એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » ટૂંકી વાર્તાઓ » અમારા ચંચીબા

અમારા ચંચીબા

June 11th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

અમારા  ચંચીબા  ( લઘુકથા )

નવીન બેન્કર 

તમને હવે એ તો ખબર છે જ કે બેલેન્ડ પાર્કના કોમ્યુનિટી સેન્ટરમાં મહિનામાં બે વખત અમારે સિનિયરોની મીટીંગ મળે છે. આજથી પચીસ વર્ષ પહેલાં આ એસોસિયેશનની શરૂઆત થયેલી ત્યારે માંડ પચાસેક સભ્યો હતા અને એ વખતે એના સભ્ય થવાની વયમર્યાદા ૫૦ ની રાખેલી. એ વખતે હું એનો સભ્ય થયેલો. આકાશવાણીના નિયામક પણ રીટાયર થઈને આ શહેરમાં દીકરા સાથે રહેવા આવેલા જે લેખનપ્રવૃત્તિને કારણે મને અમદાવાદથી ઓળખે. એ આ એસોસિયેશનના પ્રેસિડેન્ટ હતા. હું નવો નવો આવેલો અને એ જાણતા હતા કે હું લખું છું એટલે મને પ્રવચન કરવા આમંત્રણ આપ્યું હતું. પછી તો મને એ લોકોની પ્રવૃત્તિઓમાં રસ પડી ગયો એટલે હું પણ સંસ્થાનો સભ્ય થઈ ગયો હતો. સંસ્થાની મીટીંગોના અહેવાલો હું લખતો. હિસાબો પણ સંભાળું અને દર મહિને થતી પિકનિકોના અહેવાલો લખીને ગુજરાતી વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવું.

ચંચીબા  એ વખતના સભ્ય. હું પચાસ વર્ષનો અને ચંચીબા લગભગ પાંસઠના. એમના દીકરા સાથે રહેતા. એમને ચાર દીકરા. ત્રણ દીકરા આ શહેરમાં અને એક દીકરો કેલિફોર્નિયામાં. ત્રણે દીકરાઓએ વારા કાઢેલા-મા ને રાખવાના. ચાર મહિના થાય એટલે અઠવાડીયા અગાઉ જેનો વારો હોય એને નોટીસ પહોંચી જાય કે ‘જો જે, બા ને મૂકવા આવવાનો છું. વેકેશન પર જવાનો પ્લાનબ્લાન કરતો નહી’. દરેક દીકરા-વહુને બા સાથે રહેવાનો લાભ તો મળવો જોઇએ ને !..શ્રીરામ..શ્રીરામ…

આટલી પુર્વભૂમિકા પછી હું અસલી વાત પર આવું.

આ ચંચીબાને એક ખાસ બહેનપણી હતી.- શકરીબા. જાતે બ્રાહ્મણ. એમનો દીકરો ડેની દ્વિવેદી એમને મૂકવા આવે એટલે હું ઓળખું . મૂળ નામ તો એનું દયાશંકર. પણ આવા તો કેટલાય દયાશંકરો અમેરિકામાં આવીને ડેની બની ગયા છે. બન્ને બહેનપણીઓ સુખદુખની વાતો કરે અને મનનો ભાર હળવો કરે. યુ નો વોટ આઇ મીન !    મંદીર હોય કે સિનિયર્સની મીટીંગ. બધા સોશ્યલાઇઝીંગ કરવા જ જતા હોય છે.

આ ચંચીબા હમણાં ચાર-છ મહીનાથી મીટીંગમાં નહોતા દેખાતા. અચાનક આજે કોઇ પાડોશીની સાથે આવ્યા. મને બહાર બેલેન્ડ પાર્કના બાંકડે બેઠેલો જોઇને તેમણે પુછ્યું-  ‘કેમ ભઈલા, બહાર બેઠો છું ?’

‘અંદર પ્રવિણાબેન કડકિયા યોગા શીખવે છે. અને આપણને જમીન પર બેસવું ફાવે નહીં. વળી, આખી જિન્દગીમાં ક્યારેય કસરત બસરત ના કરી હોય એટલે આટલે વર્ષે આ બધામાં રસ ના પડે. પણ  બહેન, તમે ક્યાં ખોવાઇ ગયા છો ? ચંચીબાને અજાણ્યા લોકો ‘ બા’  કહે. પણ ઘરમાં અને અમારા જેવા આપ્તજનો-માયાવાળા લોકો ‘બહેન’ કહે છે.

