એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015 » August

‘ધર્મ’ અંગે મારા વિચારો (૨) – નવીન બેન્કર

August 30th, 2015 Posted in મારા દિલની વાતો

Navin Banker (4) Navin Banker (5) PASSPORT PHOTO VAISHALI(5) Baku-Baku at Age 65 Navin Banker with Arvind Thekadi Navin Banker-1961 & 2011 MERI MAA- Jab Mai uske pet me thaa. Baku-Baku at Age 5 Me & My Baku (2) 13-5-1963 Bankers

ધર્મ અંગે મારા વિચારો  (૨)

 હું ટીલાંટપકાં ન કરું; પણ હું આધ્યાત્મીક છું. દુનીયાને ચલાવનારી કોઈ શક્તી તો છે જ.  માનવ શરીરને જ જુઓ. અને શરીરની બધીપ્રક્રીયાઓનું નીરીક્ષણ કરો. તો તમે પણ એ પરમશક્તીમાં માનતા થઈ જશો.
હું તેત્રીસ કરોડ દેવીદેવતાઓમાં નથી માનતો. કૃષ્ણ…રામ.. એ બધા સારા રાજાઓ હશે અને એમણે પ્રજા માટે સારા કામો પણ કર્યા હશે અને આપણી વ્યક્તિપૂજક પ્રજાએ એમને ‘ભગવાન’ બનાવી દીધા હશે અને પૂજવા માંડ્યા હશે. આજે કોઇ સંપ્રદાયના ધર્મગુરુને આપણે ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ બનાવી દીધા છે એમ જ એ જમાનામાં એમને ભગવાન બનાવી દીધા હશે. સાંઇબાબા અને જલારામબાપા ભક્ત હતા .એમને પુજનીય ગણીએ ત્યાં સુધી મને વાંધો નથી. પણ એમને ભગવાનનો દરજ્જો આપી દઈને તેમના મંદીરો બાંધીને ઘંટ વગાડવાની વાત મને માન્ય નથી. સંતોષીમાતા ને મેલડીમાતા ને  કાળીમાતામાં મને જરાય શ્રધ્ધા નથી. મહાદેવજીને દૂધ ચડાવવાની કે ગણેશોત્સવ કરીને ગણેશજીનું વિસર્જન કરવાના ઘોંઘાટીયા ઉત્સવો ઉજવવાનો હું વિરોધી છું.
મને ધર્મના નામે ચાલતાધતીંગો નથી ગમતા. અને  જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથીગમતા. હા, પરન્તુ  જગતને  નીયંત્રણમાં રાખનાર કોઈક  શક્તી છે. તેને હું  નમું  છું અને એને જ ભગવાન માનું છું.
સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે આંખો મીંચીને હું એ સર્વશક્તિમાનને વંદન કરીને તેમને યાદ કરું છું. મેં ક્યારેય દીવો-ધૂપ કર્યા નથી. મારા બાપે પણ કર્યા ન હતા.
એ સર્વશક્તિમાનને યાદ કરવા માટે,મારે પણ કોઇ સ્વરુપની જરુર પડે છે અને નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે કૃષ્ણ અને રામ તો હાડમાંસના બનેલા માનવો હતા. એમને તો આપણે ભગવાન તરીકે ઠઠાડી દીધા છે પણ ભોળા શંભુ- મહાદેવજી- તો સાચા પ્રભુ છે એટલે પ્રભુનું સ્મરણ કરતી વખતે હું મહાદેવજીના પ્રચલિત સ્વરુપને નજર સમક્ષ રાખું છું. એટલી આસ્તિકતા મારામાં છે.
નવીન બેન્કર
 
 

પાનખરે ખીલ્યા ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર

પાનખરે ખીલ્યા ફૂલ                   નાટ્ય-અવલોકન-  શ્રી. નવીન બેન્કર

સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા  પ્રતિભા રાવલ નાટકો કરતા હતા ત્યારે હું  રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં  એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા,  સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.

આ પ્રતિભા રાવલે લગભગ  ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.

ઘનશ્યામ દેસાઇના પત્ની, પૈસા, ધનદોલત, મોટર, બંગલા, નોકરચાકર અને વૈભવના મોહમાં, પતિની ગરીબી અને કલાનો ઉપહાસ કરીને એક શ્રીમંત સાથે નાસી જાય છે. ઘનશ્યામ દેસાઇ નોકરી અને ગામ છોડીને દૂર આવીને વસે છે, જ્યાં તેમની પાછલી જિન્દગીને કોઇ જાણે નહીં અને કોઇ ઓળખે નહીં.સંગીતના ટ્યુશનમાંથી જે પૈસા મળતા તેમાંથી બન્ને સંતાનોનો ઉછેર કરવા લાગ્યા. તેમના જીવનમાં આશાવરી નામની શિષ્યા આવી અને પરોક્ષ રીતે સંતાનોના ઉછેરમાં મદદ કરતી રહી. એક પરિણીત સ્ત્રી ,પોતાના સંતાનોને છોડીને ભાગી ગઈ અને બીજી અપરિણીત સ્ત્રીએ  તેના સંતાનોને સંભાળી લીધા.

સંગીતકાર  ઘનશ્યામ દેસાઇની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. ઘનશ્યમભાઇના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા  ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે.  દીકરી સરિતા ( રુહીન ઘોરી )નું સગપણ , મીસ્ટર પરીખ  ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર  (પૂરબ મહેતા)  સાથે થવાનું છે. સંગીતકાર ઘનશ્યામ દેસાઇને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી  આવે છે.જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ.  ઘનશ્યામ દેસાઇના બન્ને સંતાનોના લગ્ન થઈ જાય છે એ પછી ઘનશ્યામ દેસાઇ આશાવરીને ઘેર લાવે છે અને સંતાનોને તેનો પરિચય કરાવતા જણાવે છે કે આશાવરીએ પત્ની અને માતા તરીકેની ફરજ અદા કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી છે. પરંતુ, ફરજ બજાવનાર પિતા અને ત્યાગમૂર્તિ આશાવરીનો સંબંધ સંતાનોને સ્વીકાર્ય ન હતો.

કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, ઘનશ્યામ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.

પ્રેમી ઘનશ્યામના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવલ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. ઘનશ્યામ દેસાઇના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.

નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.

જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન  કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો. કુમુદ રાવલ અને પ્રતિભા રાવલની અટક માં જ સામ્ય છે. બાકી ધે આર નોટ રીલેટેડ.

બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !

નવીન બેન્કર ફોન નંબર-૭૧૩-૮૧૮-૪૨૩૯    ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )

 

ધર્મ અંગે મારા વિચારો (૧)

August 28th, 2015 Posted in મારા દિલની વાતો

 

ધર્મ અંગે મારા વિચારો (૧)

 

હ્યુસ્ટન ( ટેક્સાસ ) થી પ્રસિધ્ધ થતા

 ઇન્ડીયા હેરલ્ડના ૨૭ ઓગસ્ટના અંકમાં, પ્રથમ પાને છપાયેલ એક સમાચારના આધારે આ વાત લખું છું.

 ગળથુથીમાં ‘ધરમ’નું અફીણ છે એવી આપણી પ્રજા  કદી સત્ય સમજવાની જ નથી અને ગઠિયાઓ પાસે લૂંટાવવાનું છોડવાની નથી. 

 બની બેઠેલા આવા ધુતારાઓ પાસેથી સલાહો મેળવવાનું છોડો. 

ક્રેડીટ કાર્ડથી ધુતારાઓને પેમેન્ટ આપીને પસ્તાશો નહીં. 

ભગવાને કોઇ એજન્ટો નીમ્યા નથી. 

વગર મહેનતે તાગડધિન્ના કરનારાઓથી ચેતો. 

ભગવા જોઇને નમી પડવાનું છોડો. 

આ મંદીરો…આ ટ્રસ્ટો…ભગવાનને મળવા માટે નથી. તમને બેવકૂફ બનાવીને , પોતાની સાત પેઢીને તારવા માટે અને એમને ભગવાન બનાવીને પૂજાવા માટેના રસ્તા બનાવવાની ચાલબાજી છે. 

 તમે ધરમને નામે શું કરો છો ? અઢાર પેઢી પહેલા થઈ ગયેલા કોઇ સાચા સંતને ભગવાન બનાવી દઈને  પેઢી દર પેઢી પુજતા જાવ છો અને એમના વંશજો પરદાદાના નામે, પોતપોતાની ‘પેઢીઓ’ ખોલી ખોલીને ટોઓટા અને મર્સીડીસોમાં ફરતા અને એરકન્ડીશનમાં રહેતા થઈ જ ગયા ગયેલા છે. હજાર કરોડ રુપિયાની સંપત્તિ ઉભી કરી દઈને તમને ‘બધું ત્યજી દઈને, બાવા બનાવી દેવાની શિખામણો આપે છે.

