સંગીતના કાર્યક્રમની હાઈ લાઈટ્સ-
સંગીતના કાર્યક્રમની હાઈ લાઈટ્સ–
સાંજના ૭ થી ૧૨ નો સમય જાહેરાતોમાં દર્શાવેલો પણ શો શરુ થયો આઠ વાગ્યે.
લગભગ ૪૦૦ શ્રોતાઓ હતા. નીચે ‘એમ’ થી ‘ડબલ્યુ’ હરોળની ટીકીટો વેચાઇ ન હતી એવું દેખાઇ આવતું હતું. સીટો બતાવનાર વોલન્ટીયર્સનો અભાવ હતો અથવા જે હશે તેઓ સાવ નિષ્ક્રિયપણે ઉભા હતા. શ્રોતાઓ કોમ્પ્યુટરમાંથી મેળવેલી ટીકીટો ડુપ્લિકેટ પ્રીન્ટ કરી કરીને લાવ્યા હોય એવી આશંકાથી, બોક્સ ઓફીસ પર લાઈનોમાં ઉભા રહી, ટીકીટો દર્શાવી અને હાથ પર બાંધવાની પટ્ટીઓ લઈને, પ્રવેશ અપાતો હતો. જે ખુબ સમય માંગી લેતું કામ હતું. ઇન્ટરવલ પછી, નીચેની ઘણી ખાલી સીટો એકદમ ભરાઇ ગયેલી લાગતી હતી. કદાચ ઉપરવાલે નીચે આ ગયે હો!
ડોક્ટર તુષાર પટેલે એકદમ ટૂંકુ અને મુદ્દાસર પ્રાસંગિક પ્રવચન કરેલું. ( + પોઇન્ટ )
પિનાકીન પાઠક ડાઉન ટૂ અર્થ રહ્યા. એમણે કોઇ પ્રવચન ન કર્યું. ( બીજો પ્લસ પોઇન્ટ)
અંકિત ત્રિવેદી કે તુષાર શુક્લ જેવા સંચાલકોને બદલે આ વખતે, ડોક્ટર માર્ગી હાથી નામના બહેન કેવું સંચાલન કરશે એવી આશંકા ઠગારી નીકળી. માર્ગીબેને ખુબ સુંદર રીતે સંચાલન કર્યું. મને તો એ બહેનમાં આપણા દેવિકાબેન ધ્રુવ જ જાણે દેખાતા હતા. મેં તો એમને સ્ટેજ પર જઈને આ વાત કહી પણ ખરી.
ગમે તે ગાયક ગાતો હોય પણ શ્રોતાઓની દ્રષ્ટી તો સ્ટેજ પર ચોથા ક્રમમાં બેઠેલા આનલ વસાવડા પર જ અટકી જતી હતી.
બે ગાયિકાઓ- હિમાલી વ્યાસ, આનલ વસાવડા, સંચાલિકા માર્ગીબેન હાથી સાથે મારો ફોટો, હ્યુસ્ટનના ગાયક કલાકાર શ્રી. કલ્પક ગાંધીએ લીધો છે.
પુરૂષોત્તમ ઉપાધ્યાય નો નાનો ભાઇ ભગવત ઉપાધ્યાય ૧૯૮૨ માં, ન્યુયોર્કમાં સ્ટુડીયો એપાર્ટમેન્ટમાં મારો રુમમેટ હતો અમે એકાદ વર્ષ ૪૦૦ ડોલરના ભાડાનો સ્ટુડીયો એપાર્ટમેન્ટ શેર કરેલો. એ ભગવત મને ૩૨ વર્ષ પછી સ્ટેજ પર મળી ગયો. એ વખતે અમે બન્ને મુફલીસ હતા.
હવે પ્રોગ્રામની વાતો-
પરદો ખુલતાં જ સ્ટેજ પર, ગાદી પર, બાર કલાકારો ગોઠવાયેલા દેખાતા હતા.
