અદિતિ દેસાઇ- મહિલા નાટ્ય દિગ્દર્શકની મુલાકાત શ્રી. નવીન બેન્કર
અદિતિદેસાઇ– મહિલા નાટ્યદિગ્દર્શકની મુલાકાત
શ્રી. નવીન બેન્કર
ફેબ્રુઆરિ–માર્ચ ૨૦૧૫ની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન મેં જે નાટકો જોયા એમાં કેટલાક નાટકો તો સાવ નોખી ભાત પાડતા નાટકો હતા, જેમાંનુ એક નાટક તે ‘અકૂપાર’. સૌરાષ્ટ્ર અને કચ્છનો માલધારી સમાજ…જંગલના દ્રષ્યો..સાવજની ત્રાડો…
ખમીરવંતી છુંદણાવાળી અને મોટા મોટા બલોયા પહેરેલી ગ્રામ્ય સ્ત્રીઓની વાત કહેતા આ ‘અકૂપાર’ નાટકનો અર્થ થાય-‘કાચબો
આવા પ્રયોગશીલ નાટક નો ટીકીટ શો કરવો અને એનું પ્રોડકશન કરવું એ જિગરની વાત છે. આ નાટક કર્યું એક સ્ત્રી–દિગ્દર્શિકાએ. નાટ્યગુરુ શ્રી. જશવંત ઠાકરના દીકરી અદિતિએ.
હ્યુસ્ટનના શ્રી. કીરીટ મોદી અને ઇન્દીરાબેન મોદી પણ આ નાટક જોવા આવેલા. તેઓ પણ આ નાટક જોઇને ખુબ પ્રભાવિત થયેલા.
નાટકની મુખ્ય ભૂમિકામાં અદિતિબેનની સ્વરુપવાન દીકરી દેવકી હતી અને પુરુષપાત્રમાં શ્રી. અભિનય બેન્કર.
નાટક પુરુ થયા પછી બેકસ્ટેજમાં હું આ ત્રણે કલાકારોને વ્યક્તિગત રીતે મળ્યો ત્યારે શ્રીમતિ અદિતિ દેસાઇ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે, મારા હ્યુસ્ટનના નાટ્યરસિક મિત્રો સમક્ષ રજૂ કરું છું. આ વિધિસર મુલાકાત ન હતી એટલી ચોખવટ કરી દઉં.
પ્રશ્ન– અદિતિબેન, વર્ષો પહેલાં,આપના પિતાશ્રી શ્રી. જશવંત ઠાકરનો ઇન્ટર્વ્યૂ મેં ‘નવચેતન’ માટે લીધેલો અને ૧૯૭૧ના કોઇ અંકમાં ફોટાઓ સહિત તે પ્રસિધ્ધ થયેલો. એ વખતે આપ તો કદાચ આઠ–દશ વર્ષની ઉંમરના હશો એમ હું માનું છું. આજે આપને મળીને મને આનંદ થાય છે. આપના કેટલાક નાટકો-‘અભિજ્ઞાન શાકુંતલ’, નટસમ્રાટ, મેં જોયેલા. ચારપાંચ સિરિયલોમાં પણ આપનો અભિનય જોયાનું યાદ છે. આપની શરુઆતની નાટ્ય–કારકિર્દી વિશે કંઇ કહેશો ?
ઉત્તર– નાટ્યશિક્ષણ પિતાશ્રી પાસેથી જ મળ્યું. ભરતનાટ્યપીઠ સંસ્થામાં શ્રેષ્ઠ નાટકો કર્યા. રાજુ બારોટ અને સપ્તસિંધુ સંસ્થા સાથે પણ નાટકો કર્યા. ‘રાઇનો પર્વતરાય’ નાટક માટે મને ક્રીટીક એવોર્ડ પણ મળેલો. સો ઉપરાંત શેરી નાટકો કર્યા. નાટ્યતાલીમની શિબિરો કરીને નવા નવા કલાકારોને તૈયાર કર્યા. નાટકો અંગે પુસ્તકો અને લેખો લખ્યા છે.
પ્રશ્ન– આ નાટકની હિરોઇન દેવકી આપની પુત્રી છે એના વિશે મને કાંઇ માહિતી નથી તો મને એ વિશે કંઇ કહેશો ?
ઉત્તર– દેવકી એક ઉત્કૃષ્ટ અભિનેત્રી હોવા ઉપરાંત, રેડિયો મીર્ચી પર રેડિયોજોકી (એનાઉન્સર) તરીકે લોકચાહના પ્રાપ્ત કરી રહી છે. અને.. આ નાટકમાં તમે એનું હીર તો જોયું ને ?
પ્રશ્ન– આપે આપેલી માહિતી બદલ આભાર.
ઉત્તર– થેન્ક યૂ…નવીનભાઇ !
——-બેકસ્ટેજમાં સેટ્સ ખોલવાની ધમાલની કારણે અમારી વાતચીત ત્યાં જ અટકી ગઈ. અમે ત્રણે મુખ્ય કલાકારો સાથે તસ્વીરો ખેંચાવીને વિદાય લીધી હતી.
આ સાથે એ ત્રણે તસ્વીરો એટેચમેન્ટમાં મૂકી છે.
અસ્તુ…
નવીન બેન્કર લખ્યા તારીખ– ૨૦ એપ્રિલ ૨૦૧૫
***************************************************************
કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે સન્માન કર્યું,-હ્યુસ્ટનના બે મહાનુભાવોનું…
હ્યુસ્ટન,સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠકનો અહેવાલ-શ્રી. નવીન બેન્કર
તારીખ ૩૦મી મે, ૨૦૧૫ને શનિવારે બપોરે ૨ થી ૫ દરમ્યાન, હ્યુસ્ટન સાહિત્ય સરિતાની ૧૫૪ મી બેઠક,સુગરલેન્ડના ઇમ્પિરીયલ પાર્ક રીક્રીએશન સેન્ટર હોલમાં યોજવામાં આવી હતી. આ વખતની બેઠકમાં એકનવીન પ્રયોગ કરવામાં આવ્યો હતો.
હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમન પટેલ અને સુશ્રી દેવિકાબેન ધ્રુવ ના સહયોગથી આ વખતે હાયકુ અનેફોટોકુના સર્જન અંગે રજૂઆતો થઈ. જાણીતા કવિ શ્રી યોસેફ મેકવાન અને ગઝલકાર શ્રી ડો.કિશોર મોદીના હાઈકુની સમજણ આપતા લેખોના અભ્યાસને આધારે આનંદપૂર્વક આ કામની શરુઆત કરી તેની નોંધ અત્રે લેવામાં આવે છે.
ડોક્ટર ઇન્દુબેન શાહે પ્રાર્થનાથી શરુઆત કરી પછી સુત્રધાર શ્રી. નિખીલ મહેતાએ કાર્યક્રમનો દોર સંભાળીલીધો. શ્રી. નરેન્દ્ર વેદે, ટીવીના સ્ક્રીન પર પાવર પોઇન્ટથી, પાંચ-છ ચિત્રો દર્શાવ્યા અને દરેક સર્જકને પે્ન્સિલ, પેપર અને રબર આપીને, એ ચિત્ર પરથી હાયકુ લખવા કહ્યું.
એક ચિત્રમાં, વરસાદમાં કેળનું પાંદડુઓઢીને શાળાએ જતા બે બાળકો હતા, તો બીજા ચિત્રમાં ચારપાંચ યુવાન છોકરાછોકરીઓ હવામાં ઉછળતા,નાચતા હતા. ત્રીજા ચિત્રમાં, બાંકડા પર પ્રેમીયુગલ હાથમાં હાથ પરોવીને બેઠું છે અને ઉપર વૃક્ષની ડાળીપર,એક પંખી બેઠેલું છે તથા યુવાન મોબાઇલ ફોન પર કદાચ એસએમએસ કરી રહ્યો છે. ચોથા ચિત્રમાં બેવાઘ બાઝે છે કે સંવનન કરે છે અને પાંચમાં ચિત્રમાં, ઉંચી દિવાલ પર, સીડી ગોઠવીને પ્રેક્ષકો દિવાલનીપાળી પર બેસીને બીજી બાજુ કાંઇક જોઇ રહ્યા છે.
આ ચિત્રો ( ફોટાઓ ) પર સર્જકોએ, પોતાના મનમાં જે વિચાર ઝબક્યો તેને શબ્દસ્થ કરી ૫-૭-૫ ના હાયકુના બંધારણ મુજબ હાયકુઓ રચીનેઆપ્યાં.દરેક સર્જકની સંવેદનાઅને અર્થઘટન અલગ અલગ હોય અને હાયકુ પણ જુદા જુદા લખાય. આ પ્રયોગમાં ભાગ લેનારા કવિઓ હતા- શ્રીમતિ શૈલા મુન્શા, શ્રીમતિઇન્દુબેન શાહ, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, શ્રી.ચીમન પટેલ, શ્રી.રમેશ શાહ, શ્રી. અશોક પટેલ, શ્રી.ફતેહ અલીચતુર, શ્રી.પ્રશાંત મુન્શા, શ્રી. નિખીલ મહેતા, એડવોકેટ રિધ્ધી દેસાઇ, વગેરે..