 વારતહેવારે, પ્રસંગે, એ ભગવાનોને ‘ધર્મના બજાર’માં ઉભા કરી દઈને, ફલાણો મહોત્સવ અને ઢીંકણો મહોત્સવ એવાં નામો આપી દઈને , રસીદોની પાવતી બુકો મંદીરના દરવાજા પાસે ટેબલો ગોઠવી દઈને, ઉઘરાણા કરીને પોતાના ઘર ભરે છે. પાછા પોતે તો આલિશાન મહેલો જેવા ઘરોમાં, એરકન્ડીશનમાં રહેવા અને લેક્સસો ફેરવવા છતાં, મેડીકેઇડ અને ફૂડ કૂપનો મેળવતા હોય છે. કારણ કે પૈસા તો ટ્રસ્ટના નામે હોય કે પુત્રો, પુત્રીઓ કે પૌત્રીઓના નામે કરી દીધેલું હોય. 

ભગવાન મંદીરોમાં નથી.ત્યાંતો પથ્થરની મૂર્તિઓ હોય છે, જે આતંકવાદીઓથી પોતાની જાતનું પણ રક્ષણ કરવા અસમર્થ છે. એ તો તમારી શ્રધ્ધા જ એમને ભગવાન બનાવે છે. 

ભગવાન તમારા અને મારા હ્રદયમાં જ છે. તમે અંતરને ડંખે એવું કાર્ય ન કરતા હો તો તમારે મંદીરોના પગથિયા ઘસવાની જરુર નથી. સવાર-સાંજ તમારા જે કોઇ ઇષ્ટદેવ હોય એનું સ્મરણ કરી લો એટલે પત્યું !

નવીન બેન્કર-

 

 

 

                     .

મહાભારતની એક રોમેન્ટીક કથા- નવીન બેન્કરની નજરે

August 28th, 2015 Posted in સંકલન્

મહાભારતની  એક  રોમેન્ટીક કથા-  નવીન બેન્કરની નજરે

યમુનાના વહેણમાં એક નૌકા સરતી સરતી કિનારા તરફ જઈ રહી હતી. એ નૌકા ચલાવનારી શ્યામ આંખોવાળી ( અસિતલોચના) મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એ માછીમારની પુત્રી હતી. સત્યવતીનું સૌંદર્ય  અનુપમ હતું.પરંતુ એના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. આ સત્યવતીની નાવમાં ઋષિ પરાશર બેઠા હતા. મહાભારત કાળમાં સ્ત્રીઓ આજીવિકા અર્થે કામ કરતી હતી.
માછલીની ગંધથી ગંધાતી છતાં એ અનુપમ લાવણ્યમયી યુવતી પર પેલા મહામૂનિ, જ્ઞાની,  તપસ્વી એવા પરાશર મુનિ મોહી પડ્યા અને અત્યંત કામવશ બનેલા એ કહેવાતા ઋષિએ મધુર મધુર વાતો કરીને સત્યવતીને લલચાવી અને પોતાના બાહુપાશમાં જકડી લીધી. પોતે ના પાડશે તો ઋષિ શ્રાપ આપશે એવી બીકને લીધે સત્યવતી એ કહેવાતા ઋષિને ના ન પાડી શકી અને પરાશર મુનિ સાથે ચાલુ નાવે જ મૈથુનાનંદમાં એકાકાર થઈ ગઈ. ( આજના જમાનામાં ચાલુ બસમાં કે ટ્રેનમાં કામાવશ પુરુષો બળાત્કાર કરી બેસે છે એવું મહાભારતના જમાનામાં પણ થતું હશે એવું આ કથામાંથી જણાઇ આવે છે. )
નાવ એક ટાપુ પર પહોંચી ત્યારે ઋષિએ સત્યવતીને કહ્યું કે- ‘આપણા આ સંભોગને કારણે મારા થકી પેદા થયેલા આ ગર્ભનું તું જતન કરજે અને તને ભવિષ્યમાં લગ્ન કરવામાં કોઇ જાતની તકલીફ ન પડે એ માટે તેં મારી સાથે સંભોગ કર્યો છે તે છતાં તું કૌમાયાવસ્થાને ( વર્જીનીટી ) પ્રાપ્ત કરીશ અને તારા શરીરમાંથી  આ જે માછલીની દુર્ગંધ આવે છે તેને હું દૂર કરી દઈને જીવનભર ટકે એવી અને દુર દુર સુધી ફેલાય એવી સુગંધનું વરદાન આપું છું. હવે પછી તું યોજનગંધા તરીકે ઓળખાઇશ, આમ, મત્સ્યગંધા, યોજનગંધા બની ગઈ.
આ કથામાંથી શું તારતમ્ય નીકળે છે એ તમે સમજ્યા ?  માછલી જેવી ગંધથી ગંધાતી હોય પણ સ્ત્રી જો રુપાળી હોય તો ગમે તેવા જ્ઞાની-મુની ઋષિ પણ ચાલુ નાવમાં ‘શ્રીરામ શ્રીરામ’ કરવા (!)  તત્પર થઈ જાય છે. એ વખતે પેલી  ગંધ પણ એમને નથી આવતી. આજે રજસ્વલા સ્ત્રી સાથે આવા કારણોસર પુરુષો સમાગમ કરવાનું ટાળતા હોય છે.
પરાશર મુનિ અને સત્યવતીના સંભોગથી એક પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્ર તે મહર્ષિ વેદવ્યાસ. લગ્ન વગર માતા બની ચુકેલી સ્ત્રીનું સંતાન એ કૃષ્ણદ્વૈપાયન કહેવાતા વ્યાસમુનિ. આ જ સ્ત્રી, પાછળથી ભીષ્મપિતાની માતા બની.
હવે આગળ વાંચો આ સત્યવતીની કથા.
ઋષિ પરાશરના વરદાનને કારણે એનું લાવણ્ય, અનન્યપુર્વા ( વર્જીન)  બનેલી આ સ્ત્રી એટલી તો નયનમનોહર અને હૃદયલુભાવન બની ગયું હતું કે હસ્તિનાપુરના રાજા  મહારાજા શાંતનુ  એની નાવમાં નદી પાર કરવા બેઠા ત્યારે એના પર મોહાંધ બની ગયા. એ સમયે રાજા શાંતનુ આઠ આઠ પુત્રોના પિતા બની ચૂકેલા અને એમનો આઠમો પુત્ર એ દેવવ્રત કે જે પાછળથી ભિષ્મ પિતા કહેવાયો. દેવવ્રતને યુવરાજપદે સ્થાપ્યા પછી અને પત્નીની ચિરવિદાય પછી છત્રીસ વર્ષ સુધી પત્ની વગરનું શુષ્ક જીવન વિતાવ્યા બાદ, વનવિહાર કરવા નીકળેલા આ વૃદ્ધ રાજા સત્યવતી પર મોહી પડ્યા અને લગ્ન કરવાની માંગણી કરી. એ જમાનામાં પણ  પૈસાપાત્ર વૃદ્ધો પૈસા અને સત્તાના જોરે રુપાળી યુવાન સ્ત્રીઓને પત્ની બનાવતા હતા.
પછીની વાત તો બધા જાણે છે જ કે વૃદ્ધ પિતાની ઇચ્છા પુરી કરવા યુવાન દેવવ્રતે આજીવન લગ્ન નહીં કરવાની  ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને  ઘરડા બાપને યુવાન સ્ત્રી સાથે પરણાવ્યા. ઉત્કટ પિતૃપ્રેમને કારણે રાજા યયાતિના પુત્ર પુરુએ પણ પોતાનું યૌવન પિતાને સમર્પી દઈને  અકાળે વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધેલી.
માણસ સમૃધ્ધ હોય, સમર્થ હોય, સત્તાવાન હોય ( અને  NRI  હોય તો ) ત્યારે એને ગમે તે ઉંમરે કામેચ્છા થતી હોય છે અને એ પુર્ણ કરવા , પોતાના જીવનને નવપલ્લવિત કરવા  એ યુવાન સ્ત્રીની શોધ કરતો જ હોય છે.પુનર્લગ્ન કરવા માટે પણ એ ચાલીસથી નીચેની ( મેનોપોઝ અને થાઈરોઇડ વગરની ) રુપાળી સ્ત્રીને જ પ્રાધાન્ય આપતો હોય છે. એ વાત જુદી છે કે એ રુપાળી સ્ત્રી પરણે સમર્થ વૃદ્ધને અને શોધે યુવાન બોયફ્રેન્ડ !  અને… એ જમાનામાં  DNA TEST તો થતા જ નહોતા ને !
ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ કોઇ ઋષિનું સ્વરુપ લઈને, ઋષિની ગેરહાજરીમાં ઋષિપત્ની સાથે સમાગમ કરી આવ્યાના દાખલા પુરાણોમાંથી મળી આવે છે. ભગવાન શંકર પણ ભીલડી પર મોહી પડેલા.
સત્યવતીને બે પુત્રો થયા. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમના પુત્રો તે પાંડુ અને ધૃતરાષ્ટ્ર. અને એમના સંતાનો તે પાંડવો અને કૌરવો…પણ આપણને એમની વાતોમાં રસ નથી.
દ્રૌપદી જેવી અતિ સૌંદર્યવાન સ્ત્રીના પતિ થયા પછી પણ અર્જુને, વનવાસ દરમ્યાન આઠ આઠ સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા. ભીમે પણ હેડમ્બા સાથે ‘શ્રીરામ  શ્રીરામ’ કરેલું.
મહાભારતમાં તો એટલી બધી આવી કથાઓ છે કે આજથી ૪૮ વર્ષ પહેલાં (૧૯૬૬માં ) મેં આ વાતોને મારી નજરે, મારી રોમેન્ટીક શૈલિમાં લખીને છપાવેલી ત્યારે, ગુજરાત સરકારે  મને કારણદર્શક નોટીસ મોકલેલી અને એક પુસ્તક પર તો કેસ પણ ઠોકી દીધો હતો. અંગત મિત્રોને જ્યારે હું એ કેસના હિયરીંગની  સીલસીલાબંધ વિગતો કહું છું ત્યારે લોકોને સાંભળવાની ખુબ મજા આવે છે.

