એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015 » August (Page 2)

‘બ્લ્યુ મગ’ નાટક અંગે

પ્રિય મિત્ર નિતીનભાઇ વ્યાસને એક પત્ર અને કોપી ટૂ અશોક પટેલ
વિષય-‘ બ્લ્યુ મગ’ – નાટક
તારીખ- ૨૦ જુલાઇ ૨૦૧૫
પ્રિય મિત્ર નિતીનભાઇ,
ગઈ કાલે આપણે ગીરીબાપુની શીવકથાના અંતીમ દિવસે, શીવશક્તિ મંદીરના પટાંગણમાં ,પાર્કીંગ લોટમાં ઉભા ઉભા ‘બ્લ્યુ મગ’ નાટક અને અન્ય પરદેશી નાટ્યકૃતિઓ અંગે  તથા  ઓશો રજનીશજી બાબતે ચર્ચાવિચારણા કરી રહ્યા હતા એના અનુસંધાનમાં આ પત્ર દ્વારા થોડીક વધુ માહિતી આપું છું.
મને પોતાને પણ એ નાટક નહોતુ સમજાયું અને આપણા હ્યુસ્ટનના પ્રેક્ષકોની તો વાત જ ક્યાં કરવી ? એટલે નાટક પુરુ થયા બાદ હું ગ્રીન રૂમમાં ગયેલો અને એના કલાકારો- રજતકપૂર, વિનય પાઠક રણવીર ( કપૂર નહીં ) અને શીબા ચઢઢા સાથે વાતો કરેલી અને મારી મુંઝવણ રજૂ કરેલી. મને મારૂં અજ્ઞાન પ્રદર્શિત કરતાં ક્યારેય સંકોચ નથી થતો. ફિલ્મ કોર્પોરેટથી ખ્યાતનામ થઈ ગયેલા ફિલ્મ અભિનેતા રજતકપૂરે મને બ્લ્યુ મગના કથાનક અંગે જે સમજ આપેલી એ આ પ્રમાણે હતી-
જેનું કોઇ નામ નથી કે ઓળખાણ આપવામાં આવતી નથી અને જેમની વચ્ચે કોઇ સંબંધ નથી એવા ચાર પાત્રો અહીં એક સાથે ટૂકડે ટૂકડે પોતપોતાની સ્મૃતિઓ વર્ણવે છે. એ સ્મૃતિઓનો પણ કોઇ ક્રમ નથી બધા પોતપોતાની ભાષામાં, પોતપોતાની રીતે આ વાતો કરે છે. એક માનસચિકિત્સક છે, બીજો એનો દરદી છે. દર્દીને વીસ વર્ષ પહેલાંનું યાદ રહે છે પણ વીસ મીનીટ પહેલાંનું યાદ નથી રહેતું. એની સ્મૃતિ જડ થઈ ગઈ છે. સ્ટેજ પર કોઇ પાત્રો એકબીજાને મળતા નથી પણ  રંગમંચ અને પ્રેક્ષકો વચ્ચે એક પારદર્શક દિવાલ છે.મંચને છેડે માત્ર ડોકું જોઇ શકાય એવી સગવડ છે.
માત્ર પ્રકાશાઅયોજન અને પાર્શ્વધ્વનિને આધારે જ નાટક દર્શાવાય છે.માત્ર સ્મૃતિઓની વાત, સ્મૃતિઓની વાસ્તવિકતા અને વિરોધાભાસ તથા નજીકના સમયની વિસ્મૃતિની વાત એ માનવીના મગજના અભ્યાસનો એક વિરલ તર્ક જ દર્શાવાયો હતો. ક્યાંય કોઇ કથા નહીં, મનોરંજન નહીં, રહસ્ય નહીં, પ્રેમબ્રેમ નહીં, ખુનખરાબા નહીં, સસ્પેન્સ નહીં.  મોડર્ન આર્ટ જેવું નાટક સામાન્ય પ્રેક્ષકોની સમજમાં ક્યાંથી આવે  ?
રણવીર શૌરી પણ કોંકણાસેન સાથે લગ્ન કરીને અને પછી તેને છૂટાછેડા આપીને ખ્યાતનામ થઇ ગયો છે. શીબા ચઢઢા પણ હિન્દી સીરીયલોને કારણે જાણીતી બની ગઈ છે એટલે  પ્રેક્ષકો તો આવેલા પણ નાટક સમજાયેલું નહીં એટલે ‘બોગસ’ ,’બોગસ’ કરીને વિદાય થઈ ગયેલા. આવા પ્રયોગશીલ નાટકો મુંબઈના પૃથ્વી થિયેટર્સમાં ભજવાય બાકી ટીકીટબારી પર નિષ્ફળ જ જાય.
 

 