વગેરે..
હાયકુના બાહ્ય સ્વરુપમાં પ્રથમ લીટીમાં પાંચ અક્ષરો, બીજી લાઇનમાં સાત અને ત્રીજી લાઇનમાં ફરી પાંચ જઅક્ષરો મળીને કુલ સત્તર અક્ષર થાય અને એક અર્થસભર શબ્દચિત્ર રજૂ થવું જોઇએ. તેમાંથી ઉઠતી વ્યંજનાકે ઉઠતો ધ્વનિ રણકાર સંભળાય અને દેખાય. ઓછામાં ઓછા શબ્દો વડે એક આખુ શબ્દચિત્ર ઉભુ થઈ જાયઅને ભાવકના મનમાં સંક્રાન્ત થઈ જાય એ હાયકુની ખુબી છે.
હાયકુ પછી, આજના મુખ્ય વિષય ‘વંટોળ’ પર વિવિધ સર્જકોએ પોતાની સ્વરચિત રચનાઓ રજૂ કરી.ડોક્ટર ઇન્દુબેને ‘વંટોળ’ કાવ્ય વાંચ્યું. શૈલા મુન્શાએ પોતાનું કાવ્ય ‘પ્રકોપ’ રજૂ કર્યું. નરેન્દ્ર વેદે પોતાનીપત્ની જ્યોત્સના વેદનુ હાયકુ વાંચ્યું. દેવિકાબેન ધ્રુવે, અક્ષરમેળ શિખરિણી છંદમાં ગુંથેલ ‘વિચાર-વંટોળ’કાવ્ય રજૂ કર્યું પછી તેમની તાજેતરની યુકે.ના સાહિત્યસર્જકો સાથેની, પોતાની મુલાકાતની અને કાર્યક્રમોનીવિગતવાર વાતો કરી. ત્યાંના ગુજરાતી રાઈટર્સ ફોરમ, ગુજરાતી એકેડેમી ઓફ યુ. કે, લેસ્ટર ગ્રુપ,ગુજરાતીરાઇટર્સ ગીલ્ડ વગેરે ગુજરાતી ગ્રુપ અંગેની કાર્યવાહી અને કાર્યક્રમોની વાતો સાંભળીને હ્યુસ્ટન સાહિત્યસરિતાના સભ્યોને ઘણું જાણવા મળ્યું.
પીઢ સર્જક શ્રી. ધીરુભાઇ શાહે પણ હાયકુ વિશે કેટલીક માહિતી આપી હતી. શ્રી. નિખીલ મહેતાએ યજ્ઞેશદવેના પુસ્તક ‘જાપાનીઝ હાયકુ’ના પાછલા પાને, સ્વ. શ્રી. સુરેશ દલાલે હાયકુ વિશે જે વિધાનો કર્યા છે તેવાંચી સંભળાવ્યા અને કવયિત્રી પન્ના નાયકના પુસ્તકમાંથી અવતરણો રજૂ કર્યા હતા. ફતેહ અલી ચતુરે,રાબેતા મુજબ શ્રોતાઓને હસાવે એવી વાતો કરી તથા અશોક ચક્રધરની હાસ્યરચના સંભળાવી. શ્રી. ચીમનપટેલે પણ પોતાનું એક કાવ્ય રજૂ કર્યું હતું. હ્યુસ્ટનમાં ચાલતી સિનિયર સિટીઝન્સની એક બીજી સંસ્થા‘ક્લબસિક્સ્ટી ફાઇવ’ ના પ્રેસિડેન્ટ શ્રીમતિ પારુ મેક્ગાયરે પોતાની સંસ્થા અંગે વાતો કરીને, તેના સભ્ય થવાઆમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ નિયમિત રીતે, નિસ્વાર્થપણે, વિના મુલ્યે “ગુજરાત ગૌરવ” નામનું સામયિક પ્રકાશિત કરતાં અને સૌને વહેંચતા શ્રી નુરૂદ્દીન દરેડિયાએ પોતાના સંકલનમાંથી મનપસંદ મુક્તકો વાંચી સંભળાવ્યા હતાં.
છેલ્લે સંચાલકો દ્વારા ૮મી ઑગષ્ટના રોજ યોજાનાર કવિ શ્રી રઈશ મણિયારના આગામી કાર્યક્રમની જાહેરાત અને આભારવિધિ કરવામાં આવી. કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. ફતેહ અલી ચતુર દ્વારા પિરસાયેલસમોસા, કચોરી, ચેવડો, જલેબી અને છાશનો હળવો નાસ્તો કરીને સૌ સર્જકો અને શ્રોતાજનો પ્રસન્નતા સહ વિખરાયા હતા.
એકંદરે આજની આ બેઠક સર્જન કાર્યને પ્રોત્સાહિત કરતી પ્રયોગશીલ રહી. પ્રતિકુળ હવામાન અને વ્યક્તિગત સંજોગોને કારણે ઓછી હાજરી હોવા છતાં આખી યે બેઠક હળવી,આનંદદાયી અને વિગતસભર રહી.
અહેવાલ- શ્રી. નવીન બેન્કર લખ્યા તારીખ- ૩૦ મે ૨૦૧૫
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ.
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ. અહેવાલ- શ્રી. નવીન બેન્કર
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-અહેવાલ- શ્રી. નવીન બેન્કર
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ- અહેવાલ- શ્રી. નવીન બેન્કર
તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની યશકલગીમા એક વધુ છોગુ એટલે ‘કાવ્યોત્સવ’ ૨૦૧૪. અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીના અતિથિ વિશેષપદે ઉજવાયેલો ‘કાવ્યોત્સવ’. શિકાગોથી આ પ્રસંગ માટે જ ખાસ પધારેલા કવયિત્રી શ્રીમતી સપના વિજાપુરા, હ્યુસ્ટનના સ્થાનિક પ્રતિષ્ઠિત મહાનુભાવો, સ્થાનિક સર્જક પ્રતિભાઓ અને એટલા જ ઉત્કટ સાહિત્ય પ્રેમીઓએ હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો.
તારીખ ૮મી નવેમ્બર ૨૦૧૪ને શનિવારની સલૂણી સાંજે, ઓસ્ટીન પાર્ક વે પર આવેલા, સીટી ઓફ સુગરલેન્ડના, ફર્સ્ટ કોલોની કોન્ફરન્સ સેન્ટરના વિશાળ હોલમાં, લગભગ દોઢસો જેટલા ગુજરાતી સાહિત્યના પ્રેમીઓની ઉપસ્થિતિ હતી. શરુઆતમાં, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે કવિતાભીનો આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા કહી. સાહિત્ય સરિતાના વડીલ સર્જક ધીરુભાઈ શાહ અને મુરબ્બી શ્રી મુકુંદભાઈ ગાંધીના શુભ હસ્તે દીપ-પ્રાકટ્ય વિધિ સંપન્ન થયો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી. નિખિલ મહેતા સરસ્વતિ વંદના અને શ્રીમતી જ્યોત્સનાબેન વેદે પ્રાર્થનાગીત ગાયું. તે પછી, શ્રી. હસમુખ દોશીએ અમદાવાદના યુવાન કવિ શ્રી. કૃષ્ણ દવેનું અને હ્યુસ્ટનના પીઢ હાસ્યલેખક શ્રી. ચિમનભાઈ પટેલે બ્રિટનથી પધારેલા ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.
બરાબર સાડાત્રણ વાગ્યે શરુ થયેલા આ કાર્યક્રમના પહેલા કવિ હતા-
‘વાંસલડી ડોટ કોમ’ થી જાણીતા થયેલા, કવિશ્રી કૃષ્ણ દવે. આ કવિએ બીજું કશું જ ન લખ્યું હોત અને માત્ર આ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ આજના કવિઓનીહરોળમાં, એક મૂઠ્ઠી ઉંચેરા કવિ ગણાવા માટે પૂરતું હતું. “મૂળ કદી ના ભૂલું વૃક્ષ બનું, આકાશે પહોંચું ઉંડે ઉંડે મારી સાથે બંધાયો છે નાતો,” જેવી હૃદયસ્પર્શી કવિતાથી કૃષ્ણ દવે એ શરુઆત કરી. “આપણે તો આવળ ને બાવળની જાત, ઊગવાનુ હોય ત્યારે પુછવાનું નહીં,” “એક બે પળ મળ્યા તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું,” “તમે મારી સાથે આવો, પહેરી લ્યો પવનપાવડી,” જેવા કાવ્યોની રસછોળ ઉડાડી. શ્રોતાઓને ઇન્વોલ્વ કરતું, મહાભારતના પાત્રોની ઓળખ આપતું કાવ્ય ‘મહાભારત – એક માથાકુટ’ સૌએ મનભરીને માણ્યું અને દરેક પંક્તિ પર પોતાનો પ્રતિસાદ આપ્યો હતો. એવું જ બીજું ગીત હતું- ‘માણસ છે’ પતંગિયાની યે પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે. ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે. સંબંધોની ફાઈલ રાખી, લાગણીઓને લેસરથી કાપે, માણસ છે….જેવી પંક્તિઓ પર શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી દાદ આપી હતી. પોતાની ખુબ જાણીતી કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ રજૂ કર્યા બાદ, બે ત્રણ હળવી કૃતિઓ રજૂ કરીને શ્રોતાઓને આનંદ વિભોર કરી દીધાં.