આ કથા, મહાભારતની છે એટલે કોઇએ નાકનું ટીચકુ ચઢાવવાની જરુર નથી.

 
 

Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal

‘ના’ કહેવાની કળા – નવીન બેન્કર

August 28th, 2015 Posted in અનુભૂતિ

 ‘ના’ કહેવાની કળા                  – નવીન બેન્કર

‘ના’  કહેવાની પણ એક કળા છે, જે ઘણાંને સાધ્ય નથી હોતી. સામાને ખરાબ ન લાગે એવી રીતે વિવેકપુર્ણ ના કહી દેવાથી ઘણી મૂશ્કેલ પરિસ્થિતિઓમાંથી તમે તમારી જાતને બચાવી શકો છો.
 
મારા એક મિત્ર પ્રવિણભાઇ છે. એ કોઇને ‘ના’ કહી જ શકતા નથી. હું એમને છેક બાળપણથી ઓળખું છું.  શાળામાંથી ગુલ્લી મારીને, પ્રતાપ સિનેમામાં પાંચ આનાની ટીકીટમાં પિક્ચર જોવા માટે હું ‘પાવલા’ને ( એ વખતે હું એને પાવલો કહીને બોલાવતો અને એ , મને  નવલો કહેતો.એનામાં ગુલ્લી મારવાની હિંમત જ નહી. પણ મને ના ન પાડી શકતો અને પછી ઘેર ગયા બાદ એની મા-જયામાસી- એની ધોલાઇ કરતા અને હું મારા ઘરમાં સાંભળું એમ મોટેથી કહેતા- ‘ખબરદાર..ખરાબ છોકરાઓની વાદે ચડીને ફિલમ-નાટકને રવાડે ચડ્યો  છું તો !’  કોઇ ઉછીના માંગે તો યે, આનો-બે આના ઉધાર આપી દે. પાછળથી એ બેંકનો મોટો ઓફીસર થઈ ગયેલો અને રીટાયરમેન્ટ સમયે, કોઇ ધપલા માટે એની ધરપકડ થયેલી અને પોલીસ-કસ્ટડીમાં પોલીસના ધોલ-ધપ્પા તેમજ  ડંડા ખાવા પડેલા. જો કે પાછળથી એની નિર્દોષતા સાબિત થતાં છૂટકારો થયેલો.પણ આના મૂળમાં યે, કાગળો તપાસ્યા વગર સહી કરી દેવાની અને ‘ ના’ નહીં પાડી શકવાનું  કારણ જ હતું.
મારા એક બીજા મિત્ર તો અમેરિકામાં જ છે. એકદમ સીધા, સાદા, ભગવાનના માણસ. પુરી પ્રામાણિકતાથી એક સ્ટોર ચલાવે.  એમના સાળાઓ મોટેલના અને ગેસ-સ્ટેશનના ધંધામાં ખુબ કમાયા એ જોઇને એમણે પણ એ ધંધાઓમાં ઝુકાવી દીધું. આ બન્ને ધંધામાં ખુબ પૈસા છે એ સાચું,પણ એ કમાવા માટે કેટલીક પાયાની આંટીઘુંટી આવડવી જોઇએ. એ આવડત  આ મિત્રમાં ન મળે. ભાગીદારો ધંધો ચલાવે અને બેન્કના જે કાગળો પર સહીઓ કરાવે ત્યાં વિશ્વાસે સહીઓ કરી નાંખે. ના કહેવાની આવડત જ નહીં. પરિણામે એપાર્ટમેન્ટમાં રહેનારા એ નોકરિયાતો, ભાગીદારો બનીને પાંચ પાંચ મોટલોના માલિક અને ઇન્ડીયામાં મોટી મોટી પ્રોપર્ટીઓના બિલ્ડરો બની ગયા.અને એ સજ્જન મિત્ર આજે ય મોટેલોની બેન્ક લોનના હપ્તા, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીઓ ચૂકવ્યા કરે છે. એના મૂળમાં ય આ ‘ના’ કહેવાની કળાનું અજ્ઞાન હતું એમ મને લાગે છે.   

દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો છો. પરિણામ શું આવે છે એનું? તદ્દન નહીં જેવી બાબતોમાં તમે તમારી જાતને વેરવિખેર થઈ જતી જુઓ છો. તમારા પાડોશી મંછામાસીનો જ દાખલો લો. તમારા કહેવા પ્રમાણે તમે તમારી સીડી ઉતરીને કાર પાસે આવો ત્યાં તો, મંછામાસી દોડતા આવીને તમારી પાસે લીફ્ટ માંગે છે. કોઇપણ જરુરિયાતમંદને લીફ્ટ આપવી જોઇએ પણ અહીંતો, મંછામાસીના હસબંડ પાસે ય કાર છે, એમના બે દીકરાઓ પાસે ય કાર છે અને પુત્રવધૂ પાસે ય કાર છે. છતાં મંછામાસી તમારી પાસે જ કેમ લીફ્ટ માંગે છે ? મંછામાસીને બધા અવગણે છે, એમની પાસે જોબ કરાવવી છે, એમની પાસે રસોઇ કરાવવી છે, પણ એમને મંદીરે લઇ જવા કે સિનિયર્સની મીટીંગમાં લઈ જવા કોઇ તૈયાર નથી. તમે ના કહેવાની કળા જાણતા નથી એટલે તમારા અગત્યના કામની એપોઇન્ટમેન્ટને ભોગે પણ તૈયાર થઈ જાવ છો અને મંછામાસી એનો લાભ ઉઠાવ્યા કરે છે.

બીજો દાખલો તમારી બહેનપણી અને પાડોશી પેલી હંસા અને રીના નો છે. તમને બન્ને નથી ગમતી. એમના અને તમારા વિચારોમાં આસમાન-જમીનનો તફાવત છે.તમારી વચ્ચે કશું સામ્ય નથી. ઉપરથી એ બન્ને તમારી ઇર્ષ્યા કરે છે, અને તમને બદનામ કરવાની એકે ય તક છોડતી નથી. છતાં તમે એમને મળો છો, એમની સાથે ન જવા જેવી જગ્યાઓ પર પણ જાવ છો. શા માટે ?

હું આ બધું તમને કહું છું પણ હું યે ક્યારેક ‘ના’ કહેવાની કળા નહોતો જાણતો એટલે મેં ય ઘણાં પૈસા ગુમાવ્યા જ છે. દસેક વર્ષ પહેલાં એક મિત્રને રેસ્ટોરન્ટ ખરીદવા મેં લોન આપેલી. એ રેસ્ટોરન્ટ ન ચાલી અને બંધ કરવી પડી. આજસુધી એ પૈસા નથી ચૂકવી શક્યો. ઇન્ડીયામાં મંદીના સમયે કોઇ મિત્રને ધંધા માટે પૈસા આપેલા એ હજુ પાછા નથી મળ્યા.

હવે કોઇ પૈસા ઉછીના માંગે તો હું સવિનય અને શબ્દો ચોર્યા વગર ‘ના’ પાડી દઉં છું.  અમેરિકામાં ૩૩ વર્ષ રહ્યા પછી કોઇ કહે કે મારી પાસે પૈસા નથી તો કોઇ ના માને. ( હા ! અમેરીકાની સરકાર જરુર માને. તમારા પૈસા બેન્કમાં ન હોવા જોઇએ. સરકાર તમને મેડીકેઈડ અને ફૂડ કુપન્સ આપે  એ અલગ વાત છે.)

 હવે, હું કહી દઉં છું કે-‘ ભાઇ, મારી પાસે પૈસા તો છે. પણ આપવાની મારી દાનત નથી.હું એ પૈસા મારી સાથે ઉપર લઈ જવાનો નથી પણ એ અંગે મેં વ્યવસ્થા કરી રાખેલી છે. અને હવે, આ ઉંમરે તમને આપીને, મારે સિરદર્દ લેવું નથી. મારી પાસે ઉછીના આપેલા પાછા મેળવવાનો સમય પણ રહ્યો નથી. અને મારી પત્નીને, પોતાના જ પૈસા માટે પાછલી ઉંમરે ટળવળવાનો કે કરગરવાનો વારો આવે એવું હું નથી ઇચ્છતો. એટલે તમે બીજે ક્યાંકથી સગવડ કરી લેજો.’

