ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ- નવીન બેંકર
આષાઢ સુદ બીજ ને મંગળવાર તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૦ ની ખૂશનૂમા સાંજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના સભાખંડમાં, સાહિત્યવિદ ડોક્ટર બળવંત જાની ના વાર્તાલાપનો એક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદીર તથા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે લગભગ ત્રણસો જેટલા સાહિત્ય રસિકો સમક્ષ યોજવામાં આવ્યો હતો.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના વર્તમાન કો-ઓર્ડીનેટર શ્રી. હેમંત ગજરાવાલાએ ડો. બળવંત જાનીનો પરિચય કરાવતાં કહ્યું કે તેઓશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન છે.શિક્ષણક્ષેત્રનો તેમને બહોળો અનુભવ છે તથા પોતે સાહિત્યમાં ડોક્ટરેટ કરેલું છે અને તેમના હાથ નીચે વિવિધ વિષયોમાં રીસર્ચ કરીને ત્રીસેક જેટલા સ્કોલરોએ પણ ડોક્ટરેટની પદવી હાંસલ કરેલી છે.તેઓશ્રીએ મધ્યકાલીન સાહિત્ય, ચારણી સાહિત્ય,લોકગીતો, સંત સાહિત્ય અંગે રીસર્ચ કરીને દસ હજારથી પંદર હજારભજનોનું કંપાઇલેશન કર્યું છે તથા બોત્તેર કલાકનું રેકોર્ડીંગ કર્યું છે. જે ગ્રામવાસીઓ વાંચી કે લખી શકતા નથી તેમની પાસેથી સાંભળીને જાતે લખી કે રેકોર્ડીગ કરીને આ ભગીરથ કાર્ય કર્યું છે.બ્રિટનના ડાયસ્પોરા સર્જકોના સાહિત્યનું સંશોધન કરી, સંકલન કરીને તેને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં સિંહફાળો આપ્યો છે. બ્રિટનના ૧૨૨ ડાયસ્પોરા સર્જકોની રચનાઓના સંશોધનો થકી ૧૮ વોલ્યુમ તૈયાર કર્યા. અમેરિકામાં સર્જાયેલ ગુજરાતી અમેરીકન ડાયસ્પોરા સાહિત્ય અંગે પણ આવું જ કાર્ય ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે થઈ રહ્યું છે. આ કાર્ય હાથ પર લેવાની ઘોષણા, આજે આ સભાખંડમાં સૌ પ્રથમવાર હ્યુસ્ટનમાં થઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણના તમે બધા પ્રથમ શ્રોતા અને સાક્ષી છો. આ ઘોષણાને સાહિત્યરસિક શ્રોતાઓએ સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
BAPS ના શ્રી. ઓજસભાઇએ,તેમનો સંપ્રદાય વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા અંગે જે પ્રવ્રુત્તીઓ કરે છે તેની માહિતિ આપતાં ગુજરાતીના ક્લાસિસ, સ્વામિનારાયણ બાળપ્રકાશ જેવા માસિકનું પ્રકાશન, ગુજરાતી સ્પેલીંગ-બીની સ્પર્ધા, વિવિધ શિબિરો તથા અધિવેશનોની માહિતિ આપી. પુજ્યશ્રી. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું છે કે ‘ ભાષા, ભોજન અને ભૂષા ( વેશભુષા) એ તો માનવીની ઓળખ છે.બાળકોને સંસ્કાર ભાષાની ઓળખ નહીં આપો તો સંતતી અને સંપત્તી બન્ને ગુમાવશો.’ અત્રે, સંસ્થાના એક બાળ-હરિભક્તે વાલિયો લૂંટારો સંત વાલ્મિકી કેવી રીતે બન્યો તેની ટૂંકી વાર્તા સુંદર રીતે ગુજરાતીમાં રજૂ કરી હતી.
શ્રી. બળવંતભાઇએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ભારતિય મૂળના લેખકોને વિશ્વકક્ષાએ પારિતોષીકો મળવા લાગ્યા છે. તેમના સર્જન, ચિંતન અને લેખનની નોંધ લેવાવા માંડી છે. મહાભારત જેવા ગ્રંથ પર અંગ્રેજીમાં નાટકો લખાય તે આપણા માટે ગૌરવની વાત છે. છતાં, ડાયસ્પોરા સર્જકોની જ વાત આવે અને માત્ર પન્ના નાયક કે પ્રીતિ સેનગુપ્તાના જ નામ પરદેશના ગુજરાતી લેખક તરીકે લોકો જાણે અને બાકીના કોઇને ના ઓળખે તે કેવું ? પરદેશમાં જે સર્જન થઈ રહ્યું છે તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેને હાયર એજ્યુકેશનમાં સ્થાન આપવું જરૂરી છે.દલીત લેખકો કે નારીવાદી લેખકોને હાઇ લાઈટ કરો છો પણ અન્ય સર્જકોનું શું ? ડાયસ્પોરા સર્જક એક જૂદી જ દ્રષ્ટી ધરાવે છે. લોકલ લેખક કરતાં તે સમાજને જૂદી જ નજરે જુએ છે. તેના સર્જનમાં પરદેશની ભૂમી પરનાં આપણા પ્રશ્નો ચરિતાર્થ થાય છે.કાફકા કે કામૂના પશ્ચિમી સાહિત્યની અસર નીચે લખાયેલ ઉન્નત ભ્રૂ ગુજરાતી લેખકો કરતાં આ સર્જક કાંઈક જૂદી જ દ્રષ્ટિ ધરાવે છે.
માણસ ભીડ વચ્ચે પણ એકલો પડી ગયો છે. પન્ના નાયકની એક ક્રુતિ ” હું ” નુ પણ વિવેચન કરતાં તેમણે દરિયા નીચે પથરાયેલી, ભીની, શાંત સ્થિર રેતીને સૂર્ય તાપમાં તપવાનુ, શીશુના કોમળ કોમળ પગ નીચે ખુંદાવાનુ, પવનમાં આમથી તેમ ફંગોળાવાનુ અને કિનારે જવાનુ મન થાય છે પણ….. સતત ભીંસતા સમુદ્રના અપાર પ્રેમને પણ છોડી શકાતો નથી એવા રૂપક દ્વારા ” ન યયૌ, ન તસ્યૌ” (ન અહીંના, ન ત્યાંના) ડાયસ્પોરા સર્જકની પીડાની વાત કરી. ડાયસ્પોરા સર્જકની રચનામાં ડાયસ્પોરીક લાગણીની વાત ના હોય તો એ સાહિત્યનો કોઈ અર્થ નથી.
મધર ટેરેસા અંગે કે શેક્સપિયર અંગે આપણને જેટલી જાણકારી છે તે આપણી ચારણી અમરબાઈ કે સંત દેવીદાસ અંગે નથી તેનુ કારણ એટલું જ છે કે મધર ટેરેસાને અભ્યાસ ક્રમમાં સ્થાન મળ્યું છે જ્યારે અઢારમી સદીમા રક્તપીતિયાની સેવા કરનાર પ્રથમ મહિલા અમરબાઈની કોઈ નોંધ લેવાઈ નથી. વીજળીના ઝબકારે મોતી પરોવી લઈએ એવું કહેનારા ગંગા સતીના ભજનોને અભ્યાસ ક્રમમાં સ્થાન આપીશું ત્યારે જ એમની ઓળખ પ્રસ્થાપિત થશે.
શ્રી બળવંતભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના ૯ કવિઓની ભક્તિ ભાવના અંગે પણ વાતો કરતાં કવિ બ્રહ્માનંદ ના પદ સાહિત્ય અંગે પણ રસપ્રદ વાતો કરી.
પ્રવચનના અંત ભાગમાં તેમણે કહ્યું કે ગુજરાત ટાઈમ્સને ગુજરાત સરકારની જાહેરખબર મળતી થઈ તે ગુજરાત સરકારની ગુજરાતી ભાષાને પ્રમોટ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
અંતમાં, B A P S ના શ્રી બાબુભાઈ પટેલે સ્વામિનારાયણ સંપ્રદાય વતી તથા શ્રી હેમંત ગજરાવાલાએ સાહિત્યસરિતા વતી આભાર વિધી કરીને કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.
બીજા દિવસે એટલે કે ૧૪મી જુલાઈને બુધવારે સાંજે યુનાઈટેડ સેન્ટ્રલ બેંકના એડવાઈઝરી ડાયરેક્ટર તથા ઈસ્માઈલી કોમ્યુનિટીના અગ્રગણ્ય માનનિય આગેવાન ડો. બરકત ચારણીયાના સૌજન્યથી સેવોયના બેંકવેટ હોલમાં લગભગ ૧૫૦ જેટલા આમંત્રિત સાહિત્યરસિકો માટે ભોજન સાથે શ્રી બળવંતભાઈના વાર્તાલાપનો લાભ મળ્યો હતો.
ગુજરાતી સાહિત્યસરિતાના સભ્યો તથા ઈસ્માઈલી કોમ્યુનિટી ના ગુજરાતી ધુરંધરો સમક્ષ શ્રી બળવંતભાઈએ સુફી કવિયત્રી સંત રાબિયા, શેખ સાદિક અલી, ભોજા ભગત, ઈસરદાન ગઢવી, સંત દેવીદાસના ગુરૂ શ્રી જયરામ શાહ જેવા સંતોની વાતો, તેમના સર્જનની વાતો, તેમના તત્વદર્શન અંગે જણાવતાં કહ્યું કે ઈસમાઈલી પ્રજા “ગીનાન” દ્વારા ગુજરાતી ભાષાની જાળવણી કરીને તેને ગૌરવ અપાવે છે.
