BLOOD PRESSURE Drama Picture
ગયા મહીને એટલે કે જુલાઈ ૨૦૧૧માં, જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના નાટ્યગ્રુહમાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ ઓફ ઈન્ડીયા ( FFOI )ના ઉપક્રમે,સંગીતા શાહ નિર્મિત અને ઇમ્તિયાઝ પટેલ લિખિત અને દિગ્દર્શીત નાટક ‘મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી’ લગભગ આઠસો પ્રેક્ષકોની હાજરીમાં ભજવાઈ ગયું.
બે દીકરા…બે વહુઓ…એક સાસુ..અને નાની વહુનો બાપ..આટલા મુખ્ય પાત્રો. ઉપરાંત..તાર માસ્તર,ધોબી અને ગણપતિ ઉત્સવ માટે ફાળો ઉઘરાવનાર જેવા ગૌણ પાત્રો- જે એક જ કલાકાર ત્રણ ત્રણ ભૂમિકાઓ વેશ બદલી બદલીને ભજવે..સંયુક્ત કુટુંબમાં કરકસર કરી કરીને ઘર ચલાવવાની વાત પર રચાયેલા આ નાટકમાં ઝી ટીવીની સિરીયલોની જેમ, દેરાણી જેઠાણી અને સાસુનો કલહ ત્રિકોણ છે, નાનકડા કાવાદાવા પણ છે પણ અંતે સાસુની જીત થાય છે અને ખાધુ-પીધું ને રાજ કર્યું એવી વાત છે.
સાસુના પાત્રમાં રજની શાંતારામ સમગ્ર નાટકમાં છવાઈ જાય છે.સ્વ.કલ્પના દિવાન માટે જ લખાયેલી આ ભૂમિકા રજનીબેન સુપેરે ભજવી જાય છે.તેમના એકે એક સંવાદ પર, સ્વ-ઉક્તિઓ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ થાય છે.
નાટકમાં ઘણાં કટાક્ષો છે. ક્રુષ્ણ જન્મોત્સવની ઉજવણી પર કટાક્ષ…ફરાળ કરીને થતી અગિયારસ પર કટાક્ષ… ગણપતિ-વિસર્જનની ઉજવણી પર કટાક્ષ.. ફાળો ઉઘરાવનારાઓ પર કટાક્ષ…
મોંઘવારી પર કટાક્ષ.. .અજમેરી બાબા પર કટાક્ષ…એમ ઘણાબધા કટાક્ષો પર હાસ્ય-નિષ્પન્ન થયું છે.
કેટલાક સચોટ સંવાદો પણ આ નાટકમાં છે જેના પર પ્રેક્ષકો મન મૂકીને તાળીઓની ખંડણી આપે છે. જુઓ..આ રહ્યા એ સંવાદોના કેટલાક નમૂના-
‘લગ્ન પહેલાં નારી અબળા હોય છે.લગ્ન પછી નર નબળા થઈ જાય છે.’
‘માંગનાર એની ઔકાત પ્રમાણે માંગે. આપનારે એની હેસિયત પ્રમાણે આપવું જોઇએ.’
‘અક્કલ બદામ ખાવાથી ન આવે- ઠોકર ખાવાથી આવે.’
‘સિંહની સવારી કરવી જ પડે તો સમતોલન પોતાના બચાવની ગુરુચાવી છે.’
