાં કહ્યું કેહું તો પરંપરાનો માણસ છું. ઘાયલ અને મરીઝ ની સ્ટાઇલનો..

એ શોખ છે, આજીવિકાની લાચારી નથી.

મારી ગઝલ કંઈ કોઇની ઓશિયાળી નથી.”

જાહોજલાલી છે નિજાનંદી ખુમારની,

કંઈ જીહજૂરીની ઉઘાડી નાદારી નથી. 

એક દબંગ સ્ટાલની ગઝલ પણ શ્રોતાઓને ખૂબ ગમી હતી. 

વિકસવું છે તો વિકસવાનું વટથી.

વરસવું છે તો વરસવાનું વટથી.

નિજાનંદે લખવું તો લખવું વટથી

મહેશત્વ નહીં છોડવાનું મહેશ,

જીવ્યા એવી રીતે મરવાનું વટથી.”

બહુ ગમેલી અને પ્રેક્ષકો એ વારંવાર તાળીઓથી વધાવેલી તેમની કેટલીક કૃતિઓ

-“નિઃશબ્દતા અને શબ્દ વચ્ચે લાગણી મુકી દ્યો,
લાગણી પણ શાંત નહીં, બેબાકળી મુકી જુઓ,”

– હું હવે મારી દશાની વાત પણ કરતો નથી.
કેમ છો? પૂછી જનારા ક્યાં મઝામાં હોય છે? 

-નમ્યું જો ક્યાંય મસ્તક, તો નમ્યું છે લાગણી ખાતર
ખપે ગરજાઉમાં, એવી ગરજ ક્યાં સાવ રાખી છે! 

-લખું છું એ ગમે છે, ને ગમે છે એ લખું છું હું
કરો જે અર્થ કરવો હોયે, છે એ લખું છું હું

પ્રલંબ લયમાં લખાયેલી એક ગઝલ જુઓ

– ધારણાથી પર થતાં બહુ વાર લાગે છે,
બુંદને સાગર થતાં બહુ વાર લાગે છે.

કંઇ બધાં સમજી શકે નહીં આંખની ભાષા,
એકલું સાક્ષર થતાં બહુ વાર લાગે છે.

જિન્દગીનો અર્થ હું એમ સમજ્યો કે,
પુષ્પથી અત્તર થતાં બહુ વાર લાગે છે.

અત્રે , શ્રી. રાવલે રજૂ કરેલી બધી કૃતિઓ રજૂ કરવી શક્ય નથી તેથી એટલું જ કહીશ કે પૂરા દોઢ કલાક સુધી શ્રી. મહેશ રાવલે કાઠિયાવાડી,મીઠ્ઠી અને તળપદી ભાષામાં એટલી બધી કૃતિઓ સંભળાવી કે શ્રોતાગણે ઘણી રજૂઆતો પર તાળીઓના ગડગડાટ અને ક્યારેક તો સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેમને વધાવી લીધા હતા. તેમની વેબ સાઇટ www.drmahesh.rawal.us

.કાર્યક્રમના અંતમાં આભારવિધિ અને ગ્રુપ ફોટા બાદ સૌ વિખરાયા હતા.

સૌના માનસપટ પર સંવેદનાની એક સચ્ચાઈનો રણકો પડઘાતો હતો.

 અસ્તુ.

નવીન બેંકર

એક શામ…શોભિત દેસાઈકે નામ..અહેવાલ- નવીન બેન્કર

May 8th, 2017 Posted in અહેવાલ

એક શામ...શોભિત દેસાઈકે નામ…
અહેવાલ–નવીન બેન્કર

  

હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં….કવિ-ગઝલકાર શોભિત દેસાઈ…

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૪મી બેઠક, પાંચમી મે, ૨૦૧૭ ને શુક્રવારની સલૂણી સાંજે, સુગરલેન્ડ ના માટલેજ રોડ પર આવેલા રીક્રીએશન સેન્ટરના હોલમાં લગભગ ૧૨૫ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં, કવિ શ્રી, શોભિત દેસાઇની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ કાર્યક્રમની કેટલીક વિશેષતાઓ હતી..બધું જ સુંદર રીતે આયોજિત, માત્ર RSVP કરેલા સભ્યો અને કેટલાક મહાનુભાવો તથા અનુદાતાઓની જ હાજરી.. પ્રથમ કલાકમાં સ્વાદિષ્ટ ભોજન..પુરા બે કલાક શોભિત દેસાઈનું વક્તવ્યમાત્ર ચાર જ લોકલ સર્જકોની કૃતિઓનું ત્રણ-ચાર મીનીટનું પઠન.

તોમહેફિલની દુનિયાના દોસ્તો, આવો આ વિશિષ્ટ કાર્યક્રમનો નવરંગી નશો માણીએ.

સૌ પ્રથમ આવનાર સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવીને, પ્રમુખ શ્રી.સતિશ પરીખે સ્વાગતના બે શબ્દો  કહ્યા. રેખાબેન બારડે “મંદિર તારું વિશ્વ રૂપાળું” પ્રાર્થના કરી. ખ્યાતનામ વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ તથા ડો.ઈન્દુબેન શાહે પુષ્પગુચ્છથી કવિશ્રી. શોભિત દેસાઇનું સ્વાગત કર્યું. કાર્યક્રમના સૂત્રધાર કવયિત્રી દેવિકાબેન ધ્રુવે સમગ્ર કાર્યક્રમનો દોર પોતાના હાથમાં લઈ લેતાં, શોભિત દેસાઇનો પરિચય આપતાં કહ્યું કે પયંગબરીના ફૂલ જેવા શેરો ઊછાળતા શ્રી. શોભિતભાઇ મુશાયરાના મહારથી અને જલસાના જ્યોતિર્ધર છે. ૪૨ વર્ષથી સાહિત્યસર્જન કરનાર, ૩૭૦૦થી વધુ જાહેર કાર્યક્રમો આપેલ આ કવિ હવા પર લખી શકવાની આત્મશ્રધ્ધા ધરાવે છે.. તેમના કાવ્યસંગ્રહો, ગઝલસંગ્રહો, નાટકો પારિતોષિકો, સન્માન એવોર્ડ વગેરેની પણ માહિતી કાવ્યાત્મક રીતે આપી હતી. 

શ્રી. સતિશ પરીખે, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જકો, તેમના સર્જન અને પંદર વર્ષની બેઠકોની ઝલક દર્શાવી તથા એ દર્શાવતું એક પુસ્તક પણ શોભિતભાઈને ભેટ આપ્યું. દેવિકાબેને તાજેતરમાં પ્રગટ થયેલ પોતાનું ”કલમને કરતાલે’ પુસ્તક ભેટ આપ્યું..

 

બે કકડે, પૂરા અઢી કલાક વક્તવ્ય આપનાર શોભિત દેસાઈએ શુક્રવારની એ સાંજ સોનેરી, નમણી, લખલૂટ અને રમણીય બનાવી દીધી હતી. કાર્યક્રમના પ્રથમ દૌરમાં તેમણે આપણા ગઝલકારો  શ્રી. મરીઝ, મનહર મોદી, ઘાયલ સાહેબ, કૈલાસ પંડીત, નિદા ફજલી, વગેરેના દિલચશ્પ કિસ્સા અને રચનાઓ કહી સંભળાવી.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,

કહેવું હોય ઘણું અને કશું યાદ ન આવે.”      ( મરીઝ)

કૈલાસ પંડીતની નજમ  ‘સિગ્નલોના શ્વાસથી જીવતું નગરપર શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા.

કરૂ છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું,

જીતું તો મેળવું તમને, જો હારૂં તો તમારો હું.” મસ્તીભરી અદાથી રજૂ કર્યું.
 ****************
નથી મેં ખેપ મંદીરની લગાવી, નથી મેં આશકા માથે ચડાવી’ અને

મરીઝ અને મદીરાની પ્રશસ્તિ કરતા વક્તવ્ય વખતે પ્રેક્ષકો તેમને તાળીઓથી વધાવતાં જતાં હતાં.
*******************
માપી લે પળભરમાં પુરો , કયાસ એનું નામ છે,

ઝળહળે અંધકારમાં, અજવાસ એનું નામ છે.

**********************
એની દુઆથી સમયને સેરવું છું હું,

મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું,

જીવનમાં સાચા નિર્ણયો લીધા છે ક્યાં કદી

નિર્ણય લીધા પછી એને સાચા ઠેરવું છું હું.

નિદા ફજલીની ઉર્દુ કવિતા બચ્ચા સ્કુલ જા રહા હૈતથા રફી-લતાના એક  ખુબ જાણીતા હિન્દી ગીતની તર્જ પર શોભિત દેસાઇએ બનાવેલા ગુજરાતી ગીતની રજૂઆતને શ્રોતાઓએ ખૂબ દાદ દીધી હતી. મંદીરો, મસ્જીદો, સાધુબાવા પર તીવ્ર કટાક્ષ કરતી કવિતાઓને પણ શ્રોતાઓએ ખુબ વખાણી હતી.