“મને પણ એવોર્ડ મળે તો સારું! છાશ લેવા જઉં છું ને દોણી નહીં સંતાડું,
મારી વાત તો છાપો, પણ એક એવોર્ડ તો આપો”…..
‘મને તો સ્યુગર કોટેડ જીભ મળી ગઈ, મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ’.
મને ખુદને ઓગાળવાની આ ગાંઠ નડી ગઈ,મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ.
અંતમાં તેમણે રજૂ કરેલી બે કૃતિઓ પર તો શ્રોતાઓ આફરિન પોકારી ઉઠ્યા હતા.
ડાયરી ખુલે ને ડર લાગે, એવું તો કેટલું ય લમણામાં વાગે,પણ માઇક મળે તો કોઇ છોડે ?
છેલ્લી બે વાત કરી લઉં એમ બોલીને પાછો એક કલાક ચાલે, માઈક મળે તો કોઇ છોડે?
બે ઘડી વાતો કરી, દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઇ સંગ ના જઈ શક્યું ને અમે નીકળી ગયા…..કહીને શ્રી કૃષ્ણ દવે માઈક છોડી વિરમ્યા.
ત્યારબાદ, શિકાગોના કવયિત્રી સપના વિજાપુરાનું હ્યુસ્ટનના ડોક્ટર કોકિલા પરીખે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ, તેમણે પણ સ્વરચિત રચનાઓ સંભળાવી હતી.
‘નથી છૂટતું, નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું’ રજૂ કર્યા બાદ તેમણે પોતાનો દીકરો શબ્બીર જયારે બીજી યુનિવર્સિટિમાં અભ્યાસ માટે ગયો ત્યારે લખાયેલું એક હૃદયસ્પર્શી ગીત રજૂ કર્યું ત્યારે તો શ્રોતાગણમાં બેઠેલી દરેક માતાની આંખો ભીની થઈ ગઈ હતી. સપનાબેન પોતાના કાવ્યસંગ્રહો ‘ખુલ્લી આંખના સપના’ અને ‘સમી સાંજના સપના’થી ખુબ જાણીતા છે. તેમના એક કાવ્યસંગ્રહના, ૨૬ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ, અમદાવાદમાં થયેલા વિમોચન પ્રસંગે આ અહેવાલ લેખકને પણ હાજર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું.
માસ્ટર ઓફ સેરિમની એવા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે પોતાની લાક્ષણિક શૈલીમાં, રજૂ કરાયેલા કાવ્યો અંગે, અંકિત ત્રિવેદી અને તુષાર શુક્લ સ્ટાઇલમાં, બે વાતો કરીને,ગુજલીશ ગઝલોના રાજા અને કલાપી એવોર્ડ વિજેતા
શ્રી.અદમ ટંકારવીને માઈક સોંપી દીધું. અદમ ટંકારવી એટલે રમુજી ગઝલોના બાદશાહ. એમની દરેક રજૂઆત સાથે સાથે, એ ગુજરાતી કવિઓના એટલા બધા રેફરન્સો આપતા જાય કે એમના વાંચન, બહુશ્રુતપણા અને વિદ્વત્તાનો ખ્યાલ આવે. છેવટે “મેં કંટાળી વાદળીને પૂછ્યું, વરસ્યા વગર કેમ જાવ છો?
વાદળી બોલી ‘ભઈ, વરસી તો પડીયે, પણ તમે ક્યાં કોઇ’દિ ભીંજાવ છો ?”
ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત કવિઓ- રમેશ પારેખ, યોસેફ મેકવાન, ખલિલ ધનતેજવી, મુકુલ ચોક્સી, માધવ રામાનુજ જેવાની કૃતિઓના હવાલા દેતા જાય અને સાથે સાથે પોતાની કૃતિઓ સંભળાવતા જાય. અદમભાઇની ગઝલોનારેફરન્સ સુધ્ધાં લખવા માટે આ અહેવાલના ચારપાંચ પાનાં પણ ઓછા પડે. ગુજરાતની સનમ, બ્રીટનની સનમ અને અમેરિકાની સનમવાળી ગઝલ પર શ્રોતાઓ ખુબ ખુશ થઇ ગયા હતા. ‘પટેલ અને મોટેલ’ની તેમની જાણીતીહાસ્યપ્રેરક ગઝલ ‘જેટલો મોટેલનો વિસ્તાર છે, એટલો આ આપણો સંસાર છે’ રજૂ કર્યા વગર તો અદમભાઇને ચાલે જ નહીં.
હ્યુસ્ટનના ‘નાસા’ ના વૈજ્ઞાનિક અને કવિ શ્રી. કમલેશ લુલ્લાના પુસ્તક, ‘પૃથ્વી એજ વતન’નું વિમોચન આમંત્રિત કવિઓના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટે બંને કવિઓને બિરદાવતા સ્વરચિત કાવ્યોને મઢીને, તેમને અર્પણ કર્યા હતા.
ગુજરાતી સાહિત્ય સરિતાના યુવાન અને બાહોશ પ્રમુખ નવોદિત રચનાકાર શ્રી. ધવલ મહેતાએ કેટલીક ગૌરવની વાતો કરી. તાજેતરમાં હ્યુસ્ટન આવી ગયેલા શ્રી. બળવંત જાનીનો ઉલ્લેખ, ફ્લોરીડા મુકામે ગયા માસમાં યોજાઈ ગયેલા કાવ્યોત્સવમાં સાહિત્ય સરિતાના શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, શ્રીમતિ સરયૂબેન પરીખ ને ડો. ઇન્દુબેન શાહને જે સ્થાન મળ્યું હતું એની વાત અને સહિયારું સર્જન અંગે લિમ્કા બૂક રેકોર્ડમાં આવેલ શ્રી વિજયભાઈ શાહનું નામ વગેરે વાતો કરી હતી. તે ઉપરાંત તેમણે ભવિષ્યમાં આવા સુંદર કાર્યક્રમો અંગે ‘યુએસ નેટવર્ક’ના પોતાના વિઝનનો પણ ખ્યાલ આપ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી. નિખિલ મહેતાએ પણ ખુબ ટૂંકા ને ટચ વક્તવ્યમાં પ્રસંગોચિત રજૂઆત કરી હતી.
અંતમાં, સંસ્થાના ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદે કાર્યક્રમના ઉદ્દાત્ત સ્પોન્સરોનો આભાર માન્યો હતો. નરેન્દ્રભાઈએ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો નવો લોગો અને બેનર ડીઝાઇન કરવા માટે શિકાગો રહીશ અવનીબેન ચોકસી નો આભાર માન્યો હતો. ઉપરાંત, કાવ્યોત્સવમાં પધારનાર મહાનુભાવો, સ્થાનિક સર્જકો, વિશાળ આસ્વાદકો, કમિટીમેમ્બરો, સ્વયંસેવકોનો પણ આભાર માન્યો હતો. સંસ્થા તરફથી હાજર રહેલા સર્વેને સ્વાદિષ્ટ સાંધ્યભોજનનો આસ્વાદ કરાવ્યા બાદ એક સમૂહ તસ્વીર પણ સંસ્થાના સેવાભાવી અને નિઃશુલ્ક ફોટોગ્રાફર શ્રી. જયંતિ પટેલ દ્વારા લેવામાં આવી હતી.
બીજા દિવસે એટલે કે નવેમ્બર, ૯મીને રવિવારની સવારે હ્યુસ્ટનના વલ્લભવિદ્યામંદિર (VVM) ના શ્રીમતિ રચનાબેન શાહની રાહબરી હેઠળ ગુજરાતી શીખતા બાળકો સાથે શ્રી કૃષ્ણ દવેના બાળગીતોનો એક નાનકડો કાર્યક્રમ થયો. બાળકોએ બનાવેલાં મેઘધનુષી રંગના આકર્ષક દીવાઓની રંગોળી માણ્યા પછી બાળગીતો શરું થયાં.ચાંદામામા, ખિસકોલી, ફ્રીઝનું ટામેટું અને કીડીબાઈ વિષેની કવિતાઓ હાવભાવની સુંદર મુદ્રાઓ સાથે રજૂ કરવામાં આવી. થોડું સમજતા અને અનુવાદ દ્વારા વધુ સમજીને ખિલખિલાટ હસતા બાળકોને મઝા આવી. કાર્યક્રમ પૂરો થયા પછી ત્રણ ચાર નાના ભૂલકાઓ છેક દરવાજાની બહાર દોડતા આવ્યાં અને કૃષ્ણ- ભાઇને કાલીઘેલી, ભાંગીતૂટી ગુજરાતીમાં કેવું વહાલભર્યું કહી ગયાં! ‘અંકલ, મને તારું પોએમ બહું ગમ્યું !’ નિર્દોષ હૃદયનું આ વાક્ય મનને સ્પર્શી ગયું અને કવિતાની સફળતા પ્રમાણી ગયું.