-કહેવાની જરુર નથી કે આ બધા જ સંવાદો સાસુ-રજની શાંતારામ-ના મુખે જ બોલાવેલા છે.રજનીબેનના અભિનયમાં પ્રેક્ષકોને ક્યારેક લલિતા પવાર, ક્યારેક સ્વ.કલ્પના દિવાન તો ક્યારેક મેડમ માયાવતી પણ દેખાય છે. મોટા દીકરાની વહુ-હીનાવહુ-ના પાત્રમાં પરીંદા પટેલ અને નાના દીકરાની વહુ-પ્રેમાવહુ-ના પાત્રમાં શીતલ અંબાણી રજની શાંતારામને અભિનયમાં સારી એવી ટક્કર આપે છે. બે દીકરા-અલકેશ અને દીપેશ-ના પાત્રોમાં જીગર બુંદેલા તથા ભાવેશ ઝવેરી પણ પાત્રોચિત અભિનય કરી જાય છે. નાની વહુના બાપ-ધનેશભાઇ-નો રોલ કરનાર કલાકાર શ્રી.કુકુલ તારમાસ્તરે ધોબી,અને ગણપતિનો ફાળો ઉઘરાવનાર બબ્બનની ભૂમિકાઓ પણ સફળતાપુર્વક ભજવી હતી.
જો કે સમગ્ર નાટક તો હતું રજની શાંતારામનું જ.
છેક ૧૯૯૫થીએ હ્યુસ્ટનમાં ‘ફોઈ’ નામે ઓળખાતું FRIENDS AND FAMILIES OF INDIA ગ્રુપ ગુજરાતીઓમાં કાર્યરત છે. આ ગ્રુપના કર્તાહર્તા કીર્તીભાઇ પટેલ અને માનાજી ઠાકોર નામના બે સેવાભાવી સજ્જનો અને તેમને સહકાર આપનાર ગિરીશ નાઈક, મહેન્દ્ર દેસાઇ, અરુણ બેન્કર, અને તેમના અન્ય મિત્રો જ છે.એમની કોઇ ઓફીસ નથી, સંસ્થાનું કોઇ મકાન નથી, કોઇ હોદ્દેદારોની પોસ્ટ નથી.નવરાત્રિ પ્રસંગે ગરબા, દીવાળી ડીનર, નવા વર્ષની ઉજવણી જેવા બેચાર પ્રસંગો અને સારા સારા એકાદ-બે નાટકોનું આયોજન કરી, ખુબ જૂજ દરે ટીકીટો વેચીને ખર્ચો કાઢી લે છે.ગરબા વખતે પણ લોકલ કલાકારો અને લોકલ વાદ્યવ્રુંદ જ. સિરીયલ્સના કલાકારો અને મોંઘાદાટ હોલના ભાડાના ખર્ચા નહીં. સંસ્થામાં કોઇ હુંસાતોંસી નહીં. કોઇ ચુંટણી,કોઇ આક્ષેપો-પ્રતિઆક્ષેપો..કશું જ નહીં. અરે…પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરવા માટેનો કોઇ ચાર્જ પણ નહીં. ખર્ચો કાઢવા માટે પાંચ-સાત ડોલર જેવી જૂજ પ્રવેશ ફી માત્ર. હ્યુસ્ટનની અન્ય સંસ્થાઓના દીવાળી-ડીનર કરતાં ‘ફોઈ’ના ડીનરની સુરતી વાનગીઓ હંમેશાં વખણાય.
‘ફોઇ’ ગ્રુપને આવું સરસ નાટક રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
માહિતી સૌજન્ય અને તસ્વીરો- શ્રી. નવીન બેન્કર
સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા પ્રતિભા રાવલ નાટકો કરતા હતા ત્યારે હું રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા, સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.
આ પ્રતિભા રાવલે લગભગ ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.
ઘનશ્યામ દેસાઇના પત્ની, પૈસા, ધનદોલત, મોટર, બંગલા, નોકરચાકર અને વૈભવના મોહમાં, પતિની ગરીબી અને કલાનો ઉપહાસ કરીને એક શ્રીમંત સાથે નાસી જાય છે. ઘનશ્યામ દેસાઇ નોકરી અને ગામ છોડીને દૂર આવીને વસે છે, જ્યાં તેમની પાછલી જિન્દગીને કોઇ જાણે નહીં અને કોઇ ઓળખે નહીં.સંગીતના ટ્યુશનમાંથી જે પૈસા મળતા તેમાંથી બન્ને સંતાનોનો ઉછેર કરવા લાગ્યા. તેમના જીવનમાં આશાવરી નામની શિષ્યા આવી અને પરોક્ષ રીતે સંતાનોના ઉછેરમાં મદદ કરતી રહી. એક પરિણીત સ્ત્રી ,પોતાના સંતાનોને છોડીને ભાગી ગઈ અને બીજી અપરિણીત સ્ત્રીએ તેના સંતાનોને સંભાળી લીધા.
