એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2012 » July

હ્યુસ્ટનમાં ગઝલના અભિસારની રાત- ૬,જુલાઇ૨૦૧૨

July 18th, 2012 Posted in અહેવાલ

છઠ્ઠી જુલાઇને શુક્રવારની એ રાત ગઝલના અભિસારની રાત હતી.

એ રાત હતી હૈયે પ્રેમ માર્દવના આવિષ્કારની રાત….

એ રાત હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની રાત…

એ રાત હતી દર્દે ગમની આંચે શેકાઇને જીવનના રુપને પાકીઝગી બક્ષવાની રાત….

—–હમ તુમ રેડીયો ૧૪૮૦ AM KQUE અને દુઆ ટીવી 28.2 KUGB ના ઉપક્રમે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે બદલતે મૌસમશિર્ષક હેઠળ હિન્દી-ઉર્દુ ગઝલોનો એક અતિભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો. ગઝલગાયક હતા જી.એસ.ચંદ્રા.તેમને તબલા પર સાથ આપ્યો હતો ઉસ્તાદ તારેક અલી ખાં સાહેબે,સારંગી પર પંડીત રમેશ શર્માજી,ફ્લ્યુટ પર અને ઇલેક્ટ્રીક ઓર્ગન પર હતા ખૂબસુરત યુવાન કલાકાર અનીસ ચંદાની સાહેબ. લકીશા નામની એક ગાયિકા અને મોડેલે પણ શોભામાં અભિવ્રુધ્ધી કરી હતી.ઉસ્તાદ તારીક અલી ખાં સાહેબને પાકિસ્તાની પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળેલો છે.સારંગીવાદક શ્રી.રમેશ મિશ્રાને ભારતમાં પ્રેસિડેન્શિયલ એવોર્ડથી નવાજવામાં આવેલા છે.અનીસભાઇ તો અગાઉ પણ ચાર-પાંચ વખત વિવિધ ગાયકો સાથે બંસરીવાદન દ્વારા હ્યુસ્ટૉનિયનોના મન મોહી ચૂક્યા છે.

કાર્યક્રમની શરુઆતમાં શ્રી. દુરાની સાહેબે પોતાના આગવા અંદાઝમાં કલાકારોનો પરિચય કરાવ્યો. દુઆ ટીવી વાળા સંગીતાબેન દુઆએ આયોજકો અને ઉપસ્થિત રહેલા શ્રોતાઓનું અભિવાવદન કર્યું હતું.

કલ ચાંદનીકી રાત થી,

કુછને કહા,ચાંદ હૈ, કુછને કહા ચહેરા તેરા..

હમભી વહીં મૌજુદ થે, હમસે ભી સબ પુછા કિયે,

હમ હંસ લિયે હમ ચૂપ રહે, મંજુર થા પરદા તેરા……

         ********

થોડીસી જામ પી લી હૈ

ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી….

*******

જગજીતસીંઘની આહિસ્તા…આહિસ્તા..‘ 

ઔર ન જાને કિતકિતની ગઝલેં પેશ હુઈ…તીન ઘંટે તક એક હી ગઝલકાર ગાતા ગયા..બસ..દિલ ખોલકર ગાતા ગયા…ઔર..શ્રોતાલોગ દાદ પર દાદ દેતે ગયે…વાહ..વાહ..ક્યા ખૂબ..ઇર્શાદ..ઇર્શાદ…

ચંદ્રાસાહેબના સ્વરમાં જે સમ્રુધ્ધી હતી, લચક હતી, જે માર્દવ અને મીઠાશ હતા એ, એટલું તો અભુતપુર્વ હતું કે જેણે એ મહેફિલ માણી હોય એ જ સમજી શકે.

જે જે ગઝલો રજૂ થઈ તેમાં વિષય, ભાવ,વિચાર,રીતિ, નિરુપણ પરત્વે ગઝલગાયક શ્રી. ચંદ્રા સભાન રહ્યા જણાતા હતા.એમની એ સભાનતા  એમની ગાયકીમાં વાસ્તવલક્ષી સમજને કારણે જણાઇ આવતી હતી. એમની ગાયકીમાં, પ્રણયની, પ્રક્રુતિની,સાંપ્રત વિષયપરિસ્થિતીની, જીવનના ઉલ્લાસની, વેદનાની એમ તમામ વિષયો અને વિચારોનું નિરુપણ થયું હતું. રજૂ થતી દરેક રચના કશુંક નવું પ્રગટાવતી હતી અને ગઝલોને માણવાનો ભાવકોને અવસર મળતો હતો.સત્વ અને વૈવિધ્યની દ્રષ્ટીએ રજૂ થયેલી ગઝલોની સમ્રુધ્ધી ભાવકના મન અને હ્ર્દયને સ્પર્શી જતી હતી.

સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.

રાત્રે બાર વાગ્યે મદહોશ વાતાવરણમાં મહેફિલ બરખાસ્ત થઈ હતી.

આ કાર્યક્રમ   MASS  માટેનો ન હતો-   CLASS  માટેનો હતો એટલે સ્વાભાવિક રીતે પ્રેક્ષકો-શ્રોતાઓની હાજરી પાંખી હોય.

આવો સુંદર કાર્યક્રમ હ્યુસ્ટનની ગઝલપ્રેમી જનતા સમક્ષ રજૂ કરવા બદ્લ હમતુમ રેડિયો અને દુઆ ટીવીના સંચાલકો પ્રશંસાને પાત્ર છે.     અસ્તુ…

નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

सब कुछ सीखा हमने,ना सीखी होशियारी…

July 6th, 2012 Posted in અનુભૂતિ

અધ્યાત્મ અને અગમનિગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક

સંસ્ક્રુત શ્લોકો,સુભાષિતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નિષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો

-એકટરો-ભોળા ધાર્મિક અંધશ્રધ્ધાળુઓને  આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને

એમના મંદીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં -હાટડીઓમાં- ફોટા મૂકીને પૂજા-આરતી શરુ કરે,પછી

પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠા કરે. અને પછી તો બસ…દાનપેટીઓમાં આવતા 

 ડોલરોની નોટો જ ગણવાની હોય તેમને. કોઇને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઇને સાંઈબાબાનો

અવતાર…આવા તો ઘણા તૂત ચાલે છે હિન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના.

હમણાં એક નવુ તૂત જાણવામાં આવ્યું.

ઇન્ડીયામાં બે નંબરના ઢગલેઢગલા નાણાં ભેગા કરનાર બાબાઓ, પરદેશમાં સ્થાયી થયેલા કોઈ જાણીતા

માણસને અનુયાયી બનાવી દે. તેમને પરદેશમાં મંદીર ઉભુ કરવા નાણાં પણ હવાલા મારફતે પહોંચાડે. પેલો

બાજીગર, એ બાબાને કોઇ પ્રભુનો અવતાર ઠઠાડી દઈને એના ફોટાઓ સાથે મંદીર ઉભુ કરી દે.આ બાબા ફલાણા

દેવતા કે દેવીના અવતાર છે અને મનોકામના પૂર્ણ કરે છે. એવી વાતો ફેલાવે. સ્થાનિક છાપાઓમાં પૈસા ખર્ચીને

અહેવાલો છપાવે, રેડીયોવાળાને પણ બોલાવે, પેમ્ફ્લેટો છપાવે અને ગ્રોસરી સ્ટોર્સ પર ચીપકાવે. આરતી-પૂજા

 તો ખરી જ. પ્રસાદ અને મહાપ્રસાદો પણ ખરા. સ્થાનિક હોટલોવાળા ભાવિકભક્તો આ બની બેઠેલા પ્રભુઓને,

આશીર્વાદ મેળવવા, ભોગ માટે ફ્રી પ્રસાદમ પણ ધરે. લોકોને આકર્ષવા માટે ફ્રી મેડીટેશન, ફ્રી યોગાના ક્લાસો

ચલાવે ( ઓફ કોર્સ સ્વૈચ્છીક દાન અચૂક સ્વીકાર્ય હોય જ ). અને…આપણી ભોળી, ધર્મભીરુ બહેનો ( ભાઇઓ

નહીં ! ) કશું મફતમાં તો લે જ નહીં. એટલે દાનપેટીઓમાં દક્ષીણા મૂકે જ. બસ…નોટો છપવાનું મશીન ચાલુ-

ટેક્ષ ફ્રી. કોરપોરેશન બનાવ્યું હોય અને ટેક્ષ-ફ્રી સગવડ મળી હોય તો જેટલા ચેક કે ક્રેડીટ કાર્ડથી નાણા આવે

એનો જ હિસાબ રાખવાનો અને ખર્ચા વધારે બતાવી દેવાના. રોકડેકા માલ હડપ કરનેકા.