નાઇન્ટીપ્લસ ચંચીબા મારી સાથે બાંકડે જ બેસી ગયા. અને એમની કરમકહાણી કહેવી શરૂ કરી-

‘ભઇલા… મારી બહેનપણી શકરી ગુજરી ગઈ પછી હું એકલી પડી ગઈ હતી. કોને મળવા આવું ? મારી સાથે સુખદુખની વાત કરવાવાળી તો એક એ હતી. મારો સૌથી વહાલો દીકરો શ્રવણકુમાર ગુજરી ગયો. એ જ તો મારી કાળજી રાખતો હતો.    જરા ય મ્હોં બગાડ્યા વગર મને મીટીગમાં મૂકવા આવતો, મીટીંગ પુરી થાય ત્યાં સુધી બહાર બાંકડે બેસી રહીને મારી રાહ જુએ. બહાર હોટલમાં ખાવ લઈ જાય. મંદીરમાં દર્શન કરવા લઈ જાય. એ ગુજરી ગ્યો ને મારી કરમકઠણાઇ બેસી ગઈ. બીજા દીકરાઓની વહુઓ તો એમની માઓને લઈ  જવાની હોય તો  જ આપણને ય ગાડીમાં બેહાડે. બાકી બે ય જણીઓને તો હાહુ આંખમાં કણાની જેમ ખુંચે. હજુ એકની વહુ તો હારી’સે પણ બીજાની વઉ તો કાટમાં કાટ અને મારો દીકરો તો એનાથી ય મોટો કાટ. લોકલાજે ઘરમાં રાખે અને બટકુ નાંખે પણ…’

એમની વાતને અધવચ્ચેથી અટકાવીને મેં પુછી લીધું- ‘ તે બહેન, તમે  અહીં ઓશિયાળી જિન્દગી વેઠવા કરતાં ઇન્ડીયામાં તમારા  પોતાના ઘરમાં જઈને રહો ને ! ત્યાં તો સગાંવહાલા-પાડોશીઓ તમને સાચવે, નોકરચાકર મળી રહે, રસોઇ કરવાવાળી બાઈ રાખી લેવાની અને જ્યારે દેવદર્શને કે સોશ્યલ કામે જવું હોય ત્યારે રીક્ષાઓ ક્યાં નથી ?  છોકરાઓ એમ તો બે પાંદડે છે. ‘…

‘ભઈ…એનું જ તો દુખ’સે…પાંચ વરહ પહેલાં, દીકરાઓએ મને કહ્યું-‘ બહેન, તુ હવે પંચ્યાશીની થઈ. તારા મરી ગયા પછી ઇન્ડીયાના ઘર અને પૈસા માટે બખેડા પડે, કોરટકચેરીના ધક્કા અમારે ખાવા પડે અને ઇન્ડીયામાં તો સરકારી કચેરીઓમાં વચેટીયા વગર કોઇ કામ જ નથી થતું. વળી અત્યારે ગુજરાતમાં મોદીસાહેબનું રાજ છે અને રીયલ એસ્ટેટ તેજીમાં છે. તો ઘર કાઢી નાંખીએ. તારે જેને આપવા હોય એ તારા જીવતા જ પતાવી દે. હવે તને ય પંચ્યાશી થયા. તું યે કેટલું જીવવાની ? આ તો બોનસની જિન્દગી કહેવાય.’ મને ય એમની વાત  હાસી લાગી અને મેં ય મૂઇએ કાગળીયાઓમાં સહીઓ કરી આલી. ઇ હંધુ ય  વેસાઇ ગ્યું ને ચારે ય જણાંએ વહેંચી લીધા. મારા જગુએ ( એમના વરને  એ વહાલમાં જગુડો કહેતા ) મારા ઘડપણ માટે વ્યવસ્થા કરેલી.’ ( ડૂસ્કુ )  

‘તે બહેન… તમારા શ્રવણકુમારને શું થયું હતું ?’ 

એ ય બચાડો જીવ દુખિયારો જ હતો.  એ જ અમેરિકામાં પહેલવેલો આયો’તો. એણે જ હંધાયને આંય કને બોલાયા’તા. પેલા બધા વધારે ભણેલા તે મીલીયોનેર થઈ ગ્યા ને મારો શ્રવણ ઓ્છું ભણેલો  ને સીધી લીટીનો માણહ તે નાનકડી નોકરી કરીને પડી રહ્યો. એની બૈરી રૂપાળી અને ફેશનવાળી. એને મારો શ્રવણ કદી ગમતો નહોતો, પણ અમેરિકા આવવા માટે પૈણેલી. શ્રવણને આઘો ને આઘો જ રાખે. જોકે ભેળા રહ્યા એટલે  એક દીકરી થઈ ગઈ. એ ય એની મા પર જ પડી છે. રૂપરૂપનો અંબાર છે. એને પેલા જુગાર રમવા જાય છે ને ત્યાં-‘

‘હા… લાસ વેગાસ.’ મેં કહ્યું.