‘જીવરામ ભટ્ટ આવ્યા’ ભવાઇ-નાટક અવલોકન- શ્રી. નવીન બેન્કર

August 28th, 2015 Posted in અહેવાલ
‘જીવરામ ભટ્ટ  આવ્યા’   ભવાઇ-નાટક
અવલોકન- શ્રી. નવીન બેન્કર
૧૮મી જુલાઇ ૨૦૧૫ને શનિવારની સાંજે, રાધાકૃષ્ણ મંદીરના હોલમાં, ગુજરાતી સમાજના ઉપક્રમે, ‘ગુજરાત દર્શન’ કાર્યક્રમ અંતર્ગત, સિનીયર સિટીઝન્સ એસોસિયેશનના સભ્યો દ્વારા એક ખુબ જૂનુ હાસ્યપ્રધાન ભવાઇ-નાટક ‘જીવરામ ભટ્ટ આવ્યા’ ની સફ્ળ ભજવણી કરવામાં આવી હતી.
વર્ષો પહેલાં, કદાચ ૧૯૬૦ માં, કવિશ્રી. દલપતરામકૃત ભવાઇશૈલીનું હાસ્યરસ પ્રધાન નાટક ‘મિથ્યાભિમાન’ જોયાનું યાદ આવે છે. એ નાટકમાં પ્રાણસુખ નાયક અને શ્રીમતિ અનસુયા સુતરિયા  અભિનય કરતા હતા. એ પછી, અમારી પોળમાં, એક નાટકમંડળી ભવાઇના વેશ કરતી હતી.  વાર્તાવસ્તુ હંમેશાં, ઐતિહાસિક હોય પણ એમાં વિદુષક રંગલો અને રંગલી જરૂર હોય. એક સુત્રધાર પણ હોય. રંગલો અને રંગલી તા..તા..થૈયા..થઈ.થઈ. કરીને વિશિષ્ટ સ્ટેપ્સ લઈને ગોળ ગોળ ફરીને, ચિત્રવિચિત્ર હાવભાવ કરીને પ્રેક્ષકોને હસાવે. એક સુત્રધાર પણ શરૂઆતમાં સ્ટેજ પર હાજર થઈને પેલા બે પાત્રો સાથે વાર્તાલાપ કરીને આજના ભવાઇવેષની માહિતી આપે.  બે ભૂગળધારી કલાકારો આવીને ભૂગળ વગાડે અને પછી ખેલ શરૂ થાય.
અહીં પણ એ જ બધી વાત હતી. સુત્રધાર…રંગલો…રંગલી…ભૂગળ..પાઘડા અને ફેંટાવાળા દેશી ગામડીયા…
 આ નાટક એ  જુના ફુલલેન્થ નાટકનું  નાનકડું રૂપાંતર  હતું. એ નાટકના ઘણાં પ્રસંગો અહીં કાપી નાંખવામાં આવેલા હતા. રાત્રે ભોજન કરવા બેઠેલા જમાઇ જીવરામ ભટ્ટ, રસોઈ પિરસતી સાસુને પાડી ધારી લઈને  લાત મારે છે એ દ્ર્ષ્ય, તથા ચોરને પકડવા આવેલા સિપાઇઓ ઘરના જમાઇ જીવરામ ભટ્ટને જ ચોર માનીને  ઉપાડી જાય છે જેવા બીજા પ્રસંગો પણ કદાચ સમયને અભાવે કાપી નાંખવામાં આવેલા લાગતા હતા. આ જ નાટક,  ‘દર્પણ’ માં, કૈલાસ પંડ્યાના દિગ્દર્શનમાં પણ ભજવાયાનું યાદ છે. જીવરામ ભટ્ટના અમર પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણાં નાટકો ભજવાયા છે.
પાડીનું પુંછડું પકડી ચાલવા જતાં રતાંધળા જીવરામ ભટ્ટ રાત્રે ઉંડા ખાડામાં પડી જાય છે. જીવલો અને ભગલો નામના બે ગાયો ચરાવનારા જીવરામ ભટ્ટને બેવકૂફ બનાવી, સંડાસ જવા માટે વપરાતા લોટામાં, બિલાડીએ એંઠી કરેલી ખીર ખવડાવી દે છે એ પ્રસંગ સરસ રીતે શ્રી. કીરીટ મોદી અને શ્રી. ભરત શાહે ભજવી બતાવ્યો. રંગલો અને રંગલીના પાત્રમાં અનુક્રમે, શ્રી. શૈલેષ દેસાઇ અને શ્રીમતિ કૌશિકાબેન વ્યાસે પણ કોઠાસુઝ અને બિન્દાસ અભિનયના કૌવત દેખાડીને પ્રેક્ષકોને ખુશ ખુશ કરી દીધા હતા. જીવરામ ભટ્ટની મુખ્ય ભૂમિકા કરતા મહારાષ્ટ્રિય અભિનેતા વિભાસ ધુરંધર તો અદભુત અદાકાર છે. રાજકપૂર અને દિલીપકુમારની વિવિધ ભૂમિકાઓની  તેમની મીમીક્રી તો સિનીયર્સની મીટીંગોમાં ઘણી વખત જોઈ હતી. એકપાત્રીય અભિનય પણ અવારનવાર જોયેલો, પણ ગુજરાતી ભાષા વાંચી નહીં શકતા આ કલાકાર અન્ય ભાષામાં લખાયેલી સ્ક્રીપ્ટ વાંચીને આટલો સરસ અભિનય કરી શક્યા એ આનંદની વાત છે.
નાટકનું લેખન અને દિગ્દર્શન ‘દર્પણ’ના જ એક ભૂતપુર્વ કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીનું હતું. આ ત્રિવેદી અત્યારે હ્યુસ્ટનમાં, ‘માસ્ટરજી’ ને નામે પ્રખ્યાત છે. છેલ્લા વીસ વર્ષમાં તેમણે ‘ મહાભારત’, ‘રામાયણ’, ‘શોલે’ જેવા ઘણાં નાટકો ભજવ્યા છે. ડાન્સ સ્કુલ ચલાવીને ઘણાં વિદ્યાર્થીઓને નૃત્યનું શિક્ષણ પણ આપ્યું છે.
નાટકનો સંગીત વિભાગ શ્રી. હેમંત દવે અને દીપ્તી દવે એ સંભાળ્યો હતો. ઓક્ટોપેડ પર શ્રી. મનીષ પટેલ અને ઢોલક પર શ્રી. વેદાત મથુર હતા.
નાટક્માં અન્ય સહાયકોમાં શ્રી. અરૂણ બેન્કર, શ્રી. પ્રફુલ્લ ગાંધી અને શ્રીમતિ સુધા ગાંધી પણ હતાં.
નાટકના બધા જ કલાકારો સિનીયર સીટીઝન્સ જ હતા.  એ આ કાર્યક્રમની વિશેષતા હતી.
અનેક  ભવાઇ-નાટકોમાં શ્રી. કૈલાસ પંડ્યા અને દામિની મહેતાએ પણ અભિનય કર્યો છે. દીનાબહેન ગાંધીએ ( દીના પાઠક)  પણ એક વખત આ મિથ્યાભિમાન નાટકમાં જીવરામ ભટ્ટની સાસુની ભૂમિકા કરેલી. એમાં તો રંગલો અને રંગલીના કેટલાક યાદગાર ગીતો પણ હતા. ભવાઇ-નાટક ગીતો વગરનું તો કલ્પી જ ન શકાય, અહીં રંગલા અને રંગલીના મુખે કેટલીક પંક્તિઓ પર ઠુમકા  હતા.અને પાર્શ્વમાં, હેમંત દવે અને દીપ્તી દવેના સ્વરમાં ગીતના શબ્દો હાર્મોનિયમ અને મંજીરાના સાથમાં રજૂ કરવામાં આવેલા. ‘રંગલો જામ્યો કાલિન્દીને કાંઠે’, ‘પ્રભાતિયા’,  કર્ણપ્રિય રહ્યા. પ્રસંગોપાત નદીના પાણીનો ખળખળ અવાજ, કુકડાનો અવાજ, પંખીઓનો કલરવ પણ ઓક્ટોપેડ ના સથવારે સાથ પુરાવી ગયા.
શ્રી, ઇન્દ્રવદન ત્રિવેદી અને તેમના સિનીયર્સ સાથી કલાકારોને ખુબ ખુબ અભિનંદન.
અવલોકનકાર- શ્રી. નવીન બેન્કર      લખ્યા તારીખ- ૨૧ જુલાઈ ૨૦૧૫
**************************************************************

                     

 


૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન

August 28th, 2015 Posted in સંકલન્

૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન

ભજન-  રચયિતા- શ્રી. સંજય ભટ્ટ

રાગ- વૈષ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઈ જાણે રે…

ધનવૈભવ તો તેને જ મળશે જે નીજની પીડા જાણે રે…

પરદેશે સુટકેસ ભરી જઈ,  ધનસંચય કરી જાણે  રે… ધનવૈભવ તો…

સકળ લોકમાં  સૌને ડંડે,  નિન્દા સૌની કરશે રે..