આસપાસની વિષમતાઓ, બીજાઓમાં રહેલી અટપટી અને અકળાવનારી વર્તણૂકો તથા જિંદગીના પ્રવાસમાં રોજિંદી બની ગયેલી તડકીછાંયડીઓ તરફ તટસ્થ રહેવાનો એક જ ઈલાજ છે -એમને અવગણવાનો અને સ્પષ્ટપણે કહી દેવાનો કે આઇ એમ નોટ કમ્ફર્ટેબલ વીથ યુ. લીવ મી એલોન. ડુ નોટ કોલ મી એન્ડ ડુ નોટ ડીસ્ટર્બ મી. 

ખરાબ દુનિયામાં રહીને માણસ પોતે પણ પોતાના અંત:સત્વને એવું જ ખરાબ બનવા દે તો પછી એવી પરિસ્થિતિમાંથી ઊગરવાની કોઈ શક્યતા બચતી જ નથી. દુનિયાને તમે બદલી શકતા નથી અને તમે પોતે પણ બદલાવા નથી માગતા કે દુનિયા જેવા થઈ જવા નથી માગતા. આટલું સ્વીકારી લીધા પછી પણ એક હકીકત તો રહે છે જ કે તમારે આ જ દુનિયામાં રહેવાનું છે, આ જ લોકો તમારી આસપાસ હશે એવા વાતાવરણમાં રહેવાનું છે. 

 સતત કાવાદાવાઓમાં રાચતી વ્યક્તિ કે હંમેશાં સાચાનું જુઠ્ઠું અને જુઠ્ઠાનું સાચું કરનારી વ્યક્તિને ઓળખી લીધા પછી એનાથી કિનારો જ કરી લેવામાં મજા છે. 

સામા માણસને એકવાર ખોટુ લાગશે પણ પછી શાંતિ થઈ જશે.

 

સુખી થવું હોય તો સવિનય ‘ના’ કહેતાં શીખો.

નવીન બેન્કર- એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.

 

 

 

નવીન બેન્કર-  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ. 

નવીન બેંકર એટલે એક મસ્ત મઝાનારંગીલા,રસીલા,મળતાવડાનિખાલસઉમદા અને ખુબ  ઊર્મિશીલ માનવતેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂઅમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટકવ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ;તેમનું અવલોકન અને અહેવાલ આબાદ  હોયનાટકસિનેમાફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.

સંકટભરી  જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીનતો વળી નજર સામે સતત ‘ દિવસો પણ વહી જશેનું સૂત્ર રાખી જીવનના ચડાવઊતારની ફિકરનેફાકી કરી ફરનાર અલગારી પણ લાગે.

આજે તેમના ભીતરમાં ડોકિયું કરી વિશેષ પરિચય કરીએ૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં છેતેમના દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિકપણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યુંતેથી પિતાની સ્થિતિ અતિ સામાન્યનાની ચાર બેનો અને એક નાનો ભાઈપોતે સૌથી મોટાંચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં  છોકરો અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતો.પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં ‘વધારાપણ બૂમો પાડીને ખપાવવા જતો.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતો અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતોઅરે બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !
આર્થિક સંકડામણોની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમથયાંસરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યુંઆજે પણ તેમને લાગે છે કે જીંદગીનો  દોર સુવર્ણકાળ હતો.
બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા”  વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અનેપ્રથમ ઇનામપણમેળવેલું. તેમાં તેમની વાક્છટ દાદપાત્ર બની હતીસિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે લેખનનો છંદ લગાડ્યો અને પછી તો   જીવનનો રંગ બની ગયો૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલીઅનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ.ત્યારથી વાર્તાલેખનમાં વેગ આવ્યોઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહીસ્ત્રીશ્રીમહેંદીશ્રીરંગ ડાયજેસ્ટ,આરામમુંબઈ સમાચારકંકાવટીજન્મભૂમિ પ્રવાસીનવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાંઆમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.
નવીનભાઈ કહે છે તેમ તેમની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ છે.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે.તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથીઆભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છેઅતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે.
૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વ. ચાંપશી ઉદ્દેશીના નવચેતનમાં દર મહિને નિયમિત છપાતા.. , પ્રતાપ ઓઝામાર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યામનહર રસકપૂર ,પ્રાણસુખ નાયક, .પી.ખરસાણી , સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે  છે૧૯૭૯માં અમેરિકા આવ્યાંન્યુયોર્કની ‘Russ Togs ‘નામની કંપનીમાં અને સબ-વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો  લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧૯૫ દરમ્યાન  આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયોપછી તો  દિનચર્યા છોડી દીધી૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાઅને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથબઢાવે નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઇનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ છે.
નવીનભાઈને એક કામ અતિ પ્રિય રહ્યું છે અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખનઆવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય અંગેની રસપ્રદ વાતો  નવીનભાઇના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ  પામોમન્નાડેઆશા ભોંસલેઅનુ મલિક,.આરરહેમાન,ધર્મેન્દ્રઅમીરખાનઅક્ષયકુમારબબીતાકરિશ્માપ્રીતિ ઝીન્ટા,પરેશ રાવલપદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય  ! આમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઇન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઇ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગિરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૦૦ જેટલાં અહેવાલો લખ્યાં છેકોઈ સંસ્થામાં આગેવાનીનું પદ  લેકોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના  પ્રદાનને સન્માનપત્રથી નવાજ્યું છેઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો છે.
૨૦૧૩માં તેમના લગ્નને ૫૦ વર્ષ પૂરાં થયા અને પત્ની કોકિલા સાથે પ્રસન્ન દાંપત્ય માણી રહ્યા છેમંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક  સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમેબંસરી વાદન પણ કરી જાણે.ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિહજી આજે ૭૩ વર્ષે પણ ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ  હોલનમાં જઈ નાટકો જોવા જાય .ભગવતીકુમાર શર્મારજનીકુમાર પંડ્યા સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે વિનોદ ભટ્ટવગેરેને અવશ્ય મળેઅમદાવાદનાં પોતાના મકાનમાં જઈએકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો હવે કરે છેકારણ કેદરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવે છે છીપલાં પણ કેવાખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?  –કશું નહિ !
ઇન્ટરનેટ પર તેમનો એક બ્લોગ પણ છે.  બ્લોકનું નામ છે- ;એક અનૂભુતિ  એક અહેસાસ’. ‘મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં ખુલ્લા કર્યા છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.
બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છેકશી યે ઓછપનીક્યારે  ફરિયાદ વગરનાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથીપોતાના ભાઈબહેનો પ્રત્યેનું વહાલ પણ અનન્ય છે.તેમાંની એક હું  હોવાનું ગૌરવ અનુભવું છુંઆજે  વિશેષ પરિચય લખીને મારી કલમને અને પૂસ્વ.માને ધન્ય સમજું છું.  અસ્તુ.
  દેવિકા રાહુલ ધ્રુવ, (હ્યુસ્ટન)
.
 
  Navin Banker                                  .
713-955-6226
http://navinbanker.gujaratisahityasarita.org/

બેલેન્ડપાર્કના બાંકડેથી શ્રી. નવીન બેન્કર

 બેલેન્ડપાર્કના  બાંકડેથી           શ્રી. નવીન બેન્કર

 
બે માસથી ઇન્ડિયા ગયો હતો  એટલે  મારા વગર  બેલેન્ડપાર્કનો  બાંકડો સૂનો પડી ગયો હતો. આ વખતની મીટીંગમાં, ફિલ્મી સંગીત કે એવું કાંઇ ન હતું. યોગા અને એક્સરસાઇઝ જેવા શુષ્ક  વિષયો હતા એટલે મારા જેવા કેટલાક વયસ્ક મિત્રોએ બહાર બાંકડા પર અડીંગા જમાવ્યા હતા. આ વખતે અમારા એક મિત્ર શાંતિલાલને ન જોતાં, મેં અન્ય મિત્રોને તેમના ક્ષેમકુશળ પુછ્યા તો જાણવા મળ્યું કે શાંતિલાલ આજકાલ તેમની એક નવી સ્ત્રીમિત્ર સાથે મૂવી, નાટકો અને સંગીતના કાર્યક્રમોમાં જતા દેખાય છે.
 
આ શાંતિલાલ એટલે પેલા ‘ગરોળીવાળા શાંતિલાલ’ નહીં, હોં ! 
 
 હમણાં જ એમણે બાસઠ વર્ષ પુર્ણ કર્યા છે અને સંસ્થાના નિયમ મુજબ તેમને સભ્યપદ મળ્યું છે. દર મહિનાના ત્રીજા શનિવારે સવારથી સાંજ સુધી,બસમાં પિકનિક પર જવા મળે એટલે સભ્ય થયા છે. બાકી એમને મીટીંગ કરતાં, બાંકડે બેસીને ફડાકા મારવામાં વધુ રસ હોય છે. મારી સાથે એમને વધુ બને છે એટલે અમે પેટછૂટી વાતચીત કરી લઈએ.
 
