મહાભારતની એક રોમેન્ટીક કથા – નવીન બેન્કરની નજરે
મહાભારતની એક રોમેન્ટીક કથા- નવીન બેન્કરની નજરે
યમુનાના વહેણમાં એક નૌકા સરતી સરતી કિનારા તરફ જઈ રહી હતી. એ નૌકા ચલાવનારી શ્યામ આંખોવાળી ( અસિતલોચના) મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એ માછીમારની પુત્રી હતી. સત્યવતીનું સૌંદર્ય અનુપમ હતું.પરંતુ એના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. આ સત્યવતીની નાવમાં ઋષિ પરાશર બેઠા હતા. મહાભારત કાળમાં સ્ત્રીઓ આજીવિકા અર્થે કામ કરતી હતી.
માછલીની ગંધથી ગંધાતી છતાં એ અનુપમ લાવણ્યમયી યુવતી પર પેલા મહામૂનિ, જ્ઞાની, તપસ્વી એવા પરાશર મુનિ મોહી પડ્યા અને અત્યંત કામવશ બનેલા એ કહેવાતા ઋષિએ મધુર મધુર વાતો કરીને સત્યવતીને લલચાવી અને પોતાના બાહુપાશમાં જકડી લીધી. પોતે ના પાડશે તો ઋષિ શ્રાપ આપશે એવી બીકને લીધે સત્યવતી એ કહેવાતા ઋષિને ના ન પાડી શકી અને પરાશર મુનિ સાથે ચાલુ નાવે જ મૈથુનાનંદમાં એકાકાર થઈ ગઈ. ( આજના જમાનામાં ચાલુ બસમાં કે ટ્રેનમાં કામાવશ પુરુષો બળાત્કાર કરી બેસે છે એવું મહાભારતના જમાનામાં પણ થતું હશે એવું આ કથામાંથી જણાઇ આવે છે. )
નાવ એક ટાપુ પર પહોંચી ત્યારે ઋષિએ સત્યવતીને કહ્યું કે- ‘આપણા આ સંભોગને કારણે મારા થકી પેદા થયેલા આ ગર્ભનું તું જતન કરજે અને તને ભવિષ્યમાં લગ્ન કરવામાં કોઇ જાતની તકલીફ ન પડે એ માટે તેં મારી સાથે સંભોગ કર્યો છે તે છતાં તું કૌમાયાવસ્થાને ( વર્જીનીટી ) પ્રાપ્ત કરીશ અને તારા શરીરમાંથી આ જે માછલીની દુર્ગંધ આવે છે તેને હું દૂર કરી દઈને જીવનભર ટકે એવી અને દુર દુર સુધી ફેલાય એવી સુગંધનું વરદાન આપું છું. હવે પછી તું યોજનગંધા તરીકે ઓળખાઇશ, આમ, મત્સ્યગંધા, યોજનગંધા બની ગઈ.
આ કથામાંથી શું તારતમ્ય નીકળે છે એ તમે સમજ્યા ? માછલી જેવી ગંધથી ગંધાતી હોય પણ સ્ત્રી જો રુપાળી હોય તો ગમે તેવા જ્ઞાની-મુની ઋષિ પણ ચાલુ નાવમાં ‘શ્રીરામ શ્રીરામ’ કરવા (!) તત્પર થઈ જાય છે. એ વખતે પેલી ગંધ પણ એમને નથી આવતી. આજે રજસ્વલા સ્ત્રી સાથે આવા કારણોસર પુરુષો સમાગમ કરવાનું ટાળતા હોય છે.
પરાશર મુનિ અને સત્યવતીના સંભોગથી એક પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્ર તે મહર્ષિ વેદવ્યાસ. લગ્ન વગર માતા બની ચુકેલી સ્ત્રીનું સંતાન એ કૃષ્ણદ્વૈપાયન કહેવાતા વ્યાસમુનિ. આ જ સ્ત્રી, પાછળથી ભીષ્મપિતાની માતા બની.
હવે આગળ વાંચો આ સત્યવતીની કથા.
