એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » ટૂંકી વાર્તાઓ » મોહભંગ (વાર્તા) – નવીન બેન્કર –

મોહભંગ (વાર્તા) – નવીન બેન્કર –

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

 

 

 

PASSPORT PHOTO

 

મોહભંગ  (વાર્તા)   –    નવીન બેન્કર

 
તમે પેલા શાન્તીકાકાને તો હવે ઓળખો છો ને ? પેલા ગરોળીવાળા ! સંડાસમાં રાત્રે ત્રણ વાગ્યે, ગરોળી સાથે પુરાઈ ગયેલા એ ઘટના પછી સોસાઈટીમાં હવે બધા તેમને શાંતિલાલ ગરોળીવાળા તરીકે જ ઓળખે છે.
આ શાંતિલાલને થોડા વર્ષો પહેલાં એ જ્યારે અમેરિકાથી આવી જ રીતે અમદાવાદ આવેલા ત્યારે કોઇ આધેડ ઉંમરની એકલી રહેતી સ્ત્રી સાથે- દિલ લાગી ગયું હતું- દિલ લાગવા માટે ઉંમરનો બાધ નથી હોતો. દિલ તો ગમે તે ઉંમરે લાગી જાય. પણ મોટાભાગના સિનીયરો ( વયસ્ક સ્ત્રીપુરુષો ) પોતાની એ લાગણી છૂપાવી છૂપાવીને, માત્ર ચક્ષુ____( યુ નો વોટ આઈમીન ! ) થી મનને સમજાવી લેતા હોય છે. સિનીયર્સની મીટીંગમાં કોઇ વયસ્ક પુરુષ ગાયક માઈક પકડીને ગીત રજૂ કરતો હશે ત્યારે એનું સમગ્ર ફોકસ બહેનોના ગ્રુપ તરફ જ હશે. જોક્સ પણ સ્ત્રીવૃંદ તરફ જ ફેંકશે.  હવે તમે એ માર્ક કરજો.
 
હાં… તો આપણે આડી વાતે ઉતરી ગયા. શાંતિકાકા જુવાનીના દિવસોથી દિલફેંક જ રહ્યા છે. ઘણી બધી અફેર્સ તેમના ખાતે નોંધાયેલી છે.
 
શાંતિકાકાની સોસાઈટીની બહાર, ૧૦૦ ફુટના નવા ડેવેલપ થયેલા રોડ પર, એક કોમ્પ્લેક્ષના ભોંયતળીયાના ફ્લેટ પર , એક સ્ટોર બનાવી દઈને, પંચાવન વર્ષની વયના ડાયવોર્સી જિગીષાબેન  ઝેરોક્સના બે મશીન અને જંક ફુડના પેકેટો, પેન, પેન્સીલ એવું બધું રાખીને  બિઝનેસ કરતા હતા. લગભગ એટલી જ ઉંમરના શાંતિકાકા ઝેરોક્સ કરાવવા ઘણીવાર એમના સ્ટોર પર જાય. જિગીષાબેન ગૌર વર્ણના, ઉંચી કાઠીના કાઠિયાવાડી  જાજરમાન સ્ત્રી હતા. વીસેક વર્ષથી છૂટાછેડા લઈને, ખુમારીપુર્વક એકલા જીવન વ્યતિત કરતા હતા.. પાછલા રુમમાં રહે અને આગળના રુમમાં સ્ટોર કરેલો . પહેલીવાર શાંતિકાકા એમના સ્ટોરપર ઝેરોક્સ કરાવવા ગયા ત્યારે જરા ચણભણ થઈ ગયેલી. જિગીષાબેન એક રુપિયો છુટ્ટો આપવાનો આગ્રહ કરે અને કાકા પાસે દસની નોટ. અમેરિકામાં પરચુરણની આવી કોઇ તકલીફ નહીં જોયેલી એટલે કાકા તો વરસી પડ્યા  લેક્ચર આપવા. અમારે અમેરિકામાં તો આમ ને તેમ અને અહીં ઇન્ડીયામાં તો પરચુરણની મારામારી..ખિસ્સામાં રોકડા લઈ લઈને ફરવું પડે..સાલુ બધુ કાળા નાણાંનું જ ચલણ….ટ્રાફિક સેન્સ જ ના મળે સાલા ઇન્ડીયનોમાં…..મોદી શું મોદીનો બાપ આવે તો ય ભ્રષ્ટાચાર નાબુદ ના થાય.. ને  એવું બધું  લેક્ચર ઝાડી દીધેલું. પછીની વાત ટુંકી છે. જિગીષાબેન પણ નરમ પડ્યા અને ‘કાકા’ સાથે વાતચીતનો સંબંધ બંધાયો. પછી સુખદુખની વાતો પણ થવા લાગી. શાંતિકાકા કાંઇ ધોતિયા-ઝભ્ભાવાળા ‘કાકા’ નથી. હા !  માથાના ઝુલ્ફાની જગ્યાએ તાલ જરુર પડી ગઈ છે. અને પગે આર્થરાઈટીસને કારણે જરા લંઘાતું ચાલે છે બાકી હજુ આકર્ષક વ્યક્તિત્વના માલિક છે. જબાન તો જોરદાર ચાલે છે. જિગીષાબેને એમના સ્વતંત્ર સ્વભાવને કારણે, પતિ સાથે અણબનાવ થતાં ડાયવોર્સ લીધા હતા. જો કે હવે આ ઉંમરે એકલતા સાલે છે અને કોઇ યોગ્ય પાત્ર મળી જાય તો ગોઠવાઈ જવા ઇચ્છતા હતા.જુવાનીમાં તો બધુ ચાલી જાય પણ પાછલી ઉંમરે, ખાસ કરીને મેનોપોઝ અને થાયરોડની તકલીફો શરુ થતાં સ્ત્રીઓને એકલતા અને અસલામતીનો ડર એટલો સતાવવા લાગે છે કે એ બધી બાંધછોડ કરીને થાળે પડવા ઇચ્છતી હોય છે.
 