સંગીતકાર ઘનશ્યામ દેસાઇની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. ઘનશ્યમભાઇના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે. દીકરી સરિતા ( રુહીન ઘોરી )નું સગપણ , મીસ્ટર પરીખ ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર (પૂરબ મહેતા) સાથે થવાનું છે. સંગીતકાર ઘનશ્યામ દેસાઇને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી આવે છે.જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ. ઘનશ્યામ દેસાઇના બન્ને સંતાનોના લગ્ન થઈ જાય છે એ પછી ઘનશ્યામ દેસાઇ આશાવરીને ઘેર લાવે છે અને સંતાનોને તેનો પરિચય કરાવતા જણાવે છે કે આશાવરીએ પત્ની અને માતા તરીકેની ફરજ અદા કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી છે. પરંતુ, ફરજ બજાવનાર પિતા અને ત્યાગમૂર્તિ આશાવરીનો સંબંધ સંતાનોને સ્વીકાર્ય ન હતો.
કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, ઘનશ્યામ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.
પ્રેમી ઘનશ્યામના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવલ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. ઘનશ્યામ દેસાઇના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.
નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.
જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો. કુમુદ રાવલ અને પ્રતિભા રાવલની અટક માં જ સામ્ય છે. બાકી ધે આર નોટ રીલેટેડ.
બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !
નવીન બેન્કર ફોન નંબર-૭૧૩-૮૧૮-૪૨૩૯ ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )
ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-
ગુજરાતી સાહિત્યના નીવડેલા, જાણીતા, ૪૭ જેટલા નાટ્યલેખકોના એકાંકી નાટકોના ત્રણ સંગ્રહો, હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં મને જોવા મળ્યા.
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે રઘુવીર ચૌધરી અને રતિલાલ બોરીસાગર જેવાના સંપાદનમાં આ ત્રણ ખજાનારુપ, જાણીતા અને વારંવાર ભજવાઇ ચૂકેલા એકાંકી નાટકોના સંગ્રહ પ્રસિધ્ધ કર્યા છે.
હ્યુસ્ટન જેવા શહેરમાં, કોઇ પ્રસંગે, કોઇ સંસ્થા, એકાંકી નાટકો ભજવવા માંગતી હોય છે અને ‘સારુ એકાંકી ક્યાં છે‘ની તપાસ શરુ થઈ જતી હોય છે એવા સમયે આ ત્રણ પુસ્તકો મદદરુપ થઈ શકે તેવા છે.
અત્યારના સમયમાં, ઘણા બધા કલાકારોને લઈને નાટકની પ્રેક્ટીસ કરવા માટે ભેગા થવું-એ મૂશ્કેલ અને ખર્ચાળ કામ છે. એટલે એક ઘરમા પતિ-પત્ની બન્ને કલાકાર હોય અથવા એકાદ ખાસ મિત્ર કે પાડોશી નાટ્યપ્રવ્રુત્તી પ્રત્યે અભિરુચી ધરાવતા હોય તો, બે કે ત્રણ જ પાત્ર ધરાવતા, ૩૦ મીનીટના એકાંકીઓ પણ મને આ સંગ્રહોમાં વાંચવા મળ્યા. આવા કેટલાક નાટકોની એક નાનકડી સુચી અહીં લખું છું.
