અમારા પ્રસન્ન દામ્પત્ય-જીવનના ૫૦ વર્ષ-સુવર્ણજયંતિ મહોત્સવ
૧૩મી મે ૧૯૬૩
આજે ૧૩મી મે ૨૦૧૩ ને સોમવાર…વૈશાખ સુદ ત્રીજ..
એ જ તિથી..એ જ તારીખ …અને એ જ વાર….વચ્ચે માત્ર પચાસ વર્ષનો સમય પસાર થઈ ગયો…બાવીસ વર્ષનો છોકરો આજે બોત્તેર વર્ષનો બુઢ્ઢો થઈ ગયો… એ જોશ.. એ ઉન્માદ…એ પાગલપન..બધું જ ખત્મ થઇ ગયું……..
એ દિવસે…પચાસ વર્ષ પહેલાં એક ગરીબ છોકરાના લગ્ન થયા હતા–એના જેવી જ ગરીબ છોકરી સાથે…
ન કોઈ વરઘોડો નીકળ્યો હતો..
ન કોઇ ફુલોથી શણગારેલી કાર હતી..
ઘરની સ્ત્રીઓ કોઇ બ્યૂટીપાર્લરમાં તૈયાર થવા નહોતી ગઇ..
સુશોભિત વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓનું વૃંદ લગ્નગીતો ગાતું ગાતું વરઘોડાની પાછળ પાછળ ચાલતું નહોતું…
વરરાજાએ સૂટ નહોતો પહેર્યો..ઘરના ધોયેલા અને રુડી ધોબણના હાથે ઇસ્ત્રી કરેલા સુતરાઉ સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પરિધાન કર્યા હતા.. ઘરના સભ્યો સહિત સાજનમાજનમાં પરાણે પચીસેક જાનૈયા હતા. સામે પક્ષે પણ એટલા જ માણસો કન્યાપક્ષે હતા.. એક તપેલામાંથી દૂધ કોલ્ડ્રીંક સર્વ કરાતું હતુ…
ન કોઇ જમણવાર હતો.. અને…ઉનાળાના ભરબપોરે કમોસમી માવઠુ થયું હતું–લગ્ન પતી ગયા પછી.
કદાચ કોઇએ કોમેન્ટ પણ કરી હોય– ‘ કુદરત પણ ચોધાર આંસુએ રડી રહી હતી’ અને કોઇ સારો અર્થ લેનારે કહ્યું હોય-‘ કુદરતે ભરઊનાળે વરઘોડીયા પર અમીછાંટણા કરીને આશીર્વાદ આપ્યા હતા…
એ દિવસે વહેલી સવારે સાંકડીશેરીની ઝુંપડીની પોળના એ છેકછેવાડેના ઘરમાં ચહલપહલ હતી..લલિતાપવાર જેવા સત્તાવાહી દાદીમા બૂમો પાડીને એમની વહુને કહેતા હતા– ‘અલી..જરા જલ્દી કરો..હમણા મ્યુનિસિસિપાલિટીનું પાણી બંધ થઈ જશે..જલ્દી જલ્દી નળો ભરી લે..નીચે ચકલી પર જઈને કપડાં ધોઇ નાંખો. આજે વધારે કપડાં ધોવા ના નાંખશો.’. પછી પોતે ઝટપટ સેવાવિધી પતાવી દીધી અને ઘરનાં જ અગિયાર માણસો માટેની રોટલીઓ માટે ઘઊંના લોટની કણકનો મોટો પેંડો બાંધવામાં મશગુલ થઈ ગયા હતા.
બપોરના બાર વાગતાંમાં તો ઘરનું બધું કામ પરવારીને બધાં આગલા ખંડની ફર્શ પર, કશુંય પાથર્યા વગર લાંબા થઈને પડ્યા હતા. ન કોઇ બેન્ડવાજા વાગ્યા હતા..ન કોઇ માઇક પર ગીતો ગવાયા હતા..
ચારેક વાગ્યાને સુમારે, બાબુકાકાની એમ્બેસેડર લઈને, ડ્રાઇવર પરભુભાઈ આવી ગયા. ઘરના ચાર સભ્યો કારમાં ગોઠવાયા અને બાકીના પોતપોતાની રીતે ચાલતા ચાલતા કે રીક્ષામાં આસ્ટોડીયા, ખમાસા ચાર રસ્તા પાસે આવેલી, દશાનાગરની વાડીમાં પહોંચ્યા. કોઇ સાસુ નાક ખેંચીને પોંખવા વાળી નહોતી…કોઇ સાળીઓ બૂટ સંતાડવાવાળી ન હતી. એકબીજા પર ફટાણા ગાઇને હસીમજાક કરનારા પણ ન હતા…બન્ને પક્ષે વર અને કન્યાપક્ષની ખામીઓ પર ટીકા કરનારા ઘણાં હતાં.
