થોડીક વધુ દિલની વાતો
દિલની વાતો
થોડા સમયથી મને, આપણાં હ્યુસ્ટનના શાંત, સૌમ્ય, મીતભાષી,મૃદુભાષી વિદ્વાન દિવ્યકાંત પરીખના વિચારો વધુ આવે છે. એકાદ લગ્નપ્રસંગે, કોઇ સામાજીક મેળાવડામાં જ્યારે જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે એમને શાંતપણે અન્યની વાત સાંભળતા અને મૌન રહેતા અગર એકાદ શબ્દ કે વાક્યમાં જ પ્રત્યુત્તર આપતા જોયા અને મને જે જમાનામાં એ ગુજરાતી સમાજનું ‘દર્પણ’ સંભાળતા એ વખતના દિવ્યકાંતભાઇ યાદ આવી જતા હતા.
મને લાગે છે કે મારે પણ હવે એવા જ શાંત, મીતભાષી બનવાનો સમય પાકી ગયો છે.મૃદુભાષી તો હું થઈ શકવાનો નથી. બકબક કરવાની અને અહેવાલો–સમીક્ષાઓ લખવાની પ્રવૃત્તિઓમાંથી જાતને સંકોરી લેવાનો સમય હવે પાકી ગયો છે. કારણ કે, એ બધું કરવાથી, દુશ્મનો જ વધે છે. ટીકાઓ જ સાંભળવી પડે છે.
‘તમે બધુ સારુ સારુ જ લખો છો, આ કાર્યક્રમમાં આટ આટલી ત્રુટિઓ હતી, આટલું ખોટુ થયું હતું, પેલીએ આમ કર્યું હતું ને પેલો આમ બોલ્યો હતો એ અંગે તમે કેમ મૌન રહો છો ?’
‘તમે તટસ્થ વ્યક્તિ નથી.’ ‘તમે પેલાની ફેવર કરો છો’
‘પેલીના અભિનયના આટલા વખાણ કરવાની જરુર નહોતી. એ તો ઓવર–એક્ટીંગ કરતી હતી. બહુ લાઉડ અભિનય હતો એનો તો !…’
‘તમારી પાસે ભાષા છે, શબ્દો છે, સમજ છે પણ તમે સ્પષ્ટવક્તા નથી.’
‘ફલાણી સંસ્થાના ફલાણા કાર્યક્રમથી કોને ફાયદો થવાનો છે ? લાખ્ખોના ધૂમાડા કરીને બે દહાડા જલ્સા કરાવવાથી શું વળવાનું ? એ અંગે કેમ કશું લખતા નથી ?
‘મેં એ લોકો માટે આટલું કર્યું અને અ લોકોએ મારો આભાર પણ ના માન્યો, મને એકનોલેજ પણ ‘ના કરી’ (કે ‘ના કર્યો’). તમે એ વાત તમારા રીપોર્ટમાં લખો.’
એક સજ્જને તો મને ફોન કરીને તતડાવી નાંખ્યો– ‘ ફલાણા તમારા મિત્ર છે એટલે તમે એમને ચડાવી માર્યા છે. અમે આટલા વર્ષ આટઆટલું કર્યું છે, તમે એક લીટી પણ લખી છે અમારે માટે ?’- મેં એ સજ્જનને સમજાવ્યું કે ભાઇ, હું હ્યુસ્ટનમાં આવ્યો ૧૯૮૭માં. તમે તો એ પછી ક્ષેત્રસંન્યાસ લઇ લીધો છે, કોઇ પ્રવૃત્તિમાં દેખાયા જ નથી. પછી તમારો ઉલ્લેખ હું ક્યાંથી કરું ?’
થોડા વર્ષો પહેલાં, હું નવો નવો હ્યુસ્ટનમાં આવેલો ત્યારે મને લોકો ‘ ડોક્ટર કોકિલા પરીખના ભાઇ’ તરીકે જ ઓળખતા ( અને આજે ય ઘણાં એ જ રીતે ઓળખે છે ) જે મને ત્યારે નહોતું ગમતું ( આજે મેં મનને સમજાવી દીધું છે ). હું મારી આગવી ઓળખ ઉભી કરવાના હવાંતિયા મારતો હતો. હું જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં નિષ્ફળ ગયેલો માણસ છું એમ જાહેરમાં કબૂલ કરવામાં મને હવે આ ઉંમરે કોઇ ક્ષોભ કે સંકોચ નથી થતો. આજે ૩૩ વર્ષ અમેરિકામાં રહ્યા છતાં હું એક હાઉસ નથી લઇ શક્યો અને એપાર્ટમેન્ટ/ કોન્ડોમાં જ રહું છું અને સોશ્યલ સીક્યોરિટીની આવક પર જ ગુજરાન ચલાઉં છું. ખેર ! એ આડવાત જવા દઈએ.