ડાબી બાજુથી- મનીષી રાવલ ( તબલા પર), રીતેષ ઉપાધ્યાય ( ઢોલક પર), મનીષ કંસારા ( ઓક્ટોપેડ પર ), ગાયિકા આનલ વસાવડા, ગાયક ભૂમિક શાહ, ગૌરાંગ વ્યાસ, ગાયક દિવ્યાંગ અંજારિયા, ગાયિકા હિમાલી વ્યાસ, ગાયક પ્રહર વોરા, સંચાલિકા ડોક્ટર માર્ગી હાથી, મુછોવાળો હેન્ડસમ મયુર દવે ( ઇલેક્ટ્રીક ઓર્ગન પર) અને છેલ્લે જમણી બાજુ અદભુત વાંસળીવાદક શ્રેયસ દવે.
પુરુષોત્તમ ઉપાધ્યાયની એન્ટ્રી તો છેક રાત્રે પોણા બાર વાગ્યે થઈ હતી. અને એક વાગ્યા સુધી નોન-સ્ટોપ ‘વાતો ‘ કરી હતી તેમણે. એ વખતે, ગાયકો અને ગાયિકાઓ તથા ખુદ ગૌરાંગ વ્યાસ પણ સ્ટેજ પરથી નીચે ઉતરી જઈને શ્રોતાઓ સાથે બેસી ગયા હતા. સ્ટેજ પર ગાદી પર વાજિંત્રકારો અને ખુરશી પર પોતાના હાર્મોનિયમ સાથે ૮૧ વર્ષની વયના પુરુષોત્તમભાઇ. ૧૯૩૪માં જન્મેલા આ કલાકાર ૧૯૪૭માં, માત્ર તેર વર્ષની વયે મુંબઈમાં શ્રી. અવિનાશ વ્યાસને ક્યાં અને કેવા સંજોગોમાં મળ્યા, તેમના ઘેર રહેવા ગયા અને અવિનાશ વ્યાસે આ હીરા પર પહેલ પાડીને કેવી રીતે મહાન ગાયક બનાવ્યો , પોતાનો માનસપુત્ર તરીકે ઓળખાવ્યો અને પોતાને ‘એ ય પશલા’ કરીને બોલાવતા એની વાતો કરી. દિલીપ ધોળકિયા, અજીત મર્ચન્ટ, રાજકપુર, લતા મંગેશકર, આશા ભોંસલે, મોહમ્મદ રફી સાહેબ,એસ. ડી બર્મન, પંચમ, મલ્લિકા-એ-તરન્નુમ બેગમ અખતર સાથેના પોતાના સંસ્મરણો કહ્યા અને સાથે સાથે અમુક ખ્યાતનામ ગીતોના સર્જનની વાતો કહીને એ ગીતો પણ ગાઇ સંભળાવ્યા.
વચ્ચે એક ગાયિકા નિર્મલા અરૂણ નો ઉલ્લેખ કરેલો. મને લાગે છે કે એ નિર્મલા અરૂણ એટલે આજના અભિનેતા ગોવિન્દા ની માતા. અવિનાશભાઇના કયા ગુજરાતી. ગીતો પરથી હિન્દી ફિલ્મોના કયા ગીતો રચાયા એની દિલચશ્પ વાતો પણ કરી.
પહેલા એ ગુજરાતી ગીત નું લગાલગા શાસ્ત્રિય રીતે ગાય, પછી એના શબ્દો આવે અને એ પંક્તિ પુરી થતાં પહેલાં પેલા હિન્દી ગીતની પંક્તિઓ શરુ થાય. અદભુત રજૂઆત હતી એ.
પુરૂષોત્તમભાઇએ ગાયેલા બે ગીતો મને ખુબ ગમ્યા. ‘દિવસો જુદાઇના જાય છે’, અને ‘કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારૂં આવી ગયું છે’.
કાર્યક્રમ દરમ્યાન કોણે શું ગાયું , કેવું ગાયું એ માટે તો જુદો અહેવાલ લખીશ.
