મેસેજ મળી ગયો ( વાર્તા) લેખક- શ્રી. નવીન બેન્કર
મેસેજ મળી ગયો ( વાર્તા) લેખક- શ્રી. નવીન બેન્કર
નોંધ- આ વાર્તા દિલથી યુવાન હોય એવા સ્ત્રીપુરુષો માટે જ છે. પ્રેમ, સેક્સ, સ્ત્રીપુરુષના જાતિય મનોભાવોના આલેખનથી તમારુ નાકનું ટીચકુ ઉંચુ થઈ જતું હોય તો આ વાર્તા ના વાંચશો. પુરુષની સ્ત્રીલોલુપ વૃત્તિ પર કટાક્ષ કરતી આ વાર્તાનો વિષય આપણા હ્યુસ્ટનના શિષ્ટ બ્લોગર્સની વાર્તાઓથી જુદો છે. અલબત્ત, આ વાર્તા અશ્લીલ નથી જ. હું તો લગ્નેતર સંબંધોના વિષયો પર લખવામાં એક્ષ્પર્ટ છું એવું હું માનું છું.
*************************************************************************************************************************
હ્યુસ્ટનના ઇન્ડિયા હાઉસમાં પેલા ‘આપ’થી જાણીતા થઈ ગયેલા કવિ. લેખક અને હિન્દી ભાષાના પુરસ્કર્તા એવા કુમાર બિશ્વાસનો કાર્યક્રમ હતો.
એ દિવસે બીજી ઓગસ્ટ અને શનિવાર હતો.
નચિકેત, પાર્કીંગ લોટમાં આમંત્રિતોની કારોનું વ્યવસ્થિત પાર્કીંગ કરાવવા માટે વોલન્ટીયર તરીકે ફરજ બજાવતો હતો. હ્યુસ્ટનની ખ્યાતનામ હસ્તીઓ ગાડીઓ લઈને આવતી હતી..શ્રી. રવિ કંકરીયા, શ્યામ પંજવાણી, વિજય સિરોહી,આભા દ્વિવેદીજી, કવિશ્રી. નૌશા અસ્સાર, પત્રકાર વંશિકા વિપીન…ને એવા તો ઘણાં જાણીતા ચહેરાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. કાર્યક્રમ શરુ થવાની તૈયારીમાં જ હતો અને પાર્કીંગ એરિયા ભરચક થઈ ગયો હતો ત્યાં જ એ અત્યંત સ્વરુપવાન સ્ત્રી કાર લઈને પ્રવેશી. નચિકેત એને જોઇને મંત્રમુગ્ધ થઈ ગયો. વી.આઈ.પી.માટે સ્પેશ્યલ કોરીડોરમા જગ્યા રાખેલી ત્યાં, એ રુપાળી સ્ત્ર્રીની કાર પાર્ક કરાવીને, નચિકેતે કૃતકૃત્યતા અનુભવી હતી.
હેન્ડસમ કુમાર બિશ્વાસ, શાયરાના અંદાઝમાં બમ્બૈયા સ્ટાઇલથી, શાયરી ફટકારી રહ્યા હતા-
કોઇ દિવાના કહેતા હૈ, કોઇ પાગલ સમજતા હૈ,
મગર, ધરતીકી બેચેનીકો બસ બાદલ સમજતા હૈ.
મૈં તુઝસે દૂર કૈસે હૂં, તૂ મૂઝસે દૂર કૈસે હૈ,
યે તેરા દિલ સમજતા હૈ યા મેરા દિલ સમજતા હૈ..
શ્રોતાઓ સ્ટેન્ડીંગ ઓવેશન સાથે વાહ વાહ પોકારી રહ્યા હતા.
પાર્કીંગનું કામ પુરુ થઈ જતાં, નચિકેત પણ હોલમાં આવીને પાછલી સીટ પર ગોઠવાઇ ગયો હતો. પેલી શાયરી પર સ્ટેન્ડીંગ ઓવેશન વખતે નચિકેત અને પેલી ખુબસુરત નાઝનીનની નજરો મળી અને ઔપચારિક પરિચય થયો હતો. એનું નામ સુહાસિની હતું. નિર્દોષ ડાયવોર્સી હતી અને, જ્યાં દેશી લોકો વધુ રહેતા હતા એવા વિસ્તારમાં એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતી હતી. બાળકોની જંજાળ ન હતી. કોઇ કન્વીનીયન્સ સ્ટોરમાં કાઉન્ટર સંભાળતી હતી.
નચિકેત પણ એની ઉંમરની ચાલીસીમાં છે. યુવાન અને વાચાળ માણસ છે. પરિણીત પણ છે. પત્ની સીધી સાદી ‘શાન્તાબેન’ છે. સારી છે. પણ મોટાભાગના રસિક પુરુષોને ‘SEVEN YEARS ITCH’ નો અનુભવ થતો જ હોય છે. એકધારી જિન્દગીમાં થોડીક થ્રીલ અને રોમાંચ અનુભવવા માટે મોટાભાગના પુરુષો તલપાપડ થતા જ હોય છે. હા ! કોઇ શરમાળ હોય, હિમ્મત વિનાના હોય, ધર્મભીરુ હોય એ જ આખી જિન્દગી ઘરના દાળભાત ખાઈને જીવતા હોય છે.
