એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી ( માસ્ટરજી )-નૃત્યકાર, કોરીઓગ્રાફર

શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી ( માસ્ટરજી )-નૃત્યકાર, કોરીઓગ્રાફર

August 28th, 2015 Posted in અહેવાલ

ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના નૃત્યકાર, કોરીઓગ્રાફર

           શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી  ( માસ્ટરજી )

૧૬મી ઓગસ્ટે,  હ્યુસ્ટનના  નવા સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે, ઇન્ડિયા કલ્ચર સેન્ટર આયોજિત ઇન્ડીયા ફેસ્ટ-૨૦૧૫ કાર્યક્રમ અંતર્ગત, સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના સિનિયર્સના વીસેક સિનિયર્સ સભ્યો દ્વારા એક એક સમુહનૃત્યગીત ‘ભારતકા રહનેવાલા હું, ભારતકી બાત સુનાતા હું ‘ એટલી સરસ રીતે સ્ટેજ પરથી રજૂ થયું  હતું કે પ્રેક્ષકોએ ‘વન્સમોર વન્સમોર’ ના પોકારોથી એ ગીતની રજુઆતને વધાવી લઈને ,સ્ટેન્ડીંગ ઓવેશન આપીને, ફરી વખત એ ગીતનું રીપીટેશન કરવાની કલાકારોને ફરજ પાડી હતી. આ ગીતમાં ભાગ લેનાર મુખ્ય  કલાકારો હતા સર્વશ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, કીરીટ મોદી, રમેશ મોદી, નુરૂદ્દેન દરેડિઆ, પ્રકાશ શાહ, શૈલેશ દેસાઇ, ભરત શાહ, અરવિંદ પટેલ, વિભાસ અને બકુલા ધુરંધર, શ્રીમતિ સુધાબેન ગાંધી, શ્રીમતિ સુશીલાબેન પટેલ,  અને બીજા દસેક જણ. જેમના નામ મને અત્યારે યાદ નથી આવતા. ૬૨ થી ૭૫ સુધીની વયના આ સિનિયર્સના  કાર્યક્રમને જોઇને કોઇ કહી ના શકે કે આમાંના મોટાભાગના કલાકારોએ કદી પણ સ્ટેજ પર પગ પણ મુક્યો નથી.  આ પત્થરોમાં પ્રાણ પુરનાર મુખ્ય કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીને હું પચ્ચીસ વર્ષોથી ઓળખું છું. ૧૯૯૬માં, મેં એમના વિશે, ‘નયા પડકાર’ અને ‘ગુજરાત સમાચાર’ માં એમના પરિચય લેખો લખેલા છે. આજે, થોડુંક વધારે એમના વિશે મારે જણાવવું છે.

મૂળ ગુજરાતના દહેગામમાં જન્મેલા શ્રી. ત્રિવેદીએ શાસ્ત્રિય નૃત્ય પ્રત્યેની અભિરૂચીને કારણે માત્ર સાત જ વર્ષની વયે વડોદરા સંગીત મહાવિદ્યાલયમાં તાલીમ લેવી શરૂ કરી હતી. ત્યાંથી જ ભરતનાટ્યમમાં માસ્ટરી મેળવી. શ્રીમતિ મૃણાલિની સારાભાઇ સંચાલિત દર્પણ એકેડેમીઓફ પરફોર્મીંગ આર્ટ્સમાં. કુચીપુડી નૃત્યમાં માસ્ટરી મેળવી.ભારત  તેમજ પરદેશના ઘણાં શહેરોમાં તેમણે પોતાના નૃત્યના પ્રયોગો રજૂ કરેલા છે. ફૂટ પેઇન્ટીંગ એ તેમની વિશિષ્ટતા છે. નૃત્ય કરતાં કરતાં જ પગ વડે પતંગિયુ, મોર વગેરે ચિત્રો દોરી શકતા હતા..’દર્પણ’ ના નેજા હેઠળ, ફર્સ્ટ એશિયન પેસિફિક પપેટ ફેસ્ટીવલમાં જાપાનના ટોકિયો શહેરમાં તેમણે પોતાના ગ્રુપ સાથે કઠપુતળીના ખેલ રજૂ કર્યા હતા. થોડાક વર્ષો પહેલાં- હું ભુલતો ન હોઉં તો- ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી શ્રી. ત્રિવેદી ઝંકાર સ્કુલ ઓફ ડાન્સીંગ ના નેજા હેઠળ એક ડાન્સ સ્કુલ પણ હ્યુસ્ટનમાં ચલાવતા હતા.