કાર્યક્રમના અંત ભાગમાં કવિશ્રી વિનોદ જોશીની સુંદર ક્રુતિ “ફાંસ જરા સી વાગી ગઈ ને વાંસ જેવડું કંઈ ખટકે છે અંદર અંદર” તથા સ્વર્ગસ્થ કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ “અહીં તો માત્ર ટહેલવા આવ્યા હતા રમેશ ને ચરણ અહીં ચોંટી ગયા” સંભળાવી, તેનો રસાસ્વાદ કરાવીને પુર્તિ કરતાં કહ્યું કે “વ્યક્ત ન થઈ શકવાની વેદના માત્ર સર્જકો જ જાણતા હોય છે.”
અસ્તુ………………..
નવીન બેંકર
૭૧૩-૭૭૧-૦૦૫૦.
ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશન ઓફ હ્યુસ્ટન-અહેવાલ
તારીખ તેરમી ઓગસ્ટ ૨૦૧૧ને શનિવારે ‘ISCA ‘ની એક ખાસ મીટીંગ,હ્યુસ્ટનના હિલક્રોફ્ટ અને બિસોનેટ સ્ટ્રીટના કોર્નર પર આવેલ બેલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં યોજવામાં આવી હતી.આ બેઠકમાં એકલ વિદ્યાલય અને વલ્લભ વિદ્યામંદીરના નાના નાના ભુલકાઓએ વાર્તાલાપ સ્વરુપે એક સુંદર સ્કીટ રજુ કરીને ‘સરસ્વતી-વંદનાનો અર્થ’,’યોગાનો અર્થ’,આપણી ભાષામાં બારાખડી,’દરરોજ સ્નાન કરવાના ફાયદાઓ’ વગેરે અંગે રમુજી રીતે ખ્યાલ આપ્યો હતો.શ્રી.વલ્લભ વિદ્યામંદીરના પ્રિન્સિપાલ શ્રીમતી રચનાબેન શાહે વિદ્યામંદીરની પ્રવ્રુત્તીઓનો ચિતાર રજુ કર્યો હતો.કાર્યક્રમમાં ભાગ લેનાર બાળ-કલાકારો હતા -સર્વશ્રી. ઉત્સવ બક્ષી,રણજીત શાહ,હીમાલી શાહ,યશ ધ્રુવ,કેયા શાહ,દેવ ધ્રુવ,પાર્થ શાહ અને ખુદ રચનાબેન શાહ.વૈશાલી બંસલે આ સ્કીટનું દિગ્દર્શન કર્યું હતું.
ત્યારબાદ….શ્રી રમેશભાઇ મોદીએ ઓક્ટોબરમાં ૨૧૨ સિનિયર મેમ્બર્સ સાથે ઉપડનારી ક્રુઝ અંગેની માહિતી આપી હતી.
હ્યુસ્ટન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના સિનિયર મેમ્બર શ્રી, નવીન બેન્કરે, હ્યુસ્ટન ગુજરાતી સમાજના બંધારણની એક જોગવાઇ કે જેમાં ૬૫થી વધુ ઉંમરના ભાઇબહેનોએ સભ્ય ફી નથી ભરવાની હોતી કે સભ્યપદ રીન્યુ કરવા માટે પણ વાર્ષીક ફી ભરવાની નથી હોતી તે અંગે ગુજરાર્તી સમાજ તરફથી મળેલા એક સ્પષ્ટીકરણની જાહેરાત કરતાં કહ્યું હતું કે સભ્યોએ સભ્યપદના એપ્લિકેશન ફોર્મમાં પોતાની બર્થ ડેઈટ જણાવીને પોતે ૬૫ વર્ષથી વધુ વયના છે તે જાહેર કરીને પોતે સભ્યપદની ફી ભરવા બંધાયેલા નથી એની જાણ લેખિતમાં કરવી જરુરી છે. આ રીતે સભ્યપદ મેળવેલા સભ્યોને ,રેગ્ય્લર સભ્ય તરીકે હોલની જે પ્રવેશ ફી વગેરે હોય છે તે ભરીને નવરાત્રી જેવા પ્રસંગોએ પ્રવેશ અપાય છે તે આપવામાં આવશે અને નોન-મેમ્બરનો ચાર્જ વસુલ કરવામાં નહીં આવે. જો કે આવા સભ્યોને વોટીંગ રાઈટ્સ નહીં મળે તથા તેઓ સમાજનું મુખપત્ર ‘દર્પણ’ મેળવવા પણ હકદાર રહેશે નહીં. છેલ્લા ત્રિસેક દિવસથી આ અંગે ઇ-મેઈલ મારફતે સમાજના માનનીય પ્રમુખશ્રી. નિરંજનભાઇ પટેલ, અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વગેરે સાથે પત્રવ્યવહાર કરીને સ્પષ્ટતા મેળવી હતી જેને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એક માનનીય સભ્ય શ્રી હર્ષદભાઇ પટેલ ( કે જે સમાજમાં ‘હર્ષદ માસ્તર’ તરીકે ઓળખાય છે ) તેમણે ફોન પર કન્ફર્મ કરેલ અને પોતે સિનિયર્સની આ મીટીંગમા જાતે હાજર રહીને પોતાના વતી આ જાહેરાત કરવા શ્રી. નવીન બેન્કરને વિનંતિ કરી હતી. ગુજરાતી સમાજની આ જાહેરાતને સિનિયર્સના સભ્યોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી અને શ્રી.હર્ષદભાઇનો તથા ગુજરાતી સમાજનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના ત્રીજા ચરણમાં ,હ્યુસ્ટનની ડાયગ્નોસ્ટીક અલ્ટ્રાસાઊન્ડ સર્વીસિસવાળા શ્રીમતી વિભાબેન પટેલે ,સિનિયર્સને ઇકો-કાર્ડીયોગ્રામ,વાસ્ક્યુલર અલ્ટ્રાસોઊન્ડ, જનરલ અલ્ટ્રાસાઊન્ડ અંગે પ્રાથમિક માહિતી આપી હતી.અલ્ટ્રાસાઊન્ડથી જે નિદાન થાય છે તે કઈ રીતે નુકશાનકારક નથી એ જણાવતા કહ્યું કે એમાં કોઇ જાતની’ ડાઈ’ નથી વપરાતી કે કોઇ પ્રકારના કિરણો શરીરમાં દાખલ થતા નથી કે કોઇ રેડીએશન પણ નથી હોતું અગર દવા પણ પીવી નથી પડતી.હ્રદયના વાલ્વમાં કોઇ અવરોધ તો નથી, આર્ટરીઝમાં કોઇ બ્લોકેજ નથી,જેવી બાબતો કેવી રીતે જાણી શકાય છે તેનું નિર્દેશન કરીને સરળ શબ્દોમાં સમજાવ્યું હતું.હાજર રહેલા કેટલાક જિજ્ઞાસુ દર્દીઓના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ આપ્યા હતા.
અંતે…સ્વાદીષ્ટ ભોજનનો આસ્વાદ માણીને સૌ છૂટા પડ્યા હતા.
શ્રી. નવીન બેન્કર
એક અનોખો સંગીત-કાર્યક્રમ
’ હું રીટાયર થયો’ (ત્રિઅંકી નાટક)-અહેવાલ-નવીન બેંકર.
૧૪ મે ના રોજ, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી.મુકુંદ ગાંધીએ, શ્રી.પ્રવિણ સોલંકી લિખિત અને શ્રી. સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, ત્રિઅંકી ગુજરાતી નાટક ‘હું રીટાયર થયો’ ભજવીને હ્યુસ્ટનના ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.
આ નાટકનું કથાબીજ મૂળ તો મરાઠી લેખક સ્વ. શિરવાડકરના સાહિત્ય અકાદમી પુરસ્ક્રુત નાટક ‘નટસમ્રાટ’ને ગણી શકાય જેમાં શ્રીરામ લાગૂએ મુખ્ય ભૂમિકા કરી હતી.તે પછી શ્રી. જશવંત ઠાકરે,૧૯૭૦ના દાયકામાં,એચ.કે.કોલેજના હોલમાં આ ‘નટસમ્રાટ’ ભજવેલું એવું મને યાદ છે.૧૯૯૮ની આસપાસ આ જ નાટક સિદધાર્થ રાંદેરિયાએ ‘ અમારી દુનિયાઃતમારી દુનિયા’ એ નામે ભજવેલું.
એક અને માત્ર એક જ પાત્રની ભૂમિકા પર સમગ્રપણે અવલંબતા નાટકોમાં, આવા મુખ્ય પાત્રને આત્મસાત કરી શકે એવા, આંગણીને વેઢે ગણી શકાય તેવા કલાકારોમાં હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધીને નિઃશંકપણે ગણી શકાય.આ એક એવી ભૂમિકા છે કે જેમાં એક અભિનેતા પોતાની જિંદગીની વિવિધ ભૂમિકાઓ ભજવે છે-કેટલીક રંગમંચની છે તો કે તો કેટલીક વાસ્તવિક જીવનની. અને..આ બન્નેની સહોપસ્થિતી બહુ જ અસરકારક રહી છે. કથાનક અને તેની રજૂઆતમાં ભારોભાર મેલોડ્રામા છે છતાં પણ કથાનકના હાર્દમાં રહેલી નગ્ન વાસ્તવિકતાની અભિવ્યક્તિ આથી ઝાંખી પડતી નથી.