‘ હાય..હાય..છોકરો કારકુનની નોકરી કરે છે. એકસો એકસઠ રુપીયાનો પગાર અને અગિયાર જણાનો પરિવારછે… નાની ચાર ચાર બહેનો અને એક ભાઈ, મા–બાપ, કાકા, વડસાસુ અને આ બે.. થઈને અગિયાર જણાનું પુરુ કરવાનું છે છોકરાએ. છોકરો ભણેલો છે બાકી’……વગેરે..વગેરે….
છોકરાપક્ષ વાળા પણ કહેતા-‘ છોકરીને મા નથી. બાપ ગાંડા જેવો છે..ભાઇ–બહેનો પણ નથી…મામા–માસી પણ નથી. છોકરી ,ફૈઓના ઘરના ટાંપાટૈયા કરીને બે રોટલી ખાઇને મોટી થઈ છે. ભણી યે નથી. આઠ ચોપડીનું ભણતર તે ભણતર કહેવાય ? બચારી વસ્તારીના ઘરના કામ કરી કરીને …..’ વગેરે..વગેરે…
એ ગરીબ છોકરો અને એ ગરીબ છોકરીએ સંસાર માંડ્યો…કોઇને ત્યારે એકબીજા માટે પ્રેમ કે આકર્ષણ જેવું ન હતું. એકબીજાના સ્વપ્ના નહોતા આવતા. સતત સહવાસમાં રહેવાના ઓરતા પણ નહોતા થતા. આખા દિવસની દૈનિક ક્રિયાઓમાંથી ફારેગ થયા બાદ, એક નાનકડી ઓરડીમાં, જમીન પર પાથરેલી ગોદડી પર, કોઇ જ ઉત્તેજના વગર ભેગા સુઇ જઈને શારીરિક સહવાસ કરીને, ઉંઘી જવાની આદત પડી ગઈ હતી. ફિલ્મોમાં દર્શાવાતા મધુરજનીના ઉત્તેજક દશ્યો કે પ્રેમાળ વાર્તાલાપ કે એવું બધું ક્યાંય ન હતું…
હતી માત્ર શારીરિક જરુરિયાત….પરસ્પરનો પ્રેમ..લાગણી કશું ય ન હતું.. એ બધાનો તો વખત વીતતાં, એકબીજાના સુખદુઃખમાં ભાગ લેતાં લેતાં, વર્ષો વિત્યા બાદ એહસાસ થયો. એક જ છત નીચે વર્ષો સુધી સાથે રહીને, એકબીજાના ગમા–અણગમાને જાણતા થયા. ક્યારેક લઢ્યા–ઝઘડ્યા, ક્યારેક રિસાયા, ક્યારેક અબોલા યે લીધા…
પત્નીને, પિતાના અવસાન પછી, પિયર જેવું કાંઇ રહ્યું જ ન હતું પિયરનું ઘર કે માનો ખભો રડવા માટે ન હતો એટલે એ જાય તો પણ ક્યાં જાય ?
પતિ પણ સ્વભાવનો આકરો, ગુસ્સાવાળો, અન્ય રુપાળી સ્ત્રીઓના રુપમાં મોહ પામનારો એટલે પત્ની માટે કષ્ટદાયક પરિસ્થિતિ તો ઉભી થાય જ ! જીવનમાં એવા ઘણાં ય પડાવો આવ્યા જ્યારે લગ્નજીવન ખોરંભે ચડી જાય..
પણ એક વસ્તુ એવી હતી જેણે બન્નેને હંમેશાં જોડાયેલા રાખ્યા.
પત્ની જાણતી હતી કે એનો વર ભલે ગુસ્સાવાળો છે પણ લાગણીશીલ છે, દિલનો સારો છે અને મને ક્યારેય છોડી નહીં દે.