વાતવાતમાં  જુઠુ  બોલી, ખોટા વચનો  દેશે રે…..ધનવૈભવ તો…

વક્ર દ્રષ્ટી ને તૃષ્ણા ધારી, પર સ્ત્રી જેની સાથ રે…

જીહ્વા થકી અસત્ય જ બોલે, પરધન મારે હાથ રે…..ધનવૈભવ તો….

મોહમાયામાં રાચે નિશદિન,સુરાપાન ચઢાવે રે…

શ્રીરામ શ્રીરામ મુખમાં ધારી, છુરી છુપાવી રાખે રે..  ધનવૈભવ તો…

મન લોભી ને કપટ સહિત જે, કામક્રોધમાં રાચે રે….

કલયુગે આ સત્ય જે સમજે, તેના કુળ ઇકોતેર તરશે રે….ધનવૈભવ તો….

હ્યુસ્ટનના એક સિનીયરે, સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-

August 28th, 2015 Posted in અહેવાલ

હ્યુસ્ટનના એક સિનીયરે,  સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-      

અહેવાલ – શ્રી. નવીન બેન્કર

હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશયનના એક વરિષ્ઠ સભ્ય શ્રી. અરૂણ બેન્કરે, પોતાના જન્મદિવસની ઉજવણી, સંગીતનો કાર્યક્રમ સ્પોન્સર કરીને ગઈ ૧૩મી ઓક્ટોબરે કરી હતી.  એ જ અરૂણ બેન્કરે પોતાની સ્વ. પત્ની મીનાબેનની દ્વિતીય પુણ્યતિથીએ, સિનીયર્સની મીટીંગમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ગાયકો અને સંગીતકારોને  આમંત્રિત કરીને તેમ જ બબ્બે મીટીંગોને સ્પોન્સર કરીને, ભવ્ય કાર્યક્રમ  યોજ્યો હતો.

૨૫મી જુલાઇ ૨૦૧૫ની મીટીંગમાં, હ્યુસ્ટનના જાણીતા સંગીતકાર, નાટ્યકાર, ગાયક એવા શ્રી. હેમંત ભાવસાર, સ્વરકિન્નરી  સ્મિતા વસાવડા, અને મુકેશજીના અવાજ તરીકે ખ્યાતનામ  ગાયક શ્રી. ઉદયન શાહના સથવારે, પોતે લખેલી સ્ક્રીપ્ટ દ્વારા, પોતે જ માસ્ટર ઓફ સેરિમની એટલે કે ઉદઘોષક તરીકે એક અતિસુંદર ભવ્ય કાર્યક્રમ સિનીયર્સ સમક્ષ રજૂ કર્યો હતો. ઇન્ડીયામાં, વર્ષો પહેલાં, રેડીયો પર ‘ગીતગાથા’ નામે એક કાર્યક્રમ પ્રસારિત થતો હતો. એ જ સ્ટાઇલમાં, ઉદઘોષક પોતાની પત્ની કે  પ્રિયતમા સાથેના  ૪૬ વર્ષના દામ્પત્ય જીવનના મધુર કે દર્દીલા સંસ્મરણોની વાત કહેતો જાય અને એ ઘટનાને અનુરૂપ જે કોઇ ફિલ્મીગીત કે શાયરી હાથવગી હોય એને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે. અરૂણભાઇ પોતાની પત્ની સાથેના સંસ્મરણોની વાત કહેતા જાય અને આ ત્રણ ગાયકો એને અનુરુપ ગીત રજૂ કરે. હેમંત ભાવસારે એકાદ બે પ્રાર્થના-ભજન રજૂ કર્યા બાદ, ઉદયન શાહે, ‘ભૂલી હુઈ યાદેં મુજે ઇતના ના સતાઓ’, ‘આપકે અનુરોધ પર મૈં યે ગીત સુનાતા હું’, કહીં દૂર જબ દિન ઢલ જાયે’, જેવા યાદગાર ગીતો ભાવપુર્ણ સ્વરે રજૂ કરીને સિનીયર્સ શ્રોતાઓને ભાવતરબોળ કરી મૂક્યા હતા.

નાગરકન્યા સ્મિતાબેન વસાવડાએ ‘રહે ના રહે હમ’, ‘હમેં ઔર જીનેકી ચાહત ન હોતી’, એક પ્યારકા નગ્મા’, તેરે મેરે મિલનકી યે રૈના’, ‘આપકી આંખોંમેં કુછ મહેંકે હુએ રાઝ હૈ’, ‘ વાદા કર લો ચાંદકે સામને’, જેવા ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા. વચ્ચે વચ્ચે પોતાની કાઠિયાવાડી ભાષામાં જોક્સ અને મીમીક્રી દ્વારા પણ શ્રોતાઓને ખુબ હસાવતા હતા. તેમના મીઠા સ્વરમાં, કંઠની કમાલનો અનુભવ કરવો એ એક લહાવો છે.

અરૂણ બેન્કર પોતે સારા ભજનિક પણ છે. ખુબ ભજનો તેમણે લખ્યા છે. સ્ક્રીપ્ટ રાઇટર તરીકે પણ સફળ છે. હ્યુસ્ટનમાં વર્ષોથી  જાણીતા છે. સિનિયર્સની મીટીંગોમાં અને પિકનીકોમાં આગેવાની લઈને બે વર્ષથી સેવા બજાવી રહ્યા છે.

શ્રી. અરૂણભાઇના પુત્ર ડોક્ટર નિતેશ બેન્કરે, સમગ્ર કાર્યક્રમની વીડીયોગ્રાફી કરી હતી.