‘હા..ત્યાં લાસવેગાસમાં દીકરી અને જમાઇ રહે છે. શ્રવણની વહુ પણ એની દીકરીની સુવાવડ કરવા ત્યાં ગઈ અને રહી ગઈ. ત્યાંની ઝાકઝમાળમાં ખોવાઇ ગઈ. અને મારો શ્રવણ અહીં એની જોબ કરતો એકલો ને એકલો હોટલોના રોટલા ખાઈ ખાઇને પડ્યો રહ્યો. શ્રવણને હમણાં જ પાંસઠ થયા ને એ રીટાયર થઈને લાસવેગાસ ગયો હતો અને ત્યાં જ હાર્ટએટેકથી ગુજરી ગયો. બચાડો એની સોશ્યલ સીક્યોરીટી ખાવા ય  નો રહ્યો.’ ( ડૂસ્કુ)

સાલ્લાના છેડાથી આંખો લુછતાં બહેને આગળ ચલાવ્યું-

‘હવે આ બે દીકરાઓની વચ્ચે દહાડા કાઢું છું. લબાચા  લઈને આને ઘેરથી પેલાના ઘેર ને પેલાના ઘેરથી આના ઘેર. વહુઓ કહે કે બારીના પડદા નહીં ખોલવાના તો સુર્યના પ્રકાશ વગર અંધારિયા ઓયડામાં પુરાઈ રહેવાનું. ઘડીક ઓસરીમાં ખુરશી નાંખીને બેહવાનું મન થાય તો કહેશે-‘બહાર ના બેસાય, કોઇ ઘરમાં ઘુસી જાય અને મારી નાંખે. ઘરની અંદર જ રહો.’

‘તો…બહેન, તમે તમારી પૌત્રીને ઘર લાસવેગાસ જતા રહો ને !’ -મેં સુચવ્યું.

‘શ્રવણની વહુને એ ગમે ? હવે તો શ્રવણની સોશ્યલ સીક્યોરીટી, બચતના પૈસા, લાઇફ ઇન્સ્યોરન્સના પૈસાથી એ લાસવેગાસની ક્લબોમાં મજા કરતી હોય ત્યાં આ બુઢ્ઢી સાસુ સહન થાય  અને ભઈલા, એક ખાનગી વાત કહું ? એ તો શ્રવણના ફ્યુનરલમાં યે નહોતી આવી. પત્ની એના બાળક્ના બાપના અંતીમ દર્શન કરવા કે અંતીમ વિદાય દેવાનું સૌજન્ય ચૂકી ગઈ હતી. બધાયે બહુ સમજાવી પણ ના માની તે ના જ માની.’

‘એવું ય બને કે એ અતિશય પ્રેમને કારણે, પોતે એ સહન નહીં કરી શકે એ વિચારે ફ્યુનરલમાં ન આવી હોય’- મેં  મારો વિચાર દર્શાવ્યો.

‘ અરે..પ્રેમબેમ તો એને કદી નહોતો. હમેશાં જાહેરમાં, વારતહેવારે કુટુંબના બધા ભેગા થયા હોય ત્યારે એ કહેતી-‘ કોઇએ મને એવોર્ડ આપવો જોઇએ આવા વરને નભાવવા બદલ ‘…

-હંમેશાં એની આંખમાં મારા શ્રવણ માટે એક પ્રકારની નફરત , ઉપેક્ષા જ દેખાતી. એનું બધાં વચ્ચે અપમાન જ કરતી હતી. પોતે રૂપાળી છે એનું એને અભિમાન હતું એને તો પોતાને માટે કોઇ સલમાનખાન જેવા સોહામણા પુરુષની ઝંખના હતી.

હવે હું શું બોલું ?

નાઇન્ટી પ્લસ ચંચીબા જેવા ઘણાં સિનિયરો મને એમની હૈયાવરાળ કહેતા હોય છે.

તમે ય કોઇ દિવસ બેલેન્ડ પાર્કના બાંકડે, કે કોઇ મંદીરની બહાર ટોળે વળેલા ગ્રુપમાં આવજો. આંખ અને કાન ખુલ્લા રાખશો તો આવા કેટલાય ચંચીબાઓ તમને જોવા મળશે. કેટલાય ડેની, કેટલાય શ્રવણકુમારો તમને ભટકાશે.

એક રીક્વેસ્ટ કરૂં ?  આ વાત મારી પત્નીને ના કહેશો. નહિંતર એ મને દુનિયાદારીની શિખામણ આપતાં કહેશે- ‘ એ ડોશીઓ તો બધી પોતાના દીકરા-વહુઓની ખણખોદ કરવા અને વગોવવા જ મંદીરો અને મીટીંગોમા જતી હોય છે. મારે તો સારૂં છે કે હું બહેરી છું એટલે મારી જોડે તો કોઇ વાત કરવા આવે જ નહીં. એક તો આવી વાતો ધીમેથી કહેવાય અને હું મૂઇ સાંભળું નહીં એટલે એમને મોટેથી બોલવું પડે. અને એકનું એક વાક્ય ચાર ચાર વાર બોલવું પડે એટલે બધાં મારાથી દૂર ભાગે. અને…તું  સાલો ઘાંયજો છું. પઈની પેદાશ નહીં ને આવું આવું લખીને છપાવે અને વગર ફોગટના ફોટા પાડી પાડીને –‘ વગેરે..વગેરે…

યુ નો વોટ આઇ મીન !

નવીન બેન્કર – (૭૧૩)-૮૧૮-૪૨૩૯             લખ્યા તારીખ-૧૦ જુન ૨૦૧૫

***************************************************************

 

  

 

 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.