સોમવારની સાંજે સર્જકો સાથે ‘કવિતા અને ગઝલ વર્કશોપ’નું આયોજન કરવામાંઆવ્યું હતું.. ડો.રમેશભાઈ અને શ્રીમતિ ઇન્દુબેન શાહના નિવાસ સ્થાને સૌ ગોઠવાઈ ગયાં હતાં. કૃષ્ણ- ભાઇએ દરેકની એકએક કવિતાસાંભળી અને કેટલીક મહત્વનીવાતો સમજાવી. તેમણે કહ્યું કે કવિતા હૃદયમાંથી આવે છે એ સાચું પણ તેમાં કલા હોવીજોઈએ. અંતરનું ભાવવિશ્વ લયબધ્ધ રીતે અને ખુબીપૂર્વક રજૂ થવું જોઈએ. ભીતરની સંવેદનાઓ, અનુભૂતિ, સુંદર કલ્પનો વિચારોની સ્પષ્ટતા,પ્રાસ અને લયયુક્ત શબ્દોની ગોઠવણી આ બધું મળે ત્યારે કવિતા બને. કવિતામાં કશું સીધું ન કહેવાય છતાં યે ભાવકને સમજાઈ જાય તે કવિતા કહેવાય.
તે પછી ‘અદમ’ ટંકારવીએ ગઝલ વિષે વાત શરુ કરી. ગઝલનો અર્થ, બાલાશંકર કંથારિયાથી માંડીને ક્રમિક ઈતિહાસની ઝલક અને સમયની સાથે ગઝલના સ્વરૂપના વિકાસની વાતો અતિ સરળતાથી સમજાવી. તે પછી ગઝલના બાહ્યસ્વરૂપ રદીફ, કાફિયા, બંધારણ અને આંતરિક ભાવોની ચોટ અને ચમત્કૃતિ વિષે દાખલા સહિત સરસ રીતે સમજણ આપી. બારણે ટકોરો થાય, વિસ્મય જાગે અને પછી દ્વાર ઉઘડે તે રીતે ગઝલના મત્લાની શરુઆત થાય અને તે પછી એ ભાવને પૂરક જુદાજુદા સંકેતો/રૂપકોથી ગઝલ આગળ વધે અને દરેક શેર વાંચતા વાંચતા ચોટ અને ચમત્કૃતિની સાથે સાથે એક ‘આહ અને વાહ’ સ્વાભાવિક પણે નીકળે તે ગઝલ તેમ સમજાવ્યું. જાણીતા ગઝલકારોના શેર સાથે આ આખી યે વાત સૌના મનમાં સ્પષ્ટ થતી ગઈ. છેલ્લે એક ગઝલ નમૂના તરીકે લઈ તેની ખામી/ખુબીઓ પણ પ્રયોગિક ધોરણે સમજાવી.
આમ, બંને કવિઓનું આગમન હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા માટે ખુબ જ ઉપકારક, માર્ગદર્શી અને આશીર્વાદરૂપ બની રહ્યું.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૦મી બેઠકનો અહેવાલ
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૦મી બેઠકનો અહેવાલ
અહેવાલ- શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય-શ્રી. જય પટેલ
તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૧૪ને રવિવારની બપોરે, હ્યુસ્ટનના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ અને ગુજરાતી ભાષાપ્રેમી ડોક્ટર કોકિલાબેન પરીખ અને શ્રી. પ્રકાશ પરીખના નિવાસસ્થાને, હ્યુસ્ટનના સાહિત્ય-સર્જકો, કવિઓ અને સાહિત્યપ્રેમીઓની ૧૫૦મી બેઠક મળી હતી. દિવાળીના તહેવારને કારણે સ્વાભાવિક રીતે જ આ વખતે, પાંખી હાજરી હતી. તો પણ લગભગ ત્રીસેક સભ્યો હાજર રહ્યા હતા અને ગુજરાતી ગદ્ય અને પદ્યની રજૂઆતોનો આનંદ માણ્યો હતો..
શ્રી. પ્રકાશ પરીખે પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ, યજમાન ડોક્ટર કોકિલાબેને સૌને કાવ્યાત્મક બે શબ્દોથી આવકાર્યા હતાં. આજના વક્તવ્યનો વિષય હતો- ‘દિવાળી’. એટલે આજે રજૂ થયેલી કૃતિઓમાં , દિવાળીના તહેવારોમાં, વર્તમાનપત્રો અને સામયિકોમાં છપાતાં નૂતન વર્ષ-વિષયક દીવડા, આતશબાજી, રંગોળી, ઝાકઝમાળ, તેજપુંજ…અને એવી બધી વાતો રજૂ થઈ હતી.
હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે (ચમન) દિવાળી વિષેનું સ્વરચિત કાવ્ય રજૂ કર્યું હતું.
‘કંઇ દિવાળીઓ આવી ને ગઈ, સાપ ગયા ને લિસોટા રહ્યા’. તો હ્યુસ્ટનના નાટ્યકલાકાર શ્રીમતિ રક્ષાબેન પટેલે પોતાની ટૂંકી રમુજી વાર્તામાં દિવાળીના કામોની સુંદર રજૂઆત કરી. એક નાટ્યકલાકાર પોતાની વાર્તા વાંચે અને કોઇ સામાન્ય લેખક વાર્તા વાંચી જાય-એ બે વચ્ચેનો ફરક શ્રોતાઓને જણાઇ આવે. બીજા એક નવોદિત લેખિકા ગીતાબેન પંડ્યાએ સ્વરચિત હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા ‘ દીપાવલી’ રજૂ કરી હતી. હ્યુસ્ટનના પોતાના ઘરમાં બેઠેલી એક સ્ત્રીને પોતાનું, જુનાગઢનું ઘર અને એ ઘર સાથેની, દિવાળીની યાદો, આંગણામાં પુરાતી રંગોળી, શેરીમાં રંગ વેચવા આવતા કોઇ મુસ્લીમચાચા, એમની નાનકડી દીકરીનું આતશબાજીના રોકેટથી થયેલ કરુણ અવસાન અને એક નાનકડી બિલાડી મુમુ નું રેખાચિત્ર.. ખુબ સુંદર હૃદયસ્પર્શી વાર્તાએ શ્રોતાઓને ભાવવિભોર કરી મુક્યા હતા. ગીતાબેન સાહિત્ય સરિતાના નવા સભ્ય છે. એક આશાસ્પદ વાર્તાલેખિકા તરીકે સાહિત્ય સરિતા તેમને આવકારે છે. હ્યુસ્ટનના શ્રી. વિજય શાહ હવે તો અમેરિકાભરના ગુજરાતી સર્જકોમાં જાણીતું નામ બની ચૂક્યા છે. લીમ્કા બુક માં, એમના સર્જનોની નોંધ લેવાયા પછી ડાયસ્પોરા સર્જકોમાં એમની ગણના થાય છે એવા શ્રી. વિજય શાહે પણ પોતાની અપ્રગટ નવી વાર્તા –‘દીવો સળગી ચૂક્યો હતો’ વાંચી હતી.
કવિતાઓ અને ગઝલક્ષેત્રે જેમનું નામ આદરપુર્વક લેવાય છે એવા હ્યુસ્ટનના શ્રીમતિ દેવિકા ધ્રુવે પણ ‘દીપ જલે’ કાવ્ય અને એક ગઝલ ‘સોનેરી સાંજની આ વાત લાવી છું’ રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી મૂક્યા હતા. દેવિકા ધ્રુવ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતામાં ‘માનદ સલાહકાર’નું પદ ધરાવે છે અને ‘વેબ ગુર્જરી’ બ્લોગની સંપાદન સમિતિના સભ્ય પણ છે. ‘સરિતા’ના નવા બોર્ડમાં ઉપપ્રમુખ તરીકે સક્રિય કામગીરી બજાવતા, શ્રી. નિખિલ મહેતાએ પણ કોઇ કવિની સુંદર કૃતિ રજૂ કરી હતી તો સંસ્થાના ‘સેક્રેટરી-કમ-ટ્રેઝરર’ એવા શ્રી. નરેન્દ્ર વેદ નામના સદગૃહસ્થે શ્રી. અંકિત ત્રિવેદીની કૃતિ-‘એને નવું વર્ષ કહેવાય’ની રજૂઆત કરી હતી. મનુજ હ્યુસ્તોનવીના તખલ્લુસથી ગઝલો લખતા શ્રી. મનોજ મહેતાએ પોતાની કૃતિ ‘નજરથી સવાલો વધાર્યા કરો છો, અબોલા લઈને પ્રશ્નો વધાર્યા કરો છો’ વાંચી સંભળાવી હતી.
જુના ફિલ્મી ગીતોના પ્રેમી અને શાસ્ત્રીય સંગીતના જાણકાર શ્રી. નિતીન વ્યાસે સ્વરચિત ત્રણ હાયકુ રજૂ કરીને કાર્યક્રમને નવો વળાંક આપ્યો હતો. તેમના પત્ની શ્રીમતિ ચારુબેન વ્યાસે પણ પ્રસંગોચિત વાતો કરી હતી. સુરેશ બક્ષીએ થોડાક મુકતકો સંભળાવીને વાતાવરણમાં રંગત લાવી દીધી હતી.