 એ જ શ્રેણીની બીજી બેઠકમાં, તારીખ ૮ ઓગસ્ટે, ફરીથી હ્યુસ્ટનના બીજા ખ્યાતનામ ગાયકો પ્રકાશ મજમુદાર ( વોઇસ ઓફ મુકેશ ) , મધુર સ્વરની મલ્લિકા બિન્દુ મલહોત્રા, અને દિનેશ ભાવસારને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. દિનેશ ભાવસારે, હેમંતકુમારના સ્વરમાં હેમંતદાના ત્રણેક યાદગાર ગીતો રજૂ કરીને શ્રોતાઓનું સ્ટેન્ડીંગ ઓવેશન મેળવ્યું હતું.  નમ્ર, અને મિલનસાર સ્વભાવના ‘ડાઉન ટૂ અર્થ’ ગાયક પ્રકાશ મજમુદારે સ્વ. મુકેશજીના કેટલાક યાદગાર ગીતો ગાયા હતા. બિન્દુજી એક જમાનામાં, હ્યુસ્ટનની એક  ટીવી ચેનલ પર સંવાદદાતા અને ન્યુઝ રીડર રહી ચૂકેલી ખુબસુરત સન્નારી છે. એના કંઠે ‘ગલીમેં આજ ચાંદ નિકલા’ આરોહ-અવરોહયુક્ત સ્વરે સાંભળવું એ એક લ્હાવો છે. બિન્દુજીએ પણ લગભગ અડધો ડઝન જેટલા ગીતો રજૂ કરીને, પોતાના કંઠના કામણથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.

વિભાસ ધુરંધર, સિનીયર્સ એસોસિયેશનનો એક સક્રિય મરાઠીભાષીય કાર્યકર છે. ખુબ સારો એક્ટર છે. સ્ટેજ પર તેણે એક્ટીંગ સાથે , ‘ગુલાબી આંખે જો તેરી દેખી’, રજૂ કરીને  શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. વિભાસ ધુરંધરે એક્ટીંગ અને મીમીક્રી ઉપરાંત શ્રી. અરૂણ બેન્કરને માસ્ટર ઓફ સેરિમનીમાં પણ સહયોગ આપ્યો હતો.

આ બીજી બેઠકના કાર્યક્રમમાં અરૂણભાઇનો  સુપુત્ર ડોક્ટર નિતેશ બેન્કર, પુત્રવધુ, પૌત્રીઓ, સ્વ. મીનાબેનના પિયરપક્ષના કેટલાક સભ્યો વગેરે પણ હાજર રહ્યા હતા. બન્ને કાર્યક્રમોને શ્રી. અરૂણભાઇએ જ સ્પોન્સર કરીને સિનીયરોને સ્વાદિષ્ટ ભોજનનો અને સાથે સુમધુર સંગીતનો રસાસ્વાદ કરાવ્યો હતો.

 

મારો લાલિયો કુતરો

August 28th, 2015 Posted in મારા સંસ્મરણો

 મારો લાલિયો કુતરો

આ વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર ન પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ?  ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ય ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી. સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટેભાગે મને જ કહે કે –‘નવીનીયા, જા..પહેલા ગાયકુતરાની રોટલી  નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને એ દિવસે ગાય કે કુતરુ જોવા ન મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં. હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે ય યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના એ નામને જાણતા જ નહોતા. હેમુબેન  એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને એ ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા. કિશોરવયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. આ મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.

લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું એ દુશ્મન ( આમ તો એ મિત્ર જ હોય)  પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ એ માત્ર ભસતા જ શીખેલો. ઘણીવર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો. એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે ય એ અહિંસક જ હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર જ ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા ય વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં  તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.

આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં  મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.

હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે આ ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ જ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.

હમણાં શ્રી. પી કે. દાવડા સાહેબનો એક લેખ વાંચ્યો, જે તેમના સૌજન્યથી આ સાથે નીચે કોપી-પેસ્ટ કરીને મૂકું છું.

અમેરિકામાં પાળેલા કુતરા

અમેરિકામાં ૨૦૧૧ માં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેતૃતિયાંસ ઘરોમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી છે, અને આમાં સૌથી વધારે સંખ્યા કુતરાઓની છે. આજે જ્યારે માણસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.

અમેરિકામાં પાળેલા કુતરા ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. ૯૦ % અમેરિકનોએ આ વાતનું સમર્થન કર્યું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરિકાની ૪૦ % ગૃહીણીઓ માને છે કે એમના પતિ અને એમના સંતાનો કરતાં એમનું કુતરૂં એમને થોડો વધારે પ્રેમ કરે છે.

અહીં અમેરિકનો કુતરા પાછળ સમય અને ધન બન્નેનો દિલ ખોલીને ખર્ચ કરે છે. પોતે કામે ગયા હોય ત્યારે કુતરાને Day Care માં મૂકી જાય છે, જેથી એની ખાવા-પીવાની અને અન્ય સગવડ સચવાય. કુતરાઓ માટે ખાસ Clinics અને Hospitals ની બધે જ સગવડો છે. મારા એક મિત્ર પશુઓના ડૉકટર છે, અને એમની માલિકીની સાત પશુ હોસ્પિટલ છે. એ ધંધામાંથી એ એટલું કમાયા છે કે એમની માલિકીની Real Estate માં ૧૨૦૦ ભાડુત છે, અને એમની સંપત્તિ કરોડો ડોલરની છે.

અમેરિકનો પોતાની Wallet માં પોતાના સંતાનોના ફોટા રાખે છે, અને સાથે પોતાના કુતરાનો પણ ફોટા રાખે છે. કુતરૂં મરી જાય તો તેઓ અતિ ગમગીન થઈ જાય છે, અને શોક પાળે છે. અહીં કુતરાં માટે અલગ કબ્રસ્તાનો છે, અને એની ઉપર મોંઘા મોંઘા Tomb Stone મૂકવામાં આવે છે. ખોવાયલા કુતરાને શોધવા માટે ઈનામની જાહેરાતો આપવામાં આવે છે. ગ્રીટીંગકાર્ડ બનાવનારી હોલમાર્ક કંપનીના કુતરાઓને શુભેચ્છા આપતા કાર્ડસ મોટા પ્રમાણમાં વેચાય છે.