પતિ પણ જાણતો હતો કે પત્ની જીદ્દી છે, ક્યારેક વાતને યોગ્ય રીતે સમજી શકતી નથી, પણ દિલની ભલી છે, ધાર્મિક છે, ખોટું કરે તેવી નથી, મને ખોટે રસ્તે જવા દે એવી નથી, લેવુમંત્રુ તો જરાય નથી. કોઇનું એક વાર ખાઇ આવે તો સામાને બે વાર ન ખવડાવે ત્યાં સુધી એને ચેન ના પડે. જીવનમાં હંમેશાં સંતોષી રહી છે. મારી હેસિયત બહારની કોઈ વસ્તુ ક્યારેય માંગી નથી. છેલ્લા થોડા વર્ષોથી, સાંભળવાની તકલીફને કારણે, એ ફિલ્મો કે નાટકો જોવામાં કે સિનિયર્સની મીટીંગો જેવા સ્થળે મને કંપની નથી આપતી પણ મને રોકતી પણ નથી અને હું ઘેર ન આવું ત્યાં સુધી એ, એકલી જમી પણ લેતી નથી.રાતના બાર કે એક વાગ્યા સુધી એ ભૂખી બેસી રહે પણ જમી ના લે.
મારી કોઇ ભૂલ થઈ જાય તો મને હક્કપૂર્વક લઢી નાંખે, બધાંના દેખતાં ખખડાવી નાંખે પણ એ પત્ની તરીકે નહીં– મારી ‘બકુ’ તરીકે. સંતાનના અભાવે, એનામાં પતિ પ્રત્યે પણ માતાનું વાત્સલ્ય ઉદભવે છે. નાના બાળકની, ભૂલ થતાં, એક માતા લઢે એ રીતે એ મને લઢે છે અને હું એના શબ્દો સામે નથી જોતો, એની લાગણી સમજું છું અને એની સાથે ઝઘડતો નથી.
જો કે, હજી મારા સ્વભાવની કમજોરીઓને કારણે હું એને અન્યાય કરી બેસું છું પણ એના પ્રત્યેની મારી લાગણીમાં ક્યારેય ઓટ નથી અવતી.
આ પચાસ વર્ષના લગ્નજીવનના ઘણાં બધાં સંભારણા, પ્રસંગો હજી હું લખવાનો છું. કેટલાક સત્ય પ્રસંગો તરીકે. અને જ્યાં જાહેરમાં સ્વીકાર ન કરી શકું એવી વાતો હશે તો એને કોઇ વાર્તા સ્વરુપે.
એ ગરીબ છોકરાએ સરકારી નોકરીમાં ૨૬ વર્ષ નોકરી કરી. કારકુનમાંથી સુપરવાઈઝર થયો અને ગવર્નમેન્ટ ઓડીટર તરીકે રીટાયર થયો. બહેનની સ્પોન્સર્શિપને કારણે અમેરિકા ગયા, ત્યાં પણ ૧૮ વર્ષ બહેનની ઓફીસમાં જ એકાઉન્ટ્સ મેનેજર તરીકે નોકરી કરી અને ૨૦૦૬માં રીટાયર થયો. વિવિધ સોશ્યલ સંસ્થાઓમાં વોલન્ટીયર કામ કરીને , છાપાંઓમાં લેખો, વાર્તાઓ, વિવેચનો , અહેવાલો લખીને પ્રતિષ્ઠા મેળવી.
અમેરિકાના એક જાણીતા શાકાહારી રેસ્ટોરન્ટમાં લગ્નજીવનના પચાસ વર્ષની ઉજવણી કરી જેના અહેવાલો સ્થાનિક વર્તમાનપત્રોએ ફોટાઓ સાથે છાપ્યા.
માનવી કશું જ નથી. સમય જ બળવાન છે. તમે જેની કલ્પના પણ ના કરી હોય એવી તકો ઉભી થઈ જાય અને તમે ક્યાંના ક્યાંય પહોંચી જાવ. એ તકદીર અને સમયના જ ખેલ છે બધા.
એક વાત તો ચોક્ક્સ કે ભલે તમે પ્રેમ કર્યા વગર લગ્ન કર્યા હોય પણ એક છત નીચે પચાસ પચાસ વર્ષ સાથે વીતાવ્યા હોય, એકબીજાના સુખદુઃખમાં ભાગ લીધો હોય અને પરસ્પર માટે આદર ધરાવતા હો, તો તમે એકબીજાને પ્રેમ કરો છો. ભલે, આપણે શબ્દો દ્વારા ‘આઇ લવ યૂ’ ના કહ્યું હોય !- જીવનમાં લપસી પડવાના નાનામોટા છમકલા થયા હોય તો પણ ગનીમત , ઓ.કે ?
નવીન બેન્કર