રજૂઆતો કરનારા અન્ય સભ્યોમાં ડો.ઇન્દુબેન શાહ, શ્રી.સતિષ પરીખ, પ્રદીપ બ્રહ્મભટ્ટ, શ્રી. અરુણ બેન્કર, શ્રી. અશોક પટેલ, ધીરુભાઈ શાહ, વગેરે હતા.
હ્યુસ્ટનના ‘ગુજરાત ગૌરવ’ નામના નિઃશુલ્ક માસિકના તંત્રી-સંપાદક શ્રી. નુરુદ્દીન દરેડિયા પણ કેટલીક સંકલિત કૃતિઓ રજૂ કરી ગયા હતા.
શ્રી. ફતેહ અલી ચતુર એ હ્યુસ્ટનની સાહિત્ય સરિતાનું એક એવું મોંઘેરું અને માનનીય નામ છે કે કોઇપણ મીટીંગમા એમની હાજરી અને વક્તવ્ય ન હોય તો એ મીટીંગ ફિક્કી જ લાગે. કોઇ જ કાગળિયુ હાથમાં રાખ્યા વગર, શ્રોતાઓની સાથે નેત્રસંધાન કરીને ( Eye-Contact ), હિન્દી સાહિત્યના અશોક ચક્રધરની લાંબી હાસ્યકવિતા પોતાની લાક્ષણિક શૈલીમાં અને પ્રભાવક સ્વરે રજૂ કરનારા આ નાટ્યલેખક, અભિનેતા કલાકારે પણ પાગલો વિષેનું એક અછાંદસ કાવ્ય રજૂ કરીને શ્રોતાઓને ખુબ હસાવ્યા હતા.
ડોક્ટર કોકિલાબેન પરીખ હ્યુસ્ટનની ગુજરાતી કોમ્યુનિટીમાં એક ખુબ આદરણીય નામ છે. સ્ત્રી-વિષયક રોગો અને પ્રસૂતિ નિષ્ણાત ( OB/Gyn ) તરીકે ૩૫ વર્ષ પ્રેક્ટીસ કરીને રીટાયર્ડ થનારા આ સેવાભાવી સન્નારી પોતે પણ એક સારી ગાયિકા અને મીમીક્રી આર્ટીસ્ટ છે. ગામઠી ભાષામાં કે વાઘરીઓની ભાષામાં રામાયણની પ્રસ્તૂતિ એમની આગવી વિશિષ્ટતા છે. તેમણે શ્રી અનિલ ચાવડાની દિવાળી વિશેની ખુબ સુંદર કવિતા વાંચી સંભળાવી હતી.
બેઠકને અંતે નિખિલ મહેતા અને નરેન્દ્રભાઇએ નવે.માં કવિ શ્રી કૃષ્ણ દવે અને શ્રી અદમ ટંકારવીના આગામી કાર્યક્રમ “કાવ્યોત્સવ’ ની વિગતવાર માહિતી આપી. ફ્લોરીડા યુનિ. દ્વારા યોજાનાર ‘પોએટ્રી ફેસ્ટીવલ’ની પણ જાહેરાત કરવામાં આવી.તે પછી યજમાન દંપતિની આભાર-વિધિ થઈ.
અંતમાં, કોકિલાબેન અને પ્રકાશભાઇ પરીખે દીવાળીના નાસ્તા ઉપરાંત ઘેર બનાવેલા ગરમ ગરમ ખમણ-ઢોકળા, માનીતો મોહનથાળ અને અન્ય સ્વાદિષ્ટ મીઠાઇઓનો આસ્વાદ માણીને સૌ વિખરાયા હતા.
નવા વર્ષની,નવા બોર્ડની, નવા ‘બેનર’ સહિતની આ બેઠક આનંદદાયી અને યાદગાર રહી.
અહેવાલ- શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ
**************************************************************
‘પપ્પા થયાપાગલ’ (નાટ્ય-અવલોકન) – નવીનબેન્કર
‘પપ્પા થયાપાગલ’ (નાટ્ય–અવલોકન) – નવીનબેન્કર
આ ફુલ લેન્થ પ્લે એક હળવુ પ્રહસન છે. કુલ આઠ પાત્રો છે.મુખ્ય પાત્ર સિતાંશુરાય નામના સીનિયર સિટીઝન છે.તેમના બે દીકરાઓ- એક જુવાન રુપાળો પરિણીત છે. બીજો જાડીયો કુંવારો છે. એક દીકરી છે. પરિણીત છે. પણ સાસુને સહન નહીં કરી શકવાને પરિણામે પિયરે આવેલી છે.જમાઇ તોતડો છે. ઘરકામ ન કરવા ટેવાયેલી, ઉધ્ધત મિજાજી મોડર્ન પુત્રવધુ છે.એક, રસોઇ કરવા આવેલી પ્રૌઢ વયની રહસ્યમય રુપાળી સ્ત્રી છે. એક મહેમાન કલાકાર છે-ઉધ્ધત પુત્રવધુનો શ્રીમંત બિલ્ડર પિતા.
મોટી ઉંમરના પ્રેક્ષકોને ક્યાંક ને ક્યાંક પોતાપણું લાગે…જેમણે ભાંગવાડીના જૂના નાટકો માણ્યા છે એવા સાઇઠ વટાવી ગયેલા પ્રેક્ષકોને યાદગાર જૂના ગીતોની પંક્તિઓ અને રાણી પ્રેમલતાની સ્ટાઇલો મારતી રસોઇયણના પાત્રમાં ભરપુર મનોરંજન મળી રહે છે.
નાટકમાં ભરપુર રમૂજો છે.. સંતાનોના પેંતરા…સ્મૃતિભ્રમ થઇ ગયેલા વડીલનો સ્વાંગ (!)…વડીલની પ્રેમકહાણી…તોતડા જમાઈના સંવાદો…અને વળી ક્યાંક ક્યાંક ગીત, સંગીત અને ફિલ્મી ધૂનો પર ગીતો અને ઠૂમકા પ્રેક્ષકોને સારુ મનોરંજન કરાવી શકે છે. ગીતો પર જે ઠૂમકા મારવાના છે તેમાં કલાકારો પોતાની ક્યૂ લાઇન પર એકાદ સેકંડ પણ ગુમાવ્યા વગર, ચપળતાથી,પોતાના સંવાદો બોલે છે અને મૂવમેન્ટ કરે છે. રજૂઆતમાં ફાસ્ટ ટેમ્પો અને ઝડપ આ નાટકમાં છે.
રાણી પ્રેમલતા બનીને મારકણી મુદ્રામાં એક હાથ ઉંચો કરીને ડ્રામેટીક અંદાઝમાં પોઝ આપવાના દરેક દ્રષ્ય વખતે ધનાધન ચાલતુ નાટક અચાનક અટકી જાય, ઉભુ રહી જાય કે વિરામ લે એનો ઉપયોગ હાસ્યપુર્ણ પ્રસંગને, સંવાદને, અભિનયને હાઇલાઈટ કરવા માટે થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આ નાટકમાં, ઝડપ, ટેમ્પો, ભરપુર ઉત્તેજના અને કલાકારોની આગવી છટા છે. સિતાંશુરાય રુમમાં જાય કે ઘર બહાર જાય, બારીમાંથી એન્ટ્રી મારે જેવા દ્રષ્યોમાં કે ચારે ય પાત્રો ચાવી કેવી રીતે મેળવવી એના ષડયંત્રમાં જે નાસભાગ કરે, ગોટાળા કરે, છબરડા કરે, એ બધું ય લય અને તાલના બંધનમાં રહીને જ કલાકારો કરી શકે છે એ નાટકનું જમાપાસુ ગણાય.
નાટકમાં હાસ્યભરપુર સંવાદો છે જેમાં સપાટી પરનો અર્થ અને ગર્ભિત અર્થ જૂદા હોય . પ્રસંગોની ગુંથણીમાં ગોટાળા ને ગેરસમજ સર્જતા બનાવો છે.આ વસ્તુને સફળ બનાવવા માટે સંવાદો સમયસર બોલાવા જોઇએ અને મૂવમેન્ટ પણ સમયસર જ થવી જરૂરી છે. સંવાદોને અમુક રીતે બોલવા, તોડવા અથવા અવળચંડાઇપૂર્વક રજૂ કરીને પ્રેક્ષકોને હસાવવા એ માટે સેન્સ ઓફ ટાઇમીંગ જરુરી બને છે, જે આ નાટકના કુશળ અને અનુભવી અદાકારો કરી શક્યા છે.
ઉલ્કાબેન અમીને થોડા વર્ષો પહેલાં, અશોક પટેલના દિગ્દર્શનમાં ભજવાયેલ એક નાટક ‘બાઇસાહેબ’માં કામવાળીના રોલમાં, ‘મેરે હાથોમેં નવ નવ ચૂડીયાં‘ ગણગણતા જે ઠૂમકા માર્યા હતા એ જરા યાદ આવી ગયું. આ નાટકમાં રસોઇયણના રહસ્યમય પાત્રમાં એ વધુ ફિટ થઈ શક્યા છે. રાણી પ્રેમલતાની મોહક મારકણી અદામાં,એ વધુ શોભે છે..
યોગિનાબેન પટેલ અને અક્ષય શાહ અનુક્રમે ઉધ્ધત પુત્રવધુ અને યુવાન રુપાળા પુત્રના પાત્રમાં શોભે છે.