અમેરિકામાં પાળેલા કુતરાઓનું મહત્વ એટલું વધી ગયું છે કે Genetech નામની જગ પ્રસિધ્ધ બાયોટેક કંપનીએ તો કામપર, કુતરા સાથે લાવવાની છૂટ આપી છે, અને એમની સારસંભાળ લેવા વ્યવસ્થા કરી છે. સ્ટોરોમાં કુતરાઓના વપરાશની નવી નવી વસ્તુઓ અને કુતરાઓ માટેનો ખોરાક મોટા પ્રમાણમાં વેચાય છે.

આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તોજોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સમજે છે.એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડએપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તોઅનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામેપ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છુંત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!! માલિકો તો એ બધું સમજતો હોય એવી રીતે એની સાથે વાતચીત કરે છે. જો ન માને તો એને ઠપકામાં માત્ર Bad boy કે Bad girl એટલું જ કહે છે.

માલિકો પોતાના કુતરાને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે.માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજપાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે, અને ભસીને એમને આવકાર આપે છે. ઘર ખુલતાં જ માલિકનેવળગી પડે છે. અમેરિકામાં બાળકો મોટા થાય ત્યારે પોતાનું અલગ ઘર વસાવવા માબાપને છોડી જતા રહે છે ત્યારેમાબાપની એકલતા ટાળવામાં પાળેલા કુતરા મોટો ભાગ ભજવે છે. (પી કે. દાવડા )

આજે મને મારો એ લાલિયો યાદ આવી ગયો -આ લેખ વાંચતાં.

મને કુતરાઓને પકડીને લઈ જતી ગાડીઓ અને સાણસાથી પકડેલા કુતરાઓને જોઇને હંમેશાં દુઃખ થાય છે.

ડંડા મારી મારીને પોલીસવાનમાં ધકેલી દેવાતા માણસોને જોઇને પણ મને પોલીસો પર  ઘૃણા થાય છે. ( મને ત્રણ વખત ‘પોલીસ- બૃટાલિટી’ ના અનુભવ થયેલા છે.)

આ વાતો તો સાઇઠ વર્ષ પહેલાંની છે.

આજે ય જ્યારે જ્યારે હું અમદાવાદ જાઉં છું ત્યારે ત્યારે અચૂક અમારી સાંકડીશેરીની એ ખડકીમાં જાઉં છું અને ‘હાંકુમા ના ઓટલે’ બેસીને આંખના ખુણા ભીના કરી લઉં છું.  અમારા ફ્રીઝમાં મૂકેલી ચાર ચાર દિવસની રોટલીઓને માઇક્રોમાં મૂકીને ,ગરમ કરીને ખાતાં ખાતાં, મને  હેમુબેનની ઓટલી પર મૂકેલી સુક્કી રોટલીઓ યાદ આવી જાય છે,

લાલદરવાજાથી બસમાથી ઉતરીને, ચાલતાં ચાલતાં ત્રણ દરવાજા…પાનકોરનાકા..ફુવારા..માણેકચોક..સાંકડીશેરી.. રાયપુર ચકલા..કુમાર કાર્યાલય… રાયપુર દરવાજા…જાઉં , ઘણાં સંસ્મરણો વાગોળું, થોડું રડી પણ લઉં..

પણ…ગયા માર્ચ માસમાં અમદાવાદ ગયો ત્યારે મારા પગમાં એટલું ચાલવાની શક્તિ ન હતી. બસમાં ચઢવાની હિંમત પણ ન હતી…બે-ત્રણ વખત કુમાર કાર્યાલયમાં ગયો, પણ રીક્ષામાં જ જવું પડ્યું હતું…

હું સમજી  ચૂક્યો છું કે હવે મારા અંતની શરૂઆત થઈ ચૂકી છે. એક એક અંગની ક્રિયાશીલતા ઘટતી જાય છે.

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ ૨૦૧૫

 

 

 

શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી ( માસ્ટરજી )-નૃત્યકાર, કોરીઓગ્રાફર

August 28th, 2015 Posted in અહેવાલ

ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના નૃત્યકાર, કોરીઓગ્રાફર

           શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી  ( માસ્ટરજી )

૧૬મી ઓગસ્ટે,  હ્યુસ્ટનના  નવા સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે, ઇન્ડિયા કલ્ચર સેન્ટર આયોજિત ઇન્ડીયા ફેસ્ટ-૨૦૧૫ કાર્યક્રમ અંતર્ગત, સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના સિનિયર્સના વીસેક સિનિયર્સ સભ્યો દ્વારા એક એક સમુહનૃત્યગીત ‘ભારતકા રહનેવાલા હું, ભારતકી બાત સુનાતા હું ‘ એટલી સરસ રીતે સ્ટેજ પરથી રજૂ થયું  હતું કે પ્રેક્ષકોએ ‘વન્સમોર વન્સમોર’ ના પોકારોથી એ ગીતની રજુઆતને વધાવી લઈને ,સ્ટેન્ડીંગ ઓવેશન આપીને, ફરી વખત એ ગીતનું રીપીટેશન કરવાની કલાકારોને ફરજ પાડી હતી. આ ગીતમાં ભાગ લેનાર મુખ્ય  કલાકારો હતા સર્વશ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, કીરીટ મોદી, રમેશ મોદી, નુરૂદ્દેન દરેડિઆ, પ્રકાશ શાહ, શૈલેશ દેસાઇ, ભરત શાહ, અરવિંદ પટેલ, વિભાસ અને બકુલા ધુરંધર, શ્રીમતિ સુધાબેન ગાંધી, શ્રીમતિ સુશીલાબેન પટેલ,  અને બીજા દસેક જણ. જેમના નામ મને અત્યારે યાદ નથી આવતા. ૬૨ થી ૭૫ સુધીની વયના આ સિનિયર્સના  કાર્યક્રમને જોઇને કોઇ કહી ના શકે કે આમાંના મોટાભાગના કલાકારોએ કદી પણ સ્ટેજ પર પગ પણ મુક્યો નથી.  આ પત્થરોમાં પ્રાણ પુરનાર મુખ્ય કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીને હું પચ્ચીસ વર્ષોથી ઓળખું છું. ૧૯૯૬માં, મેં એમના વિશે, ‘નયા પડકાર’ અને ‘ગુજરાત સમાચાર’ માં એમના પરિચય લેખો લખેલા છે. આજે, થોડુંક વધારે એમના વિશે મારે જણાવવું છે.

