એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » ‘જીવરામ ભટ્ટ આવ્યા’ ભવાઇ-નાટક અવલોકન- શ્રી. નવીન બેન્કર

‘જીવરામ ભટ્ટ આવ્યા’ ભવાઇ-નાટક અવલોકન- શ્રી. નવીન બેન્કર

August 28th, 2015 Posted in અહેવાલ
‘જીવરામ ભટ્ટ  આવ્યા’   ભવાઇ-નાટક
અવલોકન- શ્રી. નવીન બેન્કર
૧૮મી જુલાઇ ૨૦૧૫ને શનિવારની સાંજે, રાધાકૃષ્ણ મંદીરના હોલમાં, ગુજરાતી સમાજના ઉપક્રમે, ‘ગુજરાત દર્શન’ કાર્યક્રમ અંતર્ગત, સિનીયર સિટીઝન્સ એસોસિયેશનના સભ્યો દ્વારા એક ખુબ જૂનુ હાસ્યપ્રધાન ભવાઇ-નાટક ‘જીવરામ ભટ્ટ આવ્યા’ ની સફ્ળ ભજવણી કરવામાં આવી હતી.
વર્ષો પહેલાં, કદાચ ૧૯૬૦ માં, કવિશ્રી. દલપતરામકૃત ભવાઇશૈલીનું હાસ્યરસ પ્રધાન નાટક ‘મિથ્યાભિમાન’ જોયાનું યાદ આવે છે. એ નાટકમાં પ્રાણસુખ નાયક અને શ્રીમતિ અનસુયા સુતરિયા  અભિનય કરતા હતા. એ પછી, અમારી પોળમાં, એક નાટકમંડળી ભવાઇના વેશ કરતી હતી.  વાર્તાવસ્તુ હંમેશાં, ઐતિહાસિક હોય પણ એમાં વિદુષક રંગલો અને રંગલી જરૂર હોય. એક સુત્રધાર પણ હોય. રંગલો અને રંગલી તા..તા..થૈયા..થઈ.થઈ. કરીને વિશિષ્ટ સ્ટેપ્સ લઈને ગોળ ગોળ ફરીને, ચિત્રવિચિત્ર હાવભાવ કરીને પ્રેક્ષકોને હસાવે. એક સુત્રધાર પણ શરૂઆતમાં સ્ટેજ પર હાજર થઈને પેલા બે પાત્રો સાથે વાર્તાલાપ કરીને આજના ભવાઇવેષની માહિતી આપે.  બે ભૂગળધારી કલાકારો આવીને ભૂગળ વગાડે અને પછી ખેલ શરૂ થાય.
અહીં પણ એ જ બધી વાત હતી. સુત્રધાર…રંગલો…રંગલી…ભૂગળ..પાઘડા અને ફેંટાવાળા દેશી ગામડીયા…
 આ નાટક એ  જુના ફુલલેન્થ નાટકનું  નાનકડું રૂપાંતર  હતું. એ નાટકના ઘણાં પ્રસંગો અહીં કાપી નાંખવામાં આવેલા હતા. રાત્રે ભોજન કરવા બેઠેલા જમાઇ જીવરામ ભટ્ટ, રસોઈ પિરસતી સાસુને પાડી ધારી લઈને  લાત મારે છે એ દ્ર્ષ્ય, તથા ચોરને પકડવા આવેલા સિપાઇઓ ઘરના જમાઇ જીવરામ ભટ્ટને જ ચોર માનીને  ઉપાડી જાય છે જેવા બીજા પ્રસંગો પણ કદાચ સમયને અભાવે કાપી નાંખવામાં આવેલા લાગતા હતા. આ જ નાટક,  ‘દર્પણ’ માં, કૈલાસ પંડ્યાના દિગ્દર્શનમાં પણ ભજવાયાનું યાદ છે. જીવરામ ભટ્ટના અમર પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણાં નાટકો ભજવાયા છે.