આ શાંતિલાલને ૪૦ વર્ષનું લગ્નજીવન છે. ચાર યુવાન બાળકો છે. પત્ની બિચારી સીધી સાદી, ભલી-ભોળી અને ધર્મપરાયણ સ્ત્રી છે. એ સિનીયર્સની મીટીંગ-બીટીંગમાં કદી આવતી નથી. શ્રીનાથજીની હવેલી સિવાય એ ક્યાંય જાય નહીં. બધે શાંતિકાકા એકલા જ દેખાય. અમે શાંતિલાલની આ અંગે મજાક ઉડાવીએ.
 
હજી તો એમની વાત શરુ કરી ત્યાં તો શાંતિલાલ દેખાયા. આજે શાંતિલાલ, રાજેશ ખન્નાની જેમ ઝભ્ભો અને પેન્ટ પહેરીને આવેલા. એનું કારણ પુછતાં એમણે કહ્યું કે પ્રોસ્ટેટની તકલીફને કારણે   ‘ત્રીજી ધારના લીકીંગ પ્રોબ્લેમ ‘ ને કારણે ઝભ્ભો પહેરવો શરુ કર્યો છે જેથી….. ( યુ નો વોટ આઇ મીન ! ) 
 
આડીઅવળી વાત કર્યા વગર, અમે એમની નવી સ્ત્રીમિત્ર અંગે જ પૃચ્છા કરી દીધી તો જાણવા મળ્યું કે એમને લગભગ તેમની જ ઉંમરની એક સ્ત્રી સાથે નવી નવી દોસ્તી થઈ છે. તે ડાયવોર્સી છે, એકલી જ રહે છે. જોબ કરે છે. લગ્નોત્સુક પણ છે. ફિલ્મો, નાટકો અને સંગીતની શોખીન પણ ખરી. આવા જ કોઇ પ્રોગ્રામમાં તેને એકલા શાંતિલાલ ભટકાઇ ગયા હતા અને બન્ને વચ્ચે દોસ્તીના અંકુર ફુટ્યા હતા. ઘણાં પ્રોગ્રામોમાં બન્ને સાથે દેખાતા હતા.
 
શાંતિલાલના કહેવા પ્રમાણે તેમની મિત્રતા , માત્ર મિત્રતા જ છે. એમાં ક્યાંય સેક્સની વાત જ નથી. પોતે હજી એનો સ્પર્શ સુધ્ધાં કર્યો નથી. જસ્ટ સુખદુઃખની વાતો અને સાહચર્ય..
 
આ અંગે, અમારે મિત્રોમાં જે ચર્ચા થઈ એનું વિષ્લેષણ આ પ્રમાણે છે-
 
સ્ત્રીપુરુષ મિત્રો વચ્ચે, શારીરિક સંબંધો વગર, માત્ર લાગણીની લેવડદેવડના સંબંધો યુવાનીમાં તો શક્ય નથી જ હોતા. સ્ત્રીઓમાં મેનોપોઝ અને પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફો પછી કદાચ આ શક્ય બને. બાકી આવી મૈત્રિમાં શારીરિક આકર્ષણનો અન્ડરટોન રહેવાનો જ. આ અન્ડરટોન ક્યારે ઉછાળો મારે એ કહેવાય નહીં. તમને કોઇ  વિજાતિય વ્યક્તિ ગમી જાય કે એને જોઇને ‘કીક’ લાગે ત્યારે જ તમને એની સાથે વાત કરવાનું કે પરિચય કરવાનું મન થાય છે ને ? કોઇ મણીબેન કે મંછામાસીની સાથે દોસ્તી કરવાની ઇચ્છા કેમ નથી થતી ?  ત્યાં તો શાલિનતાપુર્વક ‘ જેસી કરસન’ કરીને બે હાથ જોડી દેવાય છે. ખરું ને ? સામાજિક ડર કે અંગત માન્યતા અગર અન્ય કારણોસર તમે આગળ ન વધી શકો પણ મનની અંદર તો આકર્ષણનો ભોરીંગ ફુંફાડા મારતો જ હોય છે.
 
કોઇ અંગ્રેજી ફિલ્મમાં, એક સ્ત્રી પાત્ર કહે છે કે- જે સ્ત્રી આકર્ષક લાગતી હોય એની સાથે પુરુષ  વિશુધ્ધ મૈત્રિસંબંધ  રાખી શકે જ નહીં. માત્ર જેના માટે આકર્ષણ ન હોય કે થવાની શક્યતા પણ ન હોય એવી જ સ્ત્રી સાથે એવી કહેવાતી વિશુધ્ધ મૈત્રિ શક્ય છે.
 
વિશુધ્ધ મૈત્રી એટલે  પ્રથમ પરિચય અને પ્રથમ કીસ વચ્ચેનો સમયગાળો.
 
શાંતિલાલને કલાવી કલાવીને પુછતાં એમણે એટલું તો સ્વીકારી લીધું હતું કે હા ! પોતે હજુ એનો સ્પર્શ કર્યો નથી. પણ ક્યારેક ફિલ્મમાં કે કારમાં વાતચીત દરમ્યાન તેમને ય પેલા ‘હેગા’ તો આવી જ જાય છે. પણ પોતે પરિણિત છે, જુવાન સંતાનોના બાપ છે, વર્ષોનું દામ્પત્યજીવન છે એટલે આગળ વધીને આ ઉંમરે, કોમ્લીકેશન કરવાની પોતાનામાં હિંમત નથી.
 
અમારા એક ટીખળી મિત્રએ તો શાંતિલાલને પુછી નાંખ્યું-‘ શાંતિભઈ, સાચું કહેજો, કેન યુ  પરફોર્મ એટ ધીસ એઇજ ?’… અને શાંતિભાઇ તતપપ થઈ ગયા હતા. ટૂંકમાં, આત્મવિશ્વાસના અભાવે પણ પુરુષ આગળ વધી શકતો ન હોય એવું યે બને.
 
શાંતિભાઈ અને સપનાબેને ( આપણે એ બહેનને સપના કહીશું )એમના રિલેશનશીપની બાઉન્ડરી બાંધી લીધી છે. કઈ બાબત વિશે વાત નહીં કરવાની અને ભવિષ્યની ઇમોશનલ પળોમાં પણ શારીરિક સ્પર્શ નહીં જ કરવાનો એવી મર્યાદા બાંધી લીધી છે. આવા સંબંધો, સભાનતાપુર્વક કેળવી શકાય અને વિકસાવી શકાય. જે પળે એ સભાનતા છૂટી જાય એ પળે એ સંબંધો પણ તૂટી જ જાય. સપનાબેન લગ્નોત્સુક છે, પણ આ ઉંમરે એમની સાથે લગ્ન કરવા તૈયાર થાય એવો પુરુષ ક્યાંથી મળે ? છૂટાછેડા લીધેલો પુરુષ તો દુધનો દાઝેલો હોય એટલે સો ગળણે ગાળીને પાણી પીએ ને ? વળી મહાપરાણે કોર્ટકચેરીમાં અને ભરણપોષણના કમીટમેન્ટમાંથી છૂટ્યો હોય એ પાછો આ લપમાં પડવા તૈયાર થાય ખરો? પાશેર દુધ પીવા માટે ઘેર ગાય બાંધવાની જરુર ખરી ? સાઇઠ વર્ષ સુધી અપરિણિત રહ્યો હોય એના પૌરુષ અંગે પરણનાર સ્ત્રી ભરોસો મૂકે ?
 
આવતા અંકે આપણે બીજા એક શાંતિલાલની રમૂજી વાત કરીશું.
 
નવીન બેન્કર  – ૬ એપ્રિલ ૨૦૧૫
 
 

કશુંક ભાળી ગયેલો માણસ- સોક્રેટીસ ( નાટ્ય અવલોકન ) રજુઆત- શ્રી. નવીન બેન્કર

કશુંક  ભાળી ગયેલો  માણસ-   સોક્રેટીસ  ( નાટ્ય અવલોકન )     રજુઆત- શ્રી.  નવીન બેન્કર

 

માર્ચ, ૨૦૧૫માં, અમદાવાદના એચ. કે. આર્ટ્સ કોલેજના નવા ઓડીટોરીયમમાં, હ્યુસ્ટનના સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના ભૂતપુર્વ પ્રેસિડેન્ટ શ્રી. હસમુખ પટેલ અને મારા મિત્ર અને અભિનેતા શ્રી. કુમુદ રાવલના સૌજન્યથી, મને  આ નાટકના દિગ્દર્શક શ્રી. રાજુ બારોટ તરફથી આ ઐતિહાસિક નાટક જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
 
જે લોકો ગ્રીક તત્વચિંતક સોક્રેટીસની કથા જાણતા હોય, ઇસ્વીસન પૂર્વેની  ચોથી સદીના એથેન્સનો ઇતિહાસ જાણતા હોય, ગ્રીક સામ્રાજ્ય, તેના ગણરાજ્યોના સત્તાકારણ અને લોકશાહી માટેના પ્રયાસો અંગે જાણતા હોય એ લોકો  જ આ નાટકને સારી રીતે માણી શકે એવું આ નાટક હતું.લગભગ  ૪૦૦ પાનાની દર્શકની સાહિત્યકૃતિને બે કલાકની નાટ્યકૃતિમાં રુપાંતરિત કરી છે શ્રી. ભરત દવેએ. ચૌદ દ્રષ્યો અને પાંચ વૃંદગાનમાં ઘટનાઓ દર્શાવાય છે. મુખ્ય ભૂમિકામાં ખ્યાતનામ વૈદ્યરાજ શ્રી. પ્રવિણ હીરપરા સોક્રેટીસની ભૂમિકા ભજવે છે. તેની પત્ની ઝેન્તેપીના પાત્રમાં દીપ્તિ જોશી અભિનયના અજવાળા પાથરે છે.
 