ઇન્ડીયામાં, ગુજરાતી નાટકોના કલાકારોના ઇન્ટર્વ્યૂ લઈને સામયિકોમાં છપાવવાનો, ગુજરાતી ફિલ્મોના પ્રિમીયરોના અહેવાલ ‘ચિત્રજ્યોત’ કે ‘’ચિત્રલોક’ જેવા ફિલ્મી મેગેઝીનોમાં છપાવવાનો મારો અનુભવ, એ જમાનાના દિગ્ગજ નાટ્ય–કલાકારોના ઇન્ટર્વ્યૂ ૧૯૭૦–૭૧–૭૨ ના સમયગાળામાં છપાવેલા. આજે ય એની પ્રીન્ટેડ કોપીઓને મારા માલ–અસબાબ તરીકે છાતીએ વળગાડીને હું લોકોને બતાવતો ફરું છું અને ગર્વ ( મિથ્યા ગર્વ ) અનુભવું છું. હ્યુસ્ટનમાં મારી આગવી ઓળખ ઉભી કરવાનો એક રસ્તો, મારી લેખનપ્રવૃત્તિ જ હતો. મેં એ જમાનાની એક જાહેર સંસ્થાનો ૧૯૭૯થી ઇતિહાસ લખવાનું બીડુ ઉઠાવી લીધું. હું એના વર્તમાન પ્રેસિડેન્ટને મળ્યો, એમને ઘેર જઈને બે કલાક પ્રશ્નોત્તરી કરીને નોંધો કરી. એક હાસ્યલેખકને ઘેર જઈને, જૂના અંકો ફંફોળ્યા અને નોંધો ટપકાવી. દસ વર્ષના ઇતિહાસને કંઇ કેટલાય ફુલસ્કેપ કાગળોમાં ઉતાર્યો. એ દસ વર્ષના ગાળાના અન્ય ભૂતપુર્વ પ્રેસિડેન્ટોને પણ એ લખાણ બતાવ્યું અને અભિપ્રાય માંગ્યો હતો. ત્યારે પણ…મને આવો જ અનુભવ થયેલો.
‘તમે હાલના પ્રેસિડેન્ટને ચડાવી માર્યા છે. એમને વધુ મહત્વ આપી દીધું છે. એ સાલો તો ‘ગાંધીવાદી’ હોવાનું નાટક કરે છે….વગેરે..વગેરે.. અને…એ ‘ઇતિહાસ’ પછી ‘ભુતકાળ’ જ બની રહ્યો.
અમદાવાદમાં ‘નાટકની સંસ્થા ‘રંગમંડળ’નું સંચાલન જ્યારે સ્વ. રાજુ પટેલ સંભાળતા અને એ જમાનાની એક અભિનેત્રી પ્રતિભા રાવળ, જે આજે ય હજુ નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય છે , અને તેમની સાથે એક કલાકાર મહેન્દ્ર પાઠક પણ સક્રિય હતા ત્યારે ‘રંગમંડળ’નો ઇતિહાસ લખવા, પ્રિતમનગર ના અખાડામાં, રોજ રાત્રે હું જતો અને જુના ચોપાનિયા, નાટકોની જાહેરાતો, છપાયેલા અવલોકનોના કટીંગ્સ ફંફોળીને તેનું સંશોધન કરીને ઇતિહાસ લખેલો એ વખતે પણ કેટલાક અન્ય નાટ્યકર્મીઓને આ ઇતિહાસ બતાવતાં, આ જ અનુભવો થયેલા અને મારું એ સંશોધન કાર્ય, ગુમનામીના અંધકારમાં હડસેલાઇ ગયેલુ.
પણ એ વખતે મને જે જે નાટ્યકર્મીઓના પરિચય થયેલા તેમના બાળકો કે જેઓ આજે સિરીયલોમાં કામ કરીને નામ કમાઇ રહ્યા છે તેઓ જ્યારે અમદાવાદમાં, ઠાકોરભાઇ દેસાઇ હોલમાં કોઇ નાટકોના શો વખતે મળી જાય છે ત્યારે, વડીલ ગણીને ચરણસ્પર્શ કરી લે છે. આજે ય, ‘૭૫પ્લસ’ કલાકારો –પ્રતિભા રાવળ, કિર્તીદા ઠાકોર કે દિવાકર રાવળ જેવા નાટ્યકર્મીઓ સાથે ફોન પર વાર્તાલાપ કરવાનો આનંદ આવે છે.
બસ…આજે આટલું જ.