ગિરીશ નાઈક જાડીયા દીકરાની ભૂમિકા માટે યોગ્ય છે.
તોતડા જમાઇના પાત્રમાં શ્રી. શાંતિલાલ ગાલા પ્રેક્ષકોને ખડખડાટ હસાવવામાં સફળ રહ્યા.સંગીત વિભાગ પણ શ્રી. શાંતિભાઇ અને તેમના પત્ની ગીતાબેને સંભાળ્યો છે.
રાબેતા મુજબ, સિતાંશુરાય–પપ્પા–ના પાત્રમાં, હ્યુસ્ટનના પીઢ કલાકાર શ્રી. મુકુંદ ગાંધી પોતાની લાક્ષણિક શૈલિને કારણે સમગ્ર નાટક પર છવાઇ જાય છે. હ્યુસ્ટનની નાટ્યરસિક ગુજરાતી જનતાએ તેમને હ્યુસ્ટન નાટ્યકલાવૃંદના નાટકો-‘પત્તાંની જોડ,’ હું જે કહીશ તે સત્ય જ કહીશ’ તેમજ બે વર્ષ પહેલાં સાહિત્ય સરિતાના ઉપક્રમે ભજવાયેલ નાટક ‘હું રીટાયર થયો’માં જોયા જ છે. હ્યુસ્ટનના ઇમીગ્રેશન લોયર શ્રીમતી રિધ્ધીબેન દેસાઇએ પણ આ નાટકમાં પપ્પાની દીકરી પારિજાતની ભૂમિકા સૂપેરે ભજવી છે. ‘મહાભારત’નો ભીમ હોય કે ‘શોલે’નો ગબ્બરસીંઘ– ગિરીશ નાયક આ પ્રકારની ( એટલે કે જાડીયાની કોમેડી ભૂમિકાઓમાં ) ફીટ થઈ જ જાય. ફ્રી એક્ટીંગથી સ્ટેજ પર છવાઇ જવામાં એ માહીર છે.
‘કલાકુંજ’ ના નવા સુત્રધાર શ્રી.રસેશ દલાલ કદાચ પોતાની વ્યસ્તતાને કારણે આ નાટકમાં એમની કક્ષાની ભૂમિકા નથી ભજવી શક્યા પણ ,પુત્રવધુ તુલસીના પપ્પા (બિલ્ડર વેવાઇ) ની રુઆબદાર ભૂમિકામાં હાજરી પુરાવી જાય છે.
રંગમંચ વ્યવસ્થા શ્રી. વિનય વોરા અને રંગભુષા યોગિનાબેન પટેલે સંભાળ્યા છે.
ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન પ્રસ્તુત, કલાકુંજ પ્રોડક્શનનું આ નાટક હાસ્યથી ભરપુર હોવા ઉપરાંત રહસ્યની પણ છાંટ ધરાવતું અને એક સામાજિક સંદેશ ધરાવતું જોવાલાયક સ્વચ્છ્, કૌટુંબીક પ્રહસન છે.
અસ્તુ. સમીક્ષક– શ્રી. નવીન બેન્કર
એક ભજનસંધ્યા-ન્યુયોર્કના પંચમુખી હનુમાન મંદીરમાં
પંચમુખી હનુમાન મંદીરમાં યોજાઇ ગઇ ભજનસંધ્યા
પવિત્ર શ્રાવણ માસમાં, હીલસાઇડ એવન્યૂ પર, નવા બંધાયેલા પંચમુખી હનુમાન મંદીરમાં, શ્રી.શશીકાંત પટેલ અને શ્રીમતિ ગોપીબેન ઉદ્દેશી દ્વારા એક ભજનસંધ્યાનું તારીખ ૨૫મી ઓગસ્ટ અને રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભૌતિક સુખસગવડો સાથે ધર્મ અને અધ્યાત્મની સમજ હશે તો જ આપણી જિંદગી સમતોલ રીતે જીવી શકાશે એવી સમજથી પ્રેરાઇને, આ ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયક અને વાદકવૃંદમાં શ્રી. વિરેન્દ્ર બેન્કર, શ્રી. ઘનશ્યામભાઇ જોશી, યુવાન ક્રિશ્ના પરીખ, શ્રીમતી કિર્તીબેન શુક્લા અને શ્રીમતી અનુરાધા ખન્ના હતા.
ક્રિશ્ના પરીખે પુષ્ટીમાર્ગીય ભજન ભાવવાહી સ્વરે રજૂ કર્યું હતું. અનુરાધા ખન્નાએ હનુમાન ચાલીસાનો પાઠ કરીને, સમગ્ર હોલને ભક્તિમય બનાવી દીધો હતો. કીર્તીબેન શુક્લ અને પીઢ ગાયક શ્રી. ઘનશ્યામ જોશી એ હાર્મોનિયમના સથવારે કેટલાક ભજનો રજૂ કરીને શ્રોતાઓને તાલ આપવા મજબૂર કરી દીધા હતા.
અંતમાં, આધ્યાત્મિક વિકાસ કેન્દ્રના શ્રી. વિરેન્દ્ર બેંકરે, પોતાના ગુરુ સ્વ. અરુણ પટેલને યાદ કરીને ગુરુવંદનાનું એક સુંદર ભજન ‘ મોહે લાગી લગન ગુરુચરણનકી’ અશ્રુભરી આંખે અને એટલી તન્મયતાપુર્વક રજૂ કર્યું હતું કે શ્રોતાઓની આંખો પણ ભીની થઇ ગઈ હતી. વિરેન્દ્રભાઇએ તેમની સ્વ. માતા કમળાબેનની યાદમાં તેમને અંજલીરુપે, ‘માના દર્શન કાજે મારું હૈયું ઝુરે’ ગાયું ત્યારે તો શ્રોતાઓમાંથી ભાગ્યે જ કોઇ હશે જેને પોતાની ‘મા’ યાદ નહીં આવી હોય !
ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં થોડા વર્ષો પહેલાં, આ વીરેન્દ્ર બેન્કર, સંગીતા, સ્વ. અરુણ પટેલ વગેરે કલાકારો ‘સ્વરતરંગ’ સંસ્થાના ઉપક્રમે વિવિધ સંસ્થાઓમાં સંગીતના કાર્યક્રમો રજૂ કરતા હતા. વિરેન્દ્ર બેન્કર ઘણી સામાજીક સંસ્થાઓ, મંદીરો, તથા આધ્યાત્મિક વિકાસ કેન્દ્રમાં ધાર્મિક ક્ષેત્રે સક્રિય છે અને પોતાની કળાના જૌહર દર્શાવે છે. હમણાં છેલ્લે એક જાહેર નાટકમાં નારદજીની યાદગાર ભૂમિકા ભજવીને પ્રેક્ષકોને ખુબ મનોરંજન પુરુ પાડ્યું હતું.
પુરા ત્રણ કલાક ચાલેલી આ ભજનસંધ્યાને સફળ બનાવવા માટે શ્રી. શશીકાંત પટેલ, ગોપી ઉદ્દેશી તથા અન્ય કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી.
અસ્તુ.
ટ્રીયો-ઇન કોન્સર્ટ- સલિલ ભાડેકર,ડેક્ષટર અને સ્મિતા વસાવડા
ટ્રીયો-ઇન-કોન્સર્ટ
( સલિલ ભાડેકર, ડેક્ષટર રઘુ આનંદ અને સ્મિતા વસાવડા)
૯, માર્ચ ૨૦૧૩ ને શનિવારની રાત…..
તમને ૨૦૦૦ની સાલના સારેગમપાનો વિજેતા પેલો હેન્ડસમ, છોકરો યાદ છે ? એ જ સોહામણો સલિલ ભાડેકર..આપણે એને ક્યારેક આશાભોસલે સાથે તો ક્યારેક ઉષા મંગેશકર, ખય્યામ જેવા સંગીતના દિગ્ગજો સાથે સંગત આપતા જોયો છે. મહમદ રફીના ગીતો એના અવાજમાં વધુ ફીટ થાય છે. મહમદ રફી ફેન્સ ક્લબમાં પણ એ એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે-૨૦૦૬માં.
આ ગાયક-સંગીતકાર હ્યુસ્ટનમાં સ્થાયી થવા આવ્યો છે.
હ્યુસ્ટનમાં, મારા સંગીતકાર-એક્ટર મિત્ર હેમંત ભાવસારના પિતાશ્રી.નગીનદાસ ઘેલાભાઇ ભાવસારની ૨૫મી પુણ્યતિથી નિમીત્તે, થોડાક અંગત મિત્રો,અને સાહિત્ય-સંગીતના પ્રેમીઓ સાથે એક સમુહમિલન હેમંતે પોતાના નિવાસસ્થાને યોજેલું. લગભગ ૬૦ જેટલા સંગીતરસિયાઓ આ મહેફિલ માણવા પધારેલા.હ્યુસ્ટનનું આ ક્લાસિકલ શ્રોતાવૃન્દ ગણાય.શરુઆતમાં મહેમાનોનું, ખાસ સૂરતથી મંગાવેલ પોંક અને વિવિધ સેવો અને ચીપ્સથી સ્વાગત કરવામાં આવેલું.
