દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ( ૨)
દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ( ૨)
હમણાં, હ્યુસ્ટનથી પ્રકાશિત થતા એક અંગ્રેજી અખબાર ‘વોઇસ ઓફ ઇન્ડીયા’ માં એક ‘એવોર્ડ’ અંગેની જાહેરાત જોવામાં આવી. જેમાં, ટેલન્ટેડ ભજન સીંગર્સ ની શોધ અને તે દ્વારા અપાનાર એવોર્ડની વાત હતી.
થોડાક વર્ષો પહેલાં પણ આવી જ એક જાહેરાત જોવામાં આવેલી અને હ્યુસ્ટનના જ એક જાણીતા ગુજરાતી ભોજનાલયમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ભજનિકોને ભેગા કરીને,સંગીતસંધ્યા કરવામાં આવેલી તથા સર્ટીફીકેટો અને એવોર્ડ અર્પણ કરવામાં આવેલા.
કોઇને પણ, એ સર્ટીફીકેટો અને એવોર્ડ પ્રદાન કરનાર વ્યક્તિ કે કહેવાતી સંસ્થા વિશે સંશોધન કરવાની પડી ન હતી. કોઇપણ ચલતોપુર્જો માણસ જાતે જ સર્ટીફીકેટ આપે અને કોઇ રૂપાળા નામથી એવોર્ડનો PLAQUE બનાવડાવી ભજનિક કે કલાકારને, પાંચ-પચ્ચીસના ટોળા (!) સામે અર્પણ કરી દે એટલે એ મેળવનાર કૃતકૃત્ય થઈ જાય અને પોતાને એવોર્ડ મળ્યો માનીને એક વેંત અધ્ધર ચાલવા લાગે. આવી કોઇ સંસ્થા ખરેખર છે કે નહીં, એ સંસ્થા રજીસ્ટર્ડ થયેલી છે કે નહીં, એ સંસ્થાએ અગાઉ કઈ સમાજસેવાની પ્રવૃત્તિઓ કરેલી છે એ બધાની ભાંજગડમાં પડવા કોઇ નવરૂ નથી હોતું.
પછી… આ બહુમાન મેળવનાર ગાયકો /કલાકારો / સંગીતકારો / વાદ્યકારો ના સાથ અને સહકારથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. કોમ્યુનિટીના શ્રીમંત દાતાઓ પાસે ટહેલ નાંખવામાં આવે કે અમે, લોકલ આર્ટીસ્ટોને પ્રકાશમાં લાવવા એક મહાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. આપ તેના સ્પોન્સર થાવ, એને પ્રમોટ કરો અને સેવા, સંસ્કૃતિ અને સ્પીરીચ્યુઅલ એકતાની ભાવનાની દ્ર્ઢ કરતા આ સામાજીક કાર્યમાં આપનો ફાળો નોંધાવો.સમાજના ત્રીસ-ચાલીસ મહાનુભાવોનો સંપર્ક કરતાં, પાંચ-દશ બોકડાઓ (!) તો મળી જ આવે. એમને આગલી હરોળની વીસ વીસ ટીકીટો મફતમાં આપી દેવાની અને પાંચસો પાંચસો ઉઘરાવી લેવાના. શુક્રવાર જેવા ચાલુ ( વર્કીંગ) દિવસે, જુના સ્ટેફોર્ડ થિયેટર જેવો હોલ સસ્તા દરે બુક કરી લેવાનો. આર્ટીસ્ટો તો મફતિયા જ હોય, વળી લોકલ હોય એટલે એમને વાહનવ્યવહાર કે મોટેલમાં રાખવાનો તો ખર્ચ આપવાનો હોય જ નહીં. પ્રેક્ટીસ માટે પણ એ લોકો ગાંઠનું પેટ્રોલ બાળે અને કોસ્ચ્યુમ્સ પણ જાતે જ ખરીદે. દરેક કલાકારના ફેમિલી અને મિત્રો માટે ય દસ-વીસ પાસ આપી દેવાના. અને ટીકીટો પણ વેચવા એમને જ કહેવાનું. પોતે સ્ટેજ પર પરફોર્મ કરવાનો છે એ બતાવવા, એ લોકો દસ-વીસ ટીકીટો શરમાશરમીમાં વેચી આપે. એટલે અડધુ ઓડીયન્સ તો ભરાઇ જ જાય. છતાં ટીકીટો ન વેચાય તો એકદમ સસ્તા દરે કોઇ ક્લબ કે સંસ્થાને જથ્થાબંધમાં ટીકીટો આપી દેવાની. કેટલાક સિનિયર્સ સીટીઝન્સ મંડળો એમને મળી જ જાય. કલાકારોને, કોઇ રેસ્ટોરાંમાં ભોજનની પાર્ટી આપી દેવાની અને સર્ટીફિકેટો કે એવોર્ડની લહાણી કરી દેવાની. રેસ્ટોરન્ટવાળાને પણ આગલી હરોળની ટીકીટો આપી દેવાથી એ, કલાકારોને મફતમાં જમાડી દે એવું યે બને. સ્પોન્સરર્સને પણ સ્ટેજ પર બોલાવીને એમની સમાજસેવા માટે બિરદાવવાના અને એવોર્ડ આપી દેવાના. દરેક શહેરમાં જાણીતા બિઝનેસમેનો જેમાં ખાસ તો જ્વેલરી સ્ટોર્સના માલિકો, ઇલેક્ટ્રીક કંપનીઓ, મોટેલવાળા આવા સાંસ્કૃતિક કાર્યોમાં ફાળો આપવા તૈયાર જ બેઠા હોય છે. સ્ટોર્સના માલિકો તૈયાર ન થાય તો એમની જાજરમાન રૂપાળી પત્નીઓને મીઠા મીઠા શબ્દોથી મસ્કા લગાવીને તૈયાર કરી શકાય. સ્ટેજ પરથી ચાલુ કાર્યક્રમે એ જાજરમાન ( સારા શબ્દોમાં સ્થુળ શબ્દની જગ્યાએ જાજરમાન શબ્દ લખવામાં આવે છે ) સ્પોન્સરરનો ઉલ્લેખ કરીને એમને બિરદાવવાના. કાર્યક્રમને અંતે, સ્ટેજ પર એમને બૂકે એનાયત કરતી વખતે પણ એમના ડ્રેસકોડ અને પસંદગી અંગે અહોભાવના બે શબ્દો કહેવાથી, એ બીજા આવા કાર્યક્રમના સ્પોન્સર થવા તૈયાર થઈ જવાના. જો કે બધા માટે આ શક્ય નથી હોતું. આને માટે તમારી પાસે મોહક વ્યક્તિત્વ, વાચાળતા અને થોડુંક સંગીતનું કે નૃત્યનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે.
ગયે વર્ષે, એક ચલતાપુર્જા ગાયકે, પોતે અનુપ જલોટાનો એજન્ટ છે એમ ઓળખાણ આપીને, એક ખુબ જાણીતા પ્રીસ્ટને બાટલામાં ઉતારીને ચાર હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો હતો.
કોઇ સારો કલાકાર હોય એટલે એ સારો માણસ પણ હોય એ જરૂરી નથી. કોઇ જર્નાલીસ્ટ એ કલાકારના કાર્યક્રમને બિરદાવે કે એ કલાકારની કલાકાર તરીકે ઓળખ આપે એટલે એ કલાકાર, ચલતોપુર્જો નહીં જ હોય એમ માની લેવું ના જોઇએ.
બાકી તો….દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે….
નવીન બેન્કર ( લખ્યા તારીખ- ૮ /૮/ ૨૦૧૫ )