રંગમંચ અને જિંદગીની એકરુપતાને કારણે નટસમ્રાટ અનંતરાય વિદ્યાપતિ તેના ઉત્તરકાળમાં અત્યંત દારુણ પરિસ્થિતિની વચ્ચે પણ જીવનસમ્રાટ બની શક્યો છે .જે કક્ષાએ નટસમ્રાટે રંગભૂમિ અને જીવનનું તાદાત્મ્ય સાધ્યું છે તેટલી કક્ષાએ, શ્રી. મુકુંદ ગાંધીનું પાત્ર સાથે તાદાત્મ્ય છે.જાણે તેઓ પોતાની જ જીવનકથા પ્રદર્શિત કરતા હોય એવું દરેક પ્રેક્ષક અનુભવી રહે છે.શરુઆતના દ્રષ્યમાં પ્રેક્ષકો સાથેનો પ્રત્યક્ષ સંપર્ક તેમ જ અનુરુપ સંવાદોને કારણે એ વધુ સ્વાભાવિક બની શક્યું છે.
આ નાટક માત્ર મેલોડ્રામા જ ન રહેતાં,રમુજની પ્રત્યેક તક લેખક અને દિગ્દર્શકે વિકસાવી છે અને છતાં પાત્રોને હાની નથી પહોંચાડી.પરિસ્થિતીની વિચિત્રતાથી અને તે માટેના કલાકારોના અભિનયમાં વ્યક્ત થતા પ્રતિભાવોથી જ અહીં હાસ્ય નિષ્પન્ન થાય છે.પ્રથમ અંક અને તે પછી વાઘજી પોપટ તથા મોહન પ્યારેના પાત્ર દ્વારા અહીં હાસ્ય ઉપજાવ્યું જ છે.
બધા જ મુખ્ય કલાકારોનો અભિનય અહીં પોતપોતાની ભૂમિકાને અનુરુપ, અતિ-ઉચ્ચકક્ષાનો રહ્યો છે.મુકુંદભાઈ ગાંધી,રક્ષાબેન પટેલ,યોગિનાબેન પટેલ,રસેશ દલાલ,હેમંત ભાવસાર, લલિત શાહ, ઉમા નગરશેઠ વગેરે બધા જ પાત્રો એ ભૂમિકાને સમજી, પચાવી,આત્મસાત કરીને અભિનય કર્યો છે અને કોઈ જ કસર રહેવા દીધી નથી.અરવિંદ પટેલ ( બાના ),મનીષ શાહ, કુલદીપ બારોટ ,મનોજ મહેતા જેવા સક્ષમ કલાકારોને તેમના ફાળે ગૌણ ભૂમિકાઓ આવી હોવાં છતાં,તેમણે પણ પાત્રોચિત અભિનય કરીને નાટકને સફળ કરવામાં પુરતો ફાળો આપ્યો છે.
આ નાટકમાં, હ્યુસ્ટનના નાટ્યજગતને, બે નવા કલાકારો મળ્યા.યોગિનાબેન પટેલ અને નાનકડી બેબી પંક્તિ ગાલા.’સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી વખતે ‘રંગલી’ના પાત્રમાં યોગિના નામની આ રુપાળી,ગોરી ગોરી સુંદર, મોટી મોટી ભાવવાહી આંખો ધરાવતી છોકરી સ્ટેજ પર એવી તો છવાઈ ગઈ હતી કે તે પછી હ્યુસ્ટનમાં તે ‘રંગલી’ તરીકે જ ઓળખાવા લાગી હતી.આ નાટકમાં તેણે અભિનયના ત્રણ જુદા જુદા શેડ્સ દર્શાવ્યા છે.શરુઆતની વ્હાલસોયી લાડકી દીકરી માબાપને પોતાને ઘેર આવેલા જોઈને હરખઘેલી થઈ જતી દીકરી…પછી..માબાપ પ્રત્યે શંકાશીલ બનીને આંખો ફેરવી લઈને રફ ટફ બનેલી સ્ત્રી..અને ..છેલ્લે સત્ય સમજાતાં પોતાને માફ કરી દેવાની કાકલુદી કરતી દીકરી..આ ત્રણે વિવિધ ભાવોને આ છોકરીએ એવી તો સૂપેરે દર્શાવ્યા છે કે તેના અભિનયને સલામ કહેવાનું મન થઈ જાય !
‘છૂક છૂક કરતી ગાડી આવી’ ગાતી, દોડતી, દાદાને હસાવતી, બનાવતી, વ્હાલ કરતી પૌત્રીના પાત્રમાં નાનકડી પંક્તિ ગાલા પણ પ્રેક્ષકોની આંખોને ભિંજવી જાય છે.
હેમંત ભાવસાર, હ્યુસ્ટનના કલાજગતનું એક આદરણિય નામ છે.આ નાટકમાં, દીકરીના ઘરના ,ફિલ્મી રંગે રંગાયેલા નોકરની નાનકડી ભૂમિકામાં તેમણે રમુજની પળો પુરી પાડી છે અને દેવ આનંદ, શાહરુખ ખાન, નાના પાટેકર તેમજ રાજકુમારની મિમિક્રી કરીને પ્રેક્ષકોને ખડખડાટ હસાવ્યા છે.
મુળભુત રીતે, કલાકારો નાટકના દિગ્દર્શનમાં, શ્રી.સિદ્ધાર્થ રાંદેરિયાને જ અનુસર્યા છે. છતાં,હ્યુસ્ટનના દિગ્ગજ દિગ્દર્શકો શ્રીમતી ઉમાબેન નગરશેઠ,શ્રી. અશોક પટેલ અને શ્રી.હેમંત ભાવસારના કિંમતી સલાહસુચનોનો ફાળો પણ નાનો સુનો નથી.
અનંતરાય વિદ્યાપતિની પત્ની મંગળા ( સરકાર ) ના પાત્રમાં ,રક્ષાબેન પટેલ દીકરાના હિસાબની સામે પોતાનો હિસાબ ગણાવે છે તે દ્રશ્યમાં અને તેમના અંતીમ દ્રશ્યમાં દરેકે દરેક પ્રેક્ષકની આંખ ભીની કરી મૂકે છે. સશક્ત પાત્રાલેખનને કારણે રક્ષાબેન પટેલ મંગળાના પાત્રમાં પ્રેક્ષકોની સહાનુભૂતિ મેળવી જાય છે.HNV ( Houston Natya Kalavrund ) ના ઘણા નાટકોમાં રક્ષાબેને અભિનય કરેલો હોવાથી ખૂબ સાહજિકતાથી આ પાત્ર તેઓ ભજવી શક્યા છે-કહો કે પાત્રને જીવી ગયા છે.સામાન્ય પ્રેક્ષક સરળતાથી સહભાગી થઈ શકે તેવો આ વિષય હોવાથી પ્રેક્ષકોનો રસ છેક સુધી જળવાઈ રહે છે.
રસેશ દલાલે આ નાટકમાં અનંતરાય વિદ્યાપતીના પુત્રની ભૂમિકામાં- નેગેટીવ રોલમાં- સુંદર ભૂમિકા ભજવી છે.
ઉમા નગરશેઠ આ નાટકમાં પુત્રવધૂ તરીકે નેગેટીવ રોલમાં દેખા દે છે.પ્રેક્ષકો તેમના પાત્રને ધિક્કારે એટલી સરસ રીતે તેમણે આ ભૂમિકા નીભાવી છે.છેલ્લ વીસ વર્ષથી હ્યુસ્ટનના નાટ્યકલાવ્રુંદના નાટકોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ કરી છે.
નાટકનું પ્રકાશ-આયોજન લલિત શાહ, મનીષ શાહ અને નીલ શાહે સંભાળ્યું હતું.શાંતીભાઈ ગાલા,ગીતાબેન ગાલા તથા મનોજ મહેતાએ સંગીત અને અમિત પાઠક / સંજય શાહે ધ્વની વિભાગ સંભાળ્યા હતા.રંગમંચ સજાવટ માટે શ્રી. વિનયભાઈ અને દક્ષાબેન વોરા,નિરંજન ગાંધી,ભરત મહેતા,તથા કુલદીપ બારોટનો સહયોગ સાંપડ્યો હતો.રંગમંચ વ્યવસ્થા શ્રી.હેમંત ભાવસારે સંભાળી હતી. તો.. પ્રોપર્ટી મેનેજર તરીકે શ્રી.હર્ષદ પટેલ (માસ્તર) અને સજાવટમાં ઉમા નગરશેઠ તથા યોગીનાબેન પટેલનો ફાળો નાનોસુનો નથી.સુરેશ બક્ષી અને પ્રદીપ બ્રહ્મભટે નેપથ્ય સહાય કરી હતી.ફોટોગ્રાફી શ્રી.રવિ બ્રહ્મભટ્ટે,વિડીયોગ્રફી શ્રી.પરેશ શાહે તથા મેક-અપ,રંગભૂષાનો કાર્યભાર શ્રીમતી સુજ્ઞાબેન ગોહીલ,યોગિનાબેન પટેલ અને પાયલ દવે એ સંભાળ્યો હતો.