એકાંકીનું શિર્ષક લેખક પાત્રોની સંખ્યા
સ્ટેશન માસ્તર ધનસુખલાલ મહેતા બે પુરુષ અને એક સ્ત્રી
ઝાંઝવા યશવંત પંડ્યા એક પુરુષ અને બે સ્ત્રી
વન્સમોર ચુનીલાલ મડીયા ચાર પુરુષ પાત્રો
ઇલાજ વિનોદ અધ્વર્યુ એક સ્ત્રી અને ત્રણ પુરુષ
ચાલો, ઘર ઘર રમીએ જ્યોતિ વૈદ્ય એક પુરુષ- એક સ્ત્રી.
હુકમ, માલિક ચિનુ મોદી બે પુરુષ પાત્રો
અદાલતે ગીતા મુકુંદરાય પંડ્યા ત્રણ પુરુષ પાત્રો
કાહે કોયલ શોર મચાયે લાભશંકર ઠાકર એક પુરુષ અને એક સ્ત્રી
સ્મશાન સર્વીસ નિરંજન ત્રિવેદી બે પુરુષ પાત્રો
આપણું એવું મધુ રાય એક પુરુષપાત્ર સ્ટેજ પર અને
બીજું પાત્ર નેપથ્યમાંથી ટેલીફોન પર.
લોહી વરસતો ચંદ્ર મહેશ દવે એક પુરુષ-એક સ્ત્રી.
ટેલીફોન હસમુખ બારાડી એક પુરુષ-એક સ્ત્રી
દીવાલ સુભાષ શાહ બે પુરુષ-એક સ્ત્રી
ઘર વગરના દ્વાર રવિન્દ્ર પારેખ બે પુરુષ-એક સ્ત્રી
હેરપીન ઉત્તમ ગડા એક પુરુષ- એક સ્ત્રી.
સ્પર્શ સોનલ વૈદ્ય એક પુરુષ- એક સ્ત્રી.
( મહેમાન કલાકારો-નર્સ, વોર્ડબોય)
સામગ્રી-સ્ટ્રેચર.
આ નાટકો વાંચતાં વાંચતાં મારી દ્રષ્ટી સમક્ષ આપણા હ્યુસ્ટનના મુકુંદભાઇ ગાંધી, હેમંત ભાવસાર, ઉમાબેન નગરશેઠ, નિતીન વ્યાસ, ફતેહ અલી ચતુર, રક્ષાબેન પટેલ, દેવિકા અને રાહુલ ધ્રુવ જેવા કલાકારો તરવરતા રહ્યા હતા. હું જુવાન હતો ત્યારે કોઇ સારી નવલકથા વાંચુ ત્યારે એની પટકથા મારા માનસપટ પર અંકાવા લાગતી અને હું શેખચલ્લી બનીને વિચારતો કે જો હું આ કથા પરથી ફિલ્મ બનાવું તો આ પાત્રમાં સંજીવકુમાર, આ પાત્રમાં હેમા માલિની, આ પાત્રમાં બિન્દુડી (!) લઉં અને…પછી એ કથાને મારા મનમાં ભજવાતી જોતો. કહેવાની જરુર નથી કે એમાંના એકાદ પાત્રમાં હું મને ય ગોઠવી દેતો. અને બિન્દુ કે મુમતાઝ સાથેના પ્રણયદ્રશ્યો મનમાં ભજવતો. શ્રીરામ…શ્રીરામ….
ન્યુયોર્કના જાણીતા કલાકારો જલ્દી મારા માનસપટ પર નથી આવતા કારણ કે ઘણાં વર્ષોથી મેં આર.પી. શાહ, ભારતીબેન દેસાઇ કે રક્ષાબેન પંડ્યાને જોયા નથી. ઍટલે એમના ચહેરાઓ મને યાદ નથી આવતા. બાકી એ લોકો પણ સુપર્બ કલાકારો છે.
થોડા વર્ષો પહેલાં, હ્યુસ્ટનના વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય હવેલી)ના ઉપક્રમે એક એકાંકી નાટક ભજવાવાનો પ્લાન થયેલો અને મેં યુવાન કલાકારોને લઈને પ્રેક્ટીસ પણ શરુ કરાવેલી ત્યારે પણ આવા જ કોઇ નાટકનું થીમ હું પણ શોધતો હતો.
