રાજેશ ખન્ના અંગે- સંજય છેલનો લેખ
પહેલો સુપરસ્ટાર રાજેશ ખન્ના સંજય છેલ
રાજેશ ખન્ના મને ગમે છે એનાં કારણોમાંનું એક કારણ છે કે એ કવિતાનો માણસ છે અને કાવ્યોમાં નાટકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નાટકોમાં મુંબઈની રંગભૂમિ સૌથી શ્રેષ્ઠ અને ધબકતી હતી ત્યારેરાજેશ ખન્નાનો કલાકાર તરીકે જન્મ થયો અને મુંબઈની રંગભૂમિમાં પણ સૌથી વાઇબ્રન્ટ અને કલરફુલ ગુજરાતી રંગભૂમિ રાજેશ ખન્ના સાથે છેલ્લે સુધી જોડાયેલી છે. જાણે-અજાણે કદાચ રાજેશ ખન્ના ગુજરાતીઓ અને ગુજરાતી રંગભૂમિનું ગૌરવ છે. ના, એણે એકપણ ગુજરાતી નાટકમાં કામ નહોતું કર્યું, છતાંયે રાજેશ ખન્નાના સ્ટારડમમાં ગુજરાતી રંગમંચની છાપ અદૃશ્ય ફિંગરપ્રિન્ટની જેમ છે…
મુંબઈની કે. સી. કોલેજમાં રાજેશ ખન્ના નાટકો કરતા. ગુજરાતીના જાણીતા નાટ્યકાર પ્રબોધ જોશીનાં એકાંકીઓનું હિન્દી કરીને એના સંવાદો, એકોક્તિઓ બોલીને સૌને ઇમ્પ્રેસ કરતા. માધુરી-ફિલ્મ ફેર સ્પર્ધામાં જે ડાયલોગ્ઝ બોલીને રાજેશ ખન્ના સ્પર્ધા જીતેલા એ ‘મુઝ કો યારો માફ કરના’ નામના નાટકનો અંશ હતો, જે આપણા નાટ્યકાર પ્રબોધ જોશીએ લખેલા. રાજેશ ખન્નાની આખી કરિયર ગુજ્જુ લેખકને આભારી છે. તેઓ કાંતિ મડિયા, પ્રવીણ જોષી, અરવિંદ ઠક્કર વગેરેના સતત સંપર્કમાં હતા. ‘આરાધના’ની જાલિમ સફળતા પહેલાં એક ફિલ્મ આવેલી ‘ઇત્તેફાક’. એ ફિલ્મ યશ ચોપડાએ માત્ર એક મહિનામાં બનાવેલી કારણ કે ત્યારે પ્રવીણ જોષી દિગ્દર્શિત ‘ધુમ્મસ’ નામનું થ્રિલર નાટક સુપરહિટ હતું. એ નાટકમાં શર્મન જોષીના પિતા અને ગુજરાતીના શ્રેષ્ઠ અભિનેતા અરવિંદ જોષીએ મેઇન રોલ કરેલો. એ જ રોલ રાજેશ ખન્નાએ ‘ઇત્તેફાક’માં કર્યો અને ફિલ્મ હિટ થઈ.
ફિલ્મ ‘ધુમ્મસ’ નાટકની સ્ક્રિપ્ટ પર જ બનેલી અને ત્યાં સુધી કે રાજેશ ખન્નાએ નાટક વારંવાર જોવા જતા અને ફિલ્મના સેટ પર પણ અરવિંદ જોષી જઈને રાજેશ ખન્નાને ટ્રેઇન કરતા રાજેશ ખન્નાએ બીજા કોઈપણ સ્ટાર કરતાં વધારે પ્રયોગો કરેલા, રિસ્ક ઉઠાવેલા. એમણે ‘હાથી મેરે સાથી’ની સાથોસાથ ‘આવિષ્કાર’, ‘અનુભવ’ જેવી આર્ટ ફિલ્મો પણ કરેલી. જેમ કે ‘ઇત્તેફાક’માં એક પણ ગીત નહોતું અને માત્ર એક જ સેટ પર બનેલી. માત્ર વાર્તા અને ખન્નાની અદાઓ પર ફિલ્મ ચાલેલી અને એ પણ ત્યારે કે જ્યારે એ નવા હતા. ‘બાવર્ચી’ ફિલ્મ વખતે રાજેશ ખન્ના સુપરસ્ટાર હોવા છતાં એમણે એ હિરોઈન વિનાની ફિલ્મ કરેલી અનેક છોકરીઓ એમની રોમેન્ટિક ઇમેજ પાછળ પાગલ હતી છતાંય રાજેશ ખન્નાએ હાફ ચડ્ડી પહેરેલા રસોઈયાની ભૂમિકા ભજવેલી. ‘આનંદ’માં પણ કોઈ જ રોમાન્સ કે હિરોઈન વિના એમણે ત્રણ ઝભ્ભા-લેંઘામાં ફિલ્મ કરેલી. આનું શ્રેય જાય છે, મુંબઈ રંગભૂમિના સંસ્કારોને.