પુરા એક ડઝન કલાકારો અને પુરા બે ડઝન રંગમંચ સહાયકોના કાફલા સાથે, શ્રી.મુકુંદ ગાંધીએ આ ભગીરથ કાર્યને,પોતાની નીજી મર્યાદાઓ હોવાં છતાં,અને પ્રતિકુળ સંજોગો વચ્ચે પણ સફળતાપુર્વક પાર પાડ્યું તે બદલ હ્યુસ્ટનના કદરદાન પ્રેક્ષકોએ નાટકના અંતે, સીટ પરથી ઉભા થઈને તાળીઓના ગડગડાટ સહિત સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું.
પ્રેક્ષકોને વિચારતા કરી મૂકે તેવું ઉંડાણ આ નાટક ‘ હું રીટાયર થયો’માં છે આ નાટક,અભિનય,દિગ્દર્શન,વાર્તા, જાજરમાન સન્નિવેષ,વાતાવરણ સાચવતું પ્રકાશ આયોજન અને અનુરૂપ વેષભુષા જેવા બધાં જ અંગોમાં ધોરણ સચવાયું હોવાથી શ્રેષ્ઠ રહ્યું.
હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સભ્યોએ પણ આ નાટકની સફળતામાં પોતાનો ફાળો આપ્યો હતો.બધાંના નામોલ્લેખ આ લેખની સ્થળમર્યાદાને કારણે શક્ય ના હોવાથી એ નામી-અનામી મિત્રો /શુભેચ્છકોનો, શ્રી. મુકુંદ ગાંધી અને સાહિત્ય સરિતાના સભ્યો આભાર માને છે.
હ્યુસ્ટન એ સંસ્કારનગરી છે. અહીં લેખકો છે, કવિઓ છે,નાટ્યકલાકારો છે, ન્રુત્યકારો છે. વિવેચકો છે, વ્રુતાંતનિવેદકો છે, દિગ્દર્શકો છે…હ્યુસ્ટનના જ કલાકારો-કસબીઓ દ્વારા ભજવાયેલું આ નાટક અમેરિકાના દરેક શહેરમાં ભજવાય એવી આ અહેવાલ-લેખકની દીલી ખ્વાહિશ છે.
આ નાટક તમારા શહેરમાં ભજવવા માટે સંપર્ક -શ્રી. મુકુંદ ગાંધી-૨૮૧-૨૪૨-૮૫૮૬
નવીન બેન્કર ૭૧૩-૭૭૧-૦૦૫૦ અને ઈ મેઈલ એડ્રેસ -navinbanker@yahoo.com અસ્તુ
અકિલા-દશાબ્દિ અહેવાલ-
“દશાબ્દિ મહોત્સવ” -અહેવાલ- નવીન બેંકર
હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ”“-અહેવાલ- નવીન બેંકર
બારમી માર્ચ ને શનિવારની રાત્રે, હ્યુસ્ટનના જૂના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમાં,ગુજરાતી સાહિત્ય સરિતાએ પોતાના દશ વર્ષ પૂર્ણ કર્યાની ખુશાલીમાં “દશાબ્દિ મહોત્સવ”નું ભવ્ય આયોજન કર્યું હતુ.
બરાબર આઠને દસ મિનિટે, કાર્યક્રમના આયોજક શ્રી રસેશ દલાલ અને સંસ્થાના સંચાલક શ્રીમતિ દેવિકાબેન ધુવે પ્રેક્ષકોના સ્વાગતથી શરુઆત કરી.પ્રારંભમાં વિરેન્દ્ર બેંકરના કંઠે દેવિકા ધ્રુવ રચિત શારદ સ્તુતિ અને હેમંત ભાવસારના કંઠે વિનોબા ભાવેની પ્રાર્થના રજૂ કરવામાં આવી.તે પછી દીપ-પ્રાગટ્યની વિધિ થઇ હતી.
આ પ્રસંગે આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે શિકાગોના જાણીતા અને માનીતા સન્માનીય ગઝલકાર કવિ-દંપતિ ડો.અશરફ ડબાવાલા તથા ડો.મધુમતી મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ગુજરાતી ભાષા,સાહિત્ય અને સંગીતના પ્રસાર માટે શિકાગો આર્ટ સર્કલ નામની સંસ્થા દ્વારા પ્રવૃત્ત રહે છે.ડો. અશરફ ડબાવાલાને ૨૦૦૭માં કલાપી એવોર્ડ,લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા તરફથી ચુનીલાલ વેલજી પારિતોષિક તથા શિકાગોની દ્રષ્ટિ-મીડીયા તરફ્થી ગઝલ-સર્જન માટે લાઇફ-ટાઇમ એવોર્ડ પણ પ્રાપ્ત થયાં છે.
અન્ય અતિથિવિશેષ,પદ્મશ્રી એવોર્ડથી વિભુષિત ડો.સુધીર પરીખ અને તેમના ધર્મપત્ની સુધાબેન પરીખ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.અનેકવિધ સન્માન અને મે્ડલ પ્રાપ્ત કરનાર ડો સુધીરભાઇ પરીખ વર્લ્ડવાઇડ મીડીયા ઇન્ક.ના ચેરમેન અને પબ્લીશર છે.આ ગ્રુપ ન્યુ ઇન્ડિયા ટાઇમ્સ,દેશી ટોક ઇન ન્યુયોર્ક,”ધી ઇન્ડિયન અમેરિકન્સ” તથા ગુજરાતીઓમાં સૌથી વધુ વંચાતા અને વેચાતા સપ્તાહિક ગુજરાત ટાઇમ્સનું પબ્લીકેશન કરે છે.
દીપ-પ્રાગટ્ય પછી મહેમાનોનું પુષ્પગુચ્છ અને ભેટ-પ્રતિક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ તેમના શુભ-હસ્તે હ્યુસ્ટનના જાણીતા સર્જકોના પ્રસિધ્ધ થયેલ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. હ્યુસ્ટનના ૯૦ વર્ષના કવિશ્રી ધીરજલાલ શાહના બે પુસ્તકો,પીઢ કવિ સુમન અજમેરીના ચાર પુસ્તકો, સર્યુબેન પરીખનુ એક પુસ્તક “નીતરતી સાંજ”,પ્રવીણાબેન કડકિયાના સ્વરચિત ગીતોની એક CD”સમર્પણ”, વગેરે નું વિમોચન કરાયા બાદ શ્રી વિજય શાહના પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” વિષે માહિતિ આપવામાં આવી હતી. હ્યુસ્ટનના તેર લેખકોના સહિયારા સર્જન દ્વારા લખાયેલ નવલકથા “જીવન સંધ્યાએ”અને ૧૧ લેખકોના “સહિયારું સર્જન” (લઘુનવલકથા સંગ્રહ) નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. દેવિકાબેનના “શબ્દોને પાલવડે” નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ એક એકાંકી નાટક “ગુજરાત તારું ગૌરવ”રજૂ કરવામાં આવ્યુ.માત્ર ચાર જ પાત્રો દ્વારા ભજવાયેલ આ નાટકમાં પ્રહસન માટેની બધી જ સામગ્રી મૌજુદ હતી.ઝડપી કાર્યવેગ,સંવાદોમાં સાતત્ય, બધું જ. .નાટિકાના નામાભિધાન પ્રમાણે ગુજરાતના ગૌરવની તવારીખ જોશીલા સંવાદો દ્વારા એવી સરસ રીતે લખવામાં આવી છે અને દેવિકાબેન ધ્રુવના પાત્ર દ્વારા એવી જોશીલી જબાનમાં રજૂ કરવામાં આવી હતી કે તેના દરેક સંવાદ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી સભાખંડ ગાજી ઉઠતો હતો.વાઇબ્રન્ટ ગુજરાત, શ્રી નરેન્દ્ર મોદીના ઉલ્લેખો અને ગુજરાતના વિકાસની ગાથા એવી કલાત્મક રીતે દિગ્દર્શક શ્રી રાહુલ ધ્રુવ દ્વારા સાંકળી લેવામાં આવ્યા છે કે નાટકની વાર્તામાં રસક્ષતિ ન થાય. અમેરિકાનું બધું જ સારું અને ગુજરાતમાં તો આમ ને તેમ એવી મનોદશામાં જીવતા પતિની ભૂમિકા શ્રી રાહુલ ધ્રુવે એવી તો સરસ રીતે ભજવી બતાવી કે તેમના મોટાભાગના સંવાદો પર પ્રેક્ષકોની હાસ્યની ખંડણી આવતી હતી.તો….ગુજરાતના ગૌરવને પોતાની જોશીલી જબાન દ્વારા અને પ્રતિભાશીલ અભિનય દ્વારા દેવિકા ધ્રુવે સુપેરે રજૂ કર્યુ હતું. ગુજરાતી પડોશીના પૂરક પાત્રોમાં હ્યુસ્ટનના ખ્યાતનામ કાર્ડીઓલોજીસ્ટ ડો. કિરીટ દેસાઇ અને ખ્યાતનામ ગાયનોકોલોજીસ્ટ ડો.કોકીલા પરીખે પોતાના સુંદર આંગિક અને વાચિક અભિનય દ્વારા હળવી પળો પૂરી પાડીને પ્રેક્ષકોને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. આ બંને ડોક્ટરો સારા ગાયકો પણ છે એટલે દિગ્દર્શકે તેમના કસબનો અહીં આ નાટકમાં પણ ઉપયોગ કરીને કેટલાંક ગીતોની પંક્તિઓ મૂકવાનો મોહ ટાળી શક્યા ન હતા. મુકેશ અંબાણી અને ગાયક સ્વ.મુકેશ અંગેના સંવાદો,”તને જાતા જોઇ પનઘટની વાટે” કે”નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે” જેવા ગીતોને સાંકળી લઇને ગીત-સંગીત સાથે હાસ્યને પણ સુંદર રીતે રજૂ કરવામાં લેખક તરીકે રાહુલ ધુવ અને કલાકારો તરીકે બંને ડોક્ટરો સંપૂર્ણ સફળ રહ્યાં હતાં. પ્રવક્તા તરીકે શ્રી નિખિલ મહેતા અને નેપથ્ય પાર્શ્વસંગીત પીરસનાર શ્રી મનોજ મહેતા તથા શ્રી દિલીપ નાયક પ્રશંસનીય રહ્યા.