મૂળ ગુજરાતના દહેગામમાં જન્મેલા શ્રી. ત્રિવેદીએ શાસ્ત્રિય નૃત્ય પ્રત્યેની અભિરૂચીને કારણે માત્ર સાત જ વર્ષની વયે વડોદરા સંગીત મહાવિદ્યાલયમાં તાલીમ લેવી શરૂ કરી હતી. ત્યાંથી જ ભરતનાટ્યમમાં માસ્ટરી મેળવી. શ્રીમતિ મૃણાલિની સારાભાઇ સંચાલિત દર્પણ એકેડેમીઓફ પરફોર્મીંગ આર્ટ્સમાં. કુચીપુડી નૃત્યમાં માસ્ટરી મેળવી.ભારત  તેમજ પરદેશના ઘણાં શહેરોમાં તેમણે પોતાના નૃત્યના પ્રયોગો રજૂ કરેલા છે. ફૂટ પેઇન્ટીંગ એ તેમની વિશિષ્ટતા છે. નૃત્ય કરતાં કરતાં જ પગ વડે પતંગિયુ, મોર વગેરે ચિત્રો દોરી શકતા હતા..’દર્પણ’ ના નેજા હેઠળ, ફર્સ્ટ એશિયન પેસિફિક પપેટ ફેસ્ટીવલમાં જાપાનના ટોકિયો શહેરમાં તેમણે પોતાના ગ્રુપ સાથે કઠપુતળીના ખેલ રજૂ કર્યા હતા. થોડાક વર્ષો પહેલાં- હું ભુલતો ન હોઉં તો- ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી શ્રી. ત્રિવેદી ઝંકાર સ્કુલ ઓફ ડાન્સીંગ ના નેજા હેઠળ એક ડાન્સ સ્કુલ પણ હ્યુસ્ટનમાં ચલાવતા હતા.

થોડાક વર્ષો પહેલાં તેમણે હ્યુસ્ટનમાં ‘કૃષ્ણલીલા’ નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કૃષ્ણ, ગોપ ગોપીઓ, નાગ-નાગણીઓ, ગોપબાળો જેવા પાત્રો હતા- બધા જ તેમની સ્કુલના વિદ્યાર્થીઓ હતા.

‘શાકુંતલ’ ભજવેલું તેમાં પોતે દુષ્યંતની ભૂમિકા કરેલી

‘પ્રલયતાંડવ’ માં શીવજીની મુખ્ય ભૂમિકા તેમણે ભજવેલી.

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોના પ્રિય ‘અધરમ મધુરમ, વદનમ મધુરમ’ માં તેમનું ભાવપ્રદર્શન અદભુત હતું.

પચીસ વર્ષ પહેલાં, તેમની સાડા ચાર કલાક લાંબી નૃત્ય નાટિકા ‘મહાભારત’ માં, આપણા હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધી, હેમંત ભાવસાર, હાલો રે હાલો’ ફેઇમ મ્યુઝીક મસાલાવાળો સુનિલ ઠક્કર, શેખર પાઠક,  સંજય શાહ તથા મારા જેવા કલાકારોએ ભૂમિકાઓ ભજવી હતી. હું એમાં કૌરવોનો આંધળો બાપ ધૃતરાષ્ટ્ર  બનેલો. મુકુંદ ગાંધી ‘ભીષ્મ’ બનેલા.

તેમણે  ફિલ્મ ‘શોલે’ ની  એક સ્કીટ પણ ભજવેલી જેમાં મેં, રાજુ ભાવસાર, ગિરીશ નાયક અને ‘ ‘કીની’ નામની એક ખુબસુરત યુવતીએ હેમા માલિનીવાળી ભૂમિકા ભજવી હતી. અલબત્ત હું એમાં ‘કાલિયા’ બનેલો.

‘મોગલે આઝમ’ પણ અમે ભજવેલું જેમાં હું દુર્જનસિંહ નો રોલ કરતો હતો. ફિલ્મ મોગલે આઝમમાં એ ભૂમિકા અભિનેતા અજીતે ભજવી હતી.

મોગલે આઝમ માં જોધાબાઇનો રોલ કરતા એક  મહારાષ્ટ્રીયન બહેન  ક્રાંતિ વાલવડેકર મને યાદ છે. નાના પાટેકર પુરુષ નાટક લઈને હ્યુસ્ટનમાં આવેલો ત્યારે હું એને , લઈને ક્રાંતિબેનને ઘેર લઈ ગયેલો ત્યાં માસ્ટરજી પણ ઉપસ્થિત હતા અને મેં ત્યાં હાજર રહેલા ઘણાંના ફોટા નાના પાટેકર સાથે લીધેલા. આ ક્રાંતિબહેન  ક્યારેક ક્યારેક મને સાંઇબાબાના મંદીરમાં મળી જતા હોય છે. ( રખે માની લેતા કે હું સાંઇબાબાનો ભક્ત છું. હું તો ક્યારેક મારી પત્ની ની ધાર્મિક લાગણી ન દુભાય એટલા ખાતર એના ડ્રાઇવર તરીકે  તેની સાથે જઉં છું એટલું જ શ્રીરામ  શ્રીરામ )

મને યાદ છે કે કમલાહસનનું પિક્ચર ‘હિન્દુસ્તાની’ રીલીઝ થયું ન હતું અને તે ફિલ્મની  ગીતોની રેકર્ડ જ બહાર આવેલી ત્યારે એના એક જાણીતા ગીતની તર્જ સાંભળીને ઇન્દ્રવદનભાઇએ પોતાની વિદ્યાર્થિનીઓ પાસે એ ગીત કોરીયોગ્રાફ કરીને નૃત્ય તૈયાર કરાવેલું અને કોઇ કાર્યક્રમમાં રજૂ કરેલું. એ ગીતમાં હ્યુસ્ટનની બે જોડકા બહેનો નેહા અને નીરજુ ટેઇલર, તેમની માતા પ્રજ્ઞા ટેઇલર, અરૂણ બેન્કરની ભત્રીજી સોનલ, મીનળ ગાંધી  પણ હતી. આ તો પચીસ વર્ષ પહેલાંની સ્મૃતિના આધારે લખું છું એટલે નામો લખવામાં કોઇ ક્ષતિ રહી જાય એવું પણ બને.

અમેરિકન સંસ્થાઓમાં પણ તેમણે પોતાના કાર્યક્રમો રજૂ કરીને અમેરિકન પ્રજાના પણ પ્રમાણપત્રો મેળવ્યા છે.