થોડાક વર્ષો પહેલાં તેમણે હ્યુસ્ટનમાં ‘કૃષ્ણલીલા’ નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કૃષ્ણ, ગોપ ગોપીઓ, નાગ-નાગણીઓ, ગોપબાળો જેવા પાત્રો હતા- બધા જ તેમની સ્કુલના વિદ્યાર્થીઓ હતા.

‘શાકુંતલ’ ભજવેલું તેમાં પોતે દુષ્યંતની ભૂમિકા કરેલી

‘પ્રલયતાંડવ’ માં શીવજીની મુખ્ય ભૂમિકા તેમણે ભજવેલી.

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોના પ્રિય ‘અધરમ મધુરમ, વદનમ મધુરમ’ માં તેમનું ભાવપ્રદર્શન અદભુત હતું.

પચીસ વર્ષ પહેલાં, તેમની સાડા ચાર કલાક લાંબી નૃત્ય નાટિકા ‘મહાભારત’ માં, આપણા હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધી, હેમંત ભાવસાર, હાલો રે હાલો’ ફેઇમ મ્યુઝીક મસાલાવાળો સુનિલ ઠક્કર, શેખર પાઠક,  સંજય શાહ તથા મારા જેવા કલાકારોએ ભૂમિકાઓ ભજવી હતી. હું એમાં કૌરવોનો આંધળો બાપ ધૃતરાષ્ટ્ર  બનેલો. મુકુંદ ગાંધી ‘ભીષ્મ’ બનેલા.

તેમણે  ફિલ્મ ‘શોલે’ ની  એક સ્કીટ પણ ભજવેલી જેમાં મેં, રાજુ ભાવસાર, ગિરીશ નાયક અને ‘ ‘કીની’ નામની એક ખુબસુરત યુવતીએ હેમા માલિનીવાળી ભૂમિકા ભજવી હતી. અલબત્ત હું એમાં ‘કાલિયા’ બનેલો.

‘મોગલે આઝમ’ પણ અમે ભજવેલું જેમાં હું દુર્જનસિંહ નો રોલ કરતો હતો. ફિલ્મ મોગલે આઝમમાં એ ભૂમિકા અભિનેતા અજીતે ભજવી હતી.

મોગલે આઝમ માં જોધાબાઇનો રોલ કરતા એક  મહારાષ્ટ્રીયન બહેન  ક્રાંતિ વાલવડેકર મને યાદ છે. નાના પાટેકર પુરુષ નાટક લઈને હ્યુસ્ટનમાં આવેલો ત્યારે હું એને , લઈને ક્રાંતિબેનને ઘેર લઈ ગયેલો ત્યાં માસ્ટરજી પણ ઉપસ્થિત હતા અને મેં ત્યાં હાજર રહેલા ઘણાંના ફોટા નાના પાટેકર સાથે લીધેલા. આ ક્રાંતિબહેન  ક્યારેક ક્યારેક મને સાંઇબાબાના મંદીરમાં મળી જતા હોય છે. ( રખે માની લેતા કે હું સાંઇબાબાનો ભક્ત છું. હું તો ક્યારેક મારી પત્ની ની ધાર્મિક લાગણી ન દુભાય એટલા ખાતર એના ડ્રાઇવર તરીકે  તેની સાથે જઉં છું એટલું જ શ્રીરામ  શ્રીરામ )