આ કૃતિનું આલેખન રાહુલ ધ્રુવની રંગમંચના ઉપયોગની પોતાની આગવી સૂઝ દર્શાવી જાય છે.. પ્રહસનની સફળતાનો મોટો આધાર સંવાદોની અભિવ્યક્તિમાં,સમયસૂચકતા અને મુખના ભાવો તેમ જ આંગિક અભિનયના પ્રભુત્વ પર હોય છે.અહીં બધા જ કલાકારો એ સાદ્યંત સાચવે છે. નિષ્પન્ન થતા હાસ્યનો વ્યક્તિગત હિસ્સો જો ફાળવવાનો હોય તો રાહુલ ધ્રુવ અને ડો,કિરીટ દેસાઇ બંને સ્ત્રી પાત્રો કરતાં પ્રથમ આવે. સાહિત્ય સાથેનો સંપર્ક રંગભૂમિને કેટલી સમૃધ્ધ બનાવી શકે એ દેવિકાબેનના પાત્રાલેખન અને સંવાદો દ્વારા દિગ્દર્શક શ્રી રાહુલ ધ્રુવ આ કોમેડી નાટકમાં ઉપસાવી શક્યા છે. ઇતિહાસના યાદગાર પાત્રો કે ગુજરાતની અસ્મિતા દર્શાવતા સંવાદોમાં આ સ્પષ્ટ થાય છે. જૂના જમાનાના “સતી આણલદે” ની એકોક્તિ દ્વારા દેવિકાબેન ધ્રુવ સુંદર પ્રભાવ પાડી ગયાં.જો કે સમગ્ર નાટકમાં તેમના મુખે બોલાયેલ સંવાદોમાં સાહિત્યિક ભાષાનો અતિરેક થયો લાગે છે. ડો.કોકીલા પરીખ ના ફાળે જોશીલા સંવાદો ન આવવા છતાં, નાટકની હળવી પળો પૂરી પાડવામાં તેમનો ફાળો ઓછો ન આંકી શકાય.
આ નાટક પછી ગરબો રજૂ કરવામાં આવ્યો હતો, જેના શબ્દો હતા “ઉંચી તળાવડીને તીર પાણી ગ્યા’તા”.આ ગરબામાં પંચાવન કે તેથી વધુ ઉંમરની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેની કોરીઓગ્રાફી હ્યુસ્ટનના જાણીતા કોરીઓગ્રાફર મિત્રાબેન પંચાલ દ્વારા કરવામાં આવી હતી અને સ્વરાંકન પણ તેમના સુમધુર કંઠે કરવામાં આવ્યું હતુ.
“દશાબ્દિ મહોત્સવ”ના બીજા ભાગમાં તા. ૧૪મી મેના રોજ રજૂ થનાર ત્રિઅંકી નાટક “ હું રીટાયર થયો”ની ઝલક સ્લાઇડ શો દ્વારા દસેક મિનિટ માટે વીડીયો પ્રેઝન્ટેશનથી પ્રેક્ષકોને બતાવવામાં આવી હતી.એક રીટાયર્ડ થયેલ નટ સમ્રાટના જીવનમાં પાછલી ઉંમરે જે ઝંઝાવાતો આવે છે તે હ્ર્દયસ્પર્શી સંવાદો અને જબરદસ્ત કથાનક સાથે, હ્યુસ્ટનના જ સ્થાનિક કલાકારો સાથે શ્રી મુકુંદભાઇ ગાંધીની મુખ્ય ભૂમિકામાં રજૂ થનાર છે તેની ક્લીપીંગ્સ દર્શાવવામાં આવી હતી.
ત્યારબાદ એક જબરદસ્ત એકાંકી નાટક “જો જો મોડું ના થાય” ભજવવામાં આવ્યું હતુ. મૂળ કૃષ્ણચંદર લિખિત આ નાટકનું રુપાંતર સાહિત્યપ્રેમી અને હાસ્યકવિની રચનાઓને પોતાની વિશિષ્ટ શૈલીમાં રજૂ કરવા માટે જાણીતા એવા શ્રી ફતેહ અલી ચતુરે ગુજરાતીમાં રુપાંતરિત કરીને રજૂ કર્યું હતું.
સચિવાલયના કમ્પાઉન્ડમાં જાંબુનું એક ઝાડ પડી ગયું છે અને તેની નીચે એક કવયિત્રી દબાઇ ગઇ છે. કોઇ રાહદારી આ અંગેની જાણ સચિવાલયના વિવિધ કર્મચારીઓને કરે છે અને બ્યૂરોક્રસીમાં અટવાયેલા કામચોર કર્મચારીઓ પેલી સ્ત્રીને બહાર કાઢવાને બદલે વાતને કેવી ગૂંચવી મારે છે અને અંતે પેલી દબાયેલી સ્ત્રીનું મૃત્યુ થાય છે એવા કથાનક પર રચાયેલ આ નાટક એટલી સરસ રીતે ભજવવામાં આવ્યું હતું કે, રૂપાંતરકાર અને દિગ્દર્શક શ્રી ફતેહઅલી ચતુર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા વગર રહી ન શકાય.
સૌ પ્રથમ તો સંનિવેશમાં ચીલાચાલુ બોક્સ-સેટને બદલે ઝાડનું કપાયેલું થડ તેના ડાળા-પાંદડા સાથે સ્ટેજ પર ગોઠવવામાં આવ્યું હતું અને સચિવાલયના બિલ્ડીંગનું મોટું ચિત્ર લટકાવવામાં આવ્યું હતું તો હોર્ટીકલ્ચર ડીપાર્ટમેન્ટ,એગ્રીકલ્ચર ડીપાર્ટ્મેન્ટ અને કલ્ચરલ ડીપાર્ટ્મેન્ટ્ની ઓફિસ તેના ટેલિફોનો વગેરેનું સેટીંગ્સ એટલી કુશળતાપૂર્વક કરવામાં આવેલું હતું કે પડદો ઉઘડતાં જ કશુંક નાવીન્યપૂર્ણ રજૂ થઇ રહ્યું છે તેનો આભાસ ઉભો થાય !
પ્રકાશ-આયોજન પણ સૂચક હતું. કયારેક સ્ટેજનો અમુક હિસ્સો પ્રકાશ-વર્તુળમાં આવે અને બીજો હિસ્સો અંધકારમાં રહે એવું આયોજન રહે પરંતુ ટેક્નીકલ મુશ્કેલીને કારણે અમુક દ્રશ્ય વખતે તે શક્ય બનતુ ન હતું.
ફતેહ અલી ચતુરની હથોટી જેટલી રુપાંતરમાં છે તેટલી જ દિગ્દર્શનમાં પણ જણાઇ આવે છે. રાહદારીના મુખ્ય પાત્રમાં જીવંત અદાકારી દાખવી હતી. વિવિધ શાયરો-ગઝલકારોના મુક્તકોનો ઉપયોગ તેમના મુખે બોલાવીને “દશાબ્દિ મહોત્સવ”ની ઉજવણી પ્રસંગે રજૂ થતા નાટક તરીકે તેને સફળ ગણી શકાય. નાટકની પકડ જાળવવા કે પાત્રાલેખનને ખીલવવા માટે જે ચપળ અને ચબરાકી ભાષા જરૂરી છે તેનો અહીં બરાબર ખ્યાલ રાખવામાં આવ્યો છે. સતત ઝાડ નીચે દબાયેલી રહેતી કવયિત્રીના પાત્રને શ્રીમતિ શૈલાબેન મુનશાએ પડ્યા પડ્યા પણ પોતાના ચહેરાના ભાવ-પરિવર્તનને સૂપેરે દર્શાવીને સુંદર રીતે ન્યાય આપ્યો હતો. હેડક્લાર્ક તરીકે શ્રી પ્રશાંત મુનશા,પટાવાળાના પાત્રમાં શ્રી વિનય પંચાલ,સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે શ્રી નીતિન વ્યાસ, સતીશ પરીખ અને અન્ય ડિપાર્ટમેન્ટોના હેડ તરીકે ડો.ઇન્દુબેન શાહ તથા શ્રીમતિ ગીતાબેન ભટ્ટ અને છેલ્લે આવતા કલ્ચરલ ડિપાર્ટમેન્ટના શ્રી સુરેશ બક્ષી પણ પોતપોતાની ભૂમિકાને અતિસુંદર રીતે ભજવી ગયાં હતાં.