બાકી કલાકાર હોય, લેખક હોય, કવિ હોય, સંગીતકાર હોય, વાચાળ હોય, સ્માર્ટ હોય તો ક્યારેક ને ક્યારેક તો એના જીવનમાં પેલી ‘નિવેદીતાઓ’ આવતી જ હોય છે. કોઇ સ્વીકારે કે ના સ્વીકારે. (‘નિવેદીતા’ એટલે ‘ઇતના ના કરો પ્યાર’ સિરિયલની અભિનેત્રી). ઇન્ડીયા હાઉસ અને એવી અન્ય સંસ્થાઓમાં નચિકેત વોલન્ટીયર તરીકે સેવા આપે, સેલીબ્રીટીઝના ફોટા પાડે, ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે ઇન્ટરવ્યુ લે એટલે ચહેરાથી કોમ્યુનિટીમાં બધા ઓળખે. એ દિવસે તો કશી વાત થઈ શકી ન હતી પણ બીજી મુલાકાત ગુજરાતી સમાજની પોંક પાર્ટી વખતે થઇ.
સુહાસિની પોંક, ઉંધીયુ અને જલેબીની ડીશો તૈયાર કરતી હતી અને નચિકેત દેશીઓના ટોળાને લાઇનમાં વ્યવસ્થિત ઉભા રહેવા આગ્રહભરી વિનંતિ કરતો હતો ત્યારે કોમન ટોપીક પર વિચારવિનિમય કરતાં, વાતચીતનો સંબંધ બંધાયો. ‘ આપણા સાલા દેશી લોકો શિસ્તમાં સમજતા જ નથી. એક વ્યવસ્થિત લાઇન કરવાને બદલે, ચાર ચાર લાઇનો કરી નાંખે અને ટોળામાં જ, ઘુસવાની આદ્ત છે એમને. હેન્ડીકેપ્ડ પાર્કીંગમાં પણ ગાડીઓ પાર્ક કરી નાંખે. નાટકમાં પણ મોડા આવીને ખોટી સીટો પર બેસી ગયા હોય. અમદાવાદમાં તો જમીનના એટલા પૈસા આવી ગયા છે અને બ્લેકમનીને કારણે ઘેરેઘેર ગાડીઓ આવી ગઈ છે પણ ટ્રાફિકસેન્સ વગરના સાલા દેશીઓ……વગેરે વગેરે… જેવા બળાપાના સૂરો વચ્ચે , ફોન નંબરની આપ-લે થઈ ગઇ.
સુહાસિનીના સ્ટોર પર બે-ચાર મુલાકાતો પણ થઈ. એ પછી, નચિકેતને થયું કે હવે ખોટી લાળ પાડ્યા વગર એને સિનેમા જોવાનું આમંત્રણ આપીને, આગળ વધવું જોઇએ.
આમે ય, જિન્દગીની ચાલીસીએ પહોંચેલા પુરુષો, પેલા ટીન એજર છોકરાઓની જેમ છ છ મહિના સુધી ફીલ્ડીંગ ના ભરે. અને જે કામ કરતા ટીનએજર છોકરાઓને બે જ મીનીટ લાગે એ કામ ચાલીસીએ પહોંચેલા અનુભવી પ્રેમીઓ- યુ નો આઇ મીન !
સિનેમા થિયેટર એ પ્રેમીજનો માટે મળવાનું આદર્શ સ્થળ ગણાય. એક જમાનામાં, અમદાવાદમાં ભીખાભાઇ પાર્કના કે વિક્ટોરીયા ગાર્ડનના અંધારા બાંકડા કે યુનિવર્સિટી પાછળના ખુલ્લા ખેતરો પ્રેમીઓના આદર્શ મિલનસ્થળો હતા. હ્યુસ્ટનમા એ.એમ.સી. થીયેટર્સના પહેલા શો આવા આદર્શ સ્થળ ગણાય. ડોલરિયા દેશમાં ડોલરની લાહ્યમાં બપોરના પહેલા શોમાં કાગડા જ ઉડતા હોય. અમિતાભ કે સલમાનના નવા પિક્ચરના પ્રિમિયમ શોમાં પણ પરાણે પાંચ દેશીઓ જોવા મળે. છોકરી ફિલમ જોવા આવવાનું આમંત્રણ સ્વિકારે એટલે સમજી જવાનું કે હવે સ્વાભાવિક લાગે એવા અછડતા સ્પર્શથી શરુ કરીને ક્રમિક તબક્કે છૂકછૂક ગાડી આગળ વધી શકે.
‘તમે મૂવી જુઓ છો કે નહીં ?’
‘જોઇએ ક્યારેક બે ડોલરમાં ડુપ્લીકેટ ડીવીડી લાવીને ફુરસદના સમયે.’