પેપર પર તો આવા ગુરુની કોઇ આવક હોય નહીં એટલે અમેરિકન સરકારનું વેલફેર,SSI,મેડીકેર, મેડીકેઈડ, ફૂડ

 કૂપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લૂંગી-ઝભ્ભો પહેરીને ભક્તાણીઓને માથે હાથ મૂકીને આશીર્વાદો

આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલા કેળાં,મેવા-મીઠાઇઓના પેકેટો આરોગવાના અને

 મંદીરના ખર્ચે જ એરકન્ડીશન,પંખાનો ઉપયોગ કરવાનો. આવેલા નાણાંમાંથી એર-ઇન્ડીયાની ટ્રીપો પણ

મરાય. ખર્ચા ધર્મસ્થાપનાય ઉધારી દેવાય. હા ! તમારે તમારુ જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને

મેડીકેર -મેડીકેઇડ માટે જ રાખવાનું. બાકી કોઇ પ્રભુકે દેવતાકે કંઇક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ

નામ ચલણમાં મુકવાનું. કેસ-બેસ થાય કે ઉઠમણૂં કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા પ્રભુને

શોધતા !!! આ  બાબતમાં આપણા દેશીઓને શીખવવાનું ન હોય. બિઝનેસકાર્ડ પર ડેની‘,’ કેલી‘, ‘માઇક‘,

રોબર્ટલખતા  ડાહ્યાભાઇ,કાંતાબેન,મણીલાલ અને રસિકલાલને આપણે રોજબરોજ મળતા જ હોઇએ છીએ ને !

ઇન્ડીયાથી આવતી વખતે કોમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્ક્રુતનું કામચલાઉ જ્ઞાન મેળવી ને આવવું જોઈએ.

પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોના ઉદાહરણો, ટૂચકાઓ, સંસ્ક્રુતના શ્લોકો અને થોડી

હાજરજવાબી બસ છે. પુષ્ટીમાર્ગીય વલ્લભકુળના બાળકો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો કે નાણાવટી

 ગુરુવર્ય જેવા ખરેખરા વિદ્વાનોથી દૂર રહેવું.તેઓની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી

પડી જાય !!!!

આંખ અને કાન ખુલ્લા રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને

 ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો.  મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય.

એક જ જવાબ તમને મળશે કે-આ તો શ્રધ્ધાની વાત છે. તમને શ્રધ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને..એ તો

 પ્રભુની તમારા પર ક્રુપા થાય તો જ તમને શ્રધ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રેશનાલિસ્ટમાં ખપાવીને

 ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઇ ! મારી પર ગુરુજીની ક્રુપાદ્રષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ….

શ્રીરામ…શ્રીરામ…. સબકુછ સીખા હમને, ના સીખી હોંશીયારી….સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈ અનાડી……

સસ્પેન્સ થ્રીલર નાટક ‘હેરાફેરી’ – અવલોકન

તારીખ ૨૯ જુને, હ્યુસ્ટનના જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી. દિલીપ રાવલ લિખિત અને શ્રી.રસિક દવે અભિનીત-દિગ્દર્શિત કોમેડી-થ્રીલર હેરાફેરી‘  ભજવાઇ ગયું. લાગે છે કે શ્રી. રસિક દવેને હેરાફેરીશબ્દ ફળ્યો છે. ચારપાંચ વર્ષ પહેલાં, ‘હૈયાની હેરાફેરીનાટકનું દિગ્દર્શન તેમણે કરેલું અને એ નાટક પણ સફળ રહ્યું હતું.

હેરાફેરી‘  એક કોમેડી સસ્પેન્સ થ્રીલર છે. પરકાયાની હેરાફેરી..પરમાયાની હેરાફેરી…આત્માની હેરાફેરી..તકદીરની હેરાફેરી…