રાહુલ ધ્રુવ અને ફતેહ અલી ચતુર- બંને પાસે સર્જનાત્મક અભિવ્યક્તિ છે. કોમેડીની ઝીણી સૂઝ, સુક્ષ્મ નિરીક્ષણશક્તિ અને માર્મિક નિરુપણ…આ બંને સર્જકોમાં છે.બંને એકાંકીઓમાં સાહિત્યિક્તા અને અભિનયક્ષમતાનો વિરલ સમન્વય જોવા મળ્યો. ઊમાશંકરના એકાંકીઓની તીવ્ર સંવેદના કે જયંતિ દલાલના એકાંકીઓનો બુધ્ધિવૈભવ આવા નાટકોમાં ભલે ન હોય પણ પાત્રા-લેખન,સંવાદ-કળા,નાટ્યાત્મકતા,ક્રમિક પરાકાષ્ટા,તખ્તા-લાયકી આ બધા એકાંકીના ઉત્તમ લક્ષણોથી મંડિત, ટૂંકા સચોટ સીધી ગતિના લક્ષ્યવેધી સંવાદોથી આ નાટકો વિભૂષિત છે.
ત્યારબાદ મહોત્સવની “signature item” “કવિ અને કવિતા”નો સેટ ગોઠવાય તે દરમ્યાન વચ્ચે ન્યૂયોર્કના ગાયક સંગીતકાર શ્રી વિરેન્દ્ર બેંકરના વાંસળી વાદનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેને શ્રોતાઓએ મન ભરીને માણ્યો હતો.
આ અહેવાલ લખનારના અંગત અભિપ્રાય અનુસાર સમગ્ર કાર્યક્રમનો શિરમોર ભાગ છેલ્લે રજૂ થયેલ “ કવિ અને કવિતા” હતો. કાવ્ય,સંગીત અને કેળવાયેલ અવાજથી વિભૂ્ષિત સુંદર સાયુજ્ય સભર રચનાઓના દ્રશ્ય અને શ્રાવ્ય પ્રે્ઝન્ટેશનથી હાજર રહેલ પ્રેક્ષકો અનુભૂતિની શ્રેષ્ઠ અવસ્થાએ પહોંચી શક્યા હતા. જે કવિઓ અને તેમની રચનાઓને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમાં વીર કવિશ્રી નર્મદ ( શ્રી કિરીટ મોદી ), બરકત વિરાણી “બેફામ” ( શ્રી મુકુંદ ગાંધી ), ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ( શ્રી ધીરુભાઇ શાહ ), ઉમાશંકર જોશી ( શ્રી વિશાલ મોણપરા), અવિનાશ વ્યાસ (શ્રી વિપુલ માંકડ ),શ્રી સુરેશ દલાલ ( શ્રી નવીન બેંકર ),તથા ઝવેરચન્દ મેઘાણી ( શ્રી પ્રશાંત મુન્શા). શ્રી રમેશ પારેખ ( શ્રી વિજય શાહ ) નો સમાવેશ થાય છે.
સ્ટેજની એક બાજુએથી ઉદઘોષકો ( શ્રી રસેશ દલાલ,શ્રીમતિ રિધ્ધિ દેસાઇ, ડો.કમલેશ લુલ્લા તથા શ્રીમતિ દેવિકા ધ્રુવ ) દ્વારા કવિનો પરિચય અપાય તે દરમ્યાન ધીમે પગલે જે તે કવિનું પાત્ર ભજવતા કલાકાર સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને અપાતો પરિચય પૂર્ણ થતાં બે શુભેચ્છાવાચક શબ્દો કહે અને ધીમે પગલે સ્ટેજની બીજી બાજુ પ્રસ્થાન કરે તે દરમ્યાન ગાયકો સંગીતના સથવારે તે કવિની રચનાને રજૂ કરે. આ આખી પરિકલ્પના સાહિત્ય સરિતાના કુશળ સૂત્રધાર શ્રી રસેશ દલાલની હતી.
ગાયક વૃંદમાં શ્રી મનોજ મહેતા, શ્રીમતિ કલ્પના મહેતા, શ્રીમતિ સ્મિતા વસાવડા, વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખાતા શ્રી શ્રી ઉદયન શાહ તથા શ્રી દિલીપ નાયક હતાં. વાદ્યવૃંદમાં તબલા પર શ્રી ડેક્ષ્ટર રઘુ આનંદ, મંજીરા અને જાઝ પર શ્રી હેમંત ભાવસાર, હાર્મોનીયમ પર શ્રી દિલીપ નાયકે સાથ આપ્યો હતો.
“કવિ અને કવિતા”ની શરુઆતમાં શ્રી મનોજ મહેતાએ પોતાના ભાવવાહી કંઠે શરુઆત કરીને વાતાવરણ જમાવી દીધું હતું. તેમના નરવા કંઠની બુલંદી માઇક વગર પણ ટહૂકી ઉઠે તેવી હતી.સ્મિતાબેન વસાવડાના કંઠમાં તો જાણે કોયલે માળો બાંધ્યો છે. તેમણે આલાપ,તાન અને ઉર્મિસભર રજૂઆત વડે શ્રોતાઓનો પ્રચંડ પ્રતિસાદ મેળવ્યો.અતિથિવિશેષ શ્રી અશરફ ડબાવાલાએ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યુ હતું જેને શ્રોતાઓએ પણ ઉભા થઇને સાથ આપ્યો હતો. સ્મિતાબેને એટલી જીવંત શૈલીથી ગીતોમાં ભાવ પૂરીને રચનાઓ ગાઇ સંભળાવી હતી કે કાર્યક્રમના અંતિમ ચરણને એક નવો આયામ મળ્યો હતો.
ગાયક અને સાજીંદાઓ વચ્ચે એટલો સુમેળ હતો કે જાણે સોનામાં સુગંધ મળી હતી. કવિઓની પસંદગી,ગીતોની પસંદગી,ગીતોનું સ્વરાંકન તથા શબ્દ અને સૂરની મિલાવટ એટલા મજબૂત હતા કે છેક સુધી હાજર રહેલા ભાવકો રસસમાધિમાં ડૂબી ગયા હતાં. આ કાર્યક્રમ ગીત, સંગીત અને ગાયકીનો બેજોડ સંગમ હતો, તો શ્રી વિશાલ મોણપરાની કોમ્પ્યુટરની ટેકનીકલ કાબેલિયત વડે રજૂ થયેલ સ્લાઇડ શો અભિનંદનને પાત્ર હતાં. સમજદાર શ્રોતાઓ તરફથી કાર્યક્રમને જબરદસ્ત દાદ મળી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહિત્ય સરિતાના સભ્યોએ તો ખુબ જ જહેમત ઉઠા્વી હતી જ, પરંતુ સ્ટેજની વ્યવસ્થા શ્રીમતિ મિત્રાબેન પંચાલ, શ્રી વિનય પંચાલ તથા શ્રી કિરીટ ભક્તાએ કુશળતાપૂર્વક સંભાળી હતી. તો મેઇક-અપ આર્ટીસ્ટ તરીકેની કામગીરી યોગીનાબેન પટેલે સુપેરે નિભાવી હતી. આવા સુંદર કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન કરવા માટે શ્રી રસેશ દલાલ,શ્રી વિજય શાહ, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડો.રમેશભાઇ શાહ, શ્રી પ્રશાંત મુન્શા વગેરે અભિનંદનના અધિકારી છે.
“દશાબ્દિ” પ્રસંગે સાઇઠ પાનાનું દળદાર સોવેનિયર ( સ્મરણિકા ગ્રંથ ) “કલ-નિનાદ” પણ બહાર પાડવામાં આવ્યું હતું જેના સંપાદન અને સંકલન માટે પીઢ કવિ શ્રી સુમન અજમેરી, શ્રી વિજય શાહ અને તેમની કમિટિએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે જેમણે કિમતી સલાહ- સૂચનો આપ્યા છે તે માનદ સલાહકારો શ્રી દિપક ભટ્ટ, શ્રી મુકુંદ ગાંધી,શ્રી અશોક પટેલ વગેરેનો મહત્વનો ફાળો રહ્યો છે.
ચાર કલાકના આ સમગ્ર કાર્યક્રમમાં ઔપચારિક આભા્રવિધિ,વિમોચન તથા મહાનુભાવોના સંદેશાઓને ટૂંકાવીને કવિ અને કવિતાના કાર્યક્રમને શરુઆતમાં મૂકાયો હોત અને પછી બંને એકાંકીઓને મૂકાયા હોત તો કાર્યક્રમ વધુ દીપી ઉઠત અને વધુ પ્રેક્ષકો સુધી પહોંચી શક્યો હોત એટલી ટકોર અસ્થાને નહિ ગણાય.
આટલો લાંબો અહેવાલ લખવામાં શક્ય છે કે કોઇનો નામોલ્લેખ રહી ગયો હોય તો એ મારો હકીકત-દોષ સમજી ક્ષમ્ય ગણશો.
