એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અમેરિકામાં યે અંધશ્રધ્ધા ! » અધોગતિનું મૂળ- અંધશ્રધ્ધા

અધોગતિનું મૂળ- અંધશ્રધ્ધા

ગઈકાલે એક મંદીરના પટાંગણમાં ,જ્યાં ભાગવત પારાયણ ચાલી રહી છે ત્યાં એક શુભ્રધવલ સદરો પહેરેલા પ્રતિભાશાળી ગુરુજી મળી ગયા. એ પોતે કથામાં બેઠા ન હતા. માત્ર સોશ્યલાઇઝેશનાર્થે અને પોતાના ‘ધામ’ના પ્રચારાર્થે તથા ‘મહાપ્રસાદ’નો લાભ લેવા જ પધારેલા હતા. આવા ગુરુજીઓનું માર્કેટ આવા મંદીરોમાં આવતા ભક્તો જ હોય છે. જે પરિચીત મળે તેને તેઓશ્રી. સમાચાર આપતા હતા કે આપણા ‘ધામ’ ની વાત તો હવે ગૂગલ પર પણ મૂકાઇ ગઈ છે.અને ફલાણા ફલાણા ‘અવતાર’ ( જીવંત માણસને જેમણે અવતાર તરીકે ઠઠાડી દીધા છે તે ) ના જન્મદિવસની ઉજવણી ઓગસ્ટ માસની અમુક તારીખે આપણે નક્કી કરી છે અને આમંત્રણો પણ મોકલાઇ રહ્યા છે. કોન્સ્યુલેટ પણ પધારવાના છે તો તમે જરુરથી પધારજો.
મારો દાવો છે કે હ્યુસ્ટનમાં એકે ય માણસ એ કહેવાતા ‘અવતાર’ વિશે કશું ય જાણતો નહીં હોય કે કશું સાંભળ્યું પણ નહીં હોય. છતાં મને ખાત્રી છે કે એમના જન્મદીનની ઉજવણીમાં ‘ ખાવા’ માટે અમૂક વર્ગ જવાનો, કોઇ મહાનુભાવો પણ જવાના, પછી પેલા બાજીગર એમના ફોટાઓ છપાવીને, કોઇ સાઉથ ઇન્ડીયન પત્રકાર પાસે અહેવાલ લખાવીને આટલા ‘ઘેટાનું ટોળુ’ આ ઉત્સવમાં હાજર હતું એવું છપાવશે. બીજી વખત પેલું ટોળુ વધારે સંખ્યામાં આવશે. અનુયાયીઓ વધતા જશે.ભવિષ્યમાં એક આખો સંપ્રદાય ઉભો થઈ જાય તો યે નવાઇ નહીં. બાજીગર ગુરુજીને ઘેટાનું ટોળુ વાંકા વળી વળીને ચરણસ્પર્શ કરશે. હમણાં થોડા સમય પહેલા આવા એક ‘માતાજી’ના ચરણસ્પર્શ કરતી સાઉથ-ઇન્ડીયન મહીલાઓને તો હ્યુસ્ટનની ધર્મપ્રેમી જનતાએ જોઇ જ છે.
આ છે આપણી અધોગતિનું મૂળ. -અંધશ્રધ્ધા.
કોઇના કહેવાથી કશું માની ના લો. કોઇ કહે કે આ ફલાણો અવતાર છે એટલે માની ના લો. પ્રશ્નો પુછો કે-‘ભાઇ, આપ આ વિભૂતિને ક્યારે મળ્યા ? એમણે કયા મહાન કાર્યો કર્યા છે ? આપે આ વિભૂતિનો સાક્ષાત્કાર કર્યો ખરો ? જો કર્યો છે તો એ સાક્ષાત્કારી અવતાર આપને ભોજન કેમ નથી આપતા અને આપે અમેરિકાની સરકારના ‘વેલફેર’ પર આપના ઓરીજીનલ નામે કેમ જીવવું પડે છે ? આપ આપની જાતને ફલાણા ‘પ્રભુ’ કહેવડાવો છો અને આપના વેલ્ફેરના ચેકો તો કોઇ બીજા જ નામે આવે છે. શા માટે ? આપના ‘ધામ’ની લીઝ કોના નામે છે ?’
એટલે એ ગુરુજી પોતાના અસલ સ્વરુપનું આપને દર્શન કરાવશે અને ત્રીજુ નેત્ર ખોલીને કહેશે-‘ આ શ્રધ્ધાનો વિષય છે. તમારા જેવા નાસ્તિક અને પાપી માણસ ધર્મનું હાર્દ જાણી શકે નહીં. તમે જ હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા બેઠા છો.થોડા જ દિવસોમાં પ્રભુ તમને તમારા આ નાસ્તિક વિચારો માટે દંડ કરશે. પરચો દેખાડશે.’ ( તમે ડરપોક હશો તો ડરી જશો અને વિચારવા લાગશો કે ‘આપણે શું ?આપણે શું કરવા કોઇ દુશ્મન ઉભા કરવા !’) હું જુવાન હતો ત્યારે આવા કેટલાય ઢોંગી જ્યોતિષીઓ અને ધુતારાઓને જાહેર રોડ પર ફટકાર્યા હતા.
હવે તમે પોતાની તર્કશક્તિ અને વિવેકબુધ્ધીની સરાણે ચઢાવીને આખી વાતને મૂલવજો. હું કહું છું માટે મારી વાત માનવાની પણ જરુર નથી.
શ્રીરામ…શ્રીરામ….

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.