અમિતાભ અને રાજેશ ખન્નાની યાદગાર ફિલ્મ ‘નમકહરામ’ અને કાંતિ મડિયાના નાટક ‘આતમ ઓઢે અગનપછેડી’નો વિષય એક જ હતો હૃષીદા, રાજેશ ખન્ના અને અમિતાભને નાટકના શોમાં સાથે જોયાનું મને ધૂંધળું ધૂંધળું યાદ છે. મારી ફિલ્મ ‘ક્યા દિલને કહા,’જેમાં રાજેશ ખન્ના ઉર્ફે કાકાએ મહેમાન કલાકારની ભૂમિકા ભજવેલી, એ વખતે કાકા મને સતત કિશોર ભટ્ટ, અમૃત પટેલ વગેરે કલાકારો વિશે પૂછતા અને આંતર કોલેજ નાટ્યસ્પર્ધાની જૂની વાત કરતા. જી હા, વિજય આનંદથી લઈને અમજદ ખાન, શફી ઈનામદાર, પરેશ રાવલ, આમિર ખાન સુધીના કલાકારો ભવન્સ કોલેજ, ચૌપાટીની સ્પર્ધામાંથી બહાર આવ્યા છે. રાજેશ ખન્ના પણ જતીન ખન્નાના નામે એ સ્પર્ધામાં ભાગ લેતા અને અમજદ ખાન, રમેશ તલવાર જેવા કલાકારો દિગ્દર્શકો સામે સ્પર્ધા જીતતા કે હારતા.
રાજેશ ખન્ના લાંબા લાંબા ડાયલોગ્ઝ બોલતા કે વાતવાતમાં કવિતાઓ ટાંકતા કારણ કે એ રંગભૂમિની પ્રોડક્ટ છે. એમની બાંકી અદા, એક મુદ્રામાં ચાલવું, ઉતારચઢાવ એ બધું થિયેટરની દેન છે. વી. કે.શર્મા નામના હિંદીના જાણીતા દિગ્દર્શકે કાકાને તૈયાર કર્યા અને પછી એ જ વી. કે. શર્માને એમના આખરી શ્વાસ સુધી રાજેશ ખન્નાએ નિભાવ્યા. આવી ગુરુભક્તિ લાગણી માત્ર નાટ્ય કલાકારોમાં જ હોય છે. બાકી, મીંઢા ફિલ્મવાળાઓ તો ફિલ્મ ફ્લોપ થયા પછી કે કામ નીકળ્યા પછી સગા ભાઈને ભૂલીને જાય છે. રાજેશ ખન્નાની બાદશાહત, એનો ઠાઠ, એમની મહેફિલો, એનો જાન લૂંટાવી દેવાનો અંદાજ બધું જ રંગભૂમિના કલાકારના ભેખધારી મિજાજની સાક્ષી પુરાવે છે.
ઇન્ટરવલ
મૈં બાબુ છૈલા, બાબુ છૈલા, નામ હૈ મેરા પહેલા
આજ સે મૈં બન ગયા હૂં મજનુ, દેખ કે તુઝ કો લૈલા.(‘છૈલાબાબુ’ ફિલ્મ)
રાજેશ ખન્ના અને ગુજરાતને ઘેરો સંબંધ છે. એમની પત્ની અને બે મુખ્ય ગર્લફ્રેન્ડ ગુજરાતી. રાજેશ ખન્નાના ડિઝાઈનર, દીના પાઠકના પતિ એ પણ ગુજરાતી, રાજેશ ખન્નાને સ્ટારડમ અપાવવા માટે જે જે ફિલ્મી તિક્ડમ કરવા પડતા એ પાછળ એક ખુરાફાતી દિમાગ હતું એનું નામ તારકનાથ ગાંધી. ફિલ્મફેરના એવોર્ડને જીતવા એ સમયે કલાકારો તલપાપડ રહેતા. તારકનાથ ગાંધી નામના સ્માર્ટ પબ્લિસિટી મેનેજરે આઇડિયા કરીને એક વર્ષે ફિલ્મફેરના બધા અંક ખરીદી લીધા. સ્કૂલ-કોલેજના છોકરાઓને દસ દસ રૂપિયા આપીને ફોર્મ ભરાવ્યાં જેમાં બધી કેટેગરીમાં રાજેશ ખન્ના અને એની ફિલ્મોને જ વોટ અપાવ્યા. અફ ર્કોસ, રાજેશ ખન્ના જીતી ગયા આવું લે-વેચનું ભેજું ગુજરાતીનું જ હોઈ શકે કાકા મનમોહન દેસાઇ, કલ્યાણજી-આનંદજી, જયકિશન