પાડીનું પુંછડું પકડી ચાલવા જતાં રતાંધળા જીવરામ ભટ્ટ રાત્રે ઉંડા ખાડામાં પડી જાય છે. જીવલો અને ભગલો નામના બે ગાયો ચરાવનારા જીવરામ ભટ્ટને બેવકૂફ બનાવી, સંડાસ જવા માટે વપરાતા લોટામાં, બિલાડીએ એંઠી કરેલી ખીર ખવડાવી દે છે એ પ્રસંગ સરસ રીતે શ્રી. કીરીટ મોદી અને શ્રી. ભરત શાહે ભજવી બતાવ્યો. રંગલો અને રંગલીના પાત્રમાં અનુક્રમે, શ્રી. શૈલેષ દેસાઇ અને શ્રીમતિ કૌશિકાબેન વ્યાસે પણ કોઠાસુઝ અને બિન્દાસ અભિનયના કૌવત દેખાડીને પ્રેક્ષકોને ખુશ ખુશ કરી દીધા હતા. જીવરામ ભટ્ટની મુખ્ય ભૂમિકા કરતા મહારાષ્ટ્રિય અભિનેતા વિભાસ ધુરંધર તો અદભુત અદાકાર છે. રાજકપૂર અને દિલીપકુમારની વિવિધ ભૂમિકાઓની  તેમની મીમીક્રી તો સિનીયર્સની મીટીંગોમાં ઘણી વખત જોઈ હતી. એકપાત્રીય અભિનય પણ અવારનવાર જોયેલો, પણ ગુજરાતી ભાષા વાંચી નહીં શકતા આ કલાકાર અન્ય ભાષામાં લખાયેલી સ્ક્રીપ્ટ વાંચીને આટલો સરસ અભિનય કરી શક્યા એ આનંદની વાત છે.
નાટકનું લેખન અને દિગ્દર્શન ‘દર્પણ’ના જ એક ભૂતપુર્વ કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીનું હતું. આ ત્રિવેદી અત્યારે હ્યુસ્ટનમાં, ‘માસ્ટરજી’ ને નામે પ્રખ્યાત છે. છેલ્લા વીસ વર્ષમાં તેમણે ‘ મહાભારત’, ‘રામાયણ’, ‘શોલે’ જેવા ઘણાં નાટકો ભજવ્યા છે. ડાન્સ સ્કુલ ચલાવીને ઘણાં વિદ્યાર્થીઓને નૃત્યનું શિક્ષણ પણ આપ્યું છે.
નાટકનો સંગીત વિભાગ શ્રી. હેમંત દવે અને દીપ્તી દવે એ સંભાળ્યો હતો. ઓક્ટોપેડ પર શ્રી. મનીષ પટેલ અને ઢોલક પર શ્રી. વેદાત મથુર હતા.
નાટક્માં અન્ય સહાયકોમાં શ્રી. અરૂણ બેન્કર, શ્રી. પ્રફુલ્લ ગાંધી અને શ્રીમતિ સુધા ગાંધી પણ હતાં.
નાટકના બધા જ કલાકારો સિનીયર સીટીઝન્સ જ હતા.  એ આ કાર્યક્રમની વિશેષતા હતી.
અનેક  ભવાઇ-નાટકોમાં શ્રી. કૈલાસ પંડ્યા અને દામિની મહેતાએ પણ અભિનય કર્યો છે. દીનાબહેન ગાંધીએ ( દીના પાઠક)  પણ એક વખત આ મિથ્યાભિમાન નાટકમાં જીવરામ ભટ્ટની સાસુની ભૂમિકા કરેલી. એમાં તો રંગલો અને રંગલીના કેટલાક યાદગાર ગીતો પણ હતા. ભવાઇ-નાટક ગીતો વગરનું તો કલ્પી જ ન શકાય, અહીં રંગલા અને રંગલીના મુખે કેટલીક પંક્તિઓ પર ઠુમકા  હતા.અને પાર્શ્વમાં, હેમંત દવે અને દીપ્તી દવેના સ્વરમાં ગીતના શબ્દો હાર્મોનિયમ અને મંજીરાના સાથમાં રજૂ કરવામાં આવેલા. ‘રંગલો જામ્યો કાલિન્દીને કાંઠે’, ‘પ્રભાતિયા’,  કર્ણપ્રિય રહ્યા. પ્રસંગોપાત નદીના પાણીનો ખળખળ અવાજ, કુકડાનો અવાજ, પંખીઓનો કલરવ પણ ઓક્ટોપેડ ના સથવારે સાથ પુરાવી ગયા.
શ્રી, ઇન્દ્રવદન ત્રિવેદી અને તેમના સિનીયર્સ સાથી કલાકારોને ખુબ ખુબ અભિનંદન.
અવલોકનકાર- શ્રી. નવીન બેન્કર      લખ્યા તારીખ- ૨૧ જુલાઈ ૨૦૧૫
**************************************************************

                     

 


Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.