આ લેખ હું કેટલાક નાટ્યપ્રેમી મિત્રોને મોકલી રહ્યો છું.
મિત્રો, સારા નાટકો શોધવા માટે તમારે સાંજે જોબ પરથી છૂટ્યા બાદ અગર કોઇ શનિવારે ૫૦૦, મીકીની સ્ટ્રીટ પર ડાઉનટાઉનમાં આવેલી આ ભવ્ય લાયબ્રેરીની મુલાકાત લેવી જરુરી છે.ત્યાં, ફોરેઇન સેક્શનમાં, ગુજરાતી પુસ્તકોના ઘોડા પરથી આ પુસ્તકો શોધવાના. આ દેશમાં એટલી સરસ વ્યવસ્થા છે કે માત્ર તમારું ડ્રાયવર લાયસન્સ કે ફોટા સાથેનું કોઇ અધિકૃત ઓળખપત્ર બતાવો કે વિનામુલ્યે, ડીપોઝીટ વગર તમને પુસ્તકો આપે અને એ પુસ્તકો પાછા તમે શહેરની કોઇપણ લાયબ્રેરીની બ્રાંચમાં જમા કરાવી શકો. લાયબ્રેરીના દરવાજે મેટ્રોની છ બસો પણ આવે છે. હું પાર્કીંગના પૈસા બચાવવા, આ સિટી બસની ફ્રી સર્વીસનો જ લાભ લઊં છું. ( ફ્રી સર્વીસ માત્ર અમારા જેવા સીત્તેર વટાવી ગયેલાઓને જ મળે છે. બાકી સવા ડોલર ટીકીટ લાગે.)
હું, અઠવાડીઆના ત્રણ થી ચાર દિવસ, ચાર ચાર કલાક આ લાયબ્રેરીમાં વીતાવું છું પણ આજસુધીમાં મને એકેય ગુજરાતી વાંચક ત્યાં જોવા મળ્યો નથી.
શ્રીરામ..શ્રીરામ…
કોઇને કોઇ પ્રશ્ન હોય અથવા વધુ માહિતી જોઇતી હોય તો મારો, ઈ-મેઈલ મારફતે સંપર્ક સાધી શકે છે. મોટેભાગે હું લાયબ્રેરી કે મૂવી થિયેટરમાં સમય ગાળતો હોઉં એટલે ઘરના ફોન પર મળું નહીં અને સેલફોન ઉપાડવાની આદત નથી.ચાલુ કારે, થિયેટરમાં, મીટીંગમાં સેલફોન ઉપાડતો નથી. બેસ્ટ વે ટૂ કોન્ટેક્ટ મી ઇઝ ઇન્ટરનેટ.
કીસી ઝમાનેમેં હમને, હ્યુસ્ટનમેં, ફિલ્મ ‘શોલે‘ કી સ્કીટ કી થી, જિસમેં આપકા યે દોસ્ત નવીન બેન્કર ‘કાલીયા‘ બના થા ઔર ડાયલોગ બોલતા થા –‘સરદાર,મૈંને આપકા નમક ખાયા હૈ‘
ઔર ગબ્બરસિંહ ( ગિરીશ નાયક ) કહેતા હૈ- ‘ તો અબ ગોલી ભી ખા ‘.ઔર…ઉસકી ગોલી ખાકર મૈં -યાનિ કાલિયા- ગિર જાતા થા.
કાલિયા- શ્રી,નવીન બેન્કર
બસંતી- શ્રીમતી કીની
વીરુ – શ્રી.રાજુ ભાવસાર
ગબ્બરસિંહ- શ્રી. ગિરીશ નાયક (FFOI વાળા)
‘કાલિયા‘ કે પ્રોડ્યુસર ઔર ડાયરેક્ટર થે માસ્ટરજી યાનિ કી શ્રી.ઇન્દ્રવદન ત્રિવેદીજી-‘ગુરુજી‘
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.