જેવા ગુજરાતીઓથી ઘેરાયેલા હતા. અરવિંદ ઠક્કર, છેલ-પરેશ, અમૃત પટેલના મિત્ર અને કાકાના સેક્રેટરી એવા ગુરુનામ પેન્ટ પર કુર્તો પહેરતાં અને એ સ્ટાઇલ રાજેશ ખન્નાએ અમનાવી લીધેલી અને પછી ‘ગુરુકુર્તા’ નામે જગવિખ્યાત થઈ ગયેલી. આજે જેને યંગસ્ટર્સ ‘ર્શોટ કુર્તી’ કહે છે એ સૌથી પહેલાં રાજેશ ખન્નાએ શરૂ કરેલી. કહેવાય છે કે ગુરુનામને એ કુર્તીનો આઇડિયા ગુજરાતી નાટકોના આર્ટડિરેક્ટર છેલ-પરેશ અને એમના મિત્રો પાસેથી મળેલો. ગુરુનામ જગદીશ શાહના ગુજરાતી નાટક ‘અજવાળી રાત અમાસની’માં કામ કરતા. એમણે પ્રવીણ જોષીના ‘માણસ નામે કારાગાર’માં પણ રોલ કરેલો.
રાજેશ ખન્ના, પ્રવીણ જોષી, મડિયાનાં નાટકો જોવા નિયમિત આવતા. નાટકના વિષય પર એમનું ધ્યાન રહેતું. શૈલેશ દવેનું સુપરહિટ નાટક ‘રમત શૂન્ય ચોકડીની’ જોવા રાજેશ ખન્ના આવેલા અને ફિલ્મ પણ પ્લાન કરેલી. છેક છેલ્લે આપણી રંગભૂમિ અને ફિલ્મો-સિરિયલના કલાકાર સ્વ. અમૃત પટેલની કવિતાનો સંગ્રહ પણ રાજેશ ખન્નાના હાથે ૨૦૦૪-’૦પમાં પ્રગટ થયેલો. કિડનીની બીમારીથી પીડાતા સ્વ. અમૃત પટેલે અનેક સ્ટાર્સને પૂછેલું, પણ માત્ર રાજેશ ખન્ના જ દિલ્હીથી મુંબઈ આવેલા અને એ બુકની અનેક કોપીઓ પણ એમણે ખરીદેલી.
રાજેશ ખન્નાના ચૌથામાં જે ટેપ વગાડવામાં આવેલી એ એમનો આખરી સંદેશ નહોતો, પણ ૨૦૦પમાં સ્વ. અમૃત પટેલના પુસ્તક વિમોચન દરમિયાન આપેલી સ્પીચ હતી. મીડિયા કે રાજેશ ખન્નાના આપ્તજનોએ એને ‘આનંદ’ ફિલ્મના ક્લાઇમેક્સની જેમ જાહેરમાં વગાડીને ડ્રામા ઊભો કર્યો. એ સ્પીચમાં એમણે પ્રવીણ સોલંકી, પ્રબોધ જોશી, અરવિંદ જોશી, કિશોર ભટ્ટ વગેરેનાં નામ ગદ્ગદ થઇને લીધેલાં
ગુજરાતી રંગભૂમિનીજાણીતી અભિનેત્રી-લેખિકા નીકિતા શાહે રાજેશ ખન્ના સાથે એક હિન્દી નાટકના પ્લાન શરૂ કરેલા. એના રિહર્સલમાં રાજેશ ખન્નાને સ્ટેજ પર મન મૂકીને અભિનય કરતા આ લેખકે જોયા છે. મારી ફિલ્મ ‘ક્યા દિલને કહા’માં એમણે હીરોના બાપનો રોલ કરેલો. સામે પત્નીના રોલ માટે નામવાળી હિરોઈનને લેવામાં આવે એવી રાજેશ ખન્નાની ઇચ્છા હતી, પણ પછી બજેટ-સમય વગેરે કારણોસર સ્મિતા જયકરને રોલ આપ્યો. કાકાને એ ના ગમ્યું. મેં ડરતાં ડરતાં પૂછ્યું કે તમે કહો તો સ્મિતાને ના પાડી દઈએ. ત્યારે એમણે કહેલું, ‘પાગલ હો? હમ થિયેટર વાલે હૈં. કામ નિકલવા લેંગે. કિસી કી ‘હાય’ નહીં લેની’
કાકાની ચઢતીના દિવસોમાં એમણે કેટકેટલાં કાવાદાવા કર્યા હશે, ‘હાય’ લીધી હશે, પણ તોય બેઝિકલી તો એ થિયેટરના માણસ જ હતા.