અસ્તુ
નવીન બેંકર
હ્યુસ્ટનમા નવરાત્રિ મહોત્સવ
હ્યુસ્ટનમા નવરાત્રિ મહોત્સવ
અહેવાલ – શ્રી. નવીન બેન્કર
( ઓક્ટો ૨૯ ૨૦૧૦ના રોજ ગુજરાત ટાઇમ્સમાં છપાયેલ અહેવાલ )
————————————————————————————————–
નવરાત્રિ એટલે કે આસો સુદ એકમથી નોમ સુધી માતાજીની આરાધનાના દિવસો છે.માતાજીની સ્તૂતિ કરતા સ્તોત્ર, ગરબા ગાવાનો રિવાજ છે.છેલ્લા થોડા વર્ષોથી તો ઇન્ડીયામા શેરીના ગરબા લુપ્ત થઈ રહ્યા છે અને પાર્ટી પ્લોટ કલ્ચરના જ ગરબા પ્રચલીત થઈ રહ્યા છે.ફિલ્મી ગીતની ધૂનો પર માત્ર ઇન્સ્ટ્રુમેન્ટસ પર ધૂનો વાગ્યા કરે અને ખેલૈયાઓ, સ્ટાઈલો મારતા ગરબે ઘૂમે એ દ્રષ્ય કોમન થઈ ગયું છે. ગરબે ઘૂમતા ખેલૈયાઓને આ માતાજીનો ધાર્મિક તહેવાર છે એવો એહસાસ જ થતો નથી.અને એમાંય, અમેરિકામાં જ જન્મેલી, ભણેલી, ઊછરેલી આજની યુવાન પેઢીને તો ગુજરાતી લોકગીતોની રમઝટ પર વાગતો ગરબો ‘ ઈંધણ વીણવા ગઈ’તી મારી સહિયર’ જેવા લોકગીતનો અર્થ પણ ના સમજાય કે તેની ગતાગમ પણ ના પડતી હોય છતાં એ ધૂન પર મન મૂકીને સ્ટાઈલો મારીને મ્હાલતા હોય !
આ વર્ષે, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટને ભરુચના લોકલાડીલા, લોકગાયક, બુલંદ સ્વરના શહેનશાહ એવા ‘આષાઢી મોરલા’ને નામે ઓળખાતા જાણીતા ને માનીતા શ્રી. અભેસિંહ રાઠોડ અને તેમના ચુનંદા વાજિન્ત્રકારોને નવરાત્રિના ગરબા માટે આમંત્ર્યા હતા. ફિમેઈલ વોઈસમા શ્રીમતી રાધાબેન વ્યાસના કોકિલકંઠનો તેમને સાથ મળ્યો હતો.તો, ઢોલ પર અમદાવાદના શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઓક્ટૉપેડ પર શ્રી.નિખિલ મિસ્ત્રી, કી-બોર્ડ પર શ્રી.ઝલક પંડ્યા અને સહાયક પુરુષ સ્વરમા વોઇસ ઓફ કિશોરકુમાર એવા શ્રી. શૌરીન ભટ્ટનો તેમને સાથ સાંપડ્યો હતો.
ત્રણ તાળીના ગરબાથી શરૂ કરીને, પછી બે તાળીના ગરબા,માતાજીની આરતી,પ્રસાદ..થોડોક વિરામ..અને પછી સનેડો..લાલ સનેડો..રમઝણીયુ..ડાંડિયા રાસ..આ પ્રણાલી થઈ ગઈ છે..હ્યુસ્ટનના આ વખતના ગરબામાં ક્યાંય કોઈ ફિલ્મી ધૂન નહિં..માત્ર પરમ્પરાગત માતાજીના પ્રચલિત ગરબાના તાલ પર જ સમગ્ર કાર્યક્રમ સુરુચીપુર્ણ રીતે નવે દિવસ દરમ્યાન ઉજવાયો હતો.
છેલ્લ બે-ત્રણ વર્ષથી ગરબા દરમ્યાન સ્ટેજ પર હિન્દી ટીવી સિરિયલોના જાણીતા ને લોકલાડીલા કલાકારોને થોડીક મિનિટો માટે હાજર કરી દઈને ગરબાની ટીકીટોના વેચાણમાં વધારો કરીને મબલખ કમાણી કરી લેવાનો રીવાજ ચાલુ થઈ ગયો છે તો પછી હ્યુસ્ટન પણ તેમાંથી કેમ બાકાત રહે ? બેચાર વર્ષ પહેલા, મોનાસિંઘને ગરબામા હાજર કરવામા આવેલી. આ વર્ષે, પ્રથમ બે દિવસ દરમ્યાન ઝી ટીવીની હિન્દી સિરિયલ ‘છોટી બહૂ’ની યુગલ બેલડી ‘દેવ અને રાધિકા’ને સ્ટેજ પર હાજર કરવામા આવેલા, તેમની પાસે આરતી પણ કરાવવામા આવી હતી અને ઓડીયન્સમા પણ ફેરવવામા આવ્યા હતા. ૧૫મી તારીખે ઝી ટીવીની સિરિયલ ‘યહાં મૈ ઘર ઘર ખેલી’ની આભાને હાજર કરવામા આવી હતી.આ કલાકારોના ઓટોગ્રાફસ લેવા અને તેમની સાથે તસ્વીરો પડાવવા રીતસરની પડાપડી થતી હતી.
આ વર્ષે, હ્યુસ્ટનમા ઘણી સંસ્થાઓએ પોતાના જૂદા ગરબા રાખ્યા હતા.ફ્રેન્ડસ એન્ડ ફેમિલિ ઓફ ઈન્ડિયાએ પ્રથમ બે દિવસ સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમા ગરબા રાખ્યા હતા જેનુ આકર્ષણ ફ્રી પાર્કીંગ અને ટીકીટ સાથે ભોજન પણ હતુ. લેઉવા પાટીદાર સમાજે પણ પોતાના ગરબા રાખેલા.હ્યુસ્ટનના પરા વિસ્તારો- કેટી અને ક્લીયરલેક- માં પણ ગરબાનુ આયોજન કરવામા આવેલુ.પહેલા ગુજરાતી સમાજના ગરબામા પાંચથી સાત હજારની મેદની ઉમટતી હતી.આ વખતે ખેલૈયાઓ વહેંચાઈ ગયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડિયન સિનિયર સિટિઝન્સ ઓફ હ્યુસ્ટને તારીખ નવમી ઓક્ટોબરે પોતાના ગરબા રાખ્યા હતા જેમા લગભગ ૨૬૦ સિનિયરોએ સક્રિય ભાગ લીધો હતો.વીરબાળાબેન શાહ અને અન્ય ચાર સભ્યોએ લ્હાણી પણ કરી હતી. ગાયક કલાકારોમા શ્રીમતી સુશીલાબેન પટેલ,તારાબેન પટેલ,હંસાબેન પરીખ હતા તો ઈન્સ્ટ્રુમેન્ટ્સ પર તેમને સાથ આપ્યો હતો શ્રી. દિવ્યકાત પરીખ,નવીન બેન્કર,આશિષ વોરા,રમેશ મોદી,સુધીર મથુરીયા અને હેમન્ત ભાવસારે.
ગાયક કલાકાર સુશીલાબેન પટેલ તરફથી સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવવામા આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ શ્રી. પ્રફુલ્લભાઇ ગાંધી,તેમના કમિટિ મેમ્બરો અને ટ્રસ્ટીઓએ ઘણી જહેમત ઉઠાવી હતી.
ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા માટે તેના પ્રેસિડેટ શ્રી.પ્રકાશ દેસાઈ,વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતી નિશાબેન મિરાણી,ટ્રેઝરર શ્રી. અજીત પટેલ, કમિટી મેમ્બરો શ્રીમતી યોગીનાબેન પટેલ,શ્રીમતી સપનાબેન શાહ,શ્રીમતી મયુરિબેન સુરતી વગેરેએ ઘણી જહેમત ઉઠાવી હતી.
એકંદરે, હ્યુસ્ટનમાં નવરાત્રિ મહોત્સવ વિવિધ સંસ્થાઓ દ્વારા દબદબાપુર્વક ઉજવવામાં આવ્યો.
અસ્તુ.
અહેવાલ લેખક – શ્રી. નવીન બેન્કર
રીફ્લેક્શન ઓફ કિશોરકુમાર- સંગીતસંધ્યા
BHPENDRA(1).JPG
Bhupendra(2).JPG
સાહિલ ઈન્ટરનેશનલ ઈન્ક.અને સ્કાયવર્લ્ડ સેટેલાઈટના ઉપક્રમે ‘રીફ્લેકશન્સ ઓફ કિશોરકુમાર‘ નામાભિધાન હેઠળ એક સંગીતસંધ્યાનો કાર્યક્રમ, ‘વોઇસ ઓફ કિશોરકુમાર‘તરીકે ઓળખાતા ગાયક ભુપેન્દ્રસીંઘના સુમધુર કંઠે,મહાન ગાયક,સંગીતકાર કિશોરકુમારના ગાયેલા ગીતોના રસથાળનો કાર્યક્રમ તારીખ ચોથી સપ્ટેમ્બર ના રોજ હ્યુસ્ટનના જૂના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના સભાગ્રુહમાં પાંચસો જેટલા સંગીતપ્રેમીઓની હાજરીમાં સંપન્ન થયો હતો.
શરુઆતમાં, શ્રીમતી સુનીતાસીંઘે કલાકારો અને શ્રોતાઓને આવકાર્યા હતા અને આજના ગાયકો ભુપેન્દ્રસિંઘ,ક્રિતિકા રામચંદાની તથા વાદ્યવ્રુંદના કલાકારોની ઓળખ આપી હતી.ભુપેન્દ્રસીંઘે કિશોરકુમારના કંઠે ગવાયેલા ગીતોમાંથી પસંદ કરેલા ઉત્તમ ગીતો પોતાના મોહક સ્વરમાં અને દિલકશ અદાઓમાં રજૂ કર્યા હતા.