હ્યુસ્ટનમાં એક બીજો અદ્વિતિય કલાકાર છે- તબલાનવાઝ ડેક્ષટર રઘુ આનંદ. ગુજરાતી કે હિન્દી ભાષા લખી, વાંચી કે બોલી ન શકતો હોવા છતાં, ગમે તેવા ગાયક સાથે એ તબલા પર સંગત કરી શકે છે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેવાની એનામાં ક્ષમતા છે. ગીતના શબ્દોના અર્થ ન સમજવા છતાં, માત્ર એની ધૂનો સાથે એ તાલ મેળવી શકે છે.
અને…ત્રીજા ગાયિકાબહેન છે-સ્મિતાબેન વસાવડા. આ સોહામણી નાગર કન્યાના અદભુત અવાજ માટે તો હું, ઘણીવાર લખી ચૂક્યો છું એટલે એનું પુનરાવર્તન નહીં કરતાં રજૂ થયેલા કાર્યક્રમની વાત પર જ આવીએ.
અરુણ ભાવસારે આવકાર પ્રવચન કર્યા બાદ, ડેક્ષટર રઘુ આનંદે પોતાના નવ જેટલા બાળ-કલાકાર શિષ્યો પાસે, તબલા પર રુપક તાલના ૭૦ પ્રકારોની રજૂઆત કરાવી. ૧૦-૧૨ વર્ષના આટલા બધા ટાબરિયાઓએ જે સ્ફુર્તીપુર્વક કુશળતાથી તબલાવાદન કર્યું એ જોઇને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. દરેક બાળકલાકારને ટ્રોફી આપવામાં આવી હતી.
સ્મિતાબેને પોતાના સુમધુર કંઠે પ્રાર્થના ગાયા બાદ, કાર્યક્રમના હીરો સલિલ ભાડેકરે કાર્યક્રમનો દોર પોતાને હસ્તક લેતાં, સર્વપ્રથમ ફિલ્મ સરસ્વતિચંદ્રનું ગીત ‘ચંદન સા બદન‘ ગાયું. આ ગીત આટલા વર્ષોમાં હજાર વાર સાંભળ્યું છે, પણ સલિલે જે રીતે ‘ધીરે સે તેરા યે મુસ્કાના‘ શબ્દોને બહેલાવી, રમાડી અને પોતાની દ્રષ્ટી ફેંકવાની વિશિષ્ટ સ્ટાઇલમાં શબ્દોને ‘ફેંક્યા‘ કે શ્રોતાગણમાંની દરેક યુવતી જાણે એ પોતાને જ કહે છે એવો ભાવ અનુભવી રહી હશે એની મને ખાત્રી છે. સલિલના બુલંદ છતાં મુલાયમ અવાજ અને મધુર સ્વરલગાવથી સુંદર વાતાવરણ ખડું થતું હતું. હારમોનિયમ અને તબલાની જુગલબંદી શ્રોતાઓની તાળીઓની ખંડણી મેળવી લેતી હતી.
ત્યારપછી ગઝલ ‘રંજીશ હી સહી દિલ દુખાનેકે લિયે‘, દિલ્હી-૬ ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘મૌલા મેરે મૌલા‘, ચૂપકે ચૂપકે રાતદીન આંસુ બહાના યાદ હૈ‘,
‘ડાકા તો નહીં ડાલા થા, થોડીસી પી હૈ‘, ‘ખ્વાજા મેરે ખ્વાજા‘, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી દીધી સલિલભાઇએ.
પછી દોર શરુ થયો કવ્વાલીઓનો. શ્રોતાઓની ફરમાઇશ પર, સલિલે ‘આયા હૈ તેરે દર પે સવાલી‘ વાળી કવાલી ગાઇને ,શીરડીકે સાંઇબાબાને ય યાદ કરી લીધા. તો..‘પરદા હૈ, પરદા હૈ..‘ બિલકુલ રિષીકપૂરની દિલફેંક અદામાં, ગુલાબ ફેંકવાની સ્ટાઇલમાં ગાઇને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. ફિલ્મ કોહિનૂરનું ક્લાસિકલ સોંગ ‘મધુબનમેં રાધિકા‘ રજૂ કરીને પોતાની ઉત્તમ ગાયકીનો પરચો કરાવી દીધો. ઘણા ગાયકો આ બધા ગીતો ગાય છે. ઘણાં, કાગળિયા હાથમાં રાખીને વાંચી જાય છે, કેટલાક સીધ્ધેસિધુ ગીત ગાઇ જાય, પણ ગીતના શબ્દો પ્રમાણે ચહેરા પર ફેસિયલ એક્ષ્પ્રેશન અને અવાજમાં આરોહ-અવરોહ સાથે જ્યારે આવા ગીતો રજૂ થાય છે ત્યારે જ એની અસર શ્રોતાઓ પર પડે છે. ઘણી વખત આવી સુંદર રજૂઆત થતી હોય ત્યારે, શ્રોતાઓના ચહેરા ‘વાંચવાની‘ મને વધુ મઝા આવે છે.
સ્મિતાબેન વસાવડાએ આ કાર્યક્રમમાં, એમના જ શબ્દોમાં કહીએ તો, બારમા ખેલાડીની ભૂમિકા ભજવી હતી. એમણે ગાયેલું ગીત ‘બડે અચ્છે લગતે હૈ..ઔર તુ..મ‘ વખતે શ્રોતાઓ પણ ‘તુ..મ‘..શબ્દ પર સાથ પુરાવતા હતા. ‘તુજમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું, જેવા ગીતો રજૂ કરીને સલિલભાઇને થોડોક વિરામ આપ્યો હતો.
સંગીતના કાર્યક્રમમાં, કોઇપણ પાસુ નબળુ ન ચાલી શકે.રાગશુધ્ધી, શ્રુતિયુક્ત સ્વરોની સમજ, તાલ,તાન, અને રાગને સજાવવો..એ બધું જ શ્રેષ્ઠ જોઇએ. સુજ્ઞ પ્રસ્તૂતિ માટે સમજદાર અને લયદાર તબલાવાદક ડેક્ષ્ટર રઘુ આનંદ પણ એટલો જ પ્રશંસાપાત્ર ગણાય. ડેક્ષ્ટરે તબલાવાદનની લાક્ષણિકતાઓ એટલી વિકસાવી છે કે શ્રોતાઓ એને બિરદાવતા થાકતા નથી. બે કલાક ચાલેલી આ પ્રસ્તૂતિ શ્રોતાઓ પર મન મૂકીને વરસી.સંગીતરસિયાઓ આ ઢંગદાર, જાનદાર અને વિસ્મીત કરતી પ્રસ્તૂતિને વારંવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા.
યજમાન હેમંત ભાવસાર પોતે પણ ખુબ સારા ગાયક અને સંગીતકાર છે. પણ આજના પ્રોગ્રામમાં પોતે ગાવાથી દૂર જ રહ્યા હતા. માત્ર મંજીરા લઈને સ્ટેજ પર તેમણે હાજરી જ પુરાવી હતી. સમગ્ર કાર્યક્રમનો દોર તેમણે સલિલને જ સોંપી દીધો હતો.
એક સુ–નિયોજીત પ્રસ્તૂતિનો આનંદ, સંગીતરસિયાઓએ મન ભરીને માણ્યો.
કર્ણપ્રિય સંગીત અને સૂરિલા કંઠના સથવારે રજનીગંધાની માદક સુવાસથી, સલિલભાઇ મહેફિલને મહેંકાવી ગયા.
કાર્યક્રમની સમાપ્તિમાં, ફિલ્મ ‘હમદોનોં‘નું ગીત ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં‘ મારા મતે શ્રેષ્ઠ રજૂઆત હતી. હું, આ ગીત સલિલના કંઠે વારંવાર સાંભળવું પસંદ કરું.
અંતે, સ્વાદીષ્ટ ‘હુરતી‘ રસોઇ ( ખાસ તો છેક ‘હુરત‘થી ફેડૅક્ષમાં મંગાવેલા લાડુ )નું જમણ જમીને શ્રોતાઓ વિખરાયા ત્યારે ય , મારા કાનમાં તો‘અભી ના જાઓ છોડકર‘ ગૂંજતું હતું.
બેસ્ટ લક સલિલ એન્ડ થેન્ક્સ હેમંત.
અહેવાલ- નવીન બેન્કર ( 713-955-6226 )
******************************************************************************************
નાટક ‘પપ્પા થયા પાગલ’ નો બીજો શો ભજવાયો
હ્યુસ્ટનમાં ‘કલાકુંજ ‘નાઉપક્રમે ‘નાટક ‘પપ્પાથયાપાગલ’નો બીજો શો ભજવાયો
અહેવાલસૌજન્ય– શ્રી. નવીનબેન્કર
અમેરિકામાં, ટેક્સાસ સ્ટેટનું, હ્યુસ્ટન શહેર કલાપ્રેમી ગુજરાતીઓનું મહાનગર છે, છેક ૧૯૮૦થી આ શહેરમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા, એનું પ્રસારણ કરવા ગીત, સંગીત,કવિ–સંમેલનો,સહિત સાહિત્યના અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુવ્યવસ્થિત અને સુંદર આયોજન અહીંની વિવિધ સંસ્થાઓ કરી રહી છે. આ સંસ્થાઓમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન, હ્યુસ્ટન નાટ્યકલા વૃંદ સદાય અગ્રણી રહ્યા છે. હવે એમાં એક નવું નામ ઉમેરાયું છે– ‘કલાકુંજ ‘.