ગુજરાતીના જાણીતા દિગ્દર્શક અરવિંદ ઠક્કરે એક એકાંકીમાં એમનો રોલ કાપી નાખેલો ત્યારે કાકાએ ચેલેન્જ આપેલી કે ‘આજ ભલે આપ લોગ મુઝે કુછ મત સમઝો, એક દિન મેં સ્ટાર બનુંગા’ અને રાજેશ ખન્ના સ્ટાર-સુપરસ્ટાર બન્યા આંધીની જેમ છવાઈ ગયા અને મુંબઈના સ્મશાનગૃહમાં વિદાય લીધીત્યારે પણ ૧૦-૨૦ હજારની મેદનીએ રોડ પર ઊભા રહીને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. બાંદ્રાથી જૂહુ સુધી ટ્રાફિક જામ થઈ ગયો, બંને બાજુ હજારો લોકો એક ઝલક માટે ઊભા હતા. એક થિયેટર એક્ટર માટે આનાથી સારો ‘કર્ટન કોલ’ કે ‘પ્રેક્ષકોનું અભિવાદન’ શું હોઈ શકે?
અનેક મર્યાદાઓ, અનેક કમીઓ, અનેક વિરોધભાસો હોવા છતાં રાજેશ ખન્ના બહુ મોટો સ્ટાર હતો અને મોટો માણસ પણ. ‘આજ કા એમ.એલ.એ. રામ અવતાર’ નામની પોલિટિકલ સેટાયર ફિલ્મમાં એ કરપ્ટ નેતા બનેલા. એ જ વિષય પર અમિતાભે ‘ઇન્કિલાબ’ ફિલ્મ કરેલી. બંને ફિલ્મ ખૂબ ચર્ચામાં. બેમાંથી કઈ ચાલશે, કઈ પહેલા રિલીઝ થશે એની હુંસાતુંસી ચાલતી. એવામાં એકવાર રાજેશ ખન્નાએ જોયું કે ફિલ્મનાં પોસ્ટરોની ડિઝાઇન બરોબર નથી. રાતોરાત ‘દિવાકર’ નામના એમનાં ફેવરિટ ડિઝાઇનરને બોલાવ્યો અને પોતાના ખર્ચે આખી નવી ડિઝાઇન બનાવવાનો ઓર્ડર આપ્યો. જૂનાં પોસ્ટર કેન્સલ કરીને નવા છપાવ્યાં. પછી તો ‘આજ કા એમ.એલ.એ.’ અને ‘ઇન્કિલાબ’ બેઉ રિલીઝ થઈ. બેઉ લગભગ ફ્લોપ ગઇ. દિવાકરને પ્રોડ્યૂસરે પોસ્ટર છપાવવાના પૈસા ન આપ્યા. દિવાકર મૂંઝાય કે કાકાને કઈ રીતે કહેવું. એક દિવસ કાકાએ એને ઘરે બોલાવ્યો. કાકાની રાતોની પાર્ટીઓ મશહૂર. વહેલી સવાર સુધી મહેફિલ ચાલે. સવારે ચાર વાગ્યે, દિવાકર જમીને ડ્રિંક લઈને જવા નીકળ્યો. કાકાની ગાડી એને ઘરે મૂકવા જવાની હતી. દિવાકરની જીભ ન ઊપડે, પૈસાની વાત કરતા. એવામાં કાકાએ અંદરથી જઈને બે લાખ કેશ આપ્યા અને કહ્યું, ‘પ્રોડયૂસરને નહીં દિયા તો કયા હૂઆ, તુમને મેરી ઝુબાં પર કામ કિયા થા.’
જે ફિલ્મ લાઇનમાં લીગલ કોન્ટ્રાક્ટની કોઈ વેલ્યૂ નથી અને ફિલ્મ ફ્લોપ થતાં લોકો ફોન ઉપાડતા નથી, ત્યાં કાકાએ આવી દરિયાદિલી દાખવેલી. અનેકવાર… કારણ કે? કારણ કે રાજેશ ખન્ના/જતીન ખન્ના/કાકા સુપરસ્ટાર… રંગભૂમિના માણસ હતા. રોલ નિભાવતા આવડતો હતો, છેલ્લે સુધી, કર્ટન પડે ત્યાં સુધી.
સંજય છેલ