‘પલ પલ દિલકે પાસ તુમ રહતી હો‘,’વો શામ કુછ અજીબ થી‘,હમેંતુમસે પ્યાર કિતના હમ નહીં જાનતે‘,જેવા મેલોડીયસ ગીતોથી શરૂ કરીને ‘ ‘મૈ યહાં ,તુમ વહાં‘,’જરા હોલે હોલે ચલો મોરે સાજના‘,’તેરે બીના જીંદગીસે‘ જેવા યુગલ ગીતો પણ, ડલાસની ગાયિકા ક્રુતિકા રામચંદાની તથા હ્યુસ્ટનની એટર્ની ઉમા મંત્રાવાદી જેવી નિવડેલી ગાયિકાઓના સાથમાં રજૂ કરીને શ્રોતાઓને સંગીતના સૂરોમાં ઝબકોળી દીધા હતા.
‘મેરે સપનોંકી રાની‘ અને ‘ પગ ઘુંઘરૂ બાંધ મીરાં નાચી રે‘ તથા ‘ કજરા મહોબતવાલા‘ જેવા ગીતો પર તો શ્રોતાઓને પણ ઈન્વોલ્વ કરીને ઓડીયન્સને નાચતુ કરી મુક્યું હતું.
ઘણાં ગીતોમાં શીવાનંદ બાગડના ઘૂંઘરૂ અને અનિસ ચંદાનીના બંસરીવાદને એવો સમાં બાંધી દીધો હતો કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને ભાવવિભોર બની જતા હતા.
ભુપેન્દ્રસિંઘ, ક્રુતિકા રામચંદાની અને ઉમા મંત્રાવાદીને તબલા પર પુરણલાલ વ્યાસ અને દેવિસિંઘે,કોંગો પર શિવાનંદ બાગડે, ઢોલક પર મિસ્ટર સંપતે, ગિટાર પર વરુણસિંઘે અને કિબોર્ડ તથા બંસરીવાદનમાં શ્રી. અનીસ ચંદાનીએ સાથ આપ્યો હતો.
ગાયક અને વાદ્યવ્રુંદના કલાકારોએ પોતાની કળાનું ઉત્ક્રુશ્ટ પ્રદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હ્યુસ્ટન સિનિયર્સ સિટિઝન્સ એસોસિયેશનના સિનિયર્સને આ કાર્યક્રમમાં ખાસ ૩૩ ટકા ડિસ્કાઉંટ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી. આશિષ વ્યાસ,શ્રીમતી મનીષા વ્યાસ, શ્રી. પરેશ ભટ્ટ, શ્રીમતી નીના ભટ્ટ,ઓસ્ટીનના શ્રી. મીતેષ પટેલ, હ્યુસ્ટનના ખ્યાતનામ ડેન્ટિસ્ટ શ્રીમતી પૂર્વીબેન પરીખ, અને રેણુ સિંઘલનો મોટો ફાળો રહ્યો હતો.
એક ખૂબસુરત શામ-કિશોરદા કે નામ !
અહેવાલ-આદિલ-દિલસે
આદિલ મન્સૂરીની ગઝલો સંગીત સાથે- આદિલ દિલસે
હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે તારિખ ચોથી જુન ને શુક્રવારની સાંજે યુવાન કવિ, નાટ્યકાર,ગઝલગાયક શ્રી.મનોજ મહેતા અને કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને સ્વ.આદિલ મન્સૂરીની ગઝલોને સંગીત સ્વરૂપે ગાઇને રજૂ કરવાનો એક સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો.
એ સૂરિલી સાંજ હતી ગઝલના અભિસારની.
એ સૂરિલી સાંજ હતી હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની. એ સૂરિલી સાંજ હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની. એ સૂરિલી સાંજ હતી સ્વ.આદીલ મન્સૂરીની શામે-ગઝલની. કાર્યક્રમના માસ્ટર ઓફ સેરિમની-ઉદઘોષક હતા-ભારતિય સંસ્ક્રુતિના એમ્બેસેડર તરીકે ઓળખાતા હ્યુસ્ટનની ઉપાસના ન્રુત્ય એકેડેમીના પ્રણેતા અને નાટ્યકાર શ્રીમતિ ઉમાબેન નગરશેઠ.
કાર્યક્રમની શરૂઆતમાં તેમણે આવકાર અને સ્વાગતના બે શબ્દો કહીને હ્યુટનના પીઢ કવિશ્રી.સુમન અજમેરીને આદિલભાઇ વિષે બે શબ્દો કહેવાની વિનંતિ કરી. શ્રી.સુમન અજમેરી કે જેમણે આદિલ મન્સુરી વિષે ૪૫૦ પાનાનું પુસ્તક લખ્યું છે તેમણે આદિલના શરુઆતના જિવન-સંઘર્ષની વાતો જણાવતાં,તેમના ઉમાશંકર જોશી,સ્નેહરશ્મિ,અને યશવંત શુક્લ સાથેના પ્રસંગો, ‘ રે મઠ ‘ની સ્થાપનાની વાતો,શ્રી.ચિનુ મોદી, મનહર મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાતો, અમદાવાદની રીલીફ સિનેમા પાસેની ઇમ્પિરીયલ હોટેલમાં થતી
ગુફ્તેગો, કાવ્ય-દિલ્લગી વગેરે જુના સંસ્મરણો વાગોળ્યા હતા. તે પછી, સાહિત્ય-સરિતાના મોભી એવા વિજય શાહે બિસ્મિલ મન્સૂરિનો ઓડિયો-મેસેજ રજુ કર્યો હતો જેમાંનું એક કાવ્ય ‘ ને…આંખ જોતી રહી ગૈ ‘ ની એક એક પંક્તિ પર શ્રોતાઓની આંખો ભીની થઇ જતી હતી.
સ્ટેજ પરના બધા જ ગાયકોના કંઠે રજૂ થયેલ શૌર્યગીત ‘ વિશ્વને રોશન કરી ગઇ દિપીકા ગુજરતની ‘માં મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉદયન શાહ,સંજય શાહ, અમિત પાઠક તથા ઉમાબેન નગરશેઠે સ્વર આપ્યો હતો. ગીત-ગઝલના દૌરમાં શ્રીમતિ કલપનાબેન મહેતાના સૂરિલા કંઠે રજૂ થયેલ રચનાઓમાં ‘અગ્નિ સૌ બાળવા મથે છે મને’, સ્પર્ષ થઈ મહોરી ઉઠે કી-બોર્ડ પર’, હ્ર્દયના માર્ગ બધાં સાંકડા વધારે છે ‘, ઉલ્લેખનિય રહી. તો મુખ્ય ગાયક શ્રી. મનોજ મહેતાના સ્વરમાં રજૂ થયેલ
‘ મને ના શોધશો,હું ક્યાંય નથી’, ‘ આને મ્રુત્યુનું નામ ના આપો,મૂજથી છૂટું પડી રહ્યું છે કોઇ’, ‘ રહે છે કોણ આ દર્પણના આયના નીચે, હું રોજ જોઊં તો પણ ઓળખાય નહીં’, અને છેલ્લે રજૂ થયેલ ‘ નદીની રેતમાં રમતું નગર ‘જેવી રચનાઓએ શ્રોતાઓને ભાવ-સમાધીની અનૂભુતિ કરાવી દીધી હતી. હ્યુટનના વોઇસ ઓફ મુકેશ તરિકે ઓળખાતા શ્રી. ઉદયન શાહે રજૂ કરેલ ગઝલો ‘ કદી મોલ થઈને સરી ગયા,કદી સઢ થઈને તરી ગયા’, કોઇના નામનું રટણ થાયે,જ્યાં સુધી શ્વાસની ધમણ ચાલે’, ‘ જિન્દગી ભર રહે તે ખૂમારી આપો, ઘાવ આપો તો જરા જોઈ વિચારીને આપો’, ‘ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,ત્યારે જગમાં ગઝલની શરૂઆત થઈ હશે’,જેવી રચનઓએ સાહિત્ય-રસિક ગઝલપ્રેમીઓને ડોલાવી દીધા હતા.
હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના પ્રેસિડેન્ટ શ્રી. અશોક પટેલે આદિલભાઈને એક ચિત્રકાર, નાટ્યકાર તરિકે મુલવીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. શ્રી. અમિત પાઠક અને શ્રી.સંજય શાહે માઈક વ્યવસ્થા સંભાળી હતી.
શબ્દ અને સંગીતની આ શામે-ગઝલની મહેફિલમાં, સંસ્કાર નગરી હ્યુસ્ટનના કલા અને સંસ્કારપ્રેમી સુજ્ઞ જ્ઞાતા શ્રોતાઓએ કાર્યક્રમમાં રજૂ થયેલ એક એક રચના પર શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.
એક રચના પૂરી થયા બાદ અને બીજી રચના શરૂ થતાં પહેલાં શ્રીમતિ ઉમાબેન નગરશેઠ જે ખૂબીથી વિવિધ પંક્તિઓ રજૂ કરીને ઉદબોધન કરતાં હતા તે શ્રી. અંકિત ત્રિવેદી અને શ્રી.તુષાર શુક્લાની યાદ આપી જતા હતા.
અંતે, યજમાન-દંપતી શ્રી.મનોજ મહેતા અને શ્રીમતિ કલ્પનાબેન મહેતાએ ખિચડી-શાક,વઘારેલી છાશ,તળેલા સારેવડા,અને ચટકેદાર અથાણાની મોજ કરાવીને સૌને વિદાય આપી હતી.
******************************************************************
|