આમ તો અવિનાશ વ્યાસના ગીતો આપણે બધાએ હજ્જારો વખત સાંભળ્યા છે. જુદા જુદા ગાયકોના કંઠે સાંભળ્યા છે. આપણે પોતે પણ ગણગણ્યા છે. એટલે આ વખતે, હું આ કાર્યક્રમમાં જવાના મૂડમાં ન હતો. છેલ્લા ત્રણ દિવસ જ બાકી હતા અને માત્ર ૨૩૫ ટીકીટો વેચાઇ હતી એવી લોકવાયકા સાંભળવા મળી. અને એ સાચી હોય એમ, ડિસ્કાઉન્ટ્સ ની જાહેરાતો થવા લાગી એટલે મારી પત્નીની ૭૩ મી વર્ષગાંઠ પણ આજે જ હતી અને એને આ ગીતો ખુબ ગમે છે એટલે મારા એક મિત્રએ ખાસ સીટવાળી ટીકીટો બુક કરાવી દીધી. હું પણ લગભગ ગૌરાંગ વ્યાસની જ ઉંમરનો છું. એકાદ અપવાદ બાદ કરતાં લગભગ બધાં જ સ્પોન્સરો, પ્રમોટરો, મને સ્ટેજ પર કે ગ્રીનરૂમમાં કલાકારોની મુલાકાત લેવા જવા દે છે. કલાકારો ક્યારે આવવાના છે, ક્યાં ઉતરવાના છે, કેટલું રોકાવાના છે એની માહિતી આપતા હોય છે.
મને સ્પર્શી ગયેલા કેટલાક ગીતો આ રહ્યા.
(૧) શ્રી. ભુમિક શાહે રજૂ કરેલ, ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે’,
(૨) શ્રી. દિવ્યાંગ અંજારિયાએ રજૂ કરેલ, ‘ ઝરુખે વાત જોતી… વસમું વસમું લાગે છે…સૂનું સૂનું લાગે છે’ વાળું એ ગીત અને ‘ આંખનો અફીણી, બોલનો બંધાણી’. હું મારી જુવાનીના દિવસોમાં ટાઉનહોલમાં આવા જ એક પ્રોગ્રામમાં ગયેલો અને કોઇ ગાયકે આ અફીણીવાળું ગીત ગાવા માંડ્યું કે કોઇએ બાલ્કનીમાંથી ‘બોલનો બંધાણી’ શબ્દો આવે કે ‘બોલ’ શબ્દનો પહોળો ઉચ્ચાર કરી મોટેથી પોતે એ લીટી બોલે અને એ ગીતનો કચરો થઈ જતો. એવું હજી મને યાદ આવે છે. ( અલબત્ત એ તોફાની યુવાન હું ન હતો, હોં ! હું તો શિષ્ટ માણસ છું-તમે બધા જાણો જ છો.)
(૩) આનલ વસાવડાએ રજૂ કરેલ ‘સીતા એકલા રે, જુએ રામલક્ષ્મણની વાટ’, ’આપણા મલકના માયાળુ માનવી’, ‘ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ હજુ કાનમાં ગુંજે છે.
(૪) શ્રી. પ્રહર વોરાએ રજૂ કરેલ ‘મણીયારો’.
કેટલાક ગીતોમાં મને શ્રી. અભેસિંહ રાઠોડની યાદ આવી જતી હતી. પણ એની વાત અહીં નહીં કરું.
મને લાગે છે કે હું તો માત્ર સીનોપ્સીસ લખવા માંગતો હતો અને કદાચ અહેવાલથી પણ વધુ લખાઇ ગયું. મને થોડામાં ઘણું કહેતાં આવડતું નથી એટલે તો હું હાયકુ લખી શકતો નથી.
મારે હવે વાર્તા કહેવાની કળા હસ્તગત કરવી છે. જે રીતે પુરુષોત્તમભાઇ સાહજિક રીતે વાતો કરતા રહ્યા અને સ્વયંભુ શબ્દો નીકળતા રહ્યા અને આપણે એ પ્રવાહમાં તણાતા રહ્યા.
૬/૬/૨૦૧૫