શાંતિકાકાને કાંઇ જિગીષાબેન સાથે ઘર માંડવાની ઇચ્છા ન હતી પણ થોડી મજા કરી લેવાય તો  ‘શ્રીરામ શ્રીરામ’ કરી લેવાની ઇચ્છા ખરી. શાંતિકાકા મોટેભાગે તો,’પતિ, પત્ની ઔર વોહ’ ફિલ્મના પેલા સંજીવકુમારની જેમ પોતાની પત્ની અંગેના અસંતોષની વાતો કરીને જિગીષાબેનની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરે. જિગીષાબેન પણ એમને સધિયારો આપે.  જિગીષાબેન જૈન ધર્મ પાળે એટલે વૈષ્ણવ શાંતિકાકા એમને ‘જય જિનેન્દ્ર’ કરીને જ વાત કરે. આ જિગીષાબેનનું આબેહુબ ચિત્ર તમારે જોવું હોય તો ‘સોની’ ટીવી ચેનલ પર, ‘ઇતના કરો ના મુઝે પ્યાર’ સિરીયલની પેલી નિહારીકા ને જોવી પડે. શાંતિકાકાને એની પાતળી, લાંબી ગ્રીવા ખુબ ગમતી. શાંતિકાકા એમના જેવા સ્ત્રીલોલુપ મિત્રો આગળ એ અંગે  રસિક વાત કરે ત્યારે કહેતા કે સાલીને જો કીસ કરવા મળે તો શરુઆત એના ડાબા કાન નીચેથી કરીને એની ગ્રીવા પર થઈને પછી એના હોઠ ચૂમી લઉં.’ આગળની વાત, તમારા જેવા સુજ્ઞ વાંચકોની લાગણી દુભાવે એટલે નહીં કરું.
 
થોડાક દિવસોની આ મુલાકાતો પછી, એક દિવસ  ગાંધીનગર અને ચિલોડા ચોકડીથી પાંચ કિલોમીટરના અંતરે નેશનલ હાઈ વે નંબર આઠ પર, ધણપ ગામ નજીક આવેલા, જૈનોના ધર્મસ્થાન ‘ચંદ્રપ્રભ લબ્ધિ ધામ’ ખાતે દર્શન કરીને ત્યાં ત્રણ ચાર કલાક વિશ્રાંતિ લેવાનું નકી કર્યું. જિગીષાબેને હા પાડી એટલે અનુભવી શાંતિલાલ સમજી ગયા કે હવે એ સમય આવી ગયો છે.
 
 આગલી રાત્રે ફોન પર વાત કરતાં શાંતિલાલે એમની શાંતા કેવી તકલીફો આપે છે એની હૈયાવરાળ  ઠાલવી ત્યારે જિગીષાબેને એનો પ્રતિભાવ આપતાં અસ્સલ કાઠિયાવાડી જબાનમાં  કહ્યું- ‘“બા..ય..ડી… ‘સો ?  સુટા થઈ જાવ એનાથી.”
 
અને…શાંતિકાકાનો મોહભંગ થઈ ગયો.
 
શાંતિકાકા આમ છૂટાછવાયા ગતકડા કરી લે ખરા પણ એમની શાંતાથી છૂટા થવાની વાત તો કદી સ્વપ્ને પણ ના વિચારે. લાંબા સમયના લગ્નજીવનની સંગાથી શાંતા એમને વહાલી છે. પોતે થોડા કાછડીછૂટા ખરા પણ પત્ની યે વહાલી. એમને ભાન થઈ ગયું કે પોતે આગ સાથે રમત રમી રહ્યા છે. આ ઉંમરે આ રીતે આગળ વધવામાં જોખમ છે. અસ્સલ કાઠિયાવાડી સ્ટાઇલમાં બોલાયેલા એ શબ્દોએ એમને ભાનમાં લાવી દીધા અને તબિયતનું બહાનુ કરીને જૈન ટેમ્પલનો કાર્યક્રમ રદ કરી દીધો તથા બીજા દિવસથી ઝેરોક્સ સ્ટોરનો રસ્તો પણ જુદો કરી દીધો. મોબાઈલ ફોનનું સીમકાર્ડ પણ બદલી નાંખ્યું અને પંદર દિવસમાં તો  અમેરિકા ભેગા થઈ ગયા હતા.
 
બે શબ્દો – ‘બાયડી ‘સો’ એ એમનો મોહભંગ કરી નાંખ્યો હતો.
 
લખ્યા તારીખ- ૬ એપ્રિલ ૨૦૧૫
 
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.
.
,

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help