અહીં પણ પતિ,પત્ની ઔર વોની જ કથા છે. પ્રેયસીના નામે માલમિલ્કત, પૈસાટકાનું વસિયતનામુ લખી આપીને તથા પત્ની પાસેથી છેતરપીંડીથી છૂટાછેડાના કાગળ પર સહી કરાવી લઈને, એ જ રાત્રે હાર્ટએટેકથી અવસાન પામેલા પતિની જાળમાંથી બહાર નીકળવા મથતી પત્ની અને પત્નીનો ભાઈ રાજેન, પરકાયા પ્રવેશના જાણકાર એવા રમતારામ બાપુ પાસે જાય છે. આ બાવો મ્રુત શરીરમાં પરકાયાપ્રવેશ કરીને પેલું વીલ ફાડી નાંખવામાં તો સફળ થાય છે પણ પછી કથામાં નાટ્યાત્મક વળાંક ( TWIST ) આવે છે જે સૌને સ્તબ્ધ કરી મૂકે છે. એ પછી પણ બીજા બબ્બે વણાંકો આવે છે અને આ નાટકને ખરેખર સસ્પેન્સ થ્રીલરની કક્ષામાં લઈ જાય છે. લેખક અહીં રસ પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને તેને પ્રેક્ષકોનો સાચો પ્રતિભાવ સાંપડે છે.એમાં દિગ્દર્શક રસિક દવેની સફળતા છે.રસિક દવે અવિનાશ વૈશ્નવી નામના સફળ શ્રીમંત બિઝનેસમેન અને અલગારી અલખ નિરંજની બાવાની બેવડી ભૂમિકા સૂપેરે ભજવી બતાવે છે.બન્ને પાત્રોની વિરોધાભાસી લાક્ષણિકતાઓને તખ્તા પર સ્વાભાવિકતાપુર્વક જીવંત કરી જાય છે.

અવિનાશની પત્નીનું પાત્ર ભજવતા બહેન છાયા વોરાની કાયા ભલે ભારે હોય પણ પાત્રને અનુરુપ જીવંત અભિનયથી પ્રેક્ષકોને હળવાફુલ રાખી શકે છે.

મહેશ ઉદ્દેશી અને લોપા શાહ પણ પાડોશી-દંપતિના પાત્રોમાં, પ્રસંગોપાત આવનજાવન કરીને હાસ્ય પુરુ પાડે છે.

કશ્યપ દેસાઇ પણ ડોક્ટર અને ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં પ્રસંગોચિત અભિનય કરી જાય છે.

આશીષ જાની ક્યારેક સોલિસીટર, ક્યારેક નંદન નામનો નોકર, ક્યારેક સાધુ જેવી ભૂમિકાઓમાં વેશપરિવર્તન કરી કરીને હાજરી પુરાવી ગયા.

અવિનાશના સાળા રાજેનના પાત્રમાં કોમેડી એક્ટરશ્રી. હરેશ પંચાલ પણ વિવિધ ફિલ્મી એક્ટરોની મીમીક્રી કરીને હળવી પળો પુરી પાડી ગયા.

નિષ્પન્ન થતા હાસ્યનો વ્યક્તિગત હિસ્સો જો ફાળવવાનો હોય તો શ્રી. હરીશ પંચાલને જ એનું શ્રેય આપવું રહ્યું.

પૂજા દમણીયા પણ સેક્રેટરી કમ પ્રેયસીની ચિત્તાકર્ષક ભૂમિકામાં ગ્લેમરસ રોલ ભજવી ગયા.

ઝડપી કાર્યવેગ, સંવાદોમાં સાતત્ય અને તેની અભિવ્યક્તિમાં સમયસુચકતા તથા દરેક પાત્રના મુખના ભાવો તેમ જ આંગિક અભિનય પરના પ્રભુત્વને   કારણે  આ નાટક રસ જાળવી રાખવામાં સફળ રહે છે. આખુ નાટક સાદ્યંત દિગ્દર્શક રસિક દવેના કાબુમાં રહે છે.સંવાદોની અભિવ્યક્તિ કે ચહેરાના હાવભાવમાં મુખ્ય ચારે ય પાત્રો ખુબ અસરકારક રહ્યા.

મને યાદ છે ત્યાં સુધી રસિક દવેને સૌ પ્રથમ નાટક આંખે કંકુના સુરજ આથમ્યામાં જોયા હતા. એ વખતે આ ફૂટડો ગોરો ગોરો , મીઠુ મીઠુ હસતો યુવાન હિન્દી ફિલ્મોના ભુતપુર્વ અભિનેતા રાજકિરણ જેવો લાગેલો.ત્યારપછી તો ઘણા ગુજરાતી નાટકો, સિરીયલો, ફિલ્મો વગેરેમાં આ કલાકારને અભિનયના અજવાળા પાથરતો જોયો છે. બી. આર. ચોપરાની મહાભારતસિરીયલમાં તેમણે ભજવેલું વસુદેવ (નોટ વાસુદેવ)નું પાત્ર તો અવિસ્મરણીય રહ્યું છે.