અદાલતના સમૂહ દ્રષ્યો ખુબ અસરકારક રહ્યા.  ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા શ્રી, ઇકબાલ પટેલ, ગોપાલ બારોટ, મૌલિક પાઠક, આ દ્રશ્યોમાં શોભતા હતા.  એથેન્સના ધનાઢ્ય ઘાતકી રાજપુરુષ એનેટ્સના પાત્રમાં શ્રી. નિસર્ગ ત્રિવેદી  અને ધૂર્ત મુત્સદ્દી તરીકે હેમન્ત સોની તથા સ્પાર્ટાના રાજા એજીસના પાત્રમાં શ્રી. ધ્રુવ ત્રિવેદી પણ તેમની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. નાટકમાં સ્થિતિ અને ગતિ બન્ને અનુભવી શકાતા હતા. ગ્રીક વેશભુષા, પગરખા, બખ્તર, ભાલા , અસરકારક રહ્યા. સફરજન અને દ્રાક્ષનો આસવ, ઓલીવની વાડીઓ, મધ અને જવનો રોટલો, જેવા ઉલ્લેખો ગ્રીસની ભૂમિ ઉભી કરવામાં સફળ રહ્યા. નાટ્યપ્રયોગની મર્યાદાઓ તેની ઉત્કૃષ્ટતા સામે ઢંકાઇ જતી હતી. નાટકના અંતે ગ્રીન રુમમાં જઈને મેં દિગદર્શક શ્રી. રાજુ બારોટ અને સોક્રેટીસ બનેલા વૈદ્ય પ્રવિણ હીરપરા સાથે તસ્વીર ખેંચાવી હતી ,જે આ સાથે એટેચ કરી છે.
 
 આ નાટક એક વિશિષ્ટ કહી શકાય તેવું નાટક છે, જેના રીપીટ પ્રયોગો ટીકીટબારી પર સફળ ન થાય. આ નાટક પણ ‘ ક્લાસ’ માટેનું નાટક છે.  ‘માસ’ માટેનું નથી. જે લોકોને સાહિત્ય, ઇતિહાસમાં રસ હોય એવા બુધ્ધીજીવીઓ માટેનું નાટક છે. 
 
હ્યુસ્ટનમાં ‘નમસ્કાર’ વાળા રાજેશભાઇ આ નાટક લાવે તો લોકો પૈસા પાછા માંગે. હેમન્ત ભાવસાર, ઉમા નગરશેઠ, શ્રી. કીરીટ મોદી, નિતીન વ્યાસ કે મુકુંદ ગાંધી જેવા જ માણી શકે એ ટાઇપનું આ નાટક છે. આપણું ‘કલાકુંજ’ ભજવી શકે એ ટાઇપનું આ નાટક નથી જ.
  રજૂઆત- નવીન બેકર    
લખ્યા તારીખ- ૨૦ એપ્રિલ ૨૦૧૫
***************************************************************
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.

 

ઓહ….અમેરિકા !! (વાર્તા) -નવીન બેન્કર-

August 28th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ
ઓહ….અમેરિકા !!                 -નવીન બેન્કર-
 
અમેરિકા આવનાર દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષનું એક સ્વપ્ન હોય છે- ગોરી ચામડીવાળી અમેરિકન કે મેક્સીકન છોકરી સાથે મજા કરવાનું.
 
કેટલાકને આ વિધાન અતિશયોક્તિભર્યું લાગશે. કેટલાક નાકનું ટેરવું ચડાવશે કેટલાક ચોખલિયાઓ ‘અશિષ્ટ’, ‘અભદ્ર.’…એવો ચિત્કાર કરી ઉઠશે એ હું સમજું છું.
પણ, મેં ‘દરેક પુરુષ’ કે ‘દરેક રસિક પુરુષ’ એવો શબ્દપ્રયોગ નથી કર્યો, હોં !  આગળ ‘સ્ત્રીલોલુપ’ એવો શબ્દ પણ લખ્યો છે એની નોંધ લઈને પછી જ આ રસિક લેખ વાંચશો.
 
આજે , જે બે કિસ્સા લખવા છે તે મારા ફળદ્રુપ (!) ભેજાની પેદાશ નથી. પણ ૧૯૯૬માં, હ્યુસ્ટનના ‘હ્યુસ્ટન ક્રોનિકલ’ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર અને ‘ નયા પડકાર’ ના શુક્રવાર તારીખ ૨૮ જુન ૧૯૯૬ ના અંકમાં પ્રસિધ્ધ થયેલા, બે લેખોના આધારે આ માહિતી આપને જણાવું છું- અલબત્ત, રજૂઆત અને ભાષા મારી આગવી છે.
 
હાં…તો, દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષ હંમેશાં, ગોરી ગોરી, લીસી લીસી, ઉંચી, પાતળી સ્ત્રીને ઇચ્છતો હોય છે. અને…અમેરિકા ફરવા આવનાર મોટી ઉંમરના વડીલ પુરુષો પણ  પોતાના પુત્ર કે જમાઇને   કોઇ  ‘અવેઇલેબલ ગોરી’ અંગે પુછી ના શકે એટલે ક્યારેક કોઇ સિનિયર્સની મીટીંગમાં જાય અને હમવયસ્ક રસિક મિત્ર સાથે પરિચય થાય તો પુછી લે કે- ‘બાપુ… તમારે અમેરિકામાં  કોઇ  ‘ગોરી’ અવેઇલેબલ ખરી ?’   અને પછી, બીતાં બીતાં, કોઇ ગુનો કરી રહ્યાના ભાવ સાથે ન્યૂયોર્કની ૪૨મી ગલી કે ફીફ્થ એવન્યૂની ૨૮મી ગલીના આંટા મારતા હોય. હ્યુસ્ટનના હીલક્રોફ્ટ વિસ્તારની ગમે તે ક્લબમાં, રાતના દસ વાગ્યા પછી જાવ તો તમને આવા રસિક પુરુષો મળી જ રહેવાના.
 
સામાન્ય રીતે, અમેરિકામાં ગોરી ચામડીવાળી સ્ત્રીઓનો સહવાસ મેળવવો એ કોઇ પ્રોબ્લેમ નથી હોતો. મેક્સીકોમાંથી ગેરકાયદેસર ઘુસી ગયેલી અને પટેલોની મોટેલોમાં ચાદરો બદલનારી કે સંડાસ સાફ કરનારી  ગોરી મેક્સીકનો કે  ક્લબોની બાર ટેન્ડરો તરીકે કામ કરનારી ગોરી સ્ત્રીઓ મળી શકે- જો તમે સહેજ વાચાળ, હિંમતવાન અને આંખમાં આંખ પરોવીને મક્કમતાપુર્વક, શિષ્ટ રીતે પ્રપોઝ કરવાની આવડત અને ક્ષમતા ધરાવતા પુરુષ હો તો.
 
ઝાકઝમાળ રોશનીથી ઝગમગતી ગમે તે ક્લબમાં રાત્રે જઈ, એકાદ પેગ હાથમાં રાખીને, પગ પર પગ ચડાવીને  એકલી અટૂલી બેઠેલી કોઇ સુંદર ગોરી યુવતીને ટેક્ટફુલી એપ્રોચ કરીને તમે ગણત્રીની મીનીટોમાં જ તમારા એપાર્ટમેન્ટ પર કોફી પીવડાવવા (!) લઈ જઈ શકો છો.
 
હા…એપાર્ટમેન્ટ પર લઈ જવાની વાત આવી એટલે એક ઘટના યાદ આવી ગઈ.
 