‘કલાકુંજ ‘ ૨૦૧૧માં અસ્તિત્વમાં આવી. સંસ્થાના સુત્રધાર એક પીઢ અને નીવડેલા કલાકાર શ્રી. મુકુંદભાઇ ગાંધી છે. એમણે પોતાના કુશળ આયોજક મિત્ર શ્રી. રસેશ દલાલના અને અન્ય કલાકાર મિત્રોના સહયોગથી ‘કલાકુંજ ‘ના નેજા હેઠળ બે વર્ષ પહેલાં એક ત્રિઅંકી નાટક ‘હું રીટાયર થયો’ ભજવ્યું અને એના ચાર ચાર શો સફળતાપુર્વક ભજવ્યા. હ્યુસ્ટનના ધુરંધર કલાકારો ઉમાબેન નગરશેઠ, હેમંત ભાવસાર, મનીષ શાહ, અક્ષય શાહ, યોગિના પટેલ, અરવિંદ પટેલ (બાના ), પંક્તિ ગાલા, નુપુર શાહ,કુલદીપ બારોટ, લલિત શાહ, રક્ષાબેન પટેલ રસેશ દલાલ અને ખુદ શ્રી. મુકુંદ ગાંધી જેવા સક્ષમ કલાકારોએ આ નાટકની અસરકારક રજૂઆત કરી હતી.
માત્ર બે જ માસ પહેલાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન દ્વારા ‘કલાકુંજ ‘ના આ બીજા ફુલ લેન્થ પ્લે ‘પપ્પા થયા પાગલ’ ની ભજવણી કરવામાં આવી હતી. એ વખતના અભૂતપુર્વ પ્રતિસાદને કારણે ઘણાં નાટ્યપ્રેમીઓ આ નાટક જોવામાંથી વંચિત રહી ગયા હતા, એટલે લોકલાગણીને માન આપીને, ‘કલાકુંજે ‘ માત્ર કલાપ્રેમી, નાટ્યરસિક , ગુજરાતી પ્રેક્ષકો માટે, વિનામૂલ્ય, આમંત્રિત શોનું આયોજન કરીને, શહેરના કલાસિક અને કલારસિક પ્રેક્ષકો સમક્ષ હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સીવીક સેન્ટરના ૯૦૦ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા નાટ્યગૃહમાં ૧૭મી ઓગસ્ટ ૨૦૧૩ને શનિવારની સલૂણી સંધ્યાએ બીજો શો રજૂ કર્યો હતો.
બરાબર આઠના ટકોરે, ‘કલાકુંજ ‘ના યુવાન, ઉત્સાહી ,હેન્ડસમ પ્રેસિડેન્ટશ્રી. રસેશ દલાલે પ્રેક્ષકોનું, તેમની લાક્ષણીક રમૂજી શૈલિમાં સ્વાગત કર્યું હતુ. અને પછી ગુજરાતના ગૌરવ સમા, ‘નાસા’ના વૈજ્ઞાનિક અને કવિ શ્રી, કમલેશ લુલા તથા એક જૈફ કલાકાર અને સાહિત્ય–સંગીત–નાટક જેવી કળાઓના પ્રેમી એવા લક્ષ્મીબેન ઠક્કરને સ્ટેજ પર આમંત્રીને તેમના શુભ હસ્તે દીપ–પ્રાક્ટ્યની વિધી કરાવ્યા બાદ, જરા ય સમયનો વ્યય કર્યા વગર , નાટક શરુ કરાવ્યું હતું.
આ ફુલ લેન્થ પ્લે એક હળવું પ્રહસન છે. કુલ આઠ મુખ્ય પાત્રો અને બે ગૌણ પાત્રોમાં,મુખ્ય પાત્ર સિતાંશુરાય નામના એક સિનીયર સીટીઝન છે. તેમના બે દીકરાઓ–એક જુવાન રુપાળો પરિણીત છે અને બીજો જાડીયો કુંવારો છે. એક દીકરી પરિણીત છે.પણ સાસુને સહન નહીં કરી શકવાને કારણે પિયર આવેલી છે.જમાઇ તોતડો છે. ઘરકામ ન કરવા ટેવાયેલી ઉધ્ધત મિજાજી, સુંદર મોડર્ન પુત્રવધુ છે. એક રસોઇ કરવા આવેલી પ્રૌઢ વયની રહસ્યમય રુપાળી, નખરાળી સ્ત્રી છે. જેમણે ભાંગવાડીના જૂના નાટકો માણ્યા છે એવા સાઇઠ વટાવી ગયેલા પ્રેક્ષકોને યાદગાર જૂના નાટ્યગીતોની પંક્તિઓ અને રાણી પ્રેમલતાની મારકણી સ્ટાઇલો મારતી રસોઇયણના પાત્રમાં ભરપુર મનોરંજન મળી રહે છે. નાટકમાં રમૂજ છે, રહસ્ય છે…સંતાનોના પેંતરા..સ્મૃતિભ્રમ થૈ ગયેલા વડીલનો સ્વાંગ..વડીલની પ્રેમકહાણી..તોતડા જમાઇના હાસ્યપ્રેરક સંવાદો..ક્યાંક ગીત, સંગીત અને ફિલ્મી ધૂનો પર ઠૂમકા..પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડે છે.રજૂઆતમાં ફાસ્ટ ટેમ્પો અને ઝડપ છે આ નાટકમાં.પ્રસંગોની ગુંથણી ને ગોટાળા ને ગેરસમજ સર્જતા બનાવો છે..હ્ર્દયસ્પર્શી સંવેદના અને રહસ્યની છાંટ ધરાવતું આ નાટક એક સામાજિક સંદેશ આપતું જોવાલાયક, કૌટુંબીક પ્રહસન છે,
નાટકના કલાકારો હતા– મુકુંદ ગાંધી, અક્ષય શાહ, રસેશ દલાલ,શાંતિલાલ ગાલા, ગિરીશ નાયક,યોગિના પટેલ, રિધ્ધી દેસાઇ, ઉલ્કા અમીન, સંજય શાહ, અને શ્રી.કેવલ ગાલા.
હ્યુસ્ટનના ખ્યાતનામ શહેરીજનો, સંસ્થાઓના આગેવાનો,પ્રતિનિધીઓ, મંદીરોના વહીવટકર્તાઓ એ નાટકને માણીને, શ્રી. મુકુંદ ગાંધીને અને અન્ય કળાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું. ક્યાં ય સુધી હોલ, તાળીઓના ગડગડાટથી ગૂંજી રહ્યો હતો.
નાટક્ની સાઉન્ડ સીસ્ટમ શ્રી. અમીત પાઠકે, રંગમંચ વ્યવસ્થા શ્રી.વિનય અને દક્ષા વોરાએ, પ્રકાશ આયોજન શ્રી. લલિત શાહે, સામગ્રી વ્યવસ્થા શ્રી. સુરેશ બક્ષીએ, પાર્શ્વસંગીત ગીતાબેન ગાલાએ, રંગમંચ વ્યવસ્થા શ્રી. સંજય શાહે, રંગભુષા ( મેક અપ ) યોગિના પટેલે, સભાગૃહ વ્યવસ્થા ઉમાબેન નગરશેઠે સંભાળ્યા હતા. વિડીયો અને ફોટોગ્રાફી માટે અનુક્રમે શ્રી. અતુલ કોઠારી અને શ્રી.કેવલ ગાલાએ સાથ આપ્યો હતો.
‘કલાકુંજ’ના ફાઉન્ડર પ્રેસિડેન્ટપદે શ્રી.મુકુંદ ગાંધી, પ્રેસિડેન્ટ પદે શ્રી. રસેશ દલાલ, વાઇસ–પ્રેસિડેન્ટપદે શ્રીમતી ઉમા નગરશેઠ, જનરલ સેક્રેટરી તરીકે યોગિના પટેલ, ખજાનચી તરીકે શ્રી. વિનય વોરા અને એડવાઇઝરી બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે શ્રી. ગોપાલ સવજાની તથા શ્રી. હરેન મથુરિઆ કાર્યશીલ છે. ‘કલાકુંજ’ ભવિષ્યમાં પરફોર્મીંગ આર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય કળા–સંસ્કૃતિ જેવી કે શેરી–ગરબા, ગરબી, ભવાઇ, એકપાત્રીય અભિનય, રાજ્ય કક્ષાએ એકાંકિ નાટ્યસ્પર્ધાઓ અને નાટ્યમહોત્સવો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા માટે આયોજન કરી રહી છે.
આપના પ્રતિભાવો આપવા માટે આપ કલાકુંજના ઇ–મેઇલ kalakunj.usa@gmail.com પર અથવા સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. રસેશ દલાલના ઇ–મેઇલ એડ્રેસ rasdep@gmail.com પર પણ સંપર્ક સાધી શકો છો.