અહીં જ જન્મેલી અને અહીં જ ઉછરેલી નવી પેઢીની બાળાઓને શાસ્ત્રિય નૃત્યની તાલીમ આપીને, તેમનામાં ભારતિય કલા અને સંસ્કૃતિનું સીંચન  કરવાનું કામ તેઓશ્રીએ કર્યું છે.

માસ્ટરજી ( ઇન્દ્રવદન ત્રિવેદી ) સાથે કરેલા કાર્યક્રમોના રિહર્સલો ની યાદો પર તો એક આખુ પુસ્તક હું લખી શકું.

એક આડવાત-

આપણી ભારતીય સંસ્થાઓ-ખાસ તો ગુજરાતી સંસ્થાઓ- કોઇ કાર્યક્રમ પ્રસંગે, આવા કલાકારોને કોઇ આઈટમ રજૂ કરવા આમંત્રણ આપે પણ એના રીહર્સલો વખતે ચાહનાસ્તા માટે કે ગેસ ભરાવવાના નાણાં ન આપે. કાર્યક્રમના ડ્રેસીસ માટે, પાઘડી, ખેસ, લાકડી, જેવી વસ્તુ પણ કલાકારે જ લાવવાની હોય. ક્યારેક તો એ સંસ્થાઓએ ટીકીટો પણ વેચી હોય. હોલનું ભાડુ ખર્ચે, ટીકીટો છપાવવાના નાણાં ખર્ચે, લોકોને પ્રોક્લેમેશન્સ આપે, હારતોરા પાછળ પૈસા ખર્ચે, પણ પોતાના ફેમિલીટાઇમમાં કાપ મૂકીને દિવસો સુધી રીહર્સલો કરનાર કલાકારે તો ગાંઠનું જ ગોપીચંદન કરવાનું.

આ જ વાત આપણા ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોને ય લાગૂ પડે છે.

કોઇ કલાકાર વિશિષ્ટ કોસ્ચ્યુમ કે સામાન લાવવા પૈસા માંગે તો જવાબ મળે કે-‘ભાઇ, આ તો કોમ્યુનિટી વર્ક છે. અમે ય ફ્રી સેવા જ આપીએ છીએ.’ કલાકાર પોતાની અસમર્થતા જાહેર કરે તો કહેશે-‘ હ્યુસ્ટનમાં નવો નવો હતો ત્યારે સારો હતો. હવે જરા નામ થઈ ગયું એટલે એને રાઈ ચઢી ગઈ છે. સાલો પ્રોફેશનલ થઈ ગયો છે.’

કેટલીક સંસ્થાઓના માંધાતાઓ કાર્યક્રમ પતી ગયાના એકાદ બે માસ બાદ, હાથની લખેલી રીસીટો એટેચ કરીને વાઉચરો બનાવીને ખર્ચા પાડી દેતા હોય અને પોતે ખર્ચેલા ગેસના નાણાં વસૂલ કરી લેતા હોય એ ગનીમત !

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૧૯ ઓગસ્ટ ૨૦૧૫

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

August 28th, 2015 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

અહેવાલ-  શ્રી. નવીન બેન્કર

શનિવાર… આઠમી ઓગસ્ટની એ ખુશનુમા સાંજ….

એ સાંજ હતી ગઝલ અને કવિતાના અભિસારની…

એ સાંજ હતી હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના  હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની…

આઠમી ઓગસ્ટ ૨૦૧૫ ને શનિવારની સાંજે, સૂગરલેન્ડ,ટેક્સાસ ના ટી.ઈ. હરમન સેન્ટર ખાતે, ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે, સુરતના ખ્યાતનામ કવિ, હાસ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને ગઝલકાર ડોક્ટર રઈશ મનીઆરનો એક યાદગાર કાર્યક્રમ, લગભગ ૨૫૦ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ઉજવાઇ ગયો હતો.

થોડી રંગત, થોડી ગમ્મત, કવિતાની સંગત, હાસ્યની હેલી અને ગઝલના ગુલદસ્તાએ મઢેલી વાતો લઈને આવેલા શ્રી. રઈશ મનીઆર ગુજરાતના વર્તમાન સમયની એક વિલક્ષણ પ્રતિભા છે. કુલ અઢાર જેટલા પુસ્તકો અને બાર જેટલા નાટકો લખીને તેમણે પ્રથમ પંક્તિના કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે નામના મેળવી છે. પોતે બાળમનોવિજ્ઞાની છે. પેરેન્ટીંગ વિશેના લેક્ચર્સ અને સેમિનારો પણ કરે છે. ખુદ જાવેદ અખ્તર અને ગુલઝારજી સાથે કાવ્યપાઠ કરવાની તેમને તક મળી છે. કૈફી આઝમી વિશેનું, તેમના લખેલા પુસ્તકનું વિમોચન, આ સદીના મહાનાયક શ્રી. અમિતાભ બચ્ચનને શુભ હસ્તે થયું છે. એમના ‘લવ યુ જિન્દગી’, ‘અંતીમ અપરાધ’, અને અનોખો કરાર જેવા નાટકો માટે સતત ત્રણ વાર શ્રેષ્ઠ નાટ્યલેખક તરીકે પારિતોષિક પણ એનાયત થયેલા છે. રણબીરસિંગ અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ ‘રામલીલા’ નું પેલું ખુબ જાણીતું ગીત પણ શ્રી. મનીઆરનું લખેલું છે. આઠેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. ગુજરાતી વર્તમાનપત્રોમાં તેઓશ્રી. કોલમો પણ લખે છે.

સાંજના ટકોરે, કાર્યક્રમની શરૂઆત , ભાવનાબેન દેસાઇના પ્રાર્થનાગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, ડોક્ટર કોકિલાબેન પરીખે  રઈશ મનીઆરનો, તેમની લાક્ષણિક શૈલિમાં પરિચય આપ્યો હતો. અને આવકારના બે શબ્દો કહ્યા હતા.