આવું સુંદર નાટક હ્યુસ્ટનની ગુજરાતી જનતા સમક્ષ રજૂ કરવા બદલ નમસ્કાર ગ્રુપના શ્રી. રાજેશ દેસાઇને અભિનંદન.

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

નારી ચાલીસા’- કોમેડી નાટક- અવલોકન

નારી ચાલીસા’- કોમેડી નાટક- અવલોકન

 

ગુજરાતી રંગભૂમિ પર વ્યવસાયી નાટકો આપી શકે તેવા નાટ્યલેખકો

નથી એવી ફરિયાદમાં અપવાદ ગણાય એવા લેખકોમાં ભાઇ અશોક

ઉપાધ્યાયનું નામ ગણી શકાય.વ્યવસાયી રંગભૂમિ પર સરળતાથી

 નભી શકે એવું મૌલિક નાટક તે નારીચાલીસા.પ્રેક્ષકોની રુચિ અનુસાર

 નાટકો આપી શકવાની પોતાની સજ્જતા અશોક ઉપાધ્યાયે પુરવાર

 કરી દીધી છે.નાટકના કથાવસ્તુમાં ખાસ કશું નવું નથી.એ જ પતિ-પત્ની…

એમાં વચ્ચે ‘વો’ તરીકે આવતી સેક્રેટરી. રુપાળી પત્ની હોવાં છતાં,

પરનારીની પ્રીતમાં ફસાતા પતિદેવને, મામા અને પત્ની કેવી રીતે

 સીધા રસ્તા પર લાવી દે છે એની કથા કહેતા આ નાટકમાં કેટલીક

રોમાંચક ક્ષણો પણ છે. લગભગ દરેક પુરુષના જીવનમાં  ક્યારેક ને

ક્યારેક  બનતી આવી ઘટનાઓ કે આવી ઉત્કટ ઝંખનાઓ પ્રત્યે લાલબત્તી

ધરતું આ નાટક, જોક્સ અને રમૂજી પ્રસંગોને  કારણે સતત હસાવતું રહે છે.

પુરુષસહજ નબળાઇઓને કેન્દ્રસ્થાને રાખીને, વિવિધ સીચ્યુએશન્સ ઉભી

 કરીને લેખકે રમુજી વાતાવરણ સર્જ્યુ છે. કથાનક અને સંવાદો, ભરપુર

શબ્દરમતને કારણે એકબીજાના પૂરક બનીને  સુંદર પ્રહસન બની રહે છે.

 સ્વાભાવિક રીતે જ નીતીન ત્રિવેદી, ભૂમિ શુક્લ અને અશોક ઉપાધ્યાય

અભિનયમાં  શ્રેષ્ઠ રહે છે.સમીરના પાત્રમાં આ નાટકના દિગ્દર્શક

શ્રી. પરીનભાઇ શાહ પણ પાત્રોચિત અભિનય કરી જાય  છે.બહેરા મામા

 અને મદ્રાસી નોકરની બેવડી ભૂમિકામાં લેખક અશોક ઉપાધ્યાય પણ

પોતાના મુક્ત અભિનયથી પ્રેક્ષકોને ખડખડાટ હસાવી શકે છે. ‘વો’ તરીકે

ધારિણી બાપટ, રચનાની ભૂમિકામાં દમદાર લાગે છે. નાટકની સાઉન્ડ

સીસ્ટમ શ્રી. હેમંત ભાવસાર, શ્રી.અમીત પાઠક અને શ્રી. સંજય શાહે

સંભાળી હતી. લેઉઆ પાટીદાર સમાજના પ્રેસિડેન્ટ શ્રી. અતુલ પટેલ

અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ પરિશ્રમ ઉઠાવ્યો

 હતો. રાધિકા ફિલ્મ્સ એન્ડ વિઝનોટેકવાળા  શ્રી.અજય શાહના પ્રોડક્શનનું

આ નાટક શ્રી. પરીન  શાહે લેઉઆ પાટીદાર સમાજ માટે  હ્યુસ્ટનના

સ્ટેફોર્ડ સિવીક સેન્ટરમાં તારીખ ૩૦મી જુને પ્રસ્તુત કર્યું હતું.

                                                               Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/

Phone No: 713 771 0050

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.