હ્યુસ્ટન ક્રોનિકલ નામના એક સુપ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારમાં, નામ-ઠામ અને ફોટા સહિત છપાયેલ એક સત્ય ઘટના છે. જાવેદમિંયા યુવાન છે, હેન્ડસમ છે અને એકલા જ છે.ક્લબોમાં જઈને સ્મય બગાડવા કરતા, ડેટીંગ સર્વિસમાં ફોન કરીને તેમણે લીન્ડા નામની એક ‘ધોળી’નો સંપર્ક સાધ્યો. ખાસ્સી પચ્ચીસ મીનીટ સુધી પ્રેમાલાપ કર્યો. ફોન પર જ ‘આપ કેવી સ્ટાઇલમાં કે કયા આસનમાં જાતીય આનંદ માણવાનું પસંદ કરશો ? એવા સવાલનો રસિક જવાબ પણ તેમણે આપ્યો હતો. અને પોતાના એપાર્ટમેન્ટનું સરનામુ આપ્યું હતું. થોડી જ વારમાં લીન્ડા એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ અને જાવેદમિંયાને ખુબ મજા કરાવી. બીજી મુલાકાત વખતે  એ પોતાની સહેલીને લઈને આવી. જાવેદમિંયાએ દરવાજાની મેજીક આઇ માં થી જોયું તો એકને બદલે બબ્બે રૂપાળી લલનાઓને જોઇ, ખુશ થતાં થતાં દરવાજો ખોલીને બન્ને રૂપાળીઓને ઘરમાં દાખલ કરી. બીજી જ પળે પેલી રૂપાળીએ પિસ્તોલ કાઢીને તેના લમણામાં અડકાડી દીધી.  બીજીની મદદથી  જાવેદમિંયાના મ્હોં પર ટેપ લગાડીને હાથપગ બાંધી દીધા અને ખુણામાં પોટલુ બનાવીને ફેંક્યો. પછી ઘરમાંથી કેમેરા, રાચરચીલુ, ને રોકડ મળી લગભગ ચૌદ હજાર ડોલરની માલમતા સાથે છૂ થઈ ગઈ. પાછળથી જાવેદમિંયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ કરીને, બન્ને જણીઓને પકડીને જેલ ભેગી કરી હતી.
 
આ તો જાવેદમિંયાના સદનસીબે એ બચી ગયા. બાકી, આવા કિસ્સામાં તો લમણામાં ગોળી ધરબી દઈને સાક્ષી-પુરાવાનો નાશ જ કરી નાંખવામાં આવતો હોય છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
 
બીજો એક કિસ્સો તો એનાથી ય વધુ રસિક છે. ‘ નયા પડકાર’ના ૨૮ જુન, ૧૯૯૬ના અંકમાં આ છપાયેલો કિસ્સો.એક મોટી ઉંમરના વિધુર  ગુજરાતી કાકાનો છે. આપણે તેમનું નામ નથી જાણવું. કાકા પોતાની દીકરી, જમાઇ, અપરિણિત દીકરા અને પૌત્રો સાથે  હ્યુસ્ટનના એક ઇન્ડીયન-પાકિસ્તાની કોમ્યુનિટી ધરાવતા એપાર્ટમેન્ટ કોમ્લેક્સમાં રહે છે. ભાડુ બચાવવા, આ બધા ભારતના સંયુકત કુટુંબ ની જેમ, બે બેડરુમના એપાર્ટમેન્ટમાં સાંકડે માંકડે પડ્યા રહેતા. કાકા સાંજે જોબ પરથી ઘેર પાછા ફરતાં, એપાર્ટમેન્ટના સીક્યોરીટી ગેટ પર મશીનમાં કાર્ડ ભરાવીને દરવાજો ખોલવા જતા હતા ત્યાં જ એક રૂપાળી લલનાએ આવીને કહ્યું- ‘હા…ય..’.
 
કાકા પાણી પાણી થઈ ગયા
.
મોટી ઉંમરના વિધુર કાકા સમજી ગયા કે ધોળી અવેઇલેબલ છે. એમણે સમય બગાડયા વગર સીધુ જ પુછ્યું- ‘ હાઉ  મચ ?’
 
ધોળીએ કહ્યું- ‘મે આઇ કમ ઇન, ઇન યોર કાર ? વી મે ટોક કમફર્ટેબ્લી.’
 
કાકાએ તેને પેસેન્જર સીટ પર બેસાડી દીધી અને ગાડી રીવર્સમાં લીધી. દીકરી, જમાઇ અને પૌત્રોથી ભર્યાભાદરા ઘરમાં તો ધોળીને લઈ જવાય તેમ ન હતી અને ધોળી પાસે પોતાની જગ્યા ન હતી એટલે એવું નક્કી થયું કે કોઇ એકાંત, અંધારા પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરી, સીટ જરા પાછળ કરીને, ‘બ્લો જોબ’થી જ સંતોષ માનવો. હવે મને કોઇ પુછશો નહીં કે ‘આ ‘બ્લો જોબ’ એટલે શું ?’ અશિષ્ટ ભાષાપ્રયોગ કર્યા સિવાય એનો અર્થ સમજાય નહીં એટલે જેઓ એનો અર્થ સમજતા હશે તે સમજી જશે .
 
એકાંત પાર્કીંગ લોટમાં કાર પાર્ક કરીને વિધુર પટેલબાપાએ પોતાની સીટ ઢળતી કરી અને આંખો મીંચીને, ‘સુખ’ માણવાની તૈયારી કરી ત્યાં તો…તેમના ગળા પર છરીની અણી દાબીને પેલી ‘માયા’ બોલી-‘ ચુપચાપ ખિસ્સા ખાલી કરીને મારે હવાલે કરી દો..નહિંતર ગળુ કાપી નાંખીશ…’  ( અલબત્ત, આ વાર્તાલાપ અંગ્રેજીમા થયેલો પણ આપણે પટેલબાપાના સગાવહાલા સમજી શકીએ એટલે ગુજરાતીમાં લખું છું. )
 
કાકાની બધી ઉત્તેજના ઓસરી ગઈ.
 
ક્રેડીટકાર્ડ સહિતનું પાકીટ ચુપચાપ તેણીને આપી દીધું. પેલી જતાં જતાં, પટેલબાપાનું પેન્ટ ઉતારીને પ્લાસ્ટીકની થેલીમાં ભરીને લઈ ગઈ અને થોડેક છેટે જઈને ગારબેજ કેનમાં નાંખીને ત્યાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસીને છટકી ગઈ.
 
કાકા શરમજનક  સ્થિતિમાં  ઘેર આવ્યા. સાચી વાત તો કહી શકાય તેમ ન હતી એટલે ‘કોઇ કાળીયો ગન બતાવીને લૂંટી ગયો’ એવી કલ્પિત વાત કરીને લોકોની સહાનુભૂતિ મેળવી.
 
આમ તો આ વાતનો અહીં અંત આવી જાય. પણ ના…
 
એ કોમ્પ્લેકસમાં જ રહેતા એક  ‘દેશી’ સીક્યોરી ગાર્ડે, પટેલબાપાને એકલા મળ્યા ત્યારે  કહ્યું- ‘ કાકા…ગૂનો થાય એટલે કોઇ કાળિયાએ કર્યો એવી વાતો ફેલાવવાની હવે બંધ કરો. તમે એકલા આવી રીતે લૂંટાયા નથી. ઘણાં બધા લૂંટાયા છે અને પોલીસે ગુનેગારોને પકડ્યા પણ છે. પોલીસ ગૂનાની મોડસ ઓપરેન્ડી પરથી આ વિસ્તારની લૂંટારુ લલનાઓને ઓળખી કાઢે છે. પોલીસ ફરિયાદ કરશો તો પોલીસ તમારુ પાકિટ મેળવી આપશે.’
 
પણ કોઇ  કુટુંબકબીલાવાળો ગુજજુ માઈનો લાલ આવી ફરિયાદ કરવાની હિંમત કરે ખરો ?…. શ્રીરામ..શ્રીરામ…
 
હિલક્રોફ્ટ વિસ્તારના એક સ્ટોર પર સાંજે સ્ટોર બંધ થવાના સમયે એકલા મિત્રો ભેગા થઈને, ટોળટપ્પા કરતા હોય એને અહીં ‘કડીયાનાકા’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવી બધી માહિતી મળી રહે. મંદીરોના બાંકડે પણ આવું બધું જાણવા મળે.
 
‘આહ…અમેરિકા’ નો લ્હાવો માણવા જતાં, ક્યારેક ‘ઓહ..અમેરિકા !’ કરીને ચિત્કાર પણ કરવો પડે, હોં !
 
નવીન બેન્કર.

