હ્યુસ્ટનમાં ‘પ્રચલિત ગૂર્જર સૂર’ કાર્યક્રમ
c
સંસ્કાર-નગરી હ્યુસ્ટનમાં આમ તો ગીત-સંગીતના કાર્યક્રમો અવારનવાર યોજાતા જ રહે છે અને અહીંના ગુજરાતીઓ પણ આવા કાર્યક્રમોને મનોરંજન માનીને માણવા ઉમટી પડતા હોય છે.
પાંચમી મે ને શનિવારે સાંજે હ્યુસ્ટનના જ એક કવિ, નાટ્યકાર, ગઝલકાર અને ગાયક એવા શ્રી.મનોજ મહેતા અને તેમના ગાયિકા સહધર્મચારિણી કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને લગભગ
સિત્તેરેક જેટલા સાહિત્ય-સંગીતપ્રેમી ભાવકોની હાજરીમાં ‘પ્રચલિત ગૂર્જર સૂર‘ નામનો સુગમ સંગીતનો અતિ સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો.મનોજ અને કલ્પના મહેતા ઉપરાંત મૂકેશ જેવો જ કંઠ ધરાવતા શ્રી. ઉદયન શાહ અને સ્વરકિન્નરી સ્મિતા વસાવડાએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.શ્રી. અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય,બરકત વિરાણી, ગની દહીંવાલા, હરીન્દ્ર દવે, રાવજી પટેલ, આદીલ મન્સૂરિ જેવા ખેરખાંઓની ખૂબ જાણીતી રચનાઓને આ કેળવાયેલા ગાયકોએ પોતાનો કંઠ આપીને શનિવારની સાંજને યાદગાર બનાવી દીધી હતી.
ઉમા નગરશેઠે પ્રાસંગિક વક્તવ્ય અને આવકારવિધી કર્યા બાદ,યજમાન ગાયક શ્રી.મનોજ મહેતાએ નટરાજ સ્તૂતિથી કાર્યક્રમની શરૂઆત કરી અને સ્વરકિન્નરી સ્મિતા વસાવડાએ શ્રી. અવિનાશભાઇની જાણીતી રચના ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો‘રજૂ કરી.મનોજ અને કલ્પનાએ નરસિંહ મહેતાનું ‘વૈશ્નવજન તો તેને રે કહીએ‘ગાયું. મ્રુત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની કોમળતા વર્ણવતી, રાવજી પટેલની ક્રુતિ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા‘મનોજ મહેતાના કંઠે રજૂ થતાં, ઘણા ભાવકોની આંખો ભીંજાઇ ગઈ હતી.ઉદયન શાહના ધીર ગંભીર કંઠે ,અવિનાશભાઇની રચના ‘ ચાલ્યા જ કરું છું‘ તથા બરકત વિરાણીની રચના ‘નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે‘ રજૂ થયા પછી સ્મિતાજીએ ‘રામ તમે સીતાજીને તોલે ના આવો‘ રજૂ કરી હતી.આ ગીત ઘણી સ્ત્રી-ગાયિકાઓને કંઠે સાંભળવાનો મોકો આ લખનારને મળ્યો છે, પણ સ્મિતાજીને કંઠે સાંભળીને તો ધન્યતાનો અનુભવ થઈ ગયો.અવિનાશભાઇના ‘મારે પાલવડે બંધાયો જશોદાનો લાલો‘ સ્મિતાજીના કંઠે રજૂ થતાં,ભાવવિભોર શ્રોતાઓએ તાળીઓના તાલે સાથ આપ્યો હતો.
મનોજ મહેતાએ ગની દહીંવાલા રચિત અને પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વરાંકિત ‘દિવસો જૂદાઈના જાય છે‘ રજૂ કરી હતી શ્રી. મનોજ મહેતાએ. કલ્પના અને મનોજે ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી‘ ગાઇને તો શ્રોતાઓને ભાવવિભોર કરી મૂક્યા હતા.
ત્યારપછી તો…મારી વેણીમાં ચારચાર ફૂલ‘,’પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા‘,નીલગગનના પંખેરુ‘, ‘તારી આંખનો અફીણી‘, ‘નૈને નૈન મળે જ્યાં છાના‘,’ખોબો માંગું ને દઈ દે દરીયો,એવો મારો સાંવરિયો‘. હવે સખી નહીં બોલું, નહીં બોલું રે‘,’સજન મારી પ્રીતડી સદીયો પૂરાણી‘ જેવી રચનાઓનો જાણે સાગર ઉમટ્યો….અને…છેલ્લે..સ્વ. આદીલ મન્સૂરિની અમર રચના‘ નદીની રેતમાં રમતું નગર મળે ના મળે‘ સુધી પહોંચીને કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
કોઇ ગીત કે કવિતા જ્યારે કાગળ પરનું સ્થાન છોડીને કોઇ સારા ગાયકના કંઠથી રેલાય ત્યારે તે સામા માણસને સ્પર્શે છે અને હૈયા સોંસરવું ઉતરી જાય છે. અવિનાશભાઇએ ગુજરાતને ગાતું કર્યું અને પુરુષોત્તમે ગુજરાતને કવિતાને ચાહતું કર્યું .સ્મિતાબેન પાસે ગીતના ઉપાડની એવી તાઝગી છે કે એ ગીત, એકવાર એમના કંઠે સાંભળો પછી એ ગીત તમારા હોઠ પર રમવા માંડે છે.‘હરીન્દ્ર દવેનું ગીત ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા‘ એ આવું જ એક ગીત છે. હ્યુસ્ટનના ગુજરાતી સંગીતપ્રેમી શ્રોતાઓ કાવ્ય, ગઝલ અને સંગીતની થોડી સમજ સાથે શબ્દોને માણી શકે છે.
સંગીતના કોઇપણ કાર્યક્રમમાં ગાયકોને સંગીતનો સથવારો આપવા માટે શ્રી. અમિત પાઠક તો હાજર હોય જ.સુસજ્જ કલાકારોને સુયોગ્ય વાતાવરણ શ્રી. અમિત પાઠકે આપ્યું હતું. થેન્ક્સ અમિત.
યજમાન દંપતીએ મહેમાનોને સ્વાદીષ્ટ ભોજન જમાડીને વિદાય આપી હતી.
મનોજ મહેતા અને તેમના સાથી કલાકારો, ગીત-સંગીતના સથવારે માતૃભાષાની સેવા કરતાં કરતાં મીઠાં મનોરંજન દ્વારા હ્યુસ્ટનના કદરદાન સાહિત્યરસિક શ્રોતાઓના જીવનની કેટલીક પળો પર સૂરીલા હસ્તાક્ષર કરી ગયા.
અસ્તુ…
નવીન બેન્કર
૭ મે ૨૦૧૨
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/
Phone No: 713 771 0050
Phone No: 713 771 0050
2 Comments