એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારા દિલની વાતો » મારે કંઈક કહેવું છે.

મારે કંઈક કહેવું છે.

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

જીવનના લગભગ સાત દાયકા વટાવ્યા બાદ હું મારા જીવનના સંસ્મરણો લખવા બેઠો છું.માનવજીવન સદાકાળ સુખદુખોથી,સમસ્યાઓથી,સોનેરી સ્વપ્નોથી,આશા-આકાંક્ષાઓથી અને ક્યારેક અસહ્ય વેદનાઓથી પણ વ્યાપ્ત થયેલું છે.
વર્ષો પહેલા પણ આવું જ હતું. આજે પણ એવું જ છે અને કાલે પણ એવું જ રહેવાનું છે.એના બાહ્યરુપમાં ભલે ફેરફાર થતાં હોય પણ એની સમસ્યાઓ નવા સ્વરુપો ધારણ કરતી જ રહેવાની અને મારા સંવેદનશીલ હ્ર્દયને આહવાહન આપતી જ રહેવાની.મારા અનુભવો કે મારા સંસ્મરણોને કાગળ પર ચિત્રિત કરવાની ક્ષમતા મારામાં છે એની મને પ્રતિતી થઈ ચુકી છે.છતાં જે વિષય પર મેં ૫૦ વર્ષ પહેલાં લખ્યું હોય એજ વિષય પર આજે આ ઉંમરે એટલે કે સિત્તેર વર્ષની ઉંમરે લખતાં થોડો ફેર તો પડવાનો જ.કારણ કે ૫૦ વર્ષ પહેલાં હું ૨૦ વર્ષનો,યુવાનીથી થનગનતો યુવાન હતો અને આજે ૭૦ વર્ષનો સિનિયર સિટિઝન છું.( જોયું, હજી વ્રુદ્ધ લખવાની હીંમત નથી ?). આ ઉંમરે અગાઉના કાવ્યાત્મક ભાવનું,ચિંતનશીલતામાં રુપાંતર થયું હોય એમ પણ બને ! આ વર્ષો દરમ્યાન મારા વ્યક્તિત્વમાં, મારા ગમા-અણગમામાં,પસંદગી,ધ્યેય,સ્વપ્નો બધું જ બદલાઈ ગયું હોઈ શકે.લખાણની રચના,શૈલીમાં પણ ફેર પડ્યો હશે.મારી પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે.જેના મારે પોતાને ઉકેલ શોધવાના હોય છે. અને  એ સમસ્યાઓને વ્યક્તિગતમાંથી સમષ્ટીગત બનાવીને મારા મિત્રો, વાંચકો સમક્ષ રજુ કરવી હોય છે.એ માટે મારે પાત્રો સર્જવા પડે છે. કાગળ પરના એ પાત્રોને લોહીમાંસના બનેલા જીવતા માણસની માફક હરતાં ફરતાં અનુભવું છું. એ માટે મારો તર્ક,નિરીક્ષણ કલ્પના બધું જ કામે લગાડું છું. કાગળ પર ચિતરેલા એ પાત્રોમાં હું લખતી વખતે ખોવાઈ જાઊં છું. આ તો થઈ મારી વાર્તાઓની પાર્શ્વભુમિકા. આ પાનાઓ પર હું વાર્તાઓ નથી લખવાનો. મારી જિંદગીનાં કેટલાક સંસ્મરણો, મારા પરિચયમાં આવેલી કેટલીક વ્યક્તિઓના રેખાચિત્રો દોરવાનો છું.દા.ત. મારી દાદીમા,મારી મા, મારા પિતાશ્રી, મારા કાકા,મારી બહેનો,બનેવીઓ,મારી ખુબ વહાલી પત્ની,મારા અંગત મિત્રો,કેટલાક સાહિત્યકારો,કવિઓ,લેખકો,ફિલ્મી કલાકારો,નાટ્યજગતના ધુરંધરો,કેટલીક સંસ્થાઓના પ્રમુખો,ટ્રસ્ટીઓ,સંપાદકો, વગેરે..વગેરે..માત્ર અને માત્ર સત્ય જ લખવાનો મારો પ્રયાસ રહેશે. છતાં,ઘણી વખત આપણે જેને સત્ય માનતા હોઈયે એનો બીજો ચહેરો પણ હોઈ શકે.કાશ્મિર અંગેનું ભારતનું સત્ય એક હોય અને પાકિસ્તાનનું સત્ય અલગ પણ હોય એવું યે બને.છતાં શક્ય એટલી તટસ્થતાથી અને જે રીતે એ વ્યક્તિને મેં જોઈ હોય અને સમજ્યો હોઊ એ રીતે આલેખવાનો મારો પ્રયાસ રહેશે. મારા વ્યક્તિત્વના ઘડતરમાં જે જે વ્યક્તિઓનો ફાળૉ રહ્યો છે તેમને તો હું કેમ જ ભુલું ?  યાદ રહે કે આ મારી આત્મકથા નથી. આત્મકથામાં તો નિર્ભેળ સત્ય જ હોવું જોઈયે. એ તો માત્ર મહાત્મા ગાંધી જ કરી શકે. મારા જેવા ક્ષુદ્ર,પામર માનવીનું એ ગજુ નહીં એટલી સ્પષ્ટતા હું નિખાલસપણે કરવી જરુરી સમજું છું.અસ્તુ.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.