ગુજરાત ટાઈમ્સની એક જાહેરખબર
ગુજરાત ટાઈમ્સની એક જાહેરખબર
“ચાર અને સાત વર્ષની ઉંમરના બે બાળકોની, છૂટાછેડા લીધેલી અત્યંત ખુબસુરત સ્ત્રી અમેરિકામાં સ્થાયી થયેલા પુરૂષ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે. ધંધામાં સાઇઠ હજાર ડોલર્સ સુધીનું રોકાણ કરી શકશે. ફલાણા નંબર પર સંપર્ક સાધશો અથવા અમુક ઇ-મેઇલ પર ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મોકલશો.. વગેરે..વગેરે.”. ( ગુજરાત ટાઇમ્સ – ૧૨મી જુન ૨૦૧૫- પેઇજ ૧૭ )
જાહેરાતમાં બહેને પોતાની ઉંમર નથી જણાવી પણ બાળકોની ઉંમર જોતાં, એ બહેન જુવાન હશે એમ સમજાય છે. બહેને જ્ઞાતિ કે જાતિ પણ નથી જણાવ્યા એટલે જ્ઞાતિભેદમાં પણ નહીં માનતા હોય. ગમે તે જાતનો હોય પણ પુરૂષ જોઇએ અને અમેરિકામાં સ્થાયી થયેલો અને સીટીઝન અપેક્ષિત છે. ઇન્ડીયામાં મોટી ઉંમર સુધી અપરિણિત રહી ગયેલી સ્ત્રીઓના વડીલો વીસ ત્રીસ લાખ રુપિયા દહેજમાં આપીને, અમેરિકન સિટીઝન્સ વિધુરો સાથે પોતાની પુત્રીને પરણાવતા હોય છે એ તો બધા જ જાણે છે. જમીનોના ભાવ આસમાને જતાં, ઘણાં ખેડૂતોને રાતોરાત કરોડો રૂપિયા હાથમાં આવી ગયા છે અને ગાડીઓ ફેરવતા થઈ ગયા છે એવા વડીલોની દીકરીઓને આ રીતે ઠેકાણે પાડી દેનારા એજન્ટો પણ ઉભા થઈ ગયા છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ વગરની ઘણી સ્ત્રીઓ, ૧૫- ૨૦ હજાર ડોલર્સ આપીને કોઇ સિટીઝન ‘મેકલા’ કે ‘કાળિયા’ સાથે કાગળ પર લગ્ન કરીને ગ્રીનકાર્ડ મેળવી લે છે એ પણ હવે જગજાહેર હકિકત છે.
હવે, આ પરિસ્થિતીમાં, કોઇ મોટી ઉંમરનો વિધુર કે વાંઢો ઇન્ડિયા જઈને વીસ-પચીસ લાખ રૂપિયા લઈને, પોતાનાથી જુવાન અને છડેછડી છોકરીને પરણી લાવવાની તક મળતી હોય તો, આધેડ ઉમ્મરની અને જુવાન બાળકોની માતા સાથે સંસાર માંડવા તૈયાર થાય ખરો ? હા.. મનના મેળ મળી ગયા હોય અને અહીં ગ્રીનકાર્ડ વગર રહી પડેલી પણ આઇ.ટી. એક્ષપર્ટ તરીકે ઢગલો ડોલર્સ રળી આપવાની તક હોય અને રૂપાળી દેખાતી હોય તો કદાચ કોઇ ચાન્સ લે પણ ખરો. પણ..મોટી ઉંમરના અને દૂધના દાઝેલા, કે ડીવોર્સના ચક્રવ્યુહમાંથી , બધું ફનાફાતિયા કરીને, માંડ છૂટેલા એવા બેવકુફો પાશેર દૂધ માટે , શિંગડા ભરાવે એવી કોઇ ગાય ( કે ભેંસ ) ને ખીલે બંધાવા તૈયાર થાય ખરા ?
મોટી ઉંમરે વિધુર થયેલા કે છૂટાછેડા લઈને સ્વતંત્ર થયેલા સજ્જન પુરુષો તમને ભાગવતકથાઓમાં જોવા મળશે. અને દુષ્ટ પણ ડાહ્યા (!) પુરૂષો રાત્રિકલબોમાં કે ચાઇનીઝ મસાજ પાર્લરોમાં જોવા મળે. ભાગવતકથાઓમાં આવા સજ્જન પુરૂષો મોટેભાગે શુભ્રધવલ કેશરાશી ધરાવતા અથવા અડધી ટાલવાળા જોવા મળશે. અને રાત્રિકલબોમાં આવા રસિક પુરૂષો કલપ કરીને જુવાન દેખાવાનો ડોળ કરનારા કે વીગ પહેરેલા જોવા મળે.
અત્યાર સુધી ધંધામાં રોકાણની લાલચ આપીને લગ્ન કરવાની ઓફર કરનારી જાહેરાતો જોવામાં નહોતી આવતી. હવે કાયદેસર રીતે પૈસાની ઓફર કરીને , લગ્ન દ્વારા, ગ્રીનકાર્ડ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરાતી થઈ છે.