નીલે ગગન કે તલે / મધુ રાય

દિવ્યભાસ્કરકળશ પૂર્તિજૂન ૧૭૨૦૧૫
નીલે ગગન કે તલે / મધુ રાય ૭૪૭ શબ્દો
કોઈ કહે ચાંદ કોઈ આંખ કા તારા
પહેલાંના જમાનામાં ‘સંતોષી માનાં પોસ્ટકાર્ડ સર્કયુલેટ થતા હતાંઆજના જમાનામાં ભારતને––કે હિન્દુ ધર્મને––શ્રેષ્ઠ પુરવાર કરતા ઇમેઇલ ચકરાવા મારે છે. ‘અગર હિન્દૂ ધર્મ બુરા હૈ તો ક્યોં જુલિયા રોબર્ટ્સને હિન્દૂ ધર્મ અપનાયા હૈઔર કયોં રોજ મંદિર જાતી હૈઇન્ડોનેશિયા કે રૂપયોં કી નોટોં પર ક્યોં ગણેશજી કા ચિત્ર હૈ?’ જેવા તદ્દન સિરપૈર વિનાના ઇમેઈલ ફરતા  રહે છે જાણે હિંદુ ધર્મ વિશ્વની શ્રેષ્ઠ ચીજ છેઅને ભારત મહાસત્તા હતીછેઅને ચિરકાળ રહેશે મૂર્ખ વક્રચંદ્ર શેખીખોરો સાચા ભારતની વાસ્તવિક કંગાલિયત સામે આંખે અતીતના પાટા બાંધીને ફરે છે કેમકે ભારતનાં શહેરો દૂષિત હવાથી ખદબદે છે અને વસતીનો એક રાક્ષસી હિસ્સો હીનમાનવ બસ્તીઓમાં શ્વાસ લે છેસંતાનો જણે છેઅને મરે છે.
આવાં ખારાં વચન બોલવાનું નિમિત્ત છે દિલ્હીના પ્રદૂષણ વિશે ન્યુ યોર્ક ટાઇમ્સના સંવાદદાતા ગાર્ડિનર હેરિસે એક હૃદયમાં ઉઝરડા કરે એવો લેખ લખ્યો છેએનો સાર છે કે “…ન્યુ યોર્ક ટાઇમ્સના સંવાદદાતા તરીકે મારી બદલી દિલ્હી થઈ ત્યારે અમને ખબર હતી કે ત્યાં જીદ્દી ભિખારીઓ છેડેન્ગૂ છે૧૨૦ ડિગ્રી ગરમી છેપણ અમને ધીમે ધીમે સમજાયું કે દિલ્હીનો સૌથી મોટો ખતરો છેતેનાં હવાપાણીખોરાક અને માખીઓઅહીંની ઝેરી હવાથી દિલ્હીના ૪૪ લાખ બાળકોનાં ફેફસાં રોગિષ્ટ છેદિલ્હીની હવામાં બેજિંગ કરતાં બમણું ઝેર છેસૌથી વધુ ઝેરી હવાવાળાં દુનિયાનાં ૨૫ શહેરોમાંથી ૧૩ શહેર ભારતમાં છેભારતના સૌથી મોટા પ્રદૂષણ સંશોધનકારી સાર્થ ગુટ્ટીકોન્ડા પોતાનાં બે બાળકોની સલામતી માટે દિલ્હી છોડીને ગોવા રહેવા ગયા છેકેમકે ‘બીજે ક્યાંય રહી શકાય તેમ હોય તો કદી દિલ્હીમાં બાળક ઉછેરવું નહી.’
સદીઓથી દિલ્હીમાં દુનિયાભરમાંથી પરદેશીઓ આવી વસ્યા છેમુત્સદીઓઆદર્શવાદી યુવકયુવતીઓપત્રકારોઉદ્યોગપતિઓદાક્તરી કર્મચારીઓવિજ્ઞાનિકોકમ્પુટરનવેશોરોજી માટે અહીં વસેલા લોકોને કાયમ સવાલ થાય છે કે બાળકોની તબીયતના ભોગે રોટી કમાવી તે અંગત સ્વાર્થ કહેવાય કે નહીં?
દિલ્હીની હવાથી બાળકોનાં ફેફસાં બગડે તે કારણે તેમની જીવાદોરી ટૂંકી થાય છેપ્રદૂષણથી બાળકોની બુદ્ધિ ઠિંગરાય છેપ્રદૂષણમાં ઓટિઝમ (મંદબુદ્ધિ), વાઈમલ્ટીપલ સ્ક્લેરોસિસડાયાબિટીસ અને પુખ્તવયે થતા બીજા ભીષણ રોગોનું જોખમ છેઅને વિજ્ઞાનિકોના મતે દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી મોખરે છેતેથી દિલ્હીનાં બાળકોનું જીવન કેવું નીવડશે તેની કલ્પના થતી નથીમોટાંઓને પણ સતત શિરોવેદનાગળાની ખરાબીશરદી અને ઊધરસ થતાં રહે છેમુખ્યમંત્રી કેજરીવાલને પણ ઊધરસ મટાડવા દિલ્હી છોડીને ૧૦ દિવસ બીજે રહેવું પડેલું.
ફક્ત હવાનો  વાંક છે એવું નથીદિલ્હીના અરધોઅરધ નિવાસીઓ રસ્તા ઉપર જાજરૂ જાય છેઅને જેમને જાજરૂ છે તેમની ગંદકી સીધેસીધી નદીમાં ફેંકાય છેઅમારા દિલ્હીના એક પાડોશીએ એક દિવસ ફરિયાદ કરેલી કે તેનું પાણી ગટર જેવું ગંધાય છેપછી બીજાનું પાણી અને પછી ત્રીજાનું એમ ગંધ ચારે તરફ ફેલાઈકારણ કે નીચે કોઈ ડેવલપરે ગટરો ખોદાવેલી જેમાંથી અમારા મકાનની પાણીની ટાંકીમાં તેની ગંદકી જતી હતીઅમારા શાવરમાંથી પણ બજરિયા રંગનું પાણી આવવા માંડેલુંપછી અમે ટાંકી ઉપર લઈ ગયા પણ અલબત્ત શહેરની અવસ્થા તેની તે  છે.
દિલ્હીમાં વાંદરાંકૂતરાં અને અન્ય પશુઓની વિષ્ટા ઠેર ઠેર દેખાય છેએની ઉપર માખીઓ બણબણતી હોય છેજે પાછી ખોરાક ઉપર બેસે છે. … અમે દિલ્હી રહેવા આવ્યાં તે પહેલાં અમારા દીકરાને શ્વાસની તકલીફ થયેલી ને ડોક્ટરોએ કહેલું કે વખત જતાં મટી જશેપરંતુ દિલ્હી આવ્યા બાદ તેને રોજ દવા લેવી પડે તેવો કાયમી અસ્થમા (દમલાગુ પડી ગયો છે. … અને આખરે અમે વોશિંગ્ટન પાછાં આવી ગયાં છીએ.”
ભારતે જીરોની શોધ કરી ને ભારતે પૈડું ફેરવ્યું ને ભારતના વિજ્ઞાનિકોએ પૃથ્વીથી સૂર્યનું અંતર આબાદ કલ્કયુલેટ કરેલું ને ભીમપુત્ર ઘટોત્કચ કા વિશાલકાય કંકાલ ૨૦૦૭ કી સાલ મેં ‘નેશનલ જિઓગ્રાફી’ કી ટીમને ઉત્તર ભારત કે ઇલાકે મેં ખોજાબધાઈ હોપણ તેનું આજના ભારતને શું છેગાર્ડિનરે જે વાત દિલ્હીની કરી છે તેની તે  મુંબઈકલકત્તાબંગલુરુચેનૈ ને ઇવન કર્ણાવતી માટે પણ કહી શકાય કે નહીં? 
આપણે ધારી લીધું છે કે ભારત એટલે આપણેપણ સાહેબાનભારત એટલે ઉચ્ચ મધ્યમવર્ગના ઓછુંવત્તું ભણેલાં લોકો છાપાનાં વાચકોફેસબુક ઉપર મહાલતા જુવાનો કે મોબાઇલ ઉપર મિસકોલતા વડીલો  નહીં પણ બાકીના શી ખબર લાખો કરોડો બસ્તીવાસીઓદલિતોભિખારીઓવિધવાઓ અને બેપનાહ બાળકો સહિત બે તૃતીયાંશ ભાગ્યપંગુ ભારતવાસીઓ પણ ભારત છેતે વિરાટ જનગણ પણ ભારતમાં  વસે છેશ્વસે છે વાત આપણે ભૂલી જઈએ છીએઆપણાં સાહિત્યમાં પણ   મધ્યમવર્ગના રોદણાં ને પ્રેમનાં ટાહ્યલાંઆપણી સીરિયલોમાં પણ   ઘસાયેલાં સામાજિક વૃત્તાંતોઆપણાં નાટકોમાં   મધ્યમવર્ગનાં ફારસ અને આપણી ફિલ્મોમાં બિલકુલ મોંમાથા વિનાના હાસ્યાસ્પદ બહાદુરો અને બેહૂદાં કોરસ ગાણાં છે. 
આપણી નદીઓ મળથી ખદબદે છેઆપણે પોતેમધ્યમવર્ગના લોકોઉપભોક્તઓમોટા ઉદ્યોગોનાં છળકપટથી વ્યવસ્થિત છેતરાતા જઈએ છીએ અને ભૂતકાળના વૈભવની ભ્રામક શેખીમાં તરબતર થઈને સામસામે હલો કરીએ છીએક્યોંકિ ‘ઓબામા અપની જેબ મેં બજરંગબલિ કી ફોટો રખતે હૈં!’ યારોજરા સોચો કે ગાર્ડિનરની વાત સાચી હોય તો આજની ઝેરી હવામાં જીવતાં બાળકો આવતી કાલની ઠિંગરાયેલી બુદ્ધિવાળી જનતા બનશે થશે ત્યારે શું થશેજય હનુમાન!
madhu.thaker@gmail.com Tuesday, June 9, 2015

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.