સોહામણું વ્યક્તિત્વ અને મીઠી જબાન ધરાવતા આ યુવાન કવિ જો એકલી કવિતાઓ અને ગઝલો જ ઠપકારે તો કદાચ શ્રોતાઓ કંટાળી જાય એવા ખ્યાલથી તેમણે ત્રણ કલાકના આ સમગ્ર કાર્યક્રમના જાણે કે બે ભાગ પાડી નાંખ્યા હતા. પ્રથમ ભાગમાં, થોડી રંગત, થોડી ગમ્મત અને હાસ્યની હેલી અંતર્ગત શરૂઆત એકદમ હળવી વાતો અને જોક્સથી કરી હતી. ગુજરાતની શાળાઓમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એ અંગે ખેદ પ્રકટ કર્યો. અંગ્રેજી મીડીયમમાં ભણતા બાળકોની ગુજરાતી માતાઓ કેવું  અંગ્રેજી મિશ્રિત ભેળસેળિયું ગુજરાતી  બોલે છે એના રમુજી કિસ્સાઓ કહ્યા અને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ગુજરાતી ભાષા  એની સમૃધ્ધી ખોઇ બેઠી છે એના રમુજી કિસ્સા કહ્યા.આપણી જુની કહેવતોના ગુજરાતી ભાષાંતરની રમુજે શ્રોતાઓને ખુબ હસાવ્યા. પોતાની જાણિતી હાસ્યસભર કવિતાઓ પણ રજૂ કરી. કવિ અને બહેરા શ્રોતાની જોક્સ…સુરેશ દલાલ અને તરલા દલાલની જોક્સ…કબરમાં ફાફડા-ચટણી લઈને પોઢી જવાનું હાસ્યરસિક કાવ્ય…લગ્ન તથા શુભપ્રસંગોએ વાડી ભાડે આપવાની જાહેરાતની મજાક…વિવાહ અને વિવાદ તથા MEAT and EGG ( મીત અને ઇન્દુ ) વાળી જોક્સ…’ પરણીને પસ્તાય તો કે’તો ન’ઇ’ વાળી જાણીતી હઝલ…ને એવી બધી, ઘણી હાસ્યપ્રધાન વાતોએ ,શ્રોતાઓની તાળીઓની ખંડણી તેમણે મેળવી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, શ્રી. રઈશભાઇએ શેર, શાયરી, કવિતા, ગઝલ, હઝલ, અને નઝમ ની  મહેફિલ માંડી હતી.

ઇશ્ક હૈ કતરા કિ દરિયામેં ફના હો જાના

દર્દકા હદસે ગુજરના હૈ કિ દવા હો જાના…….

કવિતા એ નિરાલંબી છે. એને કાગળ, કલમ કે તબલા-પેટી ન જોઇએ…

ગાલિબ, મરીઝ જેવા ગઝલકારોની રચનાઓની  અજાણી વાતો સાથે પોતાના કાવ્યો અને ગઝલોની પણ મહેફિલ માંડીને શ્રોતાઓને મુગ્ધ કરી મુકયા હતા.

બે દિવસ પહેલાં, છ્ઠ્ઠી ઓગસ્ટે, ડોક્ટર કોકિલાબેનના નિવાસસ્થાને મળેલી એક અનૌપચારિક ગઝલ વર્કશોપમાં, બે કલાક સુધી , ત્રીસેક જેટલા સર્જકો અને ગઝલનું સ્વરૂપ અને બાંધણી સમજવાની જિજ્ઞાસા ધરાવતા સુજ્ઞ સાહિત્યપ્રેમીઓ સમક્ષ પણ રઈશભાઈએ, પાવર પોઇન્ટ પ્રોજેક્શનની મદદથી, ગઝલના સ્વરૂપ અંગે વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું. ‘ કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ જેવી જાણીતી નઝમના બંધારણ અંગેની તેમ જ આપણી ઘણી હિન્દી ફિલ્મોના  જાણીતા ગીતો કયા રાગ પર લખાયા છે એની ‘લગાગા…લગાલગા’ જેવી ટેક્નીકલ ભાષામાં સમજ આપીને, શ્રોતાઓને પણ એક ઢાળ પરથી એ ફિલ્મી પંક્તિઓ પર લઈ જઈને ગાતા કર્યા હતા એ  અનુભવ અદભુત હતો. ગઝલકાર તરીકે ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગઝલના સ્વરૂપ વિશેની સમજ આપતા પુસ્તકો, ‘ગઝલના રૂપ અને રંગ’, તેમજ ‘ગઝલનું છંદોવિધાન’ લખ્યા છે. આ પુસ્તકો હવે યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તથા ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. શાયરશિરોમણી મરીઝ વિશેનું, ‘મરીઝ-અસ્તિત્વ અને વ્યક્તિત્વ’  તેમજ, ચુનંદા ઉર્દુ શાયરોનો, ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક, ‘માહોલ મુશાયરાનો’ જેવા પુસ્તકો ગઝલરસિકોમાં ખુબ લોકપ્રિય નીવડ્યા છે.

ત્રણ કલાક ચાલેલો આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે પુરો થયા પછી,ખીચડી, કઢી, મસાલાના થેપલા અને મોહનથાળની મજા માણીને સૌ વિખરાયા ત્યારે જાણે કે પુનમની રાતે ઉછળી ગયેલો સાગર અધવચાળે જ અચાનક એના વિપુલ જલરાશિ સાથે અધ્ધર જ સહેમીને થંભી ગયો ન હોય !

કાર્યક્રમની સફળતા માટે, સંસ્થાના કો-ઓર્ડીનેટરો શ્રી. નિખીલ મહેતા અને ધવલ મહેતા, ખજાનચી શ્રી. નરેન્દ્રભાઈ વેદસાહેબ, માનનીય સલાહકાર  કવયિત્રી શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડોક્ટર કોકિલાબેન પરીખ. શ્રી. પ્રશાંત મુન્શા, કવયિત્રી શૈલાબેન મુન્શા, નિતીન વ્યાસ, દીપક ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, શ્રી. ફતેહ અલી ચતુર તથા  ‘સાસ’  ( સાહિત્ય સરિતા ) ના અન્ય નામી-અનામી સભ્યોએ તનતોડ મહેનત કરી હતી.

શ્રી. રઈશભાઇ મનીઆર  હ્યુસ્ટનના એરપોર્ટ પર ઉતર્યા  અને હ્યુસ્ટનથી વિદાય થયા ત્યાંસુધી તેમની સાથે ને સાથે રહેનાર અને તેમની આગતાસ્વાગતાથી માંડીને તેમના ટ્રાન્સ્પોર્ટેશન સુધીની જવાબદારી ઉઠાવનાર, રઈશભાઇના અંગત મિત્ર એવા શ્રી. વિશ્વદીપભાઇ અને રેખાબેન બારડને તો કેમ ભુલાય ? થેન્ક યુ, વિશ્વદીપભાઇ !

લખ્યા તારીખ-૧૯ ઓગસ્ટ ૨૦૧૫- રઈશ મનીઆરનો જન્મદિવસ

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.