ઋષિ પરાશરના વરદાનને કારણે એનું લાવણ્ય, અનન્યપુર્વા ( વર્જીન) બનેલી આ સ્ત્રી એટલી તો નયનમનોહર અને હૃદયલુભાવન બની ગયું હતું કે હસ્તિનાપુરના રાજા મહારાજા શાંતનુ એની નાવમાં નદી પાર કરવા બેઠા ત્યારે એના પર મોહાંધ બની ગયા. એ સમયે રાજા શાંતનુ આઠ આઠ પુત્રોના પિતા બની ચૂકેલા અને એમનો આઠમો પુત્ર એ દેવવ્રત કે જે પાછળથી ભિષ્મ પિતા કહેવાયો. દેવવ્રતને યુવરાજપદે સ્થાપ્યા પછી અને પત્નીની ચિરવિદાય પછી છત્રીસ વર્ષ સુધી પત્ની વગરનું શુષ્ક જીવન વિતાવ્યા બાદ, વનવિહાર કરવા નીકળેલા આ વૃદ્ધ રાજા સત્યવતી પર મોહી પડ્યા અને લગ્ન કરવાની માંગણી કરી. એ જમાનામાં પણ પૈસાપાત્ર વૃદ્ધો પૈસા અને સત્તાના જોરે રુપાળી યુવાન સ્ત્રીઓને પત્ની બનાવતા હતા.
પછીની વાત તો બધા જાણે છે જ કે વૃદ્ધ પિતાની ઇચ્છા પુરી કરવા યુવાન દેવવ્રતે આજીવન લગ્ન નહીં કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને ઘરડા બાપને યુવાન સ્ત્રી સાથે પરણાવ્યા. ઉત્કટ પિતૃપ્રેમને કારણે રાજા યયાતિના પુત્ર પુરુએ પણ પોતાનું યૌવન પિતાને સમર્પી દઈને અકાળે વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધેલી.
માણસ સમૃધ્ધ હોય, સમર્થ હોય, સત્તાવાન હોય ( અને NRI હોય તો ) ત્યારે એને ગમે તે ઉંમરે કામેચ્છા થતી હોય છે અને એ પુર્ણ કરવા , પોતાના જીવનને નવપલ્લવિત કરવા એ યુવાન સ્ત્રીની શોધ કરતો જ હોય છે.પુનર્લગ્ન કરવા માટે પણ એ ચાલીસથી નીચેની ( મેનોપોઝ અને થાઈરોઇડ વગરની ) રુપાળી સ્ત્રીને જ પ્રાધાન્ય આપતો હોય છે. એ વાત જુદી છે કે એ રુપાળી સ્ત્રી પરણે સમર્થ વૃદ્ધને અને શોધે યુવાન બોયફ્રેન્ડ ! અને… એ જમાનામાં DNA TEST તો થતા જ નહોતા ને !
ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ કોઇ ઋષિનું સ્વરુપ લઈને, ઋષિની ગેરહાજરીમાં ઋષિપત્ની સાથે સમાગમ કરી આવ્યાના દાખલા પુરાણોમાંથી મળી આવે છે. ભગવાન શંકર પણ ભીલડી પર મોહી પડેલા.
સત્યવતીને બે પુત્રો થયા. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમના પુત્રો તે પાંડુ અને ધૃતરાષ્ટ્ર. અને એમના સંતાનો તે પાંડવો અને કૌરવો…પણ આપણને એમની વાતોમાં રસ નથી.
દ્રૌપદી જેવી અતિ સૌંદર્યવાન સ્ત્રીના પતિ થયા પછી પણ અર્જુને, વનવાસ દરમ્યાન આઠ આઠ સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા. ભીમે પણ હેડમ્બા સાથે ‘શ્રીરામ શ્રીરામ’ કરેલું.
મહાભારતમાં તો એટલી બધી આવી કથાઓ છે કે આજથી ૪૮ વર્ષ પહેલાં (૧૯૬૬માં ) મેં આ વાતોને મારી નજરે, મારી રોમેન્ટીક શૈલિમાં લખીને છપાવેલી ત્યારે, ગુજરાત સરકારે મને કારણદર્શક નોટીસ મોકલેલી અને એક પુસ્તક પર તો કેસ પણ ઠોકી દીધો હતો. અંગત મિત્રોને જ્યારે હું એ કેસના હિયરીંગની સીલસીલાબંધ વિગતો કહું છું ત્યારે લોકોને સાંભળવાની ખુબ મજા આવે છે.
આ કથા, મહાભારતની છે એટલે કોઇએ નાકનું ટીચકુ ચઢાવવાની જરુર નથી.
.
,
,