મને યાદ છે કે કમલાહસનનું પિક્ચર ‘હિન્દુસ્તાની’ રીલીઝ થયું ન હતું અને તે ફિલ્મની  ગીતોની રેકર્ડ જ બહાર આવેલી ત્યારે એના એક જાણીતા ગીતની તર્જ સાંભળીને ઇન્દ્રવદનભાઇએ પોતાની વિદ્યાર્થિનીઓ પાસે એ ગીત કોરીયોગ્રાફ કરીને નૃત્ય તૈયાર કરાવેલું અને કોઇ કાર્યક્રમમાં રજૂ કરેલું. એ ગીતમાં હ્યુસ્ટનની બે જોડકા બહેનો નેહા અને નીરજુ ટેઇલર, તેમની માતા પ્રજ્ઞા ટેઇલર, અરૂણ બેન્કરની ભત્રીજી સોનલ, મીનળ ગાંધી  પણ હતી. આ તો પચીસ વર્ષ પહેલાંની સ્મૃતિના આધારે લખું છું એટલે નામો લખવામાં કોઇ ક્ષતિ રહી જાય એવું પણ બને.

અમેરિકન સંસ્થાઓમાં પણ તેમણે પોતાના કાર્યક્રમો રજૂ કરીને અમેરિકન પ્રજાના પણ પ્રમાણપત્રો મેળવ્યા છે.

અહીં જ જન્મેલી અને અહીં જ ઉછરેલી નવી પેઢીની બાળાઓને શાસ્ત્રિય નૃત્યની તાલીમ આપીને, તેમનામાં ભારતિય કલા અને સંસ્કૃતિનું સીંચન  કરવાનું કામ તેઓશ્રીએ કર્યું છે.

માસ્ટરજી ( ઇન્દ્રવદન ત્રિવેદી ) સાથે કરેલા કાર્યક્રમોના રિહર્સલો ની યાદો પર તો એક આખુ પુસ્તક હું લખી શકું.

એક આડવાત-

આપણી ભારતીય સંસ્થાઓ-ખાસ તો ગુજરાતી સંસ્થાઓ- કોઇ કાર્યક્રમ પ્રસંગે, આવા કલાકારોને કોઇ આઈટમ રજૂ કરવા આમંત્રણ આપે પણ એના રીહર્સલો વખતે ચાહનાસ્તા માટે કે ગેસ ભરાવવાના નાણાં ન આપે. કાર્યક્રમના ડ્રેસીસ માટે, પાઘડી, ખેસ, લાકડી, જેવી વસ્તુ પણ કલાકારે જ લાવવાની હોય. ક્યારેક તો એ સંસ્થાઓએ ટીકીટો પણ વેચી હોય. હોલનું ભાડુ ખર્ચે, ટીકીટો છપાવવાના નાણાં ખર્ચે, લોકોને પ્રોક્લેમેશન્સ આપે, હારતોરા પાછળ પૈસા ખર્ચે, પણ પોતાના ફેમિલીટાઇમમાં કાપ મૂકીને દિવસો સુધી રીહર્સલો કરનાર કલાકારે તો ગાંઠનું જ ગોપીચંદન કરવાનું.

આ જ વાત આપણા ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોને ય લાગૂ પડે છે.

કોઇ કલાકાર વિશિષ્ટ કોસ્ચ્યુમ કે સામાન લાવવા પૈસા માંગે તો જવાબ મળે કે-‘ભાઇ, આ તો કોમ્યુનિટી વર્ક છે. અમે ય ફ્રી સેવા જ આપીએ છીએ.’ કલાકાર પોતાની અસમર્થતા જાહેર કરે તો કહેશે-‘ હ્યુસ્ટનમાં નવો નવો હતો ત્યારે સારો હતો. હવે જરા નામ થઈ ગયું એટલે એને રાઈ ચઢી ગઈ છે. સાલો પ્રોફેશનલ થઈ ગયો છે.’

કેટલીક સંસ્થાઓના માંધાતાઓ કાર્યક્રમ પતી ગયાના એકાદ બે માસ બાદ, હાથની લખેલી રીસીટો એટેચ કરીને વાઉચરો બનાવીને ખર્ચા પાડી દેતા હોય અને પોતે ખર્ચેલા ગેસના નાણાં વસૂલ કરી લેતા હોય એ ગનીમત !

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૧૯ ઓગસ્ટ ૨૦૧૫

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.