‘મને તો ડીવીડીમાં મૂવી જોવાની મજા જ ના આવે. થીયેટરના વિશાળ પડદા પર સ્ટીરીયોફોનિક સાઉન્ડ અને ફુલ સાઇઝની બિપાશા બાસુ કે કેટરીના કૈફને અંગોને હિલોળા આપી આપીને ડાન્સ કરતી જોવાની મજા થિયેટરમાં જ આવે, બાકી.’
‘તમે તો બહુ બેશરમ છો.’- શરમાતા શરમાતા સુહાસિનીએ કહ્યું.
‘તમને વાંધો ન હોય તો આપણે ,તમારી રજાના દિવસે એક વખત એ/એમ/સી માં ‘મીસ્ટર એક્સ’ જોવા જઈએ. અદ્ર્ષ્ય થઈને વીલનોની ધોલાઇ કરતા કીસીંગ એક્સપર્ટ ઇમરાન હાશ્મીનું લેટેસ્ટ મૂવી છે. તમે આવશો ?’
‘જોઇએ હવે. સમય મળે એના પર આધાર છે. તમે ફોન કરજો.’- શરમાતા શરમાતા સુહાસિનીએ, તોફાની આંખો નચાવતા જવાબ આપ્યો. છોકરીઓ જાણતી જ હોય છે કે સિનેમાના અંધકારમાં કેવા ગલગલીયા થતા હોય છે !
નચિકેતને હવે સ્વર્ગ હાથવેંતમાં લાગ્યું.
સુહાસિની…સુહાસિની..સુહાસિની..એમ મોટેથી બુમો પાડીને એ નાચી ઉઠ્યો.
રુપાળી સ્ત્રીના સાન્નિધ્યમાં ગૂસપૂસ ગૂસપૂસ વાતો કરતાં કરતાં, મૂવી જોવાની ક્ષણોના રોમાંચની કલ્પના માત્ર એની ચાલીસીએ ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરીને ચાર્જ કરવા પુરતી હતી.
પોતાની પત્નીને સવારથી જ કહી રાખ્યું હતું કે આજે સાંજે પ્રેક્ષા મેડીટેશન સેન્ટરમાં હરીશ ભાવસારે એના નવા નાટકના ગ્રાન્ડ રીહર્સલમાં મને બોલાવ્યો છે એટલે જરા મોડુ થશે. નચિકેત જેવા માણસોને આવા જુઠ ડગલે ને પગલે બોલવા જ પડતા હોય છે.
સુહાસિની મોટેભાગે ચળકતુ બ્લ્યુ કે ગુલાબી રંગના વસ્ત્રો પરિધાન કરે છે એટલે પોતે પણ ગુલાબી રંગનું શર્ટ અને બ્લ્યુ કલરનું પેન્ટ પહેરીને તૈયાર થઈને બેઠો. છેક સાંજે જ, ક્લીન શેવ દાઢી કરી અને પુછોની કટ પણ કરી દીધી. બૂટને પોલીશ કરી દીધું. હાથની આંગળીઓના નખ પણ કાપી દીધા.
સાંજે સાત વાગ્યે ફોન કરીને પુછ્યું કે ‘નીકળે છે ને ?’ સામેથી જવાબ મળ્યો-‘‘આજે તો જોબ પર ખુબ કામ હતું તેથી થાકી ગઈ છું. આજે અનુકૂળ નહીં પડે. કાલે જઇશું.’
બીજે દિવસે ફરી તૈયાર થઈને ફોન કર્યો તો સામેથી જવાબ આવ્યો-‘ મેનોપોઝનો દુખાવો શરુ થયો છે. હવે કાલે વાત.’
અનુભવી નચિકેત સમજી ગયો કે મેનોપોઝનો દુખાવો એટલે ચાર દિવસનો ત્રાસ. એટલે ચાર દિવસ પછીના રવિવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું.
વહેલી સવારે, કોમ્યુટર પર, ગુગલમાં, એ.એમ.સી-૩૦ ડનવેલ ના શો ટાઇમીંગ ચેક કરી લીધા. આખા દિવસના બધા જ શોનું લીસ્ટ બનાવી રાખ્યું. કદાચ સુહાસિની આજે ય કોઇ બહાનુ કાઢે કે સવારનો શો અનુકૂળ નહીં પડે તો પાછળના બીજા બધા શોમાંથી એકાદ કહી શકાય.
ફરી રીપીટેશન…નવી બ્લેડથી શેવ કર્યું…હાથની આંગળીઓના નખ કાપ્યા..ગુલાબી શર્ટ અને બ્લ્યુ પેન્ટ પર ઇસ્ત્રી ફેરવી લીધી.. અને દસ વાગ્યે ફોન કર્યો-
સામેથી જવાબ આવ્યો- ‘ છ દિવસની જોબ પછી એક રજા આવી એમાં કામનો ઢગલો થઈ ગયો છે. લોન્ડ્રી કરવાની છે. ઘર સાફ કરવાનું છે.ગ્રોસરી લાવવાની છે. મેનોપોઝનો દુખાવો પણ ચાલુ જ છે. એટલે આજે તો નહીં ફાવે. ફરી ક્યારેક.’
નચિકેતે મૂવીનું લીસ્ટ ફાડી નાંખ્યું.
એને મેસેજ મળી ગયો હતો. ***********************************************