યે જો મહંત બૈઠે હૈ, રાધાજીકે કુંડ પર,

અવતાર બનકે કુદેંગે પરિયોં કે ઝુંડ પર.
******************

રમજાનકે દિન મત જાના છત પર,

રોજા ન તોડ દે કોઇ ચાંદ સમજકર.
******************

ઉનસે છીંકે સે કોઇ ચીઝ ઉતરવાઈ હૈ

કામકા કામ ઔર અંગડાઇ કી અંગડાઇ હૈ.
********************

દેખકર સાંવલી સુરત કિસી મતવાલીકી

હું મુસલમાન પર કહે દિયા જય કાલી
*******************

વચ્ચે શોભિતભાઇને વિરામ આપવા, હ્યુસ્ટનના ચાર સર્જકોને પોતાની કૃતિ રજૂ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ ભાવનાબેન દેસાઇએ, શોભિત દેસાઈ રચિત ગઝલ “ પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને” નું જોગ અને ખમાજ મિશ્રિત રાગમાં પોતે સ્વરાંકન કરી, મધુર સ્વરે ગાઈ સંભળાવી હતી. કવિ શ્રી. સુરેશ બક્ષીએ કેટલાક મુકતકો રજૂ કરીને શ્રોતાઓની દાદ મેળવી હતી. હાઈકુ અને હઝલથી શ્રોતાઓને હસાવતા હાસ્યલેખક અને કવિ શ્રી. ચીમન પટેલે પણ પોતાની કૃતિ મળવાનું થયુંજેમાં કમ્પ્યુટર પર મળતી પ્રિયતમાની વાત કમ્પ્યુટરની ટેક્નીકલ ભાષામાં રજૂ કરીને શ્રોતાઓને મનોરંજન પુરુ પાડ્યું હતું. પ્રવીણાબેન કડકિયાએ શોભિતભાઈની પ્રશસ્તિ કરતી ચાર પંક્તિઓ સંભળાવી હતી. કવયિત્રી દેવિકા ધ્રુવે પોતાની બે રચનાઓ આ ગુજરાત છે’ જેનું સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસે કર્યું છે તે તથા ‘પૃથ્વી વતન કહેવાય છેલાક્ષણિક શૈલીમાં રજૂ કરી હતી. 

કાર્યક્રમને અંતે આભાર વિધિ અને સામૂહિક તસ્વીર બાદ સૌ વિખેરાયાં હતાં.

 આ વર્ષની નવી કમિટીના સભ્યોએ પુરા એક મહિનાથી અથાગ પરિશ્રમ કરીને, સુઆયોજીત રીતે કાર્યક્રમ તૈયાર કર્યો હતો. સવા પાંચથી સવા નવ સુધી ચાલેલા આ ચાર કલાકના શ્રેષ્ઠ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી. સતિશ પરીખ, ઉપપ્રમુખ શ્રી. નિતીન વ્યાસ અને ખજાનચી શ્રી. મનસુખ વાઘેલા , સુત્રધાર દેવિકાબેન ધ્રુવ તથા કાર્યક્રમના ખર્ચને પહોંચી વળવા અનુદાન આપનાર હસમુખ દોશી અને અન્ય દાતાઓ તથા અન્ય તમામ સહાયકો અભિનંદનના અધિકારી છે. 

અસ્તુ..

 નવીન બેંકર

શ્રધ્ધાંજલિ મ્યુઝીકલ ટ્રીબ્યુટ- સ્વ.પંડીત ભીખુભાઇ ભાવસારને.

December 28th, 2015 Posted in અહેવાલ
શ્રધ્ધાંજલિ મ્યુઝીકલ ટ્રીબ્યુટ-   સ્વ.પંડીત ભીખુભાઇ ભાવસારને.
 
અહેવાલ- શ્રી. નવીન બેન્કર
 
પંડીત ભીખુભાઈ ભાવસાર એટલે ગુજરાતના, એક શાસ્ત્રિય સંગીતના જાણકાર સંગીતકાર. પંડીત જસરાજના એ ગુરૂભાઇ થાય. પાંચેક વર્ષ પહેલાં, ગુજરાત સરકારે તેમને ‘સંગીતઋષિ’ નો એવોર્ડ આપેલો. દક્ષીણ ગુજરાતમાં તો એ ખુબ જાણીતા હતા.  આ ભીખુભાઇ ભાવસારનું, પહેલી નવેમ્બર ૨૦૧૫ના રોજ, ભારતમાં અવસાન થયું.
 
હ્યુસ્ટનમાં રહેતા એમના સંગીતકાર, ગાયક અને નાટ્ય-અભિનેતા, દિગ્દર્શક એવા ભત્રીજા શ્રી. હેમંત ભાવસારે, એમના નિવાસસ્થાને, તેમને શ્રધ્ધાંજલિ અર્પવા એક મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  ગુજરાતના જ એક જાણીતા ગાયક-સંગીતકાર શ્રી. રવિન નાયક અને તેમના ગ્રુપના નેજા હેઠળ આ કાર્યક્રમ રવિવારની એક સાંજે સંપન્ન થયો હતો.
 
શ્રી. રવિન નાયક, ૩૪ વર્ષથી, ગીત, ગઝલ, પ્રાર્થના, ભજન ના ગાયક હોવા ઉપરાંત ગુજરાત અને મુંબઈના ખ્યાતનામ મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. અનુપ જલોટા અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવાની સાથે તેમણે સંગીત આપ્યું છે. સંગીતના વર્કશોપ્સ અને સેમિનારો પણ કર્યા છે. તેમની સાથે તેમનો દીકરો સ્વરલ નાયક, અને શ્રી. કેયુર  જોશી, પણ હતા. સ્વાભાવિક રીતે જ, યજમાન હેમંત ભાવસાર મંજીરા પર સાથ આપતા હતા. હેમંત ભાવસારે, સ્વ. ભીખુભાઈ ભાવસારનો પરિચય આપતા તેમને ૧૯૪૬ થી ગુજરાતી સંગીતક્ષેત્રે પાયોનિયર તરીકે બિરદાવ્યા. એ જમાનામાં જ્યારે રેડિયો એ એક જ માત્ર સંગીત સાંભળવાનું સાધન હતું અને  લોકો ગીતો સાંભળવા કેવી રીતે પાનના ગલ્લે કે હોટલના બાંકડે ભેગા થતા હતા એની રસપ્રદ વાતો કરી હતી.
 
શ્રી. રવિન નાયકે, પુરૂષોત્તમ ઉપાધ્યાયના કમ્પોઝીશનમાં રચાયેલી, પ્રેમાનંદની એક રચના ‘તમારી મૂર્તિ વિના મારા નાથને બીજું આપશો ના’ સંભળાવી.  ‘પ્રેમ રતન ધન પાયો’  શાસ્ત્રિય ઢાળમાં, વિશિષ્ટ રીતે  ગાયું. જયેન્દ્ર નાયકની ફરમાઈશ પર, ‘ધૂણી રે ધખાવી અમે તારા નામની’ ગાઈને શ્રોતાઓને ડોલાવી દીધા હતા.  એ ઉપરાંત ઘણાં ગીતો અને ભજનો તેમના ઘુંટાયેલા સ્વરે ગાઈને, વાતાવરણને ભક્તિમય બનાવી મૂક્યું હતું.
 
આગલે દિવસે પણ , મદ્રાસ પેવેલિયનમાં, આવા જ એક કાર્યક્રમમાં, તેમણે જગજીતસીંગની ગઝલો, ‘પંખીડાને આ પિંજરૂ’, ‘જુનુ તો થયું રે દેવળ’, ‘ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો રે..’  જેવાં જાણીતા ગીતો સાથે સાથે , કવિશ્રી. વિનોદ જોશી ની રચના ‘એણે કાંટા કાઢીને મને દઈ દીધું ફુલ’, અજીત મરચંટ, પુરૂષોત્તમ ઉપાધ્યાય, પ્રિયકાંત મણિયાર જેવાની રચનાઓ પણ સંભળાવેલી. ‘ આ નભ ઝૂક્યું  તે કાનજી’ જેવી રચનાઓ પર તો શ્રોતાઓએ ખુબ દાદ આપી હતી. સ્વ.શ્રી. પ્રિયકાંત મણિયારની પુત્રી પણ શ્રોતાગણમાં  હાજર હતી, તેને ય સ્ટેજ પર બોલાવીને સ્વ. પ્રિયકાંતભાઈની પ્રશંસા કરી હતી. ગુજરાતી સુગમ સંગીત હોય અને અવિનાશભાઇની ખ્યાતનામ રચનાઓ ન હોય એમ કેમ ચાલે ?
 
‘નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે’,  ‘તારી આંખનો અફીણી’, ‘કોકવાર આવતા ને જાતાં મળો છો તેમ મળતા રહો તો ઘણું સારૂં’, ‘કૃષ્ણસુદામાની જોડી’. તથા યેસુદાસના ગાયેલા બે ગીતોએ તો શ્રોતાઓ રંગમા આવી ગયા હતા.
 
કોઇ સંગીતકારની શ્રધ્ધાંજલિ, એમના સગા, બેસણું કે સાદડી ને બદલે, સંગીતમય રીતે આપે એવી પહેલ કરનારા શ્રી. હેમંત ભાવસારને સો સો સલામ.
 
Attachments-  4  Photos.
*************************************************************
                     .
                 ,
  • Bhikhu & Pt. Jasraj.JPG
  • Bhikhu Bhavsar.JPG
  • Hemant,Ravin & Navin.JPG
  • Ravin Naik-Singer.JPG

Enjoy the view.

‘જીવરામ ભટ્ટ આવ્યા’ ભવાઇ-નાટક અવલોકન- શ્રી. નવીન બેન્કર

August 28th, 2015 Posted in અહેવાલ
‘જીવરામ ભટ્ટ  આવ્યા’   ભવાઇ-નાટક
અવલોકન- શ્રી. નવીન બેન્કર
૧૮મી જુલાઇ ૨૦૧૫ને શનિવારની સાંજે, રાધાકૃષ્ણ મંદીરના હોલમાં, ગુજરાતી સમાજના ઉપક્રમે, ‘ગુજરાત દર્શન’ કાર્યક્રમ અંતર્ગત, સિનીયર સિટીઝન્સ એસોસિયેશનના સભ્યો દ્વારા એક ખુબ જૂનુ હાસ્યપ્રધાન ભવાઇ-નાટક ‘જીવરામ ભટ્ટ આવ્યા’ ની સફ્ળ ભજવણી કરવામાં આવી હતી.
વર્ષો પહેલાં, કદાચ ૧૯૬૦ માં, કવિશ્રી. દલપતરામકૃત ભવાઇશૈલીનું હાસ્યરસ પ્રધાન નાટક ‘મિથ્યાભિમાન’ જોયાનું યાદ આવે છે. એ નાટકમાં પ્રાણસુખ નાયક અને શ્રીમતિ અનસુયા સુતરિયા  અભિનય કરતા હતા. એ પછી, અમારી પોળમાં, એક નાટકમંડળી ભવાઇના વેશ કરતી હતી.  વાર્તાવસ્તુ હંમેશાં, ઐતિહાસિક હોય પણ એમાં વિદુષક રંગલો અને રંગલી જરૂર હોય. એક સુત્રધાર પણ હોય. રંગલો અને રંગલી તા..તા..થૈયા..થઈ.થઈ. કરીને વિશિષ્ટ સ્ટેપ્સ લઈને ગોળ ગોળ ફરીને, ચિત્રવિચિત્ર હાવભાવ કરીને પ્રેક્ષકોને હસાવે. એક સુત્રધાર પણ શરૂઆતમાં સ્ટેજ પર હાજર થઈને પેલા બે પાત્રો સાથે વાર્તાલાપ કરીને આજના ભવાઇવેષની માહિતી આપે.  બે ભૂગળધારી કલાકારો આવીને ભૂગળ વગાડે અને પછી ખેલ શરૂ થાય.
અહીં પણ એ જ બધી વાત હતી. સુત્રધાર…રંગલો…રંગલી…ભૂગળ..પાઘડા અને ફેંટાવાળા દેશી ગામડીયા…
 આ નાટક એ  જુના ફુલલેન્થ નાટકનું  નાનકડું રૂપાંતર  હતું. એ નાટકના ઘણાં પ્રસંગો અહીં કાપી નાંખવામાં આવેલા હતા. રાત્રે ભોજન કરવા બેઠેલા જમાઇ જીવરામ ભટ્ટ, રસોઈ પિરસતી સાસુને પાડી ધારી લઈને  લાત મારે છે એ દ્ર્ષ્ય, તથા ચોરને પકડવા આવેલા સિપાઇઓ ઘરના જમાઇ જીવરામ ભટ્ટને જ ચોર માનીને  ઉપાડી જાય છે જેવા બીજા પ્રસંગો પણ કદાચ સમયને અભાવે કાપી નાંખવામાં આવેલા લાગતા હતા. આ જ નાટક,  ‘દર્પણ’ માં, કૈલાસ પંડ્યાના દિગ્દર્શનમાં પણ ભજવાયાનું યાદ છે. જીવરામ ભટ્ટના અમર પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણાં નાટકો ભજવાયા છે.
પાડીનું પુંછડું પકડી ચાલવા જતાં રતાંધળા જીવરામ ભટ્ટ રાત્રે ઉંડા ખાડામાં પડી જાય છે. જીવલો અને ભગલો નામના બે ગાયો ચરાવનારા જીવરામ ભટ્ટને બેવકૂફ બનાવી, સંડાસ જવા માટે વપરાતા લોટામાં, બિલાડીએ એંઠી કરેલી ખીર ખવડાવી દે છે એ પ્રસંગ સરસ રીતે શ્રી. કીરીટ મોદી અને શ્રી. ભરત શાહે ભજવી બતાવ્યો. રંગલો અને રંગલીના પાત્રમાં અનુક્રમે, શ્રી. શૈલેષ દેસાઇ અને શ્રીમતિ કૌશિકાબેન વ્યાસે પણ કોઠાસુઝ અને બિન્દાસ અભિનયના કૌવત દેખાડીને પ્રેક્ષકોને ખુશ ખુશ કરી દીધા હતા. જીવરામ ભટ્ટની મુખ્ય ભૂમિકા કરતા મહારાષ્ટ્રિય અભિનેતા વિભાસ ધુરંધર તો અદભુત અદાકાર છે. રાજકપૂર અને દિલીપકુમારની વિવિધ ભૂમિકાઓની  તેમની મીમીક્રી તો સિનીયર્સની મીટીંગોમાં ઘણી વખત જોઈ હતી. એકપાત્રીય અભિનય પણ અવારનવાર જોયેલો, પણ ગુજરાતી ભાષા વાંચી નહીં શકતા આ કલાકાર અન્ય ભાષામાં લખાયેલી સ્ક્રીપ્ટ વાંચીને આટલો સરસ અભિનય કરી શક્યા એ આનંદની વાત છે.
નાટકનું લેખન અને દિગ્દર્શન ‘દર્પણ’ના જ એક ભૂતપુર્વ કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીનું હતું. આ ત્રિવેદી અત્યારે હ્યુસ્ટનમાં, ‘માસ્ટરજી’ ને નામે પ્રખ્યાત છે. છેલ્લા વીસ વર્ષમાં તેમણે ‘ મહાભારત’, ‘રામાયણ’, ‘શોલે’ જેવા ઘણાં નાટકો ભજવ્યા છે. ડાન્સ સ્કુલ ચલાવીને ઘણાં વિદ્યાર્થીઓને નૃત્યનું શિક્ષણ પણ આપ્યું છે.
નાટકનો સંગીત વિભાગ શ્રી. હેમંત દવે અને દીપ્તી દવે એ સંભાળ્યો હતો. ઓક્ટોપેડ પર શ્રી. મનીષ પટેલ અને ઢોલક પર શ્રી. વેદાત મથુર હતા.
નાટક્માં અન્ય સહાયકોમાં શ્રી. અરૂણ બેન્કર, શ્રી. પ્રફુલ્લ ગાંધી અને શ્રીમતિ સુધા ગાંધી પણ હતાં.
નાટકના બધા જ કલાકારો સિનીયર સીટીઝન્સ જ હતા.  એ આ કાર્યક્રમની વિશેષતા હતી.
અનેક  ભવાઇ-નાટકોમાં શ્રી. કૈલાસ પંડ્યા અને દામિની મહેતાએ પણ અભિનય કર્યો છે. દીનાબહેન ગાંધીએ ( દીના પાઠક)  પણ એક વખત આ મિથ્યાભિમાન નાટકમાં જીવરામ ભટ્ટની સાસુની ભૂમિકા કરેલી. એમાં તો રંગલો અને રંગલીના કેટલાક યાદગાર ગીતો પણ હતા. ભવાઇ-નાટક ગીતો વગરનું તો કલ્પી જ ન શકાય, અહીં રંગલા અને રંગલીના મુખે કેટલીક પંક્તિઓ પર ઠુમકા  હતા.અને પાર્શ્વમાં, હેમંત દવે અને દીપ્તી દવેના સ્વરમાં ગીતના શબ્દો હાર્મોનિયમ અને મંજીરાના સાથમાં રજૂ કરવામાં આવેલા. ‘રંગલો જામ્યો કાલિન્દીને કાંઠે’, ‘પ્રભાતિયા’,  કર્ણપ્રિય રહ્યા. પ્રસંગોપાત નદીના પાણીનો ખળખળ અવાજ, કુકડાનો અવાજ, પંખીઓનો કલરવ પણ ઓક્ટોપેડ ના સથવારે સાથ પુરાવી ગયા.
શ્રી, ઇન્દ્રવદન ત્રિવેદી અને તેમના સિનીયર્સ સાથી કલાકારોને ખુબ ખુબ અભિનંદન.
અવલોકનકાર- શ્રી. નવીન બેન્કર      લખ્યા તારીખ- ૨૧ જુલાઈ ૨૦૧૫
**************************************************************

                     

 


હ્યુસ્ટનના એક સિનીયરે, સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-

August 28th, 2015 Posted in અહેવાલ

હ્યુસ્ટનના એક સિનીયરે,  સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-      

અહેવાલ – શ્રી. નવીન બેન્કર

હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશયનના એક વરિષ્ઠ સભ્ય શ્રી. અરૂણ બેન્કરે, પોતાના જન્મદિવસની ઉજવણી, સંગીતનો કાર્યક્રમ સ્પોન્સર કરીને ગઈ ૧૩મી ઓક્ટોબરે કરી હતી.  એ જ અરૂણ બેન્કરે પોતાની સ્વ. પત્ની મીનાબેનની દ્વિતીય પુણ્યતિથીએ, સિનીયર્સની મીટીંગમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ગાયકો અને સંગીતકારોને  આમંત્રિત કરીને તેમ જ બબ્બે મીટીંગોને સ્પોન્સર કરીને, ભવ્ય કાર્યક્રમ  યોજ્યો હતો.

૨૫મી જુલાઇ ૨૦૧૫ની મીટીંગમાં, હ્યુસ્ટનના જાણીતા સંગીતકાર, નાટ્યકાર, ગાયક એવા શ્રી. હેમંત ભાવસાર, સ્વરકિન્નરી  સ્મિતા વસાવડા, અને મુકેશજીના અવાજ તરીકે ખ્યાતનામ  ગાયક શ્રી. ઉદયન શાહના સથવારે, પોતે લખેલી સ્ક્રીપ્ટ દ્વારા, પોતે જ માસ્ટર ઓફ સેરિમની એટલે કે ઉદઘોષક તરીકે એક અતિસુંદર ભવ્ય કાર્યક્રમ સિનીયર્સ સમક્ષ રજૂ કર્યો હતો. ઇન્ડીયામાં, વર્ષો પહેલાં, રેડીયો પર ‘ગીતગાથા’ નામે એક કાર્યક્રમ પ્રસારિત થતો હતો. એ જ સ્ટાઇલમાં, ઉદઘોષક પોતાની પત્ની કે  પ્રિયતમા સાથેના  ૪૬ વર્ષના દામ્પત્ય જીવનના મધુર કે દર્દીલા સંસ્મરણોની વાત કહેતો જાય અને એ ઘટનાને અનુરૂપ જે કોઇ ફિલ્મીગીત કે શાયરી હાથવગી હોય એને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે. અરૂણભાઇ પોતાની પત્ની સાથેના સંસ્મરણોની વાત કહેતા જાય અને આ ત્રણ ગાયકો એને અનુરુપ ગીત રજૂ કરે. હેમંત ભાવસારે એકાદ બે પ્રાર્થના-ભજન રજૂ કર્યા બાદ, ઉદયન શાહે, ‘ભૂલી હુઈ યાદેં મુજે ઇતના ના સતાઓ’, ‘આપકે અનુરોધ પર મૈં યે ગીત સુનાતા હું’, કહીં દૂર જબ દિન ઢલ જાયે’, જેવા યાદગાર ગીતો ભાવપુર્ણ સ્વરે રજૂ કરીને સિનીયર્સ શ્રોતાઓને ભાવતરબોળ કરી મૂક્યા હતા.

નાગરકન્યા સ્મિતાબેન વસાવડાએ ‘રહે ના રહે હમ’, ‘હમેં ઔર જીનેકી ચાહત ન હોતી’, એક પ્યારકા નગ્મા’, તેરે મેરે મિલનકી યે રૈના’, ‘આપકી આંખોંમેં કુછ મહેંકે હુએ રાઝ હૈ’, ‘ વાદા કર લો ચાંદકે સામને’, જેવા ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા. વચ્ચે વચ્ચે પોતાની કાઠિયાવાડી ભાષામાં જોક્સ અને મીમીક્રી દ્વારા પણ શ્રોતાઓને ખુબ હસાવતા હતા. તેમના મીઠા સ્વરમાં, કંઠની કમાલનો અનુભવ કરવો એ એક લહાવો છે.

અરૂણ બેન્કર પોતે સારા ભજનિક પણ છે. ખુબ ભજનો તેમણે લખ્યા છે. સ્ક્રીપ્ટ રાઇટર તરીકે પણ સફળ છે. હ્યુસ્ટનમાં વર્ષોથી  જાણીતા છે. સિનિયર્સની મીટીંગોમાં અને પિકનીકોમાં આગેવાની લઈને બે વર્ષથી સેવા બજાવી રહ્યા છે.

શ્રી. અરૂણભાઇના પુત્ર ડોક્ટર નિતેશ બેન્કરે, સમગ્ર કાર્યક્રમની વીડીયોગ્રાફી કરી હતી.

 એ જ શ્રેણીની બીજી બેઠકમાં, તારીખ ૮ ઓગસ્ટે, ફરીથી હ્યુસ્ટનના બીજા ખ્યાતનામ ગાયકો પ્રકાશ મજમુદાર ( વોઇસ ઓફ મુકેશ ) , મધુર સ્વરની મલ્લિકા બિન્દુ મલહોત્રા, અને દિનેશ ભાવસારને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. દિનેશ ભાવસારે, હેમંતકુમારના સ્વરમાં હેમંતદાના ત્રણેક યાદગાર ગીતો રજૂ કરીને શ્રોતાઓનું સ્ટેન્ડીંગ ઓવેશન મેળવ્યું હતું.  નમ્ર, અને મિલનસાર સ્વભાવના ‘ડાઉન ટૂ અર્થ’ ગાયક પ્રકાશ મજમુદારે સ્વ. મુકેશજીના કેટલાક યાદગાર ગીતો ગાયા હતા. બિન્દુજી એક જમાનામાં, હ્યુસ્ટનની એક  ટીવી ચેનલ પર સંવાદદાતા અને ન્યુઝ રીડર રહી ચૂકેલી ખુબસુરત સન્નારી છે. એના કંઠે ‘ગલીમેં આજ ચાંદ નિકલા’ આરોહ-અવરોહયુક્ત સ્વરે સાંભળવું એ એક લ્હાવો છે. બિન્દુજીએ પણ લગભગ અડધો ડઝન જેટલા ગીતો રજૂ કરીને, પોતાના કંઠના કામણથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.

વિભાસ ધુરંધર, સિનીયર્સ એસોસિયેશનનો એક સક્રિય મરાઠીભાષીય કાર્યકર છે. ખુબ સારો એક્ટર છે. સ્ટેજ પર તેણે એક્ટીંગ સાથે , ‘ગુલાબી આંખે જો તેરી દેખી’, રજૂ કરીને  શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. વિભાસ ધુરંધરે એક્ટીંગ અને મીમીક્રી ઉપરાંત શ્રી. અરૂણ બેન્કરને માસ્ટર ઓફ સેરિમનીમાં પણ સહયોગ આપ્યો હતો.

આ બીજી બેઠકના કાર્યક્રમમાં અરૂણભાઇનો  સુપુત્ર ડોક્ટર નિતેશ બેન્કર, પુત્રવધુ, પૌત્રીઓ, સ્વ. મીનાબેનના પિયરપક્ષના કેટલાક સભ્યો વગેરે પણ હાજર રહ્યા હતા. બન્ને કાર્યક્રમોને શ્રી. અરૂણભાઇએ જ સ્પોન્સર કરીને સિનીયરોને સ્વાદિષ્ટ ભોજનનો અને સાથે સુમધુર સંગીતનો રસાસ્વાદ કરાવ્યો હતો.

 

શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી ( માસ્ટરજી )-નૃત્યકાર, કોરીઓગ્રાફર

August 28th, 2015 Posted in અહેવાલ

ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના નૃત્યકાર, કોરીઓગ્રાફર

           શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી  ( માસ્ટરજી )

૧૬મી ઓગસ્ટે,  હ્યુસ્ટનના  નવા સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે, ઇન્ડિયા કલ્ચર સેન્ટર આયોજિત ઇન્ડીયા ફેસ્ટ-૨૦૧૫ કાર્યક્રમ અંતર્ગત, સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના સિનિયર્સના વીસેક સિનિયર્સ સભ્યો દ્વારા એક એક સમુહનૃત્યગીત ‘ભારતકા રહનેવાલા હું, ભારતકી બાત સુનાતા હું ‘ એટલી સરસ રીતે સ્ટેજ પરથી રજૂ થયું  હતું કે પ્રેક્ષકોએ ‘વન્સમોર વન્સમોર’ ના પોકારોથી એ ગીતની રજુઆતને વધાવી લઈને ,સ્ટેન્ડીંગ ઓવેશન આપીને, ફરી વખત એ ગીતનું રીપીટેશન કરવાની કલાકારોને ફરજ પાડી હતી. આ ગીતમાં ભાગ લેનાર મુખ્ય  કલાકારો હતા સર્વશ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, કીરીટ મોદી, રમેશ મોદી, નુરૂદ્દેન દરેડિઆ, પ્રકાશ શાહ, શૈલેશ દેસાઇ, ભરત શાહ, અરવિંદ પટેલ, વિભાસ અને બકુલા ધુરંધર, શ્રીમતિ સુધાબેન ગાંધી, શ્રીમતિ સુશીલાબેન પટેલ,  અને બીજા દસેક જણ. જેમના નામ મને અત્યારે યાદ નથી આવતા. ૬૨ થી ૭૫ સુધીની વયના આ સિનિયર્સના  કાર્યક્રમને જોઇને કોઇ કહી ના શકે કે આમાંના મોટાભાગના કલાકારોએ કદી પણ સ્ટેજ પર પગ પણ મુક્યો નથી.  આ પત્થરોમાં પ્રાણ પુરનાર મુખ્ય કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીને હું પચ્ચીસ વર્ષોથી ઓળખું છું. ૧૯૯૬માં, મેં એમના વિશે, ‘નયા પડકાર’ અને ‘ગુજરાત સમાચાર’ માં એમના પરિચય લેખો લખેલા છે. આજે, થોડુંક વધારે એમના વિશે મારે જણાવવું છે.

મૂળ ગુજરાતના દહેગામમાં જન્મેલા શ્રી. ત્રિવેદીએ શાસ્ત્રિય નૃત્ય પ્રત્યેની અભિરૂચીને કારણે માત્ર સાત જ વર્ષની વયે વડોદરા સંગીત મહાવિદ્યાલયમાં તાલીમ લેવી શરૂ કરી હતી. ત્યાંથી જ ભરતનાટ્યમમાં માસ્ટરી મેળવી. શ્રીમતિ મૃણાલિની સારાભાઇ સંચાલિત દર્પણ એકેડેમીઓફ પરફોર્મીંગ આર્ટ્સમાં. કુચીપુડી નૃત્યમાં માસ્ટરી મેળવી.ભારત  તેમજ પરદેશના ઘણાં શહેરોમાં તેમણે પોતાના નૃત્યના પ્રયોગો રજૂ કરેલા છે. ફૂટ પેઇન્ટીંગ એ તેમની વિશિષ્ટતા છે. નૃત્ય કરતાં કરતાં જ પગ વડે પતંગિયુ, મોર વગેરે ચિત્રો દોરી શકતા હતા..’દર્પણ’ ના નેજા હેઠળ, ફર્સ્ટ એશિયન પેસિફિક પપેટ ફેસ્ટીવલમાં જાપાનના ટોકિયો શહેરમાં તેમણે પોતાના ગ્રુપ સાથે કઠપુતળીના ખેલ રજૂ કર્યા હતા. થોડાક વર્ષો પહેલાં- હું ભુલતો ન હોઉં તો- ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી શ્રી. ત્રિવેદી ઝંકાર સ્કુલ ઓફ ડાન્સીંગ ના નેજા હેઠળ એક ડાન્સ સ્કુલ પણ હ્યુસ્ટનમાં ચલાવતા હતા.

થોડાક વર્ષો પહેલાં તેમણે હ્યુસ્ટનમાં ‘કૃષ્ણલીલા’ નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કૃષ્ણ, ગોપ ગોપીઓ, નાગ-નાગણીઓ, ગોપબાળો જેવા પાત્રો હતા- બધા જ તેમની સ્કુલના વિદ્યાર્થીઓ હતા.

‘શાકુંતલ’ ભજવેલું તેમાં પોતે દુષ્યંતની ભૂમિકા કરેલી

‘પ્રલયતાંડવ’ માં શીવજીની મુખ્ય ભૂમિકા તેમણે ભજવેલી.

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોના પ્રિય ‘અધરમ મધુરમ, વદનમ મધુરમ’ માં તેમનું ભાવપ્રદર્શન અદભુત હતું.

પચીસ વર્ષ પહેલાં, તેમની સાડા ચાર કલાક લાંબી નૃત્ય નાટિકા ‘મહાભારત’ માં, આપણા હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધી, હેમંત ભાવસાર, હાલો રે હાલો’ ફેઇમ મ્યુઝીક મસાલાવાળો સુનિલ ઠક્કર, શેખર પાઠક,  સંજય શાહ તથા મારા જેવા કલાકારોએ ભૂમિકાઓ ભજવી હતી. હું એમાં કૌરવોનો આંધળો બાપ ધૃતરાષ્ટ્ર  બનેલો. મુકુંદ ગાંધી ‘ભીષ્મ’ બનેલા.

તેમણે  ફિલ્મ ‘શોલે’ ની  એક સ્કીટ પણ ભજવેલી જેમાં મેં, રાજુ ભાવસાર, ગિરીશ નાયક અને ‘ ‘કીની’ નામની એક ખુબસુરત યુવતીએ હેમા માલિનીવાળી ભૂમિકા ભજવી હતી. અલબત્ત હું એમાં ‘કાલિયા’ બનેલો.

‘મોગલે આઝમ’ પણ અમે ભજવેલું જેમાં હું દુર્જનસિંહ નો રોલ કરતો હતો. ફિલ્મ મોગલે આઝમમાં એ ભૂમિકા અભિનેતા અજીતે ભજવી હતી.

મોગલે આઝમ માં જોધાબાઇનો રોલ કરતા એક  મહારાષ્ટ્રીયન બહેન  ક્રાંતિ વાલવડેકર મને યાદ છે. નાના પાટેકર પુરુષ નાટક લઈને હ્યુસ્ટનમાં આવેલો ત્યારે હું એને , લઈને ક્રાંતિબેનને ઘેર લઈ ગયેલો ત્યાં માસ્ટરજી પણ ઉપસ્થિત હતા અને મેં ત્યાં હાજર રહેલા ઘણાંના ફોટા નાના પાટેકર સાથે લીધેલા. આ ક્રાંતિબહેન  ક્યારેક ક્યારેક મને સાંઇબાબાના મંદીરમાં મળી જતા હોય છે. ( રખે માની લેતા કે હું સાંઇબાબાનો ભક્ત છું. હું તો ક્યારેક મારી પત્ની ની ધાર્મિક લાગણી ન દુભાય એટલા ખાતર એના ડ્રાઇવર તરીકે  તેની સાથે જઉં છું એટલું જ શ્રીરામ  શ્રીરામ )

મને યાદ છે કે કમલાહસનનું પિક્ચર ‘હિન્દુસ્તાની’ રીલીઝ થયું ન હતું અને તે ફિલ્મની  ગીતોની રેકર્ડ જ બહાર આવેલી ત્યારે એના એક જાણીતા ગીતની તર્જ સાંભળીને ઇન્દ્રવદનભાઇએ પોતાની વિદ્યાર્થિનીઓ પાસે એ ગીત કોરીયોગ્રાફ કરીને નૃત્ય તૈયાર કરાવેલું અને કોઇ કાર્યક્રમમાં રજૂ કરેલું. એ ગીતમાં હ્યુસ્ટનની બે જોડકા બહેનો નેહા અને નીરજુ ટેઇલર, તેમની માતા પ્રજ્ઞા ટેઇલર, અરૂણ બેન્કરની ભત્રીજી સોનલ, મીનળ ગાંધી  પણ હતી. આ તો પચીસ વર્ષ પહેલાંની સ્મૃતિના આધારે લખું છું એટલે નામો લખવામાં કોઇ ક્ષતિ રહી જાય એવું પણ બને.

અમેરિકન સંસ્થાઓમાં પણ તેમણે પોતાના કાર્યક્રમો રજૂ કરીને અમેરિકન પ્રજાના પણ પ્રમાણપત્રો મેળવ્યા છે.

અહીં જ જન્મેલી અને અહીં જ ઉછરેલી નવી પેઢીની બાળાઓને શાસ્ત્રિય નૃત્યની તાલીમ આપીને, તેમનામાં ભારતિય કલા અને સંસ્કૃતિનું સીંચન  કરવાનું કામ તેઓશ્રીએ કર્યું છે.

માસ્ટરજી ( ઇન્દ્રવદન ત્રિવેદી ) સાથે કરેલા કાર્યક્રમોના રિહર્સલો ની યાદો પર તો એક આખુ પુસ્તક હું લખી શકું.

એક આડવાત-

આપણી ભારતીય સંસ્થાઓ-ખાસ તો ગુજરાતી સંસ્થાઓ- કોઇ કાર્યક્રમ પ્રસંગે, આવા કલાકારોને કોઇ આઈટમ રજૂ કરવા આમંત્રણ આપે પણ એના રીહર્સલો વખતે ચાહનાસ્તા માટે કે ગેસ ભરાવવાના નાણાં ન આપે. કાર્યક્રમના ડ્રેસીસ માટે, પાઘડી, ખેસ, લાકડી, જેવી વસ્તુ પણ કલાકારે જ લાવવાની હોય. ક્યારેક તો એ સંસ્થાઓએ ટીકીટો પણ વેચી હોય. હોલનું ભાડુ ખર્ચે, ટીકીટો છપાવવાના નાણાં ખર્ચે, લોકોને પ્રોક્લેમેશન્સ આપે, હારતોરા પાછળ પૈસા ખર્ચે, પણ પોતાના ફેમિલીટાઇમમાં કાપ મૂકીને દિવસો સુધી રીહર્સલો કરનાર કલાકારે તો ગાંઠનું જ ગોપીચંદન કરવાનું.

આ જ વાત આપણા ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોને ય લાગૂ પડે છે.

કોઇ કલાકાર વિશિષ્ટ કોસ્ચ્યુમ કે સામાન લાવવા પૈસા માંગે તો જવાબ મળે કે-‘ભાઇ, આ તો કોમ્યુનિટી વર્ક છે. અમે ય ફ્રી સેવા જ આપીએ છીએ.’ કલાકાર પોતાની અસમર્થતા જાહેર કરે તો કહેશે-‘ હ્યુસ્ટનમાં નવો નવો હતો ત્યારે સારો હતો. હવે જરા નામ થઈ ગયું એટલે એને રાઈ ચઢી ગઈ છે. સાલો પ્રોફેશનલ થઈ ગયો છે.’

કેટલીક સંસ્થાઓના માંધાતાઓ કાર્યક્રમ પતી ગયાના એકાદ બે માસ બાદ, હાથની લખેલી રીસીટો એટેચ કરીને વાઉચરો બનાવીને ખર્ચા પાડી દેતા હોય અને પોતે ખર્ચેલા ગેસના નાણાં વસૂલ કરી લેતા હોય એ ગનીમત !

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૧૯ ઓગસ્ટ ૨૦૧૫

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

August 28th, 2015 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

અહેવાલ-  શ્રી. નવીન બેન્કર

શનિવાર… આઠમી ઓગસ્ટની એ ખુશનુમા સાંજ….

એ સાંજ હતી ગઝલ અને કવિતાના અભિસારની…

એ સાંજ હતી હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના  હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની…

આઠમી ઓગસ્ટ ૨૦૧૫ ને શનિવારની સાંજે, સૂગરલેન્ડ,ટેક્સાસ ના ટી.ઈ. હરમન સેન્ટર ખાતે, ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે, સુરતના ખ્યાતનામ કવિ, હાસ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને ગઝલકાર ડોક્ટર રઈશ મનીઆરનો એક યાદગાર કાર્યક્રમ, લગભગ ૨૫૦ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ઉજવાઇ ગયો હતો.

થોડી રંગત, થોડી ગમ્મત, કવિતાની સંગત, હાસ્યની હેલી અને ગઝલના ગુલદસ્તાએ મઢેલી વાતો લઈને આવેલા શ્રી. રઈશ મનીઆર ગુજરાતના વર્તમાન સમયની એક વિલક્ષણ પ્રતિભા છે. કુલ અઢાર જેટલા પુસ્તકો અને બાર જેટલા નાટકો લખીને તેમણે પ્રથમ પંક્તિના કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે નામના મેળવી છે. પોતે બાળમનોવિજ્ઞાની છે. પેરેન્ટીંગ વિશેના લેક્ચર્સ અને સેમિનારો પણ કરે છે. ખુદ જાવેદ અખ્તર અને ગુલઝારજી સાથે કાવ્યપાઠ કરવાની તેમને તક મળી છે. કૈફી આઝમી વિશેનું, તેમના લખેલા પુસ્તકનું વિમોચન, આ સદીના મહાનાયક શ્રી. અમિતાભ બચ્ચનને શુભ હસ્તે થયું છે. એમના ‘લવ યુ જિન્દગી’, ‘અંતીમ અપરાધ’, અને અનોખો કરાર જેવા નાટકો માટે સતત ત્રણ વાર શ્રેષ્ઠ નાટ્યલેખક તરીકે પારિતોષિક પણ એનાયત થયેલા છે. રણબીરસિંગ અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ ‘રામલીલા’ નું પેલું ખુબ જાણીતું ગીત પણ શ્રી. મનીઆરનું લખેલું છે. આઠેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. ગુજરાતી વર્તમાનપત્રોમાં તેઓશ્રી. કોલમો પણ લખે છે.

સાંજના ટકોરે, કાર્યક્રમની શરૂઆત , ભાવનાબેન દેસાઇના પ્રાર્થનાગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, ડોક્ટર કોકિલાબેન પરીખે  રઈશ મનીઆરનો, તેમની લાક્ષણિક શૈલિમાં પરિચય આપ્યો હતો. અને આવકારના બે શબ્દો કહ્યા હતા.

સોહામણું વ્યક્તિત્વ અને મીઠી જબાન ધરાવતા આ યુવાન કવિ જો એકલી કવિતાઓ અને ગઝલો જ ઠપકારે તો કદાચ શ્રોતાઓ કંટાળી જાય એવા ખ્યાલથી તેમણે ત્રણ કલાકના આ સમગ્ર કાર્યક્રમના જાણે કે બે ભાગ પાડી નાંખ્યા હતા. પ્રથમ ભાગમાં, થોડી રંગત, થોડી ગમ્મત અને હાસ્યની હેલી અંતર્ગત શરૂઆત એકદમ હળવી વાતો અને જોક્સથી કરી હતી. ગુજરાતની શાળાઓમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એ અંગે ખેદ પ્રકટ કર્યો. અંગ્રેજી મીડીયમમાં ભણતા બાળકોની ગુજરાતી માતાઓ કેવું  અંગ્રેજી મિશ્રિત ભેળસેળિયું ગુજરાતી  બોલે છે એના રમુજી કિસ્સાઓ કહ્યા અને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ગુજરાતી ભાષા  એની સમૃધ્ધી ખોઇ બેઠી છે એના રમુજી કિસ્સા કહ્યા.આપણી જુની કહેવતોના ગુજરાતી ભાષાંતરની રમુજે શ્રોતાઓને ખુબ હસાવ્યા. પોતાની જાણિતી હાસ્યસભર કવિતાઓ પણ રજૂ કરી. કવિ અને બહેરા શ્રોતાની જોક્સ…સુરેશ દલાલ અને તરલા દલાલની જોક્સ…કબરમાં ફાફડા-ચટણી લઈને પોઢી જવાનું હાસ્યરસિક કાવ્ય…લગ્ન તથા શુભપ્રસંગોએ વાડી ભાડે આપવાની જાહેરાતની મજાક…વિવાહ અને વિવાદ તથા MEAT and EGG ( મીત અને ઇન્દુ ) વાળી જોક્સ…’ પરણીને પસ્તાય તો કે’તો ન’ઇ’ વાળી જાણીતી હઝલ…ને એવી બધી, ઘણી હાસ્યપ્રધાન વાતોએ ,શ્રોતાઓની તાળીઓની ખંડણી તેમણે મેળવી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, શ્રી. રઈશભાઇએ શેર, શાયરી, કવિતા, ગઝલ, હઝલ, અને નઝમ ની  મહેફિલ માંડી હતી.

ઇશ્ક હૈ કતરા કિ દરિયામેં ફના હો જાના

દર્દકા હદસે ગુજરના હૈ કિ દવા હો જાના…….

કવિતા એ નિરાલંબી છે. એને કાગળ, કલમ કે તબલા-પેટી ન જોઇએ…

ગાલિબ, મરીઝ જેવા ગઝલકારોની રચનાઓની  અજાણી વાતો સાથે પોતાના કાવ્યો અને ગઝલોની પણ મહેફિલ માંડીને શ્રોતાઓને મુગ્ધ કરી મુકયા હતા.

બે દિવસ પહેલાં, છ્ઠ્ઠી ઓગસ્ટે, ડોક્ટર કોકિલાબેનના નિવાસસ્થાને મળેલી એક અનૌપચારિક ગઝલ વર્કશોપમાં, બે કલાક સુધી , ત્રીસેક જેટલા સર્જકો અને ગઝલનું સ્વરૂપ અને બાંધણી સમજવાની જિજ્ઞાસા ધરાવતા સુજ્ઞ સાહિત્યપ્રેમીઓ સમક્ષ પણ રઈશભાઈએ, પાવર પોઇન્ટ પ્રોજેક્શનની મદદથી, ગઝલના સ્વરૂપ અંગે વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું. ‘ કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ જેવી જાણીતી નઝમના બંધારણ અંગેની તેમ જ આપણી ઘણી હિન્દી ફિલ્મોના  જાણીતા ગીતો કયા રાગ પર લખાયા છે એની ‘લગાગા…લગાલગા’ જેવી ટેક્નીકલ ભાષામાં સમજ આપીને, શ્રોતાઓને પણ એક ઢાળ પરથી એ ફિલ્મી પંક્તિઓ પર લઈ જઈને ગાતા કર્યા હતા એ  અનુભવ અદભુત હતો. ગઝલકાર તરીકે ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગઝલના સ્વરૂપ વિશેની સમજ આપતા પુસ્તકો, ‘ગઝલના રૂપ અને રંગ’, તેમજ ‘ગઝલનું છંદોવિધાન’ લખ્યા છે. આ પુસ્તકો હવે યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તથા ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. શાયરશિરોમણી મરીઝ વિશેનું, ‘મરીઝ-અસ્તિત્વ અને વ્યક્તિત્વ’  તેમજ, ચુનંદા ઉર્દુ શાયરોનો, ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક, ‘માહોલ મુશાયરાનો’ જેવા પુસ્તકો ગઝલરસિકોમાં ખુબ લોકપ્રિય નીવડ્યા છે.

ત્રણ કલાક ચાલેલો આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે પુરો થયા પછી,ખીચડી, કઢી, મસાલાના થેપલા અને મોહનથાળની મજા માણીને સૌ વિખરાયા ત્યારે જાણે કે પુનમની રાતે ઉછળી ગયેલો સાગર અધવચાળે જ અચાનક એના વિપુલ જલરાશિ સાથે અધ્ધર જ સહેમીને થંભી ગયો ન હોય !

કાર્યક્રમની સફળતા માટે, સંસ્થાના કો-ઓર્ડીનેટરો શ્રી. નિખીલ મહેતા અને ધવલ મહેતા, ખજાનચી શ્રી. નરેન્દ્રભાઈ વેદસાહેબ, માનનીય સલાહકાર  કવયિત્રી શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડોક્ટર કોકિલાબેન પરીખ. શ્રી. પ્રશાંત મુન્શા, કવયિત્રી શૈલાબેન મુન્શા, નિતીન વ્યાસ, દીપક ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, શ્રી. ફતેહ અલી ચતુર તથા  ‘સાસ’  ( સાહિત્ય સરિતા ) ના અન્ય નામી-અનામી સભ્યોએ તનતોડ મહેનત કરી હતી.

શ્રી. રઈશભાઇ મનીઆર  હ્યુસ્ટનના એરપોર્ટ પર ઉતર્યા  અને હ્યુસ્ટનથી વિદાય થયા ત્યાંસુધી તેમની સાથે ને સાથે રહેનાર અને તેમની આગતાસ્વાગતાથી માંડીને તેમના ટ્રાન્સ્પોર્ટેશન સુધીની જવાબદારી ઉઠાવનાર, રઈશભાઇના અંગત મિત્ર એવા શ્રી. વિશ્વદીપભાઇ અને રેખાબેન બારડને તો કેમ ભુલાય ? થેન્ક યુ, વિશ્વદીપભાઇ !

લખ્યા તારીખ-૧૯ ઓગસ્ટ ૨૦૧૫- રઈશ મનીઆરનો જન્મદિવસ

સંગીતના કાર્યક્રમની હાઈ લાઈટ્સ-

June 16th, 2015 Posted in અહેવાલ

સંગીતના કાર્યક્રમની હાઈ લાઈટ્સ– 

સાંજના ૭ થી ૧૨ નો સમય જાહેરાતોમાં દર્શાવેલો પણ શો શરુ થયો આઠ વાગ્યે.

લગભગ ૪૦૦ શ્રોતાઓ હતા.  નીચે ‘એમ’ થી ‘ડબલ્યુ’ હરોળની ટીકીટો વેચાઇ ન હતી એવું દેખાઇ આવતું હતું. સીટો બતાવનાર વોલન્ટીયર્સનો અભાવ હતો અથવા જે હશે તેઓ સાવ નિષ્ક્રિયપણે ઉભા હતા. શ્રોતાઓ કોમ્પ્યુટરમાંથી મેળવેલી ટીકીટો ડુપ્લિકેટ પ્રીન્ટ કરી કરીને લાવ્યા હોય એવી આશંકાથી, બોક્સ ઓફીસ પર લાઈનોમાં ઉભા રહી, ટીકીટો દર્શાવી અને હાથ પર બાંધવાની પટ્ટીઓ લઈને, પ્રવેશ અપાતો હતો. જે ખુબ સમય માંગી લેતું કામ હતું. ઇન્ટરવલ પછી, નીચેની ઘણી ખાલી સીટો એકદમ ભરાઇ ગયેલી લાગતી હતી. કદાચ ઉપરવાલે નીચે આ ગયે હો!

ડોક્ટર તુષાર પટેલે એકદમ ટૂંકુ અને મુદ્દાસર પ્રાસંગિક પ્રવચન કરેલું. ( + પોઇન્ટ )

પિનાકીન પાઠક ડાઉન ટૂ અર્થ રહ્યા. એમણે કોઇ પ્રવચન ન કર્યું. ( બીજો પ્લસ પોઇન્ટ)

અંકિત ત્રિવેદી કે તુષાર શુક્લ જેવા સંચાલકોને બદલે આ વખતે, ડોક્ટર માર્ગી હાથી નામના બહેન કેવું સંચાલન કરશે એવી આશંકા ઠગારી નીકળી. માર્ગીબેને ખુબ સુંદર રીતે સંચાલન કર્યું. મને તો એ બહેનમાં આપણા દેવિકાબેન ધ્રુવ જ જાણે દેખાતા હતા. મેં તો એમને સ્ટેજ પર જઈને આ વાત કહી પણ ખરી.

ગમે તે ગાયક ગાતો હોય પણ શ્રોતાઓની દ્રષ્ટી તો સ્ટેજ પર ચોથા ક્રમમાં બેઠેલા આનલ વસાવડા પર જ અટકી જતી હતી.

બે ગાયિકાઓ- હિમાલી વ્યાસ, આનલ  વસાવડા, સંચાલિકા માર્ગીબેન હાથી  સાથે મારો ફોટો, હ્યુસ્ટનના ગાયક કલાકાર શ્રી. કલ્પક ગાંધીએ લીધો છે.

પુરૂષોત્તમ ઉપાધ્યાય નો નાનો ભાઇ ભગવત ઉપાધ્યાય ૧૯૮૨ માં, ન્યુયોર્કમાં સ્ટુડીયો એપાર્ટમેન્ટમાં મારો રુમમેટ હતો અમે એકાદ વર્ષ ૪૦૦ ડોલરના ભાડાનો સ્ટુડીયો એપાર્ટમેન્ટ શેર કરેલો. એ ભગવત મને ૩૨ વર્ષ પછી સ્ટેજ પર મળી ગયો. એ વખતે અમે બન્ને મુફલીસ હતા.

હવે પ્રોગ્રામની વાતો-

પરદો ખુલતાં જ સ્ટેજ પર, ગાદી પર, બાર કલાકારો ગોઠવાયેલા દેખાતા હતા.

ડાબી બાજુથી- મનીષી રાવલ ( તબલા પર), રીતેષ ઉપાધ્યાય ( ઢોલક પર), મનીષ કંસારા ( ઓક્ટોપેડ પર ), ગાયિકા આનલ વસાવડા, ગાયક ભૂમિક શાહ, ગૌરાંગ વ્યાસ, ગાયક દિવ્યાંગ અંજારિયા, ગાયિકા હિમાલી વ્યાસ, ગાયક પ્રહર વોરા, સંચાલિકા ડોક્ટર માર્ગી હાથી,  મુછોવાળો હેન્ડસમ મયુર દવે ( ઇલેક્ટ્રીક ઓર્ગન પર) અને છેલ્લે જમણી બાજુ અદભુત વાંસળીવાદક શ્રેયસ દવે.

પુરુષોત્તમ ઉપાધ્યાયની એન્ટ્રી તો છેક રાત્રે પોણા બાર વાગ્યે થઈ હતી. અને એક વાગ્યા સુધી નોન-સ્ટોપ ‘વાતો ‘ કરી હતી તેમણે. એ વખતે, ગાયકો અને ગાયિકાઓ તથા ખુદ ગૌરાંગ વ્યાસ પણ સ્ટેજ પરથી નીચે ઉતરી જઈને  શ્રોતાઓ સાથે બેસી ગયા હતા. સ્ટેજ પર   ગાદી પર વાજિંત્રકારો અને ખુરશી પર પોતાના હાર્મોનિયમ સાથે  ૮૧ વર્ષની વયના પુરુષોત્તમભાઇ. ૧૯૩૪માં જન્મેલા આ કલાકાર ૧૯૪૭માં, માત્ર તેર વર્ષની વયે મુંબઈમાં શ્રી. અવિનાશ વ્યાસને ક્યાં અને કેવા સંજોગોમાં મળ્યા, તેમના ઘેર રહેવા ગયા અને અવિનાશ વ્યાસે આ હીરા પર પહેલ પાડીને કેવી રીતે મહાન ગાયક બનાવ્યો , પોતાનો માનસપુત્ર તરીકે ઓળખાવ્યો અને પોતાને  ‘એ ય પશલા’ કરીને બોલાવતા એની વાતો કરી. દિલીપ ધોળકિયા, અજીત મર્ચન્ટ, રાજકપુર, લતા મંગેશકર, આશા ભોંસલે, મોહમ્મદ રફી સાહેબ,એસ. ડી બર્મન, પંચમ,  મલ્લિકા-એ-તરન્નુમ બેગમ અખતર સાથેના પોતાના સંસ્મરણો કહ્યા અને સાથે સાથે અમુક ખ્યાતનામ ગીતોના સર્જનની વાતો કહીને એ ગીતો પણ ગાઇ સંભળાવ્યા.

વચ્ચે એક ગાયિકા નિર્મલા અરૂણ નો ઉલ્લેખ કરેલો. મને લાગે છે કે એ નિર્મલા અરૂણ એટલે આજના અભિનેતા ગોવિન્દા ની માતા. અવિનાશભાઇના કયા ગુજરાતી. ગીતો પરથી હિન્દી ફિલ્મોના કયા ગીતો રચાયા એની દિલચશ્પ વાતો પણ કરી.

પહેલા એ ગુજરાતી ગીત નું લગાલગા શાસ્ત્રિય રીતે ગાય, પછી એના શબ્દો આવે અને એ પંક્તિ પુરી થતાં પહેલાં પેલા હિન્દી ગીતની પંક્તિઓ શરુ થાય. અદભુત રજૂઆત હતી એ.

પુરૂષોત્તમભાઇએ ગાયેલા બે ગીતો મને ખુબ ગમ્યા. ‘દિવસો જુદાઇના જાય છે’, અને ‘કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારૂં આવી ગયું છે’.

કાર્યક્રમ દરમ્યાન કોણે શું ગાયું , કેવું ગાયું એ માટે તો જુદો અહેવાલ લખીશ.

આમ તો અવિનાશ વ્યાસના ગીતો આપણે બધાએ હજ્જારો વખત સાંભળ્યા છે. જુદા જુદા ગાયકોના કંઠે સાંભળ્યા છે. આપણે પોતે પણ ગણગણ્યા છે. એટલે આ વખતે, હું આ કાર્યક્રમમાં જવાના મૂડમાં ન હતો. છેલ્લા ત્રણ દિવસ જ બાકી હતા અને માત્ર ૨૩૫ ટીકીટો વેચાઇ હતી એવી લોકવાયકા સાંભળવા મળી. અને એ સાચી હોય એમ, ડિસ્કાઉન્ટ્સ ની જાહેરાતો થવા લાગી એટલે મારી પત્નીની ૭૩ મી વર્ષગાંઠ પણ આજે જ હતી અને એને આ ગીતો ખુબ ગમે છે એટલે મારા એક મિત્રએ ખાસ સીટવાળી ટીકીટો બુક કરાવી દીધી. હું પણ લગભગ ગૌરાંગ વ્યાસની જ ઉંમરનો છું. એકાદ અપવાદ બાદ કરતાં લગભગ બધાં જ સ્પોન્સરો, પ્રમોટરો, મને સ્ટેજ પર કે ગ્રીનરૂમમાં કલાકારોની મુલાકાત લેવા જવા દે છે. કલાકારો ક્યારે આવવાના છે, ક્યાં ઉતરવાના છે, કેટલું રોકાવાના છે એની માહિતી આપતા હોય છે.

મને સ્પર્શી ગયેલા કેટલાક ગીતો આ રહ્યા.

(૧) શ્રી. ભુમિક શાહે રજૂ કરેલ,  ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે’,

(૨) શ્રી. દિવ્યાંગ અંજારિયાએ રજૂ કરેલ, ‘ ઝરુખે વાત જોતી… વસમું વસમું લાગે છે…સૂનું સૂનું લાગે છે’  વાળું એ ગીત અને ‘ આંખનો અફીણી, બોલનો બંધાણી’. હું મારી જુવાનીના દિવસોમાં ટાઉનહોલમાં આવા જ એક પ્રોગ્રામમાં ગયેલો અને કોઇ ગાયકે આ અફીણીવાળું ગીત ગાવા માંડ્યું કે  કોઇએ બાલ્કનીમાંથી ‘બોલનો બંધાણી’ શબ્દો આવે કે   ‘બોલ’ શબ્દનો પહોળો ઉચ્ચાર કરી મોટેથી પોતે એ લીટી બોલે અને  એ ગીતનો કચરો થઈ જતો. એવું હજી મને યાદ આવે છે. ( અલબત્ત એ તોફાની યુવાન હું ન હતો, હોં !  હું તો શિષ્ટ માણસ છું-તમે બધા જાણો જ છો.)

(૩)  આનલ વસાવડાએ રજૂ કરેલ ‘સીતા એકલા રે, જુએ રામલક્ષ્મણની વાટ’, ’આપણા મલકના માયાળુ માનવી’, ‘ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ હજુ કાનમાં ગુંજે છે.

(૪) શ્રી. પ્રહર વોરાએ રજૂ કરેલ ‘મણીયારો’.

કેટલાક ગીતોમાં મને શ્રી. અભેસિંહ રાઠોડની યાદ આવી જતી હતી. પણ એની વાત અહીં નહીં કરું.

મને લાગે છે કે હું તો માત્ર સીનોપ્સીસ લખવા માંગતો હતો અને કદાચ અહેવાલથી પણ વધુ લખાઇ ગયું. મને થોડામાં ઘણું કહેતાં આવડતું નથી એટલે તો હું હાયકુ લખી શકતો નથી.

મારે હવે વાર્તા કહેવાની કળા હસ્તગત કરવી છે. જે રીતે પુરુષોત્તમભાઇ સાહજિક રીતે વાતો કરતા રહ્યા અને સ્વયંભુ શબ્દો નીકળતા રહ્યા અને આપણે એ પ્રવાહમાં તણાતા રહ્યા.

૬/૬/૨૦૧૫

 

થોડુંક લોજીક , થોડુંક મેજીક – ( નાટ્ય અવલોકન ) અહેવાલ – શ્રી. નવીન બેન્કર ____________________

June 4th, 2015 Posted in અહેવાલ

થોડુંક લોજીક , થોડુંક  મેજીક  ( નાટ્ય અવલોકન)

અહેવાલ –            શ્રી. નવીન બેન્કર    તસ્વીર સૌજન્ય–  શ્રી. ગૌતમ જાની

————————————————————————–——

મહાગુજરાત દિનેએટલે કે પહેલી મે , હ્યુસ્ટનના  જુના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરમાં, ટીકુ તલસાણિયા, અલ્પના બુચ, મનન શુક્લ અને અમી ભાયાણી અભિનિત એક સુંદર, અર્થસભર, વિચારશીલ અને છતાં મોજથી માણી શકાય એવું નાટક જોયું.

નાટકના મૂળ લેખક છે શ્રી. રાજુ શીંદે. સ્નેહા દેસાઇએ તેનું ગુજરાતી રૂપાંતર કર્યું છે.

પંદર વર્ષ ઘરડાઘર માં , સ્વૈચ્છીક પણે રહીને પાછા પોતાના ઘરમાં આવેલા ૭૫ વર્ષની વયના એક વયસ્ક પુરુષ  છગનલાલ ત્રિવેદી ( ટીકુ તલસાણિયા) અને તેમના પૌત્ર ચિંતન ( મનન શુક્લ) વચ્ચેના મતભેદ કે મનભેદની વાત રજૂ કરતા નાટકમાં લીવીંગ રીલેશન્સની વાત પણ ખૂબીપૂર્વક કહેવાઇ છે. ચિંતન અને તેની ગર્લફ્રેન્ડ જેની ઉર્ફે જાનકી ( અમી ભાયાણી) ના લીવીંગ રીલેશન્સની સાથે સાથે દાદાના પણ પોતાની બાળસખી શકુ (અલ્પના બુચ) સાથેના લીવીંગ રીલેશન્સની કથા એવી તો રમૂજભરી રીતે વણી લેવાઇ છે કે નાટક ક્યારેક ખુબ હસાવે છે તો ક્યારેક આંખ ભીની પણ કરી મૂકે છે.

નાટકના અંતમાં હું જ્યારે ટીકુભાઇને મળવા સ્ટેજ પર ગયો ત્યારે તેમણે મને વિનંતિ કરી કે નાટકની વાર્તા તમારા રીવ્યૂમાં લખશો અને તમને જે સંવાદો ખૂબ ગમ્યા છે તે પણ ના લખશો. એટલે હું એની વાત નહીં કરું.

નાટકના દિગ્દર્શક શ્રી. અનુરાગ પ્રપન્નનું દિગ્દર્શન પ્રશંસનિય છે. દ્રષ્યોને નાટ્યાત્મક રાખવાની સૂઝ એમણે દાખવી છે.દરેક પાત્રની લાક્ષણિકતા પણ રજૂ થાય એની કાળજી એમણે દ્રષ્યોની ગોઠવણી અને પાત્રોની પસંદગીમાં રાખી છે. ઘરનો દિવાનખંડ અને 

બગીચાના બાંકડાના દ્રષ્યોની ગોઠવણી દાદ માંગી લે છે. અલ્પના બુચે પણ શકુંતલા કોઠારીના પાત્રના મનોજગત સાથે તદાકાર થઈને વાચાળ થયા વગર અભિનય કર્યો છે. ટીકુની વિચક્ષણતા અને રમૂજવૃત્તિ પ્રભાવક વ્યક્તિત્વ ઉભું કરે છે. ભૂમિકા ભજવતો કલાકાર જો સજ્જ હોય તો, સમગ્ર કૃતિ નિરસ બની જાય. ભૂમિકા જાણે ટીકુ માટે લખાઇ હોય એવી પ્રતિતી થાય એટલી હદ સુધી ભૂમિકાને તેમણે આત્મસાત કરી છે.પૌત્રની ભૂમિકામાં શ્રી. મનન શુક્લ  પોતાનો આક્રોશ સરસ રીતે વ્યકત કરી શક્યા છે અને તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં  બહેન અમી ભાયાણી પણ વાતાવરણને હળવુ રાખવામાં ખુબ મદદરુપ થયા છે.

કળાકારોની પસંદગી, ટીમવર્ક અને રંગભૂષાની પસંદગીથી નાટકના પાત્રો અને વાતાવરણ જીવંત લાગે છે.

નાટકમાં એકરમણિકપણ છે જે ક્યારેય સ્ટેજ પર આવતો નથી. બિલાડો છે.

અમુક અમુક દ્રષ્યો વખતે બેકગ્રાઉન્ડમાંથી ફિલ્મી ગીતની સદાબહાર પંક્તિઓ સંભળાય છે

અજીબ દાસ્તાં હૈ યે, કહાં  શુરૂ કહાં ખતમ….’

વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ ગઈ’…..

જિન્દગી કૈસી હય પહેલી હાય…’દાદાજી પોતાના પૌત્રને, એની દાદીના મ્રુત્યુ વખતના સંવાદો કહે છે ત્યારે દરેક    

પ્રેક્ષકની આંખ સજળ થઈ ઉઠે છે.

૨૫ વત્તા ૫૦ એટલે ૭૫ નોટ આઉટ દાદાજી તરીકે ટીકુ તલસાણિયા પાત્રને જીવી ગયા છે.

બગીચાના બાંકડા પર ૭૫ વર્ષના દાદાજી અને તેમની, ચાલીમાં રહેતી પાડોશણ સાથેની  કિશોરવયની કુમળી કુમળી લાગણીઓની વાતો જેવી વાતો મને લાગે છે દરેકે દરેક વયસ્ક સ્ત્રીપુરુષો અનુભવી ચૂક્યા હશે.

નાટકનો પ્રધાન સંદેશ છે– ‘માઇન્ડ ઇઝ કરપ્ટ. હૃદય જે કહે તે કરો. બુધ્ધીનું ના સાંભળોલીસન ટૂ વોટ યોર હાર્ટ સેઝઘડપણમાં હસવાનું બંધ થવું જોઇએ. હસવાનું બંધ થાય એટલે ઘડપણ આવે.’ 

સહકુટુંબ જોવા જેવું સ્વચ્છ નાટક હ્યુસ્ટનમાં લાવવા બદલ શ્રી. અજીત પટેલ અને નિશા મિરાણીને અભિનંદન. આર્ટ્સ એન્ડ કલ્ચરલ પ્રમોશન્સ વાળા નેશનલ પ્રમોટર શ્રી.શશાંક દેસાઇ પણ અભિનંદનના અધિકારી છે.

અસ્તુ.

નવીન બેન્કર  ૭૧૩૮૧૮૪૨૩૯    લખ્યા તારીખ//૨૦૧૫

સાથે કુલ પાંચ ફોટા છે– 

સૌથી ઉપરના ફોટામાં અહેવાલ લેખક શ્રી. નવીન બેન્કર અને ટીકુ તલસાણિયા દેખાય છે.

એટેચમેન્ટના ચાર ફોટાઓમાં () ટિકુ તલસાણિયા અને અલ્પના બુચ  બગીચાના બાંકડા પર  -()  અને () માં  નાટકના દ્રષ્યમાં ચારે કલાકારો.  ()  નાટકના ચારે કલાકારોટીકુ,અમી ભાયાણી , મનન શુક્લ અને અલ્પના બુચ

તસ્વીર સૌજન્યશ્રી